ગુજરાતના પાટીદારો જમીનદાર કેવી રીતે બની ગયા?

ઇમેજ સ્રોત, Shukdev Bhachech
- લેેખક, ડૉ. હરિ દેસાઈ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

- કૅબિનેટની 15 એપ્રિલ 1948ના રોજ પહેલી બેઠકમાં ક્રાંતિકારી પગલાના પ્રતાપે વેઠની ગુલામીપ્રથાનો અંત
- લોકકવિ દુલા ભાયા કાગનું સરકાર, રજવાડાં તેમજ જમીનના માલિકો વચ્ચે સમજાવટમાં બહુમૂલ્ય યોગદાન
- વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 4 ઑક્ટોબર 1951ના પત્રમાં મુખ્ય મંત્રીઓને ઢેબરને અનુસરવા કહ્યું
આજકાલ હીરાઉધોગ કે બાંધકામઉદ્યોગ સહિતના વેપાર-ઉદ્યોગમાં જ નહીં રાજકારણમાં પણ બે પાંદડે થયેલા પટેલો કે કણબી વાસ્તવમાં તો જૂના સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાં ખેતમજૂરની અવસ્થામાં હતા. ભલું થજો સૌરાષ્ટ્ર રાજ્યના પ્રજાવત્સલ ગાંધીવાદી મુખ્ય મંત્રી ઉછંગરાય નવલશંકર ઢેબરનું કે ગરાસદારીનો અંત આણ્યો.
જમીન વાવીને રીતસર વેઠિયાની જિંદગી વ્યતીત કરતા અને વારંવાર હિજરત કરવી પડે એવી ડેમોક્લિસની લટકતી તલવારની અવસ્થામાંથી શોષિત ખેતમજૂરની અવસ્થામાં જીવતા મોટાભાગના પટેલોને મુક્તિ મળી.
'ખેડે તેની જમીન'ના કૉંગ્રેસના સૂત્રને સાકાર કરતાં ઢેબરભાઈના મંત્રીમંડળની 15 એપ્રિલ 1948ના રોજ મળેલી પહેલી જ બેઠકમાં લેવાયેલા ક્રાંતિકારી પગલાના પ્રતાપે વેઠની ગુલામીપ્રથાનો અંત આવ્યો અને ગણોતિયા જમીનના માલિક બની શક્યા.
જોકે દેશમાં આ ઘણું ક્રાંતિકારી પગલું મુખ્ય મંત્રી ઢેબરે આણ્યું તો ખરું, પરંતુ એમણે જાનના જોખમે અને જમીનના માલિક ગરાસદારો, બારખલીદારો, તાલુકદારો સહિતના સાથે પ્રેમથી મંત્રણાઓ કરીને એનો અમલ કરાવ્યો.
નાયબ વડા પ્રધાન અને દેશના ગૃહમંત્રી સરદાર પટેલ રાજા-રજવાડાં થકી ખેડૂતોના શોષણ સામેની લડત અને સૌરાષ્ટ્રની પ્રજાના અધિકાર માટેની લડતમાં સદૈવ સાથ આપતા રહ્યા.
ઢેબર સરકાર અને રજવાડાં તેમજ જમીનના માલિકો વચ્ચે સમજાવટમાં બહુમૂલ્ય યોગદાન રહ્યું તો બારખલીદારોના પ્રતિનિધિ એવા લોકકવિ દુલા ભાયા કાગનું. અને છતાં ભૂપત બહારવટિયા સહિતના અનેક બહારવટિયાઓ અને ડાકુઓએ મુખ્ય મંત્રી ઢેબર અને ગૃહમંત્રી રસિકલાલ પરીખ જેવાનાં ઢીમ ઢાળી દેવાના અનેક પ્રયાસો કર્યા અને એમાં સફળ ભલે ન થયા પરંતુ અનેક નિર્દોષોના જાન જરૂર લીધા.

જમીનના ભોગવટાના ત્રણ ભાગ

ઇમેજ સ્રોત, Shukdev Bhachech
આઝાદી પહેલાં લગભગ 222 રજવાડાં ધરાવતા સૌરાષ્ટ્રમાં જમીન રાજ્યની માલિકીની ગણાતી હતી. રાજા ઇચ્છે તો ગમે ત્યારે ગણોતિયા જેવા ખેડૂત પાસેથી જમીન છીનવી લે. જમીનના ભોગવટાની દૃષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચી શકાય. (1) ખાલસા (2) ગરાસદારી (3) બારખલી.
ખાલસા જમીન એ હતી જે રાજવીઓએ આ પ્રદેશમાં વિજય દ્વારા અને પછી વંશપરંપરાની રીતિથી મેળવી હતી. ખેડૂતોને તે ખેડવા અપાતી. ખેડૂત સીધા રાજ્યને જમીનમહેસૂલ ભરતા હતા. માત્ર ગોંડલ રાજ્યે ખેડૂતોને જમીનના સંપૂર્ણ કબજા હક આપેલા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગરાસદારી જમીન એ હતી કે નાના તાલુકેદારો, મૂળ ગરાસિયા તથા ભાગીદારોને અપાયેલી હતી.
જમીનની માલિકીનો ત્રીજો પ્રકાર બારખલીનો હતો. તેમની જમીનની ખેતપેદાશ ખળામાં જમા કરાવવાને બદલે ખળાની બહાર રખાતી હતી. તેથી તેઓ બાર(બહાર) ખલીદાર કહેવાતા. તેમનો જમીન માલિકી હક નહોતો, પણ ઊપજનો હક હતો.

150 વર્ષનો યાતનામય ઇતિહાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
મનુ રાવળલિખિત 'ઉ.ન.ઢેબર: એક જીવનકથા: લોકાભિમુખ રાજપુરુષ'માં સૌરાષ્ટ્રમાં કેવી શોષણપદ્ધતિ હતી એનું કંપારી છૂટે તેવું વર્ણન કર્યું છે: "ગુજરાતના ગાયકવાડે (વડોદરા રાજ્યના મહારાજા) ગુજરાત અને કાઠિયાવાડમાં પોતાની આણ ફરકાવી અને ખંડિયા રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવવી શરૂ કરી. આ કામમાં અંગ્રેજોએ લશ્કરી મદદ પૂરી પાડી કાઠિયાવાડમાં પગપેસારો કર્યો."
"1807માં કર્નલ વોકરના કરારનામા નીચે રાજાઓ, દરબારો, તાલુકદારો અને ગરાસદારોની 202 શોષણખોર ઘટકોની ભૂતાવળ ઊભી થઈ. કર્નલ વોકરના 1807ના કરારનામાથી શરૂ કરી 1947માં સ્વરાજ આવ્યું ત્યાં સુધીનો, લગભગ 150 વર્ષનો ઇતિહાસ કાઠિયાવાડના જમીનદારી ગણોતિયાની લાંબી યાતનાની કારમી કહાણી છે."
"રાજ્યના ખાલસા ખેડૂતો અને જમીનદારીના ગણોતિયા ખેડૂતો એવી જમીનખેડની બે સ્પષ્ટ પ્રથાઓ ઊપસી આવી. આમાં રાજ્યના ખાલસા ખેડૂતો અસહ્ય કરબોજ અને અનેક પ્રકારના હાસ્યાસ્પદ કરવેરા અને વેઠેતર કરવાં પડતાં, પણ જમીનદારી ગણોતિયાની દશા તો ગુલામો કરતાં પણ વધારે ખરાબ હતી."
"ખેડૂતોને મજૂરીનો જ અધિકાર હતો અને કમાણી ગરાસદાર કે દરબાર કરતો. ખેડૂતને ગમે ત્યારે હદપાર કરાતો તેથી જમીનની કેળવણી કે જાળવણીમાં એને કશી મમતા બંધાતી નહીં. બધા ખેડૂતો ખેડહક્ક એટલે કે જમીનદારની મરજી પર નભતા અને ખેડૂતને જમીન ઉપર કોઈ દાવો ન હતો."

90થી પણ વધારે કરવેરા નાબૂદ

ઇમેજ સ્રોત, Shukdev Bhachech
વર્ષને અંતે કરવેરા, લાગોલેતરી અને માનામાપા આપ્યા પછી ખેડૂત પાસે સામેના ચોમાસા સુધી તેના કુટુંબના નિર્વાહ માટે પૂરું અન્ન પણ રહેતું નહીં.
ખળાંમાંથી પછેડી ખંખેરીને સીધા શાહુકારને ઘેર આવતા વર્ષના પાકને ગીરો મૂકી રોટલા ભેગા થવાનો વખત આવતો.
સૌરાષ્ટ્રના એકતંત્ર રાજ્યની રચના થઈ ત્યારે ગણોતિયાની આવી દશા હતી. 15 એપ્રિલ 1948ના રોજ કાઠિયાવાડનાં બધાં રાજ્યોની સોંપણી પૂરી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રનો રાજ્યવહીવટ એકતંત્રી રાજ્ય તરીકે ચાલુ થયો કે તેના પ્રથમ કાર્ય તરીકે રાજ્યે એક ક્રાંતિકારી ઉદ્ઘોષણા દ્વારા બધા ખાલસા જમીનના ખેડૂતોને જમીન કબજા હક્કની બક્ષિસ આપી.
જમીન મહેસૂલ સિવાયના 90થી પણ વધારે ન્યાયી, અન્યાયી અને હાસ્યાસ્પદ કરવેરા નાબૂદ કર્યા અને વેઠની ગુલામી પ્રથાને સદંતર દેશવટો આપ્યો.

રાજવીઓએ બહારવટિયા પોષ્યા

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE/UIG VIA GETTY
ઢેબર સરકારના આવા ક્રાંતિકારી નિર્ણયો સામે સ્વાભાવિક હતું કે રાજવીમંડળ અને ગરાસદારો વિરોધ કરે.
કેટલાકે સત્યાગ્રહ આદર્યા. પણ બીજાઓએ તો હિંસાનો માર્ગ અપનાવ્યો. ઢેબર જેવા અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના શિષ્યો સામે રાજવીઓએ બહારવટિયા પોષ્યા અને હત્યાઓ કરાવી દેવાના કારસા રચ્યા.
એક તબક્કે તો ધારાસભાની ચૂંટણી વખતે નિર્દોષોની હત્યાઓના સમાચારને પગલે મુખ્ય મંત્રી ઢેબરે ચૂંટણીમાંથી ખસી જવાનું નક્કી કર્યું, પરંતુ એમના સાથી અને વાસાવડના તાલુકદારના પરિવારના દેવેન્દ્રકુમાર દેસાઈ (સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિવાળા)એ એમણે સમજાવી લીધા.
મનુ રાવળે પણ નોંધ્યું છે: "ગરાસદારો અને રાજવીમંડળના અશુભ ગઠબંધનને લીધે, નિર્દય અને ભીષણ બહારવટિયાઓની હારમાળાએ આખા પ્રદેશમાં સ્તબ્ધતા ફેલાવનારું ભયજનક વાતાવરણ સર્જવા ઉપરાંત સેંકડો ખેડૂતોના જાનમાલને હાનિ પહોંચાડી અને પ્રજા અને રાજ્યતંત્રની કપરી કસોટી કરી."
"બહારવટિયાનો દીર્ઘકાળનો કાળો કેર સર્જવામાં અને નિભાવવામાં સૌરાષ્ટ્રનાં અનેક અનિષ્ટ સામંતશાહી પરિબળો, જેમાં રાજપ્રમુખના (જામ સાહેબના) મહેલથી શરૂ કરી કેટલાયે રાજવીઓ, દરબારો, ભાયાતો અને કુંવરોએ નપાવટ ભાગ ભજવ્યો. અંતે રાજ્યે આવાં તત્ત્વોને જેર કર્યાં. તે પછી અસામાજિક વિદ્રોહની ભૂતાવળનો અંત આવ્યો."

બહારવટિયા અને ડાકુ વચ્ચે ફરક

સેંકડો નિર્દોષ ખેડૂતોના ડાકુ ભૂપત અને તેની ટોળી દ્વારા ખૂન થવા લાગ્યાં ત્યારે મુખ્ય મંત્રી ઢેબરે વિધાનસભામાં કહ્યું હતું: "આપણે જીવનભર બહારવટિયાની રંજાડો જોયેલી છે. આજે પણ આપણા મનમાં છૂપી રીતે તારીફનો પ્રવાહ વહી રહ્યો છે. હું માનું છું કે તેમાંથી જ બહારવટિયા જન્મે છે."
"ગૃહમંત્રી (રસિકલાલ પરીખ)ને ઉતારી પાડશો, ઢેબર સરકારને ઉતારી પાડશો અને વ્યક્તિગત સંતોષ માટે ખૂનની તારીફ કરશો તો ખૂનીની તારીફ પણ ભેગી ભેગી જશે!"
રાજમહેલના ઇશારે હત્યાઓ કરીને ઢેબરને ડગાવવાનો પ્રયાસ કરનાર ભૂપત પોલીસની ભીંસ વધતાં પાછળથી પાકિસ્તાન ભાગી ગયો હતો. ભૂપતનું બહારવટું કોઈ સરકારી અન્યાયમાંથી નહીં, ચોરી-લૂંટમાંથી થવા પામ્યું હતું.
ઝાલાવાડના મુંજપુર ખાતેના આશ્રમમાં સ્વામી શિવાનંદજી ખેડૂતોના પક્ષે રહ્યા અને ગીરાસદારી નાબૂદી ધારાના સમર્થનમાં પ્રવાસ ખેડતા હતા ત્યારે તેમને એમના આશ્રમમાં જ બારીથી બંદૂકના ભડાકે દેવાયા અને સ્વામી હસતે મોઢે મોતને ભેટ્યા.
ઢેબર-રસિકભાઈનો સંકલ્પ મજબૂત બન્યો. ભૂપત અને બીજા ડાકુઓ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીની હત્યા કરવા ફરતા હતા. નામીચા ડાકૂઓમાં ભૂપત, રામ બસીયો, કાળુ વાંક, લખુ માંજરિયો, સજુલા, મંગળસિંહ, દેવાયત, મેસુર, ભગુ પરમાર, વશરામ કાળા અને માવજી ભાણાનાં નામ અગ્રેસર હતાં.

રાષ્ટ્રીયસ્તરે સૌરાષ્ટ્ર પ્રયોગની સ્વીકૃતિ

ઇમેજ સ્રોત, Shukdev Bhachech
ઢેબરના જમીન સુધારાથી સામંતશાહીનો અંત આવ્યો અને ખેડૂતો માટે નવી આશા જન્માવી.
વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 4 ઑક્ટોબર 1951ના રોજ મુખ્ય મંત્રીઓને પોતાના પાક્ષિક પત્રમાં લખ્યું: "મને તાજેતરમાં સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રીનો પત્ર મળ્યો છે. તેમાં ખેતીની જમીનમાં તેમણે ક્રાંતિકારી ફેરફારો કર્યા અને જમીનદારી પ્રથા કૃષિની જમીનમાંથી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે."
"આ કાર્ય મોટે ભાગે સંબંધિત સર્વેની સમજણ અને સંમતિથી કરવામાં આવ્યું છે. હવે તેઓ બિનકૃષિ જમીન, કરજ નિવારણ તથા કૃષિ જમીનના ટુકડાઓના એકીકરણ માટેનાં પગલાં લઈ રહ્યા છે. હજુ હમણાં સુધી સૌરાષ્ટ્રની તસુએ તસુ જમીન જમીનદારો અને ગરસદારોની સત્તા નીચે હતી. આ બધાનો હવે અંત આવ્યો છે. હું ઇચ્છું છું કે બીજાં રાજ્યોમાં પણ આવી પ્રગતિ સાધવામાં આવે."
મૂળે જામનગરના અલીયાબાડા પાસેના નાનકડા ગામ ગંગાજળામાં નાગર જ્ઞાતિમાં જન્મેલા અને વ્યવસાયે વકીલ એવા ઉ.ન.ઢેબર (21 સપ્ટેમ્બર 1905-11 માર્ચ 1977) ગાંધીજીના રંગે રંગાયા અને વકીલાત છોડી આઝાદીની લડતમાં જોતરાયા હતા.
આઝાદી આવતાં તેઓ છ વર્ષ સુધી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા. એ પછી એમને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ બનાવાયા અને ત્રણ ત્રણ મુદ્દત માટે કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા.
સાદગીને એમણે મુખ્ય મંત્રી તરીકે અને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ સતત જાળવી. એમના અધ્યક્ષપદે જ 1955માં મદ્રાસના આવડી કૉંગ્રેસ અધિવેશનમાં પાંચ લાખ કૉંગ્રેસજનોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક "સમાજવાદી સમાજરચના"નો ઠરાવ મંજૂર થયો હતો.
કૉંગ્રેસના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા પછી એમણે 1963થી 72 સુધી દેશના ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષનો અખત્યાર પણ સંભાળ્યો હતો. તેઓ રાજકોટ બેઠક પરથી 1962માં લોકસભામાં પણ ચૂંટાયા હતા.

ભૂદાન ચળવળનું પ્રેરણાસ્રોત
પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર-તેલંગણમાં જમીનદારો અને ગણોતિયાઓ વચ્ચે હિંસક સંઘર્ષ થતા રહ્યા અને નકસલવાદ વકર્યો એ સૌરાષ્ટ્રમાં ઢેબરના દીર્ઘદૃષ્ટિવાળા આયોજનને કારણે ખાળી શકાયો.
ભૂમિ સમસ્યા અને બેરોજગારીમાંથી હિંસક અથડામણો સર્જાતી હોવાની હકીકતમાંથી જ આચાર્ય વિનોબા ભાવેને ભૂદાન ચળવળ આરંભવાની પ્રેરણા મળ્યાનું દેવેન્દ્રભાઈ દેસાઈ "સૌરાષ્ટ્રના ઘડવૈયા -ઢેબરભાઈ" નામક પુસ્તિકામાં સ્પષ્ટ કરે છે.
"જમીન સુધારણાના કાયદા-ઘડતરમાં અને પછી અમલમાં શ્રી ઢેબરભાઈ અને તેમના મંત્રીમંડળ અને 'બે બી.આર.ના આ કમાલભર્યા ચમત્કારમાં મહત્વનો હિસ્સો રહ્યો હતો." બે બી.આર. એટલે વિધાનસભ્ય ભીમજીભાઈ રૂડાભાઈ પટેલ (ભીમાબાપા) અને સૌરાષ્ટ્ર રાજ્યના ચીફ સેક્રેટરી ભગવતીપ્રસાદ રાવજીભાઈ પટેલ.
વિધાનસભાએ પસાર કરેલા ત્રણ ધારાઓમાં સૌરાષ્ટ્ર જમીન સુધારણા ધારો, સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી ધારો અને સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્તિ ધારો હતા.
પહેલો ધારો જમીનમાં માલિકી દાવો ધરાવતા,તાલુકદારો, ભાયાતો, ગરાસદારો અને મૂળ ગરાસદારોને સ્પર્શતો હતો. બીજો જેમને જમીનના ભોગવટાનો જ અધિકાર હતો તેવા બારખલીદારો, જીવાઈદારો, ચાકરિયાતો અને ધર્માદા અને ખેરાતી સંસ્થાઓને લાગુ પડતો હતો.
ત્રીજો ધારો ખેડવાણ અને બિનખેડવાણ ખરાબો, ઘાસિયા જમીન, ખેતઘરો, ગૌચર, રસ્તાઓ, નદીનાળા વગેરેનું યોગ્ય વળતર આપી સરકાર તે પ્રાપ્ત કરી શકે તેવી જોગવાઈઓ કરતો હતો.
પ્રથમ બે કાનૂન 1 સપ્ટેમ્બર 1951થી અને ત્રીજો ધારો ફેબ્રુઆરી 1952થી અમલમાં આવ્યો.
સરકારે જમીનદારો પાસેથી ગણોતિયાને નામે જમીન કરવામાં અમુક રકમ (વાર્ષિક આકારણીની છ ગણી રકમ) જમીન મેળવનાર ચૂકવે એવી જોગવાઈ કરી અને ગણોતિયા પાસે એ માટે નાણાં ના હોય ત્યારે એ માટે અલગ લૅન્ડ મોર્ટગેજ બૅંકની વ્યવસ્થા કરી એને ધિરાણ પણ આપ્યું.
પ્રારંભિક વર્ષોમાં આ કાયદાઓના અમલમાં મુશ્કેલી પડવી સ્વાભાવિક હતી. સામંતશાહીના પ્રભાવને તોડવાનું સરળ નહોતું, પણ ઢેબરના મજબૂત સંકલ્પ અને સાથીઓની નિષ્ઠાના પ્રતાપે માથે મોત ભમતું હોવા છતાં એની પરવા કર્યા વિના એનો અમલ કર્યો.

ગણોતિયા ખેડૂતોને જમીનપ્રાપ્તિ
દેવેન્દ્રભાઈએ નોંધેલા આંકડા આપણને આજેય આભા કરી મૂકે તેવા છે: જમીન સુધારણાના કાયદાથી જમીનદારો અને બારખલીદારોના ગણોતિયા ખેડૂત જમીનના માલિક બન્યા. એ સાથે-સાથે જમીનદારો અને બારખલીદારો પણ જાતખેડ માટે જમીન મેળવીને ખેડૂત બન્યા.
લગભગ 33,000 જેટલા ગરાસ ધરાવતા જમીનદારો પાસે તેમના કબજા હકની આ રીતે 29,00,000 એકર જમીન ઘરખેડમાં પ્રાપ્ત થઈ.
જ્યારે તેમના ગણોતિયા ખેડૂતો આશરે 55,000 જેટલા હતા. તેમને 17,00,000 એકર જમીનનો કબજા હક મળ્યો.
તેવી જ રીતે 19,900 જેટલા બારખલીદારો પાસે 8,00,00 એકર જમીન હતી. તેમાંથી 5,600ને 1,60,000 એકર જમીન ઘરખેડમાં અપાઈ. જયારે આ બારખલીદારોના 28,000 જેટલા ગણોતિયાઓને 5,70,000 એકર જમીનના કબજા હક મળ્યા. કબજેદાર બનેલા ગણોતિયાઓએ હવે સરકારને સીધું મહેસૂલ ભરવાનું હતું.

ક્રાંતિકારીનું વિસ્મરણ
દેશમાં ક્રાંતિકારી પગલું ભરીને ગુલામીમાં સબડતા ખેતમજૂરોને જમીનના માલિક બનાવનાર મુખ્ય મંત્રી ઉ.ન. ઢેબરનો ઉપકાર માત્ર પટેલ ખેડૂતો પર જ નહોતો, જમીન વિહોણા દલિતો અને અન્ય ખેતમજૂરો પર પણ હતો. તેમને જમીન મળી રહે અને સ્વાભિમાન સાથે એ જીવી શકે એ માટેની વ્યવસ્થા જાનના જોખમે કરી હતી.
સાદગી એમનો જીવનમંત્ર હતો. કમનસીબે આજના રાજનેતાઓના ભભકા અને રાજવી સાહ્યબીમાં જીવવાના માહોલમાં બહુ ઓછા એવા છે જે આ ઢેબરભાઈનું સ્મરણ કરે છે. ક્યારેક એવું કહેવાનું મન થાય છે કે આપણે કેટલા નગુણા થઈ ગયા છીએ.
(લેખક વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ સંશોધન સંસ્થાન સેરલિપના સંસ્થાપક નિયામક અને મુંબઈમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપના તંત્રી રહ્યા છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














