સદ્દામ હુસૈન ફાંસીના માચડે હસવા લાગ્યા અને અમેરિકન સૈનિકોને લાગ્યું કે એમણે દગો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સના આસિફ ડાર
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
30 ડિસેમ્બર, 2006ના એ દિવસે સદ્દામ હુસૈનને સવારે ત્રણ વાગ્યે જગાડવામાં આવ્યા અને જણાવાયું કે થોડા સમય પછી જ તેમને ફાંસી આપી દેવાશે. તેઓ ચૂપચાપ ઊઠ્યા અને સ્નાન કર્યું અને પોતાની જાતને ફાંસી માટે તૈયાર કરી.
ઇરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની સુરક્ષામાં તહેનાત 12 અમેરિકી ગાર્ડોમાંથી એક વિલ બાર્ડેનવર્પર તેમના પુસ્તક ‘ધ પ્રિજનર ઇન હિઝ પૅલેસ’માં સદ્દામ હુસૈનના જીવનના છેલ્લા દિવસ વિશે લખ્યું છે.
વિલ બાર્ડેનવર્પર અનુસાર, તેમના અંતિમ દિવસોમાં સદ્દામને એવી આશા હતી કે તેમને ફાંસી નહીં આપવામાં આવે.
બે દાયકાથી વધુ સમય ઇરાક પર શાસન કરનાર સદ્દામ હુસૈનનું શાસન 2003માં સમાપ્ત થઈ ગયું હતું.
ફાંસી પહેલાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને 1982માં ડેઝિલ શહેરમાં તેમના 148 વિરોધીની હત્યા કરવા બદલ નવેમ્બર, 2006માં એક ઇરાકી અદાલતે મોતની સજા સંભળાવી હતી.
અદાલતી દસ્તાવેજો અનુસાર, મારવામાં આવેલા તમામ લોકો શિયા પંથના હતા અને સદ્દામ હુસૈનની હત્યાના અસફળ પ્રયાસ બાદ તેમને મારવામાં આવ્યા હતા.
સદ્દામ હુસૈનને જ્યાં ફાંસી અપાઈ એ સ્થળ અને સમય ગુપ્ત રાખવામાં આવ્યાં હતાં.
સદ્દામને ઇરાકની રાજધાની બગદાદ પાસેના ખાદમિયામાં એક ઇરાકી પરિસરમાં એક કૉંક્રિટના બનેલા ઓરડામાં ફાંસી આપવામાં આવી હતી. આ ઓરડાને અમેરિકી લોકો ‘કૅમ્પ જસ્ટિસ’ના નામે ઓળખતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમયે ઇરાકી લોકોનો નાનકડો સમૂહ પણ હાજર હતો.
એ લોકોના જણાવ્યા અનુસાર, સદ્દામ હુસૈનને ફાંસી આપવાની થોડી ક્ષણો પહેલાં જ્યારે જજ સજા વાંચી રહ્યા હતા ત્યારે સદ્દામ હુસૈને હાથમાં કુરાન પકડેલી હતી. ત્યારબાદ સદ્દામે આ કુરાનની કૉપી તેમના એક મિત્રને આપી દેવાનું કહ્યું હતું.
69 વર્ષીય સદ્દામ હુસૈને ફાંસીના દિવસે કેદીઓ જેવાં કપડાં પહેરવાને બદલે સફેદ શર્ટ અને કાળો કોટ પહેર્યાં હતાં.
ઇરાકી સરકારના ટીવી પર પ્રસારિત ફૂટેજ અનુસાર નકાબધારી લોકોનો એક સમૂહ સદ્દામ હુસૈનને ફાંસી માટે લઈ જતો હતો પણ ફાંસીની ક્ષણોને ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી ન હતી.
ફાંસીના માંચડે પહોંચ્યા બાદ તેમને મસ્તક અને ગરદનની ફરતે એક કાળું કપડું વીંટાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફાંસીનો ફંદો લગાવાયો હતો. પરંતુ જ્યારે સદ્દામ હુસૈનનો ચહેરો ઢાંકવા જલ્લાદ આગળ વધ્યો ત્યારે સદ્દામ હુસૈને એવું કરવાની ના પાડી દીધી. તેઓ ચહેરો ઢાંક્યા વિના મરવા માગતા હતા.
ફાંસીનો વીડિયો લીક થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images
સદ્દામની ફાંસી પછી લીક થયેલા વીડિયોમાં દેખાતું હતું કે જ્યારે તેમના ગળામાં ફાંસીનો ફંદો પહેરાવાયો ત્યારે તેઓ હસીને રાડો પાડી રહ્યા હતા, “શું તમે આને બહાદુરી માનો છો? ” ત્યારબાદ પાસે ઊભેલી એક વ્યક્તિએ રાડ પાડી, “નરકમાં જાઓ.” સદ્દામે તેને પૂછ્યું, “શું તે નરક ઇરાક છે? ”
બીબીસી સંવાદદાતા જૉન સિમ્પસનના જણાવ્યા અનુસાર, સદ્દામની ફાંસીનો જે વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં તેઓ અતિશય શાંત દેખાઈ રહ્યા હતા અને તેમણે માફી માગી ન હતી.
આ વીડિયોમાં તેઓ કુરાનની આયાતો પઢતા ફાંસીના માંચડે ચઢતા દેખાયા હતા.
એ સમયના ઇરાકના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોફૌક-અલ-અરબઈ પણ ફાંસીના માંચડા પાસે હાજર હતા. તેમણે ત્યારબાદ બીબીસીને જણાવ્યું કે સદ્દામ ચૂપચાપ ફાંસીના માંચડે ચઢી ગયા.
“અમે તેમને ફાંસીના માંચડા સુધી લઈ ગયા હતા. તેઓ કેટલાક નારા લગાવી રહ્યા હતા. તેઓ ખૂબ ભાંગી પડ્યા હતા.”
'લાશ પર લોકો થૂંકી રહ્યા હતા'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મવ વાફિક અલ અરબઈ એ જ વ્યક્તિ છે જેમની એક તસવીર 2013માં સામે આવી હતી. જેમાં જોવામાં આવ્યું હતું કે તેમના ઘરમાં સદ્દામ હુસૈનની એક કાંસ્યની મૂર્તિ હતી. આ મૂર્તિના ગળામાં એ જ દોરડું હતું જેનાથી તેમને ફાંસી આપવામાં આવી હતી.
આ તસવીર સાર્વજનિક થયા બાદ અલગ-અલગ દેશોના લોકોએ આ દોરડું મેળવવા માટે બોલી પણ લગાવી હતી. પરંતુ તેમણે કહ્યું હતું કે સદ્દામની મૂર્તિ અને દોરડાને સંગ્રહાલયમાં રાખવાનો તેમનો ઈરાદો છે.
સદ્દામને ફાંસી પછી ટીવી પર તેમના મૃતદેહની તસવીરો પણ પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કફનને બદલે કોટ પહેર્યો હતો અને મૃતદેહ સફેદ ચાદરમાં વીંટાળેલો રાખવામાં આવ્યો હતો.
જ્યારે સદ્દામને ફાંસી આપવામાં આવી અને તેમનો મૃતદેહ બહાર લાવવામાં આવ્યો ત્યારે ભીડમાં રહેલા લોકો તેના પર થૂંકવા લાગ્યા અને ગાળો આપવા લાગ્યા હતા.
બાર્ડેનવર્પરે તેમના પુસ્તક ‘ધ પ્રિઝનર ઇન હિઝ પૅલેસ’માં લખ્યું છે કે સદ્દામના 12 અંગરક્ષકોમાંથી એકે ભીડને આવું કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેના સાથીઓએ તેને અટકાવ્યો હતો.
એ 12 અંગરક્ષકોમાંથી એક એવા ઍડમ રૉથરસને બાર્ડેનવર્પરને જણાવ્યું હતું કે સદ્દામને ફાંસી આપવામાં આવી તો અમને લાગ્યું કે અમે તેમની સાથે દગો કર્યો છે. અમે અમારી જાતને હત્યારા સમજતા હતા. અમને એવું લાગ્યું કે જાણે અમે કોઈ એવા માણસને મારી નાખ્યો છે જે અમારી બહુ નજીકનો હતો.
13 ડિસેમ્બર, 2003ના રોજ પૂર્વ ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની ધરપકડ થયા બાદ તેમના પર ત્રણ વર્ષ સુધી કેસ ચલાવાયો અને 5 નવેમ્બર, 2006ના રોજ એક અદાલતે તેમને મોતની સજા સંભળાવી હતી.
સદ્દામ હુસૈન સામેના કેસનો નિર્ણય સંભળાવાય તે પહેલાં પૂર્વ અમેરિકી ઍટોર્ની જનરલ રૈમસે ક્લાર્કને કોર્ટનો રૂમ છોડી દેવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેમણે ન્યાયાધીશને એક ચિઠ્ઠી આપી હતી જેમાં એવું લખવામાં આવ્યું હતું કે “આ કેસ એક મજાક છે.”
નોંધ: સદ્દામ હુસૈનની ફાંસી પરનો આ રિપોર્ટ 2006માં પ્રકાશિત થયેલા બીબીસીના રિપોર્ટ પર આધારિત છે.












