સદ્દામ હુસૈનને ફાંસી અપાતા જ્યારે અમેરિકન સૈનિકો રડી પડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
સદ્દામ હુસૈનની સુરક્ષા માટે ગોઠવવામાં આવેલા 12 અમેરિકન સૈનિકો તેમના સમગ્ર જીવનના શ્રેષ્ઠ મિત્રો ભલે ન હોય, પરંતુ તેમના અંતિમ મિત્રો જરૂર હતા.
સદ્દામની અંતિમ ઘડીઓ સુધી સાથે રહેલા 551 મિલિટરી પોલીસ કંપનીના ચુનંદા સૈનિકોને 'સુપર ટ્વેલ્વ' તરીકે ઓળખવામાં આવતા હતા.
તે પૈકીના એક સૈનિક વિલ બાર્ડેનવર્પરે એક પુસ્તક લખ્યું છે, 'ધ પ્રિઝનર ઇન હિઝ પૅલેસ, હિઝ અમેરિકન ગાર્ડ્સ ઍન્ડ વ્હાઈટ હિસ્ટ્રી લૅફ્ટ અનસેડ'. તેમાં તેમણે સદ્દામની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી વખતે તેમના છેલ્લા દિવસોનું વર્ણન કર્યું છે.
બાર્ડેનવર્પર માને છે કે જ્યારે તેમણે સદ્દામની સોંપણી તેમને ફાંસી લગાવનારા લોકોને કરી, ત્યારે સદ્દામની સુરક્ષામાં લાગેલા તમામ સૈનિકોની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

'દાદા જેવા દેખાતા હતા સદ્દામ'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બાર્ડેનવર્પરે પોતાના એક સાથીદાર ઍડમ રોજરસનને ટાંકીને લખ્યું છે કે, 'અમે સદ્દામને એક મનોવિકૃત હત્યારા તરીકે ક્યારેય નથી જોયા. અમને તો તેઓ એક દાદા જેવા દેખાતા હતા.'
સદ્દામ પર પોતાના 148 વિરોધીઓની હત્યા કરવાનો આદેશ આપવા બદલ કેસ ચલાવવામાં આવ્યો હતો.
તેમણે ઇરાકી જેલમાં પોતાના અંતિમ દિવસો અમેરિકન ગાયિકા મેરી જે બ્લોઇઝાનાં ગીતો ગાઈને વિતાવ્યા હતા. તેઓ પોતાની એક્સરસાઈઝ બાઇક પર બેસવાનું પસંદ કરતા હતા. તેઓ તેને 'પોની' કહીને બોલાવતા હતા.
તેમને મીઠી ચીજો ખાવાનો બહુ શોખ હતો. તેઓ હંમેશાં મફીન ખાવા માટે ઉત્સુક રહેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાર્ડનવર્પર લખે છે કે પોતાના અંતિમ દિવસોમાં સદ્દામનો વ્યવહાર તે લોકો પ્રત્યે અત્યંત વિનમ્ર હતો. તેઓ ક્યારેય એ વાતનો આભાસ થવા દેતા ન હતા કે પોતાના જમાનામાં તેઓ એક ક્રૂર શાસક હતા.

કાસ્ત્રોએ સિગાર પીતા શીખવ્યું

ઇમેજ સ્રોત, AFP
સદ્દામને 'કોહિબા' સિગાર પીવાનો શોખ હતો. તેઓ તેને ભીના વાઇપ્સના ડબ્બામાં રાખતા હતા. તેઓ જણાવતા હતા કે વર્ષો પહેલાં ફિડેલ કાસ્ત્રોએ તેમને સિગાર પીવાનું શીખવ્યું હતું.
બાર્ડેનવર્પરે જણાવ્યું છે કે સદ્દામને માળીકામનો પણ ઘણો શોખ હતો. તેઓ જેલના પરિસરમાં ઊગેલાં નકામાં ઝાડીઝાંખરાંને પણ સુંદર ફૂલની જેમ ગણતા હતા.
સદ્દામ પોતાના ખોરાક વિશે બહુ સંવેદનશીલ હતા.
તેઓ જુદાજુદા તબક્કામાં નાસ્તો કરતા હતા. સૌથી પહેલા આમલેટ, ત્યારપછી મફીન અને છેલ્લે તાજાં ફળ ખાતા હતા.
ભૂલથી તેમની આમલેટ તૂટી જાય તો તેઓ તેને ખાવાની ના પાડી દેતા હતા.
બાર્ડેનવર્પર યાદ કરે છે કે એક વખત સદ્દામે તેમના પુત્ર ઉદયની ક્રૂરતાનો બિભત્સ કિસ્સો સંભળાવ્યો હતો જેના કારણે સદ્દામ બહુ ગુસ્સે ભરાયા હતા.
બન્યું એવું કે ઉદયે એક પાર્ટીમાં ગોળીબાર કર્યો હતો. તેના કારણે ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા.
તેનાથી સદ્દામ એટલા ગુસ્સે ભરાયા કે તેમણે ઉદયની તમામ કારોમાં આગ લગાવી દેવાનો હુકમ આપ્યો હતો.
સદ્દામે જાતે હસતાં હસતાં જણાવ્યું હતું કે તેમણે ઉદયની મોંઘીદાટ રોલ્સ રૉયસ, ફરારી અને પૉર્શ ગાડીઓના સંગ્રહને આગ લગાડવાનો હુકમ આપ્યો હતો અને તેમાંથી ઊઠેલી આગની જ્વાળાઓને નિહાળતા રહ્યા હતા.

દિલફેંક સ્વભાવના સદ્દામ

ઇમેજ સ્રોત, Getty Images
સદ્દામની સુરક્ષા બંદોબસ્તમાં લાગેલા એક અમેરિકન સૈનિકે તેમને જણાવ્યું કે તેના ભાઈનું મૃત્યું થયું છે. આ સંભાળીને સદ્દામે તેમને ગળે લગાવીને કહ્યું કે, 'આજથી મને જ તમારો ભાઈ સમજો.'
સદ્દામે એક અમેરિકન સૈનિકને કહ્યું હતું કે મને મારાં નાણાંનો ઉપયોગ કરવાની છૂટ મળે તો હું તમારા પુત્રના કૉલેજ શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છું.
એક વખત બધાએ વીસ વર્ષના એક સૈનિક ડોસનને વિચિત્ર માપના સૂટમાં આંટા મારતા જોયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે સદ્દામે ડોસનને પોતાનો સૂટ ભેટમાં આપ્યો હતો.
બાર્ડેનવર્પર લખે છે કે, "ઘણા દિવસો સુધી અમે ડોસન પર હસતા રહ્યા, કારણ કે તે સૂટ પહેરીને એવી રીતે ચાલતો હતો, જાણે કોઈ ફેશન શોમાં "કેટવૉક" કરી રહ્યો હોય."
સદ્દામ અને તેની સુરક્ષામાં લાગેલા ગાર્ડ્સ વચ્ચે દોસ્તી વધતી ગઈ. જોકે તેમને સ્પષ્ટ આદેશ અપાયા હતા કે તેઓ સદ્દામની નજીક જવાનો બિલકુલ પ્રયાસ ન કરે.
હુસૈન સામે કેસ ચાલતો હતો તે દરમિયાન તેમને બે જેલમાં રાખવામાં આવ્યા હતા.
એક જેલ તરીકે બગદાદમાં આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલની કોટડી હતી. બીજી જેલ ઉત્તર બગદાદમાં તેમનો મહેલ હતો જે એક ટાપુ પર હતો. ત્યાં પહોંચવા માટે એક પુલ પરથી જવું પડતું હતું.
બાર્ડેનવર્પર લખે છે, "અમે સદ્દામને તેઓ જેના હક્કદાર હતા તેનાથી વિશેષ કંઈ આપ્યું ન હતું. પરંતુ અમે ક્યારેય તેમની ગરિમાને ઠેસ પહોંચાડી ન હતી."
સ્ટીવ હચિન્સન, ક્રિસ ટાસ્કર અને બીજા ગાર્ડ્સે એક સ્ટોરરૂમને સદ્દામ હુસૈનની ઑફિસ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

'સદ્દામનો દરબાર' બનાવવાની કોશિશ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
એક વખત સદ્દામને "સરપ્રાઇઝ" આપવાની યોજના બનાવવામાં આવી. જૂના ભંગારવાડામાંથી એક નાનકડું ટેબલ અને ચામડાના કવરની ખુરશી શોધવામાં આવી. ટેબલ પર ઇરાકનો એક નાનકડો ઝંડો લગાવવામાં આવ્યો.
બાર્ડેનવોર્પર લખે છે કે, "આ પાછળની યોજના એ હતી કે અમે જેલમાં પણ સદ્દામ માટે એક હોદ્દેદારની ઑફિસ જેવો માહોલ બનાવવા માગતા હતા. સદ્દામ જેવા તે ઓરડામાં પહેલી વાર પ્રવેશ્યા કે તરત એક સૈનિકે ટેબલ પર જામેલી ધૂળને સાફ કરવાનો પ્રયાસ કર્યો."
સદ્દામે આ "વર્તણૂક"ની નોંધ લીધી અને ખુરશી પર બેસતાની સાથે જોરથી હસ્યા.
સદ્દામ દરરોજ આવીને તે ખુરશી પર બેસતા અને તેમની સુરક્ષામાં લાગેલા સૈનિકો તેમની સામે રાખેલી ખુરશીઓ પર બેસતા હતા. એવો માહોલ બનાવવામાં આવતો જાણે સદ્દામે પોતાનો દરબાર ભર્યો હોય.
બાર્ડેનવર્પર જણાવે છે કે સદ્દામને ખુશ રાખવા માટે સૈનિકો તમામ પ્રયાસ કરતા હતા. બદલામાં સદ્દામ પણ તેમની સાથે મજાકમસ્તી કરતા અને વાતાવરણને હળવું રાખતા હતા.
ઘણા સૈનિકોઓ ત્યારપછી બાર્ડેનવર્પરને જણાવ્યું હતું કે તેમને પૂરો વિશ્વાસ હતો કે "તેમની સાથે કંઈ ખરાબ થાત તો સદ્દામ તેમને બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવી દેત."
સદ્દામને જ્યારે તક મળતી ત્યારે તેઓ તેમનું રક્ષણ કરી રહેલા સૈનિકોને તેમના પરિવારના ખબરઅંતર પૂછતા.
આ પુસ્તકમાં સૌથી વધારે આશ્ચર્યમાં મૂકી દે તેવો એક કિસ્સો છે. તેમાં જણાવાયું છે કે સદ્દામ અમેરિકાના કટ્ટર દુશ્મન ગણાતા હતા. છતાં તેમના મૃત્યુ પર આ સૈનિકોએ કાયદેસર શોક મનાવ્યો હતો.
તે સૈનિકો પૈકી એક ઍડમ રોઝરસને વિલ બાર્ડેનવર્પરને જણાવ્યું હતું કે, "સદ્દામને ફાંસી અપાઈ ત્યારપછી અમને લાગ્યું કે અમે તેમની સાથે દગાખોરી કરી છે. અમે અમારી જાતને તેમના હત્યારા સમજતા હતા. અમને લાગ્યું કે અમે એક એવી વ્યક્તિને મારી નાખી જે અમારી બહુ નજીક હતી."
સદ્દામને ફાંસી અપાયા બાદ તેમના મૃતદેહને બહાર લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં ટોળું ઊભું હતું. તેઓ તેના પર થૂંક્યા અને મૃતદેહની સાથે ગેરવર્તાવ કર્યો.

અમેરિકન સૈનિકોને આશ્ચર્ય થયું

ઇમેજ સ્રોત, Getty Images
બાર્ડેનવર્પર લખે છે કે આ જોઈને સદ્દામની અંતિમ સમય સુધી સુરક્ષા કરનારા 12 સૈનિકો સ્તબ્ધ થઈ ગયા હતા.
તેમાંથી એક સૈનિકે ટોળાં સાથે મારામારી કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમના સાથીઓએ તેને પાછો ખેંચી લીધો.
તે સૈનિકો પૈકી એક સ્ટીવ હચિન્સને સદ્દામને ફાંસી અપાયા પછી અમેરિકન સેનામાંથી રાજીનામું આપી દીધું હતું.
હચિન્સન 2017 સુધી જ્યૉર્જિયામાં બંદૂકો અને ટેક્ટિકલ ટ્રેનિંગનો બિઝનેસ કરતા હતા. તેમને પણ એ વાતનો અફસોસ હતો કે તેમને એવા ઇરાકીઓ સાથે માથાકૂટ ન કરવાનો આદેશ હતો જેઓએ સદ્દામ હુસૈનના મૃતદેહનું અપમાન કર્યું હતું.
સદ્દામને પોતાના અંતિમ દિવસો સુધી એવી આશા હતી કે તેમને ફાંસી નહીં અપાય.
ઍડમ રોઝરસન નામના એક સૈનિકે બાર્ડેનવર્પરને જણાવ્યું કે એક વખત સદ્દામે તેમને કહ્યું હતું કે તેમની ઇચ્છા કોઈ મહિલાને પ્રેમ કરવાની છે. તેઓ જેલમાંથી છૂટશે ત્યારે ફરીથી લગ્ન કરશે.
30 ડિસેમ્બર, 2006ના રોજ ત્રણ વાગ્યે સદ્દામને ફાંસી અપાઈ હતી.
તેમને જણાવવામાં આવ્યું હતું કે થોડી જ વારમાં તેમને ફાંસી આપી દેવાશે. આ સાંભળતા જ સદ્દામ અંદરથી તૂટી ગયા હોય તેમ લાગ્યું અને તેમણે પોતાની જાતને ફાંસી માટે તૈયાર કરી.
તે સમયે પણ તેમની એક જ ચિંતા હતી 'શું સુપર ટ્વેલ્વને બરાબર ઊંઘ આવી?'
ફાંસી પર ચઢવાની થોડી મિનિટો અગાઉ સદ્દામે સ્ટીવ હચિન્સનને પોતાની જેલની કોટડીમાંથી બહાર બોલાવ્યા અને પોતાનો હાથ બહાર કાઢીને પોતાની "રેમન્ડ વીલ" કાંડા ઘડિયાલ તેમને સોંપી દીધી.
હચિન્સને જ્યારે આનાકાની કરી ત્યારે સદ્દામે જબરજસ્તીથી તે ઘડી તેમના હાથમાં પહેરાવી દીધી. હચિન્સનના જ્યૉર્જિયાસ્થિત ઘરમાં એક સેફની અંદર તે કાંડા ઘડિયાલ હજુ પણ ટીક-ટીક કરી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














