વિધવા મા માટે સ્વનિર્ભર વર શોધતા એક પુત્રની કહાણી

ઇમેજ સ્રોત, GAURAV ADHIKARI
- લેેખક, પ્રભાકર એમ.
- પદ, કોલકાતાથી, બીબીસી ગુજરાતી માટે
"મારે મારી વિધવા મા ડોલા અધિકારી માટે એક યોગ્ય વર જોઈએ છે. હું રોજગાર અર્થે લાંબો સમય ઘરથી બહાર રહું છું. ત્યારે મારી મા ઘરમાં એકલી થઈ જાય છે. મને લાગે છે કે એકલા જીવન વિતાવવા કરતાં દરેકને સારી રીતે જીવન જીવવાનો અધિકાર છે."
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ફ્રૅન્ચ કૉલોનીમાં આવેલું ચંદનનગર જગતદાત્રી પૂજા અને વીજળીના કારીગરો માટે હંમેશા સમાચારમાં રહે છે.
પરંતુ આ વખતે આ વિસ્તારના એક યુવાન ગૌરવ અધિકારીના ફેસબુક પર લખેલી એક પોસ્ટના કારણે સમાચારમાં છે.
આ જ મહિને આસ્થા નામની એક છોકરીએ પણ પોતાની મા માટે 50 વર્ષના યોગ્ય વ્યક્તિની શોધમાં એક ટ્વીટ કરી હતી. એ ટ્વીટ ઘણી વાયરલ થઈ હતી.


ઇમેજ સ્રોત, GAURAV ADHIKARI
આસ્થાએ કહ્યું હતું કે તે પોતાની મા માટે જે વ્યક્તિ શોધી રહી છે તે જીવનમાં સ્થિર અને શાકાહારી હોવી જોઈએ. તે ઉપરાંત નશાની પણ આદત ન હોવી જોઈએ.
પાંચ વર્ષ પહેલાં ગૌરવના પિતાનું અવસાન થયું. ત્યાર બાદ તેમનાં 45 વર્ષનાં માતા ઘરમાં એકલાં થઈ ગયા. પરંતુ આખરે તેમણે આ પોસ્ટ કેમ લખી?
ગૌરવ જણાવે છે, "મારા પિતા કુલ્ટીમાં નોકરી કરતાં હતાં. વર્ષ 2014માં તેમના નિધન બાદ મા એકલી પડી ગઈ છે. હું મારા માતા-પિતાનું એક માત્ર સંતાન છું. હું સવારે સાત વાગ્યે નોકરી પર નીકળી જાઉં છું અને પાછા આવવામાં રાત પડી જાય છે. આખો દિવસ માને એકલા રહેવું પડે છે. મને અનુભવાયું કે દરેક વ્યક્તિને એક સાથી કે મિત્રની જરૂર પડે છે."
શું તમે આ પોસ્ટ લખતાં પહેલાં તમારા માતા સાથે વાત કરી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૌરવ જણાવે છે, "મેં મા સાથે વાત કરી હતી. મા મારા વિશે વિચાર છે. પરંતુ મારે પણ તેમના વિશે વિચારવું જોઈએ. એક સંતાન તરીકે હું ઇચ્છું છું કે મારી માના બાકીના દિવસો પણ સારી રીતે પસાર થાય."

ગૌરવે શું લખ્યું હતું?

ઇમેજ સ્રોત, GAURAV ADHIKARI
ગૌરવે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું,"મારા પિતા ડોલા અધિકારી છે. પાંચ વર્ષ પહેલાં મારા પિતાનું નિધન થઈ ગયું છે. નોકરીના કારણે હું મોટા બાગે બહાર રહું છું. તેથી મા એકલી પડી જાય છે."
"મારી માને પુસ્તકો વાંચવા અને સંગીત સાંભળવું ગમે છે. પરંતુ હું મારા માતા માટે એક સાથી ઇચ્છું છું. મને લાગે છે કે સંગીત અને પુસ્તકો એક વ્યક્તિની ગરજ સારી શકે નહીં. એકલા જીવવા કરતાં સારી રીતે જીવવું જરૂરી છે. આવનારા દિવસોમાં હું વધુ વ્યસ્ત થઈ જઈશ. લગ્ન થશે, ઘર-પરિવાર હશે. પરંતુ મારી મા?"
"અમને રૂપિયા-પૈસા, જમીન કે સંપતિની કોઈ લાલચ નથી. પરંતુ ભાવિ પતિ સ્વનિર્ભર હોવો જોઈએ. તેણે મારી માને સારી રીતે રાખવી પડશે. માની ખુશીમાં જ મારી ખુશી છે."
"બની શકે કે આ પોસ્ટ માટે લોકો મારી મજાક ઉડાવે, તેમને થશે કે મારું મગજ ખરાબ થઈ ગયું છે. આવા લોકો મારા પર હસી શકે છે. પરંતુ તેનાથી મારો નિર્ણય બદલાશે નહીં. હું મારા માતાને એક નવું જીવન આપવા માગુ છું. ઇચ્છું છું કે એમને એક નવા સાથી અને મિત્ર મળે."

તેમની આ પોસ્ટ વિશે કેવા પ્રતિભાવો મળી રહ્યા છે?
ગૌરવ જણાવે છે, "આ પોસ્ટ બાદ ઘણા લોકોએ કૉલ કરીને લગ્નની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમાં ડૉક્ટર અને મરીન અન્જિનિયરથી લઈને શિક્ષકો પણ સામેલ છે. તેમાંથી કોઈ યોગ્ય પાત્ર પસંદ કરીને માતાના બીજા લગ્ન કરાવવા એ જ હાલ મારી પ્રાથમિકતા છે."
પરંતુ શું સમાજના લોકો આ પોસ્ટ માટે તમારી મજાક ઉડાવી રહ્યા છે?
ગૌરવનું કહેવું છે,"પીઠ પાછળ તો લોકો લાખો વાતો કરે છે. પરંતુ હજુ સામે કોઈએ કશું કહ્યું નથી." તેઓ કહે છે, "મેં માત્ર ખ્યાતિ મેળવવા આ પોસ્ટ લખી નથી. ઘણાં યુવક-યુવતીઓ મારી જેમ પોતાના માતા-પિતા વિશે જરૂર વિચારતા હશે. પરંતુ સમાજના ડરથી એ લોકો આગળ આવવાની હિંમત કરી શકતાં નથી."

ઇમેજ સ્રોત, GAURAV ADHIKARI
ગૌરવને આશા છે કે તેમની આ પહેલથી આવા અન્ય લોકો પણ આગળ આવશે.
ગૌરવ જે બઉબાજાર વિસ્તારમાં રહે છે, ત્યાં જ રહેતાં શુભમય દત્ત કહે છે, "આ એક સારી પહેલ છે. ઘણી લોકો નાની ઉંમરમાં જ પતિ કે પત્નીના નિધનથી એકલાં પડી જાય છે. રોજી-રોટીની જવાબદારીના કારણે સંતાનો પણ તેમનું પૂરતું ધ્યાન રાખી શકતાં નથી. આ સ્થિતિમાં જીવનમાં નવા દાવની શરૂઆત કરવી એ કોઈ ખોટી વાત નથી."
એક સામાજિક સંગઠન માનવિક વેલફૅર સોસાયટીના સભ્ય શોમેન ભટ્ટાચાર્ય કહે છે, "આ પહેલ સરાહનીય છે. લોકો તો કંઈને કંઈ કહેવાના જ. પરંતુ પોતાના માનાં ભવિષ્ય માટે એક પુત્રની આ ચિંતા સમાજની બદલાતી માનસિકતાનો સંકેત આપે છે."
પરંપરા નવી નથી

ઇમેજ સ્રોત, Gaurav adhikari
પશ્ચિમ બંગાળમાં વિધવા વિવાહની પરંપરા નવી નથી. વિધવા પુનર્વિવાહ માટે સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે સૌથી પહેલાં અવાજ ઊઠાવ્યો હતો.
આ વર્ષે તેમની 200મી જયંતી મનાવવામાં આવી રહી છે. તેમના પ્રયાસોના કારણે 16 જુલાઈ, 1856ના રોજ દેશમાંથી વિધવા વિવાહને કાયદેસર માન્યતા મળી હતી.
ખુદ વિદ્યાસાગરે પોતાના પુત્રના વિવાહ એક વિધવા સાથે કર્યા હતા. આ કાયદા પહેલાં ભારતમાં ઉચ્ચ સમાજની વિધવા મહિલાઓને ફરી લગ્ન કરવાની મંજૂરી નહોતી.
પોતાના આ પ્રયાસો દરમિયાન વિદ્યાસાગરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કટ્ટરપંથીઓએ તેમને જાથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પરંતુ તેઓ પાછળ ન હઠ્યા અને અંતે તેમના પ્રયત્નો રંગ લાવ્યા.
પરંતુ તકલીફ એ છે કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગારના પ્રયત્નોથી વિધવા વિવાહને કાયદેસર માન્યતા મળી તેમ છતાં પશ્ચિમ બંગાળમાં વિધવાનાં પુનર્વિવાહની પરંપરા ધીરે ધીરે ખતમ થઈ ગઈ. બનારસથી વૃંદાવન સુધી વિધવાઓની વધતી સંખ્યા એ તેનો પુરાવો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે કેટલાક વર્ષો પહેલાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે સીપીએમની આગેવાનીવાળી સરકારના શાસનકાળમાં બંગાળમાં વિધવાઓની સ્થિતિ દેશમાં સૌથી ખરાબ છે. એ જ સમયગાળામાં બંગાળમાંથી વિધવાઓનું બનારસ અને વૃંદાવન જવાનું પ્રમાણ વધ્યું.
નૉટિંઘમ યૂનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ઇંદ્રનીલ દાસગુપ્તા સાથે વિધવા પુનર્વિવાહ અધિનિયમ 1856ની નિષ્ફળતા અંગે સંશોધન કરનાર કોલકતાના ભારતીય સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટના દિગંત મુખર્જી કહે છે, " ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની આગેવાનીમાં ચાલેલા સામાજિક આંદોલનના દબાણમાં ત્યારની બ્રિટિશ સરકારે અધિનિયમને પસાર તો કરી દીધો હતો .પરંતુ ગળ જઈને સમાજમાં તેની કોઈ ખાસ અસર જોવા મળી નહીં. વિધવાઓને સમાજમાં અછૂત જ માનવામાં આવતી હતી."
તેઓ કહે છે કે વિભક્ત પરિવારોમાં હાલના સમયમાં વિધવાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. આ જ કારણ બનારસ અને વૃંદાવનના વિધવા આશ્રમોમાં વિધવાઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













