કુંભ 2019: કેમ વિદેશી શ્રદ્ધાળુઓ કુંભમાં દોડી આવે છે?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, પ્રયાગરાજથી, બીબીસી ગુજરાતી માટે
15 જાન્યુઆરીએ કુંભના પહેલા શાહી સ્નાન એટલે કે મકર સંક્રાંતિએ સંગમ કિનારે જ્યાં અખાડાઓના સાધુ સ્નાન કરી રહ્યાં હતાં, તેમનાથી થોડાં જ મીટરના અંતરે સ્નાન કરી રહેલાં સફેદ વસ્ત્રધારી ઘણાં વિદેશી શ્રદ્ધાળુઓ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
તેમાંથી એક અમેરિકાથી આવેલા ઑસ્ટિન પણ હતા, જેઓ બીબીસીનું માઈક જોઈને હસીને પોતે જ અમારી પાસે આવી ગયા.
આ દરમિયાન ઑસ્ટિન અને તેમના સાથી 'ગંગા મૈયા કી જય' અને 'હર-હર ગંગે'ના નારા લગાવી રહ્યાં હતાં.
તેમની સાથે લગભગ બે ડઝન લોકો હતા જેમાં ઘણી મહિલાઓ પણ હતી. અખાડાઓની સાથે આ લોકો પણ નાચતાં-ગાતાં અને વાદ્ય યંત્રો સાથે સ્નાન કરવા આવ્યા હતા.
સ્પષ્ટ-સુંદર હિન્દીમાં ઑસ્ટિન જણાવવા લાગે છે, "અમે લોકો છેલ્લા એક સપ્તાહથી અહીં આવ્યા છીએ અને ટૅન્ટમાં રહીએ છીએ. અમારા તમામ સાથી એક મહિનો રહીને કલ્પવાસ કરશે."
"અમારા સમુદાયના 100થી વધુ લોકો અહીં આવ્યા છે જે અમેરિકા સહીત ઘણા અન્ય દેશોના લોકો પણ છે."
ઑસ્ટિન એ રૈંબો ઇન્ટરનેશનલ સમુદાયના સભ્ય છે, જેઓ દુનિયાભરમાં સનાતન ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ સમુદાયના જ તમામ લોકો આ સમયે કુંભમાં પણ આવ્યા છે અને એક મહિનો અહીં જ રહીને કલ્પવાસ કરશે.
રૈંબો સમુદાય ઉપરાંત પણ તમામ સાધુ-સંતોની શિબિરોમાં અને અખાડાઓમાં પણ મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાળુઓ ઉપરાંત વિદેશી સંતો પણ દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

શાંતિની શોધમાં કુંભ પહોંચ્યાં

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
રૈંબો સમુદાયના જ એક અન્ય સભ્ય અને જર્મનીનાં મ્યૂનિખ શહેરનાં રહેવાસી એની સન્યાસીઓના વેશમાં રહે છે.
તેઓ કહે છે, "હું લગભગ ત્રણ વર્ષથી ભારતમાં આવતી-જતી રહું છું અને મારા ગુરુના આશ્રમમાં જ રહું છું. શાંતિની શોધમાં અહીં સુધી આવી ગઈ અને લાગે છે કે આ જ સનાતન ધર્મમાં આ તમામ મળી શકે છે, ક્યાંય બીજે નહીં."
એની હજુ હિંદી સરખું નથી બોલી શકતાં, પરંતુ તેમનું કહેવું છે કે તેણી શીખી રહ્યાં છે અને જલ્દી જ સારી હિંદી બોલવામાં સક્ષમ થઈ જશે.
કુંભ મેળામાં તેઓ પહેલીવાર આવ્યાં છે પરંતુ ઇન્ટરનેટ પર આ વિષયે તેમણે ઘણું બધું વાંચ્યું છે અને અહીં આવીને તેમને 'દિવ્ય' અનુભૂતિ થાય છે.
કુંભમાં આવનારા વિદેશી શ્રદ્ધાળુ અને સંત નવા વર્ષથી જ આવવા લાગ્યાં હતાં. ઘણાં શ્રદ્ધાળુ તો પર્યટક તરીકે આવ્યાં છે અને લક્ઝરી કૉટેજમાં રોકાયાં છે.
પરંતુ જ્યાં સુધી વિદેશી સંતોનો સવાલ છે ત્યાંરે કોઈને કોઈ આશ્રમ, મહંત અને અખાડાઓ સાથે જોડાયેલા છે અને તેમના જ સંપર્કમાં અહીં છે.
અખાડાઓ સાથે જોડાયેલા સંત શાહી સ્નાનમાં પણ સામેલ થાય છે અને અખાડાઓની પેશવાઈનો પણ ભાગ બને છે.


મહામંડલેશ્વરની ઉપાધિ મળી

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
આનંદ અખાડા સાથે જોડાયેલાં ડેનિયલ મૂળ રૂપે ફ્રાંસના રહેવાસી છે પરંતુ હવે તેઓ ભગવાન ગિરિ બની ગયા છે.
ભગવાન ગિરિ અખાડાના મહંત દેવગિરિના શિષ્ય છે અને છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ભારતમાં રહીને ભારતીય પરિધાન પહેરવા ઉપરાંત સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં જ ઓત-પ્રોત છે.
વિદેશી સંન્યાસી ન ફક્ત અખાડાઓમાં રહીને સંતોનું જીવન વિતાવી રહ્યાં છે, પણ ઘણાં એવા પણ છે જેમને મહામંડલેશ્વર જેવી ઉપાધિઓ પણ મળી છે.
મહાનિર્વાણી અખાડા સાથે સંકળાયેલા સ્વામી જ્ઞાનેશ્વર પુરી પોતાના તમામ દેશી અને વિદેશી શિષ્યો સાથે આ વખતે કુંભમાં મહાનિર્વાણી અખાડાના સંતોની સાથે શાહી સ્નાન પણ કરી રહ્યા છે.
વિદેશી સંન્યાસી સ્થાનિક લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં પણ કોઈ સન્યાસી દેખાય છે લોકો તેમની સાથે વાત કરવા અને હળવા-મળવાનું વધારવાનો પ્રયત્ન કરવા લાગે છે, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ હિંદીમાં વાત કરતા મળી જાય છે.
જૌનપુરથી આવેલા 60 વર્ષના વિદ્યાશંકર તિવારી આધ્યાત્મિક રંગમાં રંગાયેલા આવા સન્યાસીઓને જોઈને મંત્રમુગ્ધ નજરે પડ્યા.
કહેવા લાગ્યા, "સાત સમુદ્ર પારના આ લોકોને આપણી સંસ્કૃતિ એટલી સારી લાગે છે પરંતુ પોતાના દેશના લોકો તેને નષ્ટ કરવા ઉપર તુલી પડેલા છે."
સેક્ટર 14 સ્થિત જૂના અખાડાના શિબિરમાં પ્રવેશ કરવા બાબતે બંને તરફ નાગા સાધુ ધૂણી ધખાવીને બેઠેલા હતા.
આગળ જતાં મોટાં મંડપમાં પ્રવચન ચાલી રહ્યું હતું.
સામે એક વયસ્ક મહિલા મળ્યાં જેઓ પોતાનાં ટેન્ટમાંથી નીકળીને પ્રવચન સંભાળવા જઈ રહ્યાં હતાં. હળવા સ્મિત સાથે બંને હાથ જોડીને 'ઓમ નમો નારાયણ' કહીને તેમણે અભિવાદન કર્યું.


'એ જોવા આવ્યાં છીએ કે કરોડો લોકો માત્ર ન્હાવા માટે કેમ આવે છે'

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
તૂટી-ફૂટી હિંદીમાં જણાવવાં લાગ્યાં, "મારા ગુરુજીએ મારું નામ ગંગાપૂરી રાખ્યું છે અને હવે હું આ નામથી ઓળખાઉં છું. હું રશિયાની રહેવાસી છું અને છેલ્લા 35 વર્ષથી ભારતમાં જ રહું છું."
"હું પ્રયાગ ઉપરાંત હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનના કુંભમાં પણ ઘણીવાર ગઈ છું. આમ તો હું અહીં અભ્યાસ અર્થે આવી હતી પરંતુ હરિદ્વારમાં મારી મુલાકાત કેટલાંક સાધુ-સંતો સાથે થઈ અને પછી બે-ત્રણ વર્ષ બાદ મેં સંન્યાસ લઈ લીધો. સંન્યાસ લીધા પછી હું ક્યારેય રશિયા નથી ગઈ."
અખાડાઓ ઉપરાંત પણ ઘણાં આધ્યાત્મિક ગુરુઓનાં શિબિરોમાં વિદેશી સંતો રહે છે. જેમ કે સચ્ચા બાબા આશ્રમના શિબિરમાં તમામ સંત ફ્રાંસ, જર્મની, ઇંગ્લૅન્ડ, ઓસ્ટ્રિયા, સ્લોવાકિયા જેવા યૂરોપીય દેશો ઉપરાંત દક્ષિણ અમેરિકન દેશોના પણ છે.
સચ્ચા બાબા આશ્રમમાં પ્રવાસી તરીકે કુંભ મેળો જોવા આવેલા ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ પોતાના આવવાના હેતુને કંઈક આવી રીતે વ્યક્ત કર્યો.
"હું તો એ જોવા આવ્યો છું કે આખરે અહીં એવું શું છે કે કરોડો લોકો ફક્ત નદીમાં ન્હાવા માટે આવે છે. આવું અદ્દભૂત દૃશ્ય મેં પહેલાં ક્યારેય નથી જોયું. અહીં આવીને ખબર પડી કે આધ્યાત્મ શું વસ્તુ છે."
"હું અહીં આવ્યો તેને એક સપ્તાહ થઈ ગયું છે, હિંદી નથી સમજતો, પરંતુ મહાત્માઓના પ્રવચન સંભાળવા જઉં છું. સાથે સ્વામીજી રહે છે જેઓ અમને અંગ્રેજીમાં બધું સમજાવી દે છે."
હકીકતમાં, એવું નથી કે મેળામાં પહેલી વાર કોઈ વિદેશી શ્રદ્ધાળુ અથવા સંત આવ્યા હોય, પરંતુ તેઓ કાયમથી આવે છે.
સ્થાનિક પત્રકાર અખિલેશ મિશ્ર કહે છે, "મેળામાં દેશભરમાંથી સાધુ-સંત અને મહંત આવે છે જેનાં અનુયાયી વિદેશોમાં ફેલાયેલા છે."
"વિદેશી લોકો અહીં આવીને દીક્ષા પણ લે છે અને સંતોના શિષ્ય બની જાય છે ત્યારે સ્વાભાવિક છે કે અહીં આવશે જ. વિદેશી સંત અહીંના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે તો વિદેશી પર્યટકો માટે મેળામાં આવેલા ભારતીય શ્રદ્ધાળુ."


વિદેશીઓનાં રહેવા માટે સુંદર કૉટેજની પણ વ્યવસ્થા

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
અરૈલ ક્ષેત્રમાં આવા ઘણાં સાધુ-સંત છે જેમને ત્યાં વિદેશી સંન્યાસીઓ સિવાય વિદેશી શ્રદ્ધાળુ પણ મોટી સંખ્યામાં આવે છે.
અહીં તેમના રહેવા માટે સુંદર કૉટેજ પણ બનેલા છે જેમાં શ્રદ્ધાળુ પણ રહે છે અને સંત પણ. જોકે, અખાડાઓમાં રહેનારા વિદેશી સંન્યાસી બરાબર એવી રીતે જ રહે છે જેમ અન્ય સંન્યાસીઓ રહે છે.
અરૈલ ક્ષેત્રમાં જ પરમાર્થ નિકેતન શિબિરમાં ગંગા સફાઈ, મહિલા સશક્તિકરણ, સફાઈ કર્મચારીઓના કલ્યાણ વગેરે વિશે ઘણાં જાગૃતિ કાર્યક્રમો પણ ચાલે છે.
આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ જણાવે છે, "અમે લોકો કુંભ મેળામાં લોકોને સામાજિક સંદેશ આપવાનો પ્રયત્ન પણ કરીએ છીએ અને તેમના ઉત્થાનના કાર્યક્રમ પણ ચલાવીએ છીએ. વિદેશી શ્રદ્ધાળુ અને સંત પણ આ કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લે છે."

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
અહીં જ અમારી મુલાકાત સ્વામી ચિદાનંદનાં શિષ્યા અને અમેરિકા નિવાસી સાધ્વી ભગવતી સાથે થઈ જેઓ ઘણાં વર્ષ પહેલા પરમાર્થ નિકેતન આવ્યાં અને પછીથી સંન્યાસ ધારણ કરી લીધો.
તેઓ કહે છે, "હું યૂનેસ્કોના પણ ઘણાં કાર્યક્રમો સાથે જોડાયેલી છું અને ઘણીવાર ઋષિકેશમાં જ રહું છું પરંતુ કુંભની અનુભૂતિ દિવ્ય છે. અમેરિકા અને અન્ય દેશોમાંથી ભારત આ જ અર્થોમાં અલગ છે કે અહીં વિશ્વ કલ્યાણની વાત કરવામાં આવે છે, ફક્ત પોતાના કલ્યાણની નહીં."
સાધ્વી ભગવતીની સાથે અર્જેન્ટીનાના ગ્રેસ અને નરીન પણ કુંભ મેળામાં આવેલા છે. આ બંને સ્પેનિશ ફિલ્મો અને થિયેટરમાં કામ કરે છે અને ઘનિષ્ઠ મિત્રો પણ છે.
ગ્રેસ જણાવે છે, "મને કુંભ વિષે વધુ ખબર નહોતી. હું તો ઋષિકેશ પરમાર્થ નિકેતનમાં આવી હતી પરંતુ હવે કુંભનો વૈભવ જોઈને લાગે છે કે આ પૂર્ણ થાય ત્યાં સુધી અહીં જ રહીશ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












