લોકસભા ચૂંટણી 2019: રાહુલ કેવી રીતે કૉંગ્રેસના પંજામાં જૂની શક્તિ લાવી શકશે?

- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ મુંબઈ લોકસભા ચૂંટણી ક્ષેત્રની એક ઝૂંપડપટ્ટીમાં કૉંગ્રેસ પાર્ટીનાં કેટલાંક યુવા કાર્યકર્તા સાંકડા રસ્તાઓ પરથી પસાર થઈને, ઘરે-ઘરે જઈને લોકોને પોતાની પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રિત કરી રહ્યા છે. તેમને પાર્ટીએ આદેશ આપ્યાં છે કે તેઓ ભાજપ સરકારની નિષ્ફળતા અંગે પણ લોકો સાથે વાત કરે.
હાથમાં કૉંગ્રેસનો ઝંડો અને માથા પર પાર્ટીની ટોપી પહેરેલા કાર્યકર્તા બબલુ ગુપ્તા કહે છે:
"પાર્ટીનો આદેશ છે કે પાર્ટીનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડો અને ભાજપના ખોટા વાયદાઓ પરથી પડદો ઉઠાવો."
સંદીપ કાંડકે કૉંગ્રેસી કાર્યકર્તાઓની ટોળકીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ કહે છે:
"ભાજપ અને તેમની પૅરન્ટ બૉડી RSSના કાર્યકર્તા પેઇડ વર્કર્સ છે. તેમનાં સોશિયલ મીડિયાનાં લોકો ટ્વીટ કરે છે તો તેમને પૈસા આપવામાં આવે છે."
"કૉંગ્રેસ લોકો પાસે જઈને ચૂંટણી માટે ફંડ એકત્ર કરી રહી છે."
લોકસભા ચૂંટણીમાં હજુ વાર છે પરંતુ ગત વર્ષના અંતે ત્રણ રાજ્યોમાં જીત બાદ કૉંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ ખૂબ વધ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કૉંગ્રેસનો ઉદ્દેશ

સંદીપ કાંડકેના અનુસાર તેમની પાર્ટી (કૉંગ્રેસ)નો એક જ ઉદ્દેશ છે અને તે એ છે કે તેઓ ભાજપ સરકારને સત્તા પરથી હટાવવા માગે છે.
તેઓ કહે છે, "લોકોને અમે યાદ અપાવી રહ્યા છીએ કે જે વાયદા ભાજપ સરકારે કર્યા હતા, જેમ કે 15 લાખ રૂપિયા દરેક વ્યક્તિના ખાતામાં આવશે, તેવા વાયદા પૂરા થયાં નથી.
"લોકોને ખબર પડી ગઈ છે કે તેઓએ ભાજપ પર ભરોસો કરીને ખૂબ મોટી ભૂલ કરી છે. આ વખતે તેઓ આવી ભૂલ નહીં કરે."

ભૂતકાળમાં દક્ષિણ મુંબઈનું લોકસભા ચૂંટણી ક્ષેત્ર કૉંગ્રેસ પાર્ટીનું ગઢ રહ્યું છે.
પહેલા મુરલી દેવડા અને ત્યારબાદ તેમના દીકરા મિલિંદ દેવડા અહીંથી ચૂંટણી જીતતા હતા.
પરંતુ 2014ની ચૂંટણીમાં મોદી લહેરના કારણે અહીં કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો.
અહીં 6 વિધાનસભા બેઠકો છે, ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાને બે-બે બેઠક મળી હતી. જ્યારે ઓવૈસીની પાર્ટી એમઆઈએમ અને કૉંગ્રેસને એક-એક બેઠક મળી હતી.
દક્ષિણ મુંબઈની જેમ જ કૉંગ્રેસ આવું અભિયાન આખા દેશમાં ચલાવી રહી છે.

ગત સામાન્ય ચૂંટણીની સભાઓમાં નરેન્દ્ર મોદીએ ભારતને કૉંગ્રેસ મુક્ત બનાવવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું, "ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધીએ ચંપારણથી અંગ્રેજ મુક્ત ભારતની વાત કહી હતી.""આજે અહીંથી રણશિંગુ ફૂંકાવું જોઈએ. ગાંધી મેદાનથી રણશિંગુ ફૂંકાવું જોઈએ કે કૉંગ્રેસ મુક્તનું સપનું ભારત સાકાર કરે."

કૉંગ્રેસની શરમજનક હાર

વર્ષ 2014માં યોજાયેલી સામાન્ય ચૂંટણી કૉંગ્રેસની અત્યાર સુધીની સૌથી શરમજનક હાર થઈ હતી. ઘણા રાજ્યમાંથી તેના મૂળિયાં જડમૂળમાંથી ઉખડી ગયાં હતાં.
ગુજરાતમાં ઝીરો બેઠક, રાજસ્થાનમાં પણ ઝીરો, મહારાષ્ટ્રમાં 48માંથી માત્ર બે બેઠક કૉંગ્રેસને મળી હતી.
ત્યારબાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ જ્યારે પાર્ટીને સતત પરાજય મળ્યા તો લાગ્યું કે નરેન્દ્ર મોદીનું કૉંગ્રેસ મુક્ત ભારતનું સપનું કદાચ પૂરું થઈ જશે.
એક સમયે તો રાજકીય વિશ્લેષકોએ પણ ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટીની અવગણના કરવાનું શરૂ કરી દીધું હતું.
પરંતુ પછી સાબિત થયું કે રાજકારણમાં પાંચ વર્ષ લાંબો સમય હોય છે.
135 વર્ષ જૂની રાજકીય પાર્ટીની અવગણના કરવી ઉતાવળ હતી. ધીરે-ધીરે કૉંગ્રેસમાં ફરી જીવ ફૂંકાવવા લાગ્યો.
ગયા વર્ષે બીજા અર્ધમાં ચાર વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કૉંગ્રેસ પાર્ટીનાં કાર્યકર્તાઓનું મનોબળ ખૂબ વધ્યું છે. પાર્ટીનાં નેતાઓનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.
પાર્ટી પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહ કહે છે, "લોકો વિચારતા હતા કે ભાજપ અને મોદી અજેય છે. તેમને હરાવી શકાતા નથી. પરંતુ હવે લોકોનો મૂડ બદલાઈ રહ્યો છે."


શું ભાજપને પડકાર આપી શકશે કૉંગ્રેસ?

ઇમેજ સ્રોત, Getty Images
તો શું કૉંગ્રેસ ફરી એક વખત મોટી શક્તિ બની શકશે? શું આગામી લોકસભા ચૂંટણીમાં તે ભાજપને હાર આપવા લાયક બની શકશે?
અમે આ જ સવાલોનો જવાબ શોધવા માટે દેશના કેટલાક રાજ્યોમાં કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને મળવા નીકળી પડ્યા.
અમે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી જ્યાં પાર્ટી લગભગ 30 વર્ષથી સત્તાથી દૂર છે. અમે તમિલનાડુમાં પણ પાર્ટીની ઑફિસમાં ગયા હતા. કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
અહીં પણ 50 વર્ષથી કૉંગ્રેસ સત્તામાં નથી.
અમે મહારાષ્ટ્ર પણ ગયા જ્યાં 20 વર્ષ પહેલાં પાર્ટીનાં બે ટુકડા થઈ ગયાં હોવાં છતાં પાર્ટી ક્યારેય લાંબા સમય સુધી સત્તાથી દૂર રહી નથી.
આ તરફ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પાર્ટીની હાલત નબળી રહી છે.

બે અઠવાડિયાના આ પ્રવાસમાં કેટલીક વાતો સ્પષ્ટપણે નીકળીને સામે આવી.
- વર્ષોથી નિરાશ કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. તેમની અંદર સમગ્ર દેશમાં એક નવો ઉત્સાહ જોવા મળે છે.
- ત્રણ રાજ્યોમાં જીત બાદ પાર્ટીમાં રાહુલ ગાંધીનું કદ ખૂબ વધ્યું છે. તેમના પ્રત્યેની વફાદારી વધી છે.
- યુવાનો, પહેલી વખત મત આપવાવાળા અને મહિલાઓને આકર્ષિત કરવા એ પાર્ટીની પ્રાથમિકતા છે. આ સમુદાયો પર પાર્ટી ખૂબ કામ કરી રહી છે.
- સોશિયલ મીડિયા પર પાર્ટીએ ભાજપને પડકાર આપવાનું ચાલુ કરી દીધું છે.
- પાર્ટીની આંતરિક સંરચના મજબૂત બની છે અને ઉપરથી નીચે સુધી આંતરિક સંવાદની સિસ્ટમ બનાવવામાં આવી છે.
- ઘણાં રાજ્યોમાં પાર્ટી હજુ સુધી ડૂબેલી જ જોવા મળે છે.
- પાર્ટીનું વલણ આક્રમક બન્યું છે અને તેમનું ચૂંટણી અભિયાન અત્યારથી શરૂ થઈ ચૂક્યું છે.
- પાર્ટીમાં ઉછાળો આવ્યો છે પરંતુ તેની ગતિ હજુ સુધી ધીમી છે.

પ્રિયંકા ગાંધી વાળો દાવ

ઇમેજ સ્રોત, PTI
પ્રિયંકા ગાંધીને મહાસચિવ તરીકે નિયુક્ત કરીને પાર્ટીએ એ સંદેશ આપ્યો છે કે યુવાનો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ કૉંગ્રેસની પહેલી પ્રાથમિકતા છે.
મહારાષ્ટ્ર યૂથ કૉંગ્રેસ અધ્યક્ષ સત્યજીત તાંબે કહે છે કે આ તેમના માટે એક મોટો પડકાર છે.
તેઓ કહે છે, "2014ની સામાન્ય ચૂંટણીમાં યુવા પેઢી નરેન્દ્ર મોદી તરફ હતી. પહેલી વખત મત આપવાવાળી જનતાનો ઝુકાવ પણ નરેન્દ્ર મોદી તરફ હતો."
"અમારા માટે યુવાનો અને પહેલી વખત મત આપનારાઓને પાર્ટી તરફ લાવવા એક મોટો પડકાર પણ છે અને અમારી પ્રાથમિકતા પણ છે."
તાંબેનો દાવો છે કે ભારતીય યુવા મોદી સરકારથી નિરાશ છે અને યુવાનો મોટી સંખ્યામાં કૉંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે.
મુંબઈનાં ભાવના જૈન કૉંગ્રેસનાં ઉભરતાં મહિલા નેતા છે.
તેઓ અમેરિકામાં ઘણાં વર્ષો સુધી રહ્યાં બાદ 2008માં ભારત પરત ફરીને કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ગયાં.
ભાવના કહે છે, "કૉંગ્રેસ મહિલાઓને જોડવા માટે તેમને ખૂબ પ્રોત્સાહિત કરી રહી છે."
"મને પાર્ટી સાથે જોડાયા પછી ચાર વર્ષો બાદ જ ચૂંટણીમાં લડવાની તક આપવામાં આવી.""અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલાઓને આગળ વધારવાનું કામ કર્યું છે. અમારી પાર્ટીમાં મહિલાઓ માટે ક્વૉટા છે."


કૉંગ્રેસમાં ઘરવાપસી

કૉંગ્રેસમાં નવો જીવ ફૂંકાતાં જ પાર્ટીને છોડીને જવાવાળા કેટલાક નેતા પાર્ટીમાં પરત ફરવા લાગ્યા છે.
તારિક અનવર કૉંગ્રેસ છોડીને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)માં જતા રહ્યા હતા. હવે તેઓ કૉંગ્રેસમાં પરત ફર્યા છે.
અનવર કહે છે, "વિદેશી સોનિયા ગાંધી વડાં પ્રધાન બનશે, આ મુદ્દે અમે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો, જે અમારી ભૂલ હતી અને આગામી ચૂંટણીમાં તે અંગે ખબર પડી ગઈ."
કેટલાક બીજા પક્ષોના નેતાઓ પણ કૉંગ્રેસમાં સામેલ થવા લાગ્યા. નસીમુદ્દીન સિદ્દીકી બસપા સાથે હતા, હવે તેઓ કૉંગ્રેસમાં છે.
સિદ્દીકી જણાવે છે, "અમે કૉંગ્રેસમાં એ માટે આવ્યા છીએ કેમ કે આ અમારા પૂર્વજોની પાર્ટી હતી. જ્યાં સુધી અમારા બુઝુર્ગ કૉંગ્રેસને મત આપતા રહ્યા, ભાજપને ક્યારેય જીત મળી નથી."


રાહુલ ગાંધીની સ્વીકૃતિ

એક સમયે 'પપ્પૂ' તરીકે ઓળખાતા રાહુલ ગાંધી પાર્ટીના નિર્વિવાદ નેતા સાબિત થતા દેખાઈ રહ્યા છે.
પહેલાંની સરખામણીએ રાહુલ ગાંધીનું વલણ હવે ખૂબ આક્રમક છે, જેમ કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે અમને જણાવ્યું:
"તેમનો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે. તેમનો સ્વાભાવિક અંદાજ આક્રમકતાનો નથી."
"તેઓ નરમ વલણ ધરાવે છે. તેઓ આક્રમક નથી, પરંતુ જ્યારે ભાજપ રફાલ મામલે ખોટું બોલે, વસ્તુઓ છૂપાવે, તો ગુસ્સો આવવો સ્વાભાવિક છે."

વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને સૌથી મોટો ઝટકો ચોક્કસ લાગ્યો હતો, પરંતુ તેની પહેલાં જ ખરાબ દિવસો અંગે અનુમાન આવી ગયું હતું.
ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી પાર્ટી સત્તાથી દૂર છે.
લખનૌના વરિષ્ઠ પત્રકાર વીરેન્દ્ર નાથ ભટ કહે છે, "કૉંગ્રેસના ખરાબ દિવસો નહેરુના નિધન બાદ જ શરૂ થઈ ગયા હતા, પરંતુ અસલી પતન 1989માં શરૂ થયું હતું."
"એ સમયે વી. પી. સિંહની સરકારે મંડલ રિપોર્ટ લાગુ કર્યો હતો."
"એ જ સમયે ભાજપનો ઉદય થયો અને 1986માં બાબરી મસ્જિદનું તાળું ખુલ્યું. મંડલ, દલિત ઉભાર અને સાંપ્રદાયિક રાજકારણ, ત્રણેય મોર્ચે કૉંગ્રેસ પોતાને સંભાળી શકી નહીં."

તે સમયે ઘણા લોકો પાર્ટીને છોડીને ચાલ્યા ગયા હતા.
કૉંગ્રેસના સાંસદ પી. એલ. પુનિયાના દીકરા અને બારાબંકીથી યુવા કૉંગ્રેસ નેતા તનુજ પુનિયા કહે છે:
"ઘણા લોકો અમને છોડીને જતા રહ્યા હતા. જે લોકો વર્ષ 2009માં અમારી સાથે હતા, તેઓ અન્ય રાજકીય પાર્ટીઓ સાથે જોડાઈ ગયા. અમારા ઘણા કાર્યકર્તા પણ પાર્ટીથી અલગ થઈ ગયા."
પાર્ટી છોડનારાઓમાં ખાનદાની કૉંગ્રેસી લખનૌના રાજેશ ગૌતમ પણ હતા, હવે તેઓ યૂપીમાં ભાજપના ધારાસભ્ય છે.

એ લોકો જેમને કૉંગ્રેસ હજુ પણ પસંદ નથી
રાજેશ ગૌતમ જણાવે છે કે તેમણે કૉંગ્રેસ કેમ છોડી અને ભાજપ સાથે કેમ જોડાયા.
ગૌતમ કહે છે, "તેમાં સંગઠન નામની કોઈ વસ્તુ ન હતી. કોઈ પાર્ટીમાં જ્યારે કોઈ સંગઠન હોય છે, જેમ કે પ્રદેશ સ્તર પર અને રાષ્ટ્રીય સ્તર પર યોજનાઓ હોય છે, તેને ક્ષમતાના આધારે પૂરી કરવામાં આવે છે."
"કૉંગ્રેસમાં એવું હોતું કે થોડાં લોકો હતાં, જેઓ કૉંગ્રેસ પાર્ટીમાં કેટલાક લોકોની આસપાસ ફરતા, પછી ભલે તે કામ કરે કે ન કરે. તેઓ ચોક્કસ આગળ વધતા.."
કૉંગ્રેસની સરખામણીએ ભાજપમાં યોગ્યતાનું મહત્ત્વ જોવા મળ્યું અને તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા.
ગૌતમ કહે છે, "જો તમે કામ કરો છો તો કોઈની પાછળ ભાગવાની જરુર નથી. ભાજપનું નેતૃત્વ તક આપે છે."

ઇમેજ સ્રોત, Getty Images
પાર્ટીનું નેતૃત્વ કમજોર થવાના બીજા કારણો પણ હતા. એક મોટું કારણ હતું ઇંદિરા ગાંધીની કથિત અસુરક્ષા.
ચેન્નઈમાં વરિષ્ઠ કૉંગ્રેસ નેતા એસ. વી. રમણી સંજય ગાંધીના મિત્ર હતા અને તેમણે ઇંદિરા ગાંધીને નજીકથી કામ કરતા જોયા છે.
રમણી કહે છે, "ક્ષેત્રીય નેતાઓથી મેડમ (ઇંદિરા ગાંધી)ને થોડી સમસ્યા હતી. મેડમના મગજમાં એ વાત નાખી દેવામાં આવી હતી કે જો ક્ષેત્રીય નેતા શક્તિશાળી થઈ જાય તો પાર્ટી કન્ટ્રોલમાં રહેશે નહીં."
"મેડમે એવા થોડા નેતાઓને દબાવી દીધા, જેનાથી પાર્ટીને નુકસાન થયું."
કૉંગ્રેસ પાર્ટીમાં જૂથબાજી અને નેતાઓ વચ્ચે ઝઘડાએ પણ કૉંગ્રેસને ખૂબ નબળી બનાવી દીધી. ઘણા રાજ્યોમાં પોતાના સિદ્ધાંતોથી દૂર હટી જવું પણ પાર્ટીના પતનનું કારણ બન્યું.
કૉંગ્રેસના નેતાઓ અને ઘણા વિશ્લેષકો પણ એવું માને છે કે પાર્ટીએ યુવાનોની અવગણના કરી કે જેના કારણે પાર્ટીમાં નવા ચહેરા અને લીડરશિપ સારી રીતે ઊભરી શકી નહીં.
ચેન્નઈમાં ફ્રન્ટલાઇન પત્રિકાના તંત્રી વિજય શંકર જણાવે છે:"યુવાનો તમિલનાડુની બન્ને દ્રવિડ પાર્ટીઓ સાથે મોટી સંખ્યામાં જોડાયા, પરંતુ કૉંગ્રેસ તેમને આકર્ષવામાં નિષ્ફળ રહી."
"આથી પાર્ટી ખૂબ નબળી પડી ગઈ. આવી જ ભૂલ પાર્ટીએ બીજા રાજ્યોમાં પણ કરી."
કદાચ પાર્ટીને તેનો અનુભવ પણ છે એ માટે યુવાનો અને મહિલાઓને આકર્ષવા તેની પ્રાથમિકતા બની ગઈ છે.

કૉંગ્રેસે શક્તિ નામે એક પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે, જેનો હેતુ યુવાનો અને મહિલાઓને પાર્ટી સાથે જોડવાનો છે.
તેનો બીજો ઉદ્દેશ મોટા નેતાઓ અને જમીની સ્તરના કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ શરૂ કરવાનો છે.
મુંબઈની નહેરુ નગર ઝુંપડપટ્ટીમાં એક કાર્યકર્તાએ કહ્યું કે તેમણે પાર્ટીના ખરાબ સમયમાં પણ વફાદારી નિભાવી હતી અને તેઓ એ વાતથી ખુશ છે કે રાહુલ ગાંધીએ યુવાનો અને મહિલાઓને જોડવાનું અભિયાન શરૂ કર્યું છે.


કૉંગ્રેસનો શક્તિ પ્રોજેક્ટ
આ કાર્યકર્તાના પત્ની પણ કૉંગ્રેસનાં એક સક્રિય કાર્યકર્તા છે, જેમણે દાવો કર્યો છે કે તેઓ શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી રાહુલ ગાંધી સાથે સીધો સંપર્ક કરી શકે છે.
શક્તિ ઍન્ડ્રોઇડ વાળા મોબાઇલ ફોન પર ઍપના રૂપમાં હાજર છે.
મેં ઘણાં શહેરો અને ગામડાંમાં કાર્યકર્તાઓને પૂછ્યું કે આ ઍપ કેવી રીતે કામ કરે છે મને જણાવો.
મને લાગે છે કે શક્તિ કોઈ વધારે અસરકારક પ્રોજેક્ટ નથી અથવા તો તેને સારી રીતે લાગુ કરવામાં આવ્યો નથી.
એક યુવાને કહ્યું, "હું રાહુલ ગાંધીને મોટા નેતા માનું છું, કેમ કે તેમણે યુવાનોને મંચ આપ્યું છે. હું યૂથ કૉંગ્રેસ સાથે સંબંધ ધરાવું છું.""મને રાહુલ ગાંધી પસંદ છે. તેમણે અમને અહેસાસ કરાવ્યો કે કોઈ પણ વ્યક્તિ નેતા બની શકે છે."

ગત લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાના ઉપયોગમાં ભાજપે કૉંગ્રેસ સામે બાજી મારી લીધી હતી, પરંતુ હવે કૉંગ્રેસ ભાજપથી આગળ નીકળવાનો દાવો કરી રહી છે.
પાર્ટીના આધારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમની હાલની જીતના કારણોમાં સોશિયલ મીડિયાનું યોગદાન હતું.
કે. કે. શાસ્ત્રી, પાર્ટીના સોશિયલ મીડિયા યુનિટ સાથે જોડાયેલા છે અને હાલ જ તેમણે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે પાર્ટીની સોશિયલ મીડિયાની વ્યૂહરચના તૈયાર કરી હતી.
શાસ્ત્રી કહે છે, "વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર અમારી હાજરી ખૂબ ઓછી હતી, પરંતુ 2018 સુધી બે રાજ્યોમાં કૉંગ્રેસનું સોશિયલ મીડિયા પર કામકાજ ભાજપથી આગળ હતું.""અમે મોડી શરૂઆત કરી, પણ અમે ઝડપભેર આગળ નીકળી ગયા હતા."
ભારતીય રાજકારણ પર નજર રાખતા લોકોના અનુસાર કૉંગ્રેસનો નીચે જતો ગ્રાફ, ક્ષેત્રીય આકાંક્ષાઓનું નેતૃત્વ કરતી પાર્ટીઓના જન્મના પરિપ્રેક્ષ્યમાં એક સ્વાભાવિક પ્રક્રિયા હતી.
વર્ષ 1951માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં ભાગ લેતા પક્ષોની સંખ્યા 53 હતી. 1957માં સંખ્યા ઘટીને 15 થઈ ગઈ. ગત ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓની સંખ્યા 1900 હતી, જેમાંથી 465 પાર્ટીઓએ ચૂંટણી લડી હતી.

કૉંગ્રેસનો ધીમે ધીમે ઉદય થઈ રહ્યો છે

કૉંગ્રેસ આગળ ચોક્કસ આવી રહી છે પરંતુ પાર્ટી નેતાઓ અને વિશેષજ્ઞોના આધારે તેની આગળ વધવાની ઝડપ ધીમી છે.
વરિષ્ઠ પત્રકાર વિજય શંકર કહે છે, "કૉંગ્રેસનો વિકાસ એક લાંબી પ્રક્રિયા છે."
ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પત્રકાર વીરેંન્દ્ર નાથ ભટ કહે છે, "સમયસીમા પર મતભેદ થઈ શકે છે પરંતુ કૉંગ્રેસ આગળ વધશે તેમાં કોઈ બેમત નથી, સમય લાગશે પણ થશે."
પરંતુ કૉંગ્રેસ પોતાના બળ પર ચૂંટણી જીતી શકે તેમ નથી. તેને મિત્રોની જરુર પડશે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ કહે છે, "એક વાત સ્પષ્ટ છે. અમારે અલગ અલગ રાજ્યોમાં સહયોગીઓની સાથે મળીને લોકસભા ચૂંટણીમાં ઉતરવું પડશે."
અત્યાર સુધી 15 લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે પોતાના બળ પર ચૂંટણી જીતી છે અને ચારમાં ગઠબંધન સરકાર બનાવી. આ વખતે લોકસભા ચૂંટણીમાં શું થશે, તે કહેવું હજુ મુશ્કેલ છે.
પરંતુ 2014માં માત્ર 44 બેઠક જીતવા વાળી કૉંગ્રેસ પાર્ટીને આ વખતે સારા પ્રદર્શનની આશા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













