પૉલીગૅમી : એ મહિલા જે એકસાથે અનેક પ્રેમીઓ અને પાર્ટનર ઇચ્છે છે
- લેેખક, પૂજા છાબરિયા
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જીવનનાં શરૂઆતનાં વરસોથી જ મુવુંબી નેડજાલામા એક જ વ્યક્તિ સાથે પરણવાની પ્રથા સામે પ્રશ્નો કરતાં હતાં.
તેઓ હંમેશાં માતાપિતાને પૂછ્યાં કરતાં કે શું તમે લોકો બાકીની જિંદગીમાં પણ એકબીજાંની સાથે જ રહેશો?

મુવુંબીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મને લાગતું હતું કે આપણા જીવનમાં આવતા લોકોને ઋતુઓની જેમ બદલતા રહેવું જોઈએ. પરંતુ મારી આસપાસની દુનિયામાં બધી જગાએથી એક જ વ્યક્તિ સાથે સંબંધ રાખવાની વાત શીખવવામાં આવી હતી, ફિલ્મો અને ચર્ચમાં પણ એ જ કહેવાતું હતું, પરંતુ હું એને ક્યારેય પૂરેપૂરું સમજી શકી નહીં."
અત્યારે મુવુંબી 33 વર્ષનાં છે. એમની ઓળખ એવી મહિલાની છે કે જેના એકથી વધુ લોકો સાથે સંબંધો છે અને કોઈ પણ સંબંધમાં તેઓ કોઈ પ્રકારના બંધનમાં નથી. એટલું જ નહીં, તેઓ દક્ષિણ આફ્રિકામાં એવા સમુદાયોનાં હિતો માટે પ્રયત્ન કરતાં રહે છે.
તેમણે જણાવ્યું કે, "અત્યારે મારો એક એન્કર (મુખ્ય) પાર્ટનર છે જેની સાથે હું ઍંગેજ છું અને અમારાં બાળકો પણ છે. મારા બીજા પાર્ટનર્સ અમારી બાબતમાં ઘણા ખુશ છે. મારો મુખ્ય પાર્ટનર લગ્ન કરવા નથી ઇચ્છતો પરંતુ ભવિષ્યમાં હું એવાં લગ્નની કલ્પના કરું છું જેમાં હું એકસાથે અનેક લોકો સાથે લગ્ન કરી શકું. હું લોકો તરફ આકર્ષાઉં છું, પછી ભલે એ કોઈ પણ જેન્ડર (લિંગ-જાતિ)ના હોય."

એક સ્ત્રીને એકથી વધુ પતિ!?

દક્ષિણ આફ્રિકાનું સંવિધાન દુનિયાનું સૌથી ઉદાર સંવિધાન ગણાય છે. અહીં સમલૈંગિક (સજાતીય) લગ્ન ઉપરાંત, પુરુષોને એકથી વધુ પત્ની રાખવાની અનુમતિ છે.
હવે, દેશમાં લગ્નસંબંધી કાયદો સુધારવાની માગ થઈ રહી છે. એમાં એવું મનાય છે કે મહિલાઓને પણ એકથી વધુ પતિ રાખવાની અનુમતિ મળી શકે એમ છે. એની માગ થઈ રહી છે.
જો કે, દેશનો રૂઢિચુસ્ત સમાજ આનો વિરોધ કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર પત્નીઓ ધરાવતા વેપારી એવા એક ટીવીના જાણીતા ચહેરા મુસા મસ્લેકેઉએ જણાવ્યું કે, "આનાથી અમારી આફ્રિકન સંસ્કૃતિને ઘણી મોટી હાનિ થશે. એવા લોકોનાં બાળકોનું શું થશે?, તેઓ પોતાની શી ઓળખ આપશે? મહિલાઓ પુરુષોનું સ્થાન ન લઈ શકે. આવું તો અત્યાર સુધીમાં કોઈએ સાંભળ્યું પણ નથી. શું મહિલાઓ હવે પુરુષોને લોબોલા (નવવધૂને અપાતાં નાણાં) આપશે? શું પુરુષો હવેથી પત્નીની અટક અપનાવશે?"
વિપક્ષી પાર્ટી આફ્રિકી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પાર્ટી (એસીડીપી)ના નેતા રેવરેન્ડ કેનેથ મેશોએએ કહ્યું કે, આ બાબત સમાજને ખતમ કરી નાખશે.
મેશોએ જણાવે છે કે, "એક સમય એવો આવશે, જ્યારે એક પુરુષ પોતાની પત્નીને એમ કહેશે કે તું બીજા પુરુષ સાથે વધારે સમય ગાળે છે, મારી સાથે નથી રહેતી. આનાથી બે પુરુષો વચ્ચે ઝઘડો થશે."

અસ્થિર બની લોકોની આસ્થા

ઇમેજ સ્રોત, Getty Images
મુવુંબીના મતે બહુપત્ની-સંબંધોમાં મહિલાઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.
તેઓ કહે છે કે, "હાલની પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. બહુ બધા લોકોની માન્યતાઓને બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. પેઢીઓથી અત્યાર સુધી, પુરુષો જાહેરમાં અને રાજીખુશીથી એકથી વધુ લગ્ન કરતા રહ્યા છે; પરંતુ, મહિલાઓને એ માટે શરમમાં મુકાવું પડે છે. બીજી પણ ઘણી વસ્તુઓ સીધી કરવી પડશે, સુધારવી પડશે."
પાછલાં દસ વર્ષોમાં મુવુંબીએ જગજાહેર રીતે એકસાથે અનેક લોકો સાથે સંબંધો રાખ્યા છે. આવા લોકો સામુદાયિક રીતે પૉલી કહેવાય છે. પૉલી હોવાનો સીધો અર્થ છે કે એકથી વધુ લોકો સાથે તમારા સંબંધ હોઈ શકે છે અને જે લોકો સાથે તમારો સંબંધ હોય એ બધાને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે અને તેઓ તમને સમર્થન આપે છે.
હાલના સમયે મુવુંબીના બે પાર્ટનર છે, એક, 'એન્કર (મુખ્ય) પાર્ટનર' જેની સાથે તેઓ જોડાયેલાં છે, તેની સાથે રહે છે અને એકબીજાંનો સામાન વાપરે છે; અને એના બીજા પાર્ટનર સાથે એના રોમૅન્ટિક સંબંધો છે, પણ એ એને ઓછું મળે છે.
તેઓ કહે છે કે, "અમે લોકો ટેબલ પૉલીમોરી શૈલીનો અભ્યાસ કરીએ છીએ, જેમાં લોકો એકબીજાંના પાર્ટનર વિશે પણ જાણતાં હોય છે. જરૂરી નથી કે બધાં એકબીજાંને મળે; પરંતુ મારા વિચારથી આવી સ્પષ્ટતા-મોકળાશ હોવી જોઈએ. આદિવાસી સમાજમાં એવું જોવા મળે છે."
શરૂઆતના ગાળામાં પોતાના પરિવારને આ અંગે જણાવવામાં મુવુંબીને શંકા-સંકોચ હતાં, પરંતુ પાંચ વર્ષ પહેલાં એના એક મુખ્ય સાથી મજૂ મ્યામેકેલા ન્હાલાબત્સીની સાથે એના સંબંધ ગાઢ થયા ત્યારે એણે આ સંબંધ વિશે બધાંને જાણ કરવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, "મારો એન્કર પાર્ટનર પણ પૉલી છે અને હું નથી ઇચ્છતી કે મારા પરિવારમાં સંભવિતરૂપે એવા સમયે વિખવાદ થાય જ્યારે એ બીજાં કોઈ સાથી સાથે સાર્વજનિક સ્થળે હોય અને પરિવારનાં લોકો ભ્રમમાં રહે."
"આ એ સમય પણ હતો જ્યારે અમારી દીકરી પાંચ વર્ષની થવા આવી હતી અને હું આ ક્ષેત્રમાં સક્રિય થઈ રહી હતી. હું બહુલગ્નનો પ્રચાર કરવા માટે સ્થાનિક ટેલિવિઝન પર આવી. હું નહોતી ઇચ્છતી કે એમને (પરિવારને) કોઈ બીજા સ્રોત દ્વારા ખબર પડે."
મુવુંબી, તાજેતરમાં જ થયેલી પોતાની સગાઈને યાદ કરે છે, જેમાં એના મુખ્ય પાર્ટનરે લોબોલાની પ્રથાનું પાલન કર્યું હતું. આ પ્રથા અનુસાર એક પુરુષ પોતાની વાગ્દત્તા (ભાવિ પત્ની)ના પરિવારને લગ્ન માટે કેટલીક રકમ આપે છે.
મુવુંબી જણાવે છે કે, "મારા પરિવારે મને એમ પૂછેલું કે, બીજો પુરુષ આવીને લોબોલા ચૂકવે તો તેનો સ્વીકાર કરવો? તો મેં કહેલું કે, એવું બની શકે છે. મારા માટે મારી સચ્ચાઈ સાથે રહેવું જરૂરી હતું, ભલે એ એમને સારું લાગે કે ખરાબ."

પિતૃસત્તા અંગે પ્રશ્નો

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકાના જેન્ડર ઍક્ટિવિસ્ટ સમાનતા અને મહિલાઓ પોતાની પસંદગીનો વિકલ્પ પસંદ કરે એ માટે બહુપતિત્વને કાયદેસર બનાવવાનું અભિયાન ચલાવે છે, કેમ કે, હાલની વ્યવસ્થામાં માત્ર પુરુષોને એકસાથે એકથી વધુ પત્ની રાખવાનો અધિકાર છે.
એમના આ પ્રસ્તાવને એ દસ્તાવેજમાં ઉમેરવામાં આવ્યો છે, જેને 1994 પછી પહેલી વાર, લગ્નસંબંધી કાયદામાં સુધારો કરવા માટે લોકો અભિપ્રાય આપી શકે તે માટે, સરકારે જાહેર કરેલો.
દસ્તાવેજમાં, મુસ્લિમ, હિન્દુ, યહૂદી અને રસ્તાફેરિયન લગ્નોને કાયદેસર માન્યતા આપવાનો પ્રસ્તાવ પણ છે, જેને હાલના સમયમાં અમાન્ય ગણવામાં આવે છે.
મુવુંબી એમ કહે છે કે, પ્રસ્તાવ "એક પ્રાર્થનાનો સ્વીકાર કરવા તરફનો છે" અને બહુપતિત્વના વિષયમાં થઈ રહેલી ચિંતાનાં મૂળ પિતૃસત્તામાં છે.
બહુપતિત્વના બારામાં પ્રખ્યાત ઍકેડેમિક પ્રોફેસર કોલિસ માચોકોએએ અભિપ્રાય આપ્યો કે, "ખ્રિસ્તી ધર્મ અને સંસ્થાનવાદ આવવાના લીધે મહિલાઓની ભૂમિકા ઓછી થઈ ગઈ. તેઓ સમાન નહોતી. લગ્ન પણ સમાજમાં પદાનુક્રમ નિશ્ચિત કરનારા માધ્યમનું એક સાધન બની ગયાં."
એમના મતાનુસાર, ક્યારેક કેન્યા, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો અને નાઇજિરિયામાં બહુપતિનું પ્રચલન હતું અને અત્યારે પણ તે ગૅબૉનમાં પ્રચલિત છે, જ્યાં કાયદો તેની અનુમતિ આપે છે.
એમણે એમ પણ જણાવ્યું કે, "બાળકો અંગેનો જવાબ આસાન છે. એવા સંબંધોથી જે બાળકો જન્મે છે એ પરિવારનું બાળક જ હોય છે."

'આ એક જુદા પ્રકારની લડાઈ છે'

ઇમેજ સ્રોત, Getty Images
મુવુંબીએ પોતાના અગાઉના કેટલાક સંબંધોમાં પિતૃસત્તાત્મક વિશ્વાસનું ઉલ્લંઘન થતું જોયું, ત્યારથી તેના માટે એ પાર્ટનરો સાથે રહેવું આસાન બની ગયું જે સ્વયં પૉલી છે.
મુવુંબીએ સમૃતિને તાજી કરતાં જણાવ્યું કે, "કેટલાક પુરુષ દાવો કરશે કે તેઓ મારા પૉલી રહ્યા ત્યાં સુધી બરાબર હતા, પણ પછી તેઓ બદલાઈ ગયા."
"જ્યાં સુધી મારો પોતાનો પ્રશ્ન છે, એવું નથી કે હું વધારે ને વધારે પ્રેમીઓ રાખવાનો પ્રયત્ન કરું છું. આવો એહસાસ થવાથી કોઈની સાથેના સંપર્ક તપાસવા જેવા છે."
દક્ષિણ આફ્રિકામાં પૉલી લોકોને એકબીજાં સાથે જોડી રાખનારા ઑનલાઇન કમ્યુનિટીમાં મુવુંબીની મુલાકાત એના બે પાર્ટનર સાથે થઈ હતી.
હાલના સમયે તે, દેશમાં ચગડોળે ચડેલી ચર્ચાઓ બાબતે પોતાના પાર્ટનર સાથે મિલક ઓપન લવ આફ્રિકા નામનું એક ઑનલાઇન પ્લૅટફૉર્મ તૈયાર કરી રહી છે. મુવુંબીના મતાનુસાર, એક જ સમયે, નૈતિકરૂપે એકથી વધુ લોકોની સાથે સંબંધોનો પ્રચાર કરવાનો એમનો પ્રયાસ છે.
તેણી જણાવે છે કે, "આ સમુદાયને બ્લૅક લોકોનું વધુ સમર્થન છે, પરંતુ આ સમાવેશી છે, અને આગળ જતાં એનો વિસ્તાર પણ થશે. આ એવા લોકોને માટે ભેટ સમાન છે જેઓ એકથી વધારે લોકો સાથે રાજીખુશીથી સંબંધ રાખે છે. એમને અહીંયાં પોતાના જેવા જ બીજા લોકો મળશે અને ત્યારે એમને લાગશે કે જૂઠું બોલવાની જરૂર નથી."
મુવુંબીની એક પ્રકારની આ ચળવળ અન્ય કોઈ પણ લડાઈથી ઓછી નથી. અને, હમેશાં એવા લોકો પણ હોવાના જે એનો વિરોધ કરશે.
તેઓ જણાવે છે કે, "જ્યારે હું માના ગર્ભમાં હતી ત્યારે મારી માએ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેથી મહિલાઓને પુરુષોની મંજૂરી વગર જ ગર્ભનિરોધક મળી શકે."
"આ વાત ત્યારે એક અલગ લડાઈ હતી; અને હવે, આ - મારે માટે એક અલગ લડાઈ છે."
(આ રિપૉર્ટની પૂરક માહિતીમાં પુમજા ફિહલાનીનું યોગદાન છે.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












