ઇંદિરા ગાંધી જ્યારે પહેલી અને છેલ્લી વાર બાંગ્લાદેશ ગયાં ત્યારે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અહરાર હુસૈન
- પદ, બીબીસી બાંગ્લા, ઢાકા
17 માર્ચ 1972. સવારના 10:30 વાગ્યા હતા, ત્યારે, ઢાકાના તેજગાંવ ઍરપૉર્ટ પર ભારતીય વાયુસેનાનું એક વિમાન 'હંસ' ઊતર્યું.
ઍરપૉર્ટ પર ભારતના ઝંડાની સાથોસાથે નવા બાંગ્લાદેશનો લાલ અને લીલો ઝંડો પણ ફરકી રહ્યો હતો.
જે સમયે ભારતીય હવાઈદળનું એ વિશેષ વિમાન ઢાકા હવાઈમથકે ઊતર્યું, તેની પહેલાં ઢાકા જ નહીં, આખા બાંગ્લાદેશમાં બાકીનાં વિમાન ઉડ્ડયનો અટકાવી દેવાયાં હતાં.
આ વિમાનમાં એ દિગ્ગજ સવાર હતાં, જેઓ આગલા વરસે જ બાંગ્લાદેશનાં પહેલાં દોસ્ત બન્યાં હતાં. તેમના નેતૃત્વ હેઠળ જ ભારતે એક કરોડથી વધુ બાંગ્લા શરણાર્થીઓને આશરો આપ્યો, ભોજન આપ્યું અને તેમની સારવારની પણ વ્યવસ્થા કરી હતી.
પૂર્વ બંગાળના જે ગેરીલાઓ બાંગ્લાદેશની આઝાદીની લડત લડતા હતા, તેઓને આ દિગ્ગજે જ હથિયાર આપ્યાં હતાં અને તાલીમ આપીને આઝાદીની લડાઈમાં તેમને સાથ આપ્યો હતો.
તેમણે જ પૂર્વ બંગાળને બાંગ્લાદેશ તરીકેની માન્યતા અપાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચો પર રાજદ્વારી અભિયાન ચલાવ્યાં હતાં. બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં તેમના દેશે સીધી દખલ કરી હતી.
વાસ્તવમાં, એ વિમાનમાં ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધી બેઠાં હતાં. તેમનું સ્વાગત કરવા માટે ઍરપૉર્ટ પર સ્વયં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ મુજીબ-ઉર-રહમાન હાજર હતા.
એ જ દિવસે શેખ મુજીબનો જન્મદિવસ પણ હતો. તે સ્વતંત્ર બાંગ્લાદેશમાં શેખ મુજીબનો પહેલો જન્મદિવસ હતો. ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશનો પ્રવાસ કરવા માટે આ જ વિશેષ દિવસ પસંદ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હોડી આકારનો મંચ

ઇમેજ સ્રોત, Front Pages 1953-1972
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે સમયે બંગ ભવનમાં બાંગ્લાદેશના તત્કાલીન રાષ્ટ્રપતિના ખાસ અધિકારી તરીકે મહબૂબ તાલુકદાર તહેનાત હતા. તેઓ તાજેતરમાં જ રચવામાં આવેલા બાંગ્લાદેશના ચૂંટણીપંચના કમિશનર પણ હતા.
મહબૂબ તાલુકદારે પોતાના પુસ્તક 'બંગ ભવન મેં પાંચ વર્ષ'માં લખ્યું છે કે ઇંદિરા ગાંધીના પ્રવાસ માટે બંગ ભવનને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. તાલુકદારે લખ્યું છે કે, "બંગ ભવનની સજાવટ માટે કલકત્તાથી શ્રીમતી ચૌધરીને ખાસ બોલાવવામાં આવ્યાં હતાં. તેઓ બંગાળી નાટ્યકાર અને પ્રખ્યાત કલાકાર બસંતા ચૌધરીનાં પત્ની હતાં."
17 માર્ચ, 1972એ ઇંદિરા ગાંધી બપોરે 3:00 વાગ્યે ઢાકાના સુહરાવર્દી ઉદ્યાનમાં એક જનસભામાં સામેલ થયાં હતાં. તાલુકદારે લખ્યું છે કે, "આ જનસભા માટે મેદાનમાં એક મોટી હોડી જેવા આકારનો મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. તેને 'ઇંદિરા મંચ' નામ આપવામાં આવ્યું હતું."
બાંગ્લાદેશના અખબાર 'ઇત્તેફાક'એ પછીના દિવસના અંકમાં લખ્યું હતું, 'ઇન્દિરા ગાંધીએ તે દિવસે પોતાના ભાષણની શરૂઆત બંગાળી ભાષામાં કરી હતી'.
પોતાના લાંબા ભાષણની પહેલી બે મિનિટ સુધી તેઓ બંગાળીમાં જ બોલતાં રહ્યાં. ઇંદિરા ગાંધીએ પોતાના ભાષણમાં રવીન્દ્રનાથ ટાગોરની એક બંગાળી કવિતા 'એકલા ચલો રે'ની એક પંક્તિ પણ ગાઈ હતી– 'જદિ તોર ડાક શુને કેઉ ન આસે તબે એકલા ચલો રે'. જેનો મતલબ છે, જો કોઈ તમારી હાક સાંભળીને ન આવે, તો એકલા ચાલતા રહેજો.
બીજા દિવસે બપોરે ઇંદિરા ગાંધી બંગ ભવનમાં એક જાહેર સન્માન સમારંભમાં સામેલ થયાં. આ કાર્યક્રમમાં ઇંદિરાએ 'આછા લીલા રંગની સિલ્ક સાડી' પહેરી હતી.
ઇંદિરા ગાંધીના સન્માનમાં આપવામાં આવેલા આ રિસેપ્શનમાં મુજીબનગરના પ્લાનર (યોજનાકાર) અને બંગાળના પ્રોફેસર અનીસુઝ્ઝમાં પણ હાજર હતા.
અનીસુઝ્ઝમાંનું જીવનચરિત્ર 2015માં પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે એ કાર્યક્રમ વિશે લખ્યું હતું કે, "ઇંદિરા ગાંધી તે દિવસે ઘણા ભાવુક હતાં. મારી વિનંતીથી કબીર ચૌધરીએ મહેમાનોના સન્માનમાં એક ભાષણ કર્યું. નાનું, આનંદી અને પ્રોત્સાહક ભાષણ. ઇંદિરા ગાંધીએ પણ તેના જવાબમાં ખૂબ જ સરસ ભાષણ કર્યું હતું."
'ઇત્તિફાક' નામના અખબારે સમાચાર છાપ્યા હતા કે તે દિવસે બંગ ભવનમાં આયોજિત રાત્રિ-ભોજનમાં ઇંદિરા ગાંધીએ કહ્યું કે, 'બની શકે છે કે આંતરિક અને બાહ્ય શક્તિઓ ભારત અને બાંગ્લાદેશની મિત્રતામાં વિઘ્ન નાખવાની કોશિશ કરે, પરંતુ મને વિશ્વાસ છે કે બંને દેશની મિત્રતા દિવસે ને દિવસે વધુ મજબૂત અને સફળ થતી જશે'.
મિત્રતા અને સહકારની સમજૂતી

ઇમેજ સ્રોત, Getty Images
ઇંદિરા ગાંધીના પ્રથમ ઢાકા-પ્રવાસ દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મિત્રતા અને સહકારનાં 25 વર્ષની સમજૂતી પર હસ્તાક્ષર કરાયા હતા. આ કરાર પર શેખ મુજીબ-ઉર-રહમાન અને ઇંદિરા ગાંધીએ તેમના પ્રવાસના ત્રીજા દિવસે હસ્તાક્ષર કર્યા હતા.
જોકે, તે સમયે ચીફ ઑફ પ્રોટોકૉલ કે બાંગ્લાદેશના સરકારી બાબતોના પ્રમુખ ફારુખ ચૌધરી (જેમનું મૃત્યુ 17 મે, 2018 થયું)એ કહ્યું હતું કે બંને દેશ વચ્ચે મિત્રતાની સમજૂતી પર હસ્તાક્ષર ઇંદિરા ગાંધીના ઢાકા-પ્રવાસના બીજા દિવસે એટલે કે 18 માર્ચે થયા હતા.
ફારુક ચૌધરીએ 2011માં બીબીસી બાંગ્લાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "આ સમજૂતી પર હસ્તાક્ષર જમીન પર નહીં, પરંતુ પાણી પર થયા હતા. ઇંદિરા ગાંધી શીતાલક્ષ્ય નદી પર બનેલા નેવલ બેઝની મુલાકાતે ગયાં હતાં. ત્યાં બંને નેતાઓએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા."
જોકે, દૈનિક 'ઇત્તિફાક'ની 19 માર્ચ, 1972ની આવૃત્તિમાં છપાયેલા સમાચાર 'મુજીબ–ઇંદિરાની વચ્ચે વાતચીત સફળ'ની દૃષ્ટિએ 16 માર્ચે નેવલ બેઝ પર બંને દેશના ટોચના નેતાઓ વચ્ચે અડધા કલાકની જ વાતચીત થઈ હતી.
બંને દેશ વચ્ચે મિત્રતાની સમજૂતી પરની સહી હકીકતમાં 19 માર્ચે જ થઈ હતી, જે ઇંદિરા ગાંધીના ઢાકા-પ્રવાસનો છેલ્લો દિવસ હતો. બીજા દિવસે, એટલે કે 20 માર્ચ, 1972એ સમાચારપત્ર 'ઇત્તેફાક'એ પોતાના પહેલા પાના પર સમાચાર છાપ્યા હતા, જેનું શીર્ષક હતું, 'દોસ્તીન, સહયોગ ઔર શાંતિ'. અખબારે આ હેડલાઇન હેઠળ સમાચારમાં લખ્યું હતું કે, "પોતાનો પ્રવાસ પૂરો કરીને ઢાકાથી રવાના થતાં પહેલાં ઇંદિરા ગાંધી અને શેખ મુજીબે 12 સૂત્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા."

ઇમેજ સ્રોત, Jiboner Balukabelay/Faruq Choudhury
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોસ્તીની આ સમજૂતી 1971માં સોવિયત સંઘ અને ભારતની વચ્ચે થયેલી મૈત્રી-સમજૂતી સાથે ઘણી બધી સમાનતા ધરાવતી હતી. કેટલાક ઇતિહાસકારો અનુસાર, બંને સમજૂતી બિલકુલ એકસમાન જ હતી.
ફરક માત્ર એટલો હતો કે ભારત અને સોવિયત સંઘની મૈત્રી-સમજૂતીમાં 20 વર્ષની અવધિ નક્કી કરાઈ હતી, જ્યારે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલી સમજૂતીની મુદત 25 વર્ષની હતી.
આ સમજૂતીમાં કહેવાયું હતું કે બંને દેશ એકબીજાની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરશે અને કોઈ પણ દેશ બીજા દેશની આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરે.
કોઈ પણ દેશ એવા કોઈ સૈન્ય ગઠબંધનનો ભાગ નહીં બને, જે બીજા દેશ માટે જોખમી હોય. બંને દેશ એકબીજા પર હુમલો નહીં કરે અને પોતાની જમીનનો ઉપયોગ એકબીજા વિરુદ્ધ એ પ્રમાણે નહીં થવા દે જેનાથી બીજાની સુરક્ષા માટે જોખમ ઊભું થાય.
આ સંધિમાં શાંતિ અને સુરક્ષાના બીજા ઘણા પૉઇન્ટ્સ પણ હતા. આ સમજૂતીમાં બંને દેશ વચ્ચે શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન અને તકનીકી સહયોગની વાત પણ કહેવાઈ હતી. 2021માં ફારુક ચૌધરીએ બીબીસીને જણાવ્યું હતું કે આ સમજૂતીમાં એક પણ 'નવી વાત' નહોતી.
ચૌધરીએ જણાવ્યું હતું કે, "એ સમજૂતી તો ભારત અને સોવિયત સંઘની વચ્ચે થયેલી સંધિની નકલ જેવી હતી."
પાકિસ્તાનની નીયત સામે સવાલ

ઇમેજ સ્રોત, Front Pages 1953-1972
ફારુક ચૌધરીની દૃષ્ટિએ આ સમજૂતી, 'આર્થિક સહયોગ અમારાં સુરક્ષા અને સાર્વભૌમત્વને જાળવી રાખવાની દિશામાં એક પગલું હતું.
તેમણે કહેલું કે, "અમને લાગ્યું હતું કે તેનાથી અમારી સુરક્ષા સુદૃઢ થશે. એ વખતે અમને નહોતી ખબર કે પાકિસ્તાનનો ઇરાદો શો હતો? આગળ જતાં શું થવાનું હતું? એ જ કારણે અમે એક પડોશી દેશ સાથે સમાનતાના આધારે પોતાનાં સાર્વભૌમત્વ અને આઝાદીની સમજૂતી કરી હતી."
અરુંધતી ઘોષ (મૃત્યુ: 25 જુલાઈ, 2016) એ સમયે ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી હતાં. તેમની દૃષ્ટિએ આ કરાર બંને દેશના મજબૂત સંબંધનું પ્રતીક હતો. અરુંધતી ઘોષે 2011માં બીબીસીને જણાવ્યું હતું કે, "અમે આ સમજૂતી એ વાતના પુરાવારૂપે કરી હતી કે અમારી મૈત્રી ખૂબ પાકી છે."
જોકે, આ સમજૂતી પર ઇંદિરા ગાંધીના ઢાકા-પ્રવાસ દરમિયાન હસ્તાક્ષર થયા હતા, પરંતુ કેટલાક ઇતિહાસકારો કહે છે કે હકીકતમાં આની અગાઉના મહિનામાં, શેખ મુજીબ બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે પોતાના પહેલા સત્તાવાર પ્રવાસમાં ભારત ગયા હતા, ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
એક સ્વતંત્ર રાષ્ટ્રના વડા પ્રધાન તરીકે શેખ મુજીબ ફેબ્રુઆરી 1972માં કલકત્તાના બે દિવસના પ્રવાસે ગયા હતા. તેમને મળવા માટે ઇંદિરા ગાંધી પણ કલકત્તા પહોંચ્યાં હતાં. એ વખતે બંને નેતા, કલકત્તાના રાજભવનમાં મળ્યાં હતાં. ત્યારે શેખ મુજીબે ઇંદિરા ગાંધીને બાંગ્લાદેશના પ્રવાસનું નિમંત્રણ આપ્યું હતું.
ફારુક ચૌધરીએ પોતાની આત્મકથા 'બલુકબેલાયા ઑફ લાઇફ'માં લખ્યું છે કે, "પોતાના માત્ર બે દિવસના કલકત્તા પ્રવાસ દરમિયાન પણ શેખ મુજીબે બાંગ્લાદેશમાંથી ભારતીય સેનાને પાછી મોકલવા માટે ભરપૂર કોશિશ કરી હતી."
શેખ મુજીબનો કલકત્તા-પ્રવાસ અને ઇંદિરા ગાંધી સાથેની મુલાકાત પછી બાંગ્લાદેશની સરકારે જાહેરાત કરી હતી કે, '25 માર્ચ, 1972 સુધીમાં ભારતના બધા જ સૈનિકો બાંગ્લાદેશમાંથી પાછા જતા રહેશે'. પરંતુ હકીકત તો એ છે કે, ઇંદિરા ગાંધીનો બાંગ્લાદેશ-પ્રવાસ શરૂ થાય તેના પાંચ દિવસ પહેલાં જ ભારતની સેનાનું બાંગ્લાદેશમાંથી પાછા જવાનું કામ પૂરું થઈ ગયું હતું.
'ગુલામીનો કરાર'

ઇમેજ સ્રોત, Front Pages 1953-1972
ફારુક ચૌધરીના શબ્દોમાં કહીએ તો, 'સમજૂતી બાબતે બંને દેશ વચ્ચે કશા પ્રકારની અસહમતિ નહોતી'. પરંતુ સંધિ થયાના થોડાક સમય પછી જ તેની ટીકા થવા લાગી હતી. બાંગ્લાદેશના કેટલાક રાજકીય પક્ષો અને તેમનાં મુખપત્રો (મૅગેઝિન્સ) કહેવાતાં અખબારોએ આ સમજૂતીની ટીકા અને તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું.
આ નેતાઓમાં અબ્દુલ કોઠાના 'હક', મૌલાના અબ્દુલ હમીદખાન ભસાનીના 'દેશ બાંગ્લા', જેના સંપાદક ફિરદૌસ અહમદ કુરૈશી હતા અને નવા અખબાર 'ગણકંઠ' હતા, જે આ સમજૂતીના વિરોધનો અવાજ બન્યા હતા.
વરિષ્ઠ પત્રકાર આબિદખાન એ સમયે 'રોજનામચા ઇત્તિફાક'ના સહ-સંપાદક હતા.
તેમણે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે, "સંધિની ટીકાનો માત્ર એક જ પૉઇન્ટ હતો. આ સમજૂતી પર હસ્તાક્ષરનો અર્થ છે શેખ મુજીબે બાંગ્લાદેશને ભારતના હાથમાં ગીરવી મૂકી દીધો છે." વિપક્ષી દળોએ જાહેરાત કરી કે તેઓ પેટાચૂંટણીમાં ભાગ નહીં લે અને પોતાનો વિરોધ ચાલુ રાખશે.
લેખક અને રાજકીય સંશોધક મોહિઉદ્દીન અહમદે કહ્યું કે રાજકીય પક્ષોનું આ વલણ માત્ર તેઓ વિપક્ષી દળ હોવાનું પરિણામ હતું.
ઇંદિરા અને મુજીબનું ગઠબંધન, ભારત અને સોવિયત સંઘ વચ્ચે થયેલી એ સમજૂતીની નકલ હતું, જેના પર ઑગસ્ટ 1971માં હસ્તાક્ષર થયા હતા. એ વખતે ભારતમાં તો સોવિયત સંઘ સાથેની સમજૂતીનો વિરોધ નહોતો થયો.
મોહિઉદ્દીન અહમદે કહ્યું કે, "આપણે તો આવું પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ. વિરોધી દળ બસ એટલા માટે વિરોધ કરે છે, કેમ કે, સરકારે કોઈ પગલું ભર્યું હોય છે."
જોકે, અહમદે કહ્યું કે, "મને યાદ નથી કે એ વખતે કોઈ રાજકીય પક્ષે ભારત-બાંગ્લાદેશ સમજૂતીના વિરોધમાં બંધનું એલાન આપ્યું હોય કે હડતાળ પાડી હોય. જે લોકો વિરોધ કરતા હતા, તેઓ વિરોધના નામે ખાલી વાંધો ઉઠાવતા હતા. જ્યારે તેઓ પોતે સત્તામાં આવ્યા ત્યારે તેમણે સમજૂતીને રદ ન કરી."
સમજૂતીનું કુદરતી મરણ થઈ ગયું

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ સમજૂતી બાબતમાં એવા સવાલ જરૂર ઊભા થયા હતા કે આખરે ભારત અને બાંગ્લાદેશની સમજૂતી કેટલી અસરકારક રહી અને શું ખરેખર તેને પૂરી પ્રામાણિકતાથી લાગુ કરવામાં આવી હતી.
ડૉક્ટર અનીસુઝ્ઝમાંએ પોતાની આત્મકથા 'વિપુલા પૃથ્વી'માં લખ્યું છે, "સમજૂતીની ભલે ગમે તેટલી ટીકા થઈ હોય, તેનો એક નાનો ભાગ પણ ક્યારેય લાગુ ન કરાયો."
આઝાદી પછી બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી રહેલાં અરુંધતી ઘોષ પણ એવું માનતાં હતાં કે સમજૂતી અસરકારક સાબિત ન થવામાં 1975માં બાંગ્લાદેશમાં થયેલા સત્તાપરિવર્તને પણ મોટી ભૂમિકા ભજવી હતી.
2011માં અરુંધતી ઘોષે બીબીસીને કહેલું કે, "શેખસાહેબના મૃત્યુ પછી બંને દેશ વચ્ચે ઘણા મતભેદ થઈ ગયા હતા. મને લાગે છે કે આ સમજૂતીના હેતુ સંપૂર્ણ પૂરા કરી શકાયા નહોતા. જ્યાં સુધી હું ઢાકામાં રહી, ત્યાં સુધી બંને દેશ વચ્ચે દોસ્તી તો હતી, પરંતુ કેટલીક ભૂલો આપણી તરફથી પણ થઈ હતી."
જ્યારે માર્ચ 1997માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા આ કરારની મુદત પૂરી થઈ, ત્યારે પણ બાંગ્લાદેશમાં અવામી લીગનું જ રાજ હતું. 1975માં થયેલા રાજકીય પરિવર્તનના લાંબા સમય બાદ અવામી લીગ બાંગ્લાદેશની સત્તામાં ફરી પાછી આવી હતી, પરંતુ ત્યારે બાંગ્લાદેશે કે ભારતે આ સંધિને પુનર્જીવિત કરવાની કોશિશ ન કરી.
ફારુક ચૌધરીની દૃષ્ટિએ આ એક 'આવશ્યક અને નુકસાન ન કરનારી સંધિ હતી'. ફારુક ચૌધરીએ 2011માં બીબીસી બાંગ્લાને કહેલું કે, "1997ની દુનિયા 1972ની દુનિયાથી બિલકુલ અલગ હતી. સોવિયત સંઘનું વિઘટન થઈ ચૂક્યું હતું. રશિયા ખૂબ જ નબળું પડી ગયું હતું. સમયે ભારત અને બાંગ્લાદેશની એ સમજૂતીને પણ અપ્રાસંગિક બનાવી દીધી હતી. સમયની સાથે જ આ સમજૂતીનો અંત આવ્યો. હાલના સમયમાં આ સમજૂતીની જરૂરિયાત જ નથી રહી. એનું કુદરતી મરણ થઈ ગયું."
ચૌધરીએ કહ્યું કે, "એ લોકોનો ડર ખોટો સાબિત થયો હતો કે આ સમજૂતીને પુનર્જીવિત કરાશે. મને લાગે છે કે આ જે તે સમયની વાત હતી. જ્યારે આ સમજૂતી થઈ ત્યારે તેણે આપણને પ્રોત્સાહન આપ્યું હતું. તેણે આપણને તાકાત આપી હતી. તેણે આપણા સાર્વભૌમત્વને મજબૂત કર્યું હતું. એ સમયે તેનું ખૂબ મહત્ત્વ હતું."
જે દિવસે મૈત્રીના આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા, એ દિવસે ઇંદિરા ગાંધીએ બંગ ભવનમાં પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. દૈનિક 'ઇત્તેફાક'એ લખ્યું હતું કે ત્યારે ઇંદિરા ગાંધીએ કહેલું કે, 'ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલીના સમયે અમે તમારી સાથે ઊભા રહીશું'.
તેના થોડાક સમય પછી ભારતીય હવાઈદળનું વિમાન 'હંસ' ઢાકા ઍરપૉર્ટ પરથી ઇંદિરા ગાંધી અને તેમની સાથે આવેલા પ્રતિનિધિઓને લઈને કલકત્તા પાછું જતું રહ્યું હતું. ઍરપૉર્ટ પર ઇંદિરા ગાંધીને વિદાય આપવા શેખ મુજીબ-ઉર-રહમાન અને તેમનું આખું મંત્રીમંડળ આવેલું. એ વખતે શેખ મુજીબે ઇંદિરા ગાંધીને પોતાના દેશ તરફથી પ્રેમના સંદેશારૂપે બાંગ્લાદેશમાં મળતાં ફૂલોનો ગુલદસ્તો આપ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












