દેવ આનંદ જેમને પ્રેમ કરતા એને બાથમાં લેવા રાજ કપૂરે બાંહો ફેલાવી – ઝીનત અમાનની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
1970ના દાયકામાં દેવ આનંદ ફિલ્મ 'હરે રામા હરે ક્રિષ્ના' બનાવી રહ્યા હતા, ત્યારે હિન્દી ફિલ્મની કોઈ હીરોઈન ફિલ્મમાં તેમની બહેનનો રૉલ ભજવવા તૈયાર ન હતી. વાસ્તવમાં ફિલ્મમાં દેવની બહેનનો હીરોઈન કરતાં મોટો અને દમદાર રૉલ હોવા છતાં દરેક હીરોઈનને દેવ આનંદ સાથે રૉમેન્ટિક રૉલ ભજવવામાં જ રસ હતો.
દેવ આનંદ આ ફિલ્મ માટે ભારતીય દેખાવ ધરાવતી હોય, પણ પશ્ચિમી સંસ્કૃતિમાં ઉછેર પામેલી હોય અને સ્ક્રીન પર સિગરેટ પીવામાં તથા ટૂંકાં વસ્ત્રો પહેરવામાં ખચકાટ ન અનુભવે, તેવી કોઈ યુવતીને કાસ્ટ કરવા માંગતા હતા.
આ સમય દરમિયાન દેવ આનંદના મિત્ર અમરજીતે તેમના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું, જેમાં ઝીનત અમાન પણ આમંત્રિત કરાયાં હતાં. ઝીનત અમાન તે સમયે નવાં-સવાં 'મિસ એશિયા પેસિફિક' બન્યાં હતાં. ઝીનત આ પાર્ટીમાં મોડર્ન કપડાં પહેરીને હાજર થયાં.
'યુવા વયે મળી લોકપ્રિયતા'
દેવ આનંદ તેમની આત્મકથા 'રૉમાન્સિંગ વિથ લાઈફ'માં લખે છે, "ઝીનત મારી સામે પૂરા આત્મવિશ્વાસથી બેઠાં હતાં. તેમણે સ્લૅક્સ પહેરી હતી અને તેમનાં હાથમાં પર્સ હતું. અચાનક તેમનો હાથ પર્સની અંદર સરક્યો અને તેમણે પર્સમાંથી મોંઘી સિગારેટનું પૅકેટ બહાર કાઢ્યું."
"એ પછી તેમણે લાઇટરથી સિગારેટ સળગાવી. કોઈ જોઈ રહ્યું છે કે કેમ, તેની તેમને જરાય પરવા ન હતી. પછી મારી અને તેમની આંખો મળી. તેમણે સ્મિત ફરકાવ્યું અને સિગારેટનું પૅકેટ મારી તરફ ધર્યું. હું ભાગ્યે જ સ્મોકિંગ કરતો હતો, છતાં મેં ઇનકાર ન કર્યો."
દેવ આનંદ આગળ કહે છે, "બીજા દિવસે સવારે 11.30 વાગ્યે મેં તેમને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યાં. તેઓ કૅમેરા ફ્રેન્ડલી હતાં. સ્ક્રીન ટેસ્ટમાં સહેલાઈથી પાસ થઈ ગયાં. તેમણે ઘણા સુંદર સનગ્લાસ પહેર્યા હતા. મેં કહ્યું, 'સનગ્લાસમાં તમે સુંદર દેખાઓ છો.' તેમણે તરત સનગ્લાસ આંખો પરથી હટાવીને મારા પાકીટમાં મૂકી દીધા. તે સનગ્લાસ હજુય મારી પાસે અકબંધ પડ્યા છે."
દેવ આનંદ ફિલ્મના શૂટિંગ માટે ઝીનતને નેપાળ લઈ ગયા હતા. ફિલ્મના પ્રસિદ્ધ ગીત "દમ મારો દમ"નું ફિલ્માંકન થયું, તે પહેલાં જ ઝીનત અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં. આ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમનું આગવું સ્થાન ઊભું થયું અને તેમણે યુવા તથા આધુનિક પેઢીનું પ્રતિનિધિત્વ કર્યું. 'હરે રામા હરે ક્રિષ્ના' બાદ ઝીનત અમાન રાતોરાત સ્ટાર બની ગયાં.
રાજ કપૂરની ફિલ્મ મળી

ઇમેજ સ્રોત, Getty Images
'દમ મારો દમ ગર્લ' રાતોરાત સુપરસ્ટાર બની ગયાં, પણ તેમના પરથી હીરોની બહેનનું ટેગ દૂર કરવા માટે દેવ આનંદે તેમની સાથે ફિલ્મ 'હીરા પન્ના' બનાવી, જેમાં તેમણે સ્વયં ફોટોગ્રાફરની અને ઝીનતએ મૉડેલની ભૂમિકા ભજવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઝીનતને પ્રસિદ્ધિ અપાવનારી અન્ય એક ફિલ્મ હતી, રાજ કપૂરની 'સત્યમ શિવમ સુંદરમ'. રાજ કપૂર જ્યારે પણ કોઈ નવી ફિલ્મ શરૂ કરે, ત્યારે તેમની હીરોઈનને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળતા અને 'સત્યમ શિવમ સુંદરમ'ના કિસ્સામાં પણ આમ જ થયું.
આ ફિલ્મની હીરોઈનના કાસ્ટિંગને લઈને રાજ કપૂર અવઢવમાં હતા, ત્યાં જ ઝીનત અમાન ચણિયા-ચોળી પહેરીને અને વાળમાં ગજરો ભરાવીને તેમના કોટેજમાં પહોંચી ગયાં.
રીતુ નંદાના પુસ્તક 'રાજ કપૂરઃ ધી વન એન્ડ ઓન્લી શોમેન'માં ઝીનત અમાને રાજ કપૂર વિશે જણાવ્યું હતું, "મેં તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો, તો તેમણે પૂછ્યું કે, કોણ આવ્યું છે. મેં કહ્યું, 'તમારી આગામી ફિલ્મની હીરોઈન, રૂપા.' તેમણે મારો સ્ક્રીન ટેસ્ટ લીધો અને મને રૂપાનો રોલ મળી ગયો."
"રાજ કપૂર એક કુંભાર જેવા હતા અને હું તેમના હાથમાં રહેલી માટી જેવી હતી. ફિલ્મના શૂટિંગમાં બે વર્ષનો સમય લાગ્યો. મોટા ભાગનું શૂટિંગ પુણેમાં આવેલા તેમના ફાર્મ પર થયું હતું. ત્યાં રોજ સવારે મને તાજાં ફૂલો આપવામાં આવતાં. સમગ્ર ફાર્મ પર ઠેકઠેકાણે મારાં વિશાળ પૉસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં."
તે જ વર્ષે કૃષ્ણા શાહે આંતરરાષ્ટ્રીય ફિલ્મ "શાલીમાર" માટે ઝીનત અમાનને સાઈન કર્યાં હતાં, જેમાં રેક્સ હેરિસન અને ધર્મેન્દ્ર જેવા કલાકારો હતા. ઝીનતની અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ "ડોન" બાદ બૉક્સ ઓફિસ પર તેમની માંગ ઘણી વધી ગઈ.
મોડલિંગ અને મિસ એશિયા પેસિફિક

ઝીનત અમાનજનો ઉછેર મિશ્ર સંસ્કૃતિ વચ્ચે થયો હતો. 19 નવેમ્બર, 1951ના રોજ મુંબઈમાં જન્મેલાં ઝીનત ઘણી નાની વયથી ફિલ્મો સાથે જોડાયેલાં હતાં.
ઝીનત નાનાં હતાં, તે સમયે જ તેમનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. ભારતમાં જન્મ થયો હોવા છતાં તેમનો ઉછેર જર્મનીમાં થયો હતો.
અમેરિકાથી પરત ફર્યા બાદ તેમણે મૉડલિંગમાં નસીબ અજમાવ્યું અને 'મિસ એશિયા પેસિફિક'નું ટાઈટલ જીત્યું. ઝીનત અમાને ભાગ્યે જ કોઈ ફિલ્મમાં સાડી પહેરી હતી.
બૉલ્ડ અને નોખો ચીલો ચાતરતા રોલ કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
1971માં ઝીનતને સૌપ્રથમ ઓ. પી. રાલ્હને તેમની ફિલ્મ "હલચલ" માટે કાસ્ટ કર્યાં હતાં. 1970ના દાયકામાં ઝીનત અમાને તેની ફિલ્મો થકી હિંદી ફિલ્મની હીરોઈનની ઈમેજને બિલકુલ બદલી નાખી. તેમણે જે પ્રકારનાં વસ્ત્રો પહેર્યાં, તેવાં વસ્ત્રો ભાગ્યે જ કોઈ ભારતીય હીરોઈને અગાઉ પહેર્યાં હતાં.
તેની ભૂમિકાઓ અન્ય પરંપરાગત હીરોઈનો કરતાં ઘણી જુદી અને બૉલ્ડ રહેતી હતી. ઝીનતે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં સાડી પહેરી હતી. તેણે તેના સમયમાં અસાધારણ ગણાતી ભૂમિકાઓ પસંદ કરી હતી.
1973માં ફિલ્મ "ધૂંદ"માં તેણે લગ્નેતર સંબંધ ધરાવતી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. "રોટી, કપડા ઔર મકાન"માં તેણે અબજોપતિ પાછળ પાગલ થઈને બેરોજગાર પ્રેમીને તરછોડી દેતી પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. તો "અજનબી" ફિલ્મમાં પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે ગર્ભપાત કરાવવા વિચરનારી મહિલાનું પાત્ર ભજવ્યું હતું.
વળી, "મનોરંજન" ફિલ્મમાં તેમણે તેના કામ બદલ કોઈ સંકોચ ન ધરાવતી સેક્સ વર્કરનો રોલ કર્યો હતો. ફિરોઝ ખાનની ફિલ્મ "કુરબાની"માં તેમણે બિકીની પહેરીને હોલિવૂડની અભિનેત્રી બો ડેરેકની યાદ અપાવી દીધી હતી.
પછીથી તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "મારા આગમન પહેલાં, ફિલ્મોમાં હીરોઈનો કાં તો સારી અથવા ખરાબ - બ્લેક કે વ્હાઈટ ભૂમિકાઓ જ ભજવતી હતી. કદાય હું પ્રથમ એવી હીરોઈન હતી, જેણે બ્લેક અને વ્હાઈટના મિશ્રણ થકી 'ગ્રે' જેવો પણ એક કલર હોય છે, તે દર્શાવવાની કોશીશ કરી. મેં એવા સર્જકો સાથે કામ કર્યું, જેઓ તે સમયના શ્રેષ્ઠ દિગ્દર્શકો હતા."
ઝીનતે નાસીર હુસૈન, બી આર ચોપરા, મનોજ કુમાર, પ્રકાશ મહેરા, રાજ ખોસલા, શક્તિ સામંત, મનમોહન દેસાઈ તથા રાજ કપૂર જેવા તે સમયના ટોચના દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું.
સંજય ખાન સાથે નિકટના સંબંધો

એક તરફ ઝીનત પ્રોફેશનલ લાઈફમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યાં હતાં, ત્યારે બીજી તરફ તેમના અંગત જીવનમાં તેઓ ઘણા ઝંઝાવાતો સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે સંજય ખાન સાથે લગ્ન કરી લીધાં હતાં, જે અગાઉથી જ પરિણીત હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.
સંજય ખાન અને ઝીનત અમાનની મુલાકાત 'અબ્દુલ્લા' ફિલ્મના સેટ પર થઈ હતી, પણ આ પ્રકરણનો અંત ભારે કડવાશ સાથે આવ્યો.
સંજય ખાને પોતાની આત્મકથા 'ધી મિસ્ટેક્સ ઑફ માય લાઈફ'માં ઝીનત સાથેની નિકટતા વિશે વાત કરી છે.
સંજય ખાને લખ્યું છે, "ધૂંદ ફિલ્મના શૂટિંગ દરમિયાન, જ્યારે ફિલ્મનું સમગ્ર યુનિટ સૂવા માટે જતું રહેતું, ત્યારે ઝીનત અને હું વોક કરવા જતાં. કેટલીક વખત અમે મારી મર્સિડીઝ કારમાં ફરવા જતાં. કારના એન્જીનની ઘરઘરાટી સંભળાય નહીં, તે માટે હું અને ઝીનત બંધ કારને ધક્કો મારીને થોડે દૂર સુધી લઈ જતાં. થોડે દૂર ગયા પછી અમે એન્જીન ચાલુ કરીને નિકળી પડતાં. પાછાં ફરતી વખતે પણ અમે આવું જ કરતાં."
દેવ આનંદ અને રાજ કપૂર
દેવ આનંદ સાથેની ઝીનતની નિકટતાની ચર્ચા ઘણાં ફિલ્મ સામયિકોમાં થવા માંડી હતી. દેવ આનંદે સ્વયં લખ્યું હતું કે, તેઓ ઝીનત અમાન સમક્ષ તેમના પ્રેમની અભિવ્યક્તિ કરતાં-કરતાં અટકી ગયા હતા.
તેમની આત્મકથા 'રૉમાન્સિંગ વિથ લાઈફ'માં તેમણે લખ્યું છે, "એક દિવસ મને લાગ્યું કે, હું ઝીનત અમાનના પ્રેમમાં પડી ગયો છું. હું તેમને આ કહેવા માગતો હતો. મેં તેમને ફોન કરીને કહ્યું કે, હું તેને તાજ હોટેલની 'રેન્ડવૂ' રૅસ્ટોરાંમાં ડિનર માટે લઈ જવા માગું છું. ઝીનતે કહ્યું કે, "આજે આપણે અન્ય એક પાર્ટીમાં પણ જઈ રહ્યાં છીએ.""
"મેં કહ્યું, 'પાર્ટી પૂરી થયા પછી આપણે રૅસ્ટોરામાં જઈશું.' અમે પાર્ટીમાં પહોંચ્યાં, ત્યારે રાજ કપૂરે દૂરથી ઝીનતને બૂમ પાડીને બોલાવી અને પછી તેને બાથમાં લેવા માટે બાંહો ફેલાવી. અચાનક મને લાગ્યું કે, તે બંનેની વચ્ચે ઘણી નજદીકી હતી. રાજ કપૂરે ઝીનતને ઠપકો આપ્યો, 'તેં તારું પ્રોમિસ તોડી દીધું. તેં કહ્યું હતું કે, તું હંમેશાં સફેદ સાડી પહેરીને જ મારી સામે આવીશ.' આ સાંભળીને મારા હૃદયના ટુકડે-ટુકડા થઈ ગયા. મેં તે સમયે જ રૅસ્ટોરાંમાંથી જતા રહેવા મન બનાવી લીધું. પાર્ટીના હોસ્ટની માફી માગીને હું ત્યાંથી બહાર નિકળી ગયો."
ઝીનત અમાનનું આ વર્ષે ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
ધી રોયલ્સનાં રાજમાતા

ઇમેજ સ્રોત, Getty Images
ઝીનત અને મઝહર ખાનનાં લગ્ન લાંબો સમય ન ચાલ્યાં. હાલમાં તેઓ લાઈમલાઈટથી દૂર છે.
વર્તમાન સમયમાં તેઓ શા માટે ઓછાં જોવા મળે છે, તેવો સવાલ પૂછાતાં તેમણે જવાબ આપ્યો હતો, 'હિન્દી ફિલ્મોમાં 60 વર્ષ કરતાં વધુ વયની મહિલાઓ માટે ઘણા ઓછા રૉલ લખાય છે.'
તાજેતરમાં જ નેટફ્લિક્સની વેબ સિરીઝ "ધી રૉયલ્સ"માં તેઓ રાજમાતાની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં અને તેમના પર્ફોર્મન્સની ઘણી પ્રશંસા થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












