કેશુભાઈ પટેલ : ગુજરાતના એ મુખ્ય મંત્રી જે અમેરિકા ગયા અને બળવાને કારણે ખુરશી ગુમાવી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દર્શન દેસાઈ
- પદ, વરિષ્ઠ પત્રકાર

- ગુજરાતના દસમા મુખ્ય મંત્રી હતા કેશુભાઈ પટેલ
- બબ્બે વખત ગુજરાતના રાજકારણની ધુરા હાથમાં આવી પરંતુ ક્યારેક રાજરમત તો ક્યારેક ગેરવહીવટના આરોપને કારણે સત્તા ગુમાવવાનો વારો આવ્યો
- મુખ્ય મંત્રી તરીકે ગુજરાતના ગ્રામીણવિકાસથી માંડીને આંતર માળખાકીય વિકાસનો પાયો નાખ્યો હોવાનું મનાય છે
- ગુજરાતમાં ભાજપનાં મૂળ મજબૂત કરવાથી માંડીને સત્તા સુધી પહોંચાડવામાં કેશુભાઈનો અદ્વિતીય ફાળો હોવાનું મનાય છે
- ગુજરાતમાં જે પક્ષને જમીન બનાવવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી તેના દ્વારા જ ઉપેક્ષા છતાં ન કર્યો બળવો

ભાજપની સરકાર પ્રથમ વાર બની અને કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા તે વખતે આરોગ્ય સચિવ તરીકે રહેલા એસ. કે. નંદા કહે છે કે "કેશુભાઈ પ્રજાની નાડ પારખનારા અને હંમેશાં જમીન પર પગ ખોડીને ચાલનારા નેતા હતા."
કેશુભાઈ પટેલને ઑક્ટોબર 2020માં કોરોના ચેપ લાગ્યો હતો અને તેમાંથી પણ સાજા પણ થઈ ગયા હતા.
પરંતુ એક મહિના પછી 92 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. નંદાએ કેશુભાઈ વિશે જે જણાવ્યું તેની સાથે ગુજરાતના મોટા ભાગના રાજકીય જાણકારો અને અમલદારો સહમત થશે.
કેશુભાઈની પ્રથમ સરકાર 1995માં બની, પણ તે મુદત પૂરી કરી શકી નહીં, કેમ કે બળવો થયો હતો.
1998માં ફરી સત્તા પર આવ્યા તે પછીય તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરી શક્યા નહીં. તેમના મુખ્ય મંત્રી તરીકેના બંને કાર્યકાળ દરમિયાન હું સચિવાલયમાં પત્રકાર તરીકે સક્રિય હતો ત્યારે તેમનું એક બીજું પાસું પણ મને જોવા મળ્યું હતું.
તેઓ સરળતાથી મળી શકાય તેવા મુખ્ય મંત્રી હતા. તેમના નિવાસસ્થાને કે કચેરીએ તેમને ગમે ત્યારે મળી શકાતું હતું અને તેઓ વ્યસ્તતા વચ્ચે પણ થોડો સમય પત્રકારો માટે કાઢી લેતા હતા.
એક વાર મેં તેમને પૂછી જ લીધેલું કે "કેશુભાઈ એક વાત મને જણાવો, હું તમારી સરકારની નીતિઓની બહુ ટીકા કરું છું અને મારા જેવા પત્રકારોને ભાગ્યે જ કોઈ નેતા મળવાનું પસંદ કરતા હોય છે. ઘરે તો મળવા બોલાવે જ નહીં. આમ છતાં તમે મને હંમેશાં રાહ જોવરાવ્યા વિના મળતા રહ્યા છો, એવું કેમ?"
તે વખતે કેશુભાઈની ઉંમર 70 વર્ષની હશે. મને થોડી વાર તાકી રહ્યા પછી હસીને કહ્યું કે "ચા લેશો?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈ ખેડૂતની આંખમાં સરળતા હોય તેવી સરળતા તેમની દૃષ્ટિમાં હતી અને વર્ષોના અનુભવથી ઘડાયેલા ગ્રામીણ વિસ્તારના કોઠાસૂઝના માણસ છે તે પણ વર્તાઈ આવે.
થોડી વાર છત સામે તાકી રહ્યા અને પછી મારી સાથે તાકીને મને જ પૂછ્યું, "તમારા પત્રકારો પાસે સોર્સ હોય અને મારી આસપાસના કે સચિવાલયમાં પણ તમારા સોર્સ હોય, બરાબર" હસતાંહસતાં આગળ કહ્યું, "એ જ રીતે તમારી આસપાસમાં અને સચિવાલયમાં મારા પણ સોર્સ હોય ને?"
આગળ વાતનો ફોડ પાડતાં કહ્યું, "હું અખબારોની ટીકાને ગંભીરતાથી, સહજ રીતે અને ઉપેક્ષાની રીતે એમ જોઉં - મારો પોતાનો જાતઅનુભવ અને મારા સોર્સની માહિતી પ્રમાણે કોને કેવી રીતે લેવા તે હું જાણતો હોઉં, કોણે કોઈ દાવ લેવાનો નથી હોતો તે ખબર હોય છે. તમે ચિંતા નહીં કરતા, હું તમને ગંભીરતાથી લઉં છું!"
આગળ હસીને ઉમેર્યું, "ચા લ્યો. તમને તમારો જવાબ મળી ગયો હશે કે મને ટાઈમ હોય તો કેમ તમને તરત મળું છું. કદાચ તમને ખબર નહીં હોય, પણ તમારી જાણ બહાર જ મને તમારી પાસેથી પણ માહિતી મળી જાય. તમારા સવાલોથી પણ મને જાણકારી મળે છે."

મોદી-વાઘેલા જૂથની ખેંચતાણ કેશુભાઈના રાજીનામામાં પરિણમી

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરોક્ત વાત તેઓ 1998માં બીજી વાર મુખ્ય મંત્રી બન્યા તે વખતની છે.
1995માં 182માંથી 121 બેઠકો સાથે સત્તા મળી હતી, પણ કેશુભાઈ માત્ર છ મહિના માટે જ મુખ્ય મંત્રી તરીકે રહી શક્યા હતા. તેઓ અમેરિકાની મુલાકાતે ગયા હતા અને પાછળથી તેમની સામે બળવો થઈ ગયો.
પક્ષમાં શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી જૂથ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી અને તેના કારણે કેશુભાઈએ ગાદી ગુમાવવી પડી હતી.
શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે મોદી "સુપર સીએમ" તરીકે વર્તી રહ્યા છે અને સિનિયર ધારાસભ્યોને પણ કેશુભાઈને મળવા દેતા નથી.
વાઘેલાએ 55 જેટલા વિધાનસભ્યો સાથે ભાજપમાં બળવો કર્યો હતો અને આખરે મોવડીમંડળે વચ્ચે પડીને સમાધાન કરાવવું પડ્યું હતું. તેના ભાગરૂપે તે વખતના ઉદ્યોગમંત્રી સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, જેથી બંને જૂથોને તેમનું નામ સ્વીકાર્ય બને. અટલ બિહારી વાજપેયીએ સમાધાન કરાવ્યું હતું.
કેશુભાઈ કે શંકરસિંહ કોઈ પણ જૂથની સાથે ના સંકળાયેલા સુરેશ મહેતા વાજપેયીના આગ્રહથી મુખ્ય મંત્રી બનવા માટે તૈયાર થઈ ગયા હતા.
જોકે શંકરસિંહ વાઘેલાએ વર્ષ પછી ફરી બળવો કર્યો અને આ વખતે સુરેશ મહેતાને ગાદી પરથી દૂર કરી દીધા.

નરેન્દ્ર મોદી માટે થયું મોકળું મેદાન

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં અસ્થિરતાની સ્થિતિને કારણે 19 સપ્ટેમ્બર 1996થી 23 ઑક્ટોબર 1996 સુધી રાષ્ટ્રપતિશાસન લાગ્યું હતું. વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષ નામે નવો પક્ષ બનાવ્યો અને બહારથી કૉંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવી.
જોકે વાઘેલાએ એકહથ્થું સરકાર ચલાવી એટલે સત્તા લાંબી ચાલી અને કૉંગ્રેસે તેમનો વિરોધ કર્યો. સમાધાનના ભાગરૂપે આ વખતે ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ રહી ચૂકેલા દિલીપ પરીખને મુખ્ય મંત્રી બનાવાયા. ઑક્ટોબર 1997માં પરીખ મુખ્ય મંત્રી બન્યા ખરા, પણ થોડા જ મહિનામાં તેમની સરકાર પણ પડી ભાંગી.
ગુજરાતમાં નવેસરથી માર્ચ 1998માં વિધાનસભાની ચૂંટણી આવી અને ભાજપ ફરીથી જીત મેળવી શક્યો.
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નારા સાથે કેશુભાઈ પટેલને બીજી વાર મુખ્ય મંત્રી બનવાની તક મળી.
જોકે કેશુભાઈના ભાગ્યમાં સત્તા પૂર્ણ કરવાનું લખાયું નહોતું એટલે જ કદાચ તેમના બીજા કાર્યકાળમાં દુકાળ, વાવાઝોડું અને 26 જાન્યુઆરી, 2001ના કાળમુખો ધરતીકંપ આવ્યો.
કુદરતી આપત્તિ સામે સરકારની કામગીરી નબળી હોવાના માછલાં ધોવાયાં. ખાસ કરીને કચ્છના ધરતીકંપ પછી રાહતકાર્યમાં ગેરવહીવટના મુદ્દા પણ બહુ ગાજ્યા.
તે પછી યોજાયેલી પેટાચૂંટણીઓ અને પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો.
આ બધા મુદ્દા આગળ કરીને દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય નેતાગીરી સામે કેશુભાઈ વિરુદ્ધ માહોલ ઊભો કરાયો અને આખરે તેમની જગ્યાએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી તરીકે ગુજરાત મોકલવાનું નક્કી થયું.

ન ટકી શક્યો જીપીપીનો પ્રયોગ

ઇમેજ સ્રોત, Getty Images
તે વખતે નરેન્દ્ર મોદી ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાએ મહામંત્રી તરીકે હતા. 7 ઑક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય મંત્રી બન્યા. વક્રતા એ હતી કે અગાઉ જ્યારે પક્ષમાં આંતરિક અસંતોષ ઊભો થયો ત્યારે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને તેના માટે જવાબદાર ગણાવીને ફરિયાદ કરી હતી.
તેમણે માગણી કરેલી કે તેમને ગુજરાતમાંથી દૂર કરીને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી સંભાળવા મોકલી દેવામાં આવે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા તે પછી 2002ની ચૂંટણી કેશુભાઈ લડ્યા નહોતા.
કેન્દ્રીય નેતાગીરીએ આગ્રહ કરીને તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જોકે આખરે કેશુભાઈએ પણ બળવો કરવાનું નક્કી કર્યું અને 2012માં મોદી સામે જંગ છેડ્યો.
તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP)ની રચના કરી અને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ તેમના પક્ષને માત્ર બે જ બેઠકો મળી. એક ધારીની બેઠક મળી અને તેઓ પોતે જૂનાગઢના વીસાવદરમાંથી જીતી શક્યા.
આખરે કેશુભાઈની તબિયત પણ કથળવા લાગી હતી એટલે 2014માં તેમણે જીપીપીનું વિસર્જન કરી નાખ્યું અને તેને ભાજપમાં ભેળવી દીધી.
વીસાવદરમાં તેમણે ખાલી કરેલી બેઠક પર તેમના પુત્ર ભરત પટેલને ભાજપે ટિકિટ આપી હતી, પણ આ વખતે કૉંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા સામે તેઓ હારી ગયા.

ગુજરાતના વિકાસમાં અવિસ્મરણીય ફાળો

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે તેમના નામે સત્તા મેળવી હતી, પણ પક્ષમાં તેમણે કાયમ સંઘર્ષ જ કરવો પડ્યો. જોકે બહુ ઓછું ભણી શકેલા કેશુભાઈએ મુખ્ય મંત્રી તરીકે ઘણા નિર્ણયો લીધા હતા.
તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ભણ્યા હતા કે જ્યાં એક જમાનામાં મહાત્મા ગાંધી પણ ભણ્યા હતા.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી કહે છે, "કેશુભાઈ સમજી શક્યા હતા કે ગુજરાતે વિકાસ કરવો હશે તો દરેક ક્ષેત્રમાં સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડશે. સરકારે વિઝન 2020 નામનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ બોર્ડની રચના કરી હતી."
લહેરી કહે છે કે નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ થઈ રહ્યો હતો ત્યારે તેને આગળ વધારવા માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર હતી તેની સાથે ચર્ચા કરીને ડૅમના વિસ્થાપિતોના પુન:સ્થાપનનું કામ ઝડપથી આગળ વધે તે માટે પ્રયાસો કર્યા હતા.
કેશુભાઈ પટેલે પ્રથમ મુદત વખતે ગોકુળ ગ્રામ યોજનાની કલ્પના કરી હતી તેને પણ લહેરી યાદ કરે છે.
દરેક ગામમાં પાણી, ગટર, વીજળી, સ્વચ્છતા હોય તે માટેની એક કલ્પના હતી. આવું ગામડું સ્વાવલંબી બને તેવા પ્રયાસો માટેની પહેલ હતી.
એસ. કે. નંદા પણ યાદ કરતાં કહે છે, "હું આરોગ્યસચિવ હતો ત્યારે એક બેઠકમાં કેશુભાઈએ રાજ્યમાં કુપોષણની સમસ્યા છે તેની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે દરેક શાળામાં ફરજિયાત આરોગ્ય તપાસણી થવી જોઈએ. એ બેઠકમાં જ તેમણે મધ્યાહ્ન ભોજનમાં અપાતા આહારમાં ફોર્ટિફાઇડ ફૂડ આપવાની જરૂરિયાત જણાવી હતી. આહારમાં આયર્ન અને ફોલિક ઍસિડ ઉમેરવાની જરૂરિયાત છે એમ તેમણે કહ્યું હતું."
નંદા કહે છે, "કેશુભાઈની મુખ્ય મંત્રી તરીકેની બીજી એક સિદ્ધિ એ છે કે તેમણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ કદના ડૅમ બનાવ્યા. આપણે ત્યાં મોટા ડૅમ અને નાના નાના ડૅમ હતા, પણ ખેડૂત તરીકેની તેમની સૂઝને કારણે તેમણે મધ્યમ કદનાં બંધોની જરૂર જોઈ હતી."
ગામડાંમાં દીકરીઓ શાળામાંથી ઊઠી ના જાય તે માટે તેમણે કન્યાઓને મફતમાં સાઇકલો આપવાની જાહેરાત કરી હતી તે વાતને પણ નંદા યાદ કરે છે.
નંદા વધુમાં જણાવે છે કે ગોકુલ ગ્રામ યોજનામાં ગામડાં જ કચરામાંથી અને છાણમાંથી વીજળી ઉત્પાદન માટેની વાત કરી હતી.

કેશુબાપાની રાજકીય સફર

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યકર તરીકે ઘડાયેલા કેશુભાઈને સૌ કેશુબાપા તરીકે ઓળખતા થયા હતા.
ભાજપ અગાઉ સંઘ પરિવારની રાજકીય પાંખ ભારતીય જનસંઘ હતો તેના સ્થાપક સભ્ય બનવાની તક પણ તેમને મળી હતી.
1951માં જનસંઘની સ્થાપના થઈ હતી. 1977માં કટોકટી પછી જનસંઘ જનતા મોરચાનો હિસ્સો બન્યો ત્યારે પણ તેઓ અગત્યના નેતા તરીકે તેમાં જોડાયેલા હતા. 1980માં ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ ત્યારે પણ તેમની ગણના અગ્રગણ્ય નેતા તરીકેની હતી.
લેઉવા પટેલ કેશુભાઈની મૂળ અટક દેસાઈ હતી તે ઘણાને ખ્યાલ નથી. રાજકારણમાં આવવા માટે તેમણે દેસાઈ અટક બદલીને પટેલ કરી હતી. તેમનું મૂળ વતન ખેડા જિલ્લાનું વસો ગામ, જ્યાંથી તેમનો પરિવાર સૌરાષ્ટ્રમાં આવ્યો હતો.
ખેડામાં મહેસૂલખાતામાં કારકુન હોય તેને દેસાઈ કહેવાતા એટલે તેમની અટક દેસાઈ પડી હતી.
દેસાઈ પરિવાર જૂનાગઢના વીસાવદર ગામે આવીને વસ્યો હતો, જ્યાં 24 જુલાઈ, 1928માં તેમનો જન્મ થયો હતો.
દેસાઈ પરિવાર વીસાવદરથી પછી રાજકોટમાં વસ્યો હતા, જ્યાં તેમની અનાજ દળવાની ઘંટી હતી. જનસંઘના જૂના નેતા શંકરસિંહ વાઘેલાને યાદ છે કે રાજકોટમાં હાથીખાનામાં કેશુભાઈ ઘંટી ચલાવતા હતા.
તેમની સાથે છ દાયકા કરતાં પણ વધારેનો નાતો વાઘેલાનો રહ્યો. વાઘેલા કહે છે કે, "કેશુભાઈએ એકલે હાથે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જનસંઘને બેઠો કર્યો હતો. સૌરાષ્ટ્રમાં તે વખતે સક્રિય અન્ય એક જૂના નેતા નારસિંહ પઢિયારે તેમને દેસાઈ અટક બદલીને પટેલ કરવા જણાવ્યું હતું, જેથી 'રાજકીય રીતે અને જ્ઞાતિગત સમીકરણ પ્રમાણે' ફાયદો થાય."
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટમાં પાલિકાની ચૂંટણી લડીને થઈ હતી. આગળ જતાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન બન્યું તેમાં પણ તેઓ લડ્યા હતા.
તેમણે પ્રથમ વાર 1972માં જનસંઘના ઉમેદવાર તરીકે વાંકાનેરમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેમાં જીતી શક્યા નહોતા, પરંતુ 1975માં રાજકોટ-1 (આ બેઠક હવે રાજકોટ પશ્ચિમ બેઠક બની છે) બેઠક પરથી તેમને જીત મળી.
કૉંગ્રેસમાં ભાગલા પછી બનેલી સંસ્થા કૉંગ્રેસ તરીકે જાણીતી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (ઓ)ને જનસંઘે ટેકો આપ્યો હતો અને બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર બની હતી. તેમાં કેશુભાઈ સિંચાઈમંત્રી પણ બન્યા હતા.
કટોકટી વખતે પણ કેશુભાઈએ લડત આપેલી અને મીસા (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યૉરિટી ઍક્ટ) હેઠળ ગુજરાતમાં 3,500થી વધુ લોકો જેલમાં ગયા હતા, તેમાં કેશુભાઈનો પણ સમાવેશ થતો હતો.
1977માં જનસંઘ જનતા પક્ષમાં ભળી ગયો હતો, પણ તેમાંથી છૂટા પડીને 1980માં ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ હતી. આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે 1980માં તેઓ ગોંડલથી જીત્યા હતા.
1985ની ચૂંટણી તેઓ કાલાવડ બેઠક પરથી જીત્યા, 1990માં રાજકોટના ટંકારામાંથી જીત્યા. વીસાવદરમાંથી 1995માં જીત્યા તે પછી મુખ્ય મંત્રી બનવા મળ્યું અને 1998માં પણ ફરીથી વીસાવદરથી જીત્યા.
કેશુભાઈના અવસાન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઑક્ટોબર, 2020ના રોજ ટ્વીટ કર્યું હતું કે: "કેશુભાઈએ મારા જેવા ઘણા યુવા કાર્યકરોનું ઘડતર કર્યું હતું. તેમના પ્રેમાળ સ્વભાવથી સૌ તેમને ચાહતા હતા. તેમના અવસાનથી ના પુરાય તેવી ખોટ પડી છે. આજે અમે સૌ શોકમાં છીએ. હું તેમના પરિવાર અને સ્નેહીઓની સાથે લાગણી અનુભવું છું. તેમના પુત્ર ભરત સાથે વાત કરીને સાંત્વના પાઠવી હતી. ઓમ શાંતિ."
1999માં કેશુભાઈ પટેલ સોમનાથ મંદિર માટે બનેલા સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. તે પછી 2004માં તેમને ટ્રસ્ટના પ્રમુખ બનાવાયા હતા.
સોમનાથ ટ્રસ્ટમાં તેમની સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ટ્રસ્ટી તરીકે જોડાયા હતા, પણ 2004 પછી છેક સુધી તેઓ જ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખપદે રહ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












