લૉકડાઉન, આઝાદ, ઇમર્જન્સી અને સુનામી, આ લોકોનાં નામ આવાં કેમ છે?

- લેેખક, જાલ્ટસન અક્કાનાથ ચુમ્મર
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

- આઝાદ કપૂરનો જન્મ 15 ઑગસ્ટ 1947ના દિવસે થયો હતો. જે દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી
- ભારતમાં 25 જૂન 1975ના દિવસે કટોકટી લાદવામાં આવી હતી અને તેના બીજા દિવસે એટલે કે 26 જૂને ઇમર્જન્સી યાદવનો જન્મ થયો હતો
- 23 વર્ષીય કારગિલ પ્રભુનો જન્મ વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધ દરમિયાન થયો હતો
- લૉકડાઉન કક્કંડીનો જન્મ વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લૉકડાઉનની જાહેરાતના બીજા અઠવાડિયે થયો હતો

તમે અત્યાર સુધી એવા કેટલા લોકોને મળ્યા હશો, જેમનાં નામ જે તે સમયે ઘટેલી કોઈક યાદગાર ઘટના પરથી પાડવામાં આવ્યા હોય?
મોટા ભાગના ભારતીય માતા-પિતા તેમનાં બાળકોનાં નામ દેવી-દેવતાઓ, સ્પૉર્ટ્સ કે ફિલ્મી સિતારાઓ અથવા તો પ્રખ્યાત લોકોનાં નામ પરથી રાખવાનું પસંદ કરતાં હોય છે. જોકે, કેટલાક વાલીઓના પ્રેરણાસ્રોત કંઇક અલગ જ હોય છે.
ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે, ત્યારે બીબીસીને દેશભરમાંથી એવા છ લોકો મળ્યા, જેમનાં માતા-પિતાએ તેમના જન્મ દરમિયાન ઘટેલી ઐતિહાસિક ઘટનાઓ પરથી તેમનું નામ રાખ્યું હોય.

આઝાદ કપૂર, 75 વર્ષ

ઇમેજ સ્રોત, JALTSON AKKANATH CHUMMAR/BBC
આઝાદ કપૂરનો જન્મ 15 ઑગસ્ટ 1947ના દિવસે થયો હતો. જે દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી.
તેઓ કહે છે, "જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પરિવારે ઉજવણી કરી હતી કે ભારતમાતા ઘરે આવ્યાં છે અને અમને આઝાદી અપાવી છે."
આઝાદ નાનપણમાં પોતાના નામથી વધારે ખુશ નહોતા, કારણ કે તેમને એ નામ છોકરા જેવું લાગતું હતું, પરંતુ સમય વીતવાની સાથે તેઓ પોતાના નામથી નજીક આવતા ગયા.
તેઓ જણાવે છે, "ક્યારેય કોઈ મારો જન્મદિવસ ભૂલી શકતું નથી. જે લોકો મને ઓળખે છે એ 15 ઑગસ્ટે મને યાદ કરે છે. મારા મિત્રો મજાક-મજાકમાં કહે છે કે આખો દેશ મારો જન્મદિવસ ઊજવે છે."

ઇમર્જન્સી યાદવ, 47 વર્ષ

ઇમેજ સ્રોત, JALTSON AKKANATH CHUMMAR/BBC
ભારતમાં 25 જૂન 1975ના દિવસે કટોકટી લાદવામાં આવી હતી અને તેના બીજા દિવસે એટલે કે 26 જૂને ઇમર્જન્સી યાદવનો જન્મ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "મારા પિતાએ મને કહ્યું કે તેમણે મને આ નામ એટલા માટે આપ્યું છે કે લોકો ભારતના ઇતિહાસના આ દુખદ અને અંધકારમય સમયને ભૂલી ન જાય."
દેશને એક રેડિયો સંદેશમાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ કહ્યું હતું કે તેઓ "આંતરિક ખલેલ"થી રાષ્ટ્રીય સુરક્ષાના જોખમને ટાંકીને દેશમાં કટોકટી લાદી રહ્યાં છે.
લોકોના બંધારણીય અધિકારો છીનવી લેવાયા હતા અને પત્રકારત્વની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવ્યો હતો અને ઘણા વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
ઇમર્જન્સી યાદવના પિતા રામતેજ યાદવ વિપક્ષી રાજકારણી હતા. તેમના પુત્રના જન્મના કલાકો પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે 22 મહિના જેલમાં વિતાવ્યા બાદ 1977માં કટોકટી હટ્યા બાદ પોતાના પુત્રનું મોં જોયું હતું.
તેઓ જણાવે છે, "જો કોઈ પણ દેશમાં કટોકટી લાદવામાં આવે તો તેનો અર્થ એ છે કે દેશ પછાત થઈ રહ્યો છે. હું આશા રાખું છું કે આપણને આવું ફરી વખત જોવા ન મળે."

કારગિલ પ્રભુ, 23 વર્ષ

ઇમેજ સ્રોત, JALTSON AKKANATH CHUMMAR/BBC
વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધ દરમિયાન જન્મેલા 23 વર્ષીય કારગિલ પ્રભુને વર્ષો સુધી તેમનું નામ શા માટે કારગિલ રાખવામાં આવ્યું હતું, તેનાથી અજાણ હતા.
તેઓ કહે છે, "નાનપણમાં જ મારા પિતાનું અવસાન થતાં તેમણે શા માટે મારું આ નામ રાખ્યું તે જાણી શકાયું નહોતું, પણ હું જ્યારે મોટો થયો ત્યારે ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે મારું નામ આ યુદ્ધ પરથી રાખવામાં આવ્યું છે."
કારગિલ દક્ષિણ ભારતના શહેર ચેન્નાઈમાં વીડિયો ઍડિટર તરીકે કામ કરે છે અને તેમનું નામ જે સ્થળ પરથી પાડવામાં આવ્યું છે, તેમણે ક્યારેય તેની મુલાકાત લીધી નથી. જોકે, તેમની બકેટ લિસ્ટમાં 'કારગિલ'ની મુલાકાત પહેલા નંબરે છે.
ત્રણ મહિના જેટલો સમય ચાલેલા આ યુદ્ધ દરમિયાન 500થી વધુ ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ યુદ્ધ ભારતે પાકિસ્તાન તરફથી ઘુસણખોરી સામે બદલો લીધા બાદ શરૂ થયું હતું. જોકે પાકિસ્તાન લાંબા સમયથી તેનો ઇનકાર કરતું આવ્યું છે.
કારગિલ પ્રભુ જણાવે છે, "હું યુદ્ધમાં માનતો નથી, પરંતુ મને લાગે છે કે કારગિલ યુદ્ધ દરમિયાન પોતાનો બચાવ કરવો પડ્યો હતો અને તે નિર્ણય યોગ્ય હતો."

સુનામી રૉય, 17 વર્ષ

ઇમેજ સ્રોત, JALTSON AKKANATH CHUMMAR/BBC
સુનામીનાં માતાની આંખો ભીંજાઈ જાય છે, જ્યારે તેઓ પુત્રના જન્મનો દિવસ યાદ કરે છે.
મૌનિતા રૉય વર્ષ 2004માં આવેલા ભયાનક સુનામી દરમિયાન ગર્ભવતી હતાં અને આંદમાન દ્વીપસમૂહના એક નાનકડા ટાપુની નાની ટેકરી પર આશ્રય લઈ રહ્યાં હતાં.
તેઓ કહે છે, "મેં મારા પતિને મોટા પુત્ર સાથે ભાગી જવાનું કહ્યું. મને મારા અને મારા ગર્ભમાં રહેલા બાળક માટે કોઈ આશા ન હતી. લગભગ 11 વાગ્યાની આસપાસ મેં એ ટેકરી પર અંધારામાં કોઈ જાતની મદદ વગર પુત્રને જન્મ આપ્યો. ત્યાર બાદથી મારી તબિયત ક્યારેય સારી રહી નથી."
સ્કૂલમાં સુનામીની તેમના નામના લીધે ઘણી મજાક ઉડાવાઈ, પરંતુ તેમનાં માતા માટે આ નામનો અર્થ છે, 'આશા અને અસ્તિત્વ'.
મૌનિતા રૉય જણાવે છે, "મારો પુત્ર આપણા બધા માટે આશાના કિરણ તરીકે આવ્યો. લોકો પોતાના પરિવારજનોના મૃત્યુના શોકમાં હતા. તે દિવસે મારા પુત્રનો જન્મ એકમાત્ર સારી બાબત હતી."
હિંદ મહાસાગરમાં ભૂકંપના કારણે 26 ડિસેમ્બરે આવેલ સુનામીમાં દસ હજાર ભારતીયો સહિત બે લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.

ખજાનચી નાથ, 5 વર્ષ

ઇમેજ સ્રોત, JALTSON AKKANATH CHUMMAR/BBC
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કર્યાના થોડાંક અઠવાડિયાં બાદ ઉત્તર પ્રદેશમાં પંજાબ નેશનલ બૅન્કની એક શાખામાં ખજાનચીનો જન્મ થયો હતો.
નોટબંધીની જાહેરાત બાદ સર્વેષા દેવી નજીકમાં આવેલી પંજાબ નેશનલ બૅન્કમાં પૈસા ઉપાડવા માટેની લાઇનમાં ઊભાં હતાં અને તેમને પ્રસવપીડા ઊપડતાં બૅન્કમાં જ બાળકને જન્મ આપ્યો હતો.
તેઓ કહે છે, "બાળકનો જન્મ બૅન્કમાં થયો હોવાથી લોકોએ કહ્યું કે તેનું નામ ખજાનચી (કૅશિયર) રાખવું જોઈએ."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના દિવસે માત્ર ચાર કલાકની નોટિસ આપીને એક હજાર અને પાંચસો રૂપિયાની નોટ બંધ થવાની જાહેરાત કરી હતી. દેશમાં લાંચ, કરચોરી, આતંકવાદ જેવાં દૂષણોને નાથવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે નોટબંધીથી સમગ્ર દેશમાં સામાન્ય નાગરિકો અને નાના વ્યવસાયોને ગંભીર અસર પડી હતી. જોકે, ખજાનચીના પરિવાર માટે તેમનું નામ નસીબ લઈને આવ્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન મુખ્ય વિપક્ષી નેતાએ ખજાનચીને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા.
સર્વેષા દેવી કહે છે, "તે અમારા માટે પૈસા અને સંપત્તિ લઈને આવ્યો છે. તેના નામના લીધે અમારી પાસે ઘર અને પૈસા બંને છે."

લૉકડાઉન કક્કંડી, 2 વર્ષ

ઇમેજ સ્રોત, JALTSON AKKANATH CHUMMAR/BBC
લૉકડાઉન કક્કંડીનો જન્મ વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લૉકડાઉનની જાહેરાતના બીજા અઠવાડિયે થયો હતો.
ઉત્તર પ્રદેશમાં રહેતા લૉકડાઉન પોતાના ગામ ઘુઘુંડુમાં એક સૅલિબ્રિટી છે.
લૉકડાઉનના પિતા પવનકુમાર કહે છે, "પુત્રનો જન્મ આકરા લૉકડાઉન વચ્ચે થયો હતો. મારી પત્નીને ડિલિવરી માટે લઈ જવા વાહન મળવું મુશ્કેલ હતું. ઘણા ડૉક્ટરો પણ દર્દીઓની સારવાર કરવા તૈયાર ન હતા. સદનસીબે મારા પુત્રનો જન્મ કોઈ જટિલતા વિના થયો હતો."
લૉકડાઉનના ગામ અને આસપાસના વિસ્તારોમાં લગભગ તમામ લોકોને તેમનું નામ અને સરનામું ખબર છે અને ઘણા લોકો તેમને મળવા માટે ઘરે જાય છે.
પિતા પવનકુમાર કહે છે, "લોકો થોડા સમય માટે તેની મજાક ઉડાવી શકે છે પરંતુ બધા તેને યાદ રાખશે. હું ઇચ્છું છું કે તેનું નામ એ યાદ કરાવે કે ત્યારે લોકો કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા."
24 માર્ચ 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન ઘણા ભારતીયો માટે આઘાતજનક હતું, કારણ કે તેના માટે ઘણી નાની નોટિસ આપવામાં આવી હતી.
ત્યાર બાદના સમયમાં જરૂરિયાતના સામાનની અછત અને બિનસંગઠિત ક્ષેત્રમાં નોકરીઓની અછતની આગાહી કરવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













