ઑટોમન સામ્રાજ્ય કઈ રીતે વિશ્વવિજયી બન્યું? એક રોમાંચક યુદ્ધની કહાણી

ઇમેજ સ્રોત, FAUSTO ZONARO
- લેેખક, અસદ અલી
- પદ, બીબીસી ઉર્દૂ

- સલ્તનત પાસે તે વખતે મોટા પાયે હથિયારો બનાવવાનાં સાધનો અને સુવિધા હતાં. તેના કારણે યુરોપના દેશો કરતાં તેની તાકાત અનેકગણી વધી ગઈ હતી.
- સ્પેનમાંથી હાંકી કઢાયેલા યહૂદીઓએ આવીને પોતાની લશ્કરી જાણકારીનો લાભ ઑટોમન સેનાને આપ્યો હતો
- રશિયાને તોપ બનાવવાનું કોણે શીખવ્યું? સન 1389માં કોસ્વો ગામમાં પ્રથમ વાર ઑટોમન સેનાએ તોપનો ઉપયોગ કર્યો હતો.
- મે-1996થી માર્ચ-1998ના સુધી દેશમાં ત્રણ વડા પ્રધાન બદલાયા હતા તો તેની સમાંતર ગાળામાં જ ગુજરાતમાં ચાર મુખ્ય મંત્રીઓ બદલાયા હતા.

1453ના એપ્રિલ મહિનાની વાત છે. ઑટોમન સલ્તનતના 21 વર્ષના સુલતાન મેહમદ દ્વિતીય પોતાની ફોજ લઈને એક હજાર વર્ષ જૂના બાઇઝેન્ટાઇન સામ્રાજ્યની રાજધાની કુસ્તુનતુનિયા (આજનું ઇસ્તાંબુલ) પહોંચ્યા. નગરની ઘેરાબંધી કરી લીધી.
તેમની ફોજની તોપો ગોળા વરસાવી રહી હતી. તે વખતે શહેરની દીવાલોની સામે ઊભા રહીને 10 વર્ષ પહેલાં પોતાના પિતા સુલતાન મુરાદ દ્વિતીય સાથે થયેલી વાતચીતને તેઓ યાદ કરી રહ્યા હતા.
કુસ્તુનતુનિયા પર વિજયના વિષય પર નેટફ્લિક્સ પર રાઇઝ ઑફ ઍમ્પાયર -ઑટોમન નામની ફિલ્મ રજૂ થઈ હતી તેનું આ એક વિશેષ દૃશ્ય છે.
સુલતાન મેહમદે યાદ કર્યું કે કઈ રીતે સન 1443માં સુલતાન મુરાદ દ્વિતીયે આ ઐતિહાસિક શહેર અને તેની મજબૂત દીવાલોની સામે ઊભા રહીને કહ્યું હતું કે આ કુસ્તુનતુનિયા બ્રહ્માંડનું દિલ છે. આ એ ભૂમિ છે જેના વિશે આગાહી કરાઈ છે કે જે કુસ્તુનતુનિયા જીતશે. દુનિયા તેની થઈ જશે.
તેમના પિતાએ કહ્યું હતું કે આ દીવાલો શહેરને જીતવા માગતી દરેક ફૌજની આડે આડખીલી બનીને ઊભી રહે છે. 'મને પણ આ દીવાલોએ રોકેલો' એવું તેમણે કહેલું.

કુસ્તુનતુનિયા પર વિજય, જેને આજ સુધી યુરોપ ભૂલ્યો નથી

ઇમેજ સ્રોત, NETFLIX
તે વખતે સુલતાન મેહમદ દ્વિતીયે પિતાને પૂછ્યું હતું કે તો પછી શા માટે આ દીવાલોને તોડી પાડવામાં ના આવી. તેના પિતાએ જવાબ આપેલો કે હજી એવું શક્તિશાળી શસ્ત્ર બન્યું નથી જે આ દીવાલોને તોડી શકે.
ત્યારે શહઝાદા મેહમદે આત્મવિશ્વાસથી હુંકાર કરેલો કે "અબ્બા આ દીવાલોને હું તોડી પાડીશ. હું સુલતાન બનીશ ત્યારે કુસ્તુનતુનિયાને જીતી લઈશ."
ફિલ્મમાં આ બે દૃશ્યો દેખાડાયાં છે, તેમાં ફરક દેખાઈ આવે છે. સન 1443 અને સન 1453નાં બને દૃશ્યોમાં એક બહુ મોટો ફરક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુલતાન મુરાદ દ્વિતીય કુસ્તુનતુનિયાની સામે ઊભા છે ત્યારે તેમની પાછળ વિશાળ ઘોડેસવાર ફોજ દેખાઇ રહી છે. સન 1453માં મેહમદ દ્વિતીય કુસ્તુનતુનિયાની સામે આવીને ઊભા છે ત્યારે તેની પાછળ સેના એવા ધૂમધડાકા સાથે આવીને ઊભી રહી છે કે દુશ્મને ક્યારેય પહેલાં સાંભળ્યા ના હોય.
ફિલ્મના એક ઇતિહાસકાર કહે છે કે "દુનિયાએ પહેલાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં 69થી 70 તોપ એક સાથે જોઈ નહોતી."
શહઝાદા મેહમદમાંથી સુલતાન મેહમદ બન્યા બાદ પિતાને આપેલા વચન પ્રમાણે સન 1453માં કુસ્તુનતુનિયાની મજબૂત દીવાલોને તોડી પાડી હતી. નગર પર કબજો કરીને 'બ્રહ્માંડનું દિલ' ગણાતા આ નગરને ઉસ્માનિયા સલ્તનતની નવી રાજધાની બનાવી દીધી.
ઇતિહાસકાર ગૅબોર ઑગસ્ટાને તેમના પુસ્તક 'ગન્સ ફૉર ધ સુલતાન : મિલિટ્રી પાવર ઍન્ડ ધ વેપન્સ ઇન્ડસ્ટ્રી ઇન ધ ઑટોમન એમ્પાયર'માં લખ્યું છે કે કુસ્તુનતુનિયા પર ઉસ્માનિયાએ જીત મેળવી તેમાં તોપનો ફાળો મહત્ત્વનો હતો. આ જીત દર્શાવે છે કે 1450 સુધીમાં તોપ સાથે ઘેરાબંધી કરવી એ યુદ્ધોમાં નિર્ણાયક સાબિત થવા લાગી હતી.
તેની સાથે બીજી અગત્યની વાત એ હતી કે નવી ટેકનિક અપનાવવા સાથે
સલ્તનત પાસે તે વખતે મોટા પાયે હથિયારો બનાવવાનાં સાધનો અને સુવિધા હતાં. તેના કારણે યુરોપના દેશો કરતાં તેની તાકાત અનેકગણી વધી ગઈ હતી.
ફિલ્મ 'ઑટોમન'માં ઔરબાન નામનો એક કારીગર સુલતાન મેહમદ દ્વિતીયના દરબારમાં હાજર થઈને તોપની ડિઝાઇન દેખાડે છે.
તે દેખાડીને દાવો થયો હતો કે તેનાથી શહેરની ઐતિહાસિક દીવાલોને પણ તોડી પાડી શકાશે.
કારીગરે કહ્યું કે તેની તોપ 8 મિટર લાંબી હશે અને તેની કિંમત 10 હજાર દુકત થશે.
એ દૃશ્યમાં સુલતાન મેહમદ કારીગરને જવાબ આપે છે કે જો કુસ્તુનતુનિયાની દીવાલોને આ તોપ તોડી પાડશે તો ચાર ગણી કિંમત આપશે. સાથે શરત પણ મુકાઈ હતી કે ત્રણ મહિનામાં તોપ તૈયાર થઈ જવી જોઈએ.
ઇતિહાસકાર ઑગસ્ટોને ઓનલાઇન મૅગેઝિન 'જે સ્ટોર'માં લખેલા લેખમાં જણાવ્યું છે કે ઉસ્તાદ ઔરબાન હંગેરીના રહેવાસી હતા અને બહુ હોશિયાર કારીગર હતા.
તેમના જણાવ્યા અનુસાર ઔરબાને પ્રથમ કુસ્તુનતુનિયામાં જઈને બાઇઝેન્ટાઇન સામ્રાજ્યને આ તોપ વેચવા માટે કોશિશ કરી હતી. જોકે, તેને જવાબ મળ્યો કે આટલી મોટી કિંમત તોપની આપી શકે નહીં. આટલી મોટી તોપ બનાવવાના સ્રોતો નથી એવો જવાબ મળેલો.
અહીં તોપ બનાવી શકાશે નહીં તેનો ખ્યાલ આવતાં ઔરબાન ઑટોમન સલ્તનતમાં પહોંચ્યા હતા.
ઇતિહાસ કહે છે કે સુલતાન મેહમદ દ્વિતીયે ઔરબાનની દરખાસ્ત સ્વીકારી લીધી. જોકે, આગળ વાત કરતાં એ યાદ રાખવું જરૂરી છે કે કુસ્તુનતુનિયાની ઘેરાબંધીમાં તુર્કી કારીગરોએ બનાવેલી તોપોની પણ મહત્ત્વની ભૂમિકા હતી. માત્ર 'બમ્બાર્ડ' કહેવાતી તોપ પર સલ્તનની સેનાનો આધાર નહોતો. આગળ તેની વિસ્તારથી વાત કરીશું.
ઑગસ્ટોન લખે છે કે તુર્ક આર્કાઇવ્ઝમાં એવા દસ્તાવેજો અને સાબિતીઓનો ભંડાર છે, જેમાં તોપની વિગતો મળે છે. તોપ બનાવવાની કારીગરી, જહાજનિર્માણ, નાઇટ્રસ ઍસિડ અને દારૂગોળો બનાવવાની રીતોનો વિગતવાર ઉલ્લેખ મળે છે.
ઔરબાનની તોપો તૈયાર થવા લાગી અને તેને કુસ્તુનતુનિયા સુધી પહોંચાડી દેવામાં આવી.
ઑગસ્ટોને પોતાના (15મી અને 17મી સદીનું ઉસ્માની તોપખાનું અને યુરોપની મિલિટરી ટેકનૉલૉજી વિશેના) લેખમાં લખ્યું છે કઈ રીતે આ દેવહેકલ તોપ તૈયાર થઈ હતી. ઐતિહાસિક સ્રોતોના આધારે તેમણે વિગતે જણાવ્યું છે કે કઈ રીતે આ તોપ ઑટોમન સલ્તનતની રાજધાની એડિર્નેથી કુસ્તુનતુનિયા સુધી પહોંચાડવામાં આવી.
તેમના લેખ અનુસાર તોપ પહોંચાડવા માટે 30 વૅગનને એકબીજા સાથે જોડીને તૈયાર કરવામાં આવ્યાં હતાં. તેને ખેંચવા માટે 60 તાકાતવર બળદોને જોડવામાં આવ્યા હતા. વેગન સંતુલન ગુમાવીને પલટી ના ખાઈ જાય અને તોપ નીચે ના પડે તેની કાળજી લેવા બંને બાજુ 200 સિપાહીઓ ગોઠવવામાં આવ્યા હતા.
આગળ રસ્તો સાફ કરવા માટે 50 કારીગરો અને તેમની મદદમાં 200 મજૂરોને મુકાયા હતા. તે લોકો ખડકાળ રસ્તાને સરખો કરતા અને જરૂર પડે ત્યાં પુલ બનાવતા હતા. એડિર્નેથી કુસ્તુનતુનિયા સુધી પહોંચવામાં બે મહિના લાગ્યા હતા. ફેબ્રુઆરી અને માર્ચમાં પ્રવાસ કરીને તોપની ટુકડી કુસ્તુનતુનિયાથી પાંચ માઇલ દૂર યોગ્ય જગ્યાએ ગોઠવી દેવાઈ.
ઑગસ્ટોન લખે છે કે કુસ્તુનતુનિયાની ઘેરાબંધી વખતે તોપને રોજ ફક્ત સાત વાર દાગવામાં આવતી હતી. થોડા તોપમારા પછી મે મહિનામાં તેનું સમારકામ કરવું પડ્યું હતું. જોકે, તોપના ગોળાને કારણે કુસ્તુનતુનિયાની દીવાલોને મોટું નુકસાન થયું અને તેના કારણે ઑટોમન સેનાને જીત મેળવવાનું આસાન થઈ ગયું.

સલ્તનતના ક્ષમતાવાન સુલતાન

ઇતિહાસના વિશાળ અને સફળ સામ્રાજ્યમાં થયું હતું તે રીતે 15મી અને 16મી સદીમાં ઉસ્માનિયા કે ઑટોમન સલ્તનતનો દબદબો હતો. તેના કારણે દુનિયાભરના કુશળ કારીગરો અને પ્રતિભાઓ તેની તરફ ખેંચાઈને આવતાં હતાં.
બીજી ખૂબીઓ સાથે આ નગરમાં "સામાજિક વિકાસ માટે તક મળતી હતી. યુરોપમાં સ્પેન અને પોર્ટુગલમાં મુસ્લિમો અને યહૂદીઓને જબરદસ્તી ધર્મપરિવર્તન માટે મજબૂર કરવામાં આવતા હતા. ધર્મપરિવર્તન ના કરનારા માટે દેશનિકાલ સિવાય કોઈ વિકલ્પ રહેતો નહોતો. ધાર્મિક અસહિષ્ણુતા હતી. સરકારી ધર્મ ના સ્વીકારે તેમને ત્રાસ આપવામાં આવતો હતો અને મોતને ઘાટ ઉતારી દેવાતા હતા. તે જમાનામાં ઑટોમન સલ્તનતમાં ધાર્મિક આઝાદીનો માહોલ હતો."
ઇતિહાસકાર લખે છે કે ઑટોમન સલ્તનતનો દબદબો હતો જ, પણ તેમના માટે વધારે વાત એ જાણીતી બની હતી કે તેઓ જ્ઞાન અને હુન્નરનું સન્માન કરતા હતા. ખાસ કરીને સેનાને ઉપયોગી જ્ઞાન અને કુશળતાને તરત વધાવી લેતા હતા.
ઑગસ્ટોન લખે છે કે "સલ્તનત અસાધારણ રીતે પ્રતિભાવાન શાસકોથી સજ્જ બની હતી."
તેઓ જણાવે છે કે સુલતાન મેહમદ દ્વિતીયને સેનાની બાબતમાં એટલો રસ પડતો હતો કે યુરોપના નિષ્ણાતોએ સેના વિશે પુસ્તકો લખ્યા તેમાં તેમનું નામ જોડી દીધું હતું.
ઑગસ્ટોન લખે છે કે યુરોપના ઘણા શાસકો તેમની સાથે નિકટ સંબંધો ખાતર પોતાના લશ્કરી નિષ્ણાતોને તેમની પાસે મોકલતા હતા. એવા સમયે આવું બની રહ્યું હતું કે જ્યારે રોમમાં પૉપે જાહેરાત કરી હતી કે બિનખ્રિસ્તી દેશોનો કોઈ પણ પ્રકારની લશ્કરી જાણકારી આપવી નહીં.
ઑટોમન સલ્તનત નવા ક્ષેત્રો જીતી લે ત્યારે ત્યાં કારીગરો અને કુશળ લોકોને પોતાનો વ્યવસાય કરવા દેતા હતા. ઊલટાનું તેમને પોતાની કારીગરી આગળ વધારવાની તક મળી હતી. કેદમાં રહેલા કારીગરોને પણ કામ કરવાની તક મળતી હતી.
એટલું જ નહીં નવા લોકોને નોકરી આપવાની યોજના હેઠળ મોટી સંખ્યામાં કારીગરો સલ્તનતમાં આવીને વસ્યા હતા.
ઇતિહાસકારના જણાવ્યા અનુસાર સુલતાન સલીમ પ્રથમ વિશે એવું કહેવાતું હતું કે તેમણે તબરેઝથી બધા કારીગરોને ઇસ્તંબુલ લાવીને વસાવ્યા હતા.
કાયમી ઑટોમન આર્ટિલર કૉર ક્યારે બનાવાઈ તે સ્પષ્ટ નથી, પરંતુ શક્ય છે કે યુરોપમાં આ પ્રકારની સશસ્ત્ર લશ્કરી ટુકડી બની તે પહેલાં જ સુલ્તાન મુરાદ દ્વિતીય (1421-1451) દરમિયાન તોપખાનું બની ગયું હતું.

ઑટોમન સલ્તનત અને યહૂદી તથા ખ્રિસ્તી કારીગરો

ઇમેજ સ્રોત, NETFLIX
આ સદીઓ દરમિયાન ઇસ્તંબુલની મુલાકાતે આવનારા યુરોપના લોકો શાહી ફાઉન્ડ્રીમાં અને શસ્ત્રાગારમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓને જોઈને નવાઈ પામી જતા હતા. એ જ રીતે મોટી સંખ્યામાં યહૂદીઓ પણ ત્યાં કામ કરતા હતા.
ઑગસ્ટોને સન 1556માં પ્રગટ થયેલા એક ગ્રંથનો હવાલો આપીને જણાવ્યું છે કે સ્પેનમાંથી હાંકી કઢાયેલા યહૂદીઓએ આવીને પોતાની લશ્કરી જાણકારીનો લાભ ઑટોમન સેનાને આપ્યો હતો. કાંસાનાં શસ્ત્રો અને ફાયર લૉકની જાણકારી યહૂદીઓએ આપી હતી.
ઑગસ્ટોન લખે છે કે યહુદીઓએ ઑટોમન સલ્તનતને લશ્કરી મદદ કરી તેને વધારે પડતું મહત્ત્વ આપવાની જરૂર નથી, પરંતુ તેઓ ઉપયોગી થયા હતા તે વાતનો ઇન્કાર પણ ના થઈ શકે. ઉસ્માની અને યહૂદી દસ્તાવેજોના આધારે આ વાત થઈ શકે છે. ઇસ્તંબુલના શાહી તોપખાનામાં સન 1517-1518માં યહૂદી (અહિંગરાન યહૂદી) કારીગરોનો ઉલ્લેખ મળે છે.
જોકે, એ જમાનામાં જુદાજુદા સંપ્રદાયના લોકો અને નિષ્ણાતો જુદાજુદા શાસકો માટે અને સલ્તનતો માટે કામ કરતા હોય તે વાતમાં નવાઈ નહોતી.
સેવિલેના પ્રવાસે આવેલા જૅરોમ મૉરન્ડે સન 1544માં લખ્યું હતું કે ઇસ્તંબુલની ફાઉન્ડ્રીમાં 40થી 50 જર્મનો હતા, જે સુલ્તાન માટે તોપ બનાવી રહ્યા હતા.
એવી જ રીતે ઇસ્તંબુલમાં ફ્રાંસના રાજદૂતે સન 1547-1548માં લખ્યું હતું કે અહીં ફ્રેંચ, સ્પેનિશ, જીનિવા અને સિસિલીના નિષ્ણાતો કામ કરે છે.
જોકે, ઇતિહાસકાર કહે છે કે વિદેશી નિષ્ણાતોના મહત્ત્વની બાબતમાં અતિશયોક્તિ ના થાય તેની કાળજી લેવી જરૂરી છે. ઑગસ્ટોન કહે છે કે 15મી સદીના મધ્યમાં ઑટોમન સલ્તનતના યુરોપના કિલ્લાઓમાં ખ્રિસ્તીઓ સાથે તુર્ક 'તપંચી' અને 'તોપતોં' (તોપચી) પણ કામ કરતા હતા. 16મી સદીમાં તુર્કી તોપચીઓની સંખ્યા ખ્રિસ્તી કારીગરોથી વધી ગઈ હતી.
કારીગર ના મળવાને કારણે સ્પેનમાં તોપ બનાવવાનાં કારખાનાં બંધ પડી ગયાં હતાં. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે માત્ર ઑટોમન સલ્તનત જ વિદેશી કારીગરોનો ફાયદો ઉઠાવી રહી હતી તેવું નહોતું. ઑગસ્ટોને આ વિશેના ઘણાં ઉદાહરણો પોતાના પુસ્તકમાં આપ્યાં છે. જેમ કે, હંગેરીના તોપખાનામાં કામ કરનારા મોટા ભાગના જર્મન હતી અને કેટલાક ઇટાલીથી પણ ત્યાં પહોંચ્યા હતા.
આ જ રીતે તેમણે વેનિસનું ઉદાહરણ આપ્યું છે, જ્યાં 16મી સદીના પ્રથમ દાયકામાં તોપ તૈયાર કરવાનું કામ જર્મનો કરતા હતા. સદીના મધ્ય સુધીમાં વેનિસની પોતાની ગનર્સ સ્કૂલ બની ત્યાં સુધી આવી સ્થિતિ રહી હતી.
આ બાબતમાં રસપ્રદ ઉદાહરણ સ્પેનનું છે, જેના વિશે વાત કરતાં ઑગસ્ટોન લખે છે કે સ્પેન પાસે તોપ બનાવવા માટે પોતાના કારીગરો નહોતા. જર્મન, ઇટાલી અને ફ્લૅમ્સ કારીગરોને બોલાવીને ભરતી કરાતી હતી. એક વાર સન 1575માં કારીગરો નહોતા મળતા તેના કારણે એવી સ્થિતિ આવીને ઊભી રહી કે માલાગાની ફાઉન્ડ્રીને બંધ કરી દેવી પડી હતી.
આ ઘટના સાથે જોડાયેલી એક મહત્ત્વની બાબત એ છે કે જર્મનીથી કારીગરોને બોલાવાયા ત્યારે ખ્યાલ આવ્યો કે તે લોકો પ્રોટેસ્ટંટ સંપ્રદાયના છે. તે વખતે સ્પેનનો સત્તાવાર સંપ્રદાય કૅથલિક હતો.
આ કારીગરોની ધરપકડ કરાઈ અને બાદમાં "ઇન્જબર્ગથી કૅથલિક કારીગરો આવ્યા તે પછી જ ફાઉન્ડ્રીનું કામ ફરીથી શરૂ થયું હતું."
ઑટોમન સલ્તનત અને તેના સમકાલીન યુરોપીયન સામ્રાજ્યમાં ધાર્મિક નીતિ શું હતી તેનું ઉદાહરણ આ બાબત પરથી મળે છે.
ઑગસ્ટોન કહે છે કે આવી સ્થિતિ પોર્ટુગલમાં પણ હતી. એક જમાનામાં પોર્ટુગલ મોટી વૈશ્વિક તાકાત હતી અને નવાં હથિયારો આફ્રિકા અને એશિયા સુધી પહોંચાડવામાં તેની ભૂમિકા મહત્ત્વની હતી. તે પોતે શસ્ત્રો માટે વિદેશી ટેકનિક પર ઘણો આધાર રાખતો હતો.

રશિયાને તોપ બનાવવાનું કોણે શીખવ્યું?

આવાં જ ઉદાહરણો ઇતિહાસમાં રશિયા અને ફ્રાંસમાંથી મળે છે.
ઑગસ્ટોન લખે છે કે રશિયામાં મશહૂર તલા ફૅક્ટરી બની હતી તે હોલૅન્ડના એક નાગરિક આંદ્રેસ વૅનેસની હતી. સન 1647થી વૅનેસ આ કારખાનું સંભાળતા હતા અને તેમણે સમજૂતી થઈ હતી તે પ્રમાણે રશિયન કારીગરોને તાલીમ પણ આપી હતી.
તેમની સાથેનો કરાર પૂર્ણ થયો તે પછી રશિયાએ પોતાની રીતે કારખાનું ચલાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી. સન 1648માં આંદ્રેસને 20 વર્ષ માટે ફરી બોલાવવા પડ્યા હતા.
ઑગસ્ટોન લખે છે કે ટેકનિકમાં બીજા દેશોથી ઘણા આગળ રહેલા ઇંગ્લૅન્ડને પણ બહારના લોકોની મદદ લેવી પડી હતી. ઇંગ્લૅન્ડના પ્રભુત્વ માટે ફ્રાંસના લુહારો અને તોપચીઓની ઘણી અગત્યની ભૂમિકા હતી.

તુર્કની બમ્બાર્ડ તોપ

ઇમેજ સ્રોત, THEOPHILOS HATZIMIHAIL
ઉસ્તાદ ઔરબાને તૈયાર કરેલી તોપ બમ્બાર્ડ કહેવાતી તોપની કૅટેગરીમાં આવતી હતી.
'ગન્સ ફૉર ધ સુલ્તાન'માં વિગતપૂર્ણ રીતે જણાવાયું છે કે તે વખતે મોટી તોપોનો વ્યાસ 50થી 80 સેન્ટિમિટરનો અને વજન 6થી 16 હજાર કિલોનો રહેતો હતો. તોપમાંથી છોડવામાં આવતા ગોળાનો વજન 150થી 700 કિલોગ્રામ રહેતો હતો.
યુરોપમાં 16મી સદીમાં આવી તોપો બનાવવાનું બંધ થયું હતું, પરંતુ ઑટોમન સલ્તનતમાં સન 1510 પછીય આવી તોપ તૈયાર થતી રહી હતી.
આવી તોપ તૈયાર કરવાનું કામ કરનારા લુહારોના જૂથને 'જમાત તોપચિયાન આહનગરાન' કહેવામાં આવતું હતું. સન 1490થી સન 1527 સુધી આ જૂથો તોપ બનાવતાં રહ્યાં હતાં અને જૂથોની સંખ્યા 8થી 29 વચ્ચેની રહી હતી.
ઑગસ્ટોનના જણાવ્યા અનુસાર સન 1517-1518માં મુસ્લિમ અને યહૂદી લુહારોએ લોઢું ઢાળીને 22 તોપ તૈયાર કરી હતી. તેમાંથી ચાર મોટી તોપની લંબાઈ 714 સેન્ટિમિટર હતી. 9 તોપની લંબાઈ 558 સેન્ટિમિટર હતી અને 9 નાની તોપની સરેરાશ લંબાઈ 491 સેન્ટિમિટર હતી.
આ તોપ 6210 કિલોગ્રામ વજનની હતી અને યુરોપની સૌથી વજનદાર તોપમાં તેનો સમાવેશ થતો હતો. હૅપ્સબર્ગ સામ્રાજ્યના શાસક મૅક્સમિલિયન પ્રથમ (1493-1519)ની સૌથી મોટી તોપોનું વજન 5600થી 7280 કિલોગ્રામ હતું.
જોકે, ઉસ્તાદ ઔરોબાનની જેમ ઑટોમન નિષ્ણાતોએ 15મી સદીમાં બે દેવહકલ તોપ તૈયાર કરી હતી. સુલતાન મેહમદ દ્વિતીય માટે સન 1467માં તૈયાર થયેલી કાંસાની એક તોપનું વજન 17500 કિલોગ્રામ હતું. એવી જ રીતે 15મી સદીમાં બનેલી એક તોપનું વજન 18 ટનથી પણ વધારે હતું. આ તોપ સન 1867માં સુલતાન અબ્દુલઅઝીઝે મહારાણી વિક્ટોરિયાને ભેટમાં આપી હતી.
ઑગસ્ટોન લખે છે કે આ તોપ વજનદાર હોવાથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી મુશ્કેલ હતી. આ મુશ્કેલી દૂર કરવા માટે ઘેરાબંધી કરવાની હોય તે જગ્યાએ જ તોપ તૈયાર કરવામાં આવતી હતી. તેના માટેનો કાચો માલ ઊંટો અને જાનવરો પર લાદીને સ્થળ પર પહોંચાડવામાં આવતો હતો અને સ્થળ પર જ તોપને ઢાળવામાં આવતી હતી.
આવી જંગી તોપોનો કારણે જ બાઇઝન્ટાઇન, બલ્કાન અને હંગેરીના ઘણા કિલ્લા જીતવામાં ઑટોમન સેના ફાવી હતી.
જોકે, ઇતિહાસકારો ભારપૂર્વક કહે છે કે માત્ર આ તોપોના ભરોસે યુદ્ધ જીતી જવાય નહીં. ઑટોમન ઇતિહાસમાં તેનું એક મોટું ઉદાહરણ મળે છે. કુસ્તુનતુનિયામાં જીત મળી તેનાં 13 વર્ષ પછી સુલતાન મેહમદ દ્વિતીયે સન 1456માં બુલ્ગરાદમાં ઘેરાબંધી કરી હતી.
નજરે જોનારા સાક્ષીના જણાવ્યા અનુસાર સુલતાન મેહમદની 22 બમ્બાર્ડ તોપોએ કિલ્લાને તોડીફોડી નાખ્યો હતો. આમ છતાં કિલ્લાના બચાવ માટે બીજી મદદ તરત મળી, તેના કારણે ઑટોમન સેના તે વખતે બુલ્ગરાદ જીતી શકી નહોતી.
ઑગસ્ટોન લખે છે કે ઑટોમન તોપચીઓએ યુરોપ પર પ્રભાવ પાથરી દીધો તેનું ઉદાહરણ એ રીતે મળે છે કે બહુ ઝડપથી યુરોપના એક પછી એક કિલ્લાને કબજે કરી લેવાયા હતા. દાખલા તરીકે સન 1521 અને 1566ની વચ્ચે હંગેરીની 13 ગેરીસન માત્ર 10 દિવસ માટે ટકી શકી હતી. તેના 9 કિલ્લા ઉસ્માનીઓની ઘેરાબંધી સામે માત્ર 20 દિવસ જ ટકી શક્યા હતા.
તે જમાનાના ઑટોમન ઇતિહાસકાર ઇબ્રાહિમ પૈજવીને (જેમણે પોતાનો ઘણો જીવનકાળ હંગેરીની સરહદે વીતાવ્યો હતો, તેમને) ટાંકીને એક ઘેરાબંધીનું વિગતવાર વર્ણન તેમણે આપ્યું છે. "તેમણે (મેહમદ પાશા)એ પહેલાં બધી તોપોને એક સાથે એક જ જગ્યાએ નિશાન લગાવવા કહ્યું. એ રીતે એક પછી એક જગ્યાને નિશાન બનાવીને તોપમારો થયો."
પૈજવી લખે છે કે મેહમદ પાશાએ આ ટેકનિક સન 1595માં એસ્તેરગૉનની ઘેરાબંધી વખતે ખ્રિસ્તીઓ પાસેથી શીખી હતી.

દારૂગોળો અને તેનાં શસ્ત્રો હોય તો બહાદુર વ્યક્તિ શી કામની?

ઇમેજ સ્રોત, TRTERTUGRUL_EN
બારૂત સાથેનાં હથિયારોના પરિચયમાં માત્ર સંસાધનોનો અવરોધ નથી હોતો. તેનું એક ઉદાહરણ એ યુદ્ધ છે, જેમાં માત્ર 500 ખ્રિસ્તી સૈનિકોએ 2500 ઑટોમન સૈનિકોને હરાવી દીધા હતા.
આ બાબતમાં ઑટોમન કમાન્ડર પાસે જવાબ મંગાયો ત્યારે તેમણે સલ્તનતના પ્રધાન મંત્રી રુસ્તમ પાશાને જવાબમાં કહ્યું કે "તમે આ બાબતને સમજી શકતા નથી કે અમે દારૂગોળાનાં શસ્ત્રો સામે હાર્યા છીએ. અમારી બહાદુરી ઓછી હતી તેના કારણે હાર્યા નથી. તે લોકો અમારી સામે બહાદુર પુરુષોની જેમ લડ્યા હોત તો પરીણામ જૂદું જ આવ્યું હોત."
ઑટોમન સલ્તનતનો આ જવાબ તે વખતની યુરોપના સૌથી મોટા સામ્રાજ્ય ફ્રાંસ, જર્મની અને ઇંગ્લૅન્ડની ફોજના કુલીન વર્ગનો પણ ખ્યાલ આપે છે. 'નાઇટ્સ' બનેલા વર્ગના અફસરોની લાગણી પણ દર્શાવે છે.
ઑગસ્ટોન લખે છે કે બારૂતનો પ્રથમ વાર 7મી કે 8મી સદીમાં ચીનમાં બન્યો હતો. સૌ પ્રથમ બારૂત સાથેનાં હથિયારો ચીનમાં સત્તાવાર રીતે સન 1280 બાદ બનવાં લાગ્યાં હતાં. 14મી સદીની શરૂઆતના દાયકાઓમાં યુરોપમાં લડાઈ વખતે મેદાનમાં અને ઘેરાબંધીમાં બારૂત સાથેનાં હથિયારો વપરાવા લાગ્યાં હતાં.
યાદ રહે કે 14મી સદીની શરૂઆતમાં ઑટોમન સલ્તનત નવીનવી હતી અને તેનો પ્રભાવ હજી ક્ષેત્રીય જ હતો.
ઇતિહાસકાર લખે છે કે આ સદીના મધ્ય સુધીમાં આ હથિયારો હંગેરી અને બુલકાન સુધી પહોંચ્યાં હતાં અને સન 1380ના દાયકામાં ઑટોમન પણ તેને વાપરતા થઈ ગયા હતા.
બે તુર્ક ઇતિહાસકારોનો સંદર્ભ આપતાં તેઓ લખે છે કે સન 1389માં કોસ્વો ગામમાં પ્રથમ વાર ઑટોમન સેનાએ તોપનો ઉપયોગ કર્યો હતો. તેમાં હૈદર નામના તોપચીનો ઉલ્લેખ આવે છે. અન્ય જગ્યાએ કહેવાયું છે કે સન 1364થી તોપ તૈયાર થવા લાગી હતી અને તેનો પ્રથમ વાર ઉપયોગ સન 1386માં થયો હતો.
ઑગસ્ટોન લખે છે કે હકીકતમાં એ સવાલ નથી કે બારૂતનાં શસ્ત્રો ક્યારે તૈયાર થયાં. સવાલ એ છે કે તેનો અસરકારક ઉપયોગ ક્યારથી શરૂ થવા લાગ્યો. આ પ્રક્રિયા 15મી સદીના મધ્યથી શરૂ થઈ હતી.
તેઓ લખે છે કે આ નવા ધડાકો કરી શકતાં શસ્રોનો ધીમે ધીમે વ્યાપક બનવાં લાગ્યાં હતાં. બારૂતના શસ્ત્રો મેળવવાં અને તેનો ઉપયોગ કરનારી ટુકડીઓ તૈયાર કરવી તે એક પડકાર હતો. બધાં રાજ્યો તેના માટે સક્ષમ નહોતાં, પરંતુ ઑટોમને પોતાની વ્યવહારુ અને સામાજિક સંરચનામાં લવચિકતાને કારણે ઝડપથી કુશળતા હાંસલ કરી હતી.
ઑટોમનને સૌથી વધુ મહત્ત્વની સફળતા મેળવી કેમ કે પગાર આપીને ઇન્ફન્ટ્રી તૈયાર કરવામાં આવી હતી. બારૂતનાં શસ્ત્રોના ઉપયોગ માટે વિશેષ ટુકડીઓ તૈયાર કરવામાં આવી હતી.
ઑગસ્ટોન લખે છે કે એશિયામાં બારૂતની માહિતી ચીની વેપારીઓ સાથેના સંપર્કને કારણે મળી હતી.
"મંગોલ સન 1230થી જ બારૂત અને તેનાં બનેલાં શસ્ત્રોને જાણતા હતા. 13મી સદીના મધ્ય સુધીમાં તેના દ્વારા માહિતી મધ્ય એશિયા, ઈરાન, ઇરાક અને સામ (એટલે કે સિરિયા) સુધી પહોંચી હતી."
તેઓ આગળ લખે છે કે તૈમૂર લંગના પુત્ર શાહરુખના (1405થી 1447) સમયગાળામાં તેમની સલ્તનતમાં (ઈરાનના થોડા વિસ્તારથી શરૂ કરીને, અક્સસ નદી, અજરબૈઝાન અને અફઘાનિસ્તાન સુધીમાં) બારૂત વિશે લોકો જાણતા હતા. અહીં બારૂતનાં હથિયારો તૈયાર પણ થતાં હતાં.
એ જ રીતે "સન 1434થી 1435માં ફારુખ નામના એક મિસ્ત્રીએ એક તોપ તૈયાર કરી હતી, જેના વિશે કહેવાય છે કે તે 320 કિલોગ્રામ વજનના ગોળા પણ ફેંકી શકતી હતી."

બારૂતનાં હશિયારોએ દુનિયા કેવી રીતે બદલી?
ઑગસ્ટોન લખે છે કે જાણકારો એ વાત પર સહમત છે કે બારૂતનાં શસ્ત્રોનું મહત્ત્વ સૌથી વધુ યુરોપ જાણી શક્યું હતું. યુરોપમાં જ બારૂતનાં હથિયારોને નવું જીવન મળ્યું અને તેના કારણે આગામી "સદીઓમાં સંગઠિત હિંસાનું સ્વરૂપ બદલાઈ ગયું."
બારૂતનાં હથિયારો હાથમાં આવ્યાં અને તેનો મોટા પાયે ઉપયોગ કરીને રાજ્યો અને સામ્રાજ્યોએ યુદ્ધ કરવાની આખી રીત બદલી નાખી."
હવે સેનાઓ વચ્ચે લડાઈમાં તોપ, તોપનો સામનો કરી શકે તેવા કિલ્લા, બંદૂકો સાથેની સશસ્ત્ર ટુકડીઓ અને તોપ સાથેનાં જહાજોનું નૌકાદળ જરૂરી ગણાવા લાગ્યાં હતાં."
બારૂતનો આ જમાનો કમસેકમ યુરોપમાં એ તબક્કો હતો, જ્યાં મેદાની જંગના બદલે મોટા ભાગે ઘેરાબંધી કરીને યુદ્ધો થવા લાગ્યાં હતાં. તોપખાનું અને બારૂત ઘેરાબંધીને સફળ બનાવતાં હતાં. હંગેરી, હૅપ્સબર્ગ, વેનિસ અને સાફવિયો સામે સલ્તનતનો બચાવ કરવો બહુ જરૂરી હતો.
તેઓ લખે છે કે ઘણા યુરોપી ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર મધ્ય યુગની બે મહત્ત્વની શોધ એટલે બારૂત અને પ્રિન્ટિંગ.
તેઓ લખે છે કે તોપખાનું રાખવું અને તોપથી સુરક્ષિત રહે તેવા કિલ્લા બનાવવાની તાકાત માત્ર બાદશાહો પાસે રહેતી હતી. તેના કારણે આવા શક્તિશાળી બાદશાહો સામે ટકી જવું નાનાંનાનાં રાજ્યો માટે મુશ્કેલ બની ગયું હતું. જોકે, એવા ઇતિહાસકારો પણ છે જે માને છે કે માત્ર બારૂતને કારણે પરિવર્તન નહોતું આવ્યું. બારૂતનું શું મહત્ત્વ તેની ચર્ચા આજે પણ ચાલતી રહે છે.
તેઓ લખે છે કે 14મી અને 15મી સદીમાં ઑટોમન સુલતાનોની વ્યવહારિકતા અને નવી ટેકનિક અપનાવી લેવાની તૈયારીને કારણે બારૂતનાં શસ્ત્રો અપનાવાનું સહેલું બન્યું હતું. તેના કારણે આ શસ્ત્રો તૈયાર કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવી સહેલી બની હતી. ભૂમધ્ય સાગર, હંગેરી અને બાઇઝેન્ટાઇન સામ્રાજ્યના મજૂબત કિલ્લાને કારણે જોકે તેમને મજબૂર કર્યા હતા કે તેઓ યુદ્ધ માટે નવી રીતે વિચારે અને નવાં હથિયારો અપનાવે.
"યુરોપમાં બારૂતનાં શસ્ત્રોની ટેકનિકમાં 18મી સદીના અંત સુધી કોઈ મોટો ફેરફાર આવ્યો નહોતો. આ ગાળા દરમિયાન યુરોપની ટેકનિકને પ્રાપ્ત કરી લેવી અને ઑટોમનની લૉજિસ્ટિક ઊભી કરવાની ક્ષમતાને કારણે યુરોપનો મુકાબલો કરવો મુશ્કેલ નહોતો."

ઑટોમન આર્ટિલરી અને સલ્તનતનો ખનીજભંડાર
તેઓ લખે છે કે 16મી સદીથી 18મી સદી સુધી ઑટોમન સામ્રાજ્યે જુદીજુદી સાઇઝની તોપ તૈયાર કરી લીધી હતી, જેનાથી 30થી 500 ગ્રામ ગોળા અને 31થી 74 કિલોગ્રામ સુધીના ગોળા ફેંકી શકાતા હતા.
એટલું જ નહીં 15મી અને 16મી સદીથી 100 કિલોગ્રામથી પણ વધુ વજનના ગોળા ફેંકવા માટેની ક્ષમતા ધરાવતી 'બમ્બાર્ડ' તોપ પણ તોપખાનામાં આવી ગઈ હતી.
ઑટોમન દસ્તાવેજોમાં 15થી 20 કિલોગ્રામના ગોળા ફેંકનારી તોપો માટે 'કિલા કૂબ' શબ્દ વપરાયો હતો.
ઑટોમન હથિયારોમાં સૌથી વધારે વપરાતી તોપ 'દરબજીન' હતી, જે નાના ગોળાથી માંડીને અઢી કિલોગ્રામ સુધીના ગોળા ફેંકી શકતી હતી.
ઑગસ્ટોન લખે છે કે ઑટોમન અને તેમના વિરોધી સામ્રાજ્યોની હથિયારોની તાકાતમાં બહુ મોટો ફરક નહોતો.
તેમના જણાવ્યા અનુસાર 16 અને 17મી સદીમાં ઑટોમન સલ્તનતમાં મોટી અને મધ્યમ સાઇઝની તોપ કાંસામાંથી બનતી હતી. ઑસ્ટ્રિયા, સ્પેન અને ઇંગ્લૅન્ડની તોપની સામે આ તોપ વધારે હળવી અને વધારે સુરક્ષિત હતી.
ઑટોમન સલ્તનતની જમીનોમાંથી તાંબુ મોટા પ્રમાણમાં મળતું હતું. 16મી અને 17મી સદીમાં પિતળ, લોઢું અને સીસાનું ઉત્પાદન પણ વધારે થવા લાગ્યું હતું. તેમણે માત્ર ટીન બહારથી મગાવવું પડતું હતું.
"16મી, 17મી અને 18મી સદીમાં ઑટોમન સલ્તનતનું શાસન યુરોપ હંગેરીથી લઈને એશિયામાં બસરા સુધી ફેલાયું હતું, ત્યારે તેનાં દરેક મોટાં રાજ્યમાં બારૂત તૈયાર કરવાનું કામ થતું હતું."
જોકે 18મી સદીના મધ્યમાં તેનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું હતું અને સલ્તનતમાં યુરોપમાંથી બારૂતની આયત વધવા લાગી હતી.
જોકે, થોડા વખતમાં ફરીથી વહીવટી પ્રયાસો કરીને આ બાબતમાં સલ્તનતને સ્વાવલંબી બનાવી દેવાઈ.

મધ્ય યુગ અને બારૂતનું મહત્ત્વ

'ગન્સ ફૉર ધ સુલતાન' પુસ્તકમાં પ્રધાન મંત્રી હસન પાશાની સન 1603ની સુલતાનને લખેલી અરજી આપેલી છે. તેમાં જણાવાયું છે કે "મારા સન્માનનીય બાદશાહ, આદરણીય આકા જાણે છે કે તે રીતે સુલતાનના જંગની અસલી તાકાત બારૂત છે. એના વિના યુદ્ધ શક્ય નથી. બારૂત બીજી વસ્તુઓ જેવો નથી. બારૂતની અછત હોય ત્યાં સોનાના સિક્કાનો સમુદ્ર પણ બારૂતનું સ્થાન લઈ શકે નહીં. કિલ્લાની સુરક્ષા અને મોટું આક્રમણ બારૂતની મદદથી થાય છે."
ઑગસ્ટોને જુદાજુદા ઐતિહાસિક સંદર્ભો આપીને જણાવ્યું છે કે વેનિસની સૅનેટની 16 જૂન 1489ની કાર્યવાહીની મિનિટ્સમાં લખાયું હતું કે "આ હથિયાર અને આર્ટિલરી વિના રાજ્યને બચાવી ના શકાય કે ના સુરક્ષા થઈ શકે કે ના દુશ્મન પર હુમલો થઈ શકે."
ઑટોમન સલ્તનતમાં નાઇટ્રસ ઍસિડ અને બારૂતનું ઉત્પાદન
બારૂદ બનાવવા માટે જરૂરી સાધનોમાં નાઇટ્રસ ઍસિડની પણ જરૂર પડે છે. કોઈ પણ મોટી સલ્તનત માટે બારૂદી શસ્ત્રો માટે જરૂરી બારૂદ તૈયાર કરવા માટે સામગ્રી હોવી જરૂરી મનાતી હતી. સેનાના પ્રભુત્વ માટે તે જરૂરી હતું.
ઑગસ્ટોને લખ્યું છે કે ઉસ્માનિયા સલ્તનતે વિરોધી દેશોની સામે નાઇટ્રસ ઍસિડનું ઉત્પાદન કરવામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી હતી. સલ્તનતના જુદાજુદા વિસ્તારોમાં એવા પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા, જેનો કબજો સૂબાઓ પાસે કે સરકારી સિપાહીઓના હાથમાં રહેતો હતો.
કેટલાક વિસ્તારોમાં નાઇટ્રસ ઍસિડનું ઉત્પાદન સેંકડોની સંખ્યામાં ગામડાંને સોંપી દેવાયું હતું. તેના બદલામાં વેરામાં છૂટ આપવામાં આવતી હતી. તેમણે લખ્યું છે કે યુરોપનાં સામ્રાજ્યોમાં પણ આવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
"સલ્તનત નાઇટ્રસ ઍસિડ અને બારૂત ઉત્પાદનમાં 17મી સદીના અંત સુધીમાં આત્મનિર્ભર થઈ ગયું હતું. તે વખતે વર્ષે 540 મેટ્રિક ટન બારૂદની જરૂરિયાત હતી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
જોકે તેમના જણાવ્યા અનુસાર નાઇટ્રસ ઍસિડમાં સ્વાવલંબન એ બારૂતના ઉત્પાદન માટેનો એક જ હિસ્સો હતો. તેને સેનાની જરૂરિયાતના જથ્થામાં ઉત્પાદન કરાવવું એક મોટો પડકાર હતો.
ઑટોમન સલ્તનતે સ્વીડન, ઇંગ્લૅન્ડ અને સ્પેનમાંથી બારૂતની ખરીદી કરવી પડી હતી તેમ દસ્તાવેજો દર્શાવે છે. ઑટોમન સેના 18મી સદીમાં બારૂદની બાબતમાં આત્મનિર્ભર થઈ શકી હતી. સલ્તનતે સન 1768-74 રશિયા સામે જંગ કર્યો, તે વખતે બારૂતની તંગી પડી ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
"17મી સદીમાં ઉસ્માનીઓ 761-1037 મેટ્રિક ટન બારૂદ તૈયાર કરી શકતા હતા, પણ 18મી સદીના બીજા હિસ્સામાં તેનું ઉત્પાદન ઘટીને 169 મેટ્રિક ટન થઈ ગયું હતું."
ઑગસ્ટોન જુદાજુદા સ્રોતોને ટાંકીને દર્શાવે છે કે સન 1770ના દાયકાના અંત સુધીમાં સલ્તનતે પોતાની જરૂરિયાના બારૂતનો 50 ટકા હિસ્સો યુરોપથી મંગાવવો પડતો હતો. સન 1778માં 84600 કિલોગ્રામ બારૂત સ્વીડનથી ખરીદવામાં આવ્યો હતો. તે પછી સન 1782માં 95485 કિલોગ્રામ બારૂત બીજી જગ્યાએથી આવ્યો હતો. સન 1783માં 39198 કિલોગ્રામ બારૂત ઇંગ્લૅન્ડથી આવ્યો હતો. તે જ વર્ષે બહારથી મગાવાયેલા બારૂદમાં સૌથી વધુ 133386 કિલોગ્રામ સ્પેનથી આવ્યો હતો."
આ બાબતમાં સુલતાન સલીમ તૃતીય (1789-1807)ના સમય સુધીમાં સ્થિતિ સુધારવા માટે પ્રયાસો થયા હતા અને તેની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપાયોમાં જળશક્તિથી ચાલતા એકમો બનાવવાની વાત હતી. બારૂતની ફેકટરીની સાથે તળાવો પણ બનાવવામાં આવ્યાં, જેથી આગ લાગે તો તરત જ બુઝાવવા માટે પાણી મળી રહે.
18મી સદીના અંતમાં ઑટોમન સૈનિક મહમૂદ આફંદીએ કહ્યું હતું કે "વિદેશી બારૂત પર આધાર રાખવાની વાત હવે પૂરી થઈ. અમારાં ગોદામ ભરેલાં છે. હવે તો અમે નિકાસ કરવાની પણ શરૂઆત કરી છે.

ઑટોમન સલ્તનત અને બારૂત

ઇમેજ સ્રોત, TRTERTUGRUL_EN
"સામાન્ય રીતે ઉસ્માનીઓએ યુરોપ અને મધ્ય પૂર્વના પોતાનાં હરીફ રાજ્યોની પહેલાં બારૂતી હથિયારોનો ઉપયોગ કરનારી ટુકડીઓ બનાવી લીધી હતી."
ઑગસ્ટોને એવી ધારણા કરી હતી કે ઑટોમન હથિયારોની નવી ટેકનિક માટે યુરોપના જાણકારો પર નિર્ભર હતા. તેમણે જણાવ્યું કે અલગઅલગ ધર્મોના વિદ્વાનો તે સમયે જુદીજુદી સલ્તનતોનો પ્રવાસ કરતા રહેતા હતા. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે ભેદ હોવાની વાતને બહુ મહત્ત્વ આપવાની જરૂર નથી.
"સભ્યતાઓ વચ્ચે ઘર્ષણના સિદ્ધાંતોની ચર્ચા આજે ફૅશનમાં છે તેનાથી 15મી સદીથી 18 સદી સુધીના યુરોપ અને ઑટોમન સલ્તનત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને સમજવાનું સરળ નહીં પડે."
તો પછી ઑટોમન સલ્તનતની સમસ્યા ક્યારથી શરૂ થઈ
સદીઓ સુધી લાખો ચોરસ કિલોમિટરમાં ફેલાયેલી સરહદો છતાં અને યુદ્ધના મેદાનમાં પોતાનું જોર સાબિત કર્યા છતાં ઑટોમન સલ્તનતમાં ક્યારથી સમસ્યા શરૂ થઈ? તેનો કોઈ સીધો જવાબ મળવો મુશ્કેલ છે અને એવો કોઈ ઇતિહાસકાર પણ નથી જે સ્પષ્ટ કરી શકે.
'ગન્સ ફૉર ધ સુલતાન' પુસ્તકમાં વિભિન્ન ઇતિહાસકારોના અભિપ્રાયોને પણ સમાવી લેવામાં આવ્યા છે. ઑગસ્ટોનના જણાવ્યા અનુસાર તેનું મહત્ત્વનું કારણ આર્થિક સ્થિતિમાં થયેલો ફેરફાર હતો. તેઓ કહે છે કે ભૂમધ્ય સાગર વિસ્તારમાં ખરાબ આર્થિક સ્થિતિ ઊભી થઈ તેના કારણે આટલા મોટા ઉત્પાદન સૅક્ટરને જાળવી રાખવું મુશ્કેલ બની ગયું હતું.
આ સમયગાળામાં યુરોપમાં મોટા પાયે આર્થિક અને વહિવટી સુધારા થયા હતા અને સાયન્સ અને ફાઇનાન્સનાં ક્ષેત્રમાં તે દેશો ઘણા આગળ નીકળી ગયા હતા.
" ઑટોમન અને યુરોપની સ્પર્ધાનું સ્વરૂપ બદલાયું ત્યારે તે બહુ મહત્ત્વના બની ગયા. સન 1526થી સન 1683 વચ્ચે યુરોપમાં માત્ર બે મોટાં યુદ્ધો થયાં હતાં. તેની સામે સુલતાનની ફોજ મોટા ભાગે ઘેરાબંધી કરવામાં વ્યસ્ત હતી."
આર્થિક સ્થિતિ મુશ્કેલ બનવા લાગી તે પછી 18મી સદીમાં રશિયા સામે કરેલો જંગ સલ્તનતને મોંઘો પડી ગયો. તે વખત સુધીમાં રશિયા સૌથી મોટું વિરોધી બની ગયું હતું.
'ગન્સ ફૉર ધ સુલતાન' પુસ્તકમાં જણાવ્યા અનુસાર 18મી સદીના અંત સુધીમાં સલ્તનતની તાકાત દર વર્ષે સેંકડો તોપ બનાવવાની હતી. કુલ તોપ બનાવાતી હતી તેનું વજન બે લાખ કિલોગ્રામ સુધીનું થઈ જતું હતું. પરંતુ અસલી સમસ્યા બારૂતનું ઉત્પાદન કરવાની હતી. 16મી અને 17મી સદીની સરખામણીએ બારૂતનું ઉત્પાદન 15-30 ટકા ઓછું થઈ ગયું હતું.
ઑગસ્ટોન તે વખતના યુરોપ અને ઑટોમન વિશ્લેષકોનો હવાલો આપીને જણાવે છે કે ઑટોમન ફોજમાં શિસ્તની અને ટેકનિકની પણ ખામી સર્જાઈ હતી.
શું સલ્તનતને આ ખામીઓનો ખ્યાલ નહોતો અને તેને દૂર કરવા માટે કોશિશ કરવામાં નહોતી આવી? આ બાબતમાં પુસ્તકમાં સન 1734ના એક તુર્ક દસ્તાવેજનો ઉલ્લેખ છે, જેમાં 'નવી પ્રણાલી' માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
ઑગસ્ટોન જણાવે છે કે ઉસ્માની નેતૃત્વ તે માટે તૈયાર નહોતું, કેમ કે તેના કારણે 'સામાજિક સંરચના' ખતરામાં આવી જાય તેમ હતી. સન 1787-92માં રશિયા સામે યુદ્ધ થયું અને તેમાં હાર થઈ ત્યાં સુધીમાં આવા ફેરફારોમાં ઘણું મોડું થઈ ગયું હતું.
ઑટોમન સલ્તનતના 28મા સુલતાન સલીમ તૃતીય (1789-1807)ને તેની કિમત ચૂકવવી પડી હતી. તેઓ એક 'નવી આદર્શ સેના' બનાવવા માગતા હતા, પણ તેમાં તેમણે પોતાનો જીવ આપવો પડ્યો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















