જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો અને 80 કિમી લાંબો તથા 16 કિમી પહોળો ડૅમ બની ગયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિક્રમ મહેતા
- પદ, બીબીસી ગુજરાતી
'સર, આડેસરથી લઈને લખપત સુધીના દરેક કિલ્લાઓને નુકસાન થયું છે. ભુજે વધારે વિનાશ જોયો છે. શહેરની દીવાલ જમીનદોસ્ત થઈ ગઈ છે. મહેલો અને લોકોનાં ઘરો ખંડેર બની ગયાં છે. કેટલી જાનહાની થઈ તે ચોક્કસપણે જાણી શકાયું નથી પણ આંકડો પાંચસો લોકોનો છે''
કચ્છના પ્રથમ બ્રિટિશ પૉલિટિકલ એજન્ટ જૅમ્સ મૅકમર્ડોએ 19 જૂન 1819ના રોજ લખેલા આ પત્રમાં કચ્છમાં આવેલા ભૂકંપનો ચિતાર મેળવી શકાય છે. જૅમ્સ એ પત્રમાં આગળ લખે છે :
'રાવ રાયધણનાં વિધવા પત્ની સિવાય રાવનો પરિવાર બચવામાં સફળ થયો હતો. માંડવીમાં અન્ય સ્થળોની સરખામણીએ ઓછું નુકસાન થયું છે, ત્યાં 150 લોકોએ જીવ ગુમાવ્યા છે. અંજારમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરમાં 4500 મકાનમાંથી 1500 ઘર સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યાં છે. અંદાજિત 1000 મકાનો ખંડેર બની ગયાં છે. કિલ્લાનો હવે ત્રીજો ભાગ માંડ ઊભો છે, જે પહેલા વરસાદમાં જ પડી જવાની શક્યતાઓ છે'
16 જૂન, 1819ના દિવસે સાંજના લગભગ 6:45 વાગ્યે 7.9ની તીવ્રતાના વિનાશક ભૂકંપથી કચ્છની ધરા ધ્રૂજી ઊઠી. આ ભૂકંપમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા અને કચ્છની આર્થિક જાહોજલાલીને ભારે નુકસાન થયું.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે 1819નો ભૂકંપ તો 26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા ભૂકંપ કરતાં પણ અનેકગણો વિનાશક હતો.
આ ધરતીકંપને કારણે સિંધુ નદીની જે શાખા હતી એનું વહેણ બદલાઈ ગયું. હાલનો 'અલ્લાહબંધ' પણ એ ભૂંકપને કારણે જ સર્જાયો હતો.

જ્યારે કચ્છમાં રણની જગ્યાએ બંદરો ધમધમતાં

ઇમેજ સ્રોત, Dr. P.S. Thakkar
એક સમયે કચ્છ ખૂબ જ સમૃદ્ધ પ્રદેશ હતો અને અહીંથી અનેક દેશો સાથે વેપાર થતો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે 1819ના ભૂકંપે કચ્છના પ્રદેશને તારાજ કરી નાખ્યો હતો.
કચ્છ યુનિવર્સિટીના અર્થ ઍન્ડ ઍન્વાયરન્મૅન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ વડા અને હાલ બિરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેલીઓસાયન્સ, લખનૌના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. મહેશ ઠક્કરે કચ્છના ભૂકંપ પર સંશોધન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. મહેશ ઠક્કર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, 'કચ્છ એક બેઝિન છે, પણ એની અંદર છથી સાત મોટી ફૉલ્ટલાઇન છે. 2001નો ભૂકંપ અને 1819નો ભૂકંપ બંને એકબીજાથી અલગ છે.'
'વર્ષ 2001ના ભૂકંપે ભૂપૃષ્ઠને બદલી નાખી હોય એવા કોઈ પ્રમાણ નથી. જ્યારે 1819ના ભૂકંપે કચ્છની ભૂપૃષ્ઠને સમૂળગી બદલી નાખી હતી.'
'1819 પહેલાં કચ્છ આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. અહીં બંદરો ધમધમતાં હતાં. એક સમયે લખપત કચ્છનું મહત્ત્વનું બંદર હતું. કચ્છના મહારાવ લખપતજીએ આ બંદરનો પાયો નાખ્યો હતો.'
'સપાટ અને છીછરો દરિયો ધરાવતા આ બંદરમાં માલના પરિવહન માટે સઢવાળા નાનાં વહાણો ચાલતાં હતાં. દેશ-વિદેશ સાથે તેનો દરિયાઈ વેપાર હતો.'
કચ્છની જાહોજલાલી અંગે વાત કરતા ડૉ.મહેશ ઠક્કર કહે છે, 'કચ્છમાં આવેલું લખપત મોટું બંદર અને કસ્ટમ સેન્ટર હતું. લખપત કચ્છનું ખૂબ સમૃદ્ધ બંદર હતું. એ વખતે કોરીનું ચલણ હતું. કોરી એ એક પ્રકારનો ચાંદીનો સિક્કો હતો. અહીં એક દિવસમાં એક લાખ કોરીની રેવન્યૂ કલેક્ટ થતી હતી.'
ડૉ.મહેશ ઠક્કર આગળ કહે છે, 'લખપત ઉપરાંત બીજાં સાત કસ્ટમ કલેકશન સેન્ટર હતાં. લખપતથી ઉપર સિંદરી નામનો કિલ્લો હતો. મહારાજા ખેંગારજીનું સૈન્ય પણ ત્યાં તહેનાત રહેતું હતું. સિંદરી કસ્ટમ સેન્ટર પણ હતું.'
'આખા ભારતમાંથી જુદાજુદા પ્રકારના મરીમસાલા, સુતરાઉ કાપડનો માલ બંદર અને જુદાજુદા કસ્ટમ સેન્ટરની સહાયથી આ માલ આજના પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ત્યાંથી બલૂચિસ્તાન, ઈરાન થઈને યુરોપમાં પહોંચતો હતો.'
પછીના દાયકાઓમાં આંતરરાષ્ટ્રીય પરિબળોએ પણ ભાગ ભજવ્યો હતો. સુએઝની કેનાલ શરૂ થતાં પશ્ચિમી દેશોથી મહાકાય આગબૉટોની સીધી અવરજવર શરૂ થઈ હતી. જેના માટે કચ્છ કરતાં (હાલ) પાકિસ્તાનના કરાચીનું બંદર વધુ સાનુકૂળ હતું.
જ્યારે ભૂકંપને કારણે આખું સરોવર બની ગયું
16 જૂન, 1819ના સાંજે 6:45 કલાકે 7.9ની તીવ્રતાનો અતિ વિનાશક ભૂકંપ આવ્યો અને આ બધી જ જાહોજલાલી પળવારમાં ભૂતકાળ બની ગઈ.
ડૉ.મહેશ ઠક્કર કહે છે, 'આ ભૂકંપે કચ્છના નકશામાંથી સિંધુનું વહેણ ગાયબ કરીને એક મોટો બંધ બનાવી દીધો. ભૂકંપના કારણે કચ્છની કોરી ક્રિક અને આજના પાકિસ્તાનમાં 80 કિલોમીટર લાંબો, 16 કિલોમીટર પહોળો જમીનનો પટ્ટો 6 મીટર જેટલો ઉપર આવી ગયો.'
'જેના કારણે સિંધુ નદીની એક મોટી શાખા નરા જે કચ્છની કોરી ક્રિક અને લખપત સુધી આવતી હતી, જેના થકી વેપારધંધા અને વહાણવટું ચાલતું હતું એ આવતી બંધ થઈ ગઈ. એ કુદરતી રીતે સર્જાયેલા 'ડૅમ'ને 'અલ્લાહ બંધ'ના નામે ઓળખવામાં આવે છે.'
'ધ ડિકલાઇન ઍન્ડ ફૉલ ઑફ ધ ઇન્ડસ સિવિલાઇઝેશન' પુસ્તકમાં લખાયું છે એ પ્રમાણે 1819માં ટેકટૉનિક પ્લૅટમાં હિલચાલને કારણે કચ્છમાં સિંધુની પૂર્વીય ચેનલ પર એક બંધની રચના થઈ હતી. આ ડૅમ એટલે અલ્લાહબંધ.
ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીમાં અર્થ ઍન્ડ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ગૌરવ ચૌધરી 1819ના ભૂકંપ અંગે કહે છે, 'કચ્છના રણમાં પાંચસોથી સાડા સાતસો ફૂટ જાડી માટી છે. તેની નીચે પથ્થરાળ ભાગ છે. આ પથ્થરાળ ભાગમાં આ ભૂકંપ આવ્યો હતો. 1819ના ભૂકંપમાં જે સિંધુ નદી લખપત સુધી જતી હતી ત્યાં ટેકરો રચાઈ ગયો જેને કારણે સિંધુનું પાણી અટકી ગયું હતું. '
'ઇમ્પૅક્ટ અસૅસમેન્ટ: કૉન્સિકવન્સિસ ઑફ સીવોટર ઇન્ટ્રુશન ઇન પાકિસ્તાન' પુસ્તકમાં લખાયું છે, જેમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે, 'વર્ષ 1828માં પાણીના દબાણને કારણે આ બંધમાં ગાબડું પડ્યું હતું.'
અલ્લાહબંધ ઉપરાંત આ ધરતીકંપને કારણે શકૂર તળાવનું પણ નિર્માણ થયું હતું. વિઘાકોટની ઉત્તર બાજુ એક મોટો ખાડો બની ગયો જેને શકૂર તળાવ કહેવામાં આવે છે. વિઘોકોટના લોકોએ જોયું કે સિંદરીનો કિલ્લો પાણીમાં ધસી ગયો હતો અને રાતોરાત સરોવર રચાઈ ગયું હતું'
શકૂર તળાવ 300 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. આ તળાવ ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલું છે. તળાવનો 90 ચોરસ કિમી વિસ્તાર પાકિસ્તાનમાં આવે છે, જ્યારે બાકીનો મોટાભાગનો વિસ્તાર ભારતમાં છે.
કચ્છમાં તારાજીનું તાંડવનાચ

ઇમેજ સ્રોત, Gujarat Tourism
ક્ચ્છનાં પુરાતત્ત્વ સ્થળોને ઉપગ્રહોથી મદદથી શોધનારા ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક ડૉ. પી.એસ. ઠક્કર કહે છે, 'આ ભૂકંપને કારણે કચ્છની દશા અને દિશા બદલાઈ ગઈ હતી. સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં પણ આ ધરતીકંપની અસર હતી.'
'ઉત્તરમાં નેપાળના કાઠમંડુથી લઈને દક્ષિણમાં ચેન્નઈ સુધી અને પૂર્વમાં બલૂચિસ્તાનથી લઈને પશ્ચિમમાં કલકત્તા સુધી આ ભૂકંપની અસર વર્તાઈ હતી.'
'આ ધરતીકંપને કારણે ઉત્તરમાંથી પાણી રોકાઈ ગયું અને દક્ષિણમાં પંદર ફૂટ જેટલી જમીન નીચે બેસી ગઈ એટલે એ વિસ્તારનાં ગામો-કિલ્લાઓ નાશ પામ્યાં.'
ડૉ. પી. એસ. ઠક્કર 1819ના ધરતીકંપે વેરેલા વિનાશ વિશે આગળ કહે છે, ' આ ભૂકંપમાં સિંદરી બંદરનો કિલ્લો આખો સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. આખું સિંદરી ગામ નાશ પામ્યું. ત્યાંના લોકો જીવ બચાવવા કોટની રાંગ પર ચડી ગયા હતા.'
'ધરતીકંપમાં લખપત જેવું સમૃદ્ધ બંદર નાશ પામ્યું હતું. બીજા દિવસે જે લોકો બચી ગયા એ લોકોને હિજરત કરવાની ફરજ પડી.'
ડૉ. પી. એસ. ઠક્કર કહે છે કે અંજાર શહેરમાં માત્ર પચ્ચીસ ટકા જ ઘરો આ ધરતીકંપમાં બચ્યાં હતાં. ભુજમાં મેદાન થઈ ગયું હતું. લોકો ખુલ્લા મેદાનમાં અને ટેકરીઓ પર સૂવા જતા રહ્યા હતા. ભુજ, અંજાર, માંડવી, મુંદ્રા, કોઠારા, નલિયા જેવાં કેટલાંય ગામો- નગરોમાં તારાજી સર્જાઈ હતી. ગામડાંમાં જાનહાનીનો અંદાજ કાઢવો પણ મુશ્કેલ હતો'
તારીખ 16 જૂન 1819ના મહાભયાનક ભૂકંપ બાદ અંગ્રેજ અધિકારીઓએ બ્રિટિશ ઉચ્ચ સત્તાધીશોને ઘણા પત્રો લખ્યા હતા. કૅપ્ટન જેમ્સ મેકમર્ડોની જેમ ભુજ શહેરના રેજિમેન્ટ કમાન્ડર અધિકારી કર્નલ માઇલન્સે પણ બ્રિટિશ ઉચ્ચઅધિકારીઓ સાથે પત્રવ્યવ્હાર કર્યો હતો.
કર્નલ માઇલન્સે એ સમયે ગવર્નમેન્ટ ઑફ બૉમ્બેના ઍક્ટિંગ સેક્રેટરી વિલિયમ ન્યૂહામને જે પત્ર લખ્યો તેમાં આ ભૂકંપનું વર્ણન છે.
તેમણે પત્રમાં લખ્યું, 'ગત સાંજે છ થી સાત વાગ્યાની વચ્ચે અહીં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ભુજનું રક્ષણ કરતી દીવાલ પડી થઈ ગઈ છે. કેટલાક ટાવર જે ઊભા રહી ગયા હતા તે પણ તૂટી ગયા છે. અનેક ઘરોની સાથે મોટી ઇમારતો અને મહેલોને પણ નુકસાન થયું છે.'
'ડુંગરના કિલ્લાની દીવાલ કેટલીય જગ્યાએ નીચે આવી ગઈ છે, તો દરવાજા પાસે પડી ભાંગી છે. મને જણાવતા આનંદ થાય છે કે આપણે કોઈ જાનહાનિ થઈ નથી. બે સિપાહીઓ કે જેઓ શહેરમાં ફરજ પર હતા તેમને ઉઝરડા થયા છે. પણ મને ડર છે કે ત્યાં ગરીબ સ્થાનિકોમાં જાનહાનિ થઈ છે. સોએક જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. અત્યારે એટલી બધી મૂંઝવણ છે કે ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.'

ઇમેજ સ્રોત, Dr. Mahesh Thakkar
'હિસ્ટ્રૉગ્રાફી ઍન્ડ કૉમેન્ટરી ઑન ધ 16 જૂન, 1819 કચ્છ અર્થક્વેક, ગુજરાત' નામના રિસર્ચ પેપરમાં સુજીત દાસગુપ્તા અને બાસબ મુખોપાધ્યાયે લખ્યું છે, 'આ ભૂકંપ માત્ર થોડી મિનિટ ચાલ્યો હતો પણ અનેક મકાનો ધરાશાયી થઈ ગયાં હતાં. શહેરની તમામ દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી.'
'ગન ટાવર અને પ્રવેશદ્વાર જમીનદોસ્ત થઈ ગયાં હતાં. ભુજ શહેરની બહાર આવેલા કિલ્લામાં પણ તિરાડો પડી ગઈ હતી. માત્ર ભુજમાં જ 2000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ ધરતીકંપમાં બચી ગયેલા હતભાગી લોકોએ પોતાના હાથે સ્વજનોની અંતિમક્રિયા કરવી પડી હતી.'
'કાટમાળ ખસેડીને પત્નીઓ, બાળકો, સ્વજનોના મૃતદેહ કાઢતા લોકો મૃતકોના સડેલાં શરીરમાંથી આવતી ગંધથી થાકી ગયા હતા. 1000થી 1500 વ્યક્તિઓના મૃતદેહ ખંડેરમાંથી ખોદીને કાઢવામાં આવ્યા હતા.'
આ રિસર્ચ પેપરમાં લખ્યા પ્રમાણે, ભૂકંપના પાંચ દિવસ બાદ પણ કાટમાળમાંથી લાશો નીકળી હતી. આ પરથી આ ભૂકંપની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય એમ છે.
'ઇમ્પૅક્ટ અસૅસમેન્ટ: કૉન્સિકવન્સિસ ઑફ સીવૉટર ઇન્ટ્રુશન ઇન પાકિસ્તાન' નામના પુસ્તકમાં લખાયું છે, 'સિંદરીનો કિલ્લો પાણીના લેવલથી 15 ફૂટ ઊંચો હતો. તાલપુર બૉર્ડર પાસેની ચેક-પોસ્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારીઓને બ્રિટિશ શીપ દ્વારા બચાવવામાં આવ્યા હતા.'
સફેદ નહીં, રાતા ચોખાનું ચલણ

ઇમેજ સ્રોત, Ranmal Sindhav
લગભગ બે સદી પહેલાં કચ્છમાં ચોખાની ખેતી થતી હોવાનું પણ મનાય છે એટલે કે આ પ્રદેશ હાલની જેમ સૂકો નહીં, પરંતુ પાણીવાળો હતો.
'મેમવાઝ ઑફ ધ જીઓલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયા' પુસ્તકમાં લખાયું છે, જેમાં થયેલા ઉલ્લેખ મુજબ, 'કચ્છની સમૃદ્ધિમાં સિંધુ નદીની બહુ મહત્ત્વની ભૂમિકા હતી. સિંધુ નદીની એક શાખા એટલે કે ઉપનદી નરા, જે લખપત સુધી પહોંચતી હતી.'
'આમ કચ્છમાં સિંધુ નદીનું પાણી આવતું હતું અને આ કારણે કચ્છ પ્રદેશ રળિયામણો હતો. સિંધુ નદીના મીઠા પાણીમાં અહીં લાલ ચોખાની ખેતી હતી.'
ડૉ.મહેશ ઠક્કર કહે છે, 'લખપતની ઉપરનો સાહેરા નામનો પ્રદેશ 18મી સદીમાં ચોખા માટે બહુ મહત્ત્વનો પ્રદેશ હતો જેમાં લાલ ચોખાની ખેતી થતી હતી. ચોખાને મીઠા પાણીની વધારે જરૂર પડે છે. આ ચોખાના પાકને સિંધુ નદીની નરા ઉપનદીનું પાણી મળતું હતું. અને આ લાલ ચોખા લખપત અને બસ્તા બંદરેથી છેક ઈરાન, ઇરાક સુધી નિકાસ થતા હતા.'
ઇતિહાસકાર શિવપ્રસાદ રાજગોર પણ નોંધે છે કે વર્ષો પહેલાં કચ્છમાં ચોખાની ખેતી થતી હતી.
ડૉ. પી.એસ. ઠક્કરના કહેવા પ્રમાણે લખપત જેવાં બંદરો વેરાન બનતાં કચ્છીઓને આર્થિક રીતે બહુ મોટો ફટકો પડ્યો હતો. જે લોકો આ ધરતીકંપમાં બચી ગયા એ લોકોમાંથી કોઈ આજુબાજુનાં ગામડાંમાં સ્થાયી થયા. કોઈ મુંબઈ, કોઈ કરાચી કો અમુક પરદેશ સ્થાયી થઈ ગયા હતા.
ભૂકંપની કચ્છ ઉપરાંત ક્યાં અસર થઈ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
આ ભૂકંપની કચ્છ ઉપરાંત ગુજરાતના અન્ય પ્રાંતમાં પણ અસર થઈ હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર થઈ હતી.
ડૉ.પી. એસ. ઠક્કર કહે છે, 'સૌરાષ્ટ્રમાં મોટાભાગે અસર જોવા મળી હતી. પાલનપુર અને અમદાવાદમાં પણ અસર થઈ હતી. અમદાવાદમાં ઝૂલતા મિનારાને પણ 1819ના ભૂકંપમાં નુકસાન થયું હતું'
દક્ષિણ ગુજરાતમાં આ ભૂકંપની અસર વિશે સુરત ખાતેના બ્રિટિશ અધિકારી કૅપ્ટન જે. પ્રુઅને આ ભૂકંપના અનુભવ અંગે લખ્યું છે, 'સાંજના પોણા સાત કલાકે આવેલા આ ભૂકંપને કારણે મારા ઘરનું ફર્નિચર ધ્રૂજવા માંડ્યું હતું. મારી પાસે પડેલું ટેબલ દીવાલ તરફ સરકી ગયું હતું. હું દાદરા ઊતરીને નીચે આવ્યો અને જલ્દીથી મારા ઘરની બહાર નીકળી ગયો. '
'મેં જોયું કે મારી જેમ અનેક લોકો બહાર ઊભા હતા. સૌ કોઈ ડર અને અને આશ્ચર્યની લાગણી અનુભવી રહ્યા હતા. ધરતીની ધ્રુજારી એટલી હતી કે મને લાગ્યું કે મારું ઘર જમીનદોસ્ત થઈ જશે. તપાસ કરતા જાણવા મળ્યું કે નજીકનાં ગામડાંમાં કેટલાંક ઘરો પડી ગયાં છે. પારસી અગિયારી એક તરફથી પડી ગઈ હતી અને અહીં એક ગરીબ વ્યક્તિ દસ વાગ્યે મૃત્યુ પામી હતી. '
'રાત્રે 8:30 એ અને બીજા દિવસે 10:10 વાગ્યે આંચકો અનુભવાયો હતો. જેલના કૂવામાંથી ચાર ફૂટ ઊંડું પાણી છલકાઈને બહાર આવી ગયું હતું. શહેરના બજારમાં આવેલી ટાંકીનું પણ છલકાઈને બહાર આવી ગયું હતું.'
સુજીત દાસગુપ્તા અને બાસબ મુખોપાધ્યાય તેમના સંશોધન પત્રમાં લખે છે, 'આ ધરતીકંપની અસર છેક જેસલમેર સુધી થઈ હતી. જેમાં એક લગ્નસમારોહમાં સામેલ 500 લોકોનાં મૃત્યું થયાં હતાં.'
આજે 1819ના ભૂકંપને બસ્સો કરતાં વધું વર્ષ થઈ ગયાં છે. પરંતુ 16 જૂન, 1819ની એ તારીખ આજે પણ કચ્છના માનસપટ પરથી ભુંસાઈ શકી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













