યૂટ્યૂબ જોઈને કાયમ માટે જંગલમાં રહેવા ગયેલી બહેનોનું મોત કેવી રીતે થયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાનો કૉલોરાડો સ્પ્રિંગ્સ વિસ્તાર સુંદર પર્વતો અને જંગલો માટે વખણાય છે.

પરંતુ આ શાંત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં રહેતા એક પરિવારનાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ લોકો શહેરમાં પોતાનું રોજિંદું જીવન છોડીને જંગલમાં રહીને એકદમ અલગ જ જીવનશૈલી અપનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેનો દુર્ભાગ્યપૂર્ણ અંત આવ્યો હતો.

પર્વતીય વિસ્તારમાં એકદમ દૂર રહેવા જતા રહેલા એક જ પરિવારના આ ત્રણ સભ્યોનાં મૃત્યુથી માતમ છવાયો છે.

તેઓ પ્રકૃતિની પાસે રહીને શાંતિપૂર્ણ જીવન જીવવા માગતા હતા એટલે રૉકી પર્વતના આ વિસ્તારમાં રહેવા પહોંચ્યા હતા.

જોકે, ત્યાંના પ્રાકૃતિક અને ભૌગોળિક પડકારોને લીધે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

ગુનિસન નેશનલ ફૉરેસ્ટમાં ગોલ્ડ ક્રીક કૅમ્પગ્રાઉન્ડ પાસે એક પર્યટકને કોહવાયેલી હાલતમાં બે મૃતદેહો મળ્યા હતા.

આ મૃતદેહોની ઓળખ કરતી વખતે સમગ્ર ઘટના સામે આવી હતી.

રૅબેકાને દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું હતું, તે પસંદ નહોતું.

તેથી તેમણે પોતાની બહેન ક્રિસ્ટિન અને 14 વર્ષીય પુત્ર સાથે ગાઢ જંગલ વિસ્તારમાં રહેવાનો નિર્ણય લીધો હતો.

રૅબેકાની અન્ય એક બહેન ઝારાએ થોડાક દિવસ પહેલાં વૉશિંગ્ટન પોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

ક્રિસ્ટિન અને રૅબેકા બંનેની ઉંમર 40 વર્ષથી વધુ હતી. ચોંકાવનારી વાત એ છે કે તેમણે આ નિર્ણય લીધો એ પહેલાં ઘરની બહારની દુનિયા જોઈ જ ન હતી. તેથી તેઓ એ પ્રકારના જીવનના પડકારોથી અજાણ હતાં.

ગાઢ જંગલ વિસ્તારમાં રહેવાનું શીખવા માટે તેમણે યૂટ્યૂબ વીડિયો અને અન્ય સોશિયલ મીડિયાની મદદ લીધી હતી.

ગ્રે લાઇન

મૃત્યુનું ચોક્કસ કારણ શું છે?

ઝારાએ કૉલોરાડો સ્પ્રિંગ્સ ગૅજેટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "વીડિયો જોઈને તમને માનવવસતી તેમજ વાસ્તવિક્તાથી દૂર જઈને જીવવાનું જ્ઞાન મળતું નથી."

"બની શકે કે તેઓ નવા વાતાવરણ પ્રમાણે પોતાની જાતને તૈયાર નહીં કરી શક્યાં હોય અને પર્યાપ્ત ભોજનની અછતના કારણે ભૂખમરાથી તેમનું મૃત્યુ થયું હોય."

આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ પરિણામો જાહેર કરી શકાશે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તંબૂમાંથી મળ્યા મૃતદેહો

તપાસઅધિકારી માઇકલ બાર્ન્સ કહે છે, "બે મૃતદેહો તંબૂમાંથી મળી આવ્યા હતા. ત્રીજો મૃતદેહ તંબૂથી થોડે જ દૂર મળી આવ્યો હતો."

ત્રણેય મૃતદેહો લગભગ 9,500 ફૂટ એટલે કે 2,900 મીટરની ઊંચાઈએથી મળ્યા છે.

ત્રણ મૃતકો પૈકી એક સગીર વયનો હોવાથી તેની ઓળખ જાહેર કરાઈ નથી.

તપાસઅધિકારી બાર્ન્સે સમાચાર એજન્સી એપીને જણાવ્યું કે "અગાઉ આ ત્રણેયને એક ઘર બનાવતાં જોવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં આકરી ઠંડી શરૂ થઈ ગઈ."

"જેથી તેમણે ઘર બનાવવાનું છોડી દીધું અને તંબૂમાં રહેવાં લાગ્યાં. પણ કોઈ વ્યક્તિ આકરી ઠંડીમાં એક તંબૂમાં પણ કેટલો સમય રહી શકે?"

'બહેનો જે ક્યારેય કોઈનું નહોતી સાંભળતી'

તપાસઅધિકારી બાર્ન્સે જણાવ્યું, "તેમની પાસેથી મળી આવેલા સામાનમાં જંગલમાં ભોજન કેવી રીતે મેળવવું, જંગલો અને પર્વતોમાં કેવી રીતે જીવિત રહેવું સહિતના વિષયોનાં પુસ્તકો મળ્યાં. સાથે જ તેમને ઘણું કરિયાણું પણ મળ્યું છે."

ગયા વર્ષે ઑગસ્ટમાં રૅબેકા, તેમનો પુત્ર અને ક્રિસ્ટિન ત્રણેય ઝારાને મળવા પહોંચ્યાં હતાં.

તેમણે પોતાના જીવનના આ નવા તબક્કા વિશે ઝારાને જણાવ્યું અને વિદાય આપી હતી.

આ વિશે ઝારાએ કહ્યું, "હું તેમની આ યોજના સાંભળીને ચોંકી ગઈ હતી. મેં તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેઓ કંઈ સાંભળવા તૈયાર નહોતાં. તેઓ જંગલમાં રહેવા જવા માટે કંઈ પણ કરવા તૈયાર હતાં."

જૂન, જુલાઈ અને ઑગસ્ટ વસંત ઋતુના મહિના છે. પરંતુ એ વિસ્તારમાં શિયાળો એક મહિના પહેલાં જ ચાલુ થઈ ગયો.

અધિકારીઓનું કહેવું છે કે બહેનોએ તેની કલ્પના કરી નહોતી. તેથી જ્યારે ઠંડી શરૂ થઈ તો તેમની સમસ્યાઓ વધવા લાગી. તેઓ ઘરનું નિર્માણ પણ પૂર્ણ ન કરી શક્યાં અને તેમની ખાવાપીવાની જરૂરિયાતો પણ પૂરી ન થઈ.

રેડ લાઇન
રેડ લાઇન