'હું કરાચીનું મારું ઘર જોવા માગું છું...' પાકિસ્તાનથી ગુજરાત આવેલા લોકોની વ્યથા

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદાદાતા

- 88 વર્ષના લીલારામ આજે પણ જ્યારે કરાચીના પોતાના મકાનની વાત કરે છે તો તેમની આંખો ભીની થઈ જાય છે
- કનૈયાલાલ અને લીલારામ જેવા અનેક લોકો છે, જેઓ મુખ્યત્વે સિંધ કે તેની આસપાસના પ્રાંતથી ભારત તરફ આવ્યા હતા
- લીલારામ અને તેમનો પરિવાર કરાચી શહેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હતો. તેમના માટે કરાચી શહેર એટલે કે શુદ્ધ હવાવાળું, ખુલ્લું અને શાંતિપ્રિય લોકોનું શહેર
- બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટને જૂન 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલાની જાહેરાત કરી હતી

લીલારામ જાંઘિયાણી અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહે છે. તેમની પાસે સાચવીને રાખેલી વસ્તુઓમાં તેમના માટે સૌથી બહુમૂલ્ય છે, તે એક મેડ ઇન બ્રિડનની એક અલાર્મ ઘડિયાળ અને એક પતરાની પેટી છે.
પ્રથમ નજરે જોવામાં સામાન્ય લાગતી આ વસ્તુઓ લીલારામે પોતાના જીવ બરાબર સંભાળીને રાખી છે, કારણ કે 1947ના ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તેમનો પરિવાર જે કંઈ થોડી ઘણી વસ્તુઓ લઈને ભારત આવ્યો હતો, તેમાંની આ બે વસ્તુ તેમણે હજી સાચવીને રાખી છે.
જોકે આ વસ્તુઓ ઉપરાંત તેમની પાસે પાર્ટિશન સમયની અનેક યાદો છે. એવી યાદો જે તેમના કહેવા પ્રમાણે, તેમને આખા જીવન દરમિયાન પરેશાન કરી છે અને તેમના મૃત્યુ સુધી તેમની સાથે રહેશે.
88 વર્ષના લીલારામ આજે પણ જ્યારે કરાચીના પોતાના મકાનની વાત કરે છે તો તેમની આંખો ભીની થઈ જાય છે.
તે સમયે ત્રણ માળના હવેલી જેવા મોટા મકાનમાં રહેતા તેમના પરિવારે જ્યારે ભારત આવવાનું નક્કી કર્યુ તો તેમની ઉંમર 13 વર્ષની હતી.
કરાચીના તેમના મકાન અને વિસ્તાર વિશે તેઓ જ્યારે વાત કરે તો લાગે કે તેમની નાનામાં નાની વાત પણ બિલકુલ સચોટ રીતે યાદ છે.
લીલારામની જેમ જ કનૈયાલાલ ગુનાણીનો પરિવાર પણ 1947ના ભાગલા સમયે ભારત આવી ગયો હતો. તેમના માટે ભારત એક નવો પ્રદેશ હતો, પરંતુ અહીં આવીને તેમણે અને તેમના ત્રણ ભાઈએ મહેનત કરીને પોતાના પરિવારને એક સફળ પરિવાર તરીકેની ઓળખાણ અપાવી.
કનૈયાલાલ પોતે કુબેરનગરના દૂધના વેપારીઓમાંથી એક છે, એમણે તેમની ઓળખાણ મોતી મિલ્ક સેન્ટરના માલિક તરીકે ભારત આવ્યા બાદ બનાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કનૈયાલાલ અને લીલારામ જેવા અનેક લોકો છે, જેઓ મુખ્યત્વે સિંધ કે તેની આસપાસના પ્રાંતથી ભારત તરફ આવ્યા હતા.

કેવી હતી પરિસ્થિતિ ભાગલા સમયની?

આ બન્ને મિત્રો માટે ભાગલાનો સમય ખૂબ જ ભયંકર હતો. કનૈયાલાલ પીર કોટ નામના એક મોટા ગામની બાજુના ગુનાની ગામમાં રહેતા હતા. તેમના પાડોશમાં મુસ્લિમ સમુદાયના લોકો રહેતા હતા, જેમની સાથે તેમના પરિવારનો તમામ પ્રકારનો વ્યવહાર થતો હતો.
કનૈયાલાલને તો તેમનાં માતાએ કહ્યું હતું કે તેઓ તેમની (માતાની) એક મુસ્લિમ સખી ફાતીમાનું દૂધ પીને મોટા થયા છે. ભાગલાના સમય સુધી તમામ અડોશપડોશ સાથે મળીને રહેતા હતા, તેવી યાદગીરી હજી સુધી કનૈયાલાલના માનસમાં તાજી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "અમારા ઘરમાં ઘોડા, ઊંટ, ગાડાં વગેરે હતાં. મારા પિતા એક જમીનદાર અને અમારી પાસે ખૂબ મોટી જમીનો હતી. તે બધું છોડીને જ્યારે અહીં આવવું પડ્યું તેનું દુખ મારા પરિવારને કેવું થયું હશે, તેની કલ્પના પણ કરવી આજના સમયમાં મુશ્કેલ છે. એ બધું છોડીને અમે 1947ના ડિસેમ્બર મહિનામાં અહીં આવી ગયા હતા."
લીલારામ અને તેમનો પરિવાર કરાચી શહેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હતો. તેમના માટે કરાચી શહેર એટલે કે શુદ્ધ હવાવાળું, ખુલ્લું અને શાંતિપ્રિય લોકોનું શહેર.
લીલારામનો પરિવાર તેમના ત્રણ માળના મકાનમાં રહેતો હતો, જે તેમના કહેવા પ્રમાણે તે વિસ્તારનો સૌથી મોટો અને ધનિક લોકોનાં મકાનોમાંનો એક હતો.
"મારા ઘરની સામે એક પોલીસચોકી હતી અને ખૂબ જ મોટું મેદાન હતું, આસપાસ સાત મોટા રસ્તાઓ નીકળતા હતા એટલે તે વિસ્તાર કરાચીથી આવવા-જવા માટે મુખ્ય ગણાતો હતો. મારા મનના કોઈક ખૂણામાં આજે પણ મારે તે ઘર ફરીથી જોવાની ઇચ્છા છે, પરંતુ ત્યાં જવાની હિમ્મત થતી નથી, કારણે કે હવે ત્યાં કોણ હશે જે મને ઓળખશે, તેવું માનીને હું મારા મનને મનાવી લઉં છું."

કેવી રીતે આવ્યા પાકિસ્તાનથી ભારત?

કનૈયાલાલનો પરિવાર ગુનાની ગામથી કરાચી પોર્ટ સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પહોંચ્યો હતો. તેમના પરિવારમાં મુખ્યત્વે તેમની ભાઈઓ હતા.
પાણીના એક જહાજ મારફતે એમને મુંબઈ લાવવામાં આવ્યાં.
"અહીં વિવિધ સંસ્થાના લોકોએ અમને અમુક દિવસો સુધી ખાવાની સગવડ કરી આપી. અમે અહીં રૅફ્યુજી ટૅન્ટમાં રહેતા હતા. આ વિસ્તારમાં અમને લગભગ સાત દિવસ સુધી રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ અમને મહારાષ્ટ્રના નાસિક પાસેના એક વિસ્તાર દેવલાલીમાં એક રૅફ્યુજી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. અહીં અમે આશરે બે વર્ષ સુધી રહ્યા."
મોટા ભાગના લોકો જે ભાગલા સમયે અહીં આવ્યા હતા, તેમને સરકારે રહેવા માટે ઘર અને કામ કરવા માટે નોકરી કે વ્યવસાય માટેની જોગવાઈ કરી હતી.
જોકે રહેવા માટેના આ કૅમ્પ્સની વાત કરવામાં આવે તો સિંધથી આવેલા સિંધી સમુદાયના લોકો માટે દેશની મોટી વસાહતોમાંની એક વસાહત અમદાવાદના સરદારનગર વિસ્તારમાં બનાવવામાં આવી હતી. તેમાં સરદારનગર ઉપરાંત, આંબાવાડી, કુબેરનગર અને જી વોર્ડ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
સિંધી રૅફ્યુજી પ્રમાણે, અહીં આવનારા લોકોને 1600 રૂપિયાની રકમમાં એક નાનું મકાન એક પરિવાર માટે આપવામાં આવ્યું હતું. આ રકમ તેમણે સરળ હપ્તેથી સરકારને પાછી આપવાની હતી.
અનેક સિંધી પરિવારો પાકિસ્તાનથી અહીં આવીને દેશના અલગઅલગ વિસ્તારોમાં રહેતા હતા, તેવા લોકોને સરદારનગર વિસ્તારમાં લાવવામાં આવ્યા.
કનૈયાલાલનો પરિવાર નાસિક પાસે ટ્રેનમાં ફરીને ગોળી-બિસ્કિટ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો, તેમને પાકું ઘર આપવાના વાયદા સાથે સરદારનગરના કુબેરનગર વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં ધીરેધીરે સિંધી સમુદાયના લોકોની વસ્તી વધી રહી હતી. આજે આ વિસ્તારમાં સિંધી સમુદાયની ખૂબ મોટી વસાહતો છે.

કમાણી માટે શું કર્યું?

કનૈયાલાલનો પરિવાર જ્યારે અહીં આવ્યો તો સૌથી પહેલા તેમના પિતાએ બળતણનાં લાકડાં વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે પોતે સિંધી રૅફ્યુજી નામની સંસ્થામાં નોકરી કરી, તેમના ભાઈ પોલીસમાં ભરતી થઈ ગયા અને બીજા નાના ભાઈઓને તેમણે ભણાવવાનું ચાલુ રાખ્યું.
કનૈયાલાલે ત્યાર બાદ પોતાના મોટાભાઈ ગોપાલ ગુનાણી સાથે મળીને મોતી મિલ્ક સેન્ટર નામની દુકાન શરૂ કરી, જે આગળ જઈને આ વિસ્તરમાં ખૂબ જ પ્રખ્યાત બની.
જોકે હવે કોઈ સંભાળનાર ન હોવાને કારણે તેમણે તે દુકાન બંધ કરી દીધી છે.
તેઓ કહે છે કે, "અમે ક્યારેય હિમ્મત ન હારી. અમારી પાસે બધું હતું, તે જતું રહ્યું, અમે રસ્તા પર આવી ગયા. દેવલાલીમાં અમે ફરીથી ધીરેધીરે બધું બનાવવાનું શરૂ કર્યું, પણ ત્યાંથી અમને અહીં મોકલી દેવામાં આવ્યા. અહીં અમે ફરીથી બધું જ પહેલેથી જ શરૂ કર્યું. મારા નાના ભાઈને મેં ભણાવીને ડૉક્ટર બનાવ્યો. તે આ વિસ્તારના પ્રથમ ડૉક્ટરમાંનો એક હતો."
તેઓ વધુમાં કહે છે કે, "ભલે અમે બહારથી આવ્યા, પણ અમે ક્યારેય દેશ માટે બોજ નથી બન્યા. અમે હંમેશાં આપવાની જ વાત કરી છે. ઇન્કમ ટૅક્સ હોય કે બીજો કોઈ પણ વેરો- અમે દેશના વિકાસ માટે જ કરી શકતા હતા, તે બધું કર્યું છે."

લીલારામની પણ આવી જ કહાણી છે. તેમના પરિવારને કરાચીમાં આશરે આઠ દિવસ સુધી સરસ્વતી નામના એક જહાજની રાહ જોવી પડી, જે આવ્યા બાદ જ તેમને ભારત આવવાનો મોકો મળ્યો.
તેઓ કહે છે કે, "અમે અમારા ઘરની ચાવી પડોશીને આપીને આવ્યા હતા અને કહીને આવ્યા હતા કે અમે પાછા આવીશું."
જોકે ત્યાર બાદ ક્યારેય તેમને પાછા કરાચી જવાનો મોકો નથી મળ્યો. તેઓ કહે છે કે અહીંયાં જ્યારે આવ્યા હતા ત્યારે સૌથી પહેલા તેઓ અમદાવાદના રેવડી બજારમાં ગુજરાતી વેપારીઓની દુકાનોની સામે કપડાંનો વેપાર કરતા હતા. તેઓ આજે પણ ગુજરાતના વેપારીઓની ખેલદિલી અને મદદ કરવાની ભાવનાને સલામ કરે છે.
"તેમને હું મારા દિલથી સલામ કરું છું, તેમણે અમને પોતાના દિલથી લગાવીને અમને મહેનત કરવા માટેનો મોકો આપ્યો."
જોકે લીલારામે પછી પોતે એક સરકારી નોકરી કરી, પછી તેઓ વકીલ બન્યા અને આજે તેઓ નિવૃત્ત પર્સન્સ પેન્શન માટેની સમસ્યાઓના ઉકેલ કરવાનું કામ કરે છે.
તેઓ કહે છે કે મનમાં ઘણી વખત થાય છે કે હું કરાચી જાઉં, પણ હવે આ ઉંમરે કરાચીનું મારું મકાન જોયું તો શું અને ન જોયું તો શું. મારા મનમાં તે દુખ લઈને એક દિવસ હું આ દુનિયાને વિદા કહી દઈશ, પરંતુ એક વાત કહીશ કે જ થયું તે સારું નહોતું.

ભારત-પાકિસ્તાનના ભાગલા અને સિંધ પ્રાંત

ઇમેજ સ્રોત, KEYSTONE/GETTY IMAGES
આજના ભારતની પરિસ્થિતિ વિશે વાત કરતા કનૈયાલાલ કહે છે કે "ભાગલા પહેલાંનો સમય ખૂબ સારો હતો, કોઈ હિન્દુ, મુસલમાન, શીખ કે ઈસાઈ નહોતા, બધા માણસો હતા. ધર્મના નામે આ ઝઘડાઓ ન થવા જોઈએ, આજે તેના વિશે જાણીને મન દુખી થઈ જાય છે, કારણ કે આવાં દરેક તોફાન બાદ અનેક લોકો બેઘર થાય છે, જે રીતે અમે થયા."
બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટને જૂન 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલાની જાહેરાત કરી હતી.
પશ્ચિમમાં પંજાબ અને પૂર્વમાં આસામ અને બંગાળના ભાગલા કરીને પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનનો જન્મ થયો.
એક તરફ પંજાબ અને બંગાળમાં અનેક લોકોનાં મોત થયાં, તો સિંધ પ્રાંતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. પંજાબ અને બંગાળના બે ભાગ થયા હતા, પરંતુ સિંધ પ્રાંત આખેઆખો પાકિસ્તાનમાં જતો રહ્યો.
જોકે સિંધની સૂફી સંસ્કૃતિને કારણે ત્યાં ઘણા લોકોનાં મોત થયાં ન હતાં, ભાગલાના લગભગ 10 મહિના બાદ અમુક હિંસક ઘટના બન્યા બાદ મોટા પ્રમાણમાં સિંધથી લોકો 1948થી 1950 સુધી ભારતમાં આવતા રહ્યા હતા.
સિંધથી ભારત આવતા લોકોની સંખ્યા લાખોમાં આંકવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














