બાળકોના જન્મ બાદ પતિપત્નીના સંબંધો પર માઠી અસર પડી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોઈ પરિવારમાં બાળકના જન્મના સમાચાર મળતાં જ ખુશીની લહેર આવી જાય છે.
અનેક દંપતી એવાં પણ હોય છે જે બાળકોને પેદા કરવામાં વિશ્વાસ નથી રાખતાં. જોકે તેમના આ નિર્ણયનાં અલગઅલગ કારણો હોઈ શકે છે. અહીં મુદ્દો પોતાની પસંદગીનો છે.
બિહારના ગયા જિલ્લાના મીનુસિંહને બાળકો પહેલેથી જ સારાં લાગતાં હતાં. વ્યવસાયે શિક્ષિકા મીનુ કહે છે કે તેમનાં લગ્ન 2018માં થયાં અને બે વર્ષ બાદ દીકરીનો જન્મ થયો.
દીકરીનો જન્મ થતાં તેઓ ખુશ હતાં. પણ ત્યાર બાદ જીવન એકદમ બદલાઈ ગયું.
તેઓ કહે છે "હું અને મારા પતિ બન્ને નોકરી કરીએ છીએ. દીકરીના જન્મ બાદ અમે બન્ને તેના લાલનપાલનમાં લાગી ગયાં તો એકબીજાને સમય નથી આપી શકતાં. પહેલાં તેમનું ધ્યાન મારા પર રહેતું હતું. હવે દીકરી પર છે. ઘરના અન્ય લોકો પણ દીકરી પર વધુ ધ્યાન આપે છે."

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
"એ જોઈને સારું લાગે છે કે દીકરીને પણ બધાનો પ્રેમ મળી રહ્યો છે અને તેનું ધ્યાન પણ મારા પતિ સારી રીતે રાખે છે. પણ અનેક વાર એવું લાગે છે કે મારા અને પતિ વચ્ચે પહેલાં જેવી વાત નથી રહી."
"એવું નથી કે અમારી વચ્ચે પ્રેમ નથી પણ ધ્યાન હવે વહેંચાઈ ગયું છે."
પહેલાં મુંબઈ અને હવે પટનામાં રહેતાં શૈલજા ઓઝાની કહાણી કંઈક એવી જ છે. તેઓ પોતાના પતિ વિવેક રંજન અને એક વર્ષના પુત્ર સાથે આમ તો ઘણાં ખુશ છે. પણ તેમનું માનવું છે કે દીકરાના જન્મ બાદ તેમના પરસ્પર સંબંધો પર અસર પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શૈલજા ઓઝાએ બીબીસી હિંદી સાથેની વાતચીતમાં કહ્યું, “લગ્ન પહેલાં અને લગ્ન બાદ અમારી જિંદગી શાનદાર હતી. અમારા સંબંધોમાં માત્ર પ્રેમ હતો. 2021માં અમારાં લગ્ન થયાં, અમે ખૂબ ખુશ હતાં.”
તેઓ કહે છે, "જ્યારે હું ગર્ભવતી થઈ તો મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખતા હતા. પણ હવે 2022માં દીકરાનો જન્મ થયો તો પરિસ્થિતિ બદલાઈ ગઈ. હું સામાન્ય વાતો પર ચીડાવવા લાગી. મને ગુસ્સો આવવા લાગ્યો. અમારી વચ્ચે બોલાચાલી અને ઝઘડા થવા લાગ્યાં. પતિ ધ્યાન ન આપે તો ગુસ્સો આવતો. પછી અમે ધીરે ધીરે પોતાના સંબંધોને જાળળ્યા. પણ હવે અમારું જીવન બદલાઈ ચૂક્યું છે."

શું કહે છે સંશોધન?

એક શોધ મુજબ, બાળકોનો જન્મ પતિપત્નીના પરસ્પર સંબંધો પર અસર કરી રહ્યો છે.
યુનિવર્સિટી ઑફ બૉર્નના 2021માં થયેલા સંશોધન બાદ શોધકર્તાઓએ દાવો કર્યો કે બાળકોના જન્મ બાદ દર ચારમાંથી માત્ર એક માતા અને દર દસમાંથી એક પિતાને માનસિક બીમારી (મૅન્ટલ ઇલનેસ)નો સામનો કરવો પડ્યો છે.
એ પણ જોવા મળ્યું કે બાળકો વિનાનાં દંપતી અન્ય બાળકવાળા દંપતીની સરખામણીએ એકબીજાથી વધુ સંતુષ્ટ હતાં.
તો સંશોધન એ પણ કહે છે કે જે દંપતીને બાળકો હતાં, તેમના વચ્ચે પ્રેમ બાળકોના જન્મ બાદ દસ વર્ષમાં સતત ઓછો થતો ગયો.
શોધમાં એ પણ જણાવાયું કે બાળકો વગરની 62 ટકા મહિલા વધુ ખુશ હતી.
જ્યારે નવજાત બાળકોની માતાઓમાં આ આંકડો માત્ર 38 ટકા હતો. તેનું એક કારણ શારીરિક સંબંધોમાં ઘટાડો આવવો અને તેના પર અસર પડવી પણ ગણાવાયું છે.

માનસિક બીમારી અને તણાવના કેસ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાળકોના જન્મ બાદ પતિ-પત્નીના આંતરિક સંબંધો પર પડી રહેલી અસરના કારણે તેમને અનેક વાર ડૉક્ટરની સલાહ લેવા જવું પડે છે.
ઝારખંડના રાંચીમાં આવેલી કાંકે હૉસ્પિટલ સૅન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રી (સીઆઈપી)ના ઍસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર સંજય મુંડાએ કહ્યું કે કેટલાંક જાગૃત દંપતી પ્રેગ્નેન્સીના તુરંત બાદ કાઉન્સેલિંગ માટે આવી જાય છે જેથી બાળકોના જન્મ બાદ તેમના સંબંધો પર ખોટો પ્રભાવ ન પડે.
ડૉક્ટર સંજય મુંડાએ બીબીસીને કહ્યું કે “બાળકોનો જન્મ પતિપત્નીના સંબંધોને પૂરી રીતે અસર કરે છે. આ પ્રભાવ સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ. આધુનિક સમયમાં એકલા પરિવારોના ચલણના કારણે આવા સમયમાં દંપતીને સલાહ આપવા માટે પરિવારમાં કોઈ અન્ય નથી હોતું ત્યારે તણાવ વધી જાય છે. કારણ કે પહેલી વાર માતાપિતા બનેલાં યુગલોને તેનો કોઈ અનુભવ નથી હોતો.”
તેમણે ઉમેર્યું, “બાળકોના જન્મ બાદ જ્યારે તેમને બાળકની માગના હિસાબે પોતાને બદલવા પડે ત્યારે તેમને પરેશાની થાય છે. એવામાં અનેક વાર જ્યારે તેઓ અમારો સંપર્ક કરે તો અમારે તેમને દવા પણ આપવી પડે છે. અમે તેમનું કાઉન્સેલિંગ કરીએ છીએ.”
“જેમ કે એક ત્રિકોણ હોય, જેના ત્રણ પૉઇન્ટ પર માતાપિતા અને બાળકો બેઠા હોય. કાઉન્સેલિંગ બાદ અમે એવાં યુગલોના બૉડી ક્લૉક અને તેમની માનસિક સ્થિતિને સમજીને પરિસ્થિતિ સામાન્ય કરવાની કોશિશ કરીએ છીએ.”

સોશિયલ મીડિયા જવાબદાર

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
રાંચીના જ ડૉક્ટર અનુજકુમાર કહે છે, “ન માત્ર એક પરિવારનું ચલણ પણ સોશિયલ મીડિયા પર સક્રિયતા અને પતિપત્ની બન્નેનું નોકરીમાં હોવું પણ બાળકોના જન્મ બાદ તેમના સંબંધો પર ખરાબ અસર પાડે છે.”
ડૉક્ટર અનુજકુમાર કહે છે કે પહેલાં આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ત્યાં બાળકોની દેખરેખ માટે દાદાદાદી, કાકાકાકી પણ રહેતાં હતાં. હવે મોટા ભાગના લોકો એકલ પરિવારનો ભાગ છે. અહીં માત્ર પતિપત્ની અને બાળકો છે.
સાથે જ તેઓ કહે છે કે “એવામાં બાળકોની બધી જ જરૂરિયાતો તમારે જ પૂરી કરવાની છે. સાથે જ તમારે તમારી નોકરી પણ કરવાની છે. જો માતાપિતા બન્ને નોકરી કરે છે તો સમસ્યા વધી જાય છે. આ પરિસ્થિતિઓમાં બાળકોના જન્મ બાદ પતિપત્નીના સંબંધો ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે.”
“પતિ ઇચ્છે છે કે પત્ની બાળકોની સારસંભાળ રાખે. પત્ની પોતાના પતિ પાસેથી એ જ અપેક્ષા રાખે છે, ત્યાર બાદ બધી જ સમસ્યા એક-એક કરીને ભેગી થતી જાય છે અને છેલ્લે ઝઘડો મનદુખમાં ફેરવાઈ જાય છે. એવામાં જરૂરી છે કે બાળકોને જન્મ આપતાં પહેલાં જ તેની પૂરી યોજના બનાવી લેવાય.”

શું બાળકોના જન્મથી પ્રત્યેક દંપતી પ્રભાવિત થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
એવું પણ નથી કે બાળકોના જન્મથી બધાં જ યુગલોની જિંદગી પર ખરાબ અસર જ પડે છે. એવાં પણ કેટલાંક દંપતી છે કે જેમના પરસ્પર સંબંધોની મજબૂતીનું કારણ તેમનાં બાળકો જ છે.
બોલીવૂડની જાણીતી જોડી સૈફ અલી ખાન અને તેમનાં પત્ની કરીના કપૂર પણ એવાં જ દંપતીમાં સામેલ છે. તેમનું માનવું છે કે બાળકના જન્મ બાદ તેમનું બૉન્ડિંગ વધુ મજબૂત થયું છે.
કરીના કપૂરે આ વિષય પર એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ‘પ્રેગ્નન્સી બાઇબલ’.
જેમાં સૈફ અલી ખાન તરફથી લખાયું છે કે “તૈમૂરના જન્મ બાદ તેમના સંબંધોમાં વધુ મજબૂતી આવી છે. તેમની વચ્ચેનો પ્રેમ વધી ગયો છે.”
જોકે, આ પુસ્તકમાં કરીના કપૂરે પ્રૅગ્નન્સી દરમિયાન થતી તકલીફોનો પણ ઉલ્લેખ કર્યો છે.














