એ ત્રણ મહિલાઓ જેણે આખી સિસ્ટમ ઉઘાડી પાડીને 'રાક્ષસ'નો પર્દાફાશ કર્યો

એપ્સ્ટીન કાંડ, મહિલા પત્રકારો, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, ન્યાય વ્યવસ્થા, પીડિતા

ઇમેજ સ્રોત, Getty Images/conchitasarnoff.com

ઇમેજ કૅપ્શન, ત્રણ તપાસ પત્રકારો, જુલી કે. બ્રાઉન, વિકી વોર્ડ અને કોન્ચિતા સાર્નોફ
    • લેેખક, એલિફ કી
    • પદ, ન્યૂ યોર્ક
  • વાંચવાનો સમય: 7 મિનિટ

એપ્સટિનના નરકમાંથી છટકવામાં સફળ થયેલી પીડિત મહિલાઓને વર્તમાન સિસ્ટમ વર્ષોથી જૂઠી, પૈસા પડાવવા ઈચ્છતી અથવા લોકોનું ધ્યાન પોતાના પ્રત્યે આકર્ષિત કરવા મથતી સ્ત્રીઓ તરીકે બદનામ કરતી હતી.

પીડિતાઓને ભરોસાપાત્ર માનવામાં આવતી ન હતી, કારણ કે તેમની વય બહુ નાની હતી. બહુ પ્રતાડિત હતી અને તેમને બદનામ કરવામાં આવતી હતી, કારણ કે તેમને ચૂપ રહેવા માટે પૈસા આપવામાં આવતા હતા.

ન્યાય વ્યવસ્થાએ પીડિતાઓને નિરાશ કરી, મીડિયાએ લાંબા સમય સુધી તેમની અવગણના કરી. જે માણસે તે છોકરીઓનું જીવન બરબાદ કર્યું હતું તે આઝાદ ફરતો રહ્યો અને ચિક્કાર નાણાંના કવચને કારણે તેની પ્રતિષ્ઠા ઘણા અંશે જળવાયેલી રહી હતી.

જોકે, સતત સવાલ પૂછવાનું ચાલુ રાખીને કેટલીક મહિલા પત્રકારોએ આ પરિસ્થિતિ બદલી હતી.

જૂલી કે. બ્રાઉન, વિકી વોર્ડ અને કોંચિતા સરનોફ ન હોત તો એપ્સટિન કદાચ આજે પણ જીવતો હોત તેમજ સજાથી બચીને આરામથી જિંદગીને મોજ માણતો હોત.

એપ્સટિનની અંધારી દુનિયા પરથી મિયામી હેરલ્ડ અખબારનાં રિપોર્ટર જૂલી કે. બ્રાઉને સૌથી પહેલાં પડદો ઉઠાવ્યો હતો.

બ્રાઉનની તપાસને પગલે એક રાક્ષસનો પર્દાફાશ થયો એટલું જ નહીં, પરંતુ તેને બચાવવા બનાવવામાં આવેલી આખી સિસ્ટમ પણ ઉઘાડી પડી ગઈ.

જૂલી બ્રાઉને 1987માં જર્નલિઝમમાં ઑનર્સ સાથે ગ્રૅજ્યુએશન કર્યું હતું. તેમણે પહેલાં ફિલાડેલ્ફિયા ડેઈલી ન્યૂઝ અને પછી મિયામી હેરલ્ડમાં કામ કર્યું હતું. મિયામી હેરલ્ડ અખબાર સ્થાપિત સંસ્થાઓને પડકારતી ન્યૂઝ સ્ટોરીઝ પ્રકાશિત કરવા માટે વિખ્યાત છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જૂલી બ્રાઉનનું લક્ષ્ય ફ્લોરિડા જેલ સિસ્ટમમાં થતાં ગંભીર કામો અને સંદિગ્ધ મૃત્યુનો ખુલાસો કરવાનું હતું.

તેમના ચાર વર્ષના રિપોર્ટિંગને પગલે મોટા અધિકારીઓએ રાજીનામાં આપવાં પડ્યાં હતાં, ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને માનસિક તથા શારીરિક રીતે વિકલાંગ કેદીઓ પ્રત્યેના સરકારના વલણમાં મોટું પરિવર્તન થયું હતું.

પછી 2017ની શરૂઆતમાં જેફ્રી એપ્સટિનનું નામ સંભળાયું હતું.

એપ્સટિનનું નામ ઉચ્ચારવા સુધ્ધાંની હિંમત કરનાર કોઈ પણ વ્યક્તિને સજા કરવા માટે એક સિસ્ટમ હતી. કેટલાક પત્રકારોએ મામલાની તપાસના પ્રયાસો કર્યા એટલે એ પત્રકારોને અન્ય કામ પર લગાડી દેવામાં આવ્યા હતા.

આ મામલે આગળ વધશો તો તમારી કારકિર્દી ખતમ થઈ જશે, એવી ચેતવણી જૂલી બ્રાઉનને પણ આપવામાં આવી હતી. તેમ છતાં તેમણે તપાસ શરૂ કરી હતી. 2017માં લેબર સેક્રેટરી તરીકે ઍલેકઝેન્ડર અકોસ્ટાની નિમણૂક વિશેની સેનેટની સુનાવણી સાંભળતી વખતે જૂલી બ્રાઉન ખુદને એક જ સવાલ પૂછતા રહ્યાં હતાં કે "એપ્સટિન વિશે ક્યારેય કોઈ સવાલ કેમ કરતું નથી?"

સેનેટર્સ દ્વારા અકોસ્ટાને પૂછવામાં આવી રહેલા મર્યાદિત અને ઉપલછલ્લા સવાલોથી જૂલી નિરાશ હતાં.

જેન ડો પાછળની અસલી જિંદગી

એપ્સ્ટીન કાંડ, મહિલા પત્રકારો, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, ન્યાય વ્યવસ્થા, પીડિતા

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images

ઇમેજ કૅપ્શન, વર્જિનિયા ગિફ્રેએ એપ્રિલ 2025માં આત્મહત્યા કરી હતી

સગીર વયની એક છોકરી પર વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવાનો ગુનો એપ્સટિને 2008માં કબૂલ્યો હતો, પરંતુ તેને માત્ર 13 મહિનાની જેલસજા કરવામાં આવી હતી.

એપ્સટિનને કરવામાં આવેલી તે સજાના હૂકમ પર અમેરિકાના તત્કાલીન ઍટર્ની ઍલેકઝેન્ડર એકોસ્ટાની સહી હતી.

એ વખતે ફ્લોરિડામાં એક ફેડરલ પ્રોસિક્યુટર તરીકે કામ કરતા એકોસ્ટાએ જેફ્રી એપ્સટિન સાથે ગુપ્ત સોદો કર્યો હતો. તેનાથી તેમને સપ્તાહમાં છ દિવસ તેમની ઓફિસ કામ માટે જવાની પરવાનગી મળી ગઈ હતી, જ્યારે એપ્સટિને 13 મહિના એક કાઉન્ટી જેલની ખાસ કોટડીમાં પસાર કર્યા હતા.

તે કરાર પીડિતોથી જાણીજોઈને છૂપાવવામાં આવ્યો હતો અને એ ફેડરલ કાયદાનું ઉલ્લંઘન હતું.

જૂલી બ્રાઉને આ સ્ટોરી એકોસ્ટા અને એપ્સટિનની કથા તરીકે નહીં, પરંતુ એ મહિલાઓના દૃષ્ટિકોણથી જણાવવાનો નિર્ણય કર્યો હતો, જેમના પર એપ્સટિન કથિત રીતે બળાત્કાર કર્યો હતો અને વેશ્યાવૃત્તિ કરાવી હતી.

વગદાર પુરુષો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જૂલી બ્રાઉને પીડિત મહિલાઓની કથાને કેન્દ્રમાં રાખી હતી અને જેફ્રી એપ્સટિન દ્વારા કિડનેપ કરવામાં આવેલી, અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો હોત અને મોં બંધ કરાવી દેવાયું હોય તેવી સગીર વયની છોકરીઓની 18 મહિનાઓ સુધી શોધ કરી હતી.

વર્જિનિયા ગ્રિફે એવી છોકરીઓ પૈકીની એક હતી. વર્જિનિયા ગ્રિફેની મીડિયાએ વર્ષો સુધી અવગણના કરી હતી, તેમનું મહત્ત્વ ઓછું આંક્યું હતું અને જીવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ ગણવાને બદલે બોજ ગણી હતી.

એ મહિલાઓનાં નામ કોર્ટના જેન ડો 1,2,102 દસ્તાવેજોમાં હતાં.

એપ્સ્ટીન કાંડ, મહિલા પત્રકારો, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, ન્યાય વ્યવસ્થા, પીડિતા

ઇમેજ સ્રોત, Joe Schildhorn/Patrick McMullan /Getty Images

જૂલી બ્રાઉન કોર્ટ ડૉક્યુમેન્ટમાંની ફૂટનોટ્સનો અભ્યાસ કરતાં હતાં, જ્યારે તેમનાં સાથી વીડિયો જર્નલિસ્ટ એમિલી મિચોટ તેમના ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરતાં હતાં.

એપ્સટિનની ઈજ્જત બચાવવા માટે જે ફ્લાઈટ રેકોર્ડ, નાણાકીય દસ્તાવેજો અને લીગલ ફાઈલ્સને સીલ કરી દેવામાં આવી હતી તેના તાંતણા જૂલી બ્રાઉને જોડ્યા હતા.

ત્યાં સુધીમાં તેઓ લગભગ 80 પીડિતાઓની ઓળખ કરી ચૂક્યાં હતાં અને તેમની તપાસ ત્રણ ભાગવાળી સ્ટોરી બની ગઈ હતી.

વકીલોએ કેસ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું અને એપ્સટિનના વગદાર દોસ્તોએ તે ન્યૂઝ સીરિઝ પ્રકાશિત થાય તે પહેલાં જ જૂલી બ્રાઉનને બદનામ કરવાના પ્રયાસ કર્યા.

મિયામી હેરલ્ડ અખબારે જૂલી બ્રાઉનની ઈન્વેસ્ટિશન સીરિઝ 'પરવર્ઝન ઓફ જસ્ટિસ' નવેમ્બર 2018માં પ્રકાશિત કરી અને તેને પગલે હિસાબ શરૂ થઈ ગયો.

ન્યૂયૉર્કના ફેડરલ પ્રોસિક્યૂટરે થોડા મહિનામાં જ એપ્સટિન કેસ ફરીથી ખોલ્યો અને જુલાઈ 2019માં સેક્સ ટ્રાફિકિંગના આરોપસર જેફ્રી એપ્સટિનની ધરપકડ કરવામાં આવી.

એ પોતાની જંગી સંપત્તિ અને કનેક્શન્શને કારણે અત્યાર સુધી ભલે બચ્યો હોય, પરંતુ આખરે તેણે તેનાં કાળાં કામોનો હિસાબ આપવાનો હતો.

જે એલેકઝેન્ડર એકોસ્ટાએ એપ્સટિનની ડિફેન્સ કૉન્ટ્રેક્ટ આપ્યો હતો તે બાદમાં ટ્રમ્પના લેબર સેક્રેટરી બન્યા હતા અને લોકદબાણને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

એપ્સટિનની જુલાઈ 2019માં ધરપકડ કરવામાં આવી હતી અને તેણે એક મહિના બાદ જેલની કોટડીમાં જ આત્મહત્યા કરી હતી.

સગીર વયની છોકરીઓને ખરીદવા તથા તેમની સાથે ખોટાં કામ કરવા બદલ એપ્સટિનની પાર્ટનનર ધિસલેન મેક્સવેલની ધરપકડ કરવામાં આવી હતી, તેની સામે આખરે કેસ ચલાવવામાં આવ્યો હતો અને આરોપ પૂરવાર થવાથી તેને જેલ સજા કરવામાં આવી હતી.

આજે તે 20 વર્ષના કારાવાસની સજા ભોગવી રહી છે.

'હું તમારા નહીં જન્મેલા બાળકને શ્રાપ આપું છું'

એપ્સ્ટીન કાંડ, મહિલા પત્રકારો, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, ન્યાય વ્યવસ્થા, પીડિતા

ઇમેજ સ્રોત, Rasid Necati Aslim/Anadolu /Getty Images

એપ્સટિને સર્જેલી અંધારી દુનિયામાં સત્યની નજીક પહોંચેલા પત્રકારોમાં એક વિકી વોર્ડ પણ હતાં. તેમણે વેનિટી ફેર સામયિકના માર્ચ 2003ના અંક માટે એપ્સટિનનો એક લાંબો ઈન્ટરવ્યૂ કર્યો હતો.

એપ્સટિન એ સમયે રહસ્યમય વ્યક્તિ હતી અને તેના વિશે લેખ લખવાનું કામ વિકી વોર્ડને સોંપવામાં આવ્યું હતું.

એપ્સટિનનું નામ અખબારોમાં બહુ ઓછું પ્રકાશિત થતું હતું, પરંતુ 2002ની પાનખરમાં એ તેના પ્લેનમાં અમેરિકાના પ્રમુખ બિલ ક્લિંટનને આફ્રિકા લઈ ગયો ત્યારે તેનું નામ મથાળાઓમાં ચમક્યું હતું.

આ રહસ્યમય માણસની તપાસ કરવાનું કામ વેનિટી ફેરે વિકી વોર્ડને સોંપ્યું હતું. એપ્સટિન ન્યૂયોર્કના સૌથી મોટા પ્રાઈવેટ સિટી મેન્શન પૈકીના એકમાં રહેતો હતો. ન્યૂ મેક્સિકોમાં એક ટાપુ અને એક રેન્ચનો માલિક હતો.

આ માણસ પાસે પૈસા ક્યાંથી આવતા હતા?

એપ્સ્ટીન કાંડ, મહિલા પત્રકારો, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, ન્યાય વ્યવસ્થા, પીડિતા

ઇમેજ સ્રોત, Nathan Posner/Anadolu /Getty Images

ઇમેજ કૅપ્શન, મારિયા ફાર્મરે 24 ફેબ્રુઆરીના રોજ વૉશિંગ્ટનમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં હાજરી આપી હતી

એપ્સટિનની આસપાસ અનેક યુવતીઓ રહેતી હોવાનું વિકી વોર્ડને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

એ પછી વિકી વોર્ડની મુલાકાત ફાર્મર બહેનો - એની અને મારિયા સાથે થઈ.

તેમણે વિકી વોર્ડને પોતાની ડરામણી કહાણીઓ સંભળાવી.

વિકી વોર્ડ એ સમયે ગર્ભાવસ્થાના મુશ્કેલ દૌરમાંથી પસાર થતાં હતાં. તેઓ મેન્યુસ્ક્રિપ્ટ આપીને મેટરનિટી લીવ પર ચાલ્યાં ગયાં.

વિકી વોર્ડના જણાવ્યા અનુસાર, એપ્સટિને તેમને ધમકી આપી હતી કે તેને વિકીનું લખાણ નહીં ગમે તો વિકી તેના સંતાનને ક્યાં જન્મ આપવાનાં છે તેની ભાળ મેળવશે અને નવજાત શિશુ પર જાદુટોણા કરશે.

એપ્સટિન વિશેનો લેખ પ્રકાશિત થાય એ પહેલાં તેમાંથી ફાર્મર બહેનોના દાવાને કાઢી નાખવામાં આવ્યા હતા.

'ધ ટેલેન્ટેડ મિસ્ટર એપ્સટિન' શિર્ષક હેઠળના તે લેખનો સૌથી જરૂરી હિસ્સો તત્કાલીન વડા તંત્રી ગ્રેડન કાર્ટરે સોનાની કાતર વડે કાપી નાખ્યો હતો.

ગ્રેડન કાર્ટરે જણાવ્યું હતું કે માત્ર વિકી વોર્ડને જ નહીં, તેમને પણ ધમકી મળી હતી. તેમના ઘરના વરંડામાં બિલાડીનું કપાયેલું માથું અને દરવાજાની સામેથી એક ગોળી મળી હતી.

અલબત, વિકી વોર્ડના કહેવા મુજબ, સ્ટોરી બધાની નજર સામે હતી અને એવા તંત્રીઓની જરૂર હતી જે "આ મહિલાઓની આપવીતીને ગંભીર માને."

ગ્રેડન કાર્ટરે વર્ષો પછી દાવો કર્યો હતો કે તેઓ કાયદેસર રીતે ન્યૂઝ રિપોર્ટના એ હિસ્સાઓને પ્રકાશિત કરી શકે તેમ ન હતા અને વિકી વોર્ડ એક ખરાબ પત્રકાર હતાં. તેમણે પૂરતું રિસર્ચ કર્યું ન હતું.

જોકે, વિકી વોર્ડે એપ્સટિન કેસમાં આગળ વધવાનું છોડ્યું ન હતું.

2021માં રિલીઝ થયેલા વિકી વોર્ડના 13 હપ્તાના પોડકાસ્ટ 'ચેઝિંગ ઘિસલેન'માં ફોકસ માત્ર એપ્સટિન પર નહીં, પરંતુ ધિસલેન મેક્સવેલ તેમજ પુરુષો દ્વારા બનાવવામાં આવેલા પાવર નેટવર્ક પર પણ હતું.

એ પછી તેમણે તે પોડકાસ્ટ પ્રોજેક્ટને 'ચેઝિંગ ઘિસલેનઃ ધ અનટોલ્ટ સ્ટોરી ઓફ ધ વુમન ઈન એપ્સટિન્સ શેડો' નામની એક દસ્તાવેજી ફિલ્મમાં પરિવર્તિત કર્યું હતું.

બધાનું સોશિયલ સર્કલ સમાન હતું.

એક અન્ય મહિલા, જેમણે એપ્સટિનનો પીછો કર્યો હતો અને જેમનું નામ જૂલી બ્રાઉન તથા વિકી વોર્ડ જેટલું વિખ્યાત કે ચર્ચિત નથી તે, માનવાધિકાર કર્મશીલ કોંચિતા સરનોફ છે.

2010માં ડેઈલી બીસ્ટમાં કોંચિતા સરનોફનું એક જબરજસ્ત ઈન્વેસ્ટિગેશન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એપ્સટિનને આકરી જેલ સજામાંથી બચવામાં જે સોદાને કારણે મદદ મળી હતી તેનો ખુલાસો એ ઈન્વેસ્ટિગેશનમાં થયો હતો. તેમના શ્રીમંત તથા વગદાર મિત્ર વર્તુળના કેટલાક લોકોના નામ તેમજ તેમની સાથેના કનેક્શનની ખબર ફ્લાઈટ રેકોર્ડ મારફત પડી હતી.

ડેઈલી બીસ્ટનાં સહ-સ્થાપક અને વડા તંત્રી ટીના બ્રાઉને એપ્સટિન કેસ સંબંધી કામગીરી કોંચિતા સરનોફને સોંપી હતી. એ વખતે કોંચિતા, દુનિયા એપ્સટિન વિશે આજે જે જાણે છે તેનો પાયો નાખનારા ઈન્વેસ્ટિગેટિવ પત્રકારો પૈકીનાં એક હતાં.

કોંચિતા સરનોફ, એપ્સટિન અને ઘિસલેન મેક્સવેલનું સોશિયલ સર્કલ એક જ હતું. એ કારણે તેઓ એપ્સટિન કેસાં અચાનક સામેલ થયાં હતાં.

નાટક કરીને ફોન કર્યો

એપ્સ્ટીન કાંડ, મહિલા પત્રકારો, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, ન્યાય વ્યવસ્થા, પીડિતા

ઇમેજ સ્રોત, Jakub Porzycki/NurPhoto /Getty Images

જોકે, એપ્સટિન સગીર વયની એક છોકરી પાસે વેશ્યાવૃત્તિ કરાવવા બદલ દોષી પૂરવાર થયો છે અને આ મામલો લોકોના ધ્યાનમાં ખાસ આવ્યો નથી, એવું એક કોમન દોસ્તે જણાવ્યું ત્યારે કોંચિતા સરનોફને આંચકો લાગ્યો હતો.

તેમને ખબર પડી હતી કે તેઓ આજીવન જેમની સામે લડતા રહ્યાં છે તેવા ગુના તેમના પોતાના સોશિયલ સર્કલમાંના જ કેટલાક લોકો છે.

એ પછી કોંચિતા સરનોફે એપ્સટિનના ગુનાઓની વિગત ધરાવતા કોર્ટના દસ્તાવેજો શોધીને લોકો માટે જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.

2010ના ઉનાળામાં કોંચિતા સરનોફે એક અન્ય ચાઈલ્ડ સેક્સ ટ્રાફિકિંગ કેસની તપાસનું નાટક કરીને એપ્સટિનને ફોન પર વાત કરવા રાજી કર્યા હતા.

એપ્સટિન તેના વિશાળ પામ બીચ એસ્ટેટમાં નજરકેદમાં હતા ત્યારે અનેક ઈન્ટરવ્યૂ આપવા તૈયાર થયા હતા અને એ વાતચીત એપ્સટિનના સજાના સમય દરમિયાનનો એકમાત્ર ઈન્ટરવ્યૂ હતી.

પોતાના છેલ્લા ફોન કોલમાં કોંચિતા સરનોફે એપ્સટિનને જણાવ્યું હતું કે તેઓ એપ્સટિનના ગુનાઓ વિશે લખશે.

"મને યાદ છે કે હું બહુ ડરેલી હતી. આગળ શું થવાનું છે તેની મને ખબર હતી અને પાછા વળવાનો કોઈ રસ્તો ન હતો."

એ કબૂલાતનામા બાદ એપ્સટિને કોંચિતા સરનોફનો ફોન કટ કરી નાખ્યો હતો અને પછી ક્યારેય તેમની સાથે વાત કરી ન હતી.

ડેઈલી બીસ્ટને આપેલી એક મુલાકાતમાં, એ દિવસોની વાત કરતાં કોંચિતા સરનોફે જણાવ્યું હતું કે તેમણે એપ્સટિનની જિંદગી વિશે ઉંડાણપૂર્વક તપાસ કરી હતી અને એટલા જ ઉંડાણપૂર્વક તેમને શંકા પડી હતી કે તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ફાર્મસીમાં એક માણસ તેમની પાસે આવ્યો હતો અને પૂછ્યું હતું કે "તમે કોંચિતા સરનોફ છો?"

એપ્સટિનના જીવન સંબંધી તપાસ બંધ કરવા બદલ કોંચિતા સરનોફ માટે એક વિદેશી બૅન્ક અકાઉન્ટમાં હજારો ડૉલર જમા કરવાની ઓફર પણ એક સમયે કરવામાં આવી હતી. સરનોફના જણાવ્યા મુજબ, તેમણે ઈનકાર કર્યો હતો.

એપ્સટિન કેસ વિશે કામ શરૂ કર્યા બાદ જૂલી બ્રાઉન, વિકી વોર્ડ અને કોંચિતા સરનોફને ધમકાવવામાં આવ્યાં હતાં, બદનામ કરવામાં આવ્યાં હતાં, તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેમની સ્ટોરીઝ નબળી પાડી દેવામાં આવી હતી અથવા તો વિલંબથી પ્રકાશિત કરવામાં આવી હતી.

એપ્સટિને માત્ર મહિલાઓને જ નહીં, પરંતુ તેની કાળી જિંદગીની કહાણી કહેતી મહિલા પત્રકારોને ડરાવવાની, ચૂપ કરાવવાની કે થકાવીને તેમને કન્ટ્રોલ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેના પ્રયાસો સચ્ચાઈને બદલી શક્યા ન હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન