દિવ્યા ભારતી: બે-ત્રણ વર્ષની ફિલ્મી કરિયર, 19 વર્ષની વયે 'રહસ્યમય' મોત

ઇમેજ સ્રોત, FANPOP
- લેેખક, વંદના
- પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર
"હૉસ્પિટલનો એક રૂમ અને તેમાં જિંદગીના અંતિમ શ્વાસો ગણી રહેલી એક છોકરી જે પોતાને કહી રહી હોય છે કે હવે તો બહુ મોડું થઈ ગયું. સમય પાણીની માફક મુઠ્ઠીમાંથી સરી રહ્યો છે. પણ મને આંસુ સાથે વિદાય ન આપો, હું તો ખુશ છું. મારી સેંથીમાં સિંદૂર પણ છે."
31 જાન્યુઆરી, 1992માં આવેલી ફિલ્મ “દિલ કા ક્યા ક્સૂર”નો આ સીન છે જેમાં અભિનેત્રી દિવ્યા ભારતી પોતાના પરિવારના લોકોની સામે જીવ છોડતી વખતે આ શબ્દો ઉચ્ચારે છે.
આ ફિલ્મના એક વર્ષ પછી એપ્રિલ 1993માં દિવ્યા ભારતીએ પોતાની અસલ જિંદગીમાં પણ કંઈક આવી જ રીતે પરિવારના લોકોની સામે દમ તોડ્યો હતો. મૃત્યુના સમયે તેઓ માત્ર 19 વર્ષનાં જ હતાં.
25 ફેબ્રુઆરી 1974ના રોજ જન્મેલાં દિવ્યા ભારતી જો આજે જીવિત હોત તો 50 વર્ષનાં થયાં હોત. તેમની કારકિર્દી માત્ર બે-ત્રણ વર્ષની જ હતી. તેમ છતાં તેમની પ્રસિદ્ધિ, આવડત અને જિંદાદિલીના કિસ્સા આજે પણ પ્રખ્યાત છે.
ખુશખુશાલ, રમતિયાળ, નટખટ, સ્વચ્છંદ, પ્રતિભાશાળી, અદ્ભુત અભિનેત્રી, મોટી આંખવાળી અને જાદુઈ ચહેરો. જો દિવ્યા વિશે કહેલા શબ્દોમાંથી વર્ડક્લાઉડ બનાવવામાં આવે તો લગભગ દરેક વ્યક્તિએ તેમના માટે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે.
1992માં આવેલી ફિલ્મ “દીવાના” દિવ્યાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.
દીવાના ફિલ્મના નિર્માતા ગુડ્ડુ ધનોઆએ જણાવ્યું કે, "દિવ્યા એક શાનદાર અભિનેત્રી હતી. વન ટેક અભિનેત્રી હતી. ડાન્સ માસ્ટર પણ સેટ પર તેને માત્ર એક જ વખત સ્ટેપ દેખાડતા અને દિવ્યા તરત જ કહેતી કે શોટ લઈ લો. તેમને રિહર્સલની પણ જરૂર પણ ન પડતી."
"શિમલામાં ‘એસી દીવાનગી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે 104 ડિગ્રી તાવ હોવા છતાં પણ દિવ્યાએ શૂટિંગ કર્યું હતું. અમારે ત્રણ દિવસની અંદર ગીતનું શૂટિંગ કરવાનું હતું અને અમે ના પાડી છતાં પણ દિવ્યાએ આરામ કર્યા વગર જ શૂટ કર્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવ્યાને જિતેન્દ્રની હીરોઈન બનવું હતું

ઇમેજ સ્રોત, R T CHAWLA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિવ્યા ભારતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલા ટૂંકા ગાળા માટે હતાં કે તેમના વિશે જાણવા માટે તેમના માત્ર બે-ત્રણ વીડિયો ઇન્ટરવ્યૂ છે, જેને તમે વારંવારે જોઈને તેમના શબ્દોનો અર્થ જાણવાના નિષ્ફળ પ્રયાસો કરી શકો છો.
ઉદાહરણ તરીકે, એક જૂના વીડિયો ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની મહત્ત્વાકાંક્ષા શું છે ત્યારે તેમણે કહ્યું, "સપનું ટોચ પર પહોંચવાનું છે. પણ કોઈની મદદની જરૂર નથી. હું જે પણ બનીશ તે મારી જાતે જ બનીશ. મારે પોતાનું સ્થાન ખુદ બનાવવું છે.”
આ સાંભળીને એક આત્મવિશ્વાસુ, ખુદ્દાર અને મહત્ત્વાકાંક્ષી યુવાન છોકરીની તસવીર તમારી સામે આવશે જે દુનિયાને જીતવા માગતી હતી.
મુંબઈનાં રહેવાસી દિવ્યા માણેકજી કૂપર ટ્રસ્ટ સ્કૂલમાં ભણતાં હતાં. દિવ્યાની બેચમાં ફરહાન અખ્તર અને શરમન જોષી પણ હતા. જોકે, દિવ્યાને ભણવામાં ખાસ રુચિ ન હતી.
દિવ્યાનાં માતાપિતા હવે આ દુનિયામાં નથી. તેમણે બોલીવૂડ હંગામાને 2012માં ત્રણ ભાગનો એક લાંબો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ઇન્ટરવ્યૂમાં દિવ્યાનાં માતાએ દિવ્યા વિશે ખૂલીને વાત કરી હતી.
તેમનાં માતાનાં કહ્યા પ્રમાણે, “દિવ્યાને ભણતરમાં ખાસ રુચિ ન હતી. હું તેને ભણાવતી પણ તે અરીસાની સામે “હિમ્મતવાલા” ફિલ્મના સ્ટેપ કરતી રહેતી. જિતેન્દ્ર તેનો પ્રિય હીરો હતો અને તે જિતેન્દ્રની હીરોઈન બનવા માગતી હતી. જ્યારે દિવ્યા શાળામાં હતી ત્યારે જ તેને ઑફર મળવા લાગી હતી. ગોવિંદાના ભાઈ કીર્તિકુમારે તેને “રાધા કા સંગમ” માટે સાઇન કરી હતી. દિવ્યાને મુસાફરી કરવી ગમતી હતી અને કીર્તિકુમાર તેને છુપાવીને રાખવા માગતા હતા, તેથી તેમણે દિવ્યાને ફિલ્મમાંથી કાઢી હતી.”
ત્યાર બાદ સતીશ કૌશિકે 'પ્રેમ' માટે દિવ્યાનું નામ સૂચવ્યું. પરંતુ બાદમાં સતીશ કૌશિકની તબ્બુ સાથે સુલેહ થઈ તો દિવ્યા પણ ત્યાંથી જતાં રહ્યાં. સુભાષ ઘઈ સાથે પણ 'સૌદાગર'માં એવું જ થયું હતું.
હિન્દી પહેલાં પણ 1990માં વેંકટેશ સાથે દિવ્યાની તેલુગુ ફિલ્મ “બોબિલી રાજા” રિલીઝ થઈ હતી અને ખૂબ જ હિટ રહી હતી.
દિવ્યા હિન્દી પહેલાં તેલુગુમાં સ્ટાર

ઇમેજ સ્રોત, RT CHAWLA
બીબીસી તેલુગુનાં સહયોગી ગૌતમી ખાન સાથેની વાતચીતમાં દિવ્યાની પહેલી ફિલ્મના નિર્માતા બી. ગોપાલે જણાવ્યું, "બોની કપૂરે દિવ્યાની મુલાકાત અમારા પ્રોડ્યૂસર સુરેશ બાબુ સાથે કરાવી હતી. અમે તરત જ તેને તેલુગુ ફિલ્મ માટે સાઇન કરી લીધી. તેને ફિલ્મોમાં રસ ન હતો. તે ખૂબ જ નાની હતી. તેને શૉપિંગ કરવાનું મન થતું. ત્યાર બાદ સુરેશ બાબુએ તેને પ્રેમથી સમજાવ્યું કે અભિનય પર ધ્યાન આપશે તો બધું જ આપોઆપ મળશે. તે ખૂબ જ સરળ હતી. તેલુગુ ફિલ્મથી જ તે મોટી સ્ટાર બની ગઈ હતી અને પછી બોલીવૂડમાં પણ તેને ઑફર મળવા લાગી.”
તમિલ અને તેલુગુ ફિલ્મો રિલીઝ થયા પછી રાજીવ રાયે દિવ્યાને 1992માં “વિશ્વાતમા” દ્વારા હિન્દી ફિલ્મોમાં બ્રેક આપ્યો.
વર્ષ 1992માં એક જ મહિના આવેલી વિશ્વાતમા, શોલા ઔર શબનમ અને દિલ કા ક્યા કસૂર... એક નવી હીરોઇનની ત્રણ ફિલ્મો સળંગ રિલીઝ થઈ હતી. જૂન 1992માં આવેલી “દીવાના”માં ઋષિ કપૂર અને શાહરુખ ખાન જેવા સ્ટાર હોવા છતાં પણ દર્શકોએ દિવ્યાની નોંધ લીધી અને તેઓ પ્રખ્યાત થયાં.
દિવ્યાની ખ્યાતિનો અંદાજ ફિલ્મફેર મૅગેઝિનની એક લાઇનથી જ લગાવી શકાય છે, 'સુનીલ શેટ્ટીની પહેલી ફિલ્મ 'બલવાન' આવી ત્યારે દિવ્યા સ્ટાર બની ગઈ હતી. તે સુનીલ શેટ્ટીના બાઈસેપ્સ કરતાં પણ વધારે ફી માગતી હતી.'
કામ દરમિયાન કમાલ અને તોફાનમસ્તી

ઇમેજ સ્રોત, PUNEET KUMAR
દિવ્યાના અભિનય વિશે તેમનાં માતાએ બોલીવૂડ હંગામા સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "પહલાજ નિહલાનીની ફિલ્મ “શોલા ઔર શબનમ”માં દિવ્યાનો એક ગંભીર સીન હતો. જોકે, દિવ્યા ક્રિકેટ રમી રહી હતી. નિર્દેશક ડેવિડ ધવને દિવ્યાને ટોકીને કહ્યું કે થોડી ગંભીર બન."
"દિવ્યાએ જવાબ આપ્યો કે શું મારા મૃત્યુનો સીન હશે તો મારે સાચે જ મરવું પડશે? દિવ્યાએ કહ્યું કે તમે કૅમેરો ઑન કરો અને જો મારાથી કોઈ ભૂલ થાય તો હું ફિલ્મ છોડી દઈશ. ત્યાર પછી તે ગીતનું શૂટિંગ શરૂ થયું- 'તૂ રૂઠા તો રૂઠકે ઈતની દૂર ચલી જાઉંગી, સારી ઉમર પુકારે ફિર ભી લૌટ કે ન આઉંગી'. રાત્રે જ્યારે અમે શૉટ જોયો ત્યારે ડેવિડની આંખમાં આંસુ આવી ગયાં."

ઇમેજ સ્રોત, R T CHAWLA
દિવ્યાના મૃત્યુ પછી હૉસ્પિટલ પહોંચનારા સૌપ્રથમ પ્રોડ્યુસર પહલાજ નિહલાની હતા.
બીબીસીનાં સહયોગી મધુ પાલ સાથે જૂની વાતોને તાજી કરતા નિહલાનીએ જણાવ્યું, "તે આનંદથી ભરપૂર હતી. ફિલ્મ 'શોલા ઔર શબનમ'માં એક ઇમોશનલ સીન હતો, પરંતુ ડાયલૉગ આવતા જ તે હસવા લાગી. એક વખત તો 32 ટેક પછી પણ તેણીએ હસવાનું બંધ ન કર્યું."
"જોકે, તે પોતાના કામ પ્રત્યે સમર્પિત હતી. શૂટિંગ દરમિયાન તેને પગમાં ઈજા થઈ હતી તેમ છતાં પણ તેણીએ પૅક-અપ ન કરવા દીધું અને ઍક્શન સીન કરતી રહી. પગમાં ખીલી વાગી હતી. મેં સવારનું શૂટિંગ રદ્દ કરી દીધું પણ તે સવારે છ વાગ્યે હાઉસ કીપિંગ પાસેથી ચાવી લઈને મારા રૂમમાં આવી અને શૂટ કરાવ્યું."
“દીવાના”ના નિર્દેશક ગુડ્ડુ ઘનોઆએ કહ્યું કે કામના સમયે કમાલ કરતી હતી અને કામ પછી મશ્કરી.
તેમણે કહ્યું, "તે ખૂબ જ તોફાની હતી. અમે લોકો “દીવાના” માટે પાયલિયા ગીતનું શૂટ ઊટીમાં કરી રહ્યા હતા. શૉટ કરતાં પહેલાં બધાં પંત્તા રમી રહ્યાં હતા. નિર્દેશક અને ઋષિ કપૂર ખુરશી પર બેઠા હતા. કોઈ પણ ખુરશી ખાલી ન હતી તો દિવ્યા ઋષિજીના ખોળામાં બેસી ગઈ અને તેમની સાથે મજાક કરવા લાગી. ઋષિજીએ દિવ્યાને કહ્યું જાણો છો કે તમે લગભગ 18 વર્ષનાં છો અને હું 39 વર્ષનો છું. હું લગભગ 21 વર્ષ મોટો છું. જોકે, દિવ્યાની મશ્કરી ચાલુ જ હતી."
સાજિદ નડિયાદવાળા સાથે લગ્ન

ઇમેજ સ્રોત, RT CHAWLA
દિવ્યા વિશે ફોટોગ્રાફર આરટી ચાવલાએ મને જણાવ્યું, "દિવ્યાનો જન્મદિન હતો. જ્યારે કોઈ સ્ટાર આવતા ત્યારે દિવ્યા મને ઉત્સાહપૂર્વક કહેતી કે મારો ફોટો જેકી શ્રોફ સાથે ખેંચી આપો. ક્યારેક કહેતી ગોવિંદા સાથે મારા ફોટો પાડો. જોકે, અંતિમ દિવસોમાં દિવ્યાના સ્વભાવમાં ઘણો ફેરફાર થયો હતો. એ દિવસોમાં મહબૂબ સ્ટુડિયોમાં રંગ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. મેં તેને બોલાવી પણ તેણે જવાબ ન આપ્યો. હું અચરજ પામ્યો..."
એ દરમિયાન દિવ્યાની જિંદગીમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. ખાસ કરીને જ્યારે ખબર મળી કે દિવ્યાએ નિર્માતા સાજિદ નડિયાદવાળા સાથે લગ્ન કરી લીધાં છે. તે સમયે દિવ્યા માત્ર 18 વર્ષનાં હતાં.
“શોલા અને સબનમ”ના સેટ પર બન્નેની મુલાકાત થઈ હતી. દિવ્યાનાં માતાના કહેવા પ્રમાણે શરૂઆતમાં પરિવાર લગ્નથી રાજી ન હતો. જોકે, અંતે બધાએ સ્વીકારી લીધાં.
પાંચ એપ્રિલ 1993ની રાત્રે દિવ્યાના મૃત્યુના સમાચારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આઘાત આપ્યો. તે રાત્રે શું થયું તેના અહેવાલો અત્યાર સુધીમાં અનેક વાર સમાચારપત્રો છપાઈ ચૂક્યા છે.
જોકે, દિવ્યાનાં માતા-પિતાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "તે સાંજે દિવ્યાએ કહ્યું કે મારે પોતાનું ઘર લેવું છે. અમે બધાં ઘર જોવા સાથે ગયાં. રાત્રે ફોન આવ્યો કે નીતા લુલા ઘરે આવ્યાં છે અને કૉસ્ચયુમ જોવા છે. હું રસ્તામાં ઊતરી ગયો અને દિવ્યાના ભાઈ તેને છોડવા ગયા. દિવ્યાના ઘરે અમારી મેડ, નીતા લુલા અને તેના પતિ હતાં. 15 મિનિટ પછી ફોન આવ્યો કે દિવ્યા બાલકનીમાંથી પડી ગઈ છે. તે મસ્તીખોર હતી. મજાક-મજાકમાં આ દુર્ઘટના થઈ હશે. તે આત્મહત્યા કરે એટલી નબળી નહોતી. તેને કોણ મારે અને શા માટે?"
એ સવાર વિશે વાત કરતા ફિલ્મ ફોટોગ્રાફર આરટી ચાવલાએ કહ્યું, "મારો દીકરો અને હું જ્યારે અંતિમ સંસ્કારના સ્થળે પહોંચ્યા તો દિવ્યા ભારતીને લાલ ચૂંદડી ઓઢાડવામાં આવી હતી. હું દિવ્યાને જોતો રહ્યો અને રડતો રહ્યો. કોઈને ખબર ન હતી કે મારો અને દિવ્યાનો કેટલો ગાઢ સંબંધ હતો. એક ફોટોગ્રાફર તરીકે હું મજબૂરીમાં અંતિમ સંસ્કારના ફોટા પણ ખેંચી રહ્યો હતો."
દિવ્યા ભારતીનું મૃત્યુ

ઇમેજ સ્રોત, R T CHAWLA
ફિલ્મ પત્રકાર રહેલા ટ્રૉય રાઇબેરિયાએ દિવ્યાના મૃત્યુ પછી સ્ટારડસ્ટમાં લેખ લખ્યો હતો- 'ધ ટ્રેજેડી ધૅટ શૂક ધ નેશન-બ્લો બાય બ્લો એકાઉન્ટ.'
આ અહેવાલમાં તેમણે લખ્યું, "હું તે લોકોમાં સામેલ હતો, જેને સૌથી પહેલા દિવ્યાના મૃત્યુ વિશે સમાચાર મળ્યા. રાત્રે દોઢ વાગ્યે દિવ્યાના મૃતદેહને કેઝ્યુઅલ્ટી વૉર્ડની ટ્રૉલી પર રાખવામાં આવ્યો હતો. કાળી સ્લેક્સ અને પોલકા ડૉટવાળું ટૉપ. દિવ્યાના પિતાની હાલત ખરાબ હતી અને બાળકની જેમ રડતા હતા. દિવ્યાના ભાઈ કુણાલ પણ ભાંગી પડ્યા હતા. તે પણ રોવા લાગ્યા કે મારી બહેને મને છોડીને નહોતું જવું જોઈતું."

ઇમેજ સ્રોત, RT CHAWLA
સ્ટારડસ્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, "એક કલાક પછી તેમના પતિ સાજિદ આવ્યા. સાજિદે જ્યારે દિવ્યાને જોઈ તો તે જમીન પર ફસડાઈ પડ્યા અને તેમના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. બાદમાં ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ ઍટેક આવ્યો છે. એટલામાં નિર્માતા પહલાજ નિહલાની ત્યાં પહોંચ્યા અને સ્થિતિને સંભાળી. ત્યાં સુધીમાં બોની કપૂર, કમલ સદાના, સૈફ વગેરે ત્યાં પહોંચ્યા હતા. દિવ્યાનાં માતા સાથે થોડો મોડો સંપર્ક થયો. તેમણે આવીને ચાદર ઉઠાવીને દિવ્યાનો ચહેરો જોયો અને પોતાનું માથું દિવ્યાની છાતી પર રાખી દીધું. તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યાં ગયાં અને થોડા સમય પછી પાછાં આવ્યાં."
દિવ્યાના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યો અને મિત્રો આઘાતમાં હતા.
બીબીસી સાથેની વાતચીતમાં કરિશ્મા કપૂરે જણાવ્યું હતું, "અમે “કુલી નંબર-1”નું શૂટિંગ કરી રહ્યાં હતાં. જોકે, સેટ પર અમે બધાં દુ:ખી હતાં. સીનના શૂટિંગ વચ્ચે જ્યારે બ્રેક પડતો ત્યારે અમારી આંખોમાં આંસુ હતાં. એક તરફ અમે ખૂબ જ મસ્તીવાળા ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા અને કૅમેરાની પાછળ અમે બધાં જ દુ:ખી હતાં."
દિવ્યાના મૃત્યુ પછી એક ખૂબ જ વિચિત્ર ઘટના બની...

ઇમેજ સ્રોત, RT CHAWLA
દિવ્યાના મૃત્યુ બાદ ફિલ્મ 'રંગ', 'શતરંજ' અને 'થોલી મુદ્દુ' રિલીઝ થઈ હતી. આયશા ઝુલ્કા અને દિવ્યા ભારતીએ 'રંગ'માં સાથે કામ કર્યું હતું અને બંને ગાઢ મિત્રો હતાં.
બીબીસી સાથે વાત કરતા આયશાએ કહ્યું હતું કે, "તે હંમેશાં કહેતી હતી કે જલદી કર, જિંદગી ટૂંકી છે. તેણે સ્પષ્ટપણે કહ્યું ન હતું પણ કદાચ વ્યક્તિને અંદરથી 'ઈમ્પલ્સ' હોય છે. તેણે બધું ઝડપથી કરવું હતું. તેને જીવનમાં બધું જ ઝડપથી મળી રહ્યું હતું. તે પોતે કહેતી કે કંઈ પણ સમજાતું નથી."
"એવું લાગે છે કે તેને ખબર હતી કે તે વધુ સમય અમારી સાથે રહેવાની નથી. દિવ્યાના મૃત્યુ પછી એક ખૂબ જ વિચિત્ર ઘટના બની. થોડા મહિના પછી અમે 'રંગ' ફિલ્મની ટ્રાયલ જોવા ગયા. જેવી દિવ્યા સ્ક્રીન આવી કે સ્ક્રીન પડી ગઈ. તે અમારા માટે વિચિત્ર હતું."
દિવ્યાના પતિ સાજિદની વાત કરીએ તો તમામ અટકળો અને કાવતરાંની વાતો છતાં દિવ્યાનાં માતા-પિતા અને સાજિદ વચ્ચેના સંબંધો ખૂબ સારા હતા. 2004 સુધી સાજિદની તમામ ફિલ્મોમાં શરૂઆતમાં દિવ્યાનો ફોટો હતો અને તેમાં લખેલું રહેતું- મારી પ્રેમાળ પત્નીની યાદમાં.
બાદમાં સાજિદે વરદા ખાન સાથે લગ્ન કર્યાં. સાજિદ મીડિયામાં આ મુદ્દે બહુ ઓછું બોલ્યા છે, પરંતુ વરદા સોશિયલ મીડિયા પર દિવ્યા સાથે જોડાયેલી વાતો શેર કરતાં રહે છે.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, "સાજિદ પાસે હજુ પણ દિવ્યાનો પરફ્યૂમ છે જેને દિવ્યાએ છેલ્લી વાર સ્પર્શ કર્યો હતો. દિવ્યા હજુ પણ અમારા જીવનનો એક ભાગ છે. મારાં બાળકો જ્યારે પણ દિવ્યાની ફિલ્મો જુએ છે, ત્યારે તેને તેઓ મોટી મમ્મી કહે છે. જ્યારે સાજિદે તેની પહેલી ફિલ્મ 'કિક' ડિરેક્ટ કરી ત્યારે તેણે તેમાં “સાત સમંદર” ગીત સામેલ કર્યું હતું. સાજિદ સાથે મારો પરિચય કરાવવામાં દિવ્યા પણ એક કડી હતી, કારણ કે હું દિવ્યાની પ્રથમ પુણ્યતિથિએ સાજિદનો ઇન્ટરવ્યૂ લેવા ગઈ હતી."
1993માં દિવ્યાના મૃત્યુ પછી તેમની લાડલા (શ્રીદેવી), મોહરા (રવિના), હલચલ (કાજોલ), વિજયપથ (તબ્બુ), કર્તવ્ય (જુહી) જેવી ફિલ્મો અન્ય હીરોઇનોએ પૂરી કરી હતી.
પહલાજ નિહલાનીએ કહ્યું કે, "પ્રોડ્યૂસર્સ ક્યારેક કલાકારોના વર્તનથી નર્વસ હોય છે પરંતુ દિવ્યા અલગ હતી. તે સેટ પર પરિવાર જેવી હતી. લાગણીઓની વાત કરીએ તો, તે એક એવી છોકરી હતી જે પથ્થરમાંથી પાણી કાઢી શકતી હતી. લોકો કહેતા હતા કે તે શ્રીદેવી પાર્ટ-2 હતી. ઇન્ડસ્ટ્રીએ એક સારી અભિનેત્રી સાથે એક સારી વ્યક્તિ ગુમાવી છે."












