AAPનો મફત વીજળી અને મફત વિતરણનો મુદ્દો ગુજરાતથી સુપ્રીમ કોર્ટ સુધી કઈ રીતે પહોંચ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે

મફત વિતરણ તથા કલ્યાણ માટેની યોજનાઓ અંગે ચર્ચા કેમ શરૂ થઈ?

- તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો તરફથી મફત સેવાઓ અને નાણાંના વિતરણના વાયદા સામે સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજીની સુનાવણી કરવાનું સ્વીકાર્યું હતું અને કઠોર શબ્દોમાં આ ચલણની ટીકા કરી હતી.
- રાજકીય પક્ષો તરફથી અવારનવાર મફત અને ઓછા ખર્ચે લાભ આપી મતદારોને પોતાની પ્રત્યે આકર્ષવાના પ્રયત્નો થતા રહે છે.
- હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મફત સુવિધાઓ અંગેની અનેક જાહેરાત કરાઈ હતી જેની ખુદ વડા પ્રધાન મોદીએ ટીકા કરી, બાળકોનાં ભવિષ્ય માટે ઘાતક ગણાવી હતી.
- સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે તા. 17મી ઑગસ્ટના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં આ મુદ્દે વિચારણા કરવા માટે મફત વિતરણ તથા લોકકલ્યાણની યોજના વિશે વિસ્તૃત છણાવટ કરવા કમિટીનું ગઠન કરવા અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવશે.
- ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રાજકીયપક્ષોના ચૂંટણીઢંઢેરાને નિયંત્રિત કરવાની તથા તેમને વાયદાઓ માટે જવાબદાર ઠેરવવાની માગ કરવામાં આવી છે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે તા. 17મી ઑગસ્ટના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં આ મુદ્દે વિચારણા કરવા માટે મફત વિતરણ તથા લોકકલ્યાણની યોજના વિશે વિસ્તૃત છણાવટ કરવા કમિટીનું ગઠન કરવા અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવશે.

ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી 'મફતની જાહેરાતો' મુદ્દે ચર્ચા છેડાઈ છે, આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં મફતની જાહેરાત કરે તેવા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની માગ કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
ભાજપના જ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં માગ કરવામાં આવી છે કે રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરાને નિયંત્રિત કરવામાં આવે તથા વિચાર્યા વગર અતાર્કિક વાયદા કરનારી પાર્ટીઓને બૅન કરવામાં આવે.
આ મુદ્દે આમ આદમી પાર્ટી તથા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામસામે છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેજરીવાલ પર 'તોડી-મરોડીને રજૂઆત' કરવાનો આરોપ મૂક્યો છે.
આપની દલીલો તથા ભાજપના પ્રતિરોધને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવે છે. જ્યાં આપ દ્વારા વીજળી અને બેરોજગારી ભથ્થાં જેવી જાહેરાતો કરવામાં આવી છે.

સુપ્રીમમાં અરજી

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરાને નિયંત્રિત કરવાની તથા તેમને વાયદાઓ માટે જવાબદાર ઠેરવવાની માગ કરવામાં આવી છે.
ઉપાધ્યાયના કહેવા પ્રમાણે, "અમે કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર રૂ. 150 લાખ કરોડનું દેવું થઈ ગયું છે. જો તેને અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે."
"કેન્દ્ર સરકારે પણ અમારી અરજીનું સમર્થન કર્યું છે. કલ્યાણકારી યોજનાઓ સામે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ મફત વિતરણ બંધ થવું જોઈએ. અમે આ મુદ્દે એક સમિતિનું ગઠન કરવાનું સૂચન કર્યું છે, જે મફતખોરીને અટકાવવા તથા રાજ્યો પર વધી રહેલાં દેવાંના બોજને ઘટાડવા માટે સૂચન કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ સાથે જોડાયેલા હોય તેવા અરજદારોની દાનત વિશે પણ ગુરુવારે આમ આદમી પાર્ટીએ અદાલતમાં સવાલ ઉઠાવ્યા હતા.
આમ છતાં મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્ના તથા જસ્ટિસ કૃષ્ણ મુરારિની ખંડપીઠે આ અરજીને 'મહત્ત્વપૂર્ણ મુદ્દો' ગણાવીને તેની પર સુનાવણી તો હાથ ધરી હતી. જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ કર ચૂકવે છે, ત્યારે તેનો ઉપયોગ દેશના વિકાસ માટે થવો જોઈએ, નહીં કે કશું મફત આપવા માટે.
ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં આ મુદ્દે સુનાવણી સમયે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાણાપંચ, ચૂંટણીપંચ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની કમિટી બનાવવા અંગે ચર્ચા થઈ હતી.

AAP v/s BJP

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે નવી દિલ્હીના સચિવાલય ખાતે એક પત્રકારપરિષદ આયોજિત કરવામાં આવી હતી, જેને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ સંબોધિત કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, સિસોદિયાએ કહ્યું, "સરકારનાં માત્ર બે મૉડલ છે. એક 'મિત્રવાદી મૉડલ' છે અને બીજું 'કલ્યાણકારી યોજનાઓમાં રોકાણ'નું મૉડલ."
"ભાજપના મિત્રવાદી મૉડલમાં જનતાના કરના પૈસા મિત્રોની લાખો-કરોડોની લૉનને માફ કરવા માટે વાપરવામાં આવે છે, જ્યારે સામાન્ય જનતાને આરોગ્ય તથા શિક્ષણ જેવી સુવિધાથી વંચિત કરી દેવાય છે. તેઓ આ રાજનીતિનો ઉપયોગ મિત્રોનું કલ્યાણ કરવા માટે કરે છે."
"બીજા મૉડલમાં જનતાના ટૅક્સના પૈસા કરોડો લોકોના કલ્યાણ માટે ખર્ચી રહ્યા છીએ. અમે સામાન્ય લોકો માટે રાજકારણ કરનારા લોકો છીએ."
આપ સરકારનો દાવો છે કે કલ્યાણકારી યોજનાઓ છતાં તે રેવન્યુ સરપ્લસ છે. જોકે દિલ્હી સરકારના આ દાવા પર સવાલ ઊઠતા રહ્યા છે, કારણ કે તેના કર્મચારીઓના પેન્શનની જવાબદારીનું નિર્વહન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સિવાય પોલીસવ્યવસ્થા કેન્દ્રીય ગૃહમંત્રાલય સંભાળે છે.
કૉંગ્રેસના નેતા તથા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી આપ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમિતિના ગઠનથી કોઈ લાભ નહીં થાય.
કલ્યાણકારી યોજનાઓને મફતવિતરણ જણાવીને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. મફત પાણી, મફત વીજળી તથા મફત પરિવહન જેવા વાયદા મફત નથી. વાસ્તવમાં તે વધુ ન્યાયસંગત સમાજના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા બંધારણીય જવાબદારીઓનું નિર્વહન છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કહ્યું હતું કે આઝાદીથી અત્યાર સુધીની કોઈ પણ સરકારે આરોગ્ય કે શિક્ષણનું મફત વિતરણ નથી કર્યું. કેજરીવાલ તોડીમરોડીને રજૂઆત કરી રહ્યા છે.
આપ દ્વારા ગુજરાતમાં 300 યુનિટ વીજળી, બેરોજગારોને માસિક રૂ. ત્રણ હજારનું ભથ્થું તથા વૃદ્ધોને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય જાહેર આરોગ્ય તથા શિક્ષણવ્યવસ્થાને સુદૃઢ કરવાની જાહેરાત કરી છે. આપ ગરીબ તથા મધ્યમવર્ગને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે.
ભાજપ અહીં પોતાનો ગઢ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મફત આપવાના રાજકારણ અંગે કહ્યું હતું કે: "આ પ્રકારના વાયદા કરીને મતદારોને આકર્ષવા એ રાષ્ટ્રનિર્માણ નથી, પરંતુ તેનાથી દેશ પાછળ ધકેલાઈ જાય છે."
"આવાં પગલાંથી બાળકોનાં ભવિષ્ય સામે પ્રશ્ન ઊભો થાય છે. દેશને આત્મનિર્ભર બનતો અટકાવશે તથા આવી સ્વાર્થભરી નીતિઓને કારણે દેશના ઇમાનદાર કરદાતા ઉપરનું ભારણ વધે છે. તે નીતિ નથી, પરંતુ 'અનીતિ' છે, તેનાથી રાષ્ટ્રનું હિત નથી થતું, પરંતુ અહિત થાય છે."
ગત મહિને બુંદેલખંડ એક્સપ્રેસ-વેને ખુલ્લો મૂકતી વખતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી જ વાત કહી હતી. આ મુદ્દે અગાઉ પણ ચર્ચા થઈ છે, પરંતુ રાજકીય પક્ષો વચ્ચે સહમતિ સાધી શકાઈ ન હતી.

'જનતાના પૈસા જનતાને માટે'

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહના કહેવા પ્રમાણે, "દરેક રાજકીય પક્ષ ચૂંટણી સમયે કંઈક ને કંઈક આપવાના વાયદા કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. તેમાંથી કોઈ પણ પક્ષ બાકાત નથી. કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ પણ નાગરિકને કશું મફતમાં નથી આપતી, વાસ્તવમાં તે અલગ-અલગ વેરા નાગરિકો પાસેથી ઉઘરાવે છે."
"બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે, ગરીબ, વૃદ્ધ, અશક્ત, બીમાર, મહિલાઓ અને બાળકોનું કલ્યાણ કરવાની જવાબદારી સરકારની છે. વળી, આ સંપૂર્ણપણે આર્થિક અને નાણાકીય બાબત હોય, સુપ્રીમ કોર્ટે તેમાં દખલ ન દેવી જોઈએ."
શાહ ઉમેરે છે કે ઉદ્યોગોને આપવામાં આવતી સબસિડીઓ, રાહતો, સસ્તી જમીનો તથા દેવામાફી, લૉન માંડવાળ વગેરે મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ.
અત્રે એ યાદ રાખવું ઘટે કે દેવાની વાત કરવામાં આવે છે, ત્યારે જાહેર દેવાની જ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક દેવાદારીની ચર્ચા નથી થતી. જાહેર સાહસના એકમો જે નુકસાન કરે છે, તે છેવટે રાજ્ય સરકારની જ જવાબદારી હોય છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સૂચન કર્યું હતું કે આ મુદ્દો સંસદ પર છોડી દેવામાં આવે અને તે કોઈ કાયદો ઘડી કાઢે, ત્યારે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પૂછ્યું હતું કે, 'શું તમને લાગે છે કે કોઈ રાજકીય પક્ષ મફત વિતરણનું નિયમન કરવા વિશે ચર્ચા કરવા માટે તૈયાર થશે.'

પંજાબ મૉડલ?

ઇમેજ સ્રોત, Getty Images
15મા નાણાપંચના અધ્યક્ષ એન. કે. સિંહ પણ મફતનું આપવાના રાજકારણ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. એપ્રિલ-2022માં દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ખાતે બોલતી વખતે તેમણે કહ્યું હતું:
"પંજાબનું કુલ દેવું જીડીપીના 53 ટકા જેટલું છે. તાજેતરમાં જે મફત આપવાની જાહેરાતો કરવામાં આવી, તેના કારણે તેની આર્થિક સ્થિતિ વધુ કથળશે. આવું જ રાજસ્થાનનું છે. જેનું દેવું રાજ્યના જીડીપીના 40 ટકા જેટલું છે."
"રાજસ્થાન સરકારની કર તથા કર સિવાયની આવકોના 56 ટકા હિસ્સો પગાર તથા પેન્શન પર ખર્ચ થાય છે. સરકારી કર્મચારી રાજ્યની કુલ વસતીના માત્ર છ ટકા છે, છતાં તેમની પાછળ આ ખર્ચ કરવામાં આવે છે. આમ વસતિના એક નાનકડા હિસ્સાને અસામાન્ય હિસ્સાની ફાળવણી કરવામાં આવી છે. ત્યાં જૂની પેન્શન યોજનાને બહાલ કરવામાં આવી છે, જેથી સ્થિતિ વકરશે."
"રાજ્ય સરકારો દ્વારા લોકરંજક જાહેરાતો કરવામાં આવે છે, તે પછી પોતાના ખર્ચા ચૂકવી નથી શકતી. આ સંજોગોમાં તે કેન્દ્ર સરકાર તરફ રૂખ કરે છે."
સિંહે પોતાના ભાષણમાં રાજ્યસ્તરે નિયમો ઘડવા તથા આ માટે બંધારણમાં જરૂરી જોગવાઈ કરવાનું સૂચન પણ કર્યું હતું. જૂન મહિનામાં પંજાબની આપ સરકારે બજેટ રજૂ કર્યું હતું, જેમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને માસિક રૂપિયા એક હજાર આપવાની જાહેરાતનો અમલ મોકૂફ રાખ્યો હતો, પરંતુ દરેક ઘરને 300 યુનિટ વીજળી આપવાની જાહેરાતનું અમલીકરણ શરૂ કરી દીધું હતું.

મફત, રોકાણ અને કલ્યાણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈઓમાં ચૂંટણી પહેલાં મતદારોને તેમનો રાજકીય મત બદલવા માટે રોકડ રકમ, શરાબ કે કોઈ વસ્તુ આપવી ગુનો છે, પરંતુ તે આદર્શ આચારસંહિતાના અમલ પછીની વાત છે અને તે ઉમેદવાર ઉપર લાગુ પડે છે, રાજકીય પક્ષ ઉપર નહીં. એટલે જ રાજકીય પક્ષો સત્તા પર આવ્યેથી લૉન માફ કરવાની કે કશું નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી શકે છે.
વર્ષ 2013માં "એસ. સુબ્રમણ્યમ બાલાજી વિ. તામિલનાડુ સરકાર"ના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે, નિશ્ચિત વર્ગને સોનું, ટીવી, લૅપટૉપ, મિક્સર ગ્રાઇન્ડર, ટીવી, દુધાળાં પશુ કે બકરીઓ મફત આપતાં અટકાવી ન શકે. રાજ્યની નીતિ બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ જ છે. તેના પર કેટલો ખર્ચ થવો જોઈએ અને કેટલો નહીં, તે જોવાનું કામ કોર્ટનું નહીં,પરંતુ લોકપાલિકાનું છે.
તાજેતરની સુનાવણી વખતે જ્યારે ચૂંટણીપંચે આ ચુકાદાને ટાંક્યો, ત્યારે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે જરૂર પડ્યે, જૂના ચુકાદા પર વિચાર કરવાની વાત પણ કહી હતી.
એક તબક્કે બીપીએલના લાભાર્થીઓને સાઇકલ આપવા અંગે સવાલ ઉઠ્યા હતા, તેનાથી રાજ્યની તિજોરીમાંથી ખર્ચ થાય છે, પરંતુ તેનાથી વ્યક્તિની ઉત્પાદકતા વધે છે. એવી જ રીતે બાળકીઓ-યુવતીઓને શાળાએ જવા માટે સાઇકલ આપવામાં આવે છે, જે વાસ્તવમાં તેમના ભવિષ્યમાં રોકાણ છે.
સગર્ભા તથા ધાત્રી માતાઓને પોષણ કિટ આપવીએ સામાજિક રોકાણ છે, જ્યારે લગ્ન સમયે કરવામાં આવતી સહાય કે વીમો (પાક, જીવન કે આરોગ્ય)એ જોખમ નિયમન છે, જેથી કરીને જરૂરિયાતમંદ નાગરિક મોંઘી કે શાહુકારની લૉનના ચક્કરમાં ફસાય નહીં.
દરેક રાજ્યની આર્થિક, સામાજિક, રાજકીય અને ભૌગોલિક સ્થિતિ અલગ-અલગ છે, એટલે એક રાજ્યમાં નાગરિક માટે જે વેડફાટ હોય તે કદાચ અન્ય રાજ્યની જરૂરિયાત હોઈ શકે તમામને એક જ માપપટ્ટીથી માપવું કદાચ મુશ્કેલ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












