દુબઈના આંગણે પહોંચી ગયેલું રણ કેવી રીતે 'શહેરને ગળી' રહ્યું છે?

દુબઈ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જોસેફ ફેલન
    • પદ, .

શું દેશના ગ્રીન ટેક સેક્ટરની મદદથી રણની રેતીને આગળ વધતી અટકાવી શકાય?

રણ ક્યારેય દુબઈના પાદરથી બહુ દૂર રહ્યું નથી. હવે વિશ્વનું 'નાણાકેન્દ્ર' બનેલા આ નગરમાં 30 લાખ લોકો રહે છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)નું આ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જેની એક બાજુ સમુદ્ર છે અને બીજી નજર નાખો ત્યાં સુધી રેતીનું રણ ફેલાયેલું છે.

છેલ્લાં 50 વર્ષમાં માન્યામાં ના આવે તેવી પ્રગતિ આ શહેરની થઈ છે. નાનકડા માચ્છીમારીકેન્દ્રમાંથી આજે તે ધમધમતું મહાનગર બન્યું છે. આ ભવ્યતા છતાં શહેર સામે એક મોટો પડકાર છે: આગળ વધતું રણ અમીરાતની વધેલી ફળદ્રુપ જમીનને પણ ગળી રહ્યું છે.

સંયુક્ત આરબ અમીરાતનો વિસ્તાર પોર્ટુગલ જેટલો છે, પરંતુ તેની 80% ધરતી પર રણ છે. રણવિસ્તરણને કારણે કિંમતી જમીન પણ ઉજ્જડ બની રહી છે. 2019માં સરકારે જાહેર કરેલા અહેવાલ અનુસાર "વસ્તી વધવા સાથે અનાજની જરૂરિયાત વધી છે, ત્યારે જમીન ઉજ્જડ થવાનું, રણનું વિસ્તરણ થવાનું વધી રહ્યું છે". આનો ઉકેલ લાવવાની વાત અગ્રતાક્રમ છે. લક્ષ્ય રણ સામે જીતવાનું નથી, પરંતુ ફળદ્રુપ ના હોય તેવી જમીનને ઉત્પાદક બનાવવાનું છે.

વધતા રણની સમસ્યાનો સામનો કરી રહેલા અન્ય દેશો કરતાં યુએઇની સ્થિતિ જુદી એ રીતે છે કે તેની આર્થિક સ્થિતિ મજબૂત છે. ખાસ કરીને દુબઈએ હરિયાળી ફેલાવવા માટે ગ્રીન સ્ટાર્ટઅપને સમર્થન આપવાનું અને ટેકનૉલૉજી સાથે પર્યાવરણની કાળજી લેનારી શૈક્ષણિક સંસ્થાને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે.

મહત્ત્વકાંક્ષા માટે નાણાકીય સહાય મળી રહે ત્યારે શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દુબઈ છે. જે માનસિકતા સાથે રણમાં નગર બનાવાયું, હવે એવી જ માનસિકતા સાથે રણને રોકવાનું કામ થઈ રહ્યું છે. જો અહીં સફળતા મળશે તો રણને રોકવાના ઉપાયો વિશ્વભરમાં ઉપયોગી થશે.

રણ વધવા લાગે ત્યારે ફળદ્રુપ ખેતીની જમીન ઉજ્જડ થવા લાગે છે, ખેતરો ઉપજાઉ રહેતાં નથી. કુદરતી સ્રોતો પર, પાણી અને જમીન પર ભારણ વધી જાય ત્યારે આવું થતું હોય છે.

તેના કારણે વનસ્પતિ ઊગી શકતી નથી. કુદરતી રીતે જ રણ પ્રદેશ પેદા થતો હોય છે, પરંતુ યુએઇ અને અન્યત્ર થયું છે તેમ પણ વધારે પડતું ચરિયાણ, વધારે પડતી ખેતી અને બાંધકામને કારણે, માનવીય પરિબળને કારણે પણ આવું થાય છે.

ન્યૂયૉર્કની કૅરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉસિસ્ટમ સ્ટડીઝના બાયૉજિયોકેમિસ્ટ વિલ્યમ શ્લેસિંગર કહે છે, "રણના કિનારે આવેલી જમીન અને વનસ્પતિ પણ ભારણ વધે ત્યારે રણ આગળ વધતું હોય છે." તેમણે છેલ્લાં 30 વર્ષથી રણનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, "તેના પરિણામે વનસ્પતિની ઉત્પાદકતા ઓછી થઈ જાય, વૃક્ષોના પ્રકાર બદલી જાય અને મનુષ્યને ઓછા ઉપયોગી હોય એવાં જ ઝાડ રહે."

વિશ્વમાં દર વર્ષે લગભગ 12 મિલિયન હેક્ટર (46,000 ચોરસ માઇલ) પ્રદેશ આગળ વધતાં રણને કારણે નકામો થઈ જાય છે. એટલે કે અમેરિકકન ફૂટબૉલનાં 2,000 જેટલાં મેદાનોમાં રેતી ફેલાઈ જાય છે. આ જમીનને સળંગ ગોઠવવામાં આવે તો તેની લંબાઈ એટલી થાય કે વધતાં રણ સાથે ગતિ જાળવી રાખવા તમારે 210 કિમી કલાકની સ્પીડે પ્રવાસ કરવો પડે.

છેલ્લાં 20 વર્ષમાં યુએઇએ બહુ કિંમતી જમીન ગુમાવી છે. વિશ્વ બૅન્કના જણાવ્યા અનુસાર 2002માં સંયુક્ત આરબ અમીરાતની 75,000 હેક્ટર (290 ચોરસ માઇલ્સ) જમીન ખેતીલાયક હતી, પરંતુ 2018 સુધીમાં માત્ર 42,300 હેક્ટર (163 ચોરસ માઇલ્સ) જમીન રહી છે. આ આંકડાં અનુસાર ખેતીની જમીન 7.97% હતી તે 5.38% થઈ ગઈ છે.

line

સમૃદ્ધિ ટકાવી રાખવાની ચિંતા

રણને રોકવામાં વૃક્ષો કેટલા ઉપયોગી છે તે વાતથી દુબઈના સત્તાધીશો જાણકાર છે.

ઇમેજ સ્રોત, Desert Control)

ઇમેજ કૅપ્શન, રણને રોકવામાં વૃક્ષો કેટલાં ઉપયોગી છે તે વાતથી દુબઈના સત્તાધીશો સારી રીતે જાણે છે

1970 અને 1980ના દાયકામાં યુએઇએ ખનીજતેલના આધારે આર્થિક પ્રગતિ કરી પણ ખનીજતેલ કાઢવા માટે પર્યાવરણની કાળજી લેવાઈ નહોતી. 2008માં વર્લ્ડ વાઇડ ફંડ ફૉર નેચર(WWF)એ માથાદીઠ ગણતરીએ અહીં સૌથી ખરાબ ઇકૉલૉજિકલ સ્થિતિ હોવાનું જણાવ્યું હતું.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડોન ચેટ્ટી કહે છે, "છેલ્લાં 40 વર્ષોમાં યુએઇનો વિકાસ થયો છે તે કુદરતના સ્રોતોનો પર્યાવરણને હાની થાય તે રીતે ઉપયોગ કરીને થયો છે. તેને સુધારવા માટે મોટા નાણાકીય પ્રયાસો કરવા પડશે અને સામાજિક ફેરફારો કરવા પડશે."

આ પ્રકારે અખબારી જગતમાં યુએઇની ખાસ કરીને દુબઈની ટીકા થવા લાગી તે પછી સ્થિતિ સુધારવા માટેની વાત થવા લાગી હતી.

2012માં દુબઈના શાસક અને યુએઇના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશિદ અલ મખ્તૂમે દુબઈને હરિયાળું બનાવવા માટેની યોજના જાહેર કરી હતી. "પર્યાવરણને બચાવી રાખવા, લાંબા ગાળાના આર્થિક વિકાસ માટે દેશના અર્થતંત્રને પર્યાવરણને સાનુકૂળ" બનાવવાની નીતિની વાત તેમણે કરી હતી.

ન્યૂયૉર્કની સાયરાક્રૂઝ યુનિવર્સિટીનાં પ્રોફેસર નતાલી કોચ કહે છે, "દુબઈ જેવા શહેરને અને દેશને આધુનિક દેખાડવા માટે પર્યાવરણના બચાવનો મુદ્દો અગત્યનો છે તે રાજકીય અને બિઝનેસ અગ્રણીઓ સમજવા લાગ્યા છે."

ટૅક્સાસની રાઇસ યુનિવર્સિટીના પ્રોફેસર અને ઊર્જા, જળવાયુ પરિવર્તન તથા અબુ ધાબીની શહેરી રચના વિશે પુસ્તક લખનારા ગોકસે ગુનેલ કહે છે કે ખનીજતેલ ખૂટી પડશે ત્યારે આ સમૃદ્ધિ કેવી રીતે ટકાવી રાખવી તે પણ સત્તાધીશો માટે ચિંતાનું કારણ છે.

તેઓ કહે છે, "2000ના વર્ષથી ટેક સ્ટાર્ટઅપને આકર્ષવા માટેના પ્રયાસો શરૂ થયા છે, જેથી દુબઈને જ્ઞાન આધારિત અર્થતંત્ર બનાવી શકાય. આ સંદર્ભમાં પુન:પ્રાપ્ય ઊર્જા અને સ્વચ્છ ટેકનૉલૉજી માટે પણ મૂડીરોકાણ થાય તે અર્થતંત્રના વૈવિધ્યકરણ માટે પણ છે."

દુબઈની આસપાસ ઘણી પહેલ કરવામાં આવી છે. 'દુબઈ ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી 2030' હેઠળ શહેર માટે યોજના બનાવાઈ છે તેમાં "પર્યાવરણ યોગ્ય તથા ઓછી ઊર્જા વપરાતી હોય તેવી ઉત્પાદન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનું છે". દુબઈથી 50 કિમી દૂર મોહમ્મદ બિન રશિદ અલ મખ્તૂમ સોલર પાર્ક બનાવાયો છે, જે એક અબજ ગીગાવૉટની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો સૂર્યઊર્જાનો પાર્ક છે.

જોકે દુબઈના પર્યાવરણના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી, ખાસ કરીને રણને આગળ વધતું રોકવાની સમસ્યા છે. દુકાળ, કુદરતી સ્રોતોનો વધારે પડતો ઉપયોગ, ઝડપી શહેરીકરણ અને ધરતીમાં વધી રહેલી ખારાશને કારણે શહેર પર જોખમ છે. આ જોખમને નિવારવામાં ના આવે તો ખેતીલાયક જમીન નકામી થઈ જાય તેમ છે અને આ પ્રદેશની પ્રાણી સૃષ્ટિનો નાશ થાય તેમ છે.

બીજું કે વિશાળ વસ્તી માટે જરૂરી અનાજભંડાર આયાત કરવો પડે છે, તેથી સ્થાનિક ધોરણે અનાજ ઉત્પાદન વધારવાની પણ કોશિશ છે. મે 2021માં શેખ મોહમ્મદે ફૂડ ટેક વૅલીનું ઉદ્ધાટન કર્યું હતું, જ્યાં યુએઇમાં અનાજનું ઉત્પાદન ત્રણ ગણું વધારવા માટે સંશોધન થવાનું છે. આ હેતુ પાર પાડવા માટે રણને આગળ વધતું અટકાવવું જરૂરી છે.

આ ઉકેલ માટે એક જૂનો અને જાણીતો ઉપાય અજમાવાય છે તે છે વધુ વૃક્ષો વાવવાનો. સ્વિડનની લૂડ યુનિવર્સિટીના સેન્ટર ફૉર સસ્ટેનેબિલિટીનાં પ્રોફેસર એન્ના ટેંગબર્ગ કહે છે, "વૃક્ષોનાં મૂળિયાં માટી જોડી રાખે છે, કાર્બન શોષે છે, ફળદ્રુપતા વધારે છે અને ભૂતળને સાજા કરે છે."

રણને રોકવામાં વૃક્ષો કેટલાં ઉપયોગી છે તે વાતથી દુબઈના સત્તાધીશો જાણકાર છે. 2010માં શેખ મોહમ્મદ તરફથી રણને આગળ વધતું રોકવા માટે 10 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરાયું હતું.

જોકે, આ પ્રયોગ નિષ્ફળ રહ્યો. સરકાર તરફથી શરૂ કરવામાં આવેલા ઝાયદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફૉર ધ ઍન્વાયર્મૅન્ટ સાથે ભાગીદારીમાં આ પ્રોજેક્ટ તૈયાર કરનારી કંપનીના પ્રતિનિધિ હમ્ઝા નઝલ કહે છે, "વાવવામાં આવેલાં 100% વૃક્ષો નાશ પામ્યાં અને પહેલ નકામી ગઈ."

સરકારી માલિકીની રોકાણકાર કંપની દુબઈ હોલ્ડિંગે આ જ જમીન પર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું તે પછી વૃક્ષ વાવેતરનો પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. આગળ જતા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ પણ શરૂ થયા નહીં.

નઝલ કહે છે, "એ સ્પષ્ટ થાય છે કે માત્ર પ્રચાર માટે આ પ્રોજેક્ટ હતો અને એવું દેખાડવાનું હતું કે પર્યાવરણ માટે પ્રયાસો થયા છે. ખરેખર પર્યાવરણની પરવા હોત તો પોતાની નજર સામે સૂકાઈ રહેલાં 10 લાખ વૃક્ષોને બચાવવા કોશિશ થઈ હોત."

line

પર્યાવરણને બચાવવાનો સવાલ

આગળ વધતું રણ અમિરાતની વધેલી ફળદ્રુપ જમીનને પણ ગળી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Travel Wild/ Alamy)

ઇમેજ કૅપ્શન, આગળ વધતું રણ અમીરાતની બાકી વધેલી ફળદ્રુપ જમીનને પણ ગળી રહ્યું છે.

ગોકસે ગુનેલ કહે છે કે યુએઇના સત્તાધીશોને એ પણ ચિંતા છે કે ખનીજતેલ નીકળતું બંધ થઈ જશે તે પછી આ સમૃદ્ધિને કેવી રીતે ટકાવી રાખવી .

નેધરલૅન્ડની લેઇડન યુનિવર્સિટીના મધ્યપૂર્વ વિભાગના પ્રોફેસર ક્રિસ્ટિયન હેન્ડરસન કહે છે કે પ્રોજેક્ટનો હેતુ ખરેખર પર્યાવરણને બચાવવાનો હતો કે કેમ તે વિશે સવાલો થાય છે.

રાજકીય પ્રતિષ્ઠા અને પર્યાવરણવાદી હોવાની છાપ ઉપસાવાનો હેતુ વધારે દેખાતો હતો એમ તેમનું કહેવું છે. તેઓ ઉમેરે છે, "આમાંના કેટલાંક વૃક્ષો યુએઇના હવામાન માટે અનુકૂળ નહોતાં તેના કારણે પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો."

ફ્યુચર પ્લેન્ટ તરફથી દુબઇ હોલ્ડિંગ અને દુબઇ મ્યુનિસિપાલિટીનો આ માટે સંપર્ક કરાયો હતો, પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

વૃક્ષારોપણની યોજનામાં સ્થાનિક જાતનાં યોગ્ય વૃક્ષોની પસંદગી કરવી જરૂરી હોય છે. સાથે જ સૂકા વિસ્તારમાં અમુક અંતરે વૃક્ષો વાવવાનાં હોય છે અને તેનાથી સ્થાનિક પ્રજાને ફાયદો થવો જોઈએ એમ પણ ટેંગબર્ગ કહે છે.

આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે છતાં દુબઈના રણને રોકવાના પ્રયાસોમાં વૃક્ષારોપણને અગત્યનો હિસ્સો ગણવામાં આવે છે. મધ્યપૂર્વમાં અન્યત્ર પણ વૃક્ષો વાવવા પર ભાર મૂકાય છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાએ પણ હાલમાં જ 10 અબજ વૃક્ષો વાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે.

જોકે સૂકા પ્રદેશોમાં વૃક્ષારોપણની યોજનામાં ટાંચા જળસ્રોતોનો કેવી રીતે ઉપયોગ કરવો અને વૃક્ષોનું સંવર્ધન કેવી રીતે કરવું તે પણ અગત્યનું હોય છે. દુબઈ અને મધ્યપૂર્વના અન્ય દેશોએ કૃત્રિમ વરસાદ માટે ક્લાઉટ સિડિંગના પ્રોજેક્ટ પાછળ પણ મોટો ખર્ચ કર્યો છે. પણ તેમાં સફળતાનું માપ કાઢવું મુશ્કેલ છે અને આ પ્રોજેક્ટ વિવાદાસ્પદ બન્યા છે.

કેટલાકની દલીલ છે કે તેના કારણે ઊલટાનું પૂર આવે અને કેટલાક કહે છે કે વરસાદ લાવવા વાદળ પર સિલ્વર આયોડિન છાંટવામાં આવે છે તે હાનિકારક થઈ શકે છે.

નોર્વેની ડેઝર્ટ કંટ્રોલ જેવી ગ્રીન સ્ટાર્ટ-અપ કંપનીએ નવી ટેકનૉલૉજી વિકસાવી છે. આ કંપની લિક્વિડ નેચરલ ક્લે નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરીને દુબઈની જમીનને ઝડપથી ફળદ્રુપ બનાવવા માગે છે. પાણી અને માટી મેળવીને તૈયાર કરાયેલું લિક્વિડ સૂકી જમીન પર છાંટીને 20 ઇંચ જેટલું લેયર તૈયાર કરવામાં આવે છે.

ડેઝર્ટ કંટ્રોલના સીઈઓ ઓલે ક્રિસ્ટિન સિવર્ટસન કહે છે, "ગુરુત્વાકર્ષને કારણે નાના ક્લે પાર્ટિકલ્સ જમીનમાં ઊંડે ઊતરી જાય છે અને રેતીના કણ સાથે ચોંટી જાય છે. તેના કારણે માટીનાં એવાં પોપડાં બને જેમાં પાણી સ્પોન્જની જેમ રહી જાય. તે રીતે થોડા સમયમાં સૂકી જમીન ફળદ્રુપ બની જાય છે."

નેનોપાર્ટિકલ લિક્વિડથી માત્ર જમીનમાં સિંચાઈ થાય છે, એટલું જ નહીં પણ પાણી જમીનમાં સચવાઈ રહે તેવું પણ બને છે. લાંબો સમય ભેજ રહે તેના કારણે પોષક તત્ત્વો પણ ટકી શકે. આ રીતે મિનરલની અછતવાળી જમીનનું નવસર્જન થાય છે.

યુકેની ક્રૅનફિલ્ડ સોઇલ ઍન્ડ એગ્રીફૂડ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક ડેનિયલ ઇવાન્સ કહે છે આ ટેકનૉલૉજી એવી શક્યતા દર્શાવે છે કે આકરા વાતાવરણમાં પણ ફળદ્રુપ જમીન તૈયાર કરી શકાય.

line

હજી શરૂઆત થઈ છે

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એન્ના ટેંગબર્ગ કહે છે કે વૃક્ષોનાં મૂળિયાં માટીને જકડી રાખે છે, કાર્બન શોષી લે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે અને ભૂતળ ફરી સાજાં થાય છે.

ડેઝર્ટ કંટ્રોલે હજી શરૂઆત જ કરી છે, પરંતુ 2019થી દુબઈનાં ઘણાં ખેતરોમાં તેના તરફથી લિક્વિટ નેચરલ ક્લે છાંટવાનો પ્રયોગ થયો છે.

દુબઈના ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર બાયોસેલાઇન એગ્રિકલ્ચર (ICBA)ના જમીનમાલિકો માટે પણ આ પ્રયોગ કરાયો છે. જુદાજુદા પ્રકારની જમીન માટે અલગ પ્રકારના લિક્વિડ નેચરલ ક્લેની જરૂર પડે છે. યોગ્ય ઉપાય લાગુ પડે તે માટે મજબૂત પરિક્ષણ કરવું પડતું હોય છે.

સિવર્ટસેનના જણાવ્યા અનુસાર ICBAએ અભ્યાસ કર્યો તેમાં જોવા મળ્યું છે કે આ ટેકનૉલૉજીથી ઘાસ ઉગાડવા માટે 47% ઓછું પાણી વપરાયું છે. સ્પોર્ટ્સ ટર્ફ, ગોલ્ફ કોર્સ, બગીચા અને હરિયાળી કરવામાં આવી ત્યાં આ રીતે પાણીની બચત થઈ હતી. આ ઉપરાંત તરબૂચ (17%), કાકડી (62%) વગેરેના પાકમાં ફાયદો થયો હતો. સિવર્ટસેનના જણાવ્યા અનુસાર દુબઈમાં પામ અને બીજાં વૃક્ષો વાવવાનો એક પ્રોજેક્ટ હતો તેમાં 50% પાણીનો બચાવ થયો હતો.

જોકે સમગ્ર દુબઈમાં લિક્વિટ નેચરલ ક્લેનો ઉપયોગ કરીને મોટા પાયે વૃક્ષારોપણ કરવાનું કામ અઘરું છે. સિવર્ટસેન કહે છે, "એક ખજૂરના ઝાડ માટે રોજ 250 લીટર પાણી જોઈએ."

રેડિંગ યુનિવર્સિટીના સોઇલ ફિઝિસિસ્ટ એન્ન વેર્હોફ કહે છે કે લિક્વિડ નેચરલ ક્લે "સિદ્ધાંતની રીતે ખૂબ સારો ઉપાય છે", પણ તેની વ્યવહારુતા અને કેટલો પરવડે તે વિશે હજી સવાલ છે. દાખલા તરીકે ખારા પાણીનો ઉપયોગ થાય તો તેનાથી માટી ફળદ્રુપ રહેશે અને લાંબા ગાળે ખેતી માટે યોગ્ય રહેશે કે કેમ તે સવાલ છે. યુએઇમાં તાજા પાણીની અછત છે એટલે દરિયાના પાણીને મીઠું કરીને પાણી મેળવવામાં આવે છે, જેના કારણે તેમાં મીઠાનું પ્રમાણે વધારે હોઈ શકે છે.

વેર્હોફ કહે છે કે આ કારણોસર લિક્વિડ નેચરલ ક્લે યોજના ધીમેધીમે અમલમાં આવે તે જરૂરી છે. વર્ષો વિતવા સાથે વૈજ્ઞાનિક પરિક્ષણો થવા જોઈએ, જેથી તેનાથી જમીનને કોઈ નુકસાની નથી થતી તેનો ખ્લાય આવે.

આ ટેકનૉલૉજી ઉપયોગી સાબિત થાય તો પણ તેનાથી રણને આગળ વધતું રોકીને ત્યાં ખેતી કરવા સાથેની બીજી સમસ્યા ઊભી જ રહેવાની છે. અનાજનો સંગ્રહ તથા ખેતી કરવા માટે જરૂરી માણસોને પણ નભાવવાના થશે.

તેઓ ઉમેરે છે, "રોબોની દિશામાં નવાં સંશોધનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેન્સર્સ વગેરે જેવી ટેકનૉલૉજીને કારણે કદાચ આ સમસ્યાઓ દૂર થઈ શકે" .

પૃથ્વીની લગભગ 75% જમીનને હાની થઈ છે, પણ તેના તરફ પૂરતું ધ્યાન અપાતું નથી.

ટેંગબર્ગ કહે છે, "આ સમસ્યા મોટા ભાગે આફ્રિકામાં, એશિયામાં અને લૅટિન અમેરિકામાં, સમૃદ્ધ દેશોના ગરીબ વિસ્તારોમાં છે, જેમ કે પછાત રહી ગયેલા મેડિટરેનિયન વિસ્તારોમાં. સમૃદ્ધ દેશોને ક્લાઇમેટ ચેન્જ, બાયૉડાયવર્સિટીને નુકસાન અને કેમિકલથી થતી હાનીની વધારે ચિંતા છે."

યુએઇ સમૃદ્ધ દેશ છે તેથી તેના દ્વારા પર્યાવરણના ઉપાયો તથા રણમાં ખેતી માટેના પ્રયાસોથી દુનિયાને અનેક નવું ઉદાહરણ મળી શકે છે. આ બાબતમાં ટેકનૉલૉજીની રીતે તે આગળ હોવાથી દેશ પ્રગતિ કરી શકશે તો તેના કારણે આસપાસના દેશોને પણ લાભ થશે. સાથે જ આગળ વધતા રણથી ચિંતિત અન્ય દેશોને પણ ફાયદો થશે.

line
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો