‘અમારે એક જ બાળક બસ છે…’ ભારતમાં પણ એકથી વધુ સંતાનો ન ઇચ્છતા લોકો વધી રહ્યા છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ફાતિમા ફરહીન
    • પદ, બીબીસી હિન્દી માટે

અમેરિકા અને યુરોપના દેશોમાં ‘માત્ર એક બાળક’ નું ચલણ વધી રહ્યું છે પણ શું ભારતમાં પણ આવો ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે?

શું તમને કોઈએ ક્યારેય એવો સવાલ કર્યો છે કે ‘તમે કેટલાં ભાઇ-બહેન છો?’

જો આ સવાલનો જવાબ હા છે તો તમે એ પ્રકારના જવાબો આપવા ટેવાયેલા હશો કે અમે બે ભાઇ-બહેન છીએ કે ચાર ભાઈ-બહેન છીએ.

તમારી સાથે એવી ઘટના જવલ્લે જ બની હશે કે તમે એવું સાંભળ્યું હોય કે મારે માત્ર એક જ બાળક છે અથવા તો હું ‘સિંગલ ચાઇલ્ડ’ છું.

પરંતુ તમે જો અમેરિકા, યુરોપ કે અન્ય કોઈ દેશોમાં રહેતા હોવ તો આ ‘સિંગલ ચાઇલ્ડ’ ની વાત એ તમારા માટે કોઈ નવી વાત નહીં હોય.

હકીકતમાં અમેરિકા અને યુરોપનાં અનેક દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ‘વન ચાઇલ્ડ ઍન્ડ ડન’ એટલે કે માત્ર એક જ બાળકનો ટ્રૅન્ડ જોવા મળ્યો છે.

આ દેશોમાં મોટાભાગના પરિણીત લોકો એકથી વધુ બાળકોને જન્મ આપવા ઇચ્છતા નથી.

કૅનેડાના ઑન્ટારિયોમાં રહેતા 31 વર્ષીય જેન ડાલ્ટન ચાર બાળકો ઇચ્છતા હતા અને તેના માટે તેમણે પૂરતી તૈયારી પણ કરી લીધી હતી.

પરંતુ 2018માં તેમની દીકરીના જન્મના બરાબર બે મહિના પછી જેન અને તેના પતિએ એ નિર્ણય લીધો કે તેમના માટે માત્ર એક જ બાળક પૂરતું છે. એટલે કે તેઓ ‘વન ચાઇલ્ડ ઍન્ડ ડન’ ની નીતિથી આગળ ચાલશે.

પરંતુ ડાલ્ટન એકલા નથી કે જેમણે આવો નિર્ણય લીધો હોય.

યુરોપમાં જેમનાં બાળકો હોય તેવા પરિવારોમાં 49 ટકા પરિવારો એવા છે કે જેમને માત્ર એક જ બાળક છે.

2015માં 18 ટકા અમેરિકી મહિલાઓને માત્ર એક જ બાળક હતું. જ્યારે 1976માં આ પ્રમાણ 10 ટકા જેટલું હતું.

બીબીસી ગુજરાતી

'એક બાળક'ના પક્ષમાં દલીલો શું છે?

એક બાળક

ઇમેજ સ્રોત, VICKY ALLAN

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

‘વન ઍન્ડ ઑનલી: ધી ફ્રીડમ ઑફ હેવિંગ એન ઑનલી ચાઇલ્ડ’ અને ‘ધી જૉય ઑફ બીઇંગ વન’ જેવા પુસ્તકોના લેખક અને ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર લૉરેન સૅન્ડલર કહે છે કે તેઓ તેમના બાળકને લઈને પાગલ હતા. પરંતુ તેમને પોતાની કારકિર્દી પણ ખૂબ વહાલી હતી. એટલા માટે જ તેમને લાગ્યું કે માત્ર એક જ બાળક હોય એ રસ્તો સૌથી શ્રેષ્ઠ છે.

એક સંશોધન પ્રમાણે અમેરિકામાં બે બાળકોના પાલન પાછળ લગભગ ત્રણ લાખ ડૉલરનો ખર્ચ થાય છે જેમાં તેમની કૉલેજની ફી સામેલ નથી.

કૅનેડાના કૅલગરીમાં રહેતાં 25 વર્ષીય મહિલા વિક્ટૉરિયા ફાહે તો જળવાયુ પરિવર્તનથી ચિંતિત છે.

તેઓ કહે છે કે, "ભવિષ્યમાં સંસાધનોની લડાઈ થશે અને હું નથી ઇચ્છતી કે મારા બાળકને પાણી ક્યાંથી મળી રહેશે તેની ચિંતા કરવી પડે."

આવા નિર્ણયો લેવાનું કારણ મોટેભાગે આર્થિક પણ છે.

યુરોપમાં મહિલાઓને બાળક થયા બાદ તેમના પગારમાં સરેરાશ 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકા જેવા દેશમાં પણ એક અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે બાળકો વગરની મહિલાઓ અને બે કે ત્રણ બાળકોની માતાના પગારમાં લગભગ 13 ટકાનો તફાવત છે.

ઈંગ્લૅન્ડના કૉર્નવૉલનાં 33 વર્ષીય લૉરા બેનેટ કહે છે કે બાળક થવાથી તેઓ વધુ સારાં પાર્ટનર બની શક્યાં છે. તેઓ દલીલ આપે છે કે એક બાળકના કારણે તેઓ સપ્તાહના અંતે અથવા રજાઓ દરમિયાન આરામથી મિત્રો સાથે બહાર ફરવા જઈ શકે છે. અને જ્યારે તેમનો પાર્ટનર પણ આ રીતે તેમના મિત્રો સાથે જાય છે ત્યારે તેમને એ વાતનો કોઈ વાંધો નથી.

બીબીસી ગુજરાતી

સામાજિક દબાણ

બીબીસી ગુજરાતી

86 દેશો પર આધારિત એક અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું છે કે પ્રથમ બાળકને એક વર્ષ થયું ત્યાં સુધી માતાપિતા ખૂબ ખુશ હતાં પરંતુ બીજું બાળક આવ્યા પછી એમના જીવનમાં આનંદનું પ્રમાણ ઘટતું જાય છે અને ત્રીજા બાળક પછી તો જાણે કે ખુશી છે જ નહીં.

જોકે, ઘણા દેશોમાં હવે માત્ર એક જ બાળક હોવું એ વધુ સામાન્ય બની રહ્યું છે, તેમ છતાં એક કરતાં વધુ બાળકો રાખવાનું સામાજિક દબાણ પણ જોવા મળે છે.

મોટાભાગનાં માતાપિતા કહે છે કે તેમને પરિવારના સભ્યોથી માંડીને શેરીમાં ફરતા અજાણ્યા લોકો સુધી એક કરતાં વધુ બાળકો માટે દબાણ કરવામાં આવે છે.

આ રસ્તો પસંદ કરનારા માતાપિતાએ લોકોને અને પોતાને પણ સમજાવવાનું હોય છે કે આવું કરીને તેમણે સાચો નિર્ણય લીધો છે.

બીબીસી ગુજરાતી

ભારતમાં કેવી છે પરિસ્થિતિ?

એક બાળકની વાત

ઇમેજ સ્રોત, Getty Images

રાજધાની દિલ્હી પાસે આવેલા નોઈડામાં રહેતાં અને એક મીડિયા કંપનીમાં કામ કરતાં સબીહા ખાન (નામ બદલ્યું છે)ને એક જ સંતાન છે અને આ તેમણે ખૂબ વિચારીને લીધેલો નિર્ણય છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, " એક બાળકનો નિર્ણય એ સમયની જરૂરિયાત છે." તેમના કહેવા પ્રમાણે આ નિર્ણયમાં તેમના પતિ અને પરિવારના દરેક સભ્યની સંમતિ સામેલ છે.

તેઓ કહે છે, "અમે માનીએ છીએ કે આપણે આપણા બાળકને સારું શિક્ષણ અને સારો ઉછેર આપવો જોઈએ."

આ નિર્ણયમાં તેમનો પરિવાર તેમની અને તેમના પતિની સાથે છે પરંતુ સંબંધીઓના મતે એક કરતાં વધુ બાળકો હોવા જોઈએ. પરંતુ સબીહા માને છે કે જો તમે અને તમારા પતિ કોઈ પણ નિર્ણયમાં સાથે હોવ તો તમારે બાકીની દુનિયાની બહુ ચિંતા ન કરવી જોઈએ.

જોકે સબીહા સ્વીકારે છે કે તેને ક્યારેક બીજા બાળકનો વિચાર આવે છે, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ છે. તે માત્ર પોતાના નિર્ણય પર મક્કમ જ નથી પરંતુ એક બાળકની વાતનું સમર્થન પણ કરે છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે વર્કિંગ પેરેન્ટ્સે આ વિશે વિચારવું જોઈએ. જોકે આ દરેકની અંગત બાબત છે પરંતુ તેમ છતાં આ આપણી પેઢીની જરૂરિયાત છે."

"આપણે આપણી જીવનશૈલીને સારી રીતે મૅનેજ કરવાની જરૂર છે અને તેથી આપણે એક બાળકની વાતને પ્રોત્સાહન આપવું જોઈએ."

બીબીસી ગુજરાતી

શું ભારતમાં પણ કોઈ એવો ટ્રેન્ડ છે?

ભારત

ઇમેજ સ્રોત, Getty Images

નેશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેંગલુરુના આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. અમૃતા નંદીને એવું નથી લાગતું કે ભારતમાં લોકો ‘એક જ બાળક’ વિશે વિચારી રહ્યા છે.

'મધરહુડ ઍન્ડ ચૉઈસ: અનકૉમન મધર્સ, ચાઇલ્ડફ્રી વુમન' પુસ્તક લખનાર ડૉ. નંદીએ બીબીસીને કહ્યું, "કેટલાક લોકો છે જે આવો નિર્ણય કરી રહ્યા છે પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે. તેમાં ઉચ્ચ વર્ગના, શિક્ષિત અને વ્યાવસાયિક લોકોનો સમાવેશ થાય છે. અને તેઓ માન્યતા અને વ્યવહારના સંદર્ભમાં કોઈપણ પેટર્નનું અનુસરણ કરતા નથી."

તેઓ ઉમેરે છે, "ભારતીય લોકો અન્ય એશિયનોની જેમ માત્ર બાળકો પેદા કરવાનું વિચારતા નથી. તેના બદલે તેઓ એક કરતાં વધુ બાળકો હોવાને સમૃદ્ધિની નિશાની ગણે છે."

"એક કરતાં વધુ બાળકોનાં માતાપિતા અને ભાઈ-બહેનને ભાવનાત્મક અને નાણાંકીય સુરક્ષાના સ્ત્રોત તરીકે જોવામાં આવે છે."

તેઓ કહે છે કે ભારતમાં ટુ-ચાઇલ્ડ પૉલિસી લાગુ કરવી પણ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં એક બાળકની નીતિ મોટાભાગના ભારતીય લોકો માટે તીવ્ર નારાજગીનું કારણ બની શકે છે.

બીબીસી ગુજરાતી

બે બાળકોની ચાહ

આ અંગે વધુ વિગત આપતાં પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પૂનમ મુત્તરેજા કહે છે, "નેશનલ ફેમિલી હૅલ્થ સર્વે (NFHS) 2019-2021ના ડેટા અનુસાર, 15થી 49 વર્ષની વચ્ચેની મહિલાઓ અને પુરુષો બંનેને 2.1 બાળકો જોઈએ છે. એટલે સ્પષ્ટ છે કે ભારતમાં લોકોને સરેરાશ બે બાળકો જોઈએ છે."

NFHS-5 ડેટાને ટાંકીને પૂનમ મુત્તરેજા કહે છે કે 35 વર્ષથી વધુ ઉંમરના પરિણીત યુગલો કે જેમને એક બાળક છે તેઓ હવે વધુ બાળકો ઇચ્છતા નથી. જો કે યુવાન પરિણીત યુગલો એક કરતાં વધુ બાળકો ઇચ્છે છે.

ડૉ. મુત્તરેજાના જણાવ્યા અનુસાર, "ઉચ્ચ વર્ગના ઘણા લોકો માત્ર એક જ બાળક ઇચ્છે છે, પરંતુ આ વાત કોઇ ટ્રૅન્ડ છે એ આંકડાઓ પરથી સાબિત થતું નથી."

જોકે, ડૉ. મુત્તરેજા કહે છે કે આવનારા દિવસોમાં ભારતમાં પણ એક બાળક પેદા કરવાનો ટ્રેન્ડ વધી શકે છે, કારણ કે તેમના મતે કોઈપણ આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ થોડા સમય પછી ભારતમાં આવે છે.

પરંતુ એક બાળકનો ટ્રેન્ડ ભારત માટે વધુ સારો રહેશે કે કેમ એ અંગે તેઓ કહે છે કે હું ક્યારેય એક બાળકની નીતિને સમર્થન આપતી નથી. ચીન અને જાપાનને ટાંકીને તેઓ કહે છે કે ત્યાં આજે કામ કરતા લોકોની અછત થઈ ગઈ છે અને ત્યાં વૃદ્ધોની સંભાળ રાખનાર કોઈ નથી.

ભારતમાં એક વધુ મહત્ત્વનો મુદ્દો છે. જો વધુ લોકો એક જ બાળકને જન્મ આપવાનું નક્કી કરે છે, તો થોડાં વર્ષો પછી ભારતીય સંયુક્ત કુટુંબની પ્રથા સમાપ્ત થઈ જશે. બાળકોને કાકા-કાકી, મામા-મામી અને તેમના પિતરાઈ ભાઈઓ બિલકુલ નહીં મળે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી