પાકિસ્તાન અને ગુજરાત વચ્ચે આવેલી સરક્રીક શું છે અને 96 કિલોમીટરની આ જમીન કેમ મહત્ત્વની છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રેરણા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે દાવો કર્યો છે કે પાકિસ્તાન સરક્રીક નજીક સૈન્ય માળખું તૈયાર કરી રહ્યું છે.
વિજયાદશમીના પ્રસંગે રાજનાથસિંહ ગુજરાતના કચ્છમાં આવ્યા હતા. તેઓ અહીં એક મિલિટરી બેઝ પર શસ્ત્રપૂજામાં સામેલ થયા હતા. અહીં તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતી કેટલીક વાતો કરી હતી.
તેમણે કહ્યું કે "આઝાદીનાં 78 વર્ષ થઈ ગયાં છે, છતાં સરક્રીક ક્ષેત્રમાં સરહદી વિવાદને વેગ અપાઈ રહ્યો છે. ભારતે વાતચીત દ્વારા આ વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનના ઈરાદામાં ખોટ છે. તેની નિયત સ્વચ્છ નથી. પાકિસ્તાની સેનાએ જે રીતે સરક્રીક નજીકના વિસ્તારમાં પોતાનું સૈન્ય માળખું ઊભું કર્યું છે, તે તેનો ઈરાદો દર્શાવે છે."
રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આ ક્ષેત્રમાં કોઈ દુઃસાહસ કરવામાં આવશે તો તેનો એવો નિર્ણાયક જવાબ આપવામાં આવશે કે તેનાથી ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે.
પરંતુ સરક્રીકનો વિવાદ શું છે? ભારત અને પાકિસ્તાન માટે આ જગ્યા આટલી મહત્ત્વની કેમ છે? આ વિવાદને ઉકેલવા માટે અત્યાર સુધીમાં કેવા પ્રયાસો થયા છે અને પાકિસ્તાન અહીં ખરેખર સૈન્ય માળખું ઊભું કરતું હોય તો ભારત માટે તે કેટલી ચિંતાની વાત છે? આ તમામ સવાલોના જવાબ જાણવા અમે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી.
સરક્રીક સરહદી વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાય દાયકાથી કેટલાક સરહદી ક્ષેત્રો માટે વિવાદ ચાલે છે. તેમાં સૌથી વધારે ચર્ચા કાશ્મીર અને લદ્દાખના ક્ષેત્રો માટે થાય છે, પરંતુ એક ક્ષેત્ર એવો છે જેના વિશે કેટલાય દાયકાથી તકરાર ચાલે છે.
આ ક્ષેત્ર છે સરક્રીક.
પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્ય વચ્ચે આવેલી 96 કિમી લાંબી કાદવવાળી જમીન સરક્રીક છે, જેના પર બંને દેશો દાવો કરો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દાવાની વાત કરીએ તે પહેલાં ક્રીક શું છે તે સમજી લઈએ.
સમુદ્રમાં કોઈ સાંકડી ખાડીનો વિસ્તાર હોય તેને ક્રીક કહેવામાં આવે છે.
સરક્રીક એ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સાંકડી, કાદવવાળી ખાડી છે, જે અરબી સમુદ્ર સાથે જોડાયેલી છે.
અગાઉ તેનું નામ બન ગંગા હતું, પરંતુ બ્રિટિશ શાસન વખતે તેનું નામ સરક્રીક પડી ગયું. બ્રિટિશ યુગથી આ વિસ્તારને લઈને વિવાદ ચાલે છે.
વિવાદનું કારણ એ છે કે બંને દેશો આ સમુદ્રી સરહદને અલગ-અલગ રીતે જુએ છે.
ભારતનું કહેવું છે કે ખાડીની વચ્ચેથી સરહદ નક્કી થવી જોઈએ, જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે ખાડીના કિનારાથી સરહદ નક્કી થવી જોઈએ, કારણ કે બ્રિટિશ સરકારે 2014માં તેને નૉન-નેવિગેબલ (જ્યાં જહાજ ચાલી ન શકે) ગણાવી હતી.
વર્ષ 1914માં શું નક્કી થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1914ના સંદર્ભ પરથી સમજી શકાય કે આ વિવાદ કેટલો જૂનો છે.
તે વખતે સિંધ (આજના પાકિસ્તાનનો પ્રાંત) અને કચ્છ (ગુજરાતનો વિસ્તાર) બંને બૉમ્બે પ્રેસિડન્સીનો હિસ્સો હતા, પરંતુ બંને વચ્ચે ક્રીક ક્ષેત્રને લઈને વિવાદ ચાલતો હતો.
ત્યાં સુધી આ વિસ્તારનો સર્વે પણ નહોતો થયો.
વર્ષ 1913-14 વચ્ચે સર્વે કરવામાં આવ્યા અને બૉમ્બે પ્રેસિડન્સીએ એક પ્રસ્તાવ જારી કર્યો. તેમાં કહેવામાં આવ્યું કે સરક્રીક કાદવકીચડવાળી જગ્યા છે, જ્યાંથી જહાજ પસાર થઈ શકતાં નથી. તેથી તેની સરહદ વચ્ચેથી નહીં, પરંતુ પૂર્વ કિનારાથી નક્કી કરવામાં આવશે.
તેના કારણે સરક્રીકનો આખો હિસ્સો સિંધ તરફ જતો રહ્યો.
આઝાદી પછી પાકિસ્તાન આ નિર્ણય સાથે આગળ વધવા માગતો હતો, પરંતુ ભારતે કહ્યું કે ખાડીની વચ્ચેથી એટલે કે મિડ ચૅનલથી સરહદ નક્કી થવી જોઈએ.
ભારતે આના માટે અગાઉના આંતરરાષ્ટ્રીય સરહદી કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા અંગેની સંધિ એટલે કે UNCLOSના સિદ્ધાંતનો હવાલો આપ્યો હતો.
આ સિદ્ધાંતને થાલવેગ કહેવામાં આવે છે. તેમાં જણાવાયું છે કે બે દેશોની વચ્ચે કોઈ નદી અથવા ખાડી હોય, તો તેની વચ્ચેની રેખા પરથી સરહદ નક્કી થશે.
પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે આ નેવિગેબલ નથી અને કાદવકીચડવાળી જગ્યા છે, તેથી તેના પર આ સિદ્ધાંત લાગુ થઈ ન શકે.
ભારત કહે છે કે અહીં ભરતી અને ઓટ આવે છે, તેથી આ ક્ષેત્રની પ્રકૃતિ બદલાતી રહે છે. તે માત્ર કાદવવાળી જગ્યા નથી રહી જતી, ત્યાંથી જહાજ પસાર થઈ શકે છે. તેથી કિનારાના આધારે સરહદ નક્કી કરવાનો કોઈ અર્થ નથી.
કાદવકીચડવાળો આ વિસ્તાર કેમ મહત્ત્વનો છે?

ઇમેજ સ્રોત, Getty Images
સરક્રીકમાં વચ્ચેથી સરહદ ગણવામાં આવે તો ભારતને દરિયાનો મોટો હિસ્સો મળશે, પરંતુ કિનારાને ગણતરીમાં લેવાય તો પાકિસ્તાનને ફાયદો થશે.
દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર રેશમી કાઝી કહે છે કે આ પ્રદેશ આર્થિક, સૈન્ય અને વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વનો છે.
આ ઉપરાંત એક્સક્લુસિવ ઇકૉનૉમિક ઝોન એટલે કે પાણી અથવા સમુદ્રની સપાટી પર હાજર સંસાધનોનો અધિકાર, કૉન્ટિનેન્ટલ શેલ્ફ એટલે કે સમુદ્રની નીચેની જમીન અને તેનાં ખનીજ, તેલ, ગૅસ પર અધિકારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.
તે મુજબ આ ક્ષેત્રને તેલ અને કુદરતી ગૅસથી સમૃદ્ધ ગણવામાં આવે છે.
તેઓ કહે છે, "આપણે ઘણી વખત જોયું છે કે આ વિવાદિત સરહદ બંને દેશોના માછીમારો માટે પણ મુસીબત બની જાય છે. સાથે સાથે પાકિસ્તાન પોતાના લેફ્ટ બૅન્ક આઉટફોલ ડ્રેન (એલબીઓડી) પ્રોજેક્ટ હેઠળ સેલાઇન અને ઇન્ડસ્ટ્રીયલ વૉટરને સરક્રીકમાં પંપ કરી દે છે. તેનાથી ઇકૉલૉજિકલ અસર તો થાય છે, સાથે સાથે તે સિંધુ જળસંધિનો ભંગ પણ છે. તેના કારણે અહીં પ્રદૂષિત પાણી આવે છે, ઘણી વખત પૂરની સમસ્યા પેદા થાય છે. તેથી આ પ્રદેશ મહત્ત્વનો બની જાય છે."
વિવાદને ઉકેલવા માટે ક્યારે પ્રયાસ થયા?
ભારત અને પાકિસ્તાન બંને યુએનની સમુદ્રી કાયદા અંગેની સંધિ એટલે કે UNCLOSના સભ્ય છે.
આ સંધિ હેઠળ બંને દેશોએ 2009 સુધીમાં પોતાના સમુદ્રી વિવાદ ઉકેલી લેવાના હતા, નહીંતર વિવાદિત ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર જાહેર કરવાની વાત કરવામાં આવી હતી.
પરંતુ ભારત અને પાકિસ્તાન UNCLOSના સભ્ય હોવા છતાં સરક્રીકને દ્વિપક્ષીય મુદ્દો ગણાવે છે અને આ વિવાદને કોઈ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવા માગતા નથી.
વર્ષ 2015 સુધી બંને દેશો વચ્ચે તેના ઉકેલ માટે વારંવાર વાતચીત થઈ હતી. 1995 અને 2005માં થયેલી વાતચીતમાં સારા સંકેત મળ્યા હતા, પરંતુ પછી મામલો ગૂંચવાયેલો રહ્યો અને હજુ સુધી કોઈ ઉકેલ નથી મળ્યો.
રેશમા કાઝીનું કહેવું છે કે, "ભારત સરકારનું એવું વલણ છે કે આતંકવાદ અને વાતચીત બંને એક સાથે ન થઈ શકે. આ વાત બિલકુલ સાચી છે, પરંતુ આ વિવાદોનો ઉકેલ વાતચીતથી જ નીકળી શકે છે, તેથી બંને દેશોએ જાતે ઉકેલ લાવવો પડશે."
રાજનાથસિંહના નિવેદનનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
હવે એ સવાલ ઊઠે છે કે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય માળખાની જે વાત કરી, તે કેટલી મહત્ત્વની છે.
આ સવાલના જવાબમાં સંરક્ષણ નિષ્ણાત રાહુલ બેદી કહે છે કે "રાજનાથસિંહનું નિવેદન બહુ અસામાન્ય છે, કારણ કે સરક્રીકનો મુદ્દો હવે પ્રાસંગિક નથી રહ્યો."
તેઓ કહે છે કે "નેવુંના દાયકામાં સરક્રીક એક હૉટ ટૉપિક હતો, પરંતુ હવે તે ડેડ ટૉપિક છે. રાજનાથસિંહે આવું નિવેદન શા માટે આપ્યું તે સ્પષ્ટ નથી, પરંતુ એવું કહી શકાય કે તેમણે પાકિસ્તાનને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે કે ભારત આ મોરચા ઉપર પણ નજર રાખે છે. ભારતે વારંવાર કહ્યું છે કે ઑપરેશન સિંદૂર હજુ ચાલુ છે તેથી તેની સાથે જોડીને જોવું જોઈએ."
જ્યારે ભારતના ભૂતપૂર્વ ડિપ્લોમેટ મહેશ સચદેવે સમાચાર સંસ્થા આઇએનએસ સાથે વાત કરતા કહ્યું કે, "ભારત આ ક્ષેત્ર પર પાકિસ્તાનના દાવાને નકારી કાઢે છે. અમે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરીએ છીએ. અમે પોતાના પ્રદેશના રક્ષણ માટે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરી રહ્યા છીએ. તેથી રાજનાથસિંહનું આ નિવેદન પાકિસ્તાનને એ સંદેશ આપવાની કોશિશ છે કે તેને કથિત રીતે અમેરિકા અથવા સાઉદી અરેબિયાનો ટેકો ભલે મળતો હોય, ભારત આ દબાણને સહન નહીં કરે અને તેની પાસે પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ આપવાનો અધિકાર છે."
જ્યારે પ્રોફેસર રેશમી કાઝી માને છે કે, "પાકિસ્તાન સરક્રીક વિસ્તારમાં સૈન્ય વિસ્તરણ કરતું હોય તો ભારતે પણ પોતાની ઍર ડિફેન્સ અને રડાર સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ, કારણ કે આ સરહદી ક્ષેત્ર છે અને આતંકવાદીઓની ઘૂસણખોરીનો ખતરો રહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












