જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બાળકી અરિહા શાહ મામલે હવે ભારતના વિદેશ મંત્રાલયે શું જાણકારી આપી?

અરિહા શાહ, બેબી અરિહા, ભારત-જર્મની, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dhara Shah

    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે જાણકારી આપી છે કે બાળકી અરિહા શાહ મુદ્દે ભારત જર્મનીના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

મિસરીએ એમ પણ કહ્યું છે આ મામલાને ઉચ્ચસ્તરે ઉઠાવવામાં આવ્યો છે અને વડા પ્રધાન મોદીએ પણ જર્મન ચાન્સલર સાથેની વાતચીતમાં આનો ઉલ્લેખ કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે બાળકી અરિહા શાહ છેલ્લા 40 મહિનાથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં છે અને તેના માતાપિતા તેની મુક્તિ માટે લડાઈ લડી રહ્યા છે.

વિક્રમ મિસરીએ વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે, "ભારતે સતત જર્મનીના સત્તાવાળાઓ સાથે ભારતમાં અને જર્મનીમાં વાતચીત કરી છે. અમે જર્મન સરકાર, જર્મન સત્તાવાળાઓ, તેમના દિલ્હી ખાતેના દૂતાવાસ સહિત તમામ સંકળાયેલી એજન્સી સાથે વાતચીત કરી છે અને તમામ જગ્યાએ પ્રયત્નો કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ."

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મિસરીએ કહ્યું હતું કે શરૂઆતમાં આ બાબતને કાયદાકીય મામલો ગણાવવામાં આવ્યો હતો પરંતુ ભારત માને છે કે તેને માનવીય ધોરણે પણ જોવો જોઈએ.

વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, "અમે પરિવારની મુશ્કેલીને સમજીએ છીએ અને અમે આ મામલાથી સંપૂર્ણ અજાણ છીએ અને અમે તમામ શક્ય એટલી તમામ રીતે તેમને મદદ કરી રહ્યા છીએ."

જર્મન કોર્ટે બાળકીને માતા-પિતાને સોંપવાની માગણી ફગાવી દીધી હતી

અરિહા શાહ, બેબી અરિહા, ભારત-જર્મની, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ આજે અરિહા શાહના મામલે માહિતી આપી હતી.

અગાઉ 2023માં ગુજરાતી મૂળનાં અને જર્મનીમાં રહેતાં ધારા તથા ભાવેશ શાહની દીકરી અરિહાની કસ્ટડીના મામલે જર્મનીની પાંકોવ જિલ્લા અદાલતે નવો ચુકાદો આપ્યો હતો.

જો કે આ ચુકાદો પણ ધારા અને ભાવેશ શાહ માટે કોઈ સકારાત્મક સમાચાર લઈને આવ્યો નહોતો.

જર્મનીની પાંકોવ જિલ્લા અદાલતે તેમની પુત્રી અરિહાને તેમને સોંપવાનો ફરીથી ઇનકાર કરી દીધો હતો. એ વખતે બાળકીની ઉંમર 28 મહિનાની હતી.

ધી ઈંડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર કોર્ટે અરિહાને Jugendamt તરીકે ઓળખાતી જર્મનીની યુથ વેલ્ફેર ઓફિસને સોંપવાનો આદેશ કર્યો હતો.

જર્મનીની યૂથ વેલ્ફેર ઓફિસ એ ઘણા પ્રકારની જવાબદારીઓ સંભાળે છે. જર્મનીમાં રહેતો દરેક પરિવાર ઓછામાં ઓછા એક વખત તો તેના સંપર્કમાં આવે જ છે. આ સિવાય તે મુખ્યત્વે ત્યજી દેવાયેલાં કે શોષિત બાળકો અને તરૂણોને માર્ગદર્શન કે તેમનાં પરિવારોને મદદનું કામ કરે છે.

અહીં ઉલ્લેખનીય છે કે દીકરી અરિહાને પોતાને સોંપી દેવા અથવા તો ઇન્ડિયન વેલ્ફેર સર્વિસને સોંપી દેવા માટે ધારા અને ભાવેશ શાહે કોર્ટમાં અપીલ કરી હતી. આ ચુકાદો એ અંગેનો હતો.

કોર્ટે એ સમયે શું કહ્યું હતું?

અરિહા શાહ, બેબી અરિહા, ભારત-જર્મની, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dhara Shah

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

‘માતાપિતા તેમનું બાળક ક્યાં રહેશે એ અંગે નિર્ણય લેવા માટે અધિકૃત નથી’- આ પ્રકારનું કારણ ધરીને કોર્ટે ધારા અને ભાવેશ શાહની અરજીને ફગાવી દીધી હતી.

આ સિવાય કોર્ટે અરિહાને થયેલી બે પ્રકારની ઇજાઓને ધ્યાનમાં રાખીને અરિહાએ તેના માતાપિતાને સોંપવાની મનાઈ કરી છે. 13મી જૂને આપેલા ચુકાદામાં કોર્ટે એવું પણ કહ્યું છે કે ‘અમે એ વાતે સ્પષ્ટ છીએ કે બાળકનું ભવિષ્ય ખતરામાં છે’.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા નિવેદનમાં માતા-પિતાએ ત્યારે કહ્યું હતું કે, ‘કોર્ટનો આ નિર્ણય નિરાશાજનક છે અને અમે ફરીથી એક અપીલ કરીશું. અત્યારે કોર્ટે તેનો ચુકાદો આપી દીધો છે અને હવે કોઈ પેન્ડિંગ કેસ નથી. એટલે અમે તો એ જ વિનંતી કરીશું કે તેનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવે, કારણકે એ ભારતીય નાગરિક તરીકે તેનો અધિકાર છે. ભારતની સરકાર જ હવે કઈંક કરી શકે છે.’

'અમે પ્રધાનમંત્રીને પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરીએ છીએ. અમે અપીલ કરીએ છીએ કે અમારું બાળક અમને નહીં તો ભારતમાં કોઈ બીજા પરિવારને કે ભારતમાં કોઈ ફોસ્ટર કેરને સોંપવામાં આવે. કોઈ બહારના દેશમાં 18 વર્ષ સુધી તેનો ઊછેર થાય તેના કરતાં તો એ સારું રહેશે.’

હાલમાં અરિહાને મળવા માટે તેનાં માતા-પિતાને 15 દિવસમાં એક જ વખત એક કલાક માટે જવા દેવાય છે અને એ સમય દરમિયાન પણ સતત યૂથ વેલફેર ઓફિસ તેની સારસંભાળ લે છે.

અરિહા સાથે શું બન્યું હતું?

અરિહા શાહ, બેબી અરિહા, ભારત-જર્મની, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dhara Shah

મૂળ અમદાવાદના ભાવેશ શાહ કામકાજ અર્થે જર્મનીમાં તેમનાં પત્ની સાથે રહેતા હતા. તેમની સાત મહિનાની દીકરી અરિહાને કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો.

સપ્ટેમ્બર, 2021માં ભાવેશ અને ધારા અરિહાને ડૉક્ટર પાસે લઈ ગયા હતા, કારણ કે તેની યોનિમાં રક્ત જોવા મળ્યું હતું. ડૉક્ટરે તેની સારવાર કરી હતી.

બીજા દિવસે ફરી લોહી જોવા મળતાં ડૉક્ટરે તેમને મોટી હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી.

ભાવેશ અને ધારાને ખબર ન હતી કે અરિહાને મોટી હૉસ્પિટલમાં લઈ જવાથી તે માતા-પિતાથી દૂર થઈ જશે.

અરિહાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંના ડૉક્ટરે ચાઇલ્ડ પ્રોટેક્શન ટીમને જણાવ્યું હતું કે આ તો જાતીય શોષણનો કેસ છે. ચાઇલ્ડ પ્રોટેક્શન ટીમે તરત પગલાં લીધાં હતાં અને સાત મહિનાની અરિહાનો કબજો લઈને તેને બર્લિનના અનાથાલયમાં મોકલી આપી હતી.

આ દરમિયાન ભાષાની સમસ્યા પણ હતી. ભાવેશ તથા ધારાએ એક પાકિસ્તાની અનુવાદક શોધી કાઢ્યો હતો.

તેની મારફત તેમણે જર્મન સત્તાવાળાઓ સમક્ષ હકીકત રજૂ કરી હતી, પરંતુ તેમને અરિહાનો કબજો મેળવવામાં તેમને નિષ્ફળતા મળી હતી.

એ પછી જર્મન સત્તાવાળાઓએ ભાવેશ અને ધારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એ કેસ પ્રત્યક્ષ લડવાને બદલે સરકારી વકીલ મારફત લડવામાં આવ્યો હતો.

અરિહાની કોઈ પણ રીતે જાતીય સતામણી ન થઈ હોવાનો રિપોર્ટ પાંચ મહિના પછી રજૂ કરવામાં આવ્યો હતો.

તેના કારણે ધારા અને ભાવેશને ક્લિનચીટ મળી હતી. ભાવેશ અને ધારાને આશા હતી ત્યાં સુધીમાં એક વર્ષની થઈ ગયેલી અરિહાનો કબજો ફરી તેમને મળશે, પરંતુ એવું બન્યું નહીં.

જર્મન સરકારના કાયદા મુજબ, "ધારા અને ભાવેશ પાસે પેરન્ટલ એબિલિટી રિપોર્ટની માગણી કરવામાં આવી હતી."

માતા-પિતા તેમના સંતાનની સંભાળ લેવાની પાત્રતા ધરાવે છે કે નહીં તેનું આ પ્રમાણપત્ર મનોચિકિત્સક દ્વારા આપવામાં આવે છે.

ધારા અને ભાવેશે એ પ્રમાણપત્ર મેળવવાની એક વર્ષની પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી. ત્યારપછી પણ અરિહાને તેમના માતાપિતાને સોંપવામાં આવી ન હતી.

શું છે સમગ્ર મામલો?

  • 2021ના સપ્ટેમ્બરમાં ધારા શાહે અરિહાના ડાયપરમાં લોહી જોયું હતું.
  • ડૉક્ટરે પ્રારંભિક તપાસમાં કહ્યું હતું કે કશું ગંભીર નથી.
  • ફૉલો-અપ માટે ધારા અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયાં ત્યારે તેમને મોટી હૉસ્પિટલમાં દેખાડવાની સલાહ આપવામાં આવી હતી.
  • એ વખતે સાડા સાત મહિનાની વયની અરિહાને જર્મન ચાઈલ્ડ લાઇન સર્વિસમાં મોકલી આપવામાં આવી હતી.
  • ડૉક્ટરોએ અરિહા શાહ સાથે કથિત જાતીય સતામણી થયાની વાત કરી હતી.
  • એ પછી અરિહા શાહને ફૉસ્ટર કેરમાં મોકલી આપવામાં આવી હતી.
  • તપાસ પછી ડૉક્ટરોએ જણાવ્યુ હતું કે અરિહાની જાતીય સતામણી થઈ નથી.
  • 2022માં પોલીસે કેસ બંધ કરી દીધો હતો.
  • તેમ છતાં ચાઈલ્ડ લાઇન સર્વિસે કોર્ટમાં પેરન્ટિંગ રાઈટ્સ ટર્મિનેશન માટેનો કેસ ચાલુ રાખ્યો હતો. એટલે કે અરિહાનો કબજો ભાવેશ તથા ધારા શાહને આપવામાં આવ્યો ન હતો.
  • કોર્ટે અરિહા શાહનાં માતા-પિતાની મનોવૈજ્ઞાનિક તપાસ કરાવવા જણાવ્યું હતું અને અરિહાને સોંપવાની મનાઈ ફરમાવી હતી.

સરકાર સહિત વિવિધ પક્ષોના 59 સાંસદોએ પણ અવાજ ઉઠાવ્યો હતો

અરિહા શાહ, બેબી અરિહા, ભારત-જર્મની, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dhara Shah

ગત 3જી જૂનના દિવસે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જર્મનીને અરિહા શાહની કસ્ટડી વહેલી તકે સોંપવા વિનંતી કરી હતી. તેમણે એ વાત ફરીથી કહી હતી કે “તે એક ભારતીય નાગરિક છે અને તેની રાષ્ટ્રીયતા અને સામાજિક-સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ તેની સાર-સંભાળ અને ઉછેર ક્યાં કરવામાં આવશે તેનું સૌથી મહત્વપૂર્ણ નિર્ણાયક પરિબળ છે. જેના લીધે અરિહાને ભારતને સોંપી દેવી જોઈએ."

પાર્ટી લાઇન ભુલાવીને વિવિધ 19 પાર્ટીઓના 59 સાંસદોએ પણ આ મામલે નવી દિલ્હીમાં જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેનને સંબોધીને પત્ર લખ્યો છે.

લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ પત્રમાં જર્મન રાજદૂતને જણાવ્યું છે કે બાળક તેના દેશમાં પાછું ફરવું જોઈએ અને તેમાં વિલંબ થશે તો બાળકને જ નુકસાન થશે.

પત્ર લખનારાઓમાં ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોના સંસદસભ્યોનો સમાવેશ થાય છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે “ભારત પોતાનાં સંતાનોની દેખભાળ કરી શકે છે. તમારા દેશના બાળકને ભારતમાં ફૉસ્ટર કેરમાં રાખવામાં આવશે તો તમને કેવી લાગણી થશે તે વિચારો.”

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ મામલે વિદેશ મંત્રી એસ. જયશંકરને સંબોધીને પત્ર લખ્યો છે અને આ મામલે પગલાં લેવા વિનંતી કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે અરિહાના માતા-પિતા અને તેમના સબંધીઓ તથા મિત્રો વિવિધ માધ્યમોમાં પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે.

ટ્વિટર પર પણ #VoiceForAriha અને Save Ariha નામે વિવિધ કેમ્પેઇન ચાલે છે અને saveariha.org નામે એક વેબસાઇટના માધ્યમથી પણ આ મામલે જાણકારી અપાય છે. અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએ અનેક વિરોધ પ્રદર્શનો પણ થઈ ચૂક્યાં છે.

ચુકાદા પછી આપેલા નિવેદનમાં તેઓ કહે છે કે, “આજથી 140 કરોડ ભારતીયોને અમે અરિહા સોંપીએ છીએ. અમને ભારત સરકાર પર વિશ્વાસ છે કે તેઓ આ સમસ્યાનું સમાધાન લાવશે.”

ભારતના લોકો, સંસદસભ્યોના પત્ર અને સરકારના પ્રયાસોને કારણે તેમને તેમની દીકરીનો કબજો ટૂંક સમયમાં ફરી મળી જશે, એવી આશા અરિહાનાં માતા-પિતાએ વ્યક્ત કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન