સદ્દામ હુસૈને પોતાના જમાઈઓની હત્યા કરાવી હતી? પુત્રી રગદે કર્યો ચોંકાવનારો ખુલાસો

સદ્દામ હુસૈનનાં દીકરી રગદ હુસૈન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સદ્દામ હુસૈનનાં દીકરી રગદ હુસૈન

ઇરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને 30 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવી હતી. સદ્દામ હુસૈનના મૃત્યુનાં 15 વર્ષે તેમનાં પુત્રી રગદ હુસૈને ઇરાકના લોકોને એક થવા અને આરબ વિશ્વમાં પરિવર્તન લાવવામાં ભૂમિકા ભજવવાની હાકલ કરી છે.

પોતાના પિતા સદ્દામ હુસૈનની મોટી છબિ સામે બેસીને રગદ હુસૈને ઇરાકના લોકોને એકબીજા પ્રત્યેની દુશ્મનાવટ ભૂલીને એક થવા કહ્યું છે.

રગદે કહ્યું કે સંપ્રદાય અને તમારા પાછલા વેર-ઝેરને છોડીને એકબીજાને માફ કરી દો.રગદે પોતાના તાજેતરના સંબોધનમાં કહ્યું, "ઇરાકે અરબના કોઈ ગ્રૂપમાં જોડાવું ન જોઈએ. હું તમને વિનંતી કરું છું કે તમારા આપસી મતભેદો ભૂલી જાવ. જ્યારે આપણે એક થઈશું, ત્યારે જ આપણે ઇરાક માટે કંઈક કરી શકીશું."

રગદે તેમના પિતાની 15મી વરસી પર એક રેકર્ડેડ સંદેશ બહાર પાડ્યો હતો. રગદ હુસૈને ભવિષ્યમાં ઇરાકની રાજનીતિમાં જોડાવાની વાતને નકારી નથી.

રગદ હુસૈને કહ્યું કે ઑક્ટોબર ક્રાંતિમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા, એ લોકોએ ગુનેગારોને માફ ન કરવા જોઈએ.

રગદ ઇરાકી સુરક્ષા દળો અથવા ઈરાન સમર્થિત બળવાખોરો દ્વારા પ્રદર્શનકર્તાઓ પર ગોળીબારનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.

line

કોણ છે રગદ હુસૈન?

સદ્દામ હુસૈન દીકરી રગદ હુસૈન અને રાના સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સદ્દામ હુસૈન દીકરી રગદ હુસૈન અને રાના સાથે

ઇરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનનાં મોટાં દીકરી રગદ હુસૈન જ્યારે શાળામાં ભણતાં હતાં ત્યારે તેમનાં લગ્ન થયાં હતાં. ત્યારે તેમની ઉંમર માત્ર 15 વર્ષ હતી. લગ્ન સમયે ઇરાક-ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું.

ફેબ્રુઆરી 1995માં 25 વર્ષની ઉંમરે, રગદે તેમના પરિવારના કહેવાથી છૂટાછેડા લીધા હતા અને છૂટાછેડાના બે દિવસ પછી તેમના પતિની હત્યા કરવામાં આવી હતી.

રગદનાં લગ્ન સદ્દામ હુસૈનના પિતરાઈ ભાઈ હુસૈન કૈમેલ અલ માજિદ સાથે થયાં હતાં. ત્યારે હુસૈન કૈમેલ સદ્દામ હુસૈનની સુરક્ષામાં તહેનાત હતા.

સદ્દામનાં બીજાં દીકરી રાના સદ્દામનાં લગ્ન પણ હુસૈન કૈમેલના ભાઈ સદ્દામ કૈમેલ અલ માજિદ સાથે થયાં હતાં.

બંને દીકરીઓનાં લગ્ન, છૂટાછેડા અને તેમના પતિઓની હત્યાની દુખદ કહાણી છે. 2018માં રગદ સદ્દામ હુસૈનનું નામ તત્કાલીન ઇરાકી સરકાર દ્વારા મોસ્ટ વૉન્ટેડની યાદીમાં મૂકવામાં આવ્યું હતું.

રગદ સદ્દામ હુસૈને આ વર્ષે ફેબ્રુઆરીમાં અલ-અરેબિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન વિશે ઘણી મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી.

રગદને પૂછવામાં આવ્યું હતું કે શાદી માટે તમારા પિતા સદ્દામ હુસૈન દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું કે તમે મનથી લગ્ન કર્યાં હતાં? જવાબમાં રગદે કહ્યું કે, "મારા પિતાએ તેમના પાંચ પૈકી એકેય બાળક પર લગ્ન માટે દબાણ કર્યું નથી."

"કોઈ દીકરીઓનાં લગ્નનો પ્રસ્તાવ મૂકે તો પણ તેઓ અમને પૂછતા હતા કે શું કરવું છે? તેમણે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. હું ત્યારે નાબાલિગ હતી. ઉનાળાની બપોર હતી, મારા પિતાએ દરવાજો ખખડાવ્યો અને રૂમમાં પ્રવેશ્યા. હું ઊંઘી રહી હતી અને તેમણે બહુ પ્રેમથી જગાડી. પિતાજી મારી બાજુના પલંગ પર બેઠા. તેમણે મને કહ્યું કે તારો એક પ્રેમી છે, તેમણે તેનું નામ પણ જણાવ્યું."

"મારા પિતાએ કહ્યું કે તમે સંબંધ સ્વીકારવા કે નકારવા માટે સ્વતંત્ર છો. જ્યારે તેઓ આ બધું કહેતા હતા, ત્યારે મને શરમ આવતી હતી. ત્યારે તેમણે કહ્યું કે દીકરી તું તારો નિર્ણય તારી માતાને જણાવી દેજે."

"હુસૈન કૈમેલ અલ માજિદ મારા પિતાની સુરક્ષા ટીમમાં હતા, તેથી તે સદ્દામ હુસૈનને રોજ મળતા હતા. મારા પિતા અંગરક્ષકોને ભોજન માટે બોલાવતા હતા, જેમાં તેઓ પણ સામેલ હતા. અમે બંને એકબીજાને પ્રેમ કરવાં લાગ્યાં, મારાં મા જાણતાં હતાં. ત્યારે હું નાદાન હતી, પરંતુ પ્રેમ ટૂંક સમયમાં જ લગ્નમાં ફેરવાઈ ગયો. હું ત્યારે શાળામાં ભણતી હતી. લગ્ન પછી પણ મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો અને સ્નાતક પૂરું કર્યું."

"મારા પતિ અભ્યાસની તરફેણમાં નહોતા, છતાં અભ્યાસ પૂરો કર્યો. કદાચ મારા પતિએ ઇર્ષ્યાથી આમ કર્યું હશે. ત્યારે ઇરાકમાં સુરક્ષાને લગતી કોઈ સમસ્યા નહોતી, તેથી શાળાએ ન જવાનો આગ્રહ રાખવાનું કોઈ કારણ નહોતું. જોકે મારા પતિ મને પ્રેમ અને આદર બંને આપતા હતા. તે મારાં માતા-પિતાને પણ માન આપતા હતા."

line

'પિતાના પ્રેમની તોલે કોઈ ન આવે'

સદ્દામ હુસૈનનાં દીકરી રગદ હુસૈન તેમના પતિ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સદ્દામ હુસૈનનાં દીકરી રગદ હુસૈન તેમના પતિ સાથે

રગદે કહ્યું હતું કે, "મારા પિતા મને અઢળક પ્રેમ કરતા હતા. તેની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. તેમણે જેટલો પ્રેમ આપ્યો, તેની તુલના ન તો મારા પતિ સાથે થાય કે ન મારાં બાળકો સાથે કરી શકાય.''

રગદે કહ્યું કે ઇરાક-ઈરાન યુદ્ધ વખતે તેઓ નાનાં હતાં અને શાળામાં ભણતાં હતાં.

તે યુદ્ધ સાથે જોડાયેલી પોતાની યાદો અંગે વાત કરતાં રગદે કહ્યું, "ત્યારે અમારી પાસે બીજું પણ એક ઘર હતું. અમે ત્યાં પણ જતાં-આવતાં હતાં. એક દિવસ હું શાળાએ નહોતી ગઈ કારણ કે તે દિવસે ભારે બૉમ્બમારા થતા હતા. મારા પિતા આર્મી ડ્રેસમાં આવ્યા અને કહ્યું કે તમે શાળાએ કેમ નથી ગયાં."

"જ્યારે મેં યુદ્ધના જોખમો વિશે પૂછ્યું, તો તેમનો જવાબ હતો કે ઇરાકના અન્ય બાળકો પણ શાળાએ જાય છે, તમારે પણ જવું જોઈએ. તેમણે કહ્યું કે તમે શાળાએ જશો તો શાળામાં ભણતાં અન્ય બાળકોની હિંમત વધી જશે. તમારે તેમની કાળજી લેવી જોઈએ."

"મારા પિતા ઇચ્છતા હતા કે સદ્દામ હુસૈનનાં સંતાનો હોવાને કારણે અમને કોઈ વિશેષાધિકાર ન મળે. મારા ભાઈઓના જીવ તો ઇરાકના રક્ષણમાં જ ગયા હતા.''

રગદે કહ્યું કે તેઓ રાજકીય નિર્ણયોમાં સામેલ નહોતાં થતાં, પરંતુ ઘણા માનવતાવાદી નિર્ણયોનો ભાગ રહ્યાં છે. રગદે કહ્યું કે મારા પતિ સાથે પણ ઘણી બાબતે દલીલો થતી હતી.

line

પતિ અને પિતા વચ્ચે ઘર્ષણ

સદ્દામ હુસૈન દીકરા, દીકરી, પત્ની અને જમાઈ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સદ્દામ હુસૈન દીકરા, દીકરી, પત્ની અને જમાઈ સાથે

રગદ હુસૈને તેમના પતિ હુસૈન કૈમેલ અને પિતા સદ્દામ હુસૈન વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ વિશે પણ વાત કરી હતી.

રગદે કહ્યું હતું કે, "પતિની હત્યા કરવામાં આવી હોય એવી હું એકલી મહિલા નહોતી. તે સમયે ઇરાકમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પરિવારના પુરુષોને ગુમાવ્યા. જેમાં તેમના પતિ, પિતા અને બાળકોનો સમાવેશ થાય છે."

"મારા પતિ ઑગસ્ટ 1995માં જોર્ડન ગયા હતા. જતી વખતે તેમણે મારો સંપર્ક કર્યો હતો. મેં વિચાર્યું કે જો તેઓ અહીં રહેશે તો રક્તપાત થશે. રક્તપાત પરિવાર વચ્ચે જ થાત. તેથી જ મેં ઇરાક છોડવાના તેમના નિર્ણયનું સમર્થન કર્યું આપ્યું હતું. સદ્દામ હુસૈનની દીકરી હોવાના નાતે મારા માટે એટલું સરળ નહોતું કે હું બીજા દેશમાં જઈ શકું."

"જોકે, જોર્ડનમાં અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. હું બહારની છું એવું ક્યારેય લાગ્યું નથી."

રગદે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "જોર્ડન છોડ્યા પછી પ્રેસ-કૉન્ફરન્સમાં શું કહેવામાં આવશે તેનો મને કોઈ અંદેશો નહોતો."

એ પ્રેસ-કૉન્ફરન્સમાં હુસૈન કૈમેલે સદ્દામ હુસૈન વિરુદ્ધ વાત કરી હતી.

હુસૈન કૈમેલે કહ્યું કે જોર્ડનમાં તેમના આગમનથી સદ્દામનું શાસન હચમચી ગયું હતું. કૈમેલે ઇરાકી સૈનિકોને સત્તાપરિવર્તન માટે તૈયાર રહેવા કહ્યું હતું.

line

મારા પતિની હત્યાનો નિર્ણય મારા પરિવારનો હતો

હુસૈન કૈમેલને છૂટાછેડા આપવાના પોતાના નિર્ણય વિશે રગદ હુસૈને કહ્યું, "ઈરાક છોડ્યા બાદ કૈમેલ સ્થિતિને નિયંત્રિત કરી શક્યા નહીં. તે એક મહિનાની અંદર જ ખબર પડી ગઈ હતી. મેં 1996માં ઈરાક પાછા ફર્યા બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. મેં મારા પિતા સાથે વાત કરી અને નિર્ણય લીધો. તેઓ એટલા દુઃખી થયા હતા કે બોલી પણ નહોતા શકતા. આ વચ્ચે મારો ભાઈ હતો."

કૈમેલ અલ માજિદ અને તેમના ભાઈ સદ્દામ કૈમેલ અલ માજિદની જૉર્ડનથી પાછા ફર્યા બાદ ત્રણ દિવસમાં જ હત્યા કરી દેવામાં આવી હતી.

સદ્દામ કૈમેલનાં લગ્ન સદ્દામ હુસૈનનાં બીજા પુત્રી રાણા સાથે થયાં હતાં.

રગદ હુસૈને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પતિ કૈમેલ હુસૈનની હત્યાનો નિર્ણય તેમના પરિવારનો હતો.

રગદે એમ પણ કહ્યું કે તેમાં તેમના ભાઈ પણ સામેલ હતા.

તેઓ કહે છે, "જ્યારે મારા પતિની હત્યા થઈ, ત્યારે હું માત્ર 25 વર્ષની હતી. મને કેટલું દુઃખ થયું, એ હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મારા પિતા પણ એ વાતથી વાકેફ હતા. તેમણે મને સાંત્વના આપવાનો પણ પ્રયાસ કર્યો હતો."

2003માં અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું ત્યારે રગદ જૉર્ડન જતાં રહ્યાં હતાં અને ત્યારથી તેઓ ત્યાં જ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન