કોણ છે એ મહિલાઓ જે ડાકોર મંદિરમાં પૂજાના અધિકાર માટે લડત ચલાવી રહી છે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતનાં યાત્રાધામોમાં પ્રસિદ્ધ એવા ડાકોર યાત્રાધામમાં રણછોડરાય મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓના પૂજાના અધિકાર સંદર્ભનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે.
એક તરફ બે મહિલાઓ નીજમંદિરમાં રણછોડરાયની પૂજાના અધિકારની માગણી કરી રહી છે, જ્યારે બીજી તરફ મંદિર પ્રશાસન મહિલાઓ પાસે આવો કોઈ અધિકાર જ નહીં હોવાની વાત કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, SEVAK FAMILY
તાજેતરમાં આ બે મહિલાએ મંદિરનાં પગથિયાં પર બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને પૂજા માટે પ્રયાસ કર્યો હતો.
તેઓ બે દિવસ સુધી ત્યાં બેસી રહ્યાં હતાં, પરંતુ મંદિર પ્રશાસને તેમને પરવાનગી નહોતી આપી.
આથી સવાલ એ થાય છે કે આ આખો મામલો શું છે અને કોણ છે આ મહિલાઓ જે મંદિરમાં પૂજા માટે લડત ચલાવી રહી છે.

મંદિરમાં પૂજાનો આખો મામલો શું છે?

ઇમેજ સ્રોત, SEVAK FAMILY
અત્રે ઉલ્લેખનીય છે કે ડાકોરનું મુખ્ય નીજમંદિર 1772માં બન્યું હતું એમ કહેવાય છે અને ડાકોરના મંદિર સાથે ભક્ત બોડાણાની કથા-કહાણી જોડાયેલી છે.
ડાકોર યાત્રાધામ ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય હિંદુ મંદિરોની જેમ જ અહીં પણ પૂજારીઓ ગર્ભગૃહની સેવા-પૂજા, આરતી કરે છે, જેમાં એક સેવકગણને આ સેવા-પૂજાનો અધિકાર હોવાનું માનવામાં આવે છે.
આમ વારાફરતી આ સેવકગણમાં સામેલ પરિવારોના વારસદારો (જેમને વારાદારો તરીકે ઓળખવામાં આવે છે) પૂજા કરતા હોય છે અને વારાદારને મળતા લાભો મેળવતા હોય છે.

ઇમેજ સ્રોત, Daxesh shah
આ લાભ પેઢી દર પેઢી વારસદારને મળતો આવ્યો છે. જોકે આ વખતે બે મહિલાઓએ પોતે હકદાર હોવાનો દાવો કરી પૂજાનો પ્રયાસ કરતા મામલો વધુ વિવાદિત બન્યો છે અને પ્રકાશમાં પણ આવ્યો છે.
જોકે તેમણે કાનૂની રીતે પણ કોર્ટમાં લડત આપી છે અને કોર્ટમાં તેનો કેસ પણ ચાલી રહ્યો છે. જોકે મહિલાઓએ હવે લડતને ધરાતલ પર લાવવાની કોશિશ આદરી છે.
અત્રે નોંધનીય છે કે દેશમાં મંદિરોમાં મહિલાઓના પ્રવેશ અને મહિલા પૂજારીઓ સંબંધિત મામલા અત્યંત સંવેદનશીલ અને જ્વલંત મુદ્દા રહ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે આખરે દરમિયાનગીરી કરવી પડી હોય એવાં પણ ઉદાહરણ છે.

કોણ છે આ મહિલા?

ઇમેજ સ્રોત, SEVAK FAMILY
ડાકોર મંદિરમાં કૃષ્ણલાલ સેવકનો પરિવાર 1978 પહેલાંથી જ પૂજા કરતો હોવાનો સેવક પરિવારનો દાવો છે.
કૃષ્ણલાલની બે દીકરી ઇન્દિરાબહેન અને ભગવતીબહેને લડત ચલાવી છે. બંને સેવક પરિવારની દીકરી છે. તેમનો દાવો છે કે તેમના પિતા વંશપરંપરાગત રીતે સેવક તરીકે પૂજા કરતા હતા, આથી તેઓ પણ પૂજા માટે સેવક તરીકે હકદાર છે.
1978માં કૃષ્ણલાલ સેવકના મૃત્યુ પછી તેમણે સેવક તરીકે પૂજા માટેના વારાદારના હક માટે લડત લડી છે. આજ સુધી તેઓ આ લડત લડી રહ્યાં છે.
મંદિર પ્રશાસન અને તેમના વચ્ચેની કાનૂની લડાઈ હાઈકોર્ટ સુધી પણ પહોંચી હતી, જેમાં કેટલાક નિર્દેશો આવ્યા હોવાનું બંને પક્ષોનું કહેવું છે. જોકે બંને પક્ષોનો દાવો છે કે કાનૂની લડાઈમાં તેમનો વિજય થયો છે.

ઇમેજ સ્રોત, SEVAK FAMILY
મંદિર પ્રશાસન એવું પણ કહે છે કે આ સેવક પરિવારનો કૌટુંબિક મામલો છે અને મંદિરના બંધારણ અનુસાર તેમને હક નથી, છતાં જો તેઓ કોર્ટમાંથી તેમને અધિકાર છે તેવો આદેશ લઈ આવશે તો તેમને પૂજા કરવા દેવામાં આવશે.
પરંતુ ઇન્દિરાબહેન અને ભગવતીબહેનનો પરિવાર કહે છે કે કોર્ટે સ્પષ્ટપણે આદેશમાં કહ્યું છે કે મંદિર લિંગભેદ એટલે કે સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ ન કરી શકે અને એટલે તેમણે પૂજા માટે પરવાનગી આપવી જોઈએ.
જોકે અહીં એ જાણવું પણ જરૂરી છે કે આ મામલો મંદિરમાં સામાન્ય દર્શનાર્થીના પ્રવેશ વિશેનો નથી, એટલે કે મંદિરમાં મહિલાઓને પ્રવેશની મંજૂરી છે અને સેવા પણ કરી શકે છે.
વિવાદ એ વાતનો છે કે મુખ્ય ગર્ભગૃહમાં જે સેવકો (પૂજારી) પૂજા કરે છે, તેમાં આ મહિલાઓ અધિકાર માગી રહી છે, જેનો આધાર તેઓ વારાદાર (વંશપરંપરાગત) પ્રથા હોવાનું કહી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, daxesh shah
આ મામલે બીબીસીએ ઇન્દિરાબહેન સેવકના પરિવાર સાથે વાતચીત કરી.
તેમના પુત્ર ચૈતન્ય જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "છેલ્લાં 50 વર્ષોથી મારો પરિવાર લડાઈ લડી રહ્યો છે. કોર્ટમાં મુદતો પડે છે. પણ મંદિર પ્રશાસન સરખો જવાબ નથી આપતું અને વિલંબ કરે છે."
"તેમણે જેટલા નિયમોને કારણે અમને રોક્યા એ તમામના જવાબો અમે લેખિતમાં આપ્યા છે. કોર્ટે પણ અમારી તરફેણમાં વાત કરી છે. છતાં તેઓ માની નથી રહ્યા."
ચૈતન્ય જોશી વધુમાં કહે છે, "અમારાં મૂળ ડાકોરનાં છે. અમારે ત્યાં ઘરો પણ છે. મારાં માતા અને માસી ભગવતીબહેન બંને છેલ્લાં કેટલાંય વર્ષોથી આ રીતે લડી રહ્યાં છે, પણ તેમને ન્યાય નથી મળી રહ્યો. મંદિર પ્રશાસન ખરેખર લિંગભેદ કરી રહ્યું છે."
"પહેલાં અમને એવું કહ્યું કે મંદિર સ્કીમ (મંદિરના નિયમો મામલાનું બધારણ) હેઠળના નિયમ 30 હેઠળ અમને અધિકાર નથી. પછી કહ્યું કે નિયમ 45 હેઠળની જોગવાઈને લીધે અમને અધિકાર નથી."
"પણ અમે બંને નિયમોના ખુલાસા અને અર્થઘટન તથા સ્પષ્ટીકરણો માગ્યાં અને આપ્યાં. છતાં તેઓ મારાં માતા ઇન્દિરાબહેનને પરવાનગી નથી આપતા. એ મારાં માતાનો અધિકાર છે. મૂળભૂત અધિકાર પણ છે કે તમે સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ ન રાખી શકો. છતાં આવું થઈ રહ્યું છે."
"ખરેખર તો અન્ય કેટલીક મહિલાઓ પણ છે જેઓ પણ આશા રાખીને બેઠી છે કે જો મારાં માતાને ન્યાય મળશે તો તેમને પણ આ અધિકાર પ્રાપ્ત થઈ શકે છે. તે ગરીબ અને જરૂરિયાતવાળી મહિલાઓ છે. તેમને આનાથી ઘણી મદદ પણ મળશે."
દરમિયાન તાજેતરમાં જ ઇન્દિરાબહેન અને ભગવતીબહેને મંદિરનાં પગથિયાં પર બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત ગોઠવાતા તેમને પ્રવેશ નહોતો અપાયો અને પૂજા નહોતી કરવા દેવામાં આવી.
તદુપરાંત ચૈતન્ય જોશી વધુમાં જણાવે છે, "મંદિર પ્રશાસન કહે છે કે છેલ્લાં 1200 વર્ષથી મહિલાઓએ પૂજા નથી કરી. એટલે તેમને પૂજા નહીં કરવા દેવામાં આવે."
આ મામલે બીબીસીએ ડાકોર મંદિરની ટેમ્પલ કમિટીના મૅનેજર અરવિંદ મહેતાનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. જો તેમની પ્રતિક્રિયા મળશે તો તેને અહેવાલમાં સામેલ કરી લેવામાં આવશે.

કોર્ટે શું કહ્યું?
વળી બીબીસી સાથેની વાતચીતમાં ઇન્દિરાબહેન કહે છે, "તેમણે 1983 સુધી સતત સેવાપૂજા કરી, પરંતુ 1975ની આસપાસના સમયગાળામાં મંદિર પ્રશાસન દ્વારા મહિલાઓને સેવા-પૂજાનો અધિકાર નથી કહી મનાઈ ફરમાવી હતી. એ સમયે ટેમ્પલ કમિટીએ પણ કેસ કર્યો હતો. જેમાં તે હારી ગઈ હતી."
"જે કેસ નડિયાદ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે મંદિરની સ્કીમ પ્રીવી કાઉન્સિલ દ્વારા 1912માં તૈયાર કરવામાં આવેલ છે જે જોતા સ્કીમમાં ક્યાંય પણ આવી જોગવાઈ નથી કે ડાકોર મંદિરમાં સ્ત્રીઓ દ્વારા સેવા-પૂજા ના થઈ શકે, આથી ઇન્દિરાબહેન અને ભગવતીબહેનને મંદિરમાં સેવા-પૂજા કરતાં રોકી શકાય નહીં."
તેઓ વધુમાં ઉમેરે છે, "હુકમને મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો, જેમાં મંદિર દ્વારા સ્કીમ ચેન્જ કરવા સિવાય સ્ત્રીઓને રોકવાની જોગવાઈ ન હોવાને લીધે સ્કીમ ચેન્જ કરવા માટે અરજી પરત ખેંચી લીધેલ હતી. ત્યારબાદ આજ સુધી મંદિર સ્કીમમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવેલ નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કાનૂની લડત વિશેના સંઘર્ષને વર્ણવતાં ઇન્દિરાબહેન જણાવે છે, "મારા પિતાશ્રીના મૃત્યુ (11-02-1979) બાદ 1979માં મારું લગ્ન થયેલું અને ઘણા સંઘર્ષ બાદ પણ વર્ષ 1983 સુધી શ્રી રણછોડરાયજી મહારાજના નીજમંદિરમાં સેવાકાર્ય ચાલુ રાખેલું, પરંતુ ત્યારબાદ ફરીથી અમને અટકાવવાનું શરૂ થયેલું, જેથી મંદિર સામે વારંવાર માગણીઓ કરેલી તથા મંદિર સામે લડવા માટે મેં જાતે વકીલ બનવાનું નક્કી કરેલ."
"વૈષ્ણવ તથા હવેલી પરંપરાને જોતા સેવાપૂજા તથા ગર્ભગૃહની દેખરેખમાં મોટા ભાગે સ્ત્રીઓ જ કરતી જોવા મળે છે તથા ભારતીય સંસ્કૃતિ કે પરંપરામાં ક્યાંય સ્ત્રી અને પુરુષને સેવાપૂજા કરવા બાબતે ભેદ રાખવામાં આવેલ નથી તે જોતા પણ અમે ફક્ત સ્ત્રી હોવાથી જ ભગવાનની સેવા-પૂજા કરવા ન દે તે ગેરબંધારણીય તથા ગેરવાજબી છે."
"અમારો સેવા-પૂજાનો આવનારો વારો 19 નવેમ્બર 2021 તથા 20 નવેમ્બર 2021ના રોજ છે. અમને આશા છે કે મંદિર મૅનેજર-કમિટી પોતાની જીદ છોડી મહિલાઓને સમાન હક આપી મનસ્વી અર્થઘટનો બંધ કરી મંદિરમાં સેવા-પૂજા કરવા જતા રોકશે નહીં."
અત્રે ઉલ્લેખનીય છે કે ભગવતીબહેન પણ આ મામલે આવો જ મત ધરાવે છે.
વળી સેવક પરિવાર અનુસાર તેમને જે નિયમોના આધારે પૂજા-સેવાથી અટકાવવામાં આવે છે તે વિશે પણ બીબીસીએ જાણવાની કોશિશ કરી.

શું છે નિયમ 30 અને નિયમ 45?

ઇમેજ સ્રોત, Getty Images
ડાકોર મંદિરની 'ડાકોર ટેમ્પલ કમિટી સ્કીમ' 1912 જે મુંબઈ નામદાર હાઈકોર્ટે મુકરર કરેલા રૂલ્સ પરથી તૈયાર થઈ હતી, તેમાં મંદિરની સંસ્થાના સ્થાપિત રિવાજને અનુસરીને સેવક લોકોને દેવની સેવા-પૂજા યોગ્ય રીતે અને નિયમિત કરાવવા બાબતના નિયમો છે.
નિયમ 30 અનુસાર, 'શ્રીગોડ અને ખેડાવાળા સેવકો રણછોડરાય મહારાજની અને ગોપાલલાલ મહારાજની તેમના વારા પ્રમાણે ચાલુ પ્રણાલિકા મુજબ દરરોજ વારાફરતી સેવા-પૂજા કરશે અને તપોવન સેવકો તેમના તાળાની નીજમંદિરની કુંચીઓ પોતાના હવાલામાં રાખશે.
હાલ રિવાજ ચાલુ છે તે મુજબ શ્રીગોડ સેવકો શ્રી રણછોડરાયજી સન્મુખ આરતી ઉતારશે તેમજ રાજભોગ સમયે થતી રાજભોગની તેમજ નેકમાં જણાવેલી ભંડાર તરફથી તમામ સામગ્રી તૈયાર કરી આપશે.'
જ્યારે નિયમ 45 કહે છે, 'કોઈ પણ અપવિત્ર પ્લૅગ, ઇત્યાદિ ચેપી અને ઊડતા રોગોથી બીમાર, સૂતકી, શાસ્ત્રથી, જેને સેવા પૂજા કરવામાં નિષેધ ગણવામાં આવ્યા હોય અથવા નશો કરતા હોય અથવા લોકોમાં નિંદાપાત્ર થાય તેવા રોગોથી પીડાતા હોય તેવા કોઈ પણ સેવક મંદિરમાં સેવા પૂજા કરે નહીં એ જોવાની જવાબદારી સેવક લોકો પર રહેશે.'
'આ પૈકી કોઈ પણ બાબતની મૅનેજરને ખબર પડશે તો તે બાબતની સેવક લોકોના આગેવાનોને ખબર આપશે. અને તેવા સેવકોને સેવા-પૂજા કરતા અટકાવવાની સેવક લોકોના આગેવાનોને ફરજ પાડશે. પરંતુ આવા કોઈ પણ સેવક પોતાની જ્ઞાતીના યોગ્ય સેવકને અવેજી મૂકી પોતાનો વારો સાચવી શકશે.'


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














