ટ્રમ્પના પગલાથી અમેરિકામાં જ એટલી મોંઘવારી વધશે કે ચીજવસ્તુ ખરીદવી મુશ્કેલ થઈ જશે?

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, મોંઘવારી, ટેરિફ, ભાવવધારો, વૈશ્વિક અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, બેન ચુ
    • પદ, બીબીસી

ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડા, મૅક્સિકો અને ચીનથી અમેરિકામાં આવતા માલ પર નવા ટેરિફ લાદ્યા છે. તેનાથી બીજી અનેક ચિંતાઓ પણ નિષ્ણાતોને સતાવી રહી છે.

યુએસ રાષ્ટ્રપતિએ કૅનેડા અને મૅક્સિકોથી આવતા તમામ માલ પર 25% ટેરિફ - અથવા આયાત પર ટૅક્સ - લાદવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેથી બંને દેશો ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ડ્રગ હેરફેર પર કડક કાર્યવાહી કરે.

ચીનથી આવતા માલ પર હાલમાં છે તે ઉપરાંત 10% ટેરિફ પણ લાદવામાં આવશે જ્યાં સુધી તે ફેન્ટાનાઇલ દાણચોરીમાં ઘટાડો ન કરે. તેમણે પહેલેથી જ આ દેશ પર 60% કર લગાવવાનો સંકલ્પ કર્યો છે અને કેટલીક આયાતી કાર પર 200% ટૅક્સ લાદવાની વિચારણા પણ કરી છે.

ટેરિફ ટ્રમ્પની આર્થિક નીતિના કેન્દ્રમાં છે. તેઓ આ ટેરિફને તેમને યુએસ અર્થતંત્રને વધારવા, નોકરીઓનું રક્ષણ કરવા અને કર આવક વધારવાના માર્ગ તરીકે જુએ છે.

તેમણે તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન મતદારોને કહ્યું હતું કે "આ વધારો તમારા પર નહીં પડે તે બીજા દેશનો બોજ છે."

અર્થશાસ્ત્રીઓ દ્વારા આ પગલાને સાર્વત્રિક રીતે ગેરમાર્ગે દોરનારું માનવામાં આવે છે.

ટેરિફ કેવી રીતે કાર્ય કરે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, મોંઘવારી, ટેરિફ, ભાવવધારો, વૈશ્વિક અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

વ્યાવહારિક રીતે ટેરિફ એ દેશમાં પ્રવેશતી વખતે માલ પર વસૂલવામાં આવતો સ્થાનિક કર છે, જે આયાતના મૂલ્યના પ્રમાણમાં હોય છે.

25% ટેરિફ પ્રમાણે 50,000 ડૉલર (£38,000)ની કિંમતની યુએસમાં આયાત કરાયેલી કાર પર 12,500 ડૉલર જેટલો કર લાગશે.

આ કર માલની આયાત કરતી સ્થાનિક કંપની પાસેથી વસૂલવામાં આવશે, નહીં કે તેમની નિકાસ કરતી વિદેશી કંપની પાસેથી.

આનો અર્થ એ થયો કે આ સ્થાનિક યુએસ કંપનીઓ દ્વારા યુએસ સરકારને ચૂકવવામાં આવતો સીધો કર છે.

2023 દરમિયાન યુએસએ લગભગ 3.1 ટ્રિલિયન ડૉલર માલની આયાત કરી હતી. આ યુએસ જીડીપીના લગભગ 11% જેટલી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, મોંઘવારી, ટેરિફ, ભાવવધારો, વૈશ્વિક અર્થતંત્ર, ચીન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અને આ આયાતો પર લાદવામાં આવેલા ટેરિફથી તે વર્ષે 80 બિલિયન ડૉલરની આવક થઈ, જે યુએસની કુલ કર આવકના લગભગ 2% હતી.

મુખ્ય પ્રશ્ન એ છે કે આ ટેરિફનો અંતિમ "આર્થિક" બોજ કોના પર પડશે. આ વધુ જટિલ મામલો છે.

જો યુએસ આયાતકાર કંપની ટેરિફનો બોજ યુએસમાં ખરીદનાર વ્યક્તિ પાસેથી ઊંચા ભાવે તેનું વેચાણ કરી વસૂલ કરશે તો તેનો આર્થિક બોજ યુએસ ગ્રાહક પર જ પડશે.

જો યુએસમાં આયાત કરતી કંપની ટેરિફનો ખર્ચ પોતે જ ઉઠાવે અને તેને બીજા પર નથી નાંખતી, તો તે કંપનીના નફામાં ઘટાડો કરશે.

જોકે એવું પણ શક્ય છે કે વિદેશી નિકાસકારો તેમના યુએસ ગ્રાહકોને જાળવી રાખવા ટેરિફના મૂલ્ય જેટલો ભાવ ઘટાડે.

આ પરિસ્થિતિમાં નિકાસકાર પેઢી ઓછા નફાના રૂપમાં ટેરિફનો આર્થિક બોજ સહન કરશે.

આ ત્રણેય સંભાવનાઓ સૈદ્ધાંતિક રીતે શક્ય છે.

પરંતુ ટ્રમ્પે 2017 અને 2020ની વચ્ચે તેમના પ્રથમ કાર્યકાળમાં લાદેલા નવા ટેરિફની અસરના આર્થિક અભ્યાસો સૂચવે છે કે મોટા ભાગનો આર્થિક બોજ આખરે યુએસ ગ્રાહકોને વેઠવાનો આવ્યો હતો.

સપ્ટેમ્બર 2024માં શિકાગો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના એક જૂથને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ આ નિવેદન સાથે સહમત છે કે "આ ટેરિફના બોજનો મોટો હિસ્સો દેશના ગ્રાહકો દ્વારા જ ઉઠાવવામાં આવે છે." તો ફક્ત 2% લોકો જ આનાથી અસંમત હતા.

અમેરિકામાં ભાવવધારો

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, મોંઘવારી, ટેરિફ, ભાવવધારો, વૈશ્વિક અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ચાલો એક નક્કર ઉદાહરણનો ઉપયોગ કરીને વાત જાણીએ.

ટ્રમ્પે 2018માં વૉશિંગ મશીનોની આયાત પર 50% ટેરિફ લાદ્યો હતો.

સંશોધકોનો અંદાજ છે કે તેના સીધા પરિણામે વૉશિંગ મશીનના મૂલ્યમાં લગભગ 12%નો વધારો થયો છે જે પ્રતિ યુનિટ 86 ડૉલર જેટલો છે. યુએસ ગ્રાહકોએ આ ઉત્પાદનો માટે કુલ વાર્ષિક આશરે 1.5 બિલિયન ડૉલર વધારાના ચૂકવ્યા હતા.

તટસ્થ એવી પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સના અંદાજ મુજબ ટ્રમ્પના નવા પ્રસ્તાવિત ટેરિફ અમેરિકનોની આવકમાં ઘટાડો કરશે. જેની અસર સૌથી ગરીબ પર લગભગ 4%થી લઈને સૌથી 2% ધનિક સુધી પડી શકે.

થિંક ટેન્કના અંદાજ મુજબ યુએસનો આવકના હિસાબે ગણાતો મધ્યમ વર્ગ પરિવાર દર વર્ષે લગભગ 1,700 ડૉલર ગુમાવશે.

ડાબેરી થિંક ટેન્ક સેન્ટર ફૉર અમેરિકન પ્રોગ્રેસ એક અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને મધ્યમ આવક ધરાવતા પરિવાર માટે 2,500થી 3,900 ડૉલરના નુકસાનનો અંદાજ મૂકે છે.

વિવિધ સંશોધકોએ ચેતવણી પણ આપી છે કે આ ટેરિફના બીજો રાઉન્ડ સ્થાનિક ફુગાવામાં ફરી વધારાનું જોખમ લાવશે.

અમેરિકામાં નોકરીઓ પર અસર

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, મોંઘવારી, ટેરિફ, ભાવવધારો, વૈશ્વિક અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પે તેમની ટેરિફ નીતિ માટે બીજું એવું પણ કારણ આપે છે કે તેઓ યુએસમાં રહેલી સ્થાનિક નોકરીઓનું રક્ષણ અને તેનું સર્જન પણ કરશે.

તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું હતું, "મારી આ યોજના હેઠળ અમેરિકન કામદારોને હવે વિદેશી કામદારોથી ચિંતિત થવાની જરૂર નહીં રહે. તેના બદલે વિદેશી કામદારો અમેરિકામાં તેમની નોકરી ગુમાવવાના ડરથી ચિંતિત રહેશે."

ટ્રમ્પના ટેરિફ માટેનો રાજકીય સંદર્ભ લાંબા સમયથી ચિંતાનો વિષય હતો. અમેરિકાની મૅન્યુફૅક્ચર ક્ષેત્રની નોકરીઓ સસ્તા દરે ઉત્પાદન કરતા મૅક્સિકોમાં જતી રહી. આ બધું 1994ના મૅક્સિકો સાથે મુક્ત વેપારના કરાર પછી થયું. ઉપરાંત 2001માં ચીનનો પણ વિશ્વવેપારમાં પ્રવેશ થયો.

જાન્યુઆરી 1994માં જ્યારે નાફ્ટા અમલમાં આવ્યો ત્યારે યુએસમાં 17 મિલિયન મૅન્યુફૅક્ચરિંગ નોકરીઓ હતી. આ નોકરીઓ 2016 સુધીમાં ઘટીને લગભગ 12 મિલિયન થઈ ગઈ.

છતાં અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ નોકરીઓમાં ઘટાડા માટે વેપારને જવાબદાર ગણવો એ ગેરમાર્ગે દોરનારું છે. તેઓ દલીલ કરે છે કે ઉત્પાદનમાં ઑટોમેશનનું વધતું સ્તર પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે.

અને ટ્રમ્પના પ્રથમ ગાળાના ટેરિફની અસરનો અભ્યાસ કરનારા સંશોધકોને યુએસનાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં એકંદર રોજગાર પર કોઈ નોંધપાત્ર હકારાત્મક અસરો જોવા મળી નથી.

ટ્રમ્પે 2018માં યુએસનાં ઉત્પાદકોને બચાવવા માટે આયાતી સ્ટીલ પર 25% ટેરિફ લાદ્યો હતો.

2020 સુધીમાં યુએસના સ્ટીલ ક્ષેત્રમાં કુલ રોજગાર 80,000 હતો. આ રોજગાર 2018માં 84,000નો હતો.

જોકે ટ્રમ્પે સ્ટીલ પર ટેરિફ ન નાખ્યો હોત તો આ રોજગારમાં વધુ ઘટાડો પણ થયો હોત તેવું સૈદ્ધાંતિક રીતે શક્ય છે. પરંતુ યુએસ સ્ટીલનાં ક્ષેત્રમાં તેની અસરના વિગતવાર આર્થિક અભ્યાસમાં હજુ પણ રોજગાર પર કોઈ હકારાત્મક અસર જોવા મળી નથી.

અને અર્થશાસ્ત્રીઓને એવા પુરાવા પણ મળ્યા છે કે, ટેરિફ લાદવામાં આવ્યા પછી સ્ટીલના સ્થાનિક ભાવમાં વધારો થયો હોવાથી કૃષિ મશીનરી ઉત્પાદક ડીયર એન્ડ કંપની સહિત સ્ટીલ પર આધાર રાખતા કેટલાક અન્ય યુએસ ઉત્પાદન ક્ષેત્રોમાં રોજગાર ઓછો હતો.

વેપાર ખાધ પર અસર

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, મોંઘવારી, ટેરિફ, ભાવવધારો, વૈશ્વિક અર્થતંત્ર, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પે અમેરિકાની વેપાર ખાધની ટીકા કરી છે. જે કોઈ દેશ દ્વારા આયાત કરવામાં આવતી બધી વસ્તુઓનાં મૂલ્ય અને ત્યાં થતી નિકાસનાં મૂલ્ય વચ્ચેનો તફાવત છે.

તેમણે કહ્યું, "વેપાર ખાધ અર્થતંત્રને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે."

2016માં ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલાં કુલ માલ અને સેવાઓની ખાધ 480 બિલિયન ડૉલર હતી. આ યુએસ જીડીપીના લગભગ 2.5% હતી. 2020 સુધીમાં તે વધીને 653 બિલિયન ડૉલર થઈ ગઈ જે GDPના લગભગ 3% હતી. અને ત્યારે પણ તેમણે ટેરિફ તો લાદ્યા જ હતા.

અર્થશાસ્ત્રીઓ અનુસાર આનું આંશિક સ્પષ્ટીકરણ એ છે કે ટ્રમ્પના ટેરિફે અમેરિકી ડૉલરના આંતરરાષ્ટ્રીય સાપેક્ષ મૂલ્યમાં વૃદ્ધિ કરી છે. (જેના લીધે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી મુદ્રાની માગ આપોઆપ ઓછી થઈ ગઈ છે) અને આનાથી અમેરિકી નિકાસકારોનાં ઉત્પાદનો વૈશ્વિક સ્તર પર ઓછા પ્રતિસ્પર્ધાવાળા બની ગયા.

વેપાર ખાધને ઘટાડવામાં આ નિષ્ફળતા પાછળનું બીજું એક પરિબળ એ છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ ધરાવતા વૈશ્વિક અર્થતંત્રમાં ટેરિફને ક્યારેક બાજુમાં પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે ટ્રમ્પ વહીવટીતંત્રે 2018માં ચીનથી આયાતી સૌર પૅનલ્સ પર 30% ટેરિફ લાદ્યો હતો.

યુએસ વાણિજ્ય વિભાગે 2023માં પુરાવા રજૂ કર્યા હતા કે ચીની સોલર પૅનલ ઉત્પાદકોએ તેનું ઉત્પાદન મલેશિયા, થાઇલૅન્ડ, કંબોડિયા અને વિયેતનામ જેવા દેશોમાં ખસેડ્યું હતું. અને પછી તે દેશોમાંથી તૈયાર થયેલાં ઉત્પાદનોને યુએસ મોકલ્યા હતા, જેનાથી તેઓ અસરકારક રીતે ટેરિફને ટાળી શક્યા હતા.

કેટલાક અર્થશાસ્ત્રીઓ એવા છે જે યુએસ ઉદ્યોગને વેગ આપવા માટે ટ્રમ્પની ટેરિફ યોજનાઓને સમર્થન આપે છે. જેમ કે સ્થાનિક લૉબી જૂથ, ગઠબંધન ફોર અ પ્રોસ્પરસ અમેરિકાના જેફ ફેરી, પરંતુ તેઓ વેપારમાં એક નાની લઘુમતી બરાબર છે.

રૂઢિચુસ્ત થિંક ટેન્ક અમેરિકન કંપાસના ડિરેક્ટર ઓરેન કાસે દલીલ કરી છે કે આ ટેરિફ વિવિધ કંપનીઓને તેમની ઉત્પાદન કામગીરીને અમેરિકામાં રાખવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

અને બાઇડન-હેરિસ વહીવટીતંત્રે ટ્રમ્પના પ્રસ્તાવિત ટેરિફ વિસ્તરણની તીવ્ર ટીકા કરી હતી, પરંતુ 2018 પછી તેમણે ટ્રમ્પે લાગુ કરેલા ઘણા ટેરિફને યથાવત્ રાખ્યા હતા.

તેમણે ચીનથી ઇલેક્ટ્રિક વાહનો જેવી વસ્તુઓની આયાત પર પણ નવા ટેરિફ પણ લાદ્યા હતા. જેને યુએસની રાષ્ટ્રીય સુરક્ષા, ઔદ્યોગિક નીતિ અને બીજિંગ તરફથી અન્યાયી સ્થાનિક સબસિડીના આધારે તેમને વાજબી ઠેરવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.