વિજય રૂપાણી : ગુજરાતના એ મુખ્ય મંત્રી જેમની સરકાર ભાજપે રાતોરાત હઠાવી હતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- 1971માં યુવાન તરીકે એબીવીપી, આરએસએસ અને જન સંઘ સાથે જોડાઈ ગયેલા વિજય રૂપાણી કટોકટી વખતે મીસા હેઠળ ભાવનગર અને ભુજની જેલમાં ગયેલા
- નીતિન પટેલનું નામ મુખ્ય મંત્રી તરીકે લગભગ નક્કી થઈ ગયું હતું, પણ છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું
- 2017નાં પરિણામો ચોંકાવનારાં આવ્યાં હતાં, બેઠકોની સંખ્યા ઘટીને 99 પર આવીને અટકી અને ભાજપની સત્તા માંડમાંડ બચી. જોકે રૂપાણીને ફરી સંજોગોનો સાથ મળ્યો
- 11 સપ્ટેમ્બર 2021ના રોજ એક જાહેર કાર્યક્રમમાંથી સીધા જ રાજ્યપાલને ત્યાં જઈએ તેમણે રાજીનામાનો પત્ર સોંપી દીધો
- રાજકોટમાં તેમની સામે ચૂંટણી લડેલા અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના અનુગામી કોણ બનશે તેની ભારે ઉત્સુકતા 2014માં હતી. કેન્દ્રમાં મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર બની રહી હતી તેનો ઉત્સાહ પણ હતો. તેથી ખાસ કોઈ વમળો સર્જાયા વિના ગુજરાતનાં નવાં મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેન પટેલની પસંદગી શક્ય બની હતી.
થોડા જ વખત પછી ગુજરાતનાં રાજકારણ અને સમાજકારણમાં વમળો સર્જાવા લાગ્યા. 2015માં એસપીજી (સરદાર પટેલ ગ્રૂપ) દ્વારા પટેલોને ઓબીસીમાં સમાવેશ માટે માગણી શરૂ થઈ. આગળ જતા પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)એ બાજી હાથમાં લીધી અને બહુ ઝડપથી માગણીએ રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ લીધું.
ઑગસ્ટ-2015માં અમદાવાદમાં મહાસભા યોજાઈ તેમાં હિંસા થઈ અને મામલો વિફર્યો. તેના રાજકીય પડઘા લંબાતા રહ્યા અને એક વર્ષ પછી ઑગસ્ટ 2016માં આખરે આનંદીબહેન પટેલે ફેસબુક મારફતે રાજીનામું આપી દીધું.
એવું પણ કહેવામાં આવે છે કે આનંદીબહેન પટેલને હઠાવવા માટે આંદોલનનો ઉપયોગ થઈ ગયો. આક્ષેપો કરતાંય હવે મુખ્ય મંત્રી કોણ બને તે વધારે અગત્યનું બની ગયું હતું. 2014માં જ નરેન્દ્ર મોદી દિલ્હીમાં પોતાની સાથે અમિત શાહને લઈ ગયા હતા - ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે. એ હોદ્દો પણ બહુ મોટો ગણાય, પણ સીએમ બનવાની તમન્ના કોઈ પણ નેતાની હોય.
ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહનું નામ પણ ફરી ચર્ચામાં આવ્યું, પરંતુ ગુજરાતની ગાદી માટે વિજય રૂપાણીની પસંદગી થઈ. નીતિન પટેલ વિકલ્પે લગભગ નક્કી થઈ ગયા હતા, પણ તેમની સામે અમિત શાહને વાંધો હોવાની વાતો ચાલેલી, તો આનંદીબહેન જૂથનો પણ વિરોધ હોવાનું ચર્ચાયું. સર્વસંમતિના અભાવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું નામ સીએમ તરીકે નક્કી કરાવવામાં અમિત શાહને બહુ અઘરું ના પડ્યું.

કેવી રીતે મળ્યું હતું મુખ્ય મંત્રીપદ

ઇમેજ સ્રોત, Getty Images
નવી સરકાર સામે અનામત આંદોલનના પડઘા શાંત પાડવાનો પ્રશ્ન હતો.
જૂથો વચ્ચે વહેંચાવા લાગેલા ગુજરાત ભાજપને 2017 સુધીમાં ચૂંટણીમાં જીતવા માટે તૈયાર કરવાનો પડકાર પણ હતો. આ પડકારો રૂપાણી સામે છે એમ કોઈ કહેતું નહોતું, કેમ કે ધારણા એ હતી કે માત્ર ચૂંટણી સુધી જ રૂપાણી સીએમ બન્યા છે.
2017ની ચૂંટણી પછી વિજય રૂપાણીની જગ્યાએ નવો કોઈ ચહેરો આવશે એમ માની લેવાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017નાં પરિણામો ચોંકાવનારાં આવ્યાં- બેઠકોની સંખ્યા ઘટીને માત્ર બે આંકડાંમાં, 99 પર આવીને અટકી અને ભાજપની સત્તા માંડમાંડ બચી. રૂપાણીને ફરી સંજોગોનો સાથ મળ્યો.
નવા સીએમ લાવીને નવી સમસ્યા ઊભી કરવાના બદલે ભાજપે તેમને જ બીજી વાર સીએમ બનાવ્યા. 2021ના મધ્ય સુધી મુખ્ય મંત્રી તરીકે રહ્યા અને બે મુદત સાથે પાંચ વર્ષ સરકારનાં પૂર્ણ થયાં ત્યારે તેની ઉજવણી પણ થઈ.

મુખ્ય મંત્રી પદેથી રાજીનામું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પાસાં ફરી પલટાયાં અને ઉજવણીનો થાક ઉતરે તે પહેલાં જ વિજય રૂપાણીને સૂચના આવી ગઈ કે 'રાજીનામું આપી દેશો.' પાંચ વર્ષ અને 35 દિવસ પછી 11 સપ્ટેમ્બર 2021ના રોજ એક જાહેર કાર્યક્રમમાંથી સીધા જ રાજ્યપાલને ત્યાં જઈએ તેમણે રાજીનામાનો પત્ર સોંપી દીધો. આ કાર્યક્રમ અમદાવાદમાં બનેલા સરદારધામનો હતો, જેનું લોકાર્પણ વડા પ્રધાન મોદીએ વર્ચ્યુઅલી કર્યું હતું.
વિજય રૂપાણીએ વિદ્યાર્થીકાળથી જ એબીવીપીમાં સક્રિય થઈને રાજકારણની લાંબી મઝલ કાપીને સીએમ બનવા સુધીની સફર ખેડી છે. તેમાં દર વખતે ભાગ્ય સાથ આપે તેવું ના બને.
હકીકતમાં તેઓ ધીરજથી રાજકોટમાં રાજકારણ કરતા રહ્યા હતા અને કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા જેવા દિગ્ગજોની વચ્ચે પોતાનું સ્થાન ઊભું કરી રહ્યા હતા. તેઓ રાજ્યસભામાં સંસદસભ્ય બન્યા હતા, પણ રાજકોટમાંથી ધારાસભ્ય બનવા માટે વજુભાઈ વાળા બેઠક ખાલી ના કરે ત્યાં સુધી તેમણે વિધાનસભામાં પ્રવેશની રાહ જોવી પડી હતી.
વજુભાઈને હટાવવા માટે તેમણે 2012માં ભારે મથામણ કરી હતી, પણ આખરે 2014માં વજુભાઈ રાજ્યપાલ તરીકે ગયા ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી તેઓ ધારાસભ્ય બન્યા. રસપ્રદ વાત એ છે કે 2014માં પેટાચૂંટણીમાં વિજય રૂપાણીને 24 હજારની લીડ મળી હતી, પણ 2017માં સીએમ તરીકે પાટીદારોના જોર વચ્ચે પણ 53,000થી વધુની લીડ મેળવી હતી.

વિજય રૂપાણીની કારકિર્દીમાં સરકાર, સંગઠન અને સંકલનમાં તેમની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
2022ની ચૂંટણીના સવા વર્ષ પહેલાં વિજય રૂપાણીને રાતોરાત હઠાવી દેવાયા. ઘણાં કારણો ચર્ચામાં રહ્યાં - કોરોનાકાળમાં કથિત ગેરવહીવટ, કથિત રીતે તંત્ર પર કાબૂનો અભાવ, ધમણ વૅન્ટિલેટર માટે વધારે પડતો ઉત્સાહ અને વિવાદ, રાજકોટ નજીક હિરાસર ઍરપૉર્ટની આસપાસની અને અન્ય જમીનોમાં કથિત ગેરરીતિના વિવાદ, રાજકોટમાં પોલીસ અધિકારીઓ દ્વારા કથિત તોડકાંડ વગેરે.
રાજકોટમાં તેમની સામે ચૂંટણી લડેલા અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઇન્દ્રનિલ રાજ્યગુરુએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. તેમની સામે રૂપાણીએએ બદનક્ષીની નોટિસ પણ મોકલી છે.
હિરાસરની જમીનના મામલે આઈએએસ કે. રાજેશની સચિવાલયની ઑફિસમાં અને રાજકોટમાં કેટલાક લોકો પર સીબીઆઈએ રેડ કરી હતી. ધમણ વૅન્ટિલેટર મામલે પણ વિવાદ થયો હતો, પરંતુ રાજકીય નિષ્ણાતો અનુસાર સૌથી મોટું કારણ બન્યું સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ.
એક તરફ ગુજરાતમાં લોકો ઑક્સિજનના અભાવે મરી રહ્યા હતા અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં ન હતાં, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પાસે 5,000 ઇન્જેક્શનો ક્યાંથી આવ્યાં? આવા રોષભર્યા સવાલો દર્દીઓના સગા પૂછી રહ્યા હતા, ત્યારે રૂપાણીનો જવાબ હતો - 'સીઆરને જ ખબર, સીઆરને પૂછજો.' ટૂંકમાં આ બાબતમાં 'મને ખબર નથી'
વિજય રૂપાણીએ વિવિધ પ્રસંગોએ 'મને ખબર નથી' એવા જવાબો આપેલા અને તે પછી સોશિયલ મીડિયામાં 'મને ખબર નથી'નો મજાકિયો ટ્રૅન્ડ પણ શરૂ થયેલો અને અનેક મીમ્સ બનેલા.
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે રૂપાણીની વિદાય પાછળ સીઆર પાટીલનું પ્રદેશપ્રમુખ તરીકે આગમન બહુ અગત્યનું પરિબળ બની રહ્યું. આનંદીબહેનની જગ્યાએ સીએમ બન્યા ત્યારે વિજયભાઈ પોતે જ પ્રદેશપ્રમુખ હતા. તે સ્થાન જિતુ વાઘાણીને અપાયું હતું.
તેથી જ સીઆર પાટીલની પ્રદેશપ્રમુખ તરીકે નિમણૂક થઈ ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું. જુલાઈ 2020માં પાટીલ તરત જ સક્રિય થઈ ગયા હતા. કોરોનો કાળમાં નિયમોનો ઉઘાડે છોગ ભંગ કરીને ચારે બાજુ ટોળાં એકઠાં કરવાના આરોપ લાગ્યા હતા.
સંગઠનમાંથી ફરિયાદો આવતી રહી કે પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળતા નથી, તેથી કાર્યકર્તાને સાંભળવામાં નથી આવતા તેવી ફરિયાદ પાટીલે પણ કરી હતી.
એક તરફ નીતિન પટેલનું જૂથ, રૂપાણીની રાજકોટ લૉબી અને હવે સુરતની લૉબી સક્રિય બની ત્યારે કોઈકનો ભોગ લેવાશે તેવી ચર્ચાઓએ વેગથી વહેતી થઈ હતી, પણ આખી સરકારનો જ ભોગ લેવાઈ ગયો. વિજયભાઈ નહીં, સમગ્ર પ્રધાનમંડળ બદલાઈ ગયું.

લાંબી રાજકીય કારકિર્દી

ઇમેજ સ્રોત, Getty Images
રાજકોટ મહાપાલિકામાં અરવિંદ મણિયારના સમયથી સત્તાનો પાયો નખાયો હતો, તેમાં ભાજપના રૂપાણી જેવા યુવા નેતાઓને આગળ વધવાની તક મળી.
રાજકોટ તેમનું કર્મસ્થાન રહ્યું છે, પણ તેમનો જન્મ તે વખતે બર્મા (હાલનું મ્યાનમાર) તરીકે ઓળખાતા દેશની રાજધાની રંગૂનમાં થયેલો.
રમણિકલાલ રૂપાણી અને માયાબહેનનો જૈન પરિવાર ત્યાં વેપાર અર્થ વસેલો, જ્યાં બીજી ઑગસ્ટ, 1956માં વિજયભાઈનો જન્મ થયેલો. 1960માં પરિવાર રાજકોટ પરત ફર્યો તે પછી ભણતર અને ઘડતર રાજકોટમાં થયું.
1971માં યુવાન તરીકે એબીવીપી, આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને જન સંઘ સાથે જોડાઈ ગયેલા વિજય રૂપાણી 1976માં કટોકટી વખતે મીસા (મૅન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યૉરિટી ઍક્ટ) હેઠળ ભાવનગર અને ભૂજની જેલમાં ગયેલા.
રાજકીય કારકિર્દીના પ્રારંભમાં જ તેમને આ રીતે લડવાની તક મળી ગયેલી. રાજકોટની ધર્મેન્દ્રસિંહ કૉલેજમાં જીએસ બનેલા. એલએલબી કર્યું, પણ વકીલાત કરવાના બદલે 1978થી 1981 સુધી આરએસએસના પ્રચારક તરીકે સક્રિય રહ્યા. સ્ટૉક બ્રૉકિંગનું કામ પણ કર્યું હતું અને રાજકોટમાં સ્ટૉક ઍક્સચેન્જ બન્યું હતું તેમાં ડિરેકટર પણ હતા.
80ના દાયકામાં સંઘમાંથી ઘણા લોકોને હવે જનસંઘમાંથી ભાજપ બનેલા પક્ષમાં મોકલવામાં આવી રહ્યા હતા. વિજય રૂપાણી રાજકોટ ભાજપ એકમમાં મહામંત્રી બન્યા. 1987માં રાજકોટ કૉર્પોરેશનની ચૂંટણી લડ્યા, 1988થી એક દાયકો સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન રહ્યા અને આગળ જતા 1996-97માં તેઓ મેયર પણ બન્યા હતા.
રાજ્ય કક્ષાએ ભાજપ સંગઠનમાં પણ તેમને સ્થાન મળવા લાગ્યું હતું. 1995માં કેશુભાઈની સરકાર બની તે પછી 1998માં તેઓ પ્રદેશ મહામંત્રી બન્યા. ચૂંટણીઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ બન્યા. 2006માં પર્યટન નિગમ અને 2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચૅરમૅન બન્યા. 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા.
વજુભાઈ વાળાની વિદાય પછી રાજકોટ પશ્ચિમની પેટાચૂંટણીમાં જીતીને ધારાસભ્ય બન્યા એ પછી આનંદીબહેન સરકારમાં કૅબિનેટપ્રધાન પણ બન્યા હતા. ફેબ્રુઆરી 2016માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તેમની પસંદગી થઈ અને થોડા જ મહિના પછી તેમણે મુખ્ય મંત્રી બનવાની તક પણ મળી ગઈ.

વિવાદોથી ભરપૂર કાર્યકાળ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગાંધીનગરમાં ડિસેમ્બર 2018માં ઑનલાઇન અરજીથી જમીનોના એનએ (નૉન-ઍગ્રિકલ્ચર) સર્ટિફિકેટ આપવાની સિસ્ટમ હેઠળ સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો તેમાં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'હવે તો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. 20-25 વર્ષ પહેલાં આવું નહોતું, પણ હવે બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં છે. આપણે ત્યાં સૌથી વધુ વધારે બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું અને બીજા નંબર પર પોલીસ ખાતું છે.'
બીજી વાર પોરબંદરમાં ફરી વિવાદાસ્પદ નિવેદન કર્યું કે, "હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે. મારી સરકારે હોટેલ સંચાલકોને પોલીસનું લાઇસન્સ લેવામાંથી મુક્તિ આપી છે."
વિજય રૂપાણીને નિશાન બનાવીને 'મને ખબર નથી' એ પ્રકારનો હેશટૅગ તો ટ્વિટર પર જોવા મળ્યો હતો.
તે પછી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ અને સુરત જૂથ તરફથી ભીંસ વધી તે પછી તેમની અકળામણ જાહેરમાં દેખાતી રહી હતી. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ભાજપના જ નેતાઓ દ્વારા લાંચ-રુશ્વત સ્વીકાર્યા અંગેના ગંભીર આરોપ, કોરોના વખતે અમલદાર તંત્રને છૂટોદોર મળ્યાના આરોપ, ભરતી પરીક્ષામાં પેપરો ફૂટવાની ઘટનાઓ, કોરોનામાં શાળાની ફીની માફી પણ ના થઈ, તાઉતે વાવાઝોડા પછી રાહત કામગીરીમાં ઢીલ વગેરે દર્શાવી રહ્યા હતા કે તેમની પકડ છૂટી રહી છે.
દરમિયાન તારીખ સાત મે, 2020ના રોજ પત્રકાર ધવલ પટેલે લખ્યું કે 'કોરોનાકાળમાં નિષ્ફળતા બદલ રૂપાણીને હઠાવી દેવાશે.' 11 મેના રોજ ધવલ પટેલની રાજદ્રોહ જેવા ગંભીર ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ તેના પડઘા પડ્યા હતા. એક વર્ષ પછી ખરેખર તેમની વિદાય થઈ.

ભાજપમાં મોભો ઘટ્યો કે વધ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈનો પુરુષાર્થ તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં દેખાયા વિના રહેતો નથી, પણ રાજકારણમાં પ્રારબ્ધ એટલે કે સમય અને સંજોગોના ખેલ પુરુષાર્થને એળે પણ કરી દેનારા હોય છે.
20 ઑગસ્ટ 2022ના રોજ અંબાજીમાં પરિવાર સાથે દર્શન કરવા આવેલા વિજય રૂપાણીએ પત્રકારોને કહ્યું કે "અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતી, પાર્ટી કરે છે. પાર્ટી લડાવે તો લડીશું, નહીં લડાવે તો નહીં લડીએ. પક્ષ કહે તેમ કરીશું."
આ વાત થઈ તે દિવસે જ મોડી સાંજે પાર્ટીએ વધુ એક આંચકાજનક નિર્ણય કર્યો હતો. બે સિનિયર પ્રધાનોના મહત્ત્વનાં ખાતાં લઈ લેવાયાં હતાં. બીજા દિવસે સાંજે ગુજરાત ભાજપની કૉર કમિટીમાં છ નવા નેતા મૂકાયાના સમાચાર આવ્યા. તેમાં નીતિન પટેલ અને વિજય રૂપાણી બંનેનાં નામ ધ્યાન ખેંચતાં હતાં.
આગામી ચૂંટણીમાં ટિકિટોનો નિર્ણય કરવાની જવાબદારી જેની છે તે સમિતિમાં સ્થાન આમ મોભો પાછો આવ્યો એમ ગણાય, પરંતુ બીજી રીતે જુઓ તો બંને નેતા માટે ખુદની ટિકિટ માગવાનું મુશ્કેલ બની શકે તેમ કહી શકાય છે. જોકે ચૂંટણી સુધી શું થાય તે કહેવું હજી વહેલું છે.
ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ ગુમાવનાર વિજય રૂપાણીને આ વર્ષે નવ સપ્ટેમ્બરના પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવાયા. તેઓ જે રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યાં શું તેમનો મોભો ઓછો થયો કહેવાય?
રાજકોટ શહેર સંગઠનમાં પણ ફેરફારો થયા છે અને રાજકીય વિશ્લેષકો પ્રમાણે રૂપાણી નજીક ગણાતા લોકોને દૂર કરી દેવાયા છે. પક્ષ શું કરવા માગે છે તે આ રીતે નક્કી થઈ રહ્યું છે, પણ સંજોગો શું કરાવશે અને વિજયભાઈ ભૂતકાળમાં ટક્કર લેતા આવ્યા છે તે રીતે ખાંડાં ખખડાવશે તે જોવાનું રહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાજકોટના એક પત્રકાર કહે છે કે ભૂતકાળમાં શહેરમાં સંગઠનમાં જ્યારે ચણભણ થયેલી, ત્યારે વિજયભાઈએ કાર્યાલયને તાળું મારી દેવાની હિંમત કરેલી.
સૌરાષ્ટ્રમાં ભાજપની વૉટબેન્ક ના હોય તેવી જ્ઞાતિના આગેવાનોને કૉંગ્રેસમાંથી લઈ આવવામાં સંગઠનના મહામંત્રી, પ્રદેશપ્રમુખ અને પછી નરેન્દ્ર મોદીના રાજ્યમાંથી ગયા પછી તેમણે સીએમ તરીકે પણ અગત્યના સમયે ખુરશી સંભાળી હતી.
પાટીલ સામેની નારાજી તેઓ સતત વ્યક્ત કરતા રહ્યા છે. રાજકોટમાં તેમના કાર્યક્રમો હોય ત્યારે ગેરહાજર રહેવું, પાટીલ જેમને મહત્ત્વ આપતા હોય તેવા નેતાઓ સામે જાહેરમાં બાખડવું, વગેરે બનાવોથી ભાજપની જૂથબંધીની જાહેરમાં ફજેતી થતી રહી છે. પરંતુ નવું પ્રધાનમંડળ લાવવાનો પ્રયોગ સફળ થયેલો લાગતો નથી; રસ્તા પર ખાડા અને રખડતા ઢોરની સમસ્યા, આમ આદમી પાર્ટીની સક્રિયતાથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે તેવા સંજોગોમાં રૂપાણીને સાચવવા ભાજપ પ્રયાસો કરશે?
વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી જ ના રહે ત્યારે કોઈ ઉમેદ રહેતી નથી, પણ રાજકારણમાં ક્યારેય કારકિર્દીને પૂર્ણવિરામ મૂકાતું નથી. સંજોગો બદલાતા રહે છે. એવું પણ કહેવાય છે કે દોઢ દાયકા પહેલાં વિજયભાઈ હતાશ થઈ ગયા હતા અને રાજકારણ છોડી દેવા વિચારતા હતા. તેમના યુવાન પુત્રના અકાળ અવસાનથી તેઓ વિચલિત થયા હતા. પુત્રના નામે ટ્રસ્ટ ચલાવી સેવાકીય પ્રવૃત્તિમાં રત થવાનું વિચારતા હતા.
જોકે તે પછી સંજોગો બદલાયા અને એક પછી એક હોદ્દા અને જવાબદારીઓ તેઓ ઉપાડતા રહ્યા. આગામી વર્ષોમાં સંજોગો અનુસાર આવનારા વળાંક લેનારા માર્ગે વિજય રૂપાણી કદાચ ચાલતા રહેશે, કેમ કે આ વખતે સત્તા ગુમાવ્યા પછી તેમણે નિવૃત્તિની જાહેરાત કરી નથી.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













