સાત સમંદર પાર મડાગાસ્કરમાં સમૃદ્ધ બનેલા 'ગુજરાતી કરાણા' લોકો કોણ છે અને શું છે એમની કહાણી?

- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતથી લગભગ 5,000 કિલોમીટર દૂર 'મડાગાસ્કર' નામનો એક ટાપુ છે. મડાગાસ્કર વિશે કદાચ તમે કોઈ પુસ્તકમાં વાંચ્યું હશે કે ફિલ્મમાં સાંભળ્યું હશે. પરંતુ જો કોઈ તમને કહે કે, આ ટાપુ અને ગુજરાત વચ્ચે ગાઢ સંબંધ છે તો?
મડાગાસ્કરનો ગુજરાત સાથેનો સંબંધ ખૂબ જ રસપ્રદ અને ઐતિહાસિક છે. ગુજરાતનો ઇતિહાસ સાહસિક સફરોથી ભરેલો છે, જેમાં ગુજરાતીઓ વેપાર અર્થે આફ્રિકા અને વિશ્વના અન્ય ભાગો સુધી પહોંચ્યા હતા. તે જ રીતે, કેટલાક ગુજરાતીઓ દરિયાકાંઠેથી નીકળીને મડાગાસ્કર પણ ગયા હતા. અહીં ગુજરાતી મૂળના સમુદાયની આ યાત્રાના ઇતિહાસ, ટાપુ પર તેઓ કેવી રીતે પહોંચ્યા અને તેમની સમૃદ્ધિ વિશે વાત કરાઈ છે.
ગુજરાતીઓ જ્યારે મડાગાસ્કર પહોંચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરમાં આવેલા મડાગાસ્કર ટાપુ પર 19મી સદીના આરંભે બ્રિટિશ અને ફ્રેન્ચ વચ્ચે વર્ચસ્વ સ્થાપવાની સ્પર્ધા જામી અને એ સ્પર્ધાનો અંત ફ્રેન્ચ આધિપત્ય સાથે આવ્યો.
આ સમયગાળા દરમિયાન યુરોપિયનોએ તેમના વસાહતી સામ્રાજ્યના અન્ય પ્રદેશોમાં વસતા લોકોને મડાગાસ્કરમાં સ્થાયી થવા માટે પ્રોત્સાહિત કર્યા અથવા દબાણ પણ કર્યું. ઉદ્દેશ સ્પષ્ટ હતો - ગુલામ પ્રજાની મજૂરીએ મોટા પ્રકલ્પોની પ્રગતિ કરાવવાનો, અને આમ કરીને સ્થાનિક માલાગાસી સમુદાયના પ્રબુદ્ધ વર્ગનું વર્ચસ્વ ઘટાડવાનો.
આ પ્રક્રિયાના ભાગરૂપે જ બ્રિટિશ શાસિત ભારતમાં રહેતા હજારો લોકો મડાગાસ્કર પહોંચ્યા. આ રીતે મડાગાસ્કરમાં જનારા લોકોમાં ગુજરાતી મૂળના વેપારીઓની સંખ્યા મહત્તમ હતી.
મડાગાસ્કરમાં કરાણાની સંખ્યા નજીવી પણ પ્રભાવ અઢળક

ઇમેજ સ્રોત, Getty Images
યુનિવર્સિટી ઑફ પેરિસના સોફી બ્લાન્ચી તેમના સંશોધનમાં નોંધે છે કે, ગુજરાતથી આવતા લોકો બે માર્ગો અનુસરતા હતા: એક, પૂર્વ-આફ્રિકન કિનારો અને ઝાંઝીબાર દ્વારા મડાગાસ્કર પહોંચ્યા; અને બીજું, મોરિશિયસ ટાપુ દ્વારા રિયુનિયન ટાપુ પર પહોંચ્યા.
આ ગુજરાતી વેપારીઓ હિંદ મહાસાગર પાર કરીને મડાગાસ્કરના ઉત્તર-પશ્ચિમ કિનારે 'મહાજંગા' ખાતે ઊતર્યા હતા. વસ્તીની દૃષ્ટિએ જોતાં તેમની સંખ્યા અત્યંત અલ્પ છે. ટાપુની અંદાજે 3,00,00,000ની કુલ વસ્તીમાં તેમની ચોક્કસ સંખ્યા ગણવી મુશ્કેલ છે, પરંતુ એ એક લાખ કરતાં પણ ઓછી હોવાનું માનવામાં આવે છે.
આમ છતાં, મડાગાસ્કરના સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં તેમનો પ્રભાવ ઘણો મોટો છે, કારણ કે તેઓ દેશના અર્થતંત્ર પર મજબૂત પકડ ધરાવે છે. મડાગાસ્કરના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં આ સમુદાયના લોકો અગ્રસ્થાન ધરાવે છે. જોકે, આ આર્થિક સધ્ધરતાએ તેમને સ્થાનિકોના રોષનો ભોગ પણ બનાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરાણાનાં મૂળ ગુજરાતમાં, પણ ગુજરાતમાં ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલી 'ભારત-મડાગાસ્કર દ્વિપક્ષીય સંબંધો'ની માહિતી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરમાં સ્થિત આ સૌથી મોટા ટાપુના વેપારી ઇતિહાસમાં ભારત સાથેનું જોડાણ 18મી સદી જેટલું જૂનું છે.
19મી સદીથી ગુજરાતમાંથી સ્થળાંતર કરીને ત્યાં આવતા લોકોની સંખ્યામાં સતત વધારો થયો. આ સમુદાય વેપારમાં સક્રિય થયો અને સાથોસાથ તેણે ઉત્પાદન અને અન્ય વ્યવસાયોમાં પણ ફાળો આપ્યો.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના 'સેન્ટર ફૉર ડાયસ્પોરા સ્ટડીઝ' (CDS) વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સજાઉદીન છપ્પરબન "શુજા" બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, આ એક મિશ્ર જાતિઓનો સમૂહ છે. તેઓ ગુજરાતના કાઠિયાવાડ તેમજ આઝાદી પૂર્વેના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી મડાગાસ્કરમાં સ્થળાંતરિત થયા છે, પરંતુ તેમાં મોટો હિસ્સો કાઠિયાવાડનો છે. તેઓમાં મુખ્યત્વે 80 થી 90 ટકા ગુજરાતી મુસ્લિમ સમુદાયો છે, જેમાં ખોજા, ઇસ્માઇલી અને દાઉદી વ્હોરા જેવા સમુદાયોનો સમાવેશ થાય છે. આ સમુદાયો તેમના વેપારી વારસાને લીધે કારણે ભારતમાં પણ આર્થિક રીતે સંપન્ન ગણાય છે.
સોફી બ્લાન્ચી જણાવે છે કે, કરાણા મડાગાસ્કરમાં પોતાનાં ભૌગોલિક મૂળ (સુરતી, સિંધી કે કચ્છી) અથવા ભારતમાં તેમની જ્ઞાતિ અનુસાર પોતાને ઓળખાવે છે. બ્લાન્ચી ઉદાહરણ આપતાં જણાવે છે કે અહીં રહેતા 'ખુમ્બર' મૂળે હિંદુ કુંભાર હતા, જેમણે ઇસ્લામ અંગિકાર કર્યો અને છતાં પણ પોતાની મૂળ ઓળખ જાળવી રાખી.
મડાગાસ્કરમાં મુખ્યત્વે શિયા મુસ્લિમોનાં ત્રણ જૂથો સ્થાપિત છે:
દાઉદી વ્હોરા (ઇસ્માઇલી અથવા સાત-ઇમામ શિયા)
ખોજા ઇસ્માઇલી (આગા ખાનના અનુયાયીઓ)
ખોજા ઇથના અશેરી (બાર-ઇમામ શિયા)
આ ઉપરાંત કરાણામાં હિંદુ વાણિયા સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવે છે અને સમુદાય મોટા ભાગે ઘરે ગુજરાતી બોલે છે, જ્યારે બહાર ફ્રેન્ચ અને અંગ્રેજીમાં વ્યવહાર કરે છે.
'કરાણા' - એક નકારાત્મક શબ્દ?

ઇમેજ સ્રોત, Getty Images
કેથરીન ફોર્નેટ-ગુએરિન નોંધે છે કે, આંતરિક વિવિધતા હોવા છતાં, સ્થાનિક લોકો ભારતીય મૂળના લોકોને કરાણા તરીકે જ ઓળખે છે અને આ ઓળખમાં ઘણીવાર તિરસ્કાર પણ છુપાયેલો હોય છે. ડૉ. સજાઉદીન છપ્પરબન જણાવે છે કે, 'કરાણા' શબ્દ કદાચ 'કુરાન' શબ્દ પરથી આવ્યો હોઈ શકે.
કરાણા લોકોની મૂળ ઓળખ અને અસ્મિતાએ સ્થાનિકો સાથે એક અંતર પણ ઊભું કર્યું હોવાનું વિદ્વાનો નોંધે છે. કરાણાની અલગ શૈક્ષણિક, આર્થિક, ધાર્મિક અને ભાષાકીય સંસ્થાઓએ સ્થાનિક મલાગાસી સમુદાય સાથેના આ અંતરને પહોળું કર્યું હોવાનો પણ દાવો કરાય છે.
યુગાન્ડાની જેમ મડાગાસ્કરમાંથી પણ જાકારો
1970નો દાયકો ભારતીયો માટે કપરો રહ્યો હતો. આફ્રિકન રાષ્ટ્રવાદના ઉદય અને આર્થિક વર્ચસ્વને કારણે ગુજરાતીઓને સ્થાનિક રોષનો ભોગ બનવું પડ્યું હતું. ઇદી અમીનના સમયમાં જે રીતે યુગાન્ડાથી ગુજરાતીઓને હાંકી કઢાયા, તેવી જ અસર મડાગાસ્કરમાં પણ જોવા મળી હતી.
એક અંદાજ અનુસાર દેશનું 50 થી 70 ટકા અર્થતંત્ર કરાણાના હાથમાં હોવાનું માનવામાં આવે છે અને આર્થિક રીતે સંપન્ન હોવાને કારણે દેશમાં જ્યારે પણ સામાજિક કે રાજકીય ઊથલપાથલ સર્જાય ત્યારે એનો ભોગ કરાણાને બનવું પડે છે. વર્ષ 2010માં આ સમુદાયના 100થી વધુ લોકોનું ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું.
કેટલાક કરાણા પાસે હજુ પણ નાગરિકત્વ કેમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
મડાગાસ્કરના ગુજરાતી સમુદાયની કહાણી માત્ર આર્થિક સફળતાની નથી, પરંતુ માનવ અધિકારો માટેના સંઘર્ષની પણ છે. યુએન રેફ્યુજી એજન્સી (UNHCR) મુજબ, મડાગાસ્કરના ભારતીય મૂળના 'કરાણા' સમુદાયની આર્થિક પ્રગતિ પાછળ 'રાજ્યવિહીનતા'ની એક છુપાયેલી વ્યથા છે.
રોઝા લક્ષ્મબર્ગના રિપોર્ટ અનુસાર 1960માં મડાગાસ્કર આઝાદ થયું ત્યારે વંશીય ભેદભાવ અને કાયદાકીય ગૂંચવણોને કારણે ઘણા લોકો નાગરિકતાથી વંચિત રહી ગયા અને એમાં કરાણાનો પણ સમાવેશ થાય છે. આજે દેશમાં લગભગ 5,000 જેટલા કરાણા સ્ટેટલેસ (રાજ્યવિહીન) માનવામાં આવે છે.
આ સમુદાયના હજારો લોકો પેઢીઓથી મડાગાસ્કરમાં રહેતા હોવા છતાં સ્ટેટલેસ ગણાયેલા લોકોને દેશના નાગરિક માનવામાં આવતા નથી. અહીં એ વાત પણ નોંધવી રહી કે તવંગર કરાણા પાસે દેશનું નાગરિકત્વ છે અને જે લોકો પાસે નાગરિકતા નથી એ કરાણાઓની સ્થિતિ બહુ દયનીય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












