પાટીદારોની જેમ રાજસ્થાનમાં અનામત આંદોલન કરી રહેલા ગુર્જરો કોણ છે?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજસ્થાનમાં ગુર્જર સમાજે અનુસુચિત જનજાતિમાં પાંચ ટકા અનામત સાથે સામેલ થવાની માગણીને લઈને ફરી આંદોલનના રસ્તો અપનાવ્યો છે.
સવાઈ માધોપુરથી ચાલી રહેલા ગુર્જર આંદોલનને લીધે 14 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે અને સરકારને અનેક ટ્રેનોના માર્ગ બદલવાની ફરજ પડી છે.
ગુર્જર આંદોલનકારીઓએ દિલ્હી-મુંબઈને જોડતા રેલવે ટ્રેક પર કબજો કરી લીધો છે અને અનેક સડકો જામ કરી છે.
જયાં સુધી અનામત ન મળે ત્યાં સુધી રેલ અને સડક વાહનવ્યવહાર જામ કરી દેવાની ચેતવણી પણ ગુર્જરોએ રાજસ્થાન સરકારને આપી છે.
સામે પક્ષે સરકારે જે વિસ્તારોમાં ગુર્જરોની વસતિ વધારે છે ત્યાં ઇન્ટરનેટ સેવા બંધ કરવા સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
ગુર્જરો કોણ છે અને અને ગુજરાતના પાટીદારોની જેમ તેઓ પણ કેમ અનામત માટે આંદોલન કરી રહ્યા છે?

ગુર્જર અનામત આંદોલનનો એક દસકો

ગુર્જર સમુદાયનું અનામત આંદોલન વર્ષ 2006થી ચાલ્યું આવે છે, જે સમાંયતરે અલગઅલગ વળાંકો તરફ વળ્યું છે.
2008માં મે મહિનામાં બયાનામાં પોલીસે ગુર્જર આંદોલનને રોકવા માટે ફાયરિંગ કર્યુ હતું અને ત્યારથી આ આંદોલન લાઇમલાઇટમાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વખતે ભડકેલી હિંસામાં ચાર પ્રદર્શનકારી અને એક પોલીસનું મોત થયું હતું.
2006થી 2015 સુધી આ આંદોલનમાં 72 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દેશની રાજધાનીને જોડતા મહત્ત્વના રેલ માર્ગ અને સડક માર્ગ જામ કરી દેવા એ આ આંદોલનની મહત્ત્વની રણનીતિ રહી છે અને તેને લીધે આંદોલનને અનેક ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે.
આ સિવાય દિલ્હીમાં પણ ગુર્જરો પોતાની માગણી માટે દેખાવો કરી ચૂકયા છે.
2010માં આંદોલન વેગવાન બનતા સરકારને ગુર્જર આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવાની ફરજ પડી હતી.
પ્રવાસન રાજસ્થાનનો મહત્ત્વનો ઉદ્યોગ છે અને અને 2010માં આ આંદોલનની સૌથી વધારે અસર એના પર જોવા મળી હતી.
2010માં અનેક દિવસોની હાલાકી પછી રાજસ્થાન સરકારે બે તબક્કામાં ગુર્જરો સાથે વાતચીત કરી હતી અને એમની માગણીઓ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય માગ્યો હતો. એ રીતે આંદોલન સમેટવામાં આવ્યું હતું.
સરકારે ગુર્જરોની માગણીઓને સંતોષવા અને રાજ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એસબીસી (વિશેષ પછાત વર્ગ) અંતર્ગત ઓબીસી અનામત વિધેયક પસાર કર્યું, જેમાં પાંચ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી.
રાજ્યની વિધાનસભાએ ગુર્જર સહિત ગાડિયા, લુહાર, બંજારા, રેબારી, રાયકા, ગડરિયા, ગાડોલિયા અને અન્યને પાંચ ટકા અનામત આપી આ સમાજોને ઓબીસીમાં સામેલ કર્યા હતા.
રાજસ્થાનમાં 21 ટકા અન્ય પછાત વર્ગ, 16 ટકા અનુસુચિત જાતિ અને 12 ટકા અનુસુચિત જનજાતિને અનામત મળતી જે કુલ 49 ટકા થતી હતી.
5 ટકાના વધારા સાથે તે ટકાવારી 54 ટકા થઈ જવાથી રાજસ્થાન હાઈકોર્ટે આ કાયદા પર રોક લગાવી દીધી હતી.
જેની સામે રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે, સરકારને ત્યાં પણ રાહત મળી નહોતી.
સુપ્રીમ કોર્ટે અનામત 54 ટકાથી ન વધવી ન જોઈએ અને રાજસ્થાન હાઈકોર્ટ મેરિટને આધારે સુનાવણી કરવી તેવો નિર્દેશ આપ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુર્જરો છે કોણ

અનુસૂચિત જનજાતિના દરજ્જાની માગણી કરી રહેલા ગુર્જરોનો ઇતિહાસ ઘણો જૂનો છે.
ગુર્જર શબ્દ સાથે આમ તો ગુજરાતને પણ લેવાદેવા છે કેમ કે ગુજરાતને ગુર્જર ભૂમિ પણ કહેવાય છે.
ગુર્જરોની વસતિ ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ છે. જોકે, ત્યાં તેઓ હિદું નહીં પણ મુસલમાન છે.
ભારતમાં ગુર્જરો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં પણ છે.
હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ગુર્જરોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવેલો છે પણ રાજસ્થાનમાં તેઓ અન્ય વંચિત વર્ગ યાને ઓબીસીમાં આવે છે.
પ્રાચીનકાળમાં યુદ્ધકળામાં નિપુણ રહેલા ગુર્જરો હવે મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે.
રાજપૂતોની સત્તા વખતે ગુર્જરોને સારા લડવૈયા માનવામાં આવતા હતા અને એટલે જ ભારતીય સેનામાં આજે પણ એમની સંખ્યા ઘણી છે.
એ નોંધવું મહત્ત્વનું છે કે ગુર્જરોના અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલા પણ અગાઉ ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કયાંક ગુર્જર હિંદુ તો ક્યાંક મુસ્લિમ

ઇમેજ સ્રોત, NARAYAN BARETH
કેટલાક ઇતિહાસકારો ગુર્જરો મધ્ય એશિયાના કૉકેશસ ક્ષેત્ર (મતલબ હાલનું આર્મેનિયા અને જ્યોર્જિયા)થી આવ્યા છે પણ આર્યોથી અલગ છે એમ માને છે.
કેટલાક ઇતિહાસકારો એમને હૂણોના વંશજો ગણાવે છે.
ભારતમાં આવ્યા બાદ તેઓ અનેક વર્ષો સુધી યોદ્ધાઓ તરીકે રહ્યા અને છઠ્ઠી સદી બાદ સત્તા મેળવવા માંડ્યા એમ માનવામાં આવે છે.
7મીથી 12મી સદી દરમિયાન તેઓ અનેક સ્થળોએ સત્તા પર રહ્યા.
ગુર્જર-પ્રતિહાર વંશની સત્તા કન્નોજથી લઈને બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી ફેલાયેલી હતી.
મિહિરભોજને ગુર્જર-પ્રતિહાર વંશના મોટા શાસક માનવામાં આવે છે અને એમની લડાઈઓ બિહારના પાલ વંશ અને મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટ શાસકો સાથે થતી રહેતી હતી.
12મી સદી પછી પ્રતિહાર વંશનું પતન શરૂ થયું અને તેઓ અનેક હિસ્સાઓમાં વહેંચાઈ ગયા.
ગુર્જરમાંથી અલગ થયેલી સોલંકી, પ્રતિહાર અને તોમર જાતિઓ વધારે પ્રભાવક બની અને રાજપૂતો સાથે ભળવા લાગી.
અન્ય ગુર્જરો કબીલાઓમાં પલટાઈ ગયા અને ખેતી અને પશુપાલન તરફ વળી ગયા.
ગુર્જરોની શકલ-સૂરત અને સામાજિક-ધાર્મિક દરજ્જો બધે એકસમાન નથી.
રાજસ્થાનમાં એમનું ઘણું માન છે અને એમની તુલના જાટ અને મીણા સમુદાય સાથે કરવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં રહેતા ગુર્જરોની સ્થિતિ થોડી અલગ છે.
ત્યાં તેઓ હિંદુ અને મુસલમાન બંને ધર્મમાં જોવા મળે છે.
મધ્ય પ્રદેશમાં ચંબલનાં જંગલોમાં ગુર્જર ડાકૂઓની ટૂકડીઓ પણ જોવા મળતી હતી.
સમાજશાસ્ત્રીઓના મતે હિંદુ વર્ણવ્યવસ્થામાં તેઓને ક્ષત્રિય વર્ગમાં રાખી શકાય.
જોકે, જાતિને આધારે તેમને રાજપૂતો કરતાં વંચિત માનવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં ગુજરાવાલાં, ફૈસલાબાદ અને લાહોરની આસપાસ એમની ઘણી વસતિ છે.
ભારત અને પાકિસ્તાનમાં ગુર્જર સમુદાયના લોકો રાજકીય રીતે મોટા હોદ્દા ઉપર પણ પહોંચેલા છે.
જેમાં, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ફઝલ ઇલાહી ચૌધરી અને કૉંગ્રેસના દિવંગત નેતા રાજેશ પાઇલટ જેવાં નામો ગણી શકાય.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














