જગદીશ ઠાકોર : આક્રમક શૈલીમાં ભાષણ કરનારા નેતા ચૂંટણીમાં કૉંગ્રેસને મત અપાવી શકશે?

ઇમેજ સ્રોત, @jagdishthakormp
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

- જગદીશ ઠાકોર સામે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ તરીકે ગુજરાત વિધાનસભા ચૂંટણી એક મોટો પડકાર છે
- બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું ચાંગા ગામ એક જુલાઈ 1957માં જન્મેલા જગદીશ ઠાકોરનું વતન છે, પણ તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદની નજીક દહેગામ રહ્યું છે
- અલ્પેશ ઠાકોરને રાધનપુરની પેટાચૂંટણીમાં હરાવવા પાછળ જગદીશ ઠાકોરનો ફાળો હોવાનું કહેવાય છે
- 2009માં તેઓ પાટણમાંથી લોકસભાની બેઠક જીતી ગયા હતા
- તેઓ પોતાની આક્રામક શૈલીમાં આપેલા ભાષણો માટે જાણીતા છે

કાર્યકરોમાં જોશ ભરી શકે તેવું ભાષણ આપવા માટે જાણીતા જગદીશ ઠાકોર સામે પડકાર જોશની સાથે જીત માટેની સ્ટ્રૅટેજી ઘડવાનો છે.
તેમની સામે વધુ ધારાસભ્યોને પક્ષ છોડી જતા અટકાવાનો છે અને બધાં જૂથો સચવાઈ જાય તેવી રીતે ટિકિટોની વહેંચણી કરીને, કટિબદ્ધ મતોને વહેંચાય જતાં અટકાવાનો પણ છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ તરીકે પસંદ થયેલા જગદીશ ઠાકોરની તેજતર્રાર ભાષણશૈલી માટે જાણીતા છે.
રાજકારણમાં આક્રમક શૈલી બેધારી તલવાર જેવી હોય છે, જે ક્યારેક ખુદને પણ વાગી શકે છે.
જગદીશ ઠાકોરના કિસ્સામાં 21 જુલાઈએ કૉંગ્રેસના લઘુમતી સંમેલનમાં એક ભાષણ આપ્યુંઃ
"કૉંગ્રેસ તેની આઇડિયોલૉજીમાં કોઈ કાળે ચેન્જ નથી કરતી. ડંકાની ચોટ પર આ દેશના પ્રધાનમંત્રીએ એમ કહેતા હતા કે આ હિન્દુસ્તાનની તિજોરી પર સૌથી પહેલો અધિકાર લઘુમતીનો છે. એ બોલવાથી કેટલું નુકસાન થયું એ પણ કૉંગ્રેસને ખબર છે ને આવું બોલવાથી એક હજાર વખત નુકસાન થાય તો પણ કૉંગ્રેસ એની વિચારધારામાં કૉમ્પ્રોમાઇઝ નહીં કરે."
સમાધાન ના કરવું અને લડી લેવું એવા આક્રમક નેતાની ગુજરાત કૉંગ્રેસને જરૂર છે એવું તેના કાર્યકરો અને નેતાઓ પણ માનતા આવ્યા છે.
અમિત ચાવડાનો પ્રદેશપ્રમુખ તરીકેનો કાર્યકાળ સૌમ્યભાષી રહ્યો. વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી રચનાત્મક આઇડિયાઝ સાથે ભાજપ સામે મુદ્દાઓ ઉપસ્થિત કરતા રહ્યા પણ રાજકારણમાં આક્રમકતાનો અર્થ હરીફ પક્ષની જીતની બાજીને પલટી નાખવી એ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકારણમાં જરૂરી છે કે ભાષણો જોરદાર હોય તો તેની અસર મતો પર દેખાય. જગદીશ ઠાકોરે આક્રમક અંદાજમાં ભાષણ કર્યું તેના પડઘા એવા પડ્યા કે બીજા દિવસે બજરંગદળનું ટોળું કૉંગ્રેસના મુખ્યમથક પર આવીને તેના પર 'હજ હાઉસ' એવું લખી ગયા.
જગદીશ ઠાકોર આવા વિવાદોમાં સામે ભાજપને ચોટદાર જવાબ આપી શકે તેવા છે એટલે આવો પ્રચાર તેમના માટે પડકાર નથી.

2014થી નારાજગી
જગદીશ ઠાકોર માટે અસલ પડકાર આંતરિક છે. પ્રદેશ પ્રમુખપદે તેમની પસંદગી થઈ તે પહેલાં દીપક બાબરિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.
દીપક બાબરિયા કૉંગ્રેસના સિનિયર નેતા છે, પરંતુ ગુજરાતમાં આક્રમક અભિગમની જરૂર છે તેમાં બંધ બેસે તેવા નથી.
છેવટે જગદીશ ઠાકોરનું નામ જાહેર થયું તે પછી દિલ્હીથી અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે સમર્થકોએ ઢોલનગારાથી સ્વાગત કર્યું હતું ખરું, પણ મોટા નેતાઓનો ઉત્સાહ દેખાયો નહોતો.

ઇમેજ સ્રોત, @jagdishthakormp
તેનું કારણ કદાચ નજીકનો ભૂતકાળ છે, જ્યારે તેમણે ભરતસિંહ અને શંકરસિંહની કાર્યશૈલીનો વિરોધ પણ કરેલો. એટલું જ નહીં, 2016માં પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામું પણ આપી દીધું હતું.
તેઓ સાબરકાંઠાના પ્રભારી હતા, કોર કમિટીમાં પણ હતા. 2014થી તેમની નારાજગી શરૂ થઈ હતી.
2014ની લોકસભાની ચૂંટણી લડવાની પણ તેમની ઇચ્છા નહોતી. 2009માં તેઓ પાટણમાંથી લોકસભાની બેઠક જીતી ગયા હતા, પણ 2012 પછી સ્થિતિ પલટાઈ હતી. તેમને ફરીથી ટિકિટ આપવાની વાત થઈ ત્યારે તેમણે ના પણ પાડી હતી.
આ દરમિયાન ગુજરાતમાં અનામત આંદોલન સામે ઓબીસી આંદોલનની આગેવાની અલ્પેશ ઠાકોરે લીધી હતી. તેમણે ઠાકોર સેના પણ બનાવી હતી અને સમાજમાં દારૂનું વ્યસન દૂર કરવાની ઝુંબેશ ઉપાડી હતી.

અલ્પેશ ઠાકોરને હરાવવામાં મહત્ત્વપૂર્ણ ફાળો

ઇમેજ સ્રોત, ALPESH THAKOR FB
રાહુલ ગાંધીની હાજરીમાં વિશાળ સભા યોજીને અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા. એક નવા યુવાન ઠાકોર નેતાને ઊભા કરવામાં આવી રહ્યા છે તે જોઈને જગદીશ ઠાકોર સહિતના જૂના નેતાઓની નારાજગી વધી હતી.
ભાવીના ગર્ભમાં જોકે કંઈ જુદું જ હતું - અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ છોડીને ભાજપનો આશરો લીધો ત્યાર પછી પેટાચૂંટણીમાં તેમને હરાવવા માટે જગદીશ ઠાકોરે જોર લગાવ્યું હતું.
'ઠાકોર સેના સે બૈર નહીં, અલ્પેશ તેરી ખેર નહીં' એવો નારો જગદીશ ઠાકોરે આપ્યો હતો.
રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને હરાવ્યા પછી હવે જગદીશ ઠાકોર ફરી ઉત્તર ગુજરાતના અગત્યના નેતા તરીકે ઊપસ્યા હતા. તેમણે ચાબખા મારતા કહેલું કે મત આપવાવાળાનો હાથ હંમેશા ઊંચો અને લેવાવાળાનો હંમેશા નીચો હોય છે.
હવે જગદીશ ઠાકોર સામે આ જ પડકાર છે કે મતદારોનો હાથ હંમેશા ઊંચો રહેવાનો.
તેમણે પક્ષના ઉમેદવારો માટે મતદારોને મનાવવાના રહેશે. રાધનપુર પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને હરાવીને રઘુ દેસાઈને જીતાડ્યા તે રીતે બીજાને જીતાડવા પડશે.
સાથે જ તેમણે મહત્ત્વની વોટબૅન્ક ઠાકોર સમુદાયને મનાવવા માટે સમાજની એકતાના સંમેલનોમાં પણ ભાગ લેવાનું રાખ્યું છે.

"જગદીશ ઠાકોર એમના પગ નીચે; એમનો હનુમાન"

ઇમેજ સ્રોત, FACEBOOK/JAGDISH THAKORE
સંમેલનોમાં પણ તેમની કોશિશ તેર તાંસળી અને અઢારે વરણને સાથે રાખવાની છે. એકતા માટેના એક સંમેલનમાં તેમણે કહ્યું હતું કે "ગુજરાતનાં ત્રણ માથાં આવ્યાં છે. જગદીશ ઠાકોર એમના પગ નીચે; એમનો હનુમાન." અને ઉમેરેલું કે અઢારે આલમને જોડી રાખીને મત એકબાજુ કરવા પડશે તો ગુજરાતની ગાદીના રખેવાળ બની શકાય.
તેર તાંસળીની વાત શંકરસિંહ વાઘેલા પણ કરી રહ્યા છે અને ઠાકોરને પ્રદેશપ્રમુખ બનાવાયા હોય ત્યારે ખામ થિયરીની વાતો પણ થવાની.
આ બધી વાતો વચ્ચે વહેલા ઉમેદવારોની પસંદગીનો મામલો પણ કૉંગ્રેસ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીએ 10 નામો જાહેર કરી દીધાં ત્યારપછી કૉંગ્રેસ પણ વહેલા ઉમેદવારોનાં નામો જાહેર કરાશે એમ જણાવાયું હતું.
આ માટેની બેઠકો પણ હાલમાં થઈ ગઈ, પરંતુ આ લખાય છે ત્યાં સુધી નામો જાહેર કરવાની કોઈ હીલચાલ થઈ નથી.
ઊલટાની કૉંગ્રેસની મુશ્કેલી વધે તેવા સમાચારો જગદીશ ઠાકોર સામે છે. ઉત્તર ગુજરાતના એક નેતા નરેશ રાવલ 17 ઑગસ્ટે ભાજપમાં જોડાઈ ગયા છે. કૉંગ્રેસના પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાંથી લલિત વસોયા સહિતના છ ધારાસભ્યો એક સાથે ભાજપના મંચ પર મોદીની હાજરીમાં દેખાશે તેવા અહેવાલો પણ આવી રહ્યા છે.

કૉંગ્રેસનું જેસીબી

ઇમેજ સ્રોત, @SUKHRAMRATHAVA
હાલમાં આક્રમક શૈલી કરતાંય સમજાવટની ક્ષમતા વધારે જરૂરી બની છે.
જોકે તેમનું જેસીબી તરીકે ઓળખાતા જૂથને કારણે ભૂતકાળમાં પણ અનેકને નારાજગી થઈ, એવી ચર્ચા થતી રહી છે. જેસીબી એટલે ત્રણ નેતાઓની ત્રિપુટી - જગદીશ ઠાકોર, સી.જે. ચાવડા અને બળદેવજી ઠાકોર.
આ ત્રણેય ઘણાં વર્ષોથી એકબીજાની સાથે રહીને પક્ષમાં જોર અજમાવતા રહ્યા હોવાનું કહેવાય છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લી પંચાયતચૂંટણી વખતે ટિકિટોની વહેંચણીમાં 'જેસીબી' ફરી વળતાં આંતરિક ક્લેશ વધ્યો હતો.
કલોલ, દહેગામ વિધાનસભા વિસ્તારમાં આ ત્રિપુટીનું વર્ચસ્વ છે. ગાંધીનગર જિલ્લામાં વર્ચસ્વ ખરું, પણ સમગ્ર ગુજરાતમાં જીત મેળવીને જ ગાંધીનગરની ગાદી મળે તેમ છે.
એટલે ઠાકોરની પસંદગી પછી જેસીબીના પ્રભાવ હેઠળ કૉંગ્રેસને નુકસાન થશે એવું ટેકેદારો બોલતા થયા હતા.
છેલ્લે કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પક્ષ છોડ્યો ત્યારે પણ જેસીબીની ચર્ચા થઈ હતી. જેસીબીના કારણે જયરાજસિંહે કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હોવાનું ચર્ચાયું હતું.
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશમહામંત્રી સૂર્યસિંહ ડાભીએ પણ કૉંગ્રેસ છોડતી વખતે આક્ષેપો મૂક્યા હતા કે 'તેમને મહામંત્રી તરીકે કોઈ કામ મળતું નહોતું.'
પ્રભારી તરીકે રઘુ શર્મા ઉપરાંત વિશેષ જવાબદારી ફરી એક વાર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને સોંપવામાં આવી છે. ઠાકોરે તેમની સાથે રહીને કામગીરી કરવાની રહેશે.
ઉત્તર ગુજરાતમાં વર્ચસ્વ છે, પણ સૌરાષ્ટ્રને સંભાળવું પડશે. નરેશ પટેલને સૌરાષ્ટ્રમાંથી જોડી શકાયા નથી અને સૌરાષ્ટ્રમાંથી જ અડધો ડઝન ધારાસભ્યો ભાજપમાં જવાના છે તેની ચર્ચા છે.

શંકરસિંહ વાઘેલાના પક્ષના કારણે ચૂંટણી હાર્યા

ઇમેજ સ્રોત, Getty Images
એક જુલાઈ 1957માં જન્મેલા જગદીશ ઠાકોરનું વતન એટલે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું ચાંગા ગામ, પણ તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદની નજીક દહેગામ રહ્યું છે. અમદાવાદના નરોડામાં તેઓ રહે છે અને ડેકોરેટર્સ તરીકેનો વ્યવસાય ધરાવે છે.
તેમણે મૅટ્રિક પાસ કરેલું પણ પછી ઉચ્ચ અભ્યાસ કર્યો નહોતો અને 1973માં વિદ્યાર્થી તથા યુવા કાર્યકર તરીકે રાજકારણમાં સક્રિય થયા હતા. 1975માં અમદાવાદ જિલ્લા યુવા કૉંગ્રેસમાં મંત્રી બન્યા હતા અને પાંચ વર્ષ પછી પ્રદેશ યુવા મોરચાની કારોબારીમાં તેમને સ્થાન મળ્યું હતું.
યૂથ કૉંગ્રેસમાં 1985થી 1994 સુધી ઉપપ્રમુખ રહ્યા.
1998-99માં તેઓ ગુજરાત કૉંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બન્યા હતા અને આગળ જતા તેમને મોરચાના પ્રભારી બનાવાયા હતા. એઆઈસીસીમાં સભ્ય, પ્રદેશ કારોબારીમાં મહામંત્રી, ઉપપ્રમુખ વગેરે હોદ્દાઓ પછી આખરે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા છે.

ઇમેજ સ્રોત, @jagdishthakormp
એક ઓછી જાણીતી વાત એ છે કે કપડવંજમાં 1998માં તેઓ લોકસભા બેઠક જીતી શકે તેમ હતા, પરંતુ શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપને કારણે હારી ગયેલા.
જગદીશ ઠાકોર સામે ભાજપના જયસિંહ ચૌહાણ 51,000 મતોથી જીતેલા, પરંતુ વાઘેલાની નજીકના મનાતા કિશોરસિંહ સોલંકી 1,81,000 મતો લઈ ગયેલા. વાઘેલા સામેનો એ રોષ એ રીતે જૂનો છે. જોકે તેઓ આ મોટા નેતાઓ સામે પોતાને હનુમાન ગણાવે છે એ જુદી વાત છે.
મોટા નેતાઓના હનુમાન તરીકે આખો પહાડ ઉપાડી લાવવાનું અઘરું કામ કરી ચૂકેલા ઠાકોર માટે હવે જોકે આગેવાની લેવાની છે.
તેઓ આમ કોઈ એક જૂથના કટ્ટર સમર્થક નથી રહ્યા તેથી બધાને સાથે રાખીને ચાલી શકે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેમની આક્રમક ભાષણ શૈલી તેમને લોકપ્રિય બનાવે છે, પણ તેમણે સૌરાષ્ટ્રમાં પોતાની છાપ પાડવાની બાકી છે.
તેમની સાથે જ વિપક્ષના નેતા તરીકે આદિવાસી આગેવાન સુખરામ રાઠવાની પસંદગી થઈ છે, પણ આદિવાસી પટ્ટામાં કૉંગ્રેસની મુશ્કેલીઓ પણ વધી છે.

'અત્યાર સુધી ચૂંટણીમાં થયેલી તમામ હારનો અભ્યાસ કર્યો'

ઇમેજ સ્રોત, @jagdishthakormp
ઉત્તર ગુજરાતના આદિવાસી નેતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયા તે પછી સ્વ. અનિલ જોષીયારાના પુત્ર પણ ભાજપમાં ના જતા રહે તે માટે પ્રદેશ પ્રમુખ તરીકે તેમની જવાબદારી વધી હતી.
જોકે તેમને સાચવી શકાયા નહીં. ભિલોડા ખાતે નવ સંકલ્પ જનસંમેલનનું પણ તેમણે આયોજન કર્યું હતું, જેથી બે અગત્યના નેતાઓ પક્ષ છોડી ગયા તેનો સામનો કરી શકાય.
જૂન 2022માં યોજાયેલા તે સંમેલનમાં જગદીશ ઠાકોરે પોતાની આક્રમક શૈલીમાં કહ્યું હતું કે "પેપર લીક કરવાવાળા સાતમા આસમાનમાં પેસી ગયા છે, પણ સરકાર અમારી બનશે તો આરોપીઓને ભૂગર્ભમાંથી પણ શોધી લાવીશું."
તેમણે ભાજપ પોલીસનો ઉપયોગ કરીને કૉંગ્રેસને પરેશાન કરે છે તેવી ટીકા કરી હતી.
આક્રમક શૈલી બરાબર છે, પણ મૂળ પડકાર ધારાસભ્યોને રોકવાનો છે. આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પણ પડકાર છે, કેમ કે વસાવાના પક્ષ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે તેમનું જોડાણ થયું છે.
ફાગવેલમાં વીર ભાથીજીના મંદિરે જગદીશ ઠાકોરે પરંપરા પ્રમાણે તલવારબાજીના કૌવત દેખાડ્યા હતા, પણ રાજકારણમાં વ્યૂહરચનાનું કૌવત જરૂરી બન્યું છે.
6 ડિસેમ્બર, 2021ના રોજ પ્રદેશપ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ જગદીશ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે 2012થી માંડીને અત્યાર સુધી થયેલી ચૂંટણીમાં અમારી ભૂલો ક્યાં થઈ છે એનો ગહન અભ્યાસ કર્યો છે."
"દર વખતે અમે ઉમેદવારોને છેલ્લી ઘડીએ ટિકિટ આપીએ છીએ પણ આ વખતે અમે કૉંગ્રેસ જે સીટ પરથી હારી છે ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીશું જેથી એ વિસ્તારમાં એ લોકો કામ કરી શકે."

હવે આગળ શું?

ઇમેજ સ્રોત, ANI/TWITTER
કૉંગ્રેસની ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, "કૉંગ્રેસને વરેલી વોટ બૅંકમાં ગાબડું નથી પડ્યું. ફ્લોટિંગ વોટ ગયા છે. નોટામાં વધુ વોટ પડ્યા છે. નોટા તરફ ગયેલા વોટ કેવી રીતે અંકે કરાય એની અમે બ્લૂ-પ્રિન્ટ બનાવી છે."
જોકે આ બ્લૂ-પ્રિન્ટ શું હોઈ શકે તે 'સિક્રેટ' છે એમ કહીને ઉમેરેલું કે "મોંઘવારી, બેરોજગારી અને કોરોનામાં લોકોને પડેલી હાલાકી, સરકારની નિષ્ફળતા - આ બધા જ લોકોને સ્પર્શતા મુદ્દાઓના પ્રચારની એક નવી પદ્ધતિ અપનાવીશું."
પ્રચારની નવી પદ્ધતિ કેવી હશે તેનો પણ સવાલ રહેવાનો, કેમ કે 'વિકાસ ગાંડો થયો છે' એવો પ્રચારનો મારો લોકોએ સ્વંયભૂ સોશિયલ મીડિયા પર ચલાવ્યો હતો તે પછીય એક હદથી વધારે ફાયદો લેવાની સ્ટ્રૅટેજી ગુજરાત કૉંગ્રેસમાં દેખાઈ નથી.
જોકે જગદીશ ઠાકોર કાર્યકરોમાં જોશ જગાવી શકે છે અને ઘણી વાર જીતી જવાનો જોશ પણ અસરકારક સાબિત થતો હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













