તમારા મળ કે પેશાબમાંથી ગંધ આવે, શ્વાસમાંથી માછલી જેવી અને શરીરમાંથી સડેલાં ફળ જેવી વાસ આવે તો કયા રોગ હોઈ શકે?

ઇમેજ સ્રોત, Serenity Strull/BBC/Getty Images
- લેેખક, જાસ્મિન ફોક્સ-કેલી
- પદ, બીબીસી ફ્યુચર
શરીરમાંનાં છિદ્રો અને શ્વાસ દ્વારા આપણે ઢગલાબંધ કેમિકલ્સ બહાર છોડીએ છીએ. એ પૈકીના કેટલાંક આપણી બીમારીનો સંકેત આપે છે અને એવા સંકેતોનો ઉપયોગ વર્ષો પછી થનારી બીમારીની ભાળ મેળવવા માટે કરી શકાય છે.
"આ બધું બકવાસ છે." પોતે પાર્કિન્સન્સ રોગની ગંધ અનુભવી શકતી હોવાનો દાવો કરતી એક સ્કોટિશ મહિલા વિશે એક સાથીદારે જણાવ્યું ત્યારે ઍનાલિટિકલ કેમિસ્ટ પેર્ડિટા બેરને આવો પ્રતિભાવ આપ્યો હતો.
પેર્ડિટા બેરન એ વાતને યાદ કરતાં કહે છે, "મને એમ કે એ મહિલા કદાચ માત્ર વૃદ્ધોને સુધી રહી હતી અને પાર્કિન્સન્સનાં લક્ષણોને ઓળખી રહી હતી તેમજ તેમની સાથે કોઈ સંબંધ બાંધી રહી હતી."
અહીં જે મહિલાની વાત છે તે જોય મિલ્ને નામનાં 74 વર્ષીય નિવૃત્ત પરિચારિકા છે અને બેરનના સાથીદાર ટિલો કુનાથ એડિનબર્ગ યુનિવર્સિટીમાં ન્યૂરોસાયન્ટિસ્ટ છે. ટિલો કુનાથ 2012માં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે જોય મિલ્નેએ તેમનો સંપર્ક કર્યો હતો.
જોય મિલ્ને ટિલો કુનાથને જણાવ્યું હતું કે તેમના પતિ લેસના શરીરમાંથી મસ્કી ગંધ વર્ષો પહેલાં આવવા લાગી ત્યારે તેમને તેમના આ કૌશલ્યની ખબર પડી હતી. એ પછી લેસને પાર્કિન્સન્સની બીમારીનું નિદાન થયું હતું. પાર્કિન્સન્સ ડિસીઝ એક તબક્કા વાર વધતી જતી ન્યૂરોડીજેનેરેટિવ બીમારી છે, જેમાં વ્યક્તિનું શરીર સતત કંપતું રહે છે અને બીજાં લક્ષણો જોવા મળે છે.
મિલ્ને તેમના વતન પર્થ, સ્કૉટલૅન્ડમાં પાર્કિન્સન્સના દર્દીઓની એક ગ્રૂપ મીટિંગમાં ગયાં ત્યારે તેમને આ કનેક્શન સમજાયું હતું. બધા દર્દીઓમાંથી મસ્કી ગંધ આવી રહી હતી.
પેર્ડિટા બેરન એ સમયે એડિનબર્ગ યુનિવર્સિટીમાં કામ કરતાં હતાં અને હવે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં કાર્યરત્ છે. તેઓ કહે છે, "તેથી મિલ્નેનો દાવો સાચો છે કે કેમ તે ચકાસવા અમે ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો."
તેમાં ખબર પડી હતી કે મિલ્ને સમય બરબાદ કરતી વ્યક્તિ ન હતાં. કુનાથ, બેરન અને તેમના સાથીઓએ મિલ્નેને 12 ટીશર્ટ્સ સૂંઘવા કહ્યું હતું. એ પૈકીનાં છ પાર્કિન્સન્સના દર્દીઓ પહેરેલાં હતાં અને છ ટીશર્ટ એ બીમારી ન હોય તેવા લોકોએ પહેરેલાં હતાં. મિલ્નેએ છ વ્યક્તિઓની સાચી ઓળખ કરી હતી. એટલું જ નહીં, એક એવી વ્યક્તિને ઓળખી કાઢી હતી, જેને એક વર્ષ કરતાં ઓછા સમયમાં પાર્કિન્સન્સ રોગ થવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેરન કહે છે, "બહુ કમાલની વાત હતી. મિલ્નેએ બીમારી થવાનું પહેલાં જ શોધી કાઢ્યું હતું. તેમના પતિની બાબતમાં પણ એવું જ થયું હતું."
મિલ્નેના આ અદભુત કૌશલ્યના સમાચાર 2015માં દુનિયાભરમાં હેડલાઈન બન્યા હતા.
મિલ્નેની કથા તમે વિચારો છો એટલી અજબ નથી. લોકોના શરીરમાંથી અનેક પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. વ્યક્તિના શરીરમાં કશું બદલાયું છે કે કોઈ ગડબડ થઈ છે, તેનો અણસાર નવી દુર્ગંધ આપી શકે છે.
હવે વિજ્ઞાનીઓ એવાં બાયોમાર્કર વિશે જાણવાની પદ્ધતિસરની ટેકનિક પર કામ કરી રહ્યા છે, જેનાથી પાર્કિન્સન્સ રોગ અને બ્રેઇન ઇન્જરીથી માંડીને કૅન્સર સુધીની અનેક બીમારીઓની ભાળ ઝડપભેર મેળવી શકાય. તેને જાણવાની રીત કદાચ આપણા નાકની નીચે છુપાયેલી હોઈ શકે.
અલગ-અલગ રોગના દર્દીની અલગ ગંધ

ઇમેજ સ્રોત, Serenity Strull/BBC/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
RealNose.ai નામની કંપનીના સહસ્થાપક અને ફિઝિસિસ્ટ એન્ડ્રિયાસ મર્શિન કહે છે, "મને એ જોઈને ગુસ્સો આવે છે કે લોકો મરી રહ્યા છે અને તેમને પ્રોસ્ટેટ કૅન્સર છે કે નહીં તે જાણવા માટે આપણે તેમના થાપામાં ઇન્જેક્શન ઘોંચી રહ્યા છીએ, જ્યારે કે તેના સંકેતો પહેલાંથી જ બહાર છે અને કૂતરા તેને પામી શકે છે."
RealNose.ai કંપની માનવ શરીરની ગંધના આધારે બીમારીને ઓળખી કાઢતા રોબૉટિક નાક બનાવી રહી છે. આવી ટૅક્નૉલૉજી જરૂરી છે, કારણ કે બીમારીના પ્રારંભિક તબક્કામાં દેખાતા આવા બાયોકેમિકલ્સને ઓળખી કાઢે તેટલી શક્તિશાળી ધ્રાણેન્દ્રીય બહુ ઓછા લોકોની હોય છે.
જોય મિલ્ને એવા લોકો પૈકીનાં એક હતાં. તેમને હેરિડેટરી હાઈપરોસ્મિયા છે. તે એક એવી ખાસિયત છે, જેને કારણે તેમની સૂંઘવાની શક્તિ સામાન્ય વ્યક્તિ કરતાં બહુ જ વધારે સેન્સિટિવ છે. એક પ્રકારના સુપર-સ્મેલર જેવી.
કેટલીક બીમારીની ગંધ એટલી તીવ્ર હોય છે કે મોટા ભાગના લોકો તેને સૂંઘી શકે છે. દાખલા તરીકે, ડાયાબિટીસના જે દર્દીઓને હાઈપોગ્લાઈસીમિયા થતો હોય તેમના શ્વાસ કે ચામડીમાંથી "સડેલા સફરજન" જેવી ગંધ આવતી હોય છે. બ્લડસ્ટ્રીમમાં કીટોન્સ નામનાં ફળો જેવી ગંધવાળા ઍસેડિક કેમિકલ્સ બનવાને કારણે આવું થતું હોય છે. શરીર ગ્લુકોઝને બદલે ફેટને મેટાબોલાઇઝ કરે ત્યારે આવાં કેમિકલ્સ બનતાં હોય છે.
જેમને લીવરની બીમારી હોય તેમના શ્વાસ કે પેશાબમાંથી સલ્ફર જેવી ગંધ આવી શકે છે, જ્યારે તમારા શ્વાસમાંથી એમોનિયા જેવી દુર્ગંધ આવતી હોય કે તેમાં "માછલી જેવી" કે "પેશાબ જેવી" ગંધ આવતી હોય તો તે કિડનીની બીમારીનો સંકેત હોઈ શકે છે.
કેટલીક ચેપી બીમારીઓમાં ખાસ પ્રકારની ગંધ આવતી હોય છે. મીઠી ગંધવાળો મળ કોલેરા કે ક્લોસ્ટ્રીડિયોઈડ્સ ડિસિફાઈલ બૅક્ટેરિયાના ઈન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. તે અતિસારનું એક સામાન્ય કારણ છે.
જોકે, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હૉસ્પિટલની પરિચારિકાઓનું કમનસીબ જૂથ દર્દીને સુંઘીને તેના રોગની ખરી ભાળ મેળવી શકી ન હતી. ક્ષયરોગથી પીડાતી વ્યક્તિના શ્વાસમાંથી વાસી બીયર જેવી દુર્ગંધ આવી શકે છે અને તેમની ત્વચામાંથી ભીના બ્રાઉન કાર્ડબોર્ડ જેવી ગંધ આવી શકે છે.
બીજી બીમારીઓની ભાળ મેળવવા માટે ખાસ પ્રકારનું નાક હોવું જરૂરી છે.
દાખલા તરીકે, કૂતરાંની ઘ્રાણેન્દ્રીય માણસો કરતાં એક લાખ ગણી વધારે શક્તિશાળી હોય છે. વિજ્ઞાનીઓએ કૂતરાંને લોકોનાં ફેફસાં, બ્રેસ્ટ, ઓવેરિયન, બ્લેડર અને પ્રોસ્ટેટ કૅન્સર સૂંઘવા માટે તાલીમ આપી છે. પ્રોસ્ટેટ કૅન્સર વિશેના એક અભ્યાસમાં કૂતરાં 99 ટકા સક્સેસ રેટ સાથે યુરિન સેમ્પલ મારફત બીમારીની ભાળ મેળવવામાં સફળ થયાં છે. કૂતરાંને પાર્કિન્સન્સ ડિસીઝ, ડાયાબિટીઝ, મૂર્છાના ભાવિ હુમલા અને મલેરિયાનાં પ્રારંભિક લક્ષણોની ભાળ મેળવવા માટે પણ તાલીમ આપવામાં આવી છે. માત્ર કૂતરાં દ્વારા સૂંઘવાથી જ કામ પતી જાય છે.
અલબત્ત, બધાં કૂતરાંમાં બીમારીની ભાળ મેળવવાનું કૌશલ્ય હોતું નથી. જે પ્રાણીઓમાં આવી કાબેલિયત હોય છે તેમને તાલીમ આપવામાં પણ સમય લાગે છે. કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે આપણે કૂતરાંની સૂંઘવાની કાબેલિયતની નકલ કરી શકીએ અને મિલ્ને જેવા લોકો લૅબોરેટરીમાં એક સાદો સ્વેબ આપી શકે, જેને ટેસ્ટિંગ માટે મોકલી શકાય.
દાખલા તરીકે, પાર્કિન્સન્સના દર્દીઓના સીબમ (લોકોની ત્વચા પર બનતો એક સ્નિગ્ધ પદાર્થ)ના વિશ્લેષણ માટે પેર્ડિટા બેરન ગૅસ ક્રોમેટોગ્રાફી-માસ સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ કરી રહ્યા છે.
ગૅસ ક્રોમેટોગ્રાફી કમ્પાઉન્ડને અલગ કરે છે અને માસ સ્પેક્ટ્રોમેટ્રી તેનું વજન કરે છે, જેનાથી ઉપસ્થિત મોલિક્યૂલાની ખરી પ્રકૃતિની ભાળ મેળવી શકાય છે. ફૂડ, ડ્રીંક અને પરફ્યૂમ ઇન્ડસ્ટ્રી ગંધના વિશ્લેષણની આ રીતનો પહેલેથી જ નિયમિત રીતે ઉપયોગ કરી રહી છે.
બેરનના જણાવ્યા મુજબ, માણસની ત્વચા પર સામાન્ય રીતે મળી આવતા લગભગ 25,000 કમ્પાઉન્ડ્સ પૈકીના પાર્કિન્સન્સ સંબંધી લગભગ 3,000 કમ્પાઉન્ડ્સ અલગ-અલગ રીતે રેગ્યુલેટ થતાં હોય છે.
તેઓ કહે છે, "આજે અમે એ સ્થિતિમાં છીએ, જ્યાં તેને ઘટાડીને 30થી ઓછા કરી નાખવામાં આવ્યા છે. તે પાર્કિન્સન્સના તમામ દર્દીઓમાં ખરેખર અલગ-અલગ હોય છે."
પેર્ડિડા બેરન જણાવે છે કે અનેક કમ્પાઉન્ડ્સ લિપિડ કે ફેટ અને લૉંગ ચેઇન ફેટી ઍસિડ્સ હોય છે. દાખલા તરીકે પ્રારંભિક અભ્યાસમાં બીમારી સંબંધી ગંધ સાથે જોડાયેલા ત્રણ લિપિડ જેવા મોલેક્યુલ્સ – હિપ્પુરિક એસિડ, આઈસોકોન તથા ઓક્ટાડેકેનાલ પર ફોકસ કરવામાં આવ્યું હતું. તે સમજી શકાય છે, કારણ કે અસામાન્ય લિપિડ મેટાબોલિઝમ પાર્કિન્સન્સ બીમારીની એક ઓળખ હોવાનું અગાઉના અભ્યાસમાં જાણવા મળ્યું હતું.
બેરન કહે છે, "લૉંગ ચેઇન ફેટી ઍસિડ્સનું માઇટોકોન્ડ્રિયામાં પરિવહન કરવાના કોષોની ક્ષમતા (પાર્કિન્સન્સની બીમારી ધરાવતા લોકોમાં) ઓછી થઈ જતી હોવાનું અમને જાણવા મળ્યુ હતું. અમે જાણીએ છીએ કે શરીરમાં આવા લિપિડ વધારે સર્ક્યુલેટ થતાં હોય છે અને એ પૈકીનાં કેટલાંક ત્વચા મારફત બહાર નીકળતા હોય છે અને અમે તેને જ માપીએ છીએ."
તેમની ટીમ હવે એક આસાન સ્કિન સ્વેબ ટેસ્ટ વિકસાવી રહી છે, જેના વડે પાર્કિન્સન્સની બીમારીની ભાળ પ્રારંભિક તબક્કામાં જ મેળવી શકાય છે. કંપન જેવાં લક્ષણો ધરાવતા દર્દીઓને જનરલ પ્રેક્ટિશનર્સ અત્યારે ન્યૂરોલોજિસ્ટ પાસે મોકલતા હોય છે. તેઓ રોગનું નિદાન કરે છે. અલબત્ત, તેમાં વર્ષો થઈ શકે છે.
બેરન કહે છે, "અમે ઇચ્છીએ છીએ કે એક બહુ જ ઝડપી, નૉન-ઇન્વેઝિવ ટેસ્ટ થાય, જેનાથી કોઈ અસરકારક રીતે તપાસ કરી શકાય. એ પછી તેઓ ન્યૂરોલૉજિસ્ટને મળી શકે, જે તેમનું મૂલ્યાંકન કરે અને હા કે ના કહી શકે."
સવાલ એ છે કે રોગો આપણા શરીરની ગંધને કેવી રીતે અસર કરે છે? તેનું કારણ અસ્થિર કાર્બનિક સંયોજનો (વીઓસી) તરીકે ઓળખાણા પરમાણુઓનું જૂથ છે.
જીવંત રહેવા માટે આપણા શરીરે ખોરાક અને પીણાને ઊર્જામાં રૂપાંતરિત કરતા રહેવું જરૂરી છે. તે મિટોકોન્ડ્રિયાની અંદર થતી શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓ મારફત આવું કરે છે.
આપણા કોષોમાંનાં નાનાં માળખાં આપણા ખોરાકમાંથી એવી શર્કરાને ઊર્જામાં રૂપાંતરિત કરે છે, જેનો ઉપયોગ આપણું શરીર કરી શકે. આ રાસાયણિક પ્રતિક્રિયાઓ મેટાબોલાઇટ્સ તરીકે ઓળખાતા પરમાણુઓ ઉત્પન્ન કરે છે. તેમાંથી કેટલાક અસ્થિર હોય છે. તેનો અર્થ એ કે તેમનું રૂમ ટેમ્પરેચરમાં આસાનીથી બાષ્પિભવન થઈ જાય છે. તે આપણા નાક વાટે અંદર જાય છે અને વીઓસી દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે.
અમેરિકાના ફિલાડેલ્ફિયાની એક સંશોધન સંસ્થા મોનેલ કેમિકલ સેન્સ સેન્ટરના કેમિકલ ઇકૉલૉજિસ્ટ બ્રુસ કિમબોલ કહે છે, "તમે કોઈ ચેપ કે રોગ કે ઈજાથી પીડાતા હો તો તેની અસર દેખીતી રીતે તમારા ચયાપચય પર પડે છે. ચયાપચયમાંના તે ફેરફારો શરીરમાં વિવિધ સ્થળે મેટાબોલાઇટ્સના વિતરણમાં અનુભવાય છે."
બીજા શબ્દોમાં કહીએ તો રોગ થવાથી ઉત્પાદિત વીઓસી બદલાઈ શકે છે, જે આપણા શરીરની ગંધની ફિંગરપ્રિન્ટમાં ફેરફાર કરી શકે છે.
ઈજા, ઇન્ફેક્શન કે બીમારી સમયે આપણા શરીરની ગંધમાં ફેરફાર થયા હોય છે?

ઇમેજ સ્રોત, Serenity Strull/BBC/Getty Images
કિમબોલ કહે છે, "આપણે ઘણાં વાઇરલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન્સ, સ્વાદુપિંડનાં કૅન્સર અને હડકવા જેવા રોગ જોયા છે. આ યાદી ખૂબ લાંબી છે. હું કહીશ કે સ્વસ્થ સ્થિતિની સરખામણી કરતી વખતે સ્વસ્થ અને વર્તમાન સ્થિતિ વચ્ચે ભેદ પાડવાની ક્ષમતા ભાગ્યે જ આપણી નજરમાં આવે છે. તે ખૂબ સામાન્ય છે."
મહત્ત્વની વાત એ છે કે આ રોગો સાથે સંકળાયેલા ઘણા વીઓસી ફેરફારો માનવો માટે ખૂબ સૂક્ષ્મ છે. એ કારણસર કૂતરાં અથવા ગંધ સૂંઘતાં તબીબી ઉપકરણો ભવિષ્યમાં કેટલાક ગંભીર, પરંતુ શોધવી મુશ્કેલ બીમારીનું નિદાન કરવામાં મદદ કરી શકે છે.
કૉન્ટેક્ટ સ્પૉર્ટ્સ રમતાં બાળકોમાં થતી મગજની ઈજાઓનું નિદાન કરવા માટે, તેમના શરીર દ્વારા ઉત્સર્જિત વીઓસીમાં થયેલા ફેરફાર આધારિત ટેસ્ટ તેમના સાથીદારો સાથે મળીને વિકસાવી રહ્યા છે.
2016માં તેમણે પ્રકાશિત કરેલા એક અભ્યાસનાં તારણોમાં ખુલાસો થયો હતો કે ઉંદરોમાં આઘાતને કારણે થતી મગજની ઈજાઓ વખતે એક અલગ પ્રકારની ગંધ આવે છે. એ સૂંઘવાની તાલીમ અન્ય ઉંદરોને આપવાનું શક્ય છે. ટૂંક સમયમાં પ્રકાશિત થનારા તેમનાં નવાં તારણો મુજબ, કિમબોલને ઉશ્કેરાટ પછીના પ્રથમ કેટલાક કલાકોમાં માનવ પેશાબમાં ચોક્કસ કીટોન્સ જોવા મળ્યા હતા. આવી ઈજાઓ પછી ગંધ શા માટે મુક્ત થાય છે, તેનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ થિયરી એવી છે કે મગજ પોતાના રીપૅરિંગના પ્રયાસ વખતે વીઓસીને આડપેદાશ તરીકે મુક્ત કરે છે.
કિમબોલ કહે છે, "આપણે જે કીટોન્સ જોઈએ છીએ તે સૂચવે છે કે ઈજાનો સામનો કરવા અથવા ઓછામાં ઓછો રિકવરીને આધાર આપવા મગજે વધારે ઊર્જા મેળવવાના પ્રયાસો કરવા પડે છે તેની સાથે તેને સંબંધ હોય એવું લાગે છે."
આવું વિચારવાનું વાજબી કારણ પણ છે. અભ્યાસો દર્શાવે છે કે મગજને ઈજા પછી કીટોન્સ વૈકલ્પિક ઊર્જા સ્રોત તરીકે કામ કરી શકે છે અને તે ન્યૂરોપ્રોટેક્ટિવ ગુણ પ્રદાન કરતા હોવાનું માનવામાં આવે છે.
કોઈને મેલેરિયા થયો છે કે કેમ એ પણ શરીરની ગંધ જાહેર કરી શકે છે. વિજ્ઞાનીઓએ 2018માં શોધી કાઢ્યું હતું કે મેલેરિયાથી સંક્રમિત બાળકોનું શરીર તેની ત્વચા મારફત એક અલગ ગંધ બહાર કાઢે છે, જે તેને ખાસ કરીને મચ્છરો માટે આકર્ષક બનાવે છે.
પશ્ચિમ કેન્યામાં 56 બાળકોના સૅમ્પલ્સનો અભ્યાસ કરીને આ ટીમે "ફળ અને ઘાસ જેવી" ગંધ ઓળખી કાઢી હતી, જે ઊડતા, કરડતા જંતુઓને આકર્ષક લાગતી હોય છે. સૅમ્પલ્સના વિશ્લેષણમાં એલ્ડીહાઇડ્સ, ખાસ કરીને હેપ્ટેનલ, ઑક્ટેનલ તથા નોનએનલ નામનાં રસાયણોની હાજરી જોવા મળી હતી.
એ રસાયણો અનન્ય ગંધ માટે કારણભૂત હતાં. આ સંશોધનનો ઉપયોગ મેલેરિયા માટે એક નવી ટેસ્ટ વિકસાવવા થઈ શકે છે. વિજ્ઞાનીઓ હાલ તો એ ગંધની નકલ કરવાના અને તેનો ઉપયોગ મચ્છરોને ફસાવવા માટે, તેમને રહેણાક વિસ્તારો તથા ગામડાંથી દૂર લઈ જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
એમઆઇટીના ભૂતપૂર્વ સંશોધક વિજ્ઞાની અને હવે RealNose.ai માટે કામ કરતા મેર્શિન જણાવે છે કે પ્રોસ્ટેટ કૅન્સરનો તાગ મેળવી શકાય એવી ગંધને શોધી શકે એવું એક ઉપકરણ વિકસાવવાના પ્રયાસ તેઓ અને તેમની ટીમ કરી રહી છે. પ્રોસ્ટેટ કૅન્સરને કારણે પ્રત્યેક 44માંથી એક પુરુષ મૃત્યુ પામે છે.
મેર્શિન કહે છે, "મેં એમઆઇટી ખાતે લગભગ 19 વર્ષ સુધી કરેલા સંશોધનમાંથી આ કંપની ઊભરી આવી છે. એમઆઇટીમાં ડિફેન્સ ઍડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટમાં મને કૂતરાંની ધ્રાણેન્દ્રીયને પાછળ છોડી દે તેવું સંશોધન કરવાનું કહેવામાં આવ્યું હતું. અમને મૂળભૂત રીતે બાયો-સાયબોર્ગ બનાવવાનું કહેવામાં આવ્યું હતું."
'બધા પોતાના સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ ધરાવે એ જરૂરી'

ઇમેજ સ્રોત, Serenity Strull/BBC/Getty Images
RealNose.ai દ્વારા હાલમાં વિકસાવવામાં આવી રહેલા ઉપકરણમાં વાસ્તવિક માનવ ઘ્રાણેન્દ્રિય રીસેપ્ટર્સનો સમાવેશ થાય છે. આ ઘ્રાણેન્દ્રિય રીસેપ્ટર્સ સ્ટેમ સેલ્સ દ્વારા લૅબોરેટરીમાં બનાવવામાં આવે છે. તેને પ્રોસ્ટેટ કૅન્સર સાથે સંકળાયેલી ગંધના મોલેક્યુલ્સ શોધવા ફાઇન-ટ્યુન કરવામાં આવે છે. એ પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક સ્વરૂપ મશીન લર્નિંગ રીસેપ્ટર્સના ઍક્ટિવેશનમાં પૅટર્ન્સ શોધે છે.
મેર્શિન કહે છે, "સૅમ્પલની અંદર શું છે એટલું જ જાણવું પૂરતું નથી. કેકના ઘટકો આપણને કેકના સ્વાદ અથવા સુગંધ વિશે પણ થોડું જણાવતા હોય છે. તમારા સેન્સર્સ આ અસ્થિર પદાર્થો સાથે ઇન્ટરઍક્ટ કરે અને તમારું મગજ તે માહિતીની પ્રોસેસ કરે તથા તેને ગ્રહણશીલ અનુભવમાં પરિવર્તિત કરે એ પછી આવું થવું જોઈએ."
તેઓ ઉમેરે છે, "અમે સેન્સરી ઍક્ટિવેશનમાં પૅટર્ન શોધી રહ્યા છીએ, જે આપણે મગજ તરીકે કરીએ છીએ તેની નજીક છે."
દરમિયાન જોય તેમની રિસર્ચ ટીમ સાથે હવે બેરન સાથે કામ કરી રહ્યા છે, જે તેમને પાર્કિન્સન્સ અને અન્ય બીમારીઓ માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિકસાવવામાં મદદ કરશે.
બેરન કહે છે, "અમે ગંધ શોધવા માટે હવે તેનો વધુ ઉપયોગ કરતા નથી. તેઓ દિવસમાં વધુમાં વધુ 10 સૅમ્પલ્સ કરી શકે છે અને એ તેમના માટે ભાવનાત્મક રીતે ખૂબ જ થકવી નાખનારું છે. તેઓ 75 વર્ષનાં છે. તેથી કિંમતી છે."
તેમ છતાં બેરનની ટેકનિક જોયની ક્ષમતાનું પુનરાવર્તન કરી શકશે અને પાર્કિન્સન્સ ડિસીઝને તેના પ્રારંભિક તબક્કામાં જ શોધી શકશે તો તે જોય અને લેસ બન્ને માટે અમૂલ્ય વારસો હશે.
બેરન કહે છે, "જોય અને લેસ બન્ને તબીબી રીતે પ્રશિક્ષિત છે. તેથી તેઓ જાણતા હતા કે આ નિરીક્ષણ અર્થપૂર્ણ છે. મને આ બાબત નોંધપાત્ર લાગે છે. હકીકતમાં દરેક વ્યક્તિ તેના અથવા તેના દોસ્તોના અથવા તેના પરિવારના સ્વાસ્થ્યનું અવલોકન કરવા અને કશું ખોટું લાગે તો તેનું નિરાકરણ કરવામાં સક્ષમ હોવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












