'ઑપરેશન સિંદૂર'માં ભારત સામેના સંઘર્ષમાં 'પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો', અમેરિકાના રિપોર્ટમાં દાવો

બીબીસી ગુજરાતી ઑપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન અમેરિકા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂંકા સંઘર્ષમાં ભારત પર પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો હતો

અમેરિકન કૉંગ્રેસમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો ત્યારે 'પાકિસ્તાનનું પલડું ભારે રહ્યું હતું'. ચીને આ સંઘર્ષનો ફાયદો ઉઠાવીને પોતાના 'હથિયારોનું પરીક્ષણ અને પ્રચાર' કર્યો હતો.

ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં ભારતે દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનની સરહદમાં હાજર અનેક 'આતંકવાદી માળખાંને નષ્ટ' કરી દીધા હતા અને ભારતીય સેનાને આ સૈન્ય સંઘર્ષમાં 'સફળતા' મળી હતી.

યુએસ-ચાઇના ઇકૉનૉમિક ઍન્ડ સિક્યૉરિટી રિવ્યૂ કમિશન (યુએસસીસી)ના રિપોર્ટના 108 અને 109 નંબરના પાના પર જણાવાયું છે કે ચીને બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ અને એઆઇ જનરેટેડ તસવીરો દ્વારા એક 'દુષ્પ્રચાર અભિયાન' ચલાવ્યું હતું જેથી ફ્રાન્સના રફાલ વિમાનોને બદનામ કરી શકાય અને પોતાના જે-35 ફાઇટર વિમાનોનો પ્રચાર થાય.

રિપોર્ટમાં એક જગ્યાએ જણાવાયું છે કે 'પાકિસ્તાની સેનાને ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારત પર સફળતા પ્રાપ્ત થઈ જેમાં ચીનના હથિયારોની ભૂમિકા જોવા મળી હતી.'

સાથે સાથે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલાને રિપોર્ટમાં 'વિદ્રોહીઓનો હુમલો' ગણાવાયો છે.

આ રિપોર્ટ આવ્યા પછી ભારતમાં પણ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વિપક્ષ કૉંગ્રેસે આને ભારતની કૂટનીતિ માટે મોટો આંચકો ગણાવ્યો છે. જ્યારે, ભાજપે પરોક્ષ રીતે વિપક્ષ પર નિશાન તાક્યું છે.

રિપોર્ટમાં શું જણાવાયું છે?

બીબીસી ગુજરાતી ઑપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

745 પાનાના રિપોર્ટના એક ભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયામાં ચીનના વધતા વ્યૂહાત્મક પ્રભાવ વિશે વાત કરવામાં આવી છે.

તેમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે થયેલી ઉચ્ચ સ્તરીય સૈન્ય બેઠકોનો પણ ઉલ્લેખ છે. સાથે સાથે એસસીઓની બેઠકમાં સામેલ થવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તિયાનજિન ગયા હતા તે વાત જણાવાઈ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમાં એક ભાગમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતાની સંરક્ષણ ક્ષમતાને પારખવા અને તેને પ્રમોટ કરવા માટે પાકિસ્તાનના સૈન્ય સંકટનો ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટ પ્રમાણે "7-10 મે 2025 દરમિયાન પાકિસ્તાન અને ભારતની સેના વચ્ચે થયેલા સંઘર્ષમાં ચીનની ભૂમિકાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે પાકિસ્તાન ચીનના હથિયારો પર નિર્ભર હતું અને આ દરમિયાન ચીનની ગુપ્ત માહિતીનો પણ ઉપયોગ કર્યો."

રિપોર્ટમાં જણાવાયું છે કે, "જમ્મુ અને કાશ્મીરના વિવાદાસ્પદ ક્ષેત્રમાં થયેલા ઘાતક બળવાખોર હુમલાના જવાબમાં ભારતે આપેલા પ્રતિભાવથી આ સંઘર્ષ શરૂ થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. 50 વર્ષમાં આ પહેલી વાર બન્યું છે કે બંને દેશોએ એકબીજાની સરહદોમાં આટલે ઊંડે સુધી હુમલા કર્યા છે. ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે ચીને સમગ્ર સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ભારતીય લશ્કરી સ્થાનો વિશે લાઇવ ઇનપુટ્સ પૂરા પાડ્યા હતા અને આ સંઘર્ષનો ઉપયોગ તેની લશ્કરી ક્ષમતાઓના પરીક્ષણ સ્થળ તરીકે કર્યો હતો. પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા હતા. જ્યારે ચીને પોતાની ભૂમિકાની પુષ્ટિ કે ખંડન કંઈ કર્યું ન હતું."

પાકિસ્તાન-ચીનનો સહયોગ અને ભારત

બીબીસી ગુજરાતી ઑપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

યુએસ કમિશનના આ અહેવાલમાં જણાવાયું છે કે, ચીને 2025માં પાકિસ્તાન સાથે લશ્કરી સહયોગ વધાર્યો હતો, જેના કારણે સુરક્ષાલક્ષી મુદ્દાઓ પર ભારત સાથે તણાવ વધ્યો હતો.

આ અહેવાલમાં જણાવાયું છે કે, "ભારત સામેના ચાર દિવસના સંઘર્ષમાં પાકિસ્તાની સેનાએ ચીની શસ્ત્રોનું પ્રદર્શન કર્યું હતું. જોકે, આ સંઘર્ષને 'પ્રોક્સી વૉર' કહેવું એ ચીનની ઉશ્કેરણીજનક ભૂમિકા અતિશયોક્તિપૂર્ણ લાગશે. જોકે, ચીને તક ઝડપી લીધી અને આ સંઘર્ષનો ઉપયોગ તેની શસ્ત્ર ક્ષમતાઓનું પરીક્ષણ અને પ્રચાર અર્થે કર્યો. ભારત સાથે ચાલી રહેલા સરહદી તણાવ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં તેની વધતી જતી મહlત્ત્વાકાંક્ષાઓ, બંને રીતે ઉપયોગી હતું."

અહેવાલ મુજબ, પાકિસ્તાનના સૌથી મોટા ડિફેન્સ સપ્લાયર તરીકે 2019 અને 2023ની વચ્ચે પાકિસ્તાનનાં 82 ટકા શસ્ત્રો ચીનથી આવ્યાં હતાં. મે મહિનામાં થયેલી અથડામણમાં પહેલી વાર એચક્યુ-9 ઍર ડિફેન્સ સિસ્ટમ, પીએલ-15 ઍર-ટુ-ઍર મિસાઇલો અને જે-10 ફાઇટર જેટ જેવી એ ઍડવાન્સ વેપન સિસ્ટમનો ઉપયોગ યુદ્ધમાં કરાયો હતો. આ સંઘર્ષને કારણે ચીનને વાસ્તવિક રીતે તો દુનિયામાં પોતાના હથિયાર પરીક્ષણની તક મળી.

જૂન મહિનામાં ચીને પાકિસ્તાનને 40 જે-35 ફિફ્થ જનરેશનના ફાઇટર જેટ, કેજે-500 ઍરક્રાફ્ટ અને બૅલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવાની ઑફર કરી હોવાના અહેવાલ છે. તે જ મહિને, પાકિસ્તાને 2025-26ના સંરક્ષણ બજેટમાં 20 ટકાનો વધારો જાહેર કર્યો હતો.

અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અથડામણ પછી વિવિધ દેશોમાં ચીની દૂતાવાસોએ ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં તેમનાં શસ્ત્રોની સફળતાની પ્રશંસા કરી હતી. અહેવાલમાં જણાવાયું કે, "ભારતમાં ઉપયોગમાં લેવાતા ફ્રેન્ચ રાફેલ ફાઇટર જેટને તોડી પાડવામાં પાકિસ્તાન દ્વારા ચીની હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો."

પાકિસ્તાને આ સંઘર્ષમાં છ ભારતીય રાફેલ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો. જોકે, ભારતે ક્યારેય પાકિસ્તાનના દાવાની પુષ્ટિ કરી નથી અને સંઘર્ષમાં તેનાં કેટલાં વિમાનોને નુકસાન થયું હતું, કે તે કયા વિમાન હતા તે અંગે કોઈ માહિતી આપી નથી.

ફ્રેન્ચ ગુપ્તચર એજન્સીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, ચીને તેનાં જે-35 વિમાનનો પ્રચાર કરવા અને ફ્રેન્ચના રાફેલ વેચાણને નુકસાન પહોંચાડવા માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને એઆઇ-આધારિત વીડિયો ગેમ્સમાંથી બનાવેલી તસવીરો ફેલાવવાનો સમાવેશ થતો હતો, જેમાં ચીની શસ્ત્રો દ્વારા તોડી પાડવામાં આવેલા ભારતીય વિમાનનો ભંગાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ચીની દૂતાવાસના અધિકારીઓએ ઇન્ડોનેશિયાને રાફેલ વિમાન ન ખરીદવા કહ્યું હતું, જેનાથી ચીન પ્રદેશના અન્ય દેશોને તેનાં સંરક્ષણ સાધનો વેચી શકે.

ભારતમાં પ્રતિક્રિયા

બીબીસી ગુજરાતી ઑપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન અમેરિકા

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આ રિપોર્ટ પર વડા પ્રધાન મોદી અને કેન્દ્રની એનડીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

રિપોર્ટના કેટલાક દાવાનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું છે કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધીમાં 60 વખત દાવો કર્યો છે કે તેમણે ઑપરેશન સિંદૂર બંધ કર્યું છે. વડા પ્રધાન મોદી આ બાબતે સંપૂર્ણપણે મૌન રહ્યા છે."

"હવે યુએસ કૉંગ્રેસના યુએસ-ચાઇના ઇકૉનૉમિક ઍન્ડ સિક્યૉરિટી કમિશનનો આ રિપોર્ટ બહાર આવ્યો છે, જે ભારત માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. શું વડા પ્રધાન અને વિદેશ મંત્રાલય આનો વાંધો ઉઠાવશે અને વિરોધ કરશે? આપણી રાજદ્વારીને વધુ એક ગંભીર આંચકો લાગ્યો છે."

બીબીસી ગુજરાતી ઑપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન અમેરિકા

તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ સાગરિકા ઘોષે જયરામ રમેશના નિવેદન પરના એક સમાચાર અહેવાલને ટાંકીને લખ્યું, "આ અત્યંત આઘાતજનક છે. એક આધિકારિક અમેરિકી રિપોર્ટ એપ્રિલમાં થયેલા પહલગામ આતંકવાદી હુમલાને 'વિદ્રોહી હુમલો' કેવી રીતે કહી રહ્યો છે અને આ રિપોર્ટ ચાર દિવસ ચાલેલા ઑપરેશન સિંદૂરમાં ભારત પર પાકિસ્તાનની લશ્કરી સફળતાનો દાવાની વાત કરી રહયો છે? મોદી સરકાર ભારતના પક્ષમાં પુરાવા અને કૂટનીતિક કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ ગઈ? મોદી સરકારે સંસદમાં આનો જવાબ આપવો જોઈએ."

ભારતે પાકિસ્તાન સામેની પોતાની લશ્કરી કાર્યવાહીને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.

જોકે, ભાજપ આઇટી સેલના વડા અમિત માલવીયે અહેવાલના એક ભાગને ટાંકીને વિપક્ષ પર આડકતરી હુમલો કર્યો.

તેમણે લખ્યું, "વાસ્તવિક પ્રશ્ન એ છે કે ચીનના કથનને આટલી આક્રમક રીતે કોણ આગળ ધપાવી રહ્યું હતું. ભારતીય વાયુસેનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેની બધી સંપત્તિ સુરક્ષિત છે અને સંઘર્ષ દરમિયાન ઑપરેશનલ માહિતી શૅર કરવાથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ થશે, તેમ છતાં કેટલાં વિમાન તોડી પાડવામાં આવ્યાં જેવા આંકડા કોણ માગતું રહ્યું. ચીની પ્રચાર મશીનના સંચાલકો બહારના હતા, પરંતુ ભારતમાં કેટલાક ભોપું હતા? આપણે બધા જાણીએ છીએ કે તેનું સંચાલન કોણ કરી રહ્યું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન