ગુજરાતના એ મુખ્ય મંત્રી, જેમની જીતનો રેકૉર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી

માધવસિંહ સોલંકી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના રાજકારણમાં લાંબા ગાળા સુધી કૉંગ્રેસનો સિતારો ચમકતો રાખનાર નેતા માધવસિંહ સોલંકી (વચ્ચે)
    • લેેખક, દર્શન દેસાઈ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • 1980માં માધવસિંહની આગેવાનીમાં કૉંગ્રેસને ગુજરાતમાં જ્વલંત વિજય મળ્યો હતો - 182માંથી 139 અને તે પછી 1985માં તો નવો વિક્રમ થયો - 149 બેઠકો માધવસિંહ લઈ આવ્યા હતા.
  • તેમની આગેવાનીમાં ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ એમ ચાર વર્ગોને એક કરીને ગુજરાતની 70 ટકા વસતિને સાથે લઈને તેમણે ગુજરાતમાં જંગી બહુમતી મેળવી હતી
  • હકીકતમાં મંડલ પંચનો અમલ થાય તે પહેલાં સોલંકીએ ગુજરાતમાં બક્ષીપંચની જ્ઞાતિઓ માટે સામાજિક ન્યાયની પહેલ કરી હતી, તે રીતે દેશમાં ઓબીસી અનામત માટેના પ્રણેતા તેમને જ કહી શકાય
  • તેમનું બીજું એક અગત્યનું પ્રદાન હતું ગુજરાતની શાળાઓમાં દાખલ કરવામાં આવેલી મધ્યાહ્ન ભોજન યોજના
  • 'ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો માધવસિંહ સોલંકીએ નાખ્યો હતો'
લાઇન

કોઈને ના પાડવાનો તેમનો સ્વભાવ નહોતો, પરંતુ કોઈ તેમની પાસે રહેલું પુસ્તક થોડા દિવસ વાંચવા માગે ત્યારે તેમને કઈ રીતે ના પાડવી તે માટે આ નેતા શું કરી શકતા હશે?

"અરે તમે ગમે ત્યારે આવો, જેટલો ટાઇમ લેવો હોય એટલો લો, તમારે જે પુસ્તકો વાંચવાં હોય તે વાંચો. હું ઘરે નહીં હોઉં તો પણ મારા માણસો તમારી બરાબર મહેમાનગતિ કરશે," આવો જવાબ મને મળેલો.

તેમણે કહેલું પણ ખરું કે, "મને તો આનંદ થશે કે કોઈ પત્રકારે મારા પુસ્તકસંગ્રહનો ઉપયોગ કર્યો. પત્રકારો આમેય ક્યાં કઈ વાંચે છે."

આ નેતા એટલે માધવસિંહ સોલંકી. ગુજરાતમાં ચાર વાર કૉંગ્રેસની સરકારમાં મુખ્ય મંત્રી બનેલા સોલંકી 75 વર્ષની ઉંમરના હતા ત્યારે હું તેમને મળવા ગયેલો.

તે વખતે દસ હજાર જેટલાં પુસ્તકોની તેમની વિશાળ લાઇબ્રેરીમાં તેમની સાથે મારી કંઈક આવી વાતચીત થઈ હતી.

એક પ્રોફેસર જેવા લાગે, પણ આમ પાકા રાજકારણી, તેમની પુસ્તક ઉછીનું નહીં આપવાની તેમની આ છટા પર અમે બંને હસી પડ્યા હતા.

માત્ર પુસ્તકો જ નહીં, તેમને ફિલ્મોનો પણ બહુ શોખ હતો અને તેમની પાસે એક ડઝન જેટલી વિવિધ ભાષાઓની ફિલ્મોનો સંગ્રહ પણ હતો. તેમને સૌથી વધારે ચાર્લી ચેપ્લિન ગમતા હતા.

તેમના દિલદાર દોસ્ત હતા ગુજરાતના જાણીતા કવિ શેખાદમ આબુવાલા. બંનેની જુગલબંધી હતી અને તેઓ સાહિત્ય અને ફિલ્મોને રાતદિવસ ભૂલીને માણતા.

આવું વ્યક્તિત્વ સોંલકીનું હતું અને તેમાંથી જ તેઓ પત્રકાર, વકીલ અને આખરે એક નેતા બન્યા.

તેમનામાં આત્મવિશ્વાસ હતો અને લોકતાંત્રિક પ્રણાલીમાં વિશ્વાસ રાખતા હતા. તેમના જેવા જ વાચનરસિયા સનત મહેતા આમ તેમના ભારોભાર ટીકાકાર હતા, છતાં તેમની સરકારમાં નાણામંત્રી તરીકે કામ કરતા રહ્યા હતા.

સનત મહેતાને પડતા મૂકવાની જરૂર પડી ત્યારે એમ પણ કર્યું અને તે પછી તેમણે બીજા એવા જ પોતાના ટીકાકાર રાજકોટના અગ્રણી મનોહરસિંહ જાડેજાને 1985માં પોતાની બીજી સરકારમાંથી પડતા મૂકવામાં ખચકાટ અનુભવ્યો નહોતો.

ગુજરાતના રાજકારણ વિશેના પોતાના પુસ્તક 'સમયને સથવારે ગુજરાત'માં કુંદનલાલ ધોળકિયાએ લખ્યું છે કે "તેમના પક્ષમાં અને બીજા લોકોને પણ સૌરાષ્ટ્રના મોટા નેતાઓને પડતા મૂકવાની વાત અંગે આંચકો લાગ્યો હતો કે તેમણે આવું પગલું લીધું, પરંતુ માધવસિંહ સોલંકી એટલા શક્તિશાળી બની ગયા હતા કે તેમને હવે કોઈ પડકારી શકે તેમ નહોતા."

ધોળકિયા મુંબઈ રાજ્ય હતું ત્યારે ત્રણ વાર ધારાસભ્ય બન્યા હતા અને બાદમાં 1975થી 1985 દરમિયાન વિધાનસભાના સ્પીકર હતા.

line

કૉંગ્રેસે માધવસિંહની આગેવાનીમાં બનાવ્યા રેકૉર્ડ

1980માં માધવસિંહની આગેવાનીમાં કૉંગ્રેસને ગુજરાતમાં જ્વલંત વિજય મળ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માધવસિંહ સોલંકીએ 149 બેઠકો જીતવાનો રેકૉર્ડ ગુજરાતમાં કર્યો હતો અને નરેન્દ્ર મોદી પણ એને તોડી નહોતા શક્યા

1980માં માધવસિંહની આગેવાનીમાં કૉંગ્રેસને ગુજરાતમાં જ્વલંત વિજય મળ્યો હતો - 182માંથી 139 અને તે પછી 1985માં તો નવો વિક્રમ થયો - 149 બેઠકો માધવસિંહ લઈ આવ્યા હતા.

તેઓ પ્રથમવાર મુખ્ય મંત્રી 1976માં બન્યા હતા, પણ ત્યારે માત્ર એક જ વર્ષ ટકી શક્યા હતા.

તે પછી 1980માં ફરી મુખ્ય મંત્રી બન્યા અને ટર્મ પૂરી કરી શક્યા હતા.

1985માં પક્ષને જંગી બહુમતી અપાવી ત્રીજી વાર મુખ્ય મંત્રી બન્યા, પરંતુ આ વખતે તેમણે અધવચ્ચેથી ગાદી છોડવી પડી. જોકે ફરીથી ચૂંટણી પહેલાં 1989-90 એક વર્ષ તેમને ફરી (ચોથી વાર) મુખ્ય મંત્રી બનાવાયા હતા.

તે પછી ગુજરાતમાં ચીમનભાઈ પટેલ અને ભાજપની સંયુક્ત સરકાર આવી ત્યાર બાદ તેઓ 1991થી 1992 કેન્દ્રમાં વિદેશમંત્રી બન્યા હતા અને પી.વી. નરસિંહ રાવની સરકારમાં પણ આયોજનમંત્રી તરીકે રહ્યા.

માધવસિંહ સોલંકીએ 149 બેઠકો જીતવાનો રેકૉર્ડ ગુજરાતમાં કર્યો છે તે એક જ એવી બાબત છે જે કદાચ નરેન્દ્ર મોદીને ખૂંચ્યા કરી છે કે પોતે લાંબો સમય મુખ્ય મંત્રી રહ્યા પણ આટલી જંગી જીત મેળવી શક્યા નહીં.

2002માં ભાજપને સૌથી વધુ 127 બેઠકો મળી હતી. તે પછી 2007માં 117, 2012માં 115 અને 2017માં માત્ર 99, આમ બેઠકો ઘટતી જ રહી છે.

કેશુભાઈ પટેલની સરકાર પ્રથમવાર બની ત્યારે પણ ભાજપને 1995માં 121 અને બાદમાં 1998માં 117 બેઠકો મળી હતી.

line

ગુજરાતના રાજકારણની ફૅમસ ખામ થિયરી

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે રહેલા માધવસિંહ સોલંકી ગુજરાતના રાજકારણના નાથ રહ્યા અને નિવૃત્તિ બાદ આખરે ગત જાન્યુઆરીમાં 94 વર્ષે તેમનું અવસાન થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે રહેલા માધવસિંહ સોલંકી ગુજરાતના રાજકારણના નાથ રહ્યા અને નિવૃત્તિ બાદ આખરે ગત જાન્યુઆરીમાં 94 વર્ષે તેમનું અવસાન થયું હતું

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે રહેલા માધવસિંહ સોલંકી 'ગુજરાતના રાજકારણના નાથ' રહ્યા અને નિવૃત્તિ બાદ આખરે ગત જાન્યુઆરીમાં 94 વર્ષે તેમનું અવસાન થયું હતું.

મહેસાણા જિલ્લાના પિલુદરા ગામમાં 1927માં તેમનો જન્મ થયો હતો.

સોલંકીએ 149 બેઠકોનો વિક્રમ કર્યો તેની પાછળ માધવસિંહ સોલંકીએ અમલમાં મૂકેલી ખામ થિયરી હતી.

ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ એમ ચાર વર્ગોને એક કરીને ગુજરાતની 70 ટકા વસતિને સાથે લઈને તેમણે ગુજરાતમાં જંગી બહુમતી મેળવી હતી.

તેમણે જ ઓબીસી માટે 27 ટકા અનામતની જાહેરાત કરીને ગુજરાતમાં કુલ અનામતને 49.5% સુધી પહોંચાડી હતી.

ગુજરાતમાં રહીને અંગ્રેજી પત્રકારત્વ કરનારા જાણીતા પત્રકાર એમ. કે. મિસ્ત્રી કહે છે, "ખામ થિયરી હકીકતમાં ગુજરાત કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ઝીણાભાઈ દરજી અને સનત મહેતાએ ઘડી કાઢી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ઘેલા-સોમનાથ ખાતે પક્ષની બેઠક મળી હતી તેમાં આ થિયરી ઘડવામાં આવી હતી. ખામ માટે સોલંકીનું નામ લેવામાં આવે છે, પણ સાચી વાત એ છે કે તેમણે આ થિયરીને અમલમાં મૂકવાનું કામ કર્યું હતું."

line

અનામતના વિરોધને અપાયો 'કોમી રંગ'

માધવસિંહ સોલંકી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માધવસિંહ સોલંકી રાજીવ ગાંધી સાથે (ડાબે)

જોકે તેઓ જંગી બહુમતી સાથે 1985માં સત્તામાં આવ્યા તે પછી અનામતવિરોધી આંદોલન ચાલુ થયું અને તે ઉગ્ર બન્યું અને તેણે કોમી રમખાણનું સ્વરૂપ લીધું ત્યારે સોલંકીએ રાજીનામું આપવું પડ્યું હતું.

ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં કોમી હિંસામાં 100થી વધુનો ભોગ લેવાયો હતો તેથી સ્થિતિ વણસી હતી.

સોલંકીની કૅબિનટેમાં મંત્રી તરીકે રહેલા દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને તેમની જગ્યાએ મૂકવામાં આવ્યા.

આ સમયે ભાજપે પોતાના હિન્દુત્વના ઍજન્ડાને આગળ કરવાની તક મળી ગઈ હતી અને આગળ જતાં ગુજરાતના રાજકારણમાં હિન્દુત્વના મુદ્દાને આધારે જ ભાજપ અજેય સ્થિતિમાં આવી ગયો છે.

આ વિશે વાત કરતા જાણીતા વિશ્લેષક અને ભૂતપૂર્વ પત્રકાર અચ્યુત યાજ્ઞિક કહે છે: "અનામતવિરોધી આંદોલનની નેતાગીરી ભાજપના નેતાઓએ લીધી હતી અને આગળ જતાં તેમાંથી જ ઘણા મંત્રીઓ બન્યા હતા. તે વખતે જ ભાજપને ખ્યાલ આવી ગયો હતો કે માત્ર ઉજળિયાતોની જ વાત કરવાથી ચૂંટણીમાં અને રાજકારણમાં તે ફાવશે નહીં."

"તે વખતના જ્ઞાતિયુદ્ધમાં મુસ્લિમો માત્ર દર્શક બનીને જ રહ્યા હતા, પરંતુ પોળોમાં દલિતો અથવા એસસીની નજીકમાં જ મુસ્લિમો વસતા હતા. તેથી ઉજળિયાતો દ્વારા થતા હુમલા વખતે મુસ્લિમોએ દલિતોનું રક્ષણ કર્યું હતું અને તેના કારણે 'દલિત-મુસ્લિમ ભાઈ ભાઈ'નો નારો ચાલ્યો હતો."

અચ્યુતભાઈ વધુમાં જણાવે છે કે, "ભાજપને લાગ્યું કે બધાને સમાવે તેવો હિન્દુવાદ ઊભો કરવો પડશે, જેથી જ્ઞાતિઓ વચ્ચેની તિરાડને સાંધી શકાય."

તેના કારણે જ સંઘ પરિવારમાં દલિતોને મોટા પાયે લેવાનું શરૂ થયું હતું. તે પછી અનામતવિરોધી આંદોલનને ધીમે ધીમે હિન્દુ-મુસ્લિમ વચ્ચેના રમખાણમાં ફેરવી નાખવામાં આવ્યું હતું."

line

બોફોર્સ ગોટાળા મામલે આક્ષેપ

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ સાથે માધવસિંહ સોલંકી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ સાથે માધવસિંહ સોલંકી (ડાબે)

1989 સુધીમાં અમરસિંહ ચૌધરીને મુખ્ય મંત્રીપદે ચાર વર્ષ થયાં હતાં અને તે પછી હવે ફરી તેમની જગ્યાએ માધવસિંહ સોલંકીને મૂકવામાં આવ્યા.

1990ની ચૂંટણી પહેલાં ફરી તેઓ જાદુ ચલાવીને પક્ષને જિતાડે તે માટે આ જરૂરી બન્યું હતું.

જોકે ત્યાં સુધીમાં ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળ જનતા દળ (ગુજરાત) અને ભાજપ પોતાનો પગ ગુજરાતમાં જમાવી ચૂક્યા હતા.

બંને પક્ષો વચ્ચે ગઠબંધન થયું અને ચીમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલ નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા.

વી. પી. સિંહે જનતા દળ ઊભું કર્યું હતું, તેમાંથી જ છૂટા પડીને ચીમનભાઈએ જનતા દળ (જી) ઊભું કર્યું હતું.

આગળ જતાં સોલંકીને કેન્દ્રમાં વિદેશમંત્રી બનાવાયા, પણ તે પછી થોડાં વર્ષો બાદ તેમણે તે છોડીને ગુજરાતમાં આવી જવું પડ્યું.

1992માં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા માટે સોલંકી સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા ત્યારે એવો આક્ષેપ થયો હતો કે તેઓ ત્યાંના વિદેશમંત્રી રેને ફેલબરને ખાનગીમાં મળ્યા હતા.

તેમણે બોફર્સ કેસની તપાસમાં તેમનો સહયોગ માગ્યો હોવાનો વિવાદ થયો હતો. ભારતમાં આ કૌભાંડની તપાસમાં કોઈ પરિણામ આવ્યું નથી અને રાજકીય બાબતોને ધ્યાનમાં લઈને આ બાબતમાં પરસ્પર સહકાર કરવો જોઈએ એવી માગણી તેમણે કરી હોવાનું ચગ્યું હતું.

આ વિવાદ પછી તેમણે વિદેશમંત્રાલય છોડ્યું અને ગાંધીનગર આવીને વાંચન, ગીતસંગીત અને ફિલ્મો જોવાના પોતાના શોખમાં જ રહ્યા અને રાજ્યસભાના સભ્ય હોવા છતાં લગભગ નિવૃત્ત જેવું જીવન જીવતા રહ્યા હતા.

આ બાદ પણ તેઓ ઘરે સૌને મળતા રહેતા હતા, પણ મોટા ભાગે રાજકીય ચર્ચા કરવાનું ટાળતા. માત્ર કેટલાક પત્રકારો અને લોકો સાથે જ થોડી ઘણી ચર્ચાઓ કરતા.

તેમના કારણે જ મને સંઘ પરિવાર વિશે ક્રિસ્ટોફર જેફરલોટે કરેલા અભ્યાસનો ખ્યાલ આવ્યો હતો.

line

માધવસિંહ સોલંકીનું CM અને કૉંગ્રેસના નેતા તરીકે પ્રદાન

માધવસિંહ સોલંકીને નર્મદા ડૅમનુ કામકાજ શરૂ કરાવવા માટે શ્રેય અપાય છે

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA

ઇમેજ કૅપ્શન, માધવસિંહ સોલંકીને નર્મદા ડૅમનુ કામકાજ શરૂ કરાવવા માટે શ્રેય અપાય છે

1990માં રાજીવ ગાંધી વિપક્ષના નેતાપદે હતા અને તેમણે લોકસભામાં મંડલપંચની ભલામણના અમલની મુશ્કેલીઓ વિશે વાત કરી હતી.

વી. પી. સિંહે મંડલપંચના અમલની જાહેરાત કરી હતી, પણ તેનો સંપૂર્ણપણે અમલ થઈ રહ્યો નહોતો.

રાજીવ ગાંધીએ એવું જણાવ્યું હતું કે ક્રિમીલેયરનો સમાવેશ અનામતનો લાભ લેનારામાં ના થવો જોઈએ, જેથી ખરેખર જેમને જરૂર છે તેમને જ અનામત મળે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગમાં યોગ્ય લોકોને જ ફાયદો મળવો જોઈએ એમ કહીને તેમણે જણાવેલું કે, "SEBCમાં અમુક જ જૂથને અનામતના વધારે લાભ મળી જાય તે બાબતની અમે વિરુદ્ધ છીએ. જેમને સૌથી વધારે જરૂર છે તેમને સૌથી વધારે લાભ મળવો જોઈએ."

લોકસભામાં તેમણે આપેલા ભાષણને આગળ જતાં રાજીવ ગાંધી 'ફૉર્મ્યુલા ફૉર રિઝર્વેશન' એવી રીતે ઓળખવામાં આવ્યું હતું.

બાદમાં ખ્યાલ આવ્યો હતો કે તેમને આ ભાષણ માધવસિંહ સોલંકીએ જ લખી આપ્યું હતું. તેમની સાથે જનાર્દન દ્વિવેદી અને અર્જુનસિંહ આ વિચાર પાછળ હતા તેનો ખ્યાલ સૌને આવ્યો હતો.

હકીકતમાં મંડલપંચનો અમલ થાય તે પહેલાં સોલંકીએ ગુજરાતમાં બક્ષીપંચની જ્ઞાતિઓ માટે સામાજિક ન્યાયની પહેલ કરી હતી. તે રીતે દેશમાં ઓબીસી અનામત માટેના પ્રણેતા તેમને જ કહી શકાય.

તેમનું બીજું એક અગત્યનું પ્રદાન હતું ગુજરાતની શાળાઓમાં દાખલ કરવામાં આવેલી મધ્યાહ્ન ભોજનયોજના.

આગળ જતાં દેશનાં બીજાં રાજ્યોમાં પણ તેનો અમલ થયો.

જોકે તેઓ ક્યારેય આવી બાબતમાં જશ લેવામાં માનતા નહોતા અને પત્રકારો સાથેની વાતચીતમાં કેવી રીતે યોજના આગળ વધી તે જણાવતા હતા.

એમ. કે. મિસ્ત્રી કહે છે, "એમજી રામચંદ્રનની તામિલનાડુ સરકારે સૌ પ્રથમ મધ્યાહ્ન ભોજનયોજના શરૂ કરી હતી. સોલંકીએ બે પ્રધાનોને ચેન્નાઇ મોકલીને તેનો અભ્યાસ કરાવ્યો હતો. તે પછી તરત જ ગુજરાતમાં તેમણે તે યોજનાને લાગુ કરી."

કુંદનલાલ ધોળકિયાએ લખ્યું છે કે કન્યાઓ ભણવામાંથી ઊઠી જતી હતી તે પ્રમાણ રોકવામાં પણ સોલંકીએ પહેલ કરી હતી. તેમણે કન્યા શિક્ષણને છેક યુનિવર્સિટી સુધી ફ્રી કરી નાખ્યું હતું.

મિસ્ત્રી વધુમાં જણાવે છે કે, "સૌને શિક્ષણ સુલભ બને તે માટે સોલંકીએ કરેલું પ્રદાન મહત્ત્વનું છે. સોલંકીએ પોતાની સરકારના શિક્ષણમંત્રી પ્રબોધ રાવળને જણાવ્યું હતું કે આપણે ગુજરાતના દરેક તાલુકામાં આઈટીઆઈ (ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ)ની તાલીમ મળે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે."

નરેન્દ્ર મોદી સાથે રહીને ગુજરાતમાં ભાજપને આગળ લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા શંકરસિંહ વાઘેલા પણ કબૂલે છે કે, "માધવસિંહ સોલંકીએ જ નર્મદા ડૅમનું કામકાજ શરૂ કરાવવા પાયો નાખ્યો હતો."

નિવૃત અમલદાર એસ.કે. નંદા કહે છે, "ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો માધવસિંહ સોલંકીએ નાખ્યો હતો અને તેમણે રાજ્યભરમાં GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કોર્પોરેશન) ઊભી કરી હતી. તે રીતે નાના અને મધ્ય કદના ઉદ્યોગોના પદ્ધતિસરના વિકાસ માટે પાયો નાખ્યો હતો અને તે જ રાજ્યના ઔદ્યોગિક વિકાસનો આધારસ્તંભ બની રહ્યો છે."

ધોળકિયાએ પણ લખ્યું છે કે, "માધવસિંહ સોલંકીની નીતિને કારણે જ ગુજરાત દેશમાં આઠમા નંબરે હતું ત્યાંથી આગળ વધીને મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને આવી શક્યું હતું."

વિશેષ વાત જણાવતાં એસ. કે. નંદા જણાવે છે કે, "મુંબઈ-પૂણે એક્સપ્રેસને ટોલ એક્સપ્રેસ બનાવાયો અથવા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પ્રથમ ટોલ રોડ બન્યો તે વાત સાચી નથી."

"સાચી વાત એ છે કે વડોદરાથી ઇન્દોર જવા માટેના માર્ગ પર વડોદરા-હાલોલ હાઇવે પ્રથમવાર ટોલ રોડ બન્યો હતો. સનત મહેતાએ આ માટેનો વિચાર આપેલો અને માધવસિંહ સોલંકીએ મુખ્ય મંત્રી તરીકેને તેને ઝડપથી અમલમાં મૂક્યો હતો.

(લેખક ડેવલપમૅન્ટ ન્યૂઝ નેટવર્ક (DNN), ગુજરાતના તંત્રી છે)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ