પ્રાચીન સમયમાં સ્ત્રીઓ સેક્સ વિશે ખરેખર શું વિચારતી હતી?

પ્રાચીન વિશ્વનો ઈતિહાસ સ્ત્રીના એકાંતભર્યા જીવનની પ્રકૃતિ દર્શાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રાચીન વિશ્વનો ઇતિહાસ સ્ત્રીના એકાંતભર્યા જીવનની પ્રકૃતિ દર્શાવે છે
    • લેેખક, ડેઝી ડેન
    • પદ, ..

એક નવું પુસ્તક મહિલાઓ પર આધારિત પ્રાચીન વિશ્વના ઇતિહાસનું વર્ણન કરે છે. લેખિકા ડેઝી ડેન કહે છે કે મહિલાઓ સેક્સ વિશે શું વિચારતી હતી અને ‘સ્ત્રીદ્વેષની પુરુષ રૂઢિવાદી ધારણાઓ’ શું હતી?

ઈસવીસન પૂર્વેની સાતમી સદીના ગ્રીસ કવિ એમોર્ગોસ સેમોનાઇડ્સના જણાવ્યા અનુસાર, સ્ત્રીઓ દસ પ્રકારની હોય છે.

તેમણે આપેલી સૂચિમાં તત્કાલીન સ્ત્રીદ્વેષ ધબકે છે અને તેમાં વર્ણવેલી તમામ સ્ત્રીઓ પૈકીની કથિત રીતે કામુક કદાચ સૌથી વધારે રહસ્યમય છે.

પ્રાચીન વિશ્વનો ઇતિહાસ સ્ત્રીના એકાંતભર્યા જીવનની પ્રકૃતિ દર્શાવે છે. ગ્રીસમાં મહિલાઓ જાહેરમાં બુરખા પહેરતી હતી અને રોમમાં તેમની હિલચાલ તથા સંપત્તિ પર તેમના પિતા કે પતિ નજર રાખતા હતા.

સવાલ એ છે કે શું સ્ત્રીનો ખ્યાલ પુરુષની કલ્પના માત્ર હતો કે પછી પ્રાચીન વિશ્વની સ્ત્રીઓ, સામાન્ય રીતે માનવામાં આવે છે તેના કરતાં સેક્સમાં વધારે રસ ધરાવતી હતી?

મારા પુસ્તક ‘ધ મિસિંગ થ્રેડ, ધ ફર્સ્ટ હિસ્ટરી ઑફ ધ એન્શિયન્ટ વર્લ્ડ ટુ બી રિટન બાય વીમેન’ માટે સંશોધન કરતી વખતે મને સમજાયું હતું કે સ્ત્રીઓ સેક્સ વિશે ખરેખર શું વિચારતી હતી એ આપણે ઉજાગર કરવા ઇચ્છતા હોઈએ તો બહુ ઊંડું ખેડાણ કરવું પડશે.

મોટાં ભાગનાં ઉપલબ્ધ પુસ્તકો એવા પુરુષો દ્વારા લખવામાં આવ્યા હતા, જેઓ મહિલાઓની લૈંગિક આદતો બાબતે અતિશયોક્તિપૂર્ણ કરતા હતા. એ પૈકીનાં કેટલાંક સ્ત્રીના ગુણ પર ભાર મૂકવા માટે એટલી હદે ગયા હતા કે સ્ત્રી એકદમ પવિત્ર અને દૈવી લાગે.

બીજી તરફ અન્યોએ સ્ત્રીઓને ખરાબ ગણાવી હતી. આ વર્ણનોને સાચાં માની લઈએ તો આપણે એવા તારણ પર આવીશું કે પ્રાચીન વિશ્વમાં કાં તો બધી સ્ત્રીઓ પવિત્ર હતી અથવા તો સેક્સ માટે આતુર હતી. સદભાગ્યે કેટલીક મહિલાઓના હૃદયમાં ડોકિયું કરવાનું શક્ય છે અને તે મહિલાની કામુકતા વિશે વધારે ઊંડી સમજ આપે છે.

એક કવયિત્રીની કવિતા અને સ્ત્રીનું વર્ણન

પોતે અનુભવેલી તીવ્ર શારીરિક સંવેદનાઓનું દસ્તાવેજીકરણ સાફોએ કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોતે અનુભવેલી તીવ્ર શારીરિક સંવેદનાઓનું દસ્તાવેજીકરણ સાફોએ કર્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉપરોક્ત કવિના સમાન સમયગાળામાં સાફો નામનાં એક કવયિત્રી હતાં. સાફોએ ઈસવી પૂર્વે સાતમી સદીમાં ગ્રીક ટાપુ લેસ્બોસ પર ગીતોની રચના કરી હતી. એક પુરુષ સાથે વાત કરતી બેઠેલી એક સ્ત્રીને જોઈને પોતે અનુભવેલી તીવ્ર શારીરિક સંવેદનાઓનું દસ્તાવેજીકરણ સાફોએ કર્યું હતું.

ફફડતું હૃદય, અસ્થિર વાણી, નસોમાં આગ, ક્ષણિક અંધત્વ, કાનમાં સંભળાતો ઘંટડીઓનો મધુર અવાજ, પરસેવો અને અનુભવાતાં કંપનથી પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ પરિચિત છે. સાફોએ બીજી એક કવિતામાં સ્ત્રીને ફૂલમાળા પહેરાવવાનું વર્ણન કર્યું છે અને “તેની ઇચ્છાને કેવી રીતે શાંત કરશે” તેની વાત કરી છે. આ મોહની અદમ્યતાને સમજતી એક સ્ત્રીની કબૂલાત છે.

સાફોની કવિતાઓ આજે એટલી ખંડિત અવસ્થામાં છે કે તેને સચોટ રીતે વાંચવી મુશ્કેલ બની શકે છે, પરંતુ વિદ્વાનોએ પેપિરીમાંથી ‘ડિલ્ડોસ’નો સંદર્ભ શોધી કાઢ્યો છે. ગ્રીકમાં તે ઓલિસ્બોઈ તરીકે ઓળખાય છે.

ગ્રીસમાં તેનો ઉપયોગ પ્રજનન વિધિઓમાં તેમજ આનંદ માટે કરવામાં આવતો હતો. બાદમાં રોમમાં પણ લિંગ જેવાં સાધનોને તાવીજ માનવામાં આવતાં હતાં. સારા દિવસો લાવતા આવાં પ્રતીકોથી દૂર રહેવાનો સ્ત્રીઓ માટે કોઈ અર્થ ન હતો.

પ્રાચીન સ્ત્રીઓ શૃંગારિક સાહિત્યથી એટલી મુગ્ધ હતી કે કેટલીકને તો તેની સાથે દફનાવવામાં આવી હતી. રોમ પ્રસિદ્ધ થયું તે પહેલાંના સમયગાળામાં અત્યંત કુશળ ઈસ્ટ્રુસ્કન્સે ઈટાલિયન મેઇનલૅન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને તેને રોમૅન્ટિક પ્રકૃતિથી ભરી દીધું હતું.

અસંખ્ય કળાકૃતિઓ અને કબર પરની પ્રતિમાઓના ટુકડા પુરુષો તથા સ્ત્રીઓને એક સાથે આરામ કરતા દર્શાવે છે. ઈસવી પૂર્વે આઠમી સદીમાં એક એટ્રસ્કેન મહિલા સાથે એક ધૂપદાનીને દફનાવવામાં આવી હતી, જેમાં પુરુષો તથા સ્ત્રીઓને એકમેકનાં જનનાંગોને સ્પર્શ કરતાં દર્શાવાયાં હતાં.

સેક્સ અંગે શું માનવામાં આવતું હતું?

સેક્સ વર્કર્સે કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી તેનું અઢળક વર્ણન ઐતિહાસિક વિવરણ અને ભાષણોમાં જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેક્સ વર્કર્સે કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી તેનું અઢળક વર્ણન ઐતિહાસિક વિવરણ અને ભાષણોમાં જોવા મળે છે

કામુકતાના શો થતા હતા, એ જોવા માટે તમારે પોમ્પેઈ જેવા પ્રાચીન વેશ્યાલયમાં જવું પડે. જેલની કોટડી જેવા નિસ્તેજ દીવાલો વચ્ચે સેક્સ વર્કર્સ રહેતી હતી. દીવાલો પર પુરુષ ગ્રાહકો દ્વારા ચિતરામણ કરવામાં આવ્યું હતું. પુરુષ ગ્રાહકોને તેમની પસંદની મહિલા બાબતે કૉમેન્ટ કરવાનું ગમતું હતું.

સેક્સ વર્કર્સે કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી તેનું અઢળક વર્ણન ઐતિહાસિક વિવરણ અને ભાષણોમાં જોવા મળે છે. એથેન્સના રાજકારણી અપોલોડોરસ દ્વારા ઈસવી પૂર્વે ચોથી સદીમાં નીરા વિરુદ્ધ આપવામાં આવેલું અભિયોગ ભાષણ આ સેક્સ વર્કર્સના જીવનની અનિશ્ચિતતા બાબતે ચોંકાવનારી માહિતી આપે છે.

અલબત્ત, આપણે એ દુનિયા સાથે જોડાયેલી મહિલાઓની વાત ક્યારેક જ સાંભળીએ છીએ અને તેના શબ્દો આશ્ચર્યચકિત કરી મૂકે છે.

ઈસવી પૂર્વે ત્રીજી સદીમાં ઈટાલીના ટોમાં રહેતાં નોસિસ નામનાં એક કવયિત્રીએ એક કળાકૃતિની પ્રશંસા કરતું લખાણ લખ્યું હતું અને એ માટેનાં નાણાં એક સેક્સ વર્કરે આપ્યાં હતાં.

સેક્સ અને પ્રેમની દેવી એફ્રોડાઈટની એક શાનદાર પ્રતિમા પોલીઆર્કિસ દ્વારા એકઠા કરવામાં આવેલા પૈસા વડે એક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.

પોલીઆર્કિસ કોઈ અસામાન્ય બાબત ન હતી. ડોરિચા નામની એક હાઈ-સ્ટેટસ સેક્સ વર્કરે પોતાની કમાણીના ધનનો ઉપયોગ સાર્વજનિક પ્રદર્શન માટે કશું ખરીદવા કર્યો હતો. ખસી કરેલા બળદને રાંધવા માટે તેણે ખરીદેલી પ્રભાવશાળી સ્પિટ્સ ડેલ્ફી ખાતે પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ મહિલાઓ સેક્સને નહીં, પરંતુ એ દુર્લભ અવસરને સ્વીકારતી હતી, જે તેમને મર્યા પછી પણ યાદ રાખવાની તક આપતો હતો. એ પૈકીની મોટા ભાગની મહિલાઓ ગુમનામીમાં રહેતી હતી.

પુરુષ લેખકોના મતે સ્ત્રીઓ

પ્રાચીન સમયમાં મહિલાઓ અને સેક્સ

ઇમેજ સ્રોત, Getty Images

પુરુષ લેખકોએ તેમના તમામ પૂર્વગ્રહો છતાં મહિલાઓ અને સેક્સ બાબતે કેટલીક સૌથી વધુ રસપ્રદ બાબતો જણાવી છે.

એરિસ્ટોફેન્સ નામના એક કૉમેડિયને ઈસવી પૂર્વે 411માં લિસિસ્ટ્રેટા નામનું એક નાટક તૈયાર કર્યું હતું. તેમાં એથેન્સની મહિલાઓ પેલોપોનેસિયન યુદ્ધ દરમિયાન તેમના પતિઓને શાંતિ માટે સહમત કરવા સેક્સ હડતાળનું આયોજન કરે છે. તે એક વાસ્તવિક સંઘર્ષ હતો, જે એથેન્સ અને સ્પાર્ટા તથા તેમના સહયોગીઓ વચ્ચે ત્રણ દાયકા સુધી ચાલ્યો હતો.

નાટકમાં અનેક મહિલાઓ સેક્સનો આનંદ છોડવાથી ખુશ દેખાતી નથી. નાટકમાં કૉમેડીનું તત્ત્વ લાવવા માટે તેમને ડૉન્કી ટાઇપ વુમન બનાવાઈ હતી. જોકે, એક એવી ક્ષણ આવે છે, જ્યારે નાટક એક ગંભીર દિશામાં વળે છે અને એરિસ્ટોફેન્સ સ્ત્રીઓનો વધારે વિશ્વસનીય દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે.

નાટકની મુખ્ય નાયિકા લિસિસ્ટ્રેટા હડતાળનું આયોજન કરે છે અને દર્શાવે છે કે યુદ્ધમાં મહિલાઓની સ્થિતિ કેવી થતી હોય છે. યુદ્ધની ચર્ચા માટે એકઠા થવા તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે એટલું જ નહીં, તેઓ વારંવાર નિરાધાર પણ બને છે.

આ પ્રકારનો લાંબો સંઘર્ષ વિવાહિત મહિલાઓ માટે નરક સમાન હોય છે અને અવિવાહિત મહિલાઓ માટે તો તેનાથી બદતર હોય છે. કુંવારી મહિલાઓને પરણવાની તક સુધ્ધાં મળતી નથી.

લિસિસ્ટ્રેટા જણાવે છે કે પુરુષો ભૂખરા વાળ સાથે યુદ્ધમાંથી ઘરે પાછા ફરી શકે છે અને લગ્ન પણ કરી શકે છે, પરંતુ કુંવારી છોકરીઓ માટે એવું હોતું નથી. એ પૈકીની ઘણી છોકરીઓને લગ્ન માટે અને સંતાન પેદા કરવા માટે બહુ મોટી વયની માનવામાં આવે છે.

આ પંક્તિઓ યુદ્ધના પુરુષો અને મહિલાઓના અનુભવ વચ્ચેના અંતરને એટલી સટીક રીતે વ્યક્ત કરે છે કે એ સમયની સ્ત્રીઓ ખરેખર આવું જ વિચારતી હશે એવું માનવાનું મન થાય.

સેક્સ સંબંધે મહિલાઓનો વાસ્તવિક ડર ગ્રીક ટ્રેજેડીઓમાં પણ જોવા મળે છે. ઓડિપસ રેક્સ માટે સૌથી પ્રસિદ્ધ નાટ્યકાર સોફોકલ્સ તેમના એક નાટક ‘ટેરેસ’માં એક મહિલા પાત્રને એવું વર્ણન કરતું દેખાડ્યું છે કે કુંવારી છોકરીમાંથી પત્ની બનવાનું કેવું હોય છે.

એક પૌરાણિક રાણી પ્રોકને કહે છે, “આ એક રાતના મિલન જેવું છે. આપણે તેને આવકારવું જોઈએ અને પ્રેમપૂર્ણ માનવું જોઈએ.”

સમાજના ઉચ્ચ વર્ગોમાં મોટા ભાગે એરેન્જ મૅરેજ થતા હતા. એક મહિલાનો સેક્સનો પહેલો અનુભવ, પ્રોકે વર્ણન કર્યું છે તેમ, વિચલિત કરનારો હોઈ શકે છે.

પ્રાચીન સેક્સ ટિપ્સ

એલિફેન્ટિસ નામનાં એક ગ્રીક કવયિત્રી મહિલાઓને સેક્સ ટિપ્સ આપવા માટે કથિત રીતે એટલાં ઉત્સુક હતા કે તેમણે આ વિષય પર એક પુસ્તિકા લખી હતી

ઇમેજ સ્રોત, British Museum

મહિલાઓ આવા વિચાર વૃક્ષોની છાલમાંથી બનાવવામાં આવેલા પપીરસ પર લખતી હતી. પાયથાગોરસના સમૂહમાં સામેલ થેનો નામની એક યુનાની મહિલા દાર્શનિકને કેટલાક લોકો પાયથાગોરસની પત્ની કહે છે.

થેનોએ એક પત્રમાં તેમની સખી યુરીડાઇસને કેટલીક કાલાતીત સલાહ આપી છે. થેનોએ લખ્યું છે કે "એક મહિલાએ તેના પતિ સાથે પથારીમાં સૂતી વખતે પોતાનાં કપડાંની સાથે-સાથે શરમ પણ ઉતારી દેવી જોઈએ. પથારીમાંથી મહિલા બેઠી થાય ત્યારે તે કપડાં અને શરમ એક સાથે ફરી પહેરી શકે છે."

થેનોના પત્ર બાબતે શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવે છે. તે ઑથેન્ટિક ન હોવાની શક્યતા છે. તેમ છતાં આ પત્રમાંના લખાણમાં આધુનિક સમયમાં અનેક મહિલાઓએ એકમેકને કરેલી વાતોનો પડઘો સંભળાય છે. થેનોની સલાહનું પાલન પ્રાચીન સમયની મહિલાઓએ પણ કર્યું હોય તેવું લાગે છે.

એલિફેન્ટિસ નામનાં એક ગ્રીક કવયિત્રી મહિલાઓને સેક્સ ટિપ્સ આપવા માટે કથિત રીતે એટલાં ઉત્સુક હતાં કે તેમણે આ વિષય પર એક પુસ્તિકા લખી હતી.

દુખની વાત એ છે કે તેમના એ કામના સંકેત આજે ક્યાંય જોવા મળતા નથી, પરંતુ રોમન કવિ માર્શલ અને રોમન જીવનકથા લેખક તથા દફતરપાલ સુએટોનિયસ બન્નેએ કર્યો છે.

સુએટોનિયસે દાવો કર્યો હતો કે (પોતાની યૌનભૂખ માટે કુખ્યાત) સમ્રાટ ટિબેરિયસ પાસે તેની નકલો હતી.

પુરુષોના લખાણમાં જે મહિલાઓને ટાંકવામાં આવે છે તે સ્ત્રીઓ પોતાને સેક્સથી વિપરીત પ્રેમના સંદર્ભમાં અભિવ્યક્ત કરે છે, જે તેમને તેમના માર્શલ અને કેટુલસ સહિતના કેટલાક પુરુષ સમકાલીનોથી અલગ પાડે છે.

કેટુલસની છદ્મનામવાળી પ્રેમિકા લેસ્બિયા તેને કહે છે, “એક મહિલા તેના પ્રેમીને એ પળમાં જે કહે છે તેને વહેતી હવા અને પાણી પર લખવું જોઈએ.” આ સંદર્ભમાં ‘પિલો ટોક’ શબ્દ યાદ આવે છે.

સુલ્પિસિયા એવાં જૂજ રોમન કવયિત્રીઓ પૈકીનાં એક છે, જેમની કવિતાઓ આજે પણ સચવાઈ રહી છે. તેઓ તેમના જન્મદિને પોતાના પ્રેમી સેરિંથસથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં હોવાથી થતા દુઃખનું વર્ણન કરે છે અને પછી એ વાતે રાહત અનુભવે છે કે આખરે તેઓ રોમમાં છે.

આ મહિલાઓને પોતાના પ્રેમી સાથે સેક્સ વિશેનું પોતાનું વાસ્તવિક મંતવ્ય જણાવવા માટે કોઈ ભદ્દા વિવરણની જરૂર ન હતી. વિવિધ સ્રોતો પર પુરુષોનો પ્રભાવ હોઈ શકે, પરંતુ એફ્રોડાઈટ સારી રીતે જાણતી હતી તેમ મહિલાઓ પડદો પડ્યા પછી પણ એટલી જ ભાવુક થઈ શકે છે.