ડી. બી. કૂપર : એ શખ્સ જેણે પ્લેન હાઇજૅક કર્યું, ખંડણી ઉઘરાવી અને એવો ગાયબ થયો કે દુનિયાને ક્યારેય ના મળ્યો
બ્રીફ કેસમાં ઑફિસની ફાઇલો રાખી હોય તેટલી સહજતાથી બૉમ્બ રાખીને એક માણસ નૉર્થવેસ્ટર્ન ઍરલાઇન્સના વિમાનમાં ચડ્યો હતો. એ બૉમ્બની ધાકે તેમણે વિમાનના ચાલકદળને બાનમાં લીધું હતું, બે લાખ અમેરિકન ડૉલરની ખંડણી માગી હતી અને પછી પૃથ્વીના પટ પરથી ગાયબ થઈ ગયા હતા.
એ વ્યક્તિ ક્યાં ગઈ, જીવે છે કે મરી ગઈ તે દુનિયામાં કોઈ જાણતું નથી. આજે એ વ્યક્તિ વિશ્વમાં એક દંતકથા બની ગઈ છે.

ડી. બી. કૂપર નામની એ વ્યક્તિના જીવનની ખરી કહાણી વાંચો.
તમે ‘ઍવેન્જર્સ’ સિરીઝના ફૅન હશો અને ઓટીટી પ્લૅટફૉર્મ પર રજૂ થયેલી ‘લોકી’ વેબસિરીઝ જોઈ હશે તો ડી. બી. કૂપરના નામનો સંદર્ભ તમને જરૂર સમજાશે. ધારો કે તમે એ વેબસિરીઝ જોઈ નથી તો તેમની કથા હું તમને જણાવું છું.
એ કથામાં એક છે થોર, જે વીજળીના દેવતા છે અને બીજા છે તેમના ભાઈ લોકી. તેની વધુ વિગત માટે તમારે ઍવેન્જર્સ એન્ડગેઇમ વિશે જાણવું પડશે.
હાલ તો આપણે ડી. બી. કૂપર વિશે વાત કરીએ. એમની સ્ટોરીનો આરંભ તો છે, પણ અંત નથી.
1971ની 24 નવેમ્બરે એક વ્યક્તિએ અમેરિકાના પોર્ટલૅન્ડ શહેરથી સિએટલ શહેર જવા માટે નૉર્થવેસ્ટર્ન ઍરલાઇન્સના વિમાનની ટિકિટ કઢાવી હતી.
એ ટિકિટ માટે તેમણે રોકડા 20 ડૉલર ચૂકવ્યા હતા. પોતાનું નામ ડેન કૂપર હોવાનું જણાવ્યું હતું. એ નામ ખોટું હતું કે સાચું તે આજે પણ લોકો જાણતા નથી. તમામ પૂછપરછ અને તપાસ પછી પણ એવું લાગે છે કે એ નામ અસલી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વ્યક્તિ કોણ હતી, ક્યાંથી આવી હતી, તેમના પરિવારમાં કોણ-કોણ હતું તેની વિગત આજ સુધી મળી શકી નથી. આજે પણ આ કેસ ‘વણઉકલ્યા’ કેસની યાદીમાં સમાવિષ્ટ છે. આ કેસમાં શકમંદ અનેક હતા, પણ ખરા ગુનેગારની ઓળખ થઈ શકી નથી.

"એ સમયે વિમાનનું અપહરણ થવું એક સામાન્ય બાબત"

નૉર્થવેસ્ટર્ન ઍરલાઇન્સના જે બોઇંગ 727 વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું તેના કો-પાઇલટ વિલિયમ રેટકઝેકે બીબીસી-4ની ‘સ્ટોરીવ્હીલઃ ડી. બી. કૂપર’ નામની દસ્તાવેજી ફિલ્મમાં જણાવ્યું હતું કે “એ દિવસોમાં વિમાનનું અપહરણ થવું એક સામાન્ય બાબત હતું.”
એ દિવસોમાં અમેરિકામાં ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય વિમાનોમાં સલામતી સંબંધે કોઈ નિયમો ન હતા. પ્રવાસીઓ બૉમ્બ કે બંદૂક લઈને વિમાનમાં સરળતાથી ઘૂસી શકતા હતા.
વિલિયમે કહ્યું હતું કે “અમેરિકામાં રહેતા ક્યૂબાના લોકો બંદૂકની ધાકે વિમાનનું અપહરણ કરતા અને વિમાનને ક્યૂબા લઈ જતા. પ્લેન ક્યૂબામાં ઉતરાણ કરે પછી પ્લેનમાંના પ્રવાસીઓને ક્યૂબાના ઉચ્ચ ગુણવત્તાયુક્ત રમની એક બૉટલ તથા ક્યૂબન સિગારેટ ભેટ આપવામાં આવતી અને એ લોકોનો વળતો પ્રવાસ શરૂ થતો.”
ડી. બી. કૂપર પ્રકરણ સુધી બધું મજાનું હતું. કૂપરનો કેસ અલગ જ હતો. એ કેસમાં સૌપ્રથમવાર ખંડણીની માગણી કરવામાં આવી હતી.
વિમાનમાં પ્રવાસ કરતી વખતે કૂપરે બિઝનેસ સૂટ અને કાળાં ગોગલ્સ પહેર્યાં હતાં. તેમણે એક ઍર હોસ્ટેસને પોતાની પાસે બોલાવીને તેના હાથમાં એક ચિઠ્ઠી આપી હતી. ઍર હોસ્ટેસને એવું લાગ્યું હતું કે કૂપર તેની સાથે ફ્લર્ટ કરે છે. એ સમયે આવું વર્તન નૉર્મલ હતું.
ઍરલાઇન્સ કંપનીઓ એવી જાહેરાત કરતી કે “અમારી ઍર હોસ્ટેસનાં ટૂંકાં વસ્ત્રો જુઓ, વિમાનમાં પ્રવાસ કરો અને મારો (સુંદર ઍર હોસ્ટેસનો) સહવાસ મેળવો.”
એ ઍર હોસ્ટેસનું નામ ફ્લોરેન્સ શૅટનર હતું. કૂપરે તેમને ચિઠ્ઠી આપી અને તેમને નિહાળતા રહ્યા. કૂપર ફ્લર્ટ કરતા અન્ય લોકોથી અલગ હતા, તેમની નજર અલગ હતી. તેમણે ઍર હોસ્ટેસને કહ્યું, “ચિઠ્ઠી ખોલીને વાંચ.”
ફ્લોરેન્સે તે ચિઠ્ઠી ટીના મૅક્ક્લો નામની બીજી ઍર હોસ્ટેસના હાથમાં આપી. ટીનાએ ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું કે “મિસ, તમારા પ્લેનનું અપહરણ થયું છે. મારી પાસે બૉમ્બ છે. અહીં આવીને મારી પાસે બેસો.”
ટીના બાજુમાં જઈને બેઠાં એટલે કૂપરે તેમને પોતાની બ્રીફ કેસ ઉઘાડીને બૉમ્બ દેખાડ્યો. તેમાં ડાયનામાઇટની સ્ટિક્સ હતી, એક બૅટરી હતી અને ઘણા વાયર હતા. કૂપરે ટીનાને જણાવ્યું હતું કે તેમને પકડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તે પ્લેનને બૉંબ વડે ફૂંકી મારશે. કોઈ તેમને જીવતો પકડી શકશે નહીં અને બીજું કોઈ જીવતું રહેશે નહીં.
ટીનાએ પાઇલટને ઇન્ટરકૉમ મારફત તત્કાળ જણાવ્યું હતું કે “વિમાનનું અપહરણ થયું છે.” પણ બહુ મોડું થઈ ગયું હતું. વિમાન અવકાશગમન કરી ચૂક્યું હતું.

સંક્ષિપ્તમાં: ડી. બી. કૂપર દ્વારા વિમાન હાઇજેક, ખંડણી વસૂલી અને ગાયબ થઈ જવું

- તેમણે ઍર હોસ્ટેસને ચિઠ્ઠી આપી. તેમાં લખ્યું હતું કે "મિસ, તમારા પ્લેનનું અપહરણ થયું છે. મારી પાસે બૉમ્બ છે."
- ઍર હોસ્ટેસે પાઇલટને જણાવ્યું પણ વિમાન અવકાશગમન કરી ચૂક્યું હતું.
- કૂપરે રોકડા બે લાખ અમેરિકન ડૉલર, ચાર પૅરાશૂટની માગણી કરી
- સિએટલ ઍરપૉર્ટ પર કૂપરે માગેલા પૈસા અને પેરાશૂટ આવી ગયાં હતાં.
- પ્રવાસીઓને મુક્ત કરીને કૂપરે વિમાન નેવાડાના રેનો લઈ જવા કહ્યું
- સીએટલથી રેનો સુધીના પ્રવાસ દરમિયાન 10,000 ફૂટની ઉંચાઈ પરથી કૂપરે વિમાનમાંથી કૂદકો માર્યો
- એ પછી ડેન કૂપર દુનિયામાં ક્યારેય ન દેખાયા
- એફબીઆઈએ દાયકો તપાસ ચલાવી, 40 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ફેંદી વળ્યા, કંઈ ન મળ્યું
- 10 વર્ષ પછી શોધખોળના વિસ્તારથી 30-40 કિલોમીટર દૂરથી એક કિશોરને નદી તટેથી કૂપરને આપેલી હતી તે નોટોનું બંડલ મળ્યું.
- સવાલ એ છે કે ચલણી નોટો ઉપરવાસમાં ત્યાં કેવી રીતે પહોંચી.

કૂપરનું શું થયું તે કોઈ નથી જાણતું, નોટો ત્યાં કેવી રીતે પહોંચી તે પણ કોઈ નથી જાણતું
બીબીસી સાથેની વાતચીતમાં ટીનાએ કહ્યું હતું કે “કૂપરે સૉફ્ટ ડ્રિંકનો ઑર્ડર આપ્યો હતો. તે સતત સિગારેટ ફૂંકતો હતો અને હું તેની બાજુમાં બેસીને સિગારેટ સળગાવી આપતી હતી, કારણ કે તે બૉમ્બના ટ્રિગર પરથી હાથ હઠાવવા ઇચ્છતો ન હતો.”
કૂપરે એક કાગળ પર પોતાની માગણી લખીને તે કાગળ પાઇલટને મોકલી આપ્યો હતો. રમૂજી વાત એ હતી કે તેમણે એ કાગળ પાછો પણ માગી લીધો હતો.
કૂપરે રોકડા બે લાખ અમેરિકન ડૉલર, ચાર પૅરાશૂટ અને પ્લેન સિએટલ ઍરપોર્ટ પર ઉતરાણ કરે ત્યારે તેમાં ઈંધણ પૂરવા માટે એક ટ્રક તૈયાર રાખવો તેવી માગણી કરી હતી.
પાઇલટે નૉર્થવેસ્ટર્ન ઍરલાઇન્સને ફોન કરીને પરિસ્થિતિ જણાવી. આ પ્રકરણ અમેરિકાની સૌથી મોટી તપાસ સંસ્થા ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) પાસે પહોંચ્યું.
પોર્ટલૅન્ડથી સિએટલ સુધીનો પ્રવાસ 37 મિનિટનો હતો. પાઇલટ વિલિયમ રેટકઝેકે ટાઇમપાસ કરવા માટે પ્લેનને હવામાં ચક્કર મરાવવાનું શરૂ કર્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અન્ય પ્રવાસીઓને, શું ચાલી રહ્યું છે તે સમજાયું ન હતું. પ્રવાસીઓને એટલું જ જણાવવામાં આવ્યું હતું કે કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હોવાથી ઇચ્છિત સ્થળે પહોંચવામાં વિલંબ થશે.
ટીનાએ કહ્યું હતું કે “મેં કૂપરને પૂછેલું કે તને અમારી ઍરલાઇન્સ સામે શું વાંધો છે? તેણે કહેલું કે હું તમારી કંપનીથી નારાજ નથી, પણ બહુ ગુસ્સે થયેલો છું એ સાચું.”
વિમાને બપોરે પોણા ચાર વાગ્યે સિએટલ ઍરપૉર્ટ પર ઉતરાણ કર્યું હતું. ડી. બી. કૂપરે માગેલા પૈસા અને પેરાશૂટ આવી ગયાં હતાં. હાથમાં પૈસા આવતાંની સાથે કૂપરે અન્ય પ્રવાસીઓને મુક્ત કરવાની પરવાનગી આપી હતી. તેમણે ત્રણ પૈકીની બે ઍર હોસ્ટેસને પણ મુક્ત કરી હતી.
એ પછી પ્લેનમાં પાઇલટ, હૅરોલ્ડ ઍન્ડરસન, કો-પાઇલટ વિલિયમ રેટકઝેક અને ઍર હોસ્ટેસ ટીના મક્ક્લો બાકી રહ્યાં હતાં.
કૂપરે તેમને જણાવ્યું હતું કે તે મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટી જવા ઇચ્છે છે. પ્લેનમાં ત્યાં પહોંચી શકાય તેટલું ઈંધણ નથી એવું પાઇલટે જણાવ્યું ત્યારે કૂપરે પ્લેનને અમેરિકાના નેવાડા રાજ્યના રેનોની દિશામાં લઈ જવા જણાવ્યું હતું.
રાત્રે પોણા આઠ વાગ્યે વિમાને રેનોની દિશામાં ઉડાણ ભરી હતી.

દસ હજાર ફૂટની ઉંચાઈએથી છલાંગ

બૉબ ફરિમન એફબીઆઈના નિવૃત્ત એજન્ટ હતા અને ડી. બી. કૂપરે વિમાન હાઇજેક કર્યાનું જાણ્યા પછી સૌથી પહેલાં સિએટલ ઍરપૉર્ટ પહોંચેલા કેટલાક અધિકારીઓ પૈકીના એક હતા. બાદમાં તેમણે આ કેસમાં એક તપાસ અધિકારી તરીકે પણ કામ કર્યું હતું.
બીબીસી સાથે વાત કરતાં બૉબે કહ્યું હતું કે “અમે ધારેલું કે કૂપર મેક્સિકો જશે. વિમાન રેનો તરફ જતું હોવાની માહિતી અમને હતી, પણ એ સિવાય બીજું કશું અમે જાણતા ન હતા.”
વિમાનમાં શાંતિ હતી. કૂપર અસ્વસ્થ હોવાનું ટીનાના ધ્યાનમાં આવ્યું હતું, પણ તેણે કોઈ પગલું લીધું ન હતું. કૂપરે પણ કશું કર્યું નહીં. તેણે પોતાનું કામ શરૂ કર્યું હતું.
તેમણે હૅરોલ્ડ ઍન્ડરસન અને વિલિયમ રેટકઝેકને જણાવ્યું હતું કે પ્લેનને હવે 10,000 ફૂટની ઊંચાઈ પર લઈ જાઓ અને એ ઊંચાઈ પર જ ઉડાડો. તેનાથી થોડું ઉપર કે થોડું નીચે પણ નહીં.
પ્લેનનાં પૈડાં, વિમાન હવામાં હોવા છતાં પ્લેનની બહાર જ હતાં. ફ્લૅપની ઝડપ ઘટે એ રીતે વિમાનની પાંખો ખોલવામાં આવી હતી. તેમ છતાં એ બોઇંગ 727 કલાકના 400 કિલોમિટરની ઝડપે ઊડી રહ્યું હતું.
હૅરોલ્ડે કહ્યું હતું કે “કૂપરની આ સૂચનાઓથી એવું લાગતું હતું કે તે વિમાનમાંથી કૂદકો મારવાનો છે.”
એ સમયે વિમાનની નીચેના ભાગમાં એક સીડી રાખવામાં આવતી હતી. આજકાલ એવી સીડી જોવા મળતી નથી, પણ સિત્તેરના દાયકામાં, વિમાન હવામાં હોય ત્યારે સીડી ઉઘાડી શકાય તેવી વ્યવસ્થા ન હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કૂપર એ જ સીડી ખોલીને નીચે કૂદકો મારવા ઇચ્છતા હતા. ઇમર્જન્સી લૅન્ડિંગના દરવાજાને ખોલવા માટે અંદર ખેંચવો પડતો હતો.
એ માટે કૂપરે ટીનાની મદદ લીધી હતી, પણ તેમને તરત સમજાઈ ગયું હતું કે ટીનાથી દરવાજો ઊઘડવાનો નથી. તેથી તેમણે ટીનાને પાઇલટની કૅબિનમાં મોકલી દીધાં.
કૂપરે કોઈક રીતે લૅન્ડિંગ દરવાજો ખોલ્યો કે તરત જ પ્લેનમાં પ્રેશર ઝાટકાભેર ઘટી ગયું હતું અને એલાર્મ રણકવા લાગ્યું, જે પાઇલટે સ્ક્રીન પર જોયું હતું.
કૂપર પ્લેનની સીડી ઉઘાડી શક્યા નહીં એટલે તેમણે ઇન્ટરકોમ વડે પાઇલટનો સંપર્ક સાધ્યો હતો, પણ પ્લેનમાં હવાનો એટલો જોરદાર અવાજ આવતો હતો કે એકમેકની વાત સાંભળી શકાતી ન હતી. એવામાં ઍન્ડરસને તેમને કંઈક કહ્યું હતું.
બે સેકન્ડમાં જ વિમાનને જોરદાર ઝાટકો લાગ્યો હતો.
વિલિયમે તેમના સાથીઓને કહ્યું, “લખી લો, આપણા દોસ્તે વિમાનમાંથી કૂદકો માર્યો છે.”
સીએટલથી રેનો સુધીના પ્રવાસ દરમિયાન 10,000 ફૂટની ઊંચાઈ પરથી કૂપરે વિમાનમાંથી કૂદકો માર્યો હતો. હૅરોલ્ડ, વિલિયમ અને ટીના સુખરૂપ ઍરપૉર્ટ પહોંચ્યાં હતાં.
એ પછી, ડેન કૂપરના નામે તે વિમાનમાં ચડેલી વ્યક્તિ વિશ્વમાં ક્યારેય જોવા મળી નથી.

ગુનેગારની શોધ

અપહરણનું નાટક પૂરું થયું, પણ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું સાબિત થનારું શોધ અભિયાન શરૂ થયું હતું.
એફબીઆઈ, સ્થાનિક પોલીસ અને સૈન્યની એક ટુકડી ઉપરાંત બૉય સ્કાઉટ્સને પણ કૂપરની શોધમાં સામેલ કરવામાં આવ્યા હતા.
કૂપરે જે ક્ષણે વિમાનમાંથી કૂદકો માર્યો હતો એ ક્ષણે વિમાન ક્યાં હશે તેના અંદાજના આધારે નકશો બનાવવામાં આવ્યો હતો અને 80 ચોરસ કિલોમિટર વિસ્તારમાં શોધ શરૂ કરવામાં આવી હતી.
તે ભૂ-ભાગમાં પાણી, પર્વત, બરફ એમ બધું કુદરતી હતું, પણ બીજું કંઈ ન હતું.
પ્લેનમાંથી કૂદકો માર્યા પછી આ પરિસ્થિતિમાં કૂપર જીવતા જ નહીં રહ્યા હોય એવું અનેક લોકોએ કહ્યું હતું, પણ તેના કોઈ અવશેષ તો મળવા જોઈએ ને?
કૂપરે વિમાનમાં કશું જ છોડ્યું ન હતું. કૂદકો મારતાં પહેલાં તેમણે પોતાની ટાઈ કાઢીને સીટ પર ફેંકી હતી અને તેમણે પીધેલી સિગારેટનાં ઠૂંઠાં પડ્યાં હતાં. એ પણ એફબીઆઈ પાસેથી ગુમ થઈ ગયાં હતાં.
ફ્લોરેન્સને આપેલી ચિઠ્ઠી, પોતાની માગણી માટે લખેલો કાગળ, પોતાની બ્રીફ કેસ, બે પેરાશૂટ અને ડૉલર ભરેલી કોથળી એમ બધું સાથે લઈને કૂપરે વિમાનમાંથી કૂદકો માર્યો હતો.
મહિનાઓ સુધી ચાલેલી તપાસમાં સૂતળીનો અંશ સુધ્ધાં મળ્યો ન હતો. ડૉલર કે કૂપરનો મૃતદેહ તો દૂરની વાત, પણ તેમણે જે પેરાશૂટના સહારે કૂદકો માર્યો હતો તેના કાપડનો એકાદો લીરો, દોરો કે બીજો કોઈ ભાગ સુધ્ધાં નહીં.

કૂપર ક્યાં ગયા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
કેટલાક લોકો માને છે કે એ રાતે પોતે શું કરી રહ્યા છે તેની કૂપરને બરાબર ખબર હતી, જ્યારે કેટલાક લોકો માને છે કે કૂપર તેમની ભાવિ યોજના બાબતે સ્પષ્ટ ન હતા.
તેનો પહેલો પુરાવો એ કે કૂપરે પૈસા માગ્યા હતા, પણ કેટલા મૂલ્યની ચલણી નોટોના સ્વરૂપમાં તે મળવા જોઈએ એ સ્પષ્ટ કર્યું ન હતું.
તેનો લાભ લઈને એફબીઆઈએ તેને 20-20 ડૉલરના મૂલ્યની ચલણી નોટોના સ્વરૂપમાં બે લાખ ડૉલર્સ આપ્યા હતા, તે પણ સાદી થેલીમાં નાખીને. એ થેલી પકડવા માટે હૅન્ડલ ન હતું કે તેને ખભા પર લટકાવી શકાય તેવું પણ ન હતું.
એ થેલીનું વજન 10 કિલો હતું. 10 કિલો વજનવાળી થેલી શરીર સાથે બાંધીને પ્લેનમાંથી કૂદકો મારવાનું સહેલું ન હતું.
કૂપરે પહેરેલાં વસ્ત્રો પણ સ્કાય ડાઇવિંગને અનુરૂપ ન હતાં. પોતે પેરાશૂટના સહારે પ્લેનમાંથી કૂદકો મારવાના છે એ જાણતી વ્યક્તિ આવો સૂટ શા માટે પહેરે?
પેરાશૂટ ખોલવું એ પણ કૌશલ્ય માગી લેતું કામ છે. કૂદકો માર્યા પછી યોગ્ય રીતે ઊઘડી જાય અને તેને પહેરીને કૂદકો મારનાર વ્યક્તિનો જીવ ન જાય એ રીતે પેરાશૂટ ખોલવું પડે છે.
ડેન કૂપરને જે પેરાશૂટ આપવામાં આવ્યું હતું તે કૉસ નામની એક વ્યક્તિએ બનાવ્યું હતું.
નેશનલ જિઓગ્રાફિક ચેનલની ‘રૉબરી ઇન ધ સ્કાય’ નામની ડૉક્યુમેન્ટ્રીમાં કૉસે કહ્યું હતું કે “મેં NB8 અને સ્પોર્ટ્સ એમ બે પ્રકારનાં પેરાશૂટ બનાવ્યાં હતાં. કૂપરે NB8ની પસંદગી કરી હતી.”
”તેની પસંદગી આશ્ચર્યજનક હતી, કારણ કે NB8 પેરાશૂટ અત્યંત ત્રાસદાયક હોય છે. તેને ઉઘાડવા માટે વધારે બળ વાપરવું પડે છે અને તેને ઉઘાડવાની દોરી જલદી મળતી નથી.”
”એ દોરી સમયસર હાથમાં ન આવે તો તે પહેરનારનું પટકાઈને મોત થઈ શકે છે.”
કૂપરે પ્લેનમાંથી કૂદકો માર્યો ત્યારે જોરદાર વરસાદ વરસતો હતો અને કાતિલ ઠંડક હતી. એ વાતાવરણમાં કૂપર 10,000 ફૂટની ઊંચાઈએથી કૂદકો મારીને જમીન પર પહોંચે ત્યાં સુધીમાં અડધા મરી ગયા હોવાની શક્યતા નકારી શકાય નહીં.

ગૂંચવણ સર્જતા પુરાવા

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનાની તપાસ વર્ષો સુધી ચાલતી રહી, પણ કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. એ દરમિયાન એફબીઆઈએ સેંકડો શકમંદોને પૂછપરછ કરી હતી. તપાસની ફાઇલો અભરાઈ પર ચડાવી દેવાનો દિવસ આવ્યો હતો ત્યાં એક ચમત્કાર થયો હતો.
વિમાન અપહરણના ગુનાનાં નવ વર્ષ પછી ફેબ્રુઆરી, 1980માં બાપ-દીકરાની એક જોડી કોલમ્બિયા નદીના કિનારે લાકડાં એકઠાં કરતી હતી. લાકડાં એકઠાં કરી રહેલા બ્રાયન ઇન્ગ્રામ નામના એક કિશોરને જમીનમાં દટાયેલાં, જૂની ચલણી નોટનાં ત્રણ બંડલ મળી આવ્યાં હતાં.
તે કૂપરની ખંડણી તરીકે આપવામાં આવેલી ચલણી નોટો જ હતી. નોટ્સ પરના સીરિયલ નંબર પણ એ જ હતા.
દસ વર્ષ પછી એક ગુનાનું રહસ્ય ઉકેલાવાની શક્યતા સર્જાઈ હતી. એફબીઆઈએ આજુબાજુનો સમગ્ર વિસ્તાર ફેંદી નાખ્યો હતો, પણ તેને ચલણી નોટનાં ત્રણ બંડલ સિવાય બીજું કશું મળ્યું ન હતું.
બ્રાયન ઇન્ગ્રામને મળી આવેલાં ચલણી નોટનાં બંડલોએ જૂના સવાલના જવાબ આપવાને બદલે નવા સવાલો સર્જ્યા હતા. કૂપરે કૂદકો માર્યાના જે 80 ચોરસ કિલોમિટર વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી એ વિસ્તારથી વિરુદ્ધ દિશામાં 30-40 કિલોમિટર દૂર આવેલા પ્રદેશમાંથી બ્રાયનને ચલણી નોટનાં બંડલ મળ્યાં હતાં.

ચલણી નોટો ત્યાં કઈ રીતે પહોંચી?

ઇમેજ સ્રોત, Getty Images
નદીના નીચેના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ચલણી નોટોનાં બંડલ નદીના ઉપરવાસના વિસ્તારમાંથી મળી આવ્યાં હતાં. ચલણી નોટો નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરીને ઉપર તો ન જાય ને?
તપાસમાં ચોંકાવનારી વધુ એક બાબત બહાર આવી હતી. 1974માં કોલમ્બિયા નદીમાં પૂર આવ્યું હતું. તેના પરિણામે કિનારા પર રેતીનો નવો સ્તર સર્જાયો હતો. રેતીના એ સ્તર પરથી ચલણી નોટો મળી આવી હતી. જો એ નોટોનો જથ્થો અહીં 1971માં, ઘટનાની રાતે કે તેના થોડા દિવસ પછી નદીમાં વહીને અહીં આવ્યો હોય તો તે નોટો, 1974માં સર્જાયેલા રેતીના થર નીચેથી મળવી જોઈતી હતી.
તેનો અર્થ એ થયો કે ઘટના બન્યાનાં ત્રણ વર્ષ પછી ચલણી નોટોનો જથ્થો અહીંથી મળ્યો હતો. આ સંબંધે અનેક તર્કવિતર્ક કરવામાં આવ્યા હતા, પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

ગુનાની નકલખોરી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ડી. બી. કૂપરે નૉર્થવેસ્ટર્ન ઍરલાઇન્સ વિમાનનું 1971માં અપહરણ કર્યું અને બે લાખ ડૉલરની માગણી કરી હતી. એ પછીના વર્ષે એપ્રિલ, 1972માં એ જ રીતે એક અન્ય વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને વિમાનની મુક્તિ માટે પાંચ લાખ ડૉલરની ખંડણી માગવામાં આવી હતી.
એ કિસ્સામાં એક વ્યક્તિએ જેમ્સ જૉન્સનના નામે ટિકિટ બૂક કરાવી હતી અને યુનાઇટેડ ઍરલાઇન્સના પ્લેનનું અપહરણ કર્યું હતું. ડેન કૂપરે જે કંઈ કર્યું હતું એ જ જેમ્સ જૉન્સને કર્યું હતું.
જેમ્સે ચાર પેરાશૂટ અને પાંચ લાખ ડૉલર લઈને પ્લેન અમેરિકાના યુટાહ રાજ્યમાંથી પસાર થતું હતું ત્યારે તેમાંથી પેરાશૂટ પહેરીને કૂદકો માર્યો હતો.
જેમ્સ જૉન્સન વિમાનના અપરહણનું કાવતરું વર્ષોથી ઘડી રહ્યા હતા અને તેમણે આ વિશે તેના દોસ્તને જણાવ્યું હતું. એ દોસ્તે આપેલી માહિતીના આધારે જેમ્સને પકડી પાડવામાં આવ્યા હતા.
જેમ્સ જૉન્સનનું ખરું નામ રિચર્ડ મકૉય હતું. તેમના ઘરમાંથી ખંડણીનાં નાણાં મળી આવ્યાં હતાં. રિચર્ડ વિયેતનામ યુદ્ધ વખતે પાઇલટ હતા અને તેમને શૌર્યપદક પણ આપવામાં આવ્યો હતો.
તેમના પરિવારમાં તેમનાં પત્ની તથા બે સંતાનો હતાં.
વિમાન અપહરણના ગુના બદલ રિચર્ડને 45 વર્ષની સજા કરવામાં આવી હતી, પણ તે જેલમાંથી નાસી છૂટ્યા હતા. તેમને એફબીઆઈએ ફરી પકડી પાડ્યા હતા અને સલામતીની ચુસ્ત વ્યવસ્થા હેઠળ જેલમાં રાખ્યા હતા તો પણ બીજી વખત ભાગી છૂટ્યા હતા.
તેનાં થોડાં વર્ષો પછી એફબીઆઈ સાથેની અથડામણમાં રિચર્ડ મૃત્યુ પામ્યા હતા.
આ પ્રકરણથી એક વાત સિદ્ધ થઈ હતી કે ચાલતા વિમાનમાંથી પેરાશૂટ પહેરીને કૂદકો મારવા છતાં માણસ જીવતો રહી શકે છે. રિચર્ડ જીવતા રહી શક્યા તો કૂપરને શું થયું?

લોકોની નજરમાં હીરો

કૂપરને અનેક ઠેકાણે ‘સભ્ય ચોર’ ગણાવવામાં આવ્યા છે. વિમાનમાં તેમનું વર્તન સંસ્કારી હોવાનું ઍર હોસ્ટેસે જણાવ્યું હતું.
વિમાનમાં તેમણે સેવન-અપ અને બર્બન નામની એક મોંઘી વ્હિસ્કીના ડ્રિંકનો ઑર્ડર કર્યો હતો. આ ડ્રિંક 70ના દાયકામાં અત્યંત લોકપ્રિય હતું.
કૂપરે વિમાનમાં લગભગ આઠ સિગારેટ ફૂંકી હતી. તે સિગારેટ રોલી બ્રાન્ડની હતી. રોલી સિગારેટ પણ શ્રીમંતો જ પીતા હોય છે.
જોકે, આ કેસની તપાસ કરી ચૂકેલા એફબીઆઈના એક અધિકારી રાલ્ફ હિમેલબાખે નેશનલ જિયોગ્રાફિકને જણાવ્યું હતું કે “કૂપર રીઢો ચોર અને આજીવન અપરાધી હતો. તે નિષ્ફળ વ્યક્તિ હતો.”
આવા વિરોધાભાસી અભિપ્રાયોને કારણે કૂપરનું વ્યક્તિત્વ વધુ રહસ્યમય બન્યું હતું.
ડી. બી. કૂપર જીવતા રહ્યા કે મૃત્યુ પામ્યા એ આજ સુધી કોઈ ખાતરીપૂર્વક કહી શક્યું નથી. એ સમયના હવામાન, ભૌગોલિક પરિસ્થિતિના અનેક અભ્યાસુઓ અને એફબીઆઈના અધિકારીઓ માને છે કે કૂપર એ રાત્રે જ મૃત્યુ પામ્યા હતા. જોકે, 70ના દાયકાના લોકોના મનમાં કૂપરની ઇમેજ એક હીરો તરીકેની રહી.
સામાન્ય લોકો કૂપરને ‘વ્યવસ્થા સામે ટક્કર લેનારા માણસ’તરીકે ઓળખતા હતા. એ જ દાયકામાં વિયેતનામનું યુદ્ધ થયું હતું અને તેની સામે યુવાનોમાં અસંતોષ વધ્યો હતો.
સિએટલમાં પણ મંદીનો સમય હતો. જે વિમાનનું કૂપરે અપહરણ કર્યું હતું તે વિમાન બનાવનાર બોઇંગ કંપનીએ 60,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા.
સરકાર સામે વ્યાપક લોકરોષ પ્રવર્તતો હતો. આવી વ્યવસ્થા સામે માથું ઊંચકનાર, બહાદુરી પ્રદર્શિત કરનાર અને એફબીઆઈને મોંભેર પટકનારો માણસ લોકોનો નાયક ન બને તો જ આશ્ચર્ય ગણાય.
એફબીઆઈએ કૂપરને શોધવા માટે વૉશિંગ્ટન રાજ્યના જે નાનકડા ગામમાં ધામા નાખ્યા હતા એ ગામમાં હવે કૂપરના નામે મેળો યોજાય છે.
એ ગામનું નામ એરિયલ છે અને ત્યાં દર વર્ષે નવેમ્બરમાં થૅંક્સગિવિંગ ફેસ્ટિવલ પછીના શનિવારે સેંકડો લોકો એકઠા થાય છે, ડી. બી. કૂપરના નામે પાર્ટી કરે છે અને બિયર પીવાની મોજ માણે છે.
50 વર્ષ પછી પણ આ દંતકથા કહેવામાં આવે છે. કૂપર આજે પણ હીરો છે.
એ કોણ હતા તે જાણવા માટે લોકો આજે પણ પ્રયાસો કરે છે, પુસ્તકો લખે છે, તે દિવસે જે બન્યું હતું તેનું નાટ્ય રૂપાંતર કરે છે.
ડી. બી. કૂપર વિશે રૅપ સોંગ્ઝ લખાયાં છે, તેમના વિશે ફિલ્મ બની છે અને બીબીસીએ હજુ ગયા વર્ષે જ તેમના વિશે એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. શા માટે? કૂપરમાં એવું ક્યું આકર્ષણ છે?
આ લેખની વાત કરી ત્યારે મારા એક સાથી કર્મચારીએ કહ્યું હતું કે “કૂપર મારો હીરો છે, મારે પણ એવું કંઈક કરવું છે.”
આ જ વાક્ય લેખક બ્રુસ સ્મિથે બીબીસીની ડૉક્યુમેન્ટરીમાં ઉચ્ચાર્યું હતું. તેમણે કહ્યું હતું કે “લોકોને લાગે છે કે તેમનો હાથ જંગી ખડક તળે દબાઈ ગયો છે, પરિસ્થિતિ હતાશાજનક છે, ગજવામાં પૈસા નથી... ડી. બી. કૂપર પાસે પણ પૈસા ન હતા. એટલે તેમણે પ્લેન હાઇજેક કર્યું.”
”પૈસા મેળવ્યા. 10,000 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો, જીવલેણ ઠંડીમાં જંગલમાંથી માર્ગ કાઢ્યો અને સામે પાર નીકળી ગયા. એ કરી શકતા હોય તો હું કેમ નહીં?”
લોકોમાં આવી જ ઝંખના હોવી જોઈએ. આંખ સામે એક ભવ્ય પ્રતિમા હોવી જોઈએ, જેથી રોજિંદા નિરસ જીવનમાં ચમકારો અનુભવાતો રહે.
ડી. બી. કૂપર આવી જ એક પ્રતિમા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














