કૉંગ્રેસને ગુજરાતમાં ઐતિહાસિક જીત અપાવનારી 'ખામ' થિયરી કેવી રીતે પાટીદારોને ભાજપ તરફ ખેંચી લાવી?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જ્યારે-જ્યારે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે રાજકીય સમીકરણો બેસાડવાની ચર્ચા થાય, ત્યારે 'ખામ' સમીકરણની અચૂકપણે ચર્ચા થાય. નેતા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે 182માંથી 149 બેઠક જીતી હતી, જે આજપર્યંત એક રેકર્ડ છે.

માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે 182માંથી 149 બેઠક જીતી હતી, જે આજ પર્યંત એક રેકોર્ડ છે

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA

ઇમેજ કૅપ્શન, માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે 182માંથી 149 બેઠક જીતી હતી, જે આજપર્યંત એક રેકર્ડ છે

ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન 151 બેઠક જીતવાનું લક્ષ્યાંક મૂકીને ભાજપે નવો કીર્તિમાન સ્થાપવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં કારમી નિષ્ફળતા મળી હતી. ગત ચૂંટણીમાં પાર્ટી 99 પર સમેટાઈ ગઈ હતી.

ભાજપનો આરોપ છે કે 'ખામ'ના કારણે લગભગ એક દાયકા સુધી ગુજરાતીઓ વિભાજિત થઈ ગયા હતા અને ગામડાં સુધી તેની લ્હાય અનુભવાઈ હતી. કથિતપણે રાજકારણમાં ઉચ્ચ જ્ઞાતિઓના પ્રભુત્વને સમાપ્ત કરવા માટે આ સમીકરણ ઘડવામાં આવ્યું હતું.

જો KHAM સમીકરણમાં 'K' (ક્ષત્રિય-ઠાકોર), 'H' (હરિજન, શિડ્યુલ્ડ કાસ્ટ), 'A' (આદિવાસી, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) તથા 'M' મુસ્લિમોને સાથે રાખીને ચૂંટણી જીતવાનાં સમીકરણ ગોઠવવામાં આવે છે તો OPT, PODA, PODAM અને PHAK જેવાં સમીકરણો દ્વારા પણ ગુજરાતના જ્ઞાતિ-જાતિનાં સમીકરણ સાધવાના પ્રયાસ થયા છે.

લાઇન

ટૂંકમાં : KHAM થિયરી શું હતી?

લાઇન

એંશીના દાયકામાં માધવસિંહ સોલંકી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોખામ થિયરીને એક મંચ પર લાવ્યા હતા.

KHAM સમીકરણમાં 'K' (ક્ષત્રિય-ઠાકોર), 'H' (હરિજન, શિડ્યુલ્ડ કાસ્ટ), 'A' (આદિવાસી, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) તથા 'M' મુસ્લિમોને સાથે રાખીને ચૂંટણી જીતવાનાં સમીકરણ ગોઠવવામાં આવ્યા હતા.

ખામની સફળતાને ટાંકવા માટે 1985નાં ચૂંટણીપરિણામોને ટાંકવામાં આવે છે, જેમાં કૉંગ્રેસ પાર્ટીને 182માંથી 149 બેઠક મળી હતી.

1977ની ચૂંટણીમાં ધબડકા બાદ કૉંગ્રેસ (આઈ) પાર્ટી ખામ સમીકરણ તરફ વળી હતી.

KHAMના સમીકરણને કારણે ગુજરાતનું રાજકારણ અને સમાજવ્યવસ્થા હંમેશાને માટે બદલાઈ જવાના હતા અને અત્યારસુધી લગભગ એકહથ્થું સત્તા ભોગવનારા સમુદાયો માટે પડકાર ઊભો થવાનો હતો.

લાઇન
line

ખામને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવ્યું?

ટીકાકારોના મતે, કૉંગ્રેસ પાર્ટીનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ 1985માં ચૂંટણીઓ યોજાઈ હતી, એટલે તેનો સંપૂર્ણ શ્રેય જ્ઞાતિગત સમીકરણને ન આપી શકાય

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ટીકાકારોના મતે, કૉંગ્રેસ પાર્ટીનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ 1985માં ચૂંટણીઓ યોજાઈ હતી, એટલે તેનો સંપૂર્ણ શ્રેય જ્ઞાતિગત સમીકરણને ન આપી શકાય

ખામની સફળતાને ટાંકવા માટે 1985નાં ચૂંટણીપરિણામોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં કૉંગ્રેસ પાર્ટીને 182માંથી 149 બેઠક મળી હતી.

રાજકીય વિવેચક ઘનશ્યામ શાહના વિશ્લેષણ પ્રમાણે, "149માંથી કૉંગ્રેસના 31 ઓબીસી (કોળી, આહિર, ક્ષત્રિય ઠાકોર), 29 વચ્ચેની જ્ઞાતિઓ (ખાસ કરીને પટેલ) ; 36 ઉચ્ચ જ્ઞાતિઓ (વાણિયા, બ્રાહ્મણ, ઠક્કર, નાગર, રાજપૂત, સિંધી વગેરે) તથા આઠ મુસ્લિમ વિજેતા થયા હતા. આ સિવાય એસટી માટે અનામત 26માંથી 25 બેઠક ઉપર તથા એસસી માટે અનામત તમામ 13 બેઠક ઉપર વિજય થયો હતો."

ટીકાકારોના મતે, કૉંગ્રેસ પાર્ટીનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ 1985માં ચૂંટણીઓ યોજાઈ હતી, એટલે તેનો સંપૂર્ણ શ્રેય જ્ઞાતિગત સમીકરણને ન આપી શકાય, તેમાં 'ભાવનાત્મક જુવાળ'એ પણ ભાગ ભજવ્યો હોય. જોકે, 'નક્કર આંકડાકીય' રીતે વિશ્લેષણ કરતાં આ આકલન ખામીભરેલું જણાય આવે છે અને ઇંદિરા ગાંધીના મૃત્યુથી પાર્ટીને માત્ર આઠ બેઠકનો ફાયદો થયો હોય તેમ જણાય છે.

1977ની ચૂંટણીમાં ધબડકા બાદ કૉંગ્રેસ (આઈ) પાર્ટી ખામ સમીકરણ તરફ વળી હતી.

જાન્યુઆરી-1980માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 26માંથી 25 બેઠક મળી હતી. તેના ચાર મહિના બાદ મે-1980માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 182માંથી 141 બેઠક મળી હતી. એ ચૂંટણીમાં 'કૉંગ્રેસના વિકલ્પ'ના પ્રયોગ પ્રત્યે જનતાના મોહભંગે કેવી ભૂમિકા ભજવી હતી, તે કહેવું વહેલું ગણાશે.

'ધ શેપિંગ ઑફ મોડર્ન ગુજરાત'માં અચ્યુત યાજ્ઞિકે ગુજરાતમાં 'ખામ' સમીકરણના ઉદય અને પૃષ્ઠભૂમિ ઉપર પ્રકાશ ફેંક્યો છે, તેઓ લખે છે:

1974ના 'નવનિર્માણ આંદોલન'એ વિદ્યાર્થીઓનું સમર્થન મેળવવા માટે જનસંઘને (ભારતીય જનતા પાર્ટીનો પુરોગામી પક્ષ) સ્વર્ણિમ તક આપી. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં વૃદ્ધિ તથા કૉલેજ કૅમ્પસોમાં અસંતોષના મુદ્દે આ આંદોલને આકાર લીધો. શહેરો અને નગરોમાં વિદ્યાર્થીઓએ સ્થાનિકસ્તરે 'નવનિર્માણ સમિતિઓ'નું ગઠન કર્યું.

જનસંઘના 'વિદ્યાર્થી પરિષદ' મારફત આ આંદોલનમાં ભાગ લેવો સરળ બન્યો. આંદોલનના કેટલાક વિદ્યાર્થી નેતા આગળ જતાં પાર્ટીના નેતા બન્યા.

નવનિર્માણ આંદોલનને પગલે જયપ્રકાશ નારાયણે દેશભરમાં 'સંપૂર્ણ ક્રાંતિ'નો નારો આપ્યો, જેના કારણે તત્કાલીન ઇંદિરા ગાંધી સરકારના પાયા હચમચી ગયા.

જયપ્રકાશ નારાયણ તથા કૉંગ્રેસના કારણે મધ્યમવર્ગ તથા ઉચ્ચજ્ઞાતિઓમાં જનસંઘની સ્વીકાર્યતા વધી.

જૂન-1975માં જનતા મોરચાની સરકાર બની અને મૂળ કૉંગ્રેસી, પરંતુ મોરરાજી દેસાઈ જૂથના બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા. એક અઠવાડિયા પછી ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી.

પટેલની સરકારને હજુ એક વર્ષ નહોતું થયું કે ઇંદિરા ગાંધીની સરકારે તેની હકાલપટ્ટી કરીને રાષ્ટ્રપતિશાસન લાદી દીધું.

line

પાટીદારો અને રાજકીય કદ

"આઝાદી બાદ ઉછંગરાય ઢેબરના 'ખેડે તેની જમીન'ના કાયદાએ આ બધા ભાગિયા પટેલોને જે ખેતરોમાં મજૂરી કરતા હતા, એના રાતોરાત માલિક બનાવી દીધા."

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, "આઝાદી બાદ ઉછંગરાય ઢેબરના 'ખેડે તેની જમીન'ના કાયદાએ આ બધા ભાગિયા પટેલોને જે ખેતરોમાં મજૂરી કરતા હતા, એના રાતોરાત માલિક બનાવી દીધા."

'મહાજાતિ ગુજરાતી'માં ચંદ્રકાંત બક્ષી પાટીદારો માટે પ્રોફેસર વિલિયમ મોનીયરને ટાંકીને લખે છે, "કુર્મી એટલે વીર્યવાન અને શક્તિશાળી માણસ. શિવાજી પણ કુર્મી વંશમાંથી જ આવ્યા હતા. આ કુર્મીનો અપભ્રંશ એટલે કણબી."

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના મતે "પટેલો મૂળે તો પંજાબના ક્ષત્રિયો હતા, તેઓ બાદમાં પંજાબથી ગુજરાત આવ્યાનું મનાય છે. સલ્તનત કાળમાં તેઓને અહીં ખેતી કરવા મોટે પાયે લવાયા."

એ પછી 'સલ્તનતકાળ' દરમિયાન તેમને પટ્ટા પર ગામો આપવામાં આવ્યાં એટલે તેઓ 'પાટીદાર' (પટ્ટેદાર) કહેવાય અને 'પટેલ' એનું જ અપભ્રંશ છે.

આજના સમયમાં 'અમીન', 'દેસાઈ' કે 'મુખી' જેવી પાટીદારોની અટક જોવા મળે છે, એ જે-તે સમયકાળમાં તેમના હોદ્દા કે કામકાજ પરથી ઊતરી આવી છે.

રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિકના મતે, "1899ના દુકાળે ગુજરાતમાં ગામોનાં ગામ ઉજ્જડ કરી નાખ્યાં. જોકે આ દુકાળે પટેલોના ઉત્થાનમાં અગત્યનો ભાગ ભજવ્યો."

"ખેતી વરસો સુધી બરબાદ થતાં પટેલોએ વેપાર અને પોતાનાં બાળકોના શિક્ષણ તરફ પહેલી વાર ધ્યાન આપ્યું."

જેનાં પરિણામો પણ મળવા શરૂ થયાં. પટેલોએ ગુજરાત છોડીને દરિયો ખેડી આફ્રિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ અને અમેરિકા સુધી જવાનું સાહસ કર્યું, જ્યાં તેમણે વેપાર-ઉદ્યોગ ઉપરાંત રાજકારણમાં પણ કાઠું કાઢ્યું.

દરમિયાન દેશની આઝાદીની ચળવળ સમયે અનેક પટેલોએ પોતાનો ફાળો આપ્યો હતો, જેમાં વિઠ્ઠલભાઈ તથા વલ્લભભાઈ પટેલ પ્રમુખ હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એક સમયે વિઠ્ઠલભાઈ મુંબઈ મ્યુનિસિપાલિટીના, તો વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. આ સિવાય વિઠ્ઠલભાઈ લૅજિસ્લેટિવ ઍસેમ્બલીના પ્રથમ સ્પીકર પણ બન્યા હતા.

અચ્યુત યાજ્ઞિક જણાવે છે કે "દેશમાં બધા પટેલો સધ્ધર નહોતા. સ્વાભાવિકપણે જ ગામના મુખી પટેલ તો એક જ હોય, અને બાકીના પટેલો ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કરતા હતા અને સાવ સામાન્ય સ્થિતિમાં હતા."

"આઝાદી બાદ ઉછંગરાય ઢેબરના 'ખેડે તેની જમીન'ના કાયદાએ આ બધા ભાગિયા પટેલોને જે ખેતરોમાં મજૂરી કરતા હતા, એના રાતોરાત માલિક બનાવી દીધા."

આઝાદી પછી પટેલોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં મોટો સુધારો આવ્યો અને એક સમયે કણબી તરીકે ઓળખાતા તેઓ પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે માત્ર ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત ન રાખતા સહકાર, શૈક્ષણિક સંસ્થાઓ તથા હીરા અને રિયલ ઍસ્ટેટ વગેરે જેવા વ્યવસાયો દ્વારા આર્થિક પ્રગતિ સાધી.

આઝાદી પછી ભાઈલાલ પટેલે 'સ્વતંત્ર પક્ષ'ના માધ્યમથી પાટીદારોને કેન્દ્રમાં રાખીને રાજકીય સમીકરણ બેસાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 'પ' એટલે પટેલ હતા અને 'ક્ષ' એટલે ક્ષત્રિય હતા. પાર્ટીને 66 (કુલ 168માંથી) બેઠક પર વિજય મળ્યો હતો.

અચ્યુત યાજ્ઞિકના મતે, "એ સમયે પાટીદારો એકલા પાસે આંકડાકીય શક્તિ ન હતી, એટલે ઠાકોરો તથા કોળી પટેલોને સાથે લેવામાં આવ્યા હતા, તેમને એ વાતનો વિશ્વાસ અપાવવામાં આવ્યો કે તેઓ પણ ક્ષત્રિય છે."

એક અનુમાન પ્રમાણે, ગુજરાતમાં બ્રાહ્મણો અને વણિકોની વસતી દોઢ-દોઢ ટકા છે, એટલે કે તેમની કુલ વસતી ત્રણ ટકા છે. રાજપૂતોની વસતી પાંચ ટકા છે, જેમની ગણતરી 'બિન-અનામત'માં તરીકે થાય છે અને તેઓ તત્કાલીન રજવાડાંના શાસક કે ગિરાસદાર ભાયાત હતા, તેમને અનામત નથી મળતી.

પાટીદારોની વસતી 12 ટકા છે. લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એ પાટીદારોના મુખ્ય બે સમુદાય છે.

આ તમામ જ્ઞાતિઓની વસતીનો સરવાળો કરવામાં આવે તો ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિઓની વસતી 20 ટકા છે. આથી જ સવર્ણોનાં હિતો માટેનાં કોઈપણ આંદોલન કે ચળવળ (1981, 1985, 1990 કે 2015) હોય તો તેનું સુકાન પાટીદારોએ લીધું છે.

બીજી તરફ ઓબીસી, અનુસૂચિત જાતિ (એસસી), અને જનજાતિ (એસટી) સમુદાયની વસતી 60 ટકાથી પણ વધારે છે. આથી રાજકીયપક્ષો ચૂંટણી સમયે તેમની તરફ મીટ માંડે તે સ્વાભાવિક છે.

line

ખામનો ઉદય

ચુસ્ત ગાંધીવાદી ઝીણાભાઈ સરકાર કરતાં સંગઠનનાં માણસ વધુ હતાં

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ચુસ્ત ગાંધીવાદી ઝીણાભાઈ સરકાર કરતાં સંગઠનના માણસ વધુ હતા

ગુજરાતમાં ખામ થિયરીના મૂળ 1977માં કૉંગ્રેસના ચૂંટણીધોવાણમાં રહેલા છે. કિંગશૂક નાગ તેમના પુસ્તક 'ધ નમો સ્ટોરી'માં લખે છે, 'મહાત્મા ગાંધીથી પ્રેરાઈને ઝીણાભાઈએ આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું હતું. ધીમે-ધીમે પાર્ટીમાં તેમનું કદ વધી રહ્યું હતું.'

'1969માં જ્યારે જૂના કૉંગ્રેસીઓ અને ઇંદિરા ગાંધીના જૂથની વચ્ચે ઊભી ફાટ પડી ત્યારે ઝીણાભાઈએ ઇંદિરા ગાંધી કૅમ્પમાં રહેવાનું પસંદ કર્યું હતું.'

'1972માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષની ચૂંટણી જીતી. ગુજરાતના રાજકારણ વિશે તેમની આગવી થિયરી હતી.'

'તેઓ માનતા હતા કે પટેલોની સાથે વાણિયા અને બ્રાહ્મણ પાર્ટી અને ગુજરાતના સમાજ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેમને લાગતું હતું કે આ સમીકરણ ભરોસાપાત્ર નથી, કારણ કે તેમાંથી અમુક કૉંગ્રેસ (ઓ)માં ગયા હતા, એટલે તેમણે પાર્ટીનો આધાર વધારવા માટે નવું સમીકરણ ઘડ્યું.'

ખામના સમીકરણને કારણે ગુજરાતનું રાજકારણ અને સમાજવ્યવસ્થા હંમેશાંને માટે બદલાઈ જવાનાં હતાં અને અત્યાર સુધી લગભગ એકહથ્થુ સત્તા ભોગવનારા સમુદાયો માટે પડકાર ઊભો થવાનો હતો.

આગળ જતાં ભરતસિંહ સોલંકી પણ સાર્વજનિક રીતે તેમના પિતા જ 'ખામ' થિયરીના ઘડવૈયા હોવાની વાતને નકારતા રહ્યાં છે

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, આગળ જતાં ભરતસિંહ સોલંકી પણ સાર્વજનિક રીતે તેમના પિતા જ 'ખામ' થિયરીના ઘડવૈયા હોવાની વાતને નકારતા રહ્યા છે

દક્ષિણ ગુજરાતના રાજકારણનું નજીકથી નિરીક્ષણ કરનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "ઝીણાભાઈ દરજીએ સુરત જિલ્લાના પછાત ગણાતા વ્યારા વિસ્તારમાં આદિવાસીઓના ઉત્થાન માટે ખૂબ જ કામ કર્યું હતું.'

'ચુસ્ત ગાંધીવાદી ઝીણાભાઈ સરકાર કરતાં સંગઠનના માણસ વધુ હતા. જો ઇશ્વરસિંહ ચાવડા તેમના જમાઈ માધવસિંહ સોલંકીને રાજકારણમાં લાવ્યા હતા, તો ઝીણાભાઈએ તેમનું ઘડતર કર્યું હતું."

માધવસિંહે તેમની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી અને આગળ જતાં વકીલ પણ બન્યા હતા, જોકે, તેમને નામના મળી રાજકારણમાં. ઝીણાભાઈ તથા ચીમનભાઈ સામ-સામે કૅમ્પમાં હતા એટલે પણ સોલંકીને આગળ કરવામાં આવ્યા હતા.

કૉંગ્રેસના પૂર્વ મહાસચિવ તથા વરિષ્ઠ વકીલ નિરૂપમ નાણાવટી માધવસિંહ સોલંકીની નજીક હતા. તેમના મૃત્યુ પછી એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "કૉંગ્રેસને ફરીથી પગભર કરવા માટે ઘેલા સોમનાથ ખાતે એક બેઠક મળી હતી, જેમાં મનોમંથન કરવામાં આવ્યું હતું.'

'એ બેઠકમાં ઝીણાભાઈ દરજી, રતુભાઈ અદાણી, પ્રબોધ રાવળ, સનત મહેતા, હરિસિંહ મહિડા, મનોહરસિંહ જાડેજા અને દિવ્યકાંત નાણાવટી જેવા નેતાઓ હાજર રહ્યા હતા. એ બેઠકમાં ખામની ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી."

આગળ જતાં ભરતસિંહ સોલંકી પણ સાર્વજનિક રીતે તેમના પિતા જ 'ખામ' થિયરીના ઘડવૈયા હોવાની વાતને નકારતા રહ્યા છે અને તેનો શ્રેય સનત મહેતા અને ઝીણાભાઈ દરજીને આપતા રહ્યા છે અને પોતે 'આમ થિયરી'માં (સામાન્ય નાગરિક) વિશ્વાસ રાખતા હોવાનો દાવો કર્યો છે.

line

ભાજપ, કૉંગ્રેસ અને ખામ

ગણતરી ગુજરાતમાં છેલ્લી પેઢીના ગાંધીવાદી કૉગ્રેસી નેતા તરીકે થઈ શકે. એ પછી કૉંગ્રેસ પાર્ટીનું સ્થાનિક નેતૃત્વ નબળું પડતું ગયું

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, તેમની ગણતરી ગુજરાતમાં છેલ્લી પેઢીના ગાંધીવાદી કૉગ્રેસી નેતા તરીકે થઈ શકે, એ પછી કૉંગ્રેસ પાર્ટીનું સ્થાનિક નેતૃત્વ નબળું પડતું ગયું

દાયકાઓ સુધી ભાજપની છાપ 'વાણિયા-બ્રાહ્મણની શહેરી પાર્ટી' તરીકેની રહી છે, પરંતુ ગત બે લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં તમામ 26 બેઠક ઉપર જે રીતે પાર્ટીનો વિજય થયો છે, તેને જોતાં આ છાપ ભૂંસાઈ રહી છે.

જોકે, લોકસભા, રાજ્યસભા તથા (ગુજરાત ઉપરાંત પણ) વિધાનસભામાં તેના લોકપ્રતિનિધિઓનું વિશ્લેષણ કરતાં 'હિંદુવાદી પક્ષ'ની છાપમાંથી બહાર નીકળવું મુશ્કેલ હશે.

નાયકના મતે, "પોતાના સમયમાં 'ખામ' થિયરી સફળ રહી હતી અને આજે પણ ભાજપ અને મોદી તેનું જ આડકતરું અનુકરણ કરતાં જણાય છે, કારણ કે પાટીદાર વોટબૅન્ક પરનો વધી ગયેલો મદાર ઘટાડવા તથા સમીકરણોના સંતુલનને સાધવા માટે તેઓ આમ કરી રહ્યા છે.''

''ચાહે તેને આવું કોઈ નામ આપવામાં આવે કે ન આવે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે-જે વિસ્તારોમાં જાહેરસભાઓ સંબોધી છે, તેની ઉપર નજર કરતા આ તથ્ય ઊડીને આંખે વળગે છે."

નાયકના કહેવા પ્રમાણે, તેમની ગણતરી ગુજરાતમાં છેલ્લી પેઢીના ગાંધીવાદી કૉંગ્રેસી નેતા તરીકે થઈ શકે. એ પછી કૉંગ્રેસ પાર્ટીનું સ્થાનિક નેતૃત્વ નબળું પડતું ગયું અને 1985 પછી ક્યારેય આપબળે સત્તા ઉપર આવી નથી શકી. આજે કૉંગ્રેસનું સ્થાનિક નેતૃત્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટક જેવાં રાજ્યોની સરખામણીમાં ખૂબ જ નબળું છે અને ત્યાં વ્યાપકસ્તરે જૂથવાદ પ્રવર્તે છે.

આ વખતે ભાજપ-કૉંગ્રેસની સામે આપ છે, જે ભાજપથી અસંતુષ્ટ પાટીદારોના સમૂહ ઉપર મીટ માંડીને બેઠી છે. તે બીટીપી સાથે જોડાણ દ્વારા આદિવાસી વિસ્તારોમાં પ્રવેશવા માગે છે, જ્યારે પાટીદારો મારફત ગ્રામ્યવિસ્તારોના દ્વાર ખોલવા માગે છે.

જેવી રીતે નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણી સમયે 'ગુજરાત મૉડલ'નું માર્કેટિંગ કર્યું હતું, એવી જ રીતે વીજળી, પાણી અને મોહલ્લા ક્લિનિક ના 'દિલ્હી મૉડલ' દ્વારા પાર્ટી ગુજરાતના શહેરી ગરીબોને આકર્ષવા માગે છે.

અજય નાયક અનુસાર, '' 'ખામ' પહેલાં પણ ગુજરાતના અલગ-અલગ સમુદાયો સાંસ્કૃતિક, પહેરવેશ, રહેણી-કરણી અને બોલીનું વૈવિધ્ય ધરાવે છે, જેથી તેમને એક કરવા મુશ્કેલ બની રહે.''

''ભાજપ 1995 (અયોધ્યામાં રામમંદિર આંદોલન), 1998 (સ્થિર અને મજબૂત સરકાર), 2002 (ગોધરા), 2007 (ગુજરાતની અસ્મિતા અને અન્યાય), 2012 (વિકાસ), 2017 (ડબલ ઇંજિન સરકાર) દ્વારા હિંદુ સમાજને એક કરવામાં અને પોતાની પડખે કરવામાં અને પોતાનો વિસ્તાર વધારવામાં સફળ રહ્યો હોય તેમ જણાય છે.''

2017ની ગુજરાત વિધાનસભામાં પાંખી સરસાઈ મેળવ્યા બાદ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ચૂંટણીપરિણામોની સમીક્ષા કરતા પાર્ટીના મુખપત્ર 'કમલ સંદેશ' પર લખ્યું :

"અગાઉ કૉંગ્રેસના કાર્યકાળ દરમિયાન 'ખામ'ના રાજકારણે પ્રભુત્વ જમાવ્યું હતું, જેનો મતલબ હતો કે સમાજના અમુક વર્ગોને સાથે લઈને વોટબૅન્ક ઊભી કરવી. (આ ચૂંટણીમાં) કૉંગ્રેસે જ્ઞાતિઓની વચ્ચે મતભેદો ઊભા કરવાના પ્રયાસ કર્યા."

"છતાં જો ચૂંટણીની સર્વાંગી સમીક્ષા કરવામાં આવે તો રાહુલ ગાંધી તથા કૉંગ્રેસે ગુજરાતને જ્ઞાતિ, સમુદાય અને વિગ્રહમાં વિભાજિત કરનારાઓને કૅમ્પેન આઉટસોર્સ કરી દીધું હતું. જેનો નિહિતાર્થ રાજકીય હિત માટે ગુજરાતના સામાજિક તાણાં-વાણાને વીંખી નાખવાનો હતો. જોકે ગુજરાતના લોકોએ સુશાસનના રાજકારણને પસંદ કર્યું."

line

ખામ, માધવસિંહ અને રાજકારણ

માધવસિંહને નજીકથી જાણનારાઓના કહેવા પ્રમાણે, જો તેઓ રાજકારણમાં ન આવ્યા હોત તો તેઓ લેખનકાર્યમાં હોત

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, માધવસિંહને નજીકથી જાણનારાઓના કહેવા પ્રમાણે, જો તેઓ રાજકારણમાં ન આવ્યા હોત તો તેઓ લેખનકાર્યમાં હોત

રાજકારણમાં 'તેલ અને તેલની ધાર'ને ઓળખનારા માધવસિંહ સોલંકી તથા તેમના મંત્રીમંડળ ઉપર કેટલાંક વિવાદાસ્પદ નિવેદન કરવાના આરોપ લાગ્યા હતા, છતાં પાર્ટી તેમના જ નેતૃત્વમાં ચૂંટણીમાં ઊતરી હતી. રતુભાઈ અદાણી પણ સમર્થક ધારાસભ્યો સાથે પાર્ટી છોડી ગયા હતા.

રાજકીય વિશ્લેષક રાજ ગોસ્વામીના મતે, "ગુજરાતમાં જ્યારે ખામની ઉપર અમલીકરણ શરૂ થયું, ત્યારે તે પાટીદાર કે અન્ય કોઈ સમાજની વિરુદ્ધની યોજના ન હતી, પરંતુ એક પ્રકારનું સોશિયલ એન્જિનયરિંગ હતું. હાલના રાજકારણમાં જ્ઞાતિ, ધર્મ, ભાષા કે પ્રાંતના આધાર પર મતોનું વિભાજન કરવામાં આવે છે, જેમાં મને તો મત મળે, પરંતુ મારા વિરોધીને મત ન મળવા જોઈએ, એવી ગણતરી પણ હોય છે."

"આ ધ્રુવીકરણની સામે ખામ એ સમાજના દબાયેલા, કચડાયેલા અને જેનો અવાજ નહોતો એવા હરિજન, આદિવાસી અને મુસ્લિમો હતા."

"આઝાદી પછી ગાંધીજી, આંબેડકર તથા અન્ય તત્કાલીન નેતાઓને લાગ્યું કે જો સમગ્ર સમાજનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે અને એટલે જ શિડ્યુલ્ડ કાસ્ટ તથા શિડ્યુલ્ડ ટ્રાઇબ્સને અનામત આપવામાં આવી."

"આઝાદીના લગભગ અઢી દાયકા પછી પણ, જ્યારે સમાજના એક મોટાવર્ગની સ્થિતિ સુધરી ન હતી અને તેમને તેમની સ્થિતિ ઉપર મૂકી દેવાનું પાલવે તેમ ન હતું, એટલે તેમને મુખ્યધારામાં ભેળવવા માટે આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પછાતપણાના આધારે અનામત આપવામાં આવી."

"આ માટેની જરૂરી રાજકીય અને કાયદકીય વ્યવસ્થા કરવાથી સમાજના મોટા વર્ગની આર્થિક અને સામાજિક સ્વીકાર્યતા વધી."

"કૉંગ્રેસની ગરીબ અને વંચિતોતરફી છાપ ઊભી થઈ એટલે ચૂંટણીલક્ષી રાજકારણમાં તેને લાભ થાય, પણ તે આવાં પગલાંની 'બાય-પ્રોડક્ટ' હોય."

માધવસિંહ તેમના જીવનકાળ દરમિયાન ચાર વખત ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, તેમણે જીઆઈડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન), મધ્યાહ્ન ભોજન યોજના તથા મફતમાં કન્યાશિક્ષણ જેવાં અનેક પગલાં લીધાં. તેઓ નરસિહ્મારાવ સરકાર દરમિયાન વિદેશમંત્રી પણ બન્યા, જોકે, એ સમયે 'સરકારી બ્રીફથી ઉપરવટ' જઈને વિદેશી સરકારની સાથે ડીલ કરવાના આરોપ તેમની ઉપર લાગ્યા હતા.

માધવસિંહને નજીકથી જાણનારાઓના કહેવા પ્રમાણે, જો તેઓ રાજકારણમાં ન આવ્યા હોત તો તેઓ લેખનકાર્યમાં હોત. તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો અને ગાંધીનગરમાં તેમનું સરકારી નિવાસસ્થાન ગ્રંથાલય જેવું હતું.

line

ખામ બાદ પોડા અને પોડમ

પ્રશાંત કિશોરે ગુજરાત ચૂંટણી માટે કૉંગ્રેસને PODAMનું સૂત્ર આપ્યું હતું, જેમાં P - પટેલ, O - ઓબીસી, D - દલિત, A - આદિવાસી અને M - મુસલમાનોનો સમાવેશ થતો હતો
ઇમેજ કૅપ્શન, પ્રશાંત કિશોરે ગુજરાત ચૂંટણી માટે કૉંગ્રેસને PODAMનું સૂત્ર આપ્યું હતું, જેમાં P - પટેલ, O - ઓબીસી, D - દલિત, A - આદિવાસી અને M - મુસલમાનોનો સમાવેશ થતો હતો

બીજી તરફ વ્યવસાયિક રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ગુજરાત ચૂંટણી માટે કૉંગ્રેસને PODAMનું સૂત્ર આપ્યું હતું, જેમાં P - પટેલ, O - ઓબીસી, D - દલિત, A - આદિવાસી અને M - મુસલમાનોનો સમાવેશ થતો હતો.

રાજકીય વિશ્લેષકો અનુસાર આ સમીકરણને સાધવા માટે જ હાર્દિક પટેલને આગળ કરવા અને નરેશ પટેલને પાર્ટીમાં લાવવાની યોજના હતી. પ્રશાંત કિશોર અને કૉંગ્રેસનું સમીકરણ સધાયું નથી.

બીજી બાજુ, કૉંગ્રેસે આદિવાસી નેતા સુખરામ રાઠવાને વિધાનભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે, જ્યારે જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે. જિજ્ઞેશ મેવાણી દલિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હાર્દિક પટેલના જવાથી પટેલનું સ્થાન ખાલી પડ્યું છે, જેને નરેશ પટેલ મારફત ભરવાના પ્રયાસ થઈ રહ્યા છે, જે હજુ સુધી સફળ નથી થયા.

ગુજરાત કૉંગ્રેસના એક નેતાના કહેવા પ્રમાણે, "ગુજરાતના રાજકારણમાં મુસ્લિમો માટે TINA (There Is No Alternative) સ્થિતિ પ્રવર્તમાન હતી, એટલે જ ગત વિધાનસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધી મંદિરોમાં દર્શને જઈને 'સૉફ્ટ હિંદુત્વ' અજમાવી શક્યા. આવું બિહાર કે ઉત્તર પ્રદેશમાં શક્ય નથી. જ્યાં મુસ્લિમ મત સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ કે જનતા દળ યુનાઇટેડ તરફ સરકી શકે છે."

"આ વખતે તેમને આમ આદમી પાર્ટી તથા એઆઈએમએમ મુસ્લિમો પાસે કૉંગ્રેસના વિકલ્પ છે. સમુદાય ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરશે અને સામૂહિક રીતે તેની તરફ ઢળશે અને કદાચ કૉંગ્રેસને નુકસાન પણ થાય."

line

ખામ સિવાય ઓપીટી અને ફાક

રાજકારણમાં 'તેલ અને તેલની ધાર'ને ઓળખનારા માધવસિંહ સોલંકી તથા તેમના મંત્રીમંડળ ઉપર કેટલાક વિવાદાસ્પદ નિવેદન કરવાના આરોપ લાગ્યા હતા

ઇમેજ સ્રોત, Shukdev Bhachech

ઇમેજ કૅપ્શન, રાજકારણમાં 'તેલ અને તેલની ધાર'ને ઓળખનારા માધવસિંહ સોલંકી તથા તેમના મંત્રીમંડળ ઉપર કેટલાંક વિવાદાસ્પદ નિવેદન કરવાના આરોપ લાગ્યા હતા

વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીના મતે, " યુપી બિહારની જેમ જ ગુજરાતમાં પણ જ્ઞાતિ-જાતિના સમીકરણ ચૂંટણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ગુજરાતમાં OPTનું (ઓબીસી, પાટીદાર અને ટ્રાઇબલ) સમીકરણ એ 'નવ ખામ' ગણિત છે. જેને સાધવા ભાજપ અને કૉંગ્રેસ પ્રયાસરત્ રહે છે."

"ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપનો ઓબીસી અને આદિવાસી જનાધાર ન હતો, ધીમે-ધીમે તેને વિસ્તારવા માટે ભાજપે પ્રયાસ હાથ ધર્યા છે, આ સિવાય હિંદુ તેનું સૌથી મોટું હથિયાર છે. પરંપરાગત રીતે ગુજરાતમાં ઓબીસી અને પટેલો સામે-સામે રહેતા. KHAM સમીકરણને સ્થાન ન હતું, એટલે અન્ય સમુદાયો ભાજપ તરફ વળ્યા હતા."

"કૉંગ્રેસે પણ ખામને ત્યજીને ઓપીટી દ્વારા પાટીદારોને સન્માનજનક સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ તેના મૂળ જનાધારને આઘાત પહોંચાડ્યા વગર આ સમીકરણને સરળતાપૂર્વક સાધવામાં સફળ રહ્યો છે, જ્યારે પાટીદારોને આકર્ષવા જતાં કૉંગ્રેસના ક્ષત્રિય અને મુસ્લિમ જનાધારને આઘાત પહોંચ્યો છે."

આ સંદર્ભે સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાનના આકલન પ્રમાણે "2015માં પાટીદારોનું આંદોલન થયું, ત્યારે કૉંગ્રેસના નેતાઓ પટેલ (P), ઓબીસી (O), દલિત (D), અને આદિવાસી (A)ના કૉમ્બિનેશનની 'PODA' રણનીતિ લઈને આવ્યા હતા, જેનો એમને લાભ થયો હતો. ભાજપનો અભેદ્ય કિલ્લો ગણાતા ગુજરાતમાં ભાજપને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત 100થી નીચે 99 બેઠક જ મળી હતી."

'ફાક' થિયરી વિશે વાત કરતાં ખાન કહે છે કે, "જે બેઠકો 1500 કે 5000 વોટથી ભાજપ કે કૉંગ્રેસે જીતી હોય તેને આમ આદમી પાર્ટી તોડી ના લે, તે માટે હવે ભાજપ 'ફાક' (PHAK) થિયરી પર ચાલી શકે છે."

આ 'ફાક'માં થિયરી એટલે પટેલ, હરિજન, આદિવાસી અને ક્ષત્રિય. ભાજપની ગણતરી હોઈ શકે કે 1995 અને 1998માં આ રીતે સત્તા મેળવી હતી, તો આ વખતે પણ પાર્ટીની વોટબૅન્ક પરત આવે અને એનો ફાયદો થાય."

સમાજવિજ્ઞાનનાં પન્નાંમાં જોવા મળતી રાજકીય શક્તિની સરખામણી ભૌતિકશાસ્ત્રમાં જોવા મળતાં 'થર્મોડાયનેમિક્સ'ના સિદ્ધાંત સાથે કરી શકાય, જે મુજબ ઊર્જાનું સર્જન ન થઈ શકે કે તેનો નાશ ન થઈ શકે, તે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. ક્યારેક ખામ, ક્યારેક પોડમ તરીકે કે પછી ઓપીટી તરીકે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2