ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભરતસિંહ સોલંકી, કૉંગ્રેસના એ નેતા જેમને ભાજપ પણ હળવાશમાં નથી લેતો

ઇમેજ સ્રોત, @BharatSolankee
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

- સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને કન્સ્ટ્રક્શન સહિતના વ્યવસાય કરનારા ભરતસિંહ રાજકીય કારકિર્દીનું ઘડતર મજબૂત પાયે કરવામાં માનનારા છે
- મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ઓબીસી, ક્ષત્રિય ઓબીસી અને ઠાકોર સમાજ પર સોલંકી પરિવારના પ્રભાવને કારણે ભરતસિંહની અવગણના થઈ શકે તેમ નથી
- 1991માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે ભરતસિંહ સક્રિય થઈ ગયા હતા. તે વખતે બૂથ કેપ્ચરિંગ સહિતની ફરિયાદો થયેલી અને તોફાનો પણ થયેલાં
- 2006માં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ બનાવાયા. તે પછીની 2007ની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ થોડો સુધર્યો હતો અને વધારે આઠ બેઠક જીતી હતી

કહેવાય છે કે નેતા ક્યારેય નિવૃત્ત ના થાય, કેટલાક અપવાદ સિવાય. ગુજરાતમાં એક દાયકો મુખ્ય મંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીએ સક્રિય રાજકારણ છોડી દીધા પછી ભાગ્યે જ રાજકીય પ્રવૃત્તિ આદરી કે નિવેદનો કર્યાં હતાં.
29 જુલાઈએ તેમની જન્મતિથિએ પુત્ર ભરતસિંહે કાર્યક્રમ કર્યો ત્યારે તેઓ ફરી સક્રિય થઈ રહ્યા છે એવા અહેવાલો આવ્યા, કારણ કે ભરતસિંહ હાલમાં 'શૉર્ટ ટર્મ બ્રૅક' પર છે. તેમણે વચગાળાની નિવૃત્તિ જાહેર કરેલી છે. પણ આ નિવૃત્તિ ક્યાં સુધી અને 2022ની ચૂંટણીમાં પરદા પાછળ તેમની કેટલી સક્રિયતા રહેશે તે ચર્ચાઓ કૉંગ્રેસની અંદર અને બહાર બંને જગ્યાએ ચાલી રહી છે.
ભરતસિંહે રાજકારણમાંથી થોડો સમય ક્ષેત્રસંન્યાસ લેવાની જાહેરાત કરી તેનું કારણ રાજકીય નથી, પરંતુ સાંસારિક સમસ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભરતસિંહ અને તેમનાં પત્ની રેશમા પટેલ વચ્ચે કૌટુંબિક વિખવાદ ચાલે છે અને છૂટાછેડા માટેનો કેસ પણ થયેલો છે.
ભરતસિંહનો આ અંગત મામલો જાહેર વિવાદ બની ગયો અને તેને કારણે તેમને સક્રિય રાજકારણથી થોડો સમય દૂર થઈ જવાની ફરજ પડી છે.
ભરતસિંહે હિંમતભેર પત્રકારપરિષદ કરી અને જણાવેલું કે "મારા ડિવૉર્સનો કેસ ચાલે છે અને તે મળી જશે તે પછી કદાચ ત્રીજાં લગ્ન પણ કરવાનો છું."
તેમણે પત્રકારપરિષદમાં જણાવ્યું કે પોતે 'બ્રૅક લે છે, સક્રિય રાજકારણમાંથી'. થોડા મહિના માટે શૉર્ટ ટર્મ બ્રૅક લેવાની વાત કરનારા ભરતસિંહ સોલંકી શું 2022ની ચૂંટણીના પડઘમ વાગે ત્યારે ફરી સક્રિય થશે ખરા?
આ સવાલ ગુજરાત કૉંગ્રેસ અને ગુજરાત ભાજપ બંને માટે અગત્યનો છે, કેમ કે ભાજપના નેતાઓ પણ માને છે કે ભરતસિંહ સોલંકીની અવગણના કરી શકાય નહીં.

ભરતસિંહ સોલંકીનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય ગુજરાતમાં આજેય સોલંકી પરિવાર અને તેમના ટેકેદારોનું વર્ચસ્વ છે. 2002માં ગોધરાનાં રમખાણો પછી થયેલી ચૂંટણીમાં ભાજપને 43માંથી 39 બેઠક મળી હતી. પરંતુ તે પછી ફરીથી કૉંગ્રેસ અહીં સારો દેખાવ કરી શકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ઓબીસી, ક્ષત્રિય ઓબીસી અને ઠાકોર સમાજ પર સોલંકી પરિવારના પ્રભાવને કારણે ભરતસિંહની અવગણના થઈ શકે તેમ નથી.
જૂન 2020માં ગુજરાતમાં રાજ્યસભાના ચાર સભ્યપદો માટેની ચૂંટણી હતી - ભાજપ અને કૉંગ્રેસ બંનેને બબ્બે બેઠક મળી શકે તેમ હતી. પરંતુ એવો ખેલ ખેલાયો કે કૉંગ્રેસે ભરતસિંહને ઉમેદવાર બનાવવા પડ્યા. શક્તિસિંહ ગોહિલનું નામ નક્કી હતું, પણ બીજા ઉમેદવાર તરીકે રાજીવ શુક્લની પસંદગી થઈ ત્યારે ભરતસિંહે બળવો કરવાનાં એંધાણ આપ્યાં એટલે મોવડીમંડળે પીછેહઠ કરવી પડી.
એક પછી એક આઠ કૉંગ્રેસી ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો ત્યારે ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાનાં પત્ની કોકિલાબહેને નિવેદનો આપ્યાં હતાં કે "ભરતસિંહનો જ અમારા પર ફોન આવ્યો હતો અને પૂછતા હતા કે શું ભાજપમાં જવાય ખરું? તેમણે કૉંગ્રેસમાં કહ્યું કે આટલા ધારાસભ્યો ભાજપમાં જતા રહેવાના છે તે રીતે અમારા નામનો ઉપયોગ કર્યો."
કાકડિયા સહિતના આઠ ધારાસભ્ય જતા રહ્યા, રાજ્યસભાની બેઠક ગઈ પછીય ભરતસિંહ વિરુદ્ધ કોઈ પગલાં અંગે કૉંગ્રેસ મોવડીમંડળ વિચારી શક્યું નહોતું.

ઇમેજ સ્રોત, ANI
ભાજપ પણ ભરતસિંહની તાકાતને સમજે છે, કેમ કે રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર ભરતસિંહે પોતાના જોરે ભાજપમાંથી એક કે બે ધારાસભ્યોને 'તોડવાની ગોઠવણ' કરી લીધી હતી તેમ મનાતું હતું. તેમાંથી એક (માતરના ધારાસભ્ય) કેસરીસિંહ સોલંકીને ભાજપે છેલ્લી ઘડીએ 'બીમાર પાડી દીધા' અને તેમના નામે પ્રૉક્સી વોટની વ્યવસ્થા કરીને તેમનો મત ભરતસિંહને જતો અટકાવ્યો હતો.
આ કિસ્સો દર્શાવે છે કે ભરતસિંહને ભાજપ પણ હળવાશથી લેતો નથી. તેથી જ ભલે તેમણે બ્રૅક લેવાની જાહેરાત કરી હોય, ચૂંટણી પહેલાં ભરતસિંહ ફરી સક્રિય થશે.
અમિત ચાવડાની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત થઈ તે સાથે જ ભરતસિંહ રાજકોટ પહોંચી ગયા હતા. ખોડલધામના નેતા નરેશ પટેલની સાથે તેમણે મુલાકાત કરી.
સૌરાષ્ટ્રના એક પટેલ નેતાને કૉંગ્રેસમાં વાજતેગાજતે સ્વાગત કરવા માટેની તૈયારીમાં પોતે પાછળ નથી અને સૌથી પહેલા પોતે જ નરેશ પટેલને આવકારવા તૈયાર હતા તે વાત ભારપૂર્વક ભરતસિંહ સોલંકી દર્શાવી રહ્યા હતા.

પટેલ વિરુદ્ધ ક્ષત્રિયની લડાઈ

ઇમેજ સ્રોત, @BharatSolankee
પટેલ વિરુદ્ધ ક્ષત્રિય (ઓબીસી ક્ષત્રિય સહિત)નું રાજકારણ સોલંકી પરિવાર સાથે પેઢીઓથી સંકળાયેલું છે. પટેલ વિરુદ્ધ ક્ષત્રિયની એ લડાઈ કૌટુંબિક લડાઈમાં પણ દેખાઈ તે વક્રતા છે.
માધવસિંહ અને ઈશ્વરસિંહ ચાવડા વિરુદ્ધ ભાજપ જ્ઞાતિવાદી પ્રચાર કરતો રહ્યો છે, પણ વક્રતા એ છે કે બાબુભાઈ જશુભાઈ પટેલે 1957માં ઈશ્વરસિંહને પોસ્ટકાર્ડ લખીને તેમના યુવાન જમાઈ માધવસિંહને બોરસદમાંથી ચૂંટણી લડાવવા જણાવ્યું હતું.
પત્રકાર રહેલા માધવસિંહને સાહિત્યજગતમાં રુચિ હતી, રાજકારણમાં ઓછી.
બીબીસી ગુજરાતીના એક લેખમાં ભરતસિંહના મિત્રોએ જણાવ્યું હતું કે માધવસિંહની જેમ જ ભરતસિંહે પણ રાજકારણમાં આવવાની અનિચ્છા દર્શાવી હતી. પરંતુ 1989માં તેમના નાના ઈશ્વરસિંહ લોકસભાની ચૂંટણી આણંદથી હારી ગયા એટલે ભરતસિંહે નિર્ધાર કર્યો કે તેમને ફરીથી અહીં જિતાડવા. 1991માં ફરીથી લોકસભાની ચૂંટણી આવી ત્યારે ભરતસિંહ હવે સક્રિય થઈ ગયા હતા. તે વખતે બૂથ કેપ્ચરિંગ સહિતની ફરિયાદો થયેલી અને તોફાનો પણ થયેલાં, પણ ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેની આવડત ભરતસિંહે અહીંથી જ મેળવી લીધી હતી.
જોકે 2014માં (અને 2019માં પણ) નરેન્દ્ર મોદીની આંધી આવી ત્યારે ભરતસિંહ પોતે જીતી શક્યા નહીં.
સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને કન્સ્ટ્રક્શન સહિતના વ્યવસાય કરનારા ભરતસિંહ રાજકીય કારકિર્દીનું ઘડતર મજબૂત પાયે કરવામાં માનનારા છે.
તેમણે પોતે એક મુલાકાતમાં કહ્યું હતું કે 'દાદાની એ ચૂંટણી પછી હું રાજકારણમાં સક્રિય થયો. 1992થી સક્રિય રાજકારણમાં આવ્યો તે અગાઉ ચૂંટણી લડવાનો કોઈ નિર્ણય લીધો ન હતો. 1994માં અમદાવાદના સર્કિટ હાઉસમાં પહેલી વાર મારો જન્મદિવસ ઊજવવાનું નક્કી થયું. અનેક લોકોનો આગ્રહ હતો કે હું ચૂંટણી લડું. એ સમયે પૂર્વ ગૃહમંત્રી જિતુ શાહે એક વર્ષ પછી આવનારી ચૂંટણીમાં લડવા માટે મને પ્રોત્સાહન આપ્યું અને 1995માં કૉંગ્રેસે મને ટિકિટ આપી અને હું પહેલી વાર ધારાસભ્ય થયો."

એક સફળ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીના વારસદાર

ઇમેજ સ્રોત, @BharatSolankee
બીબીસી ગુજરાતીના આ લેખ અનુસાર ગુજરાતના રાજકારણમાં મુખ્ય મંત્રી તરીકે માધવસિંહનો સૂરજ સોળે કળાએ ખીલેલો હતો, એ વખતે અમદાવાદના નવરંગપુરાના બે બેડરૂમના અર્ચિતા ઍપાર્ટમેન્ટમાં ભરતસિંહ સોલંકી રાજકારણથી દૂર યુવાન તરીકેનું જીવન જીવતા હતા.
જોકે ભારતમાં રાજકારણીનો દીકરો રાજકારણી ના બને તો જ નવાઈ. માધવસિંહ સોલંકી ગુજરાતના એક સફળ મુખ્ય મંત્રી મનાયા અને કેન્દ્રમાં વિદેશમંત્રી પણ બન્યા હતા. ગાંધી પરિવાર માટેની વફાદારીનું ફળ પુત્ર ભરતસિંહને ના મળે એમાં કોઈ નવાઈ નથી.
અહમદ પટેલ હતા ત્યાં સુધી સોલંકી પરિવારનો દબદબો એકહથ્થું થઈ શકે તેમ નહોતો. કેન્દ્રમાં ગાંધી પરિવારની પેઢી બદલાઈ અને રાજીવ ગાંધી સાથે હવે અહમદ પટેલ જોડાયા હતા. સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે અહમદ પટેલનો અભિપ્રાય આખરી ગણાતો રહ્યો.

ઇમેજ સ્રોત, @BharatSolankee
2017માં અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, તેની વિરુદ્ધના ઓબીસી અધિકારોના નેતા અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને કનૈયા જેવા યુવા નેતાઓને પણ કૉંગ્રેસમાં લેવામાં આવ્યા અને નરેશ પટેલ જોડાતા જોડાતા રહી ગયા. જોકે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.
ભરતસિંહની 2022ની ચૂંટણી પહેલાંની હાજરી કેવી અને કેટલી - આ સવાલ તેમના 'શૉર્ટ ટર્મ બ્રૅક' પછી પણ ઊભો જ છે. 2017માં સારા દેખાવ છતાં સત્તા ના મળી તે પછી ભરતસિંહે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ તેમના મામાના દીકરા અમિત ચાવડાને જ બેસાડવામાં આવ્યા એટલે તેમનું વર્ચસ્વ ઘટ્યું નહોતું.

લાંબા સમય બાદ કોરોનાને હરાવ્યો

ઇમેજ સ્રોત, @BharatSolankee
1995માં પ્રથમ વાર ધારાસભ્ય બન્યા પણ હવે સત્તામાં ભાજપ હતો. 2002માં પણ જીત્યા પરંતુ હવે નરેન્દ્ર મોદીનો ઉદય થયો હતો. ગુજરાતમાં તક નહોતી, પરંતુ 2004 અને 2009માં આણંદથી સાંસદ બન્યા એટલે કેન્દ્રમાં તેમને રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)ના મંત્રી બનાવાયા હતા.
2017માં તેઓ ચૂંટણી લડ્યા નહોતા, પરંતુ 2022માં ભરતસિંહની ભૂમિકા શું હશે તે ચર્ચાઈ રહ્યું છે.
મોટી ઉંમરે કોરોના થયો તેને પણ ભરતસિંહે હરાવ્યો એ પણ એક પ્રકારનો વિક્રમ ગણાયો. તેઓ 101 દિવસે હૉસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે તેને એશિયામાં સૌથી લાંબામાં લાંબી કોરોનાની સારવાર ગણાવાઈ હતી.
જૂન 2020ની રાજ્યસભાની ચૂંટણી માટે ભરતસિંહે પક્ષમાં પોતાના સ્થાનને પણ જોખમમાં મૂકી દીધેલું ત્યારે જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. અંબાજી માતાના મંદિરે દર્શને ગયેલા ત્યારે તાવ જેવું હતું, પરંતુ માથે ચૂંટણી હતી એટલે અવગણના કરી.
24 જૂને કોરોના પૉઝિટિવ આવ્યો પછી વડોદરાની બૅન્કર હૉસ્પિટલમાં દાખલ થયા, પણ તબિયત લથડી એટલે સાત જુલાઈએ તેમને અમદાવાદ સીમ્સ હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા. આ દરમિયાન 51 દિવસ સુધી તેમને વૅન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.

સંક્ષિપ્તમાં : ભરતસિંહ સોલંકી અને રાજકારણ

- કૉંગ્રેસના એક જૂના જાણીતા પ્રવક્તાએ એવું કહેલું કે આવી જાહેર ફજેતી થાય તે પછીય પત્રકારો સામે આવીને બોલવાની હિંમત ભરતસિંહ જેવા માણસમાં જ હોય.
- ભરતસિંહ માટે પડકાર એ છે કે મધ્ય ગુજરાત સિવાયના વિસ્તારોમાં કૉંગ્રેસને મજબૂત બનાવવો. નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર મુકાયા છે, જે સમાન વોટબૅન્કનું પ્રતિનિધિત્વ કરે છે અને આક્રમક શૈલીના ભાષણથી ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય છે. તેથી તેમનો વિરોધ કરી શકે તેમ નથી, પરંતુ હજીય પોતાનું ધાર્યું કરાવવા ભરતસિંહ શું કરશે તે સવાલ છે.
- મોવડીમંડળ પાસે ધાર્યું કરાવવાની કળા ભરતસિંહને કદાચ પ્રારંભથી જ શીખવા મળી ગઈ હતી. 1995માં કૉંગ્રેસના ધારાસભ્ય થયા પછી 1997માં તેમને અને નવીન શાસ્ત્રી, જિતુ શાહ, સુરેન્દ્ર રાજપૂત, જગદીશ ઠાકોર અને અલકા ક્ષત્રિયને સસ્પેન્ડ કરવામાં આવેલાં.
- અલકા ક્ષત્રિયે બીબીસી ગુજરાતી સાથેની એક વાતચીતમાં કહેલું કે, "માધવસિંહ સોલંકીને રાજ્યસભાની ટિકિટ નહીં આપવાનું આંતરિક રાજકારણ રમાયું હતું જેનો અમે વિરોધ કર્યો હતો. ભરતસિંહ સોલંકીએ કોઈ ભાષણ પણ આપ્યું નહોતું, છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વિવાદ ઘણો ચગ્યો હતો અને એ પછી સસ્પેન્શનનો ઑર્ડર પરત લેવાયો હતો."
- ભરતસિંહને એક વર્ષ પછી ફરી આવેલી 1998ની ચૂંટણીમાં ટિકિટ મળી અને જીત્યા. 2002માં પણ જીત્યા અને ઈશ્વરસિંહ ચાવડા નિવૃત્ત થયા પછી 2004 અને 2009માં આણંદ બેઠક પરથી સાંસદ બન્યા.
- મધ્ય ગુજરાતનો ગઢ 2002માં તૂટ્યો હતો એટલે તેને ફરી મજબૂત બનાવવા ભાગરૂપે ભરતસિંહને સાંસદ અને કેન્દ્રમાં મંત્રી બનાવવા ઉપરાંત કૉંગ્રેસની સર્વોચ્ચ સમિતિ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ સમિતિ (એઆઈસીસી)માં સભ્ય પણ બનાવાયા હતા.
- 2006માં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ બનાવાયા. તે પછીની 2007ની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ થોડો સુધર્યો હતો અને વધારે આઠ બેઠક જીતી હતી.

'આપ'ની ઍન્ટ્રી અને ભરતસિંહ સોલંકીના પડકાર

ઇમેજ સ્રોત, @BharatSolankee
બીજી મુદત માટે પ્રદેશ પ્રમુખ બન્યા તે પછી હવે અહમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષમાં મોટાં ગાબડાં પડ્યાં. 2016માં શંકરસિંહ વાઘેલાની દોરવણી હેઠળ મોટા પાયે કૉંગ્રેસમાં ભાંગફોડ થઈ હતી.
એ વખતે ભરતસિંહે ધારાસભ્યોને પહેલાં આણંદના એક રિસોર્ટમાં રાખ્યા હતા અને પછી બેંગલુરુ લઈ ગયા હતા. આ મામલો અદાલતમાં પણ પહોંચ્યો હતો અને તે વખતે સોલંકીએ કહેલું કે ધારાસભ્યોને ગુજરાત બહાર લઈ જવાનો નિર્ણય પોતાનો હતો.
અહમદ પટેલની કુશળતા ખરી, પણ સાથે જ ભરતસિંહ સહિતના સૌ નેતાઓએ પ્રથમ વાર જૂથબંધી ભૂલીને રાજ્યસભાની બેઠક બચાવી હતી. જૂથબંધી ભૂલીને આવું જ સમર્થન જો ભરતસિંહને 2017માં મળ્યું હોત તો વિધાનસભાનાં પરિણામો પણ કંઈક જુદાં જ હોત એવી ચર્ચા પણ કૉંગ્રેસમાં થતી રહી છે.
એ ચૂંટણીમાં ફરી એક વાર જ્ઞાતિવાદ અને પટેલ અને ક્ષત્રિયની ચર્ચા આવી. અનામત આંદોલનના કારણે યુવા પટેલ મતદાર ત્રણ દાયકા પછી કૉંગ્રેસ તરફ વળ્યો, ત્રણેક ટકા મતનો ફાયદો થયો અને સત્તાની બહુ નજીક પક્ષ આવી શક્યો હતો. પરંતુ એ જ જ્ઞાતિવાદનું રાજકારણ તે પછીનાં પાંચ વર્ષમાં કૉંગ્રેસમાં ચાલતું રહ્યું.
અલ્પેશ ઠાકોરને સમાવીને કૉંગ્રેસે મૂળભૂત વોટબૅન્ક સાચવવાની કોશિશ કરી હતી. નરેશ પટેલને લાવીને ગત વખતના ફાયદાને નક્કર સ્વરૂપ આપવાની કોશિશ પણ થઈ.
પરંતુ હવે ભરતસિંહ સોલંકી સીધી ભૂમિકામાં નહોતા. તેમની ભૂમિકા પરદા પાછળની થઈ ગઈ. રાજ્યસભાની બેઠક ગઈ, આઠ ધારાસભ્યો ગયા, તાલુકા અને જિલ્લા પંચાયતો ગઈ અને ત્રેખડ તરીકે આમ આદમી પાર્ટીએ પ્રથમ સુરતમાં અને બાદમાં ગાંધીનગર કૉર્પોરેશનમાં પણ કૉંગ્રેસને ખીણમાં ધકેલી દેનારો ધક્કો માર્યો.
હવે જોવું રહ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભરતસિંહ સોલંકી શું કંઈ બચાવી શકશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














