રેપ-ફાંસી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જૂઠ્ઠું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી દિલ્હી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવેદન આધારિત એક ટ્વિટના કારણે તાજેતરમાં ટ્રૉલ કરવામાં આવ્યા અને લોકોએ તેમને 'ખોટા' પણ કહ્યા.
સોશિયલ મીડિયામાં હજારો વખત શેર કરવામાં આવેલું આ ટ્વીટ સમાચાર એજન્સી એએનઆઈનું છે, જેમાં મોદીએ સુરત ખાતેની તેમની રેલીમાં કહ્યું:
"દેશમાં પહેલાં પણ રેપની ઘટનાઓ બનતી હતી. એ શરમજનક વાત છે કે આપણે આવી ઘટનાઓ અંગે આજે પણ સાંભળીએ છીએ."
"પરંતુ હવે આરોપીઓને 3, 7 અને 11 દિવસ કે પછી મહિનામાં ફાંસી પર લટકાવી દેવામાં આવે છે."
"દીકરીઓને ન્યાય અપાવવામાં અમારી સરકારે સતત પ્રયાસો કર્યા છે અને તેનું પરિણામ તમારી સામે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લા, સિંગર વિશાલ ડડલાની, કૉંગ્રેસ નેતા શમા મોહમ્મદ સહિત અન્ય મોટા નેતાઓ અને નામી પત્રકારોએ પણ આ ટ્વીટને રી-ટ્વીટ કર્યું અને મોદીની સમજ અને જાણકારી પર સવાલ કર્યા.
અમુક સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં જેઓ પોતાનો પરિચય 'મોદી વિરોધી' આપે છે, તેમણે મોદીના ભાષણનો નાનો વીડિયો પણ શેર કર્યો, જેમાં 3, 7, 11 દિવસ અને એક મહિનામાં ફાંસી આપવાની વાત સંભળાય છે.
પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ દરેક દાવા ખોટા છે. સમાચાર એજન્સીએ મોદીના ભાષણને સાંભળીને જે ટ્વીટ કર્યું, તેમાં અનુવાદની ચૂક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વડા પ્રધાન મોદીનું નિવેદન

ઇમેજ સ્રોત, ANI/Screen Grab
મોદીએ સુરત ખાતે એક સભાને સંબોધતા કહ્યું હતું, "આ દેશમાં પહેલાં પણ દુષ્કર્મ થતાં હતાં, સમાજની આ બુરાઈ અને કલંક એવું છે કે આજે પણ તે સંભળાય છે, જેને કારણે માથું ઝૂકી જાય અને દુખ થાય છે."
"પરંતુ આજે 3 દિવસમાં ફાંસી, 7 દિવસમાં ફાંસી, 11 દિવસમાં ફાંસી અને એક મહિનામાં ફાંસી. સતત દીકરીઓને ન્યાય અપાવવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે અને પરિણામ સામે આવી રહ્યાં છે."
"પરંતુ દેશનું દુર્ભાગ્ય છે કે દુષ્કર્મની ઘટના સાત દિવસ સુધી ટીવી પર ચલાવાઈ રહી છે, પરંતુ ફાંસીની સજાની ખબર આવીને જતી રહે છે.""ફાંસીની સજા જેટલી ફેલાશે તેટલી દુષ્કર્મ કરવાની વિકૃતિથી ભરેલી વ્યક્તિ પણ ડરશે અને પચાસ વખત વિચારશે."
તેમના ભાષણનો સંપૂર્ણ વીડિયો યૂ-ટ્યૂબ પર છે, જેમાં મોદી દુષ્કર્મના આરોપીઓને જેટલી બને તેટલી જલદી ફાંસની સજા થાય એવી વાત કરતા સંભળાય છે, નહીં કે તેમને ફાંસી પર લટકાવી દીધા હોય તેવી.
જોકે, ભારતમાં છેલ્લે વર્ષ 2004માં પશ્ચિમ બંગાળના ધનંજય ચેટર્જીને ફાંસીની સજા થઈ હતી તેવી જાણકારી સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે.
કોલકાતામાં 15 વર્ષની એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને હત્યાના અપરાધી ધનંજય ચેટર્જીને 14 ઑગસ્ટ 2004ના રોજ અલીપોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
પરંતુ વડા પ્રધાન મોદીનું એવું કહેવું છે કે તેમના કાર્યકાળમાં પરિસ્થિતિ બદલી છે અને 'હવે બળાત્કારના આરોપીઓને 3, 7, 11 દિવસ કે મહિનામાં ફાંસીની સજા થાય છે.' આ કેટલું સાચું છે?

તમે આ વાંચ્યું કે નહીં?

દાવાઓની હકીકત

ઇમેજ સ્રોત, Getty Images
અમારી તપાસમાં અમે દુષ્કર્મના મામલા અને તેમાં થયેલી સજા અંગે સર્ચ કર્યું તો ઘણા ઑનલાઇન રિપોર્ટ સામે આવ્યા.
જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના ઇંદોર, મંદસૌરનાં શહેરોમાં સગીર કિશોરીઓ સાથે થયેલા દુષ્કર્મ મામલામાં આરોપીઓને ટ્રાયલ કોર્ટે મહિના કરતાં પણ ઓછા સમયમાં સજા સંભળાવી છે.
કાયદાઓના જાણકારો આ મામલે કોર્ટ રૂમમાં થયેલી સુનાવણીનું સૌથી મોટું કારણ બાળ યૌન ઉત્પીડન સંરક્ષણ કાનૂન 'પોક્સો'માં મોદી કૅબિનેટ દ્વારા થયેલા સંશોધનને માને છે.
જોકે, આ સંબંધે નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોએ વર્ષ 2016 બાદ કોઈ ડેટા જાહેર નથી કર્યો. ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેપ કેસ બાદ નરેન્દ્ર મોદી સરકાર પર પોક્સો કાનૂનમાં કડક જોગવાઈ બનાવવાનું દબાણ બનાવ્યું હતું.
સાથે જ 21 એપ્રિલ 2018ના રોજ કેન્દ્રિય કૅબિનેટે 12 વર્ષ સુધી બાળકો સાથે દુષ્કર્મના મામલે ગુનેગારને સજા દેવા સંબંધે વટહુકમને મંજૂરી આપી હતી.
દિલ્હી સ્થિત 'નેશનલ લૉ યુનિવર્સિટી' દ્વારા જાહેર કરવામાં આવેલા 'ધે ડેથ પેનલ્ટી ઇન્ડિયા : 2018' નામના રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં ભારતની નીચલી અદાલત (ટ્રાયલ કોર્ટ)એ કુલ 162 લોકોને ફાંસીની સજા સંભળાવી જેમાં મોટાભાગના મામલા 'બાળ યૌન ઉત્પીડન'ના હતા.
આ વિસ્તૃત રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં એવું પ્રથમ વખત થયું જ્યારે 'બાળ યૌન ઉત્પીડન'ના એટલા વધુ આરોપીઓને એક વર્ષમાં ફાંસીની સજા થઈ હોય. પરંતુ તેમાંથી કોઈને ફાંસી આપવામાં આવી નથી.
રિપોર્ટમાં લખ્યું છે કે વર્ષ 2018માં મધ્ય પ્રદેશમાં સૌથી વધુ, 22 લોકોને સગીરો સાથે દુષ્કર્મના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે.


'સજા સંભળાવી ન્યાન નથી'

ઇમેજ સ્રોત, Getty Images
આ સંદર્ભે મોદીનું એવું કહેવું કે 'દીકરીઓને ન્યાન અપાવવા માટે આરોપીઓને જલદી સજા સંભળાવવામાં આવી રહી છે.' પરંતુ શું તેને 'પીડિતાને માટે ન્યાન' કહી શકાય?
આ અંગે વરિષ્ઠ પત્રકાર અને કાયદાના જાણકાર અનુપ ભટનાગર કહે છે, "ટ્રાયલ કોર્ટ સૌથી નીચલી કોર્ટ છે, જેમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે તો પણ ઉચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય. ફાંસીના મામલાની લડાઈ લાંબી હોય છે."
"નવા નિયમ અનુસાર 12 વર્ષથી નાની ઉંમરનાં બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓને જામીન નથી મળતા. પરંતુ અન્ય આરોપીઓને આ સુવિધા મળે છે."
"બીજી તરફ ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની ઘટને કારણે ઘણા મામલા વિચારાધીન છે. અહીં પહોંચીને આરોપીઓને જલદી સજા અપાવવી પીડિતા માટે અસંભવ છે."
નિર્ભયા રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થઈ હોવા છતાં 7 વર્ષમાં એક પણ આરોપીને ફાંસી થઈ નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













