કચ્છનાં આ 'વૈભવી' ગામો ભૂતિયાં કઈ રીતે બની ગયાં?

કચ્છના બન્નીના રૈયાડાની આ મસ્જિદ પુરાવો છે કે અહીં કદી એક ગામ વસતું હતું.

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, કચ્છના બન્નીના રૈયાડાની આ મસ્જિદ પુરાવો છે કે અહીં કદી એક ગામ વસતું હતું.
    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી સંવાદદાતા, બનાસકાંઠા અને કચ્છથી પરત આવીને

સવારના માંડ આઠ વાગ્યા હતા આમ છતાં કચ્છના રણના બન્નીમાં અંગારઝરતી બપોર જેવો તડકો વર્તાતો હતો. ભૂતિયા ગામ રૈયાડામાં ભારે સૂનકાર પથરાયેલો હતો, ખાલીને ખાલી પવનના સુસવાટા જ સંભળાતા હતા. ચોમેર તોફાની વાયરા રણની ધૂળ ઉડાવતા હતા.

કચ્છના બન્નીનાં મેદાનોમાં એક વખતે રૈયાડા ગામ વસતું હતું, એનો પુરાવો આપવા સપાટ મેદાનો વચ્ચે આજે પણ મસ્જિદ ઊભી છે. મસ્જિદની ફરતે બનેલી દીવાલ પરના કેટલાક ગુંબજ ફસડાઈ પડ્યા છે, જાણેકે વર્ષો સુધી ઊભા રહેવાના થાકથી તૂટી પડ્યા હોય. આ મસ્જિદની આસપાસમાં કેટલાક વીરડા છે જ્યાં અત્યારે પાણીનું ટીપુંય નથી.

એક વખત હતો જ્યારે આ મસ્જિદ નમાજીઓથી ઊભરાતી હતી અને આ ગામમાં લોકોનો કોલાહલ રહેતો હતો અને આ મસ્જિદની ફરતે માટી અને ઘાસમાંથી બનેલા કચ્છી બનાવટના ભૂંગા હતા. આજે અહીં ના તો ભૂંગા છે, ના તો આ ગામમાં હવે ગ્રામજનો વસે છે. આ મસ્જિદના જૂની ભાતના દરવાજા પણ હવે જવલ્લે જ ખૂલે છે, આ દરવાજાના ખૂણા હવે કરોળિયાના ઘર બન્યાં છે. મસ્જિદની બરાબર સામે ઊભેલા એકમાત્ર ઝાડ નીચે ઓટલો છે પણ એની પર બેસનારું હવે કોઈ નથી. પણ આ ગામ પહેલાંથી આવું ન હતું.

ગામલોકો કહે છે કે એક વખત હતો જ્યારે અહીં ધમધમતું વૈભવી ગામ હતું અને અહીંના લોકો ખુશાલ જીવન જીવતાં હતાં. એની ચોફેર ઘાસનાં મેદાનો હતાં. અહીં કેટલાય માલધારી પરિવાર તેમના પશુઓ સાથે વસતા હતા. તો પછી છેલ્લા થોડા દાયકામાં અહીં એવું તો શું થયું કે લોકો આ ગામ છોડીને જતા રહ્યા? ધમધમતું રૈયાડા ગામ અચાનક ભૂતિયું કઈ રીતે બની ગયું?

આ પ્રશ્નોના જવાબ મેળવીએ એ પહેલાં વાત કરીએ એ વખતની જ્યારે રૈયાડા ગામ છોડીને લોકો ચાલ્યા ગયા.

લાઇન બીબીસી ગુજરાતી

‘...અને અમે રૈયાડા ગામ છોડી દીધું’

પૂર્વ સરપંચ મુસાભાઈ

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, રૈયાડા ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ મુસાભાઈએ બન્નીનાં અનેક ગામોને તૂટતાં જોયાં છે.

“અમે 1963માં રૈયાડા ગામ છોડી દીધું, પછી અહીં આવ્યા અને લાખારા વસાવ્યું. રૈયાડામાં અમારા બાપદાદાએ આખી જિંદગી કાઢી, ત્યારે ત્યાં સ્થિતિ સારી હતી. મીઠું પાણી હતું, ઢોરને ખવડાવવા માટે ઘાસ હતું.”

આ શબ્દો રૈયાડા ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ નોડે મુસાભાઈ ઉમરના છે. તેમની સાથે વાત કરવા અમે કચ્છના દુધઈ થઈને લાખારાવાંઢ પહોંચ્યા ત્યારે હજી પ્રભાત ફૂટી હતી. સૂરજને ઊગવામાં હજી થોડી વાર હતી અને ચંદ્ર હજી આથમ્યો નહોતો. આ ગામના લોકોનો દિવસ સૂરજ ઊગે એ પહેલાં જ ઊગી જાય છે. ગામની મહિલાઓનો પાણી ભરવા માટે રઝળપાટ શરૂ થઈ ગયો હતો.

મુસાભાઈને મળવા અમે તેમના ઘરે પહોંચ્યા, તેઓ તેમના અને તેમના દીકરાના ઘરની વચ્ચે ખાટલો ઢાળીને બેઠા હતા. તેમના પહેરવેશ અને બોલીમાં સિંધી સંસ્કૃતિની છાંટ વર્તાતી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણએ રૈયાડા ગામની વાત કંઈક આ રીતે માંડી, “અમારા બાપદાદા કહેતા હતા કે રૈયાડાથી હાજીપીર સુધીની જમીન મીઠી હતી પછી ધીમે-ધીમે એ જમીન ખારી થતી ગઈ.”

ગામલોકો અને ઍક્સ્પર્ટ્સ કહે છે કે આગળ વધતા રણના કારણે લોકોએ આ ગામ છોડવું પડ્યું; સમય જતાં ભૂંગા પણ પડી ગયા અને ધીમે-ધીમે આ ગામ ભૂતિયું થઈ ગયું. અહીંની જમીન અને પાણી ખારાં થઈ ગયાં, થોડાં વર્ષોમાં આ ગામ પર રણ ફરી વળ્યું.

મુસાભાઈના પ્રમાણે રૈયાડા એક મોટું ગામ હતું. તેઓ કહે છે કે “રૈયાડા તૂટ્યું તો એમાંથી કેટલાક લોકો અંજાર તાલુકાના ખીરસરામાં જઈને વસ્યા, તો કેટલાક લોકો ભચાઉ તાલુકાના બાનિયારીમાં જઈને વસ્યા, તો કેટલાક લોકો ચક્કારમોરામાં જઈ વસ્યા. અમે લોકોએ અહીં લાખારાવાંઢ વસાવ્યું.”

બન્નીમાં માલધારીઓ વચ્ચે કામ કરતી સહજીવન સંસ્થાના પ્રોજેક્ટ ડિરેક્ટર રમેશ ભટ્ટી કહે છે કે, “રૈયાડામાં એકસમયે મીઠા પાણીનાં મોટી ઝીલ હતી અને માલધારીઓ મોટી સંખ્યામાં ભેંસો અને ગાયોનો ઉછેર કરતા હતા. ધીમે-ધીમે રણની ખારાશ આગળ વધવા લાગી અને તેમના ગામ સુધી પહોંચી ગઈ, પાણી પણ ખારાં થઈ ગયાં. જેના કારણે ધીમે-ધીમે આ ગામ ખાલી થઈ ગયું.”

લાઇન બીબીસી ગુજરાતી

એક નહીં ‘અનેક’ ભૂતિયાં ગામ

રૈયાડાની જેમ જ ભૂતિયું બની ગયેલું લેવારા ગામ

ઇમેજ સ્રોત, Sahjeevan Sanstha

ઇમેજ કૅપ્શન, રૈયાડાની જેમ જ ભૂતિયું બની ગયેલું લેવારા ગામ

ચોમાસામાં ગામના લોકો ક્યારેક-ક્યારેક અહીં રૈયાડા આવે છે અને થોડા દિવસ માટે તંબુ બાંધીને રહે છે અને પાછા લાખારવાંઢ જતા રહે છે.

ગામના પૂર્વ સરપંચ રમજાન હુસૈન કહે છે કે, “હજી પણ ચોમાસામાં અમે રૈયાડા આવીને તંબુ બાંધીને રહીએ છીએ. વરસાદનું મીઠું પાણી તળાવમાં ભરાય એટલે થોડા દિવસો સુધી અમે અહીં રહી શકીએ અને વરસાદ પછી અહીં ઘાસ પણ ઊગી નીકળે છે. જોકે બે-ત્રણ મહિનામાં જ આ જગ્યા ફરી પાછળ વેરાન રણ બની જાય છે.”

તેઓ કહે છે કે “જો સરકાર અમને અત્યારે અહીં મીઠા પાણીની વ્યવસ્થા કરી આપે, વીજળી અને રસ્તાની રસ્તા કરી આપે તો પણ આ રણ જેવી જમીન પર રહેવા અમે તૈયાર છીએ.”

રમેશભાઈ ભટ્ટી કહે છે કે “બન્નીમાં એકસમયે 55 જેટલાં ગામ વસતાં હતાં અને અહીંનાં ચારથી પાંચ ગામ એવાં છે જે હવે ભૂતિયાં બની ગયાં છે. એ જગ્યાઓએ ગામની જૂની મસ્જિદો છે, ભૂંગા છે, બીજા કેટલાક અવશેષો છે પણ હવે ત્યાં ગામલોકો રહેતા નથી.

“ગોદડીયાળો, નોઘણીયાળો, રૈયાડા, લેવારા એવાં ગામો છે જ્યાં હવે કોઈ વસતું નથી. લાખાબો અને ખારોડ ગામનો અમુક ભાગ એવો છે, જ્યાંથી લોકો હિજરત કરી ગયા છે અને હવે ત્યાં કોઈ રહેતું નથી.”

તેઓ કહે છે કે, “છેલ્લાં 50-60 વર્ષમાં બન્નીમાં એટલી ખારાશ વધી છે કે રણકાંઠાનાં ગામોમાં મીઠું પાણી નથી, ઘાસનું પ્રમાણ ઘટ્યું છે અને એટલે એ લોકો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહ્યા છે.”

આવા જ એક ભૂતિયા ગામ લેવારાની કહાણી હાસમભાઈ નોડે કહે છે, તેઓ બન્નીનાં ગામો અને રસ્તાઓના ભોમિયા છે અને અહીંના માલધારીઓ વચ્ચે વર્ષોથી કામ કરે છે. અમે તેમના ગામ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘હું બન્નીની પેદાશ છું, અમે આ જ ભૂમિના છીએ.’

તેઓ કહે છે કે “મોરબીમાં 1979માં હોનારત થઈ એ વખતે બન્નીમાં પણ પાણી ભરાયાં હતાં. લેવારા ગામમાં એ વખતે 200-250 પરિવારો રહેતા હતા પણ આજે ત્યાં માત્ર એક મસ્જિદ જ બચી છે, આખું ગામ ખતમ થઈ ગયું.”

ગુજરાતમાં આગળ વધતું રણ રણીકરણ

બન્નીનાં લીલાંછમ મેદાનો ઉજ્જડ કઈ રીતે બની ગયાં?

વીડિયો કૅપ્શન, '...તો અડધું ગુજરાત રણ બની જશે', કઈ રીતે ફળદ્રુપ જમીન બંજર બની રહી છે?

કચ્છ જિલ્લામાં આવેલાં બન્નીનાં આ મેદાનો પહેલાંથી જ રણ જેવાં ઉજ્જડ નહોતાં.....

બન્નીનાં મેદાનો અને એની આસપાસ વસેલાં ગામો લીલાંછમ હતાં અને એનો સંદર્ભ ત્યાંના લોકસાહિત્યમાં મળી રહે છે. ‘કચ્છ બન્નીનો લોકસાંસ્કૃતિક સંદર્ભ’ પુસ્તકમાં એમ. એસ. યુનિવર્સિટીના પ્રો. ભરત પંડ્યાએ બન્નીના લોકસાહિત્ય, લોકજીવન અને સાંસ્કૃતિક સંદર્ભને સંગ્રહિત કર્યાં છે. તેમાંનું એક લોકગીત આ પ્રમાણે છે:

“કચ્છજી રણ કંધી મથે નિલી બન્ની ન્યાર

નિલા નેસ નવાણ ને ઘા મીઠા ગુલઝાર”

રમેશભાઈ ભટ્ટી આ લોકગીતનો સાર આપતા કહે છે કે “બન્ની એક એવો પ્રદેશ છે કે જ્યાં સવારમાં ગાયોનાં ધણ ચરવા જતાં હોય, છાસના છમકારા થતા હોય, ચારેય બાજુ ઘાસ જ ઘાસ હોય.”

તેઓ કહે છે કે, “એક જમાનામાં આ પ્રદેશ લીલોછમ હતો અને અહીંના માલધારીઓ ખુશાલ જીવન જીવતાં હતાં.”

રમેશભાઈ આગળ કહે છે કે “એકસમયે બન્નીનાં ઘાસનાં મેદાનો લીલાછમ હતાં એ હવે સાવ સૂકાં થઈ ગયાં છે.”

બન્નીનાં આ ઘાસનાં મેદાનો ઉજ્જડ રણ બની ગયાં, એની માટે વૈજ્ઞાનિકો રણીકરણને મુખ્ય પરિબળ ગણે છે, તેમનું કહેવું છે કે ગળ વધતા રણ ધીમે-ધીમે આ ભૂમિને ખારાશવાલી અને બંજર બનાવી દીધી.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના ડિરેક્ટર ડૉ. વિજયકુમાર કહે છે કે કચ્છની લગભગ 96 ટકા જમીન એવી છે, જેની પર રણ આગળ વધી રહ્યું છે અને તે બંજર બની રહી છે. જોકે આ માટે તજજ્ઞો કેટલાંક અન્ય પરિબળો પર પણ ભાર મૂકે છે.

ગુજરાતમાં આગળ વધતું રણ રણીકરણ

‘શાહી છોડ’ના લીધે બન્નીનાં મેદાનો ઉજ્જડ થયાં?

વેરાન રણ બની ગયેલાં બન્નીનાં ઘાસનાં મેદાનો

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના ડિરેક્ટર ડૉ. વિજયકુમાર અને હિબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલેમના અધ્યાપક યુરિયલ સફ્રિયેલે એક સંશોધનપત્રમાં બન્નીમાં આગળ વધતા રણ વિશેનાં અન્ય પરિબળો પર છણાવટ કરી છે.

તેમના સંશોધનપત્ર પ્રમાણે “બન્નીનાં ઘાસનાં મેદાનો ઉજ્જડ થઈ ગયાં, એ માટે ગાંડો બાવળ પણ એક મહત્ત્વનું પરિબળ છે.”

હાસમભાઈ નોડેને યાદ છે કે બન્નીમાં 60ના દાયકાની આસપાસ હેલિકૉપ્ટરથી બાવળના બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સંશોધનપત્રમાં સસંદર્ભ લખ્યું છે એ પ્રમાણે પહેલી વખત ગાંડો બાવળ 1857માં મેક્સિકોથી સિંધમાં આવ્યો હતો, એ બાદ 1877માં જમાઇકાથી ગાંડો બાવળ આંધ્ર પ્રદેશમાં લાવવામાં આવ્યો. 1930માં રાજસ્થાનના થારના રણમાં ગાંડો બાવળ વાવવામાં આવ્યો અને તેને ‘રૉયલ પ્લાન્ટ’ એટલે કે ‘શાહી છોડ’નો દરજ્જો આપવામાં આવ્યો. અહીં ઉલ્લેખ છે કે 1960ના દાયકામાં બન્નીમાં ગાંડો બાવળ ઉગાડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું.

બન્નીમાં વધી રહેલી ખારાશ અને વનસ્પતિના ઘટી રહેલા પ્રમાણને રોકવા માટે 1960-1965ની પંચવર્ષીય યોજનામાં ગાંડો બાવળ વાવવાનું નક્કી થયું. જોકે અહીં થોડા જ દાયકામાં ગાંડો બાવળ ધાર્યા કરતાં વધવા લાગ્યો અને તેના કારણે બીજી વનસ્પતિનો પણ નાશ થઈ ગયો.

સંશોધનપત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે 1960ના દાયકામાં બન્નીની નદીઓ પર બનાવાયેલા ચેકડૅમના કારણે પણ બન્નીમાં રણની ખારાશ વધવા લાગી.

આ પરિબળ અંગે રમેશભાઈ ભટ્ટી પણ વાત કરે છે, તેઓ કહે છે કે “બન્નીમાં સાત નદીઓ વહેતી હતી, જેના મીઠા પાણીથી રણની ખારાશ ધોવાતી હતી. આ નદીઓ પર ચેકડૅમ બંધાઈ જવાથી બન્નીમાં તેનું પાણી આવતું બંધ થઈ ગયું અને ખારાશ વધવા લાગી.”

ગુજરાતમાં આગળ વધતું રણ રણીકરણ

ગાયો ઓછી કેમ થઈ ગઈ?

અહીં ઉત્તમ ગણાતી કાંકરેજ ગાય મોટી સંખ્યામાં હતી પણ હવે અહીં ગાયની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે.

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

આ ગામોમાં મોટી વસતી માલધારીઓની છે અને આ લોકો પશુપાલન પર નભે છે. હાસમભાઈના કહેવા પ્રમાણે બન્નીમાં 600-700 વર્ષથી માલધારીઓ વસે છે. હાસમભાઈ નોડે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન સાથે પણ જોડાયેલા છે અને તેઓ પૂર્વ બન્નીના દદ્ધર ગામના વતની છે.

હાસમભાઈ કહે છે કે, “પહેલાં અહીં કાંકરેજ ગાય વધારે હતી અને ભેંસ ઓછી હતી, થોડી સંખ્યામાં ઘેટાં બકરાં પણ હતાં; પણ હવે ખૂબ જ ઓછી સંખ્યામાં અહીં ગાયો જોવા મળે છે. ગાયની ઘટેલી સંખ્યા માટે બન્નીની વનસ્પતિની જાતમાં થયેલા ફેરફાર અને જમીન-પાણીમાં વધતી ખારાશ કારણભૂત છે.”

હાસમભાઈની વાત સાથે રમેશભાઈ ભટ્ટી પણ સહમત થાય છે. રમેશભાઈ કહે છે કે “1958ના એક રિપોર્ટ પ્રમાણે બન્નીમાં 48,000 ગાય હતી અને 7,000 ભેંસ હતી, જોકે આજે એ પરિસ્થિતિ સાવ ઊલટી થઈ ગઈ છે, હવે છેલ્લા રિપોર્ટ પ્રમાણે બન્નીમાં અંદાજે 80,000 ભેંસ છે અને 20,000 ગાય છે.”

“બન્નીમાં આગળ વધતા રણના કારણે કેટલાય પ્રકારનું ઘાસ સાવ લુપ્ત થઈ ગયું અને ઠેકઠેકાણે બાવળ વધી ગયો, જેની સામે ગાયો ટકી ન શકી. ગાયો ધીમે-ધીમે મરી ગઈ અને માલધારીઓએ પણ ગાયો વેચી દીધી.”

રમેશભાઈ અને હાસમભાઈનું કહેવું છે કે ધીમે-ધીમે અહીંથી લોકો પણ હિજરત કરવા લાગ્યા અને અહીંનાં ગામો ખાલી થવા લાગ્યાં; લોકો હજી અહીંથી હિજરત કરી રહ્યા છે.

લાઇન બીબીસી ગુજરાતી

આ અંગે સરકાર શું કરી રહી છે?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

રમેશભાઈ કહે છે કે, “બન્નીનાં ઘણાં ગામો એવાં છે, જ્યાં હવે થોડા જ માલધારી કુટુંબો રહી ગયાં છે અને મોટાભાગના માલધારીઓ ગામ છોડી ચૂક્યા છે. આમાંથી ઘણા પરિવારો ભુજ, મુંદ્રા અને અંજાર તાલુકાનાં ગામોમાં જઈને વસી ગયા છે.”

જોકે રમેશભાઈ સ્વીકારે છે કે સરકારે ઊભી કરેલી પાઇપલાઇન વ્યવસ્થા અને ડેરી ડેવલપમૅન્ટનો સ્થાનિક લોકોને ફાયદો થયો છે. રમેશભાઈ કહે છે કે આ ગામોમાં હવે પહેલાં જેટલું સ્થળાંતર થતું નથી અને તેઓ કહે છે કે “તળાવો સુકાઈ ગયાં પણ કેટલાંક ગામોમાં પાઇપલાઇનથી પાણી મળે છે. જોકે હજી તેમાં અનિયમિતતા છે. આ ઉપરાંત ડેરી ડેવલપમૅન્ટ થવાના કારણે પણ કેટલાક માલધારીઓ ત્યાં ટકી ગયા છે. જો આ સુવિધા ન હોત તો બન્ની આજે અડધું ખાલી થઈ ગયું હોત.”

રમેશભાઈ કહે છે કે છેલ્લાં 20 વર્ષમાં કચ્છમાં વરસાદની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. તેઓ કહે છે કે “કચ્છમાં ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદના પ્રમાણમાં વધારો થયો છે અને તેના કારણે આ ગામોમાં બચેલા માલધારીઓની હિજરતની ગતિ ઘટી છે.”

2021માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રણીકરણને રોકવા સંદર્ભે યોજાયેલા સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે બન્ની પ્રદેશનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “બન્નીમાં ઘાસનાં મેદાનો વધારવાની દિશામાં કામ કરાયું અને એનાથી જમીનને ફરી ઉપયોગી બનાવી શક્યા છીએ. જેના કારણે જમીનને બંજરભૂમિમાં ફેરવાતી અટકાવી શક્યા છીએ.”

“કચ્છના રણનું બન્ની દાખલો છે કે કઈ રીતે જમીનને ફરી ઉપયોગી બનાવી શકાય અને તેનાથી કઈ રીતે જમીનની ગુણવત્તા, ઉત્પાદકતા, ખાદ્યસુરક્ષાને અસર થાય છે.”

જોકે તેઓ એવું પણ સ્વીકારે છે કે, “આપણે હજી આ દિશામાં ઘણું કામ કરવાનું છે.”

માર્ચ 2023માં ભારત સરકાર દ્વારા 'અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટ'ની જાહેરાત કરાઈ હતી, જે અંતર્ગત રણીકરણને રોકવા માટે વૃક્ષોની દીવાલ ઊભી કરવાની સરકારની યોજના છે. જે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી રાજ્યોને આવરી લેશે.

આ અંગે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ આંકડા રજૂ કરતા કહ્યું હતું કે સરકારના વિવિધ પ્રયાસોથી વનઆવરણને વધારવામાં પણ સફળતા મળી છે. આ આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2015માં 14,710 ચોરસ કિલોમિટરમાં વનઆવરણ હતું, જે વધીને 2021 સુધીમાં 14,926 ચોરસ કિલોમિટર થયું હતું.

ગુજરાત સરકારના વન્ય અને પર્યાવરણ મામલાના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “સરકાર વૃક્ષોની દીવાલ બનાવવાનું અને ભૂગર્ભજળસ્તર ઉપર લાવવા માટે પ્રયાસ કરી રહી છે.”

“ભૂગર્ભજળ માટે 2019માં 'અટલ ભૂજલ યોજના' શરૂ કરી હતી જે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં કાર્યરત્ છે.”

જોકે આની બીજી બાજુ એવી છે કે રણની ખારાશ હવે ગામોની જમીન અને પાણી સુધી અને અહીંના લોકોની જિંદગી સુધી પહોંચી ગઈ છે. રૈયાડા છોડીને લાખારામાં આવીને વસેલા લોકોનું કહેવું છે કે “હવે રૈયાડાની જેમ અહીં પણ ખારાશ આવી ગઈ છે, જો આવી જ સ્થિતિ રહેશે તો હવે અમારે આ ગામ પણ છોડવું જ રહ્યું.”

લાઇન બીબીસી ગુજરાતી
લાઇન બીબીસી ગુજરાતી