AI બોલીવૂડમાં નોકરીઓ છીનવી લેશે? સિનેમાના પડદે શાહરૂખ, અમિતાભની જગ્યા ટેક્નોલૉજી લેશે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોલીવૂડ

ઇમેજ સ્રોત, MONDELĒZ, OGILVY, WAVEMAKER

    • લેેખક, દેવાંગ શાહ
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

શું તમે એ વાતની કલ્પના કરી શકો કે શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચનની કોઈ અતિશય હિટ ફિલ્મ જોઈને સિનેમાહૉલની બહાર નીકળો અને તમને ખબર પડે છે કે હકીકતમાં તો તેમણે આ ફિલ્મમાં અભિનય જ કર્યો નથી.

શું તમે એવી કલ્પના કરી શકો કે બૉક્સ ઑફિસ પર હજારો કરોડની કમાણી કરનાર એક ફિલ્મની કહાણી હકીકતમાં કોઈ માણસે લખી જ ન હોય, પણ એ ચેટ જીપીટીએ લખી હોય.

કદાચ હાલના તબક્કે આવી કલ્પનાઓ હાસ્યાસ્પદ લાગી શકે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ચારેકોર કરેલા આક્રમણને પગલે આ પ્રકારની કલ્પનાઓ પર આપણે જલદીથી વિચાર કરવો પડશે.

થોડા સમય પહેલાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મુદ્દે અમેરિકામાં હોલીવૂડમાં લેખકો, સ્ક્રિપ્ટ રાઇટરોએ હડતાળ પાડી હતી. પરંતુ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (કે જે હજારો લોકોને રોજગાર આપે છે) આ મુદ્દે એટલી વ્યાપક ચર્ચા જોવા મળી નથી.

એવામાં સવાલ એ થાય કે હકીકતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતીય સિનેમાને કેટલી અસર કરશે?

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો આ વાતને નજરઅંદાજ લગાવી રહ્યા છે તો કેટલાક લોકો આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે.

જ્યારે શેખર કપૂર થઈ ગયા ચેટજીપીટીથી ચકિત

સિદ્ધાર્થ રોય કપૂર
ઇમેજ કૅપ્શન, સિદ્ધાર્થ રૉય કપૂર

જાણીતા ફિલ્મ નિર્દેશક શેખર કપૂરની પહેલી ફિલ્મ ‘માસૂમ’ (1983)નું કથાવસ્તુ એવું હતું કે એક મહિલા તેના પતિના લગ્નેતર સંબંધોને કારણે પેદા થયેલા બાળકને અપનાવી રહી હતી. આ ભાવનાત્મક ફિલ્મની વર્ષો પછી જ્યારે સિક્વલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે શેખર કપૂરે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટજીપીટીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

શેખર કપૂર એ વાતથી ચકિત થઈ ગયા હતા કે કઈ રીતે પળ વારમાં જ આ ટૂલે ફિલ્મના કથાવસ્તુમાં રહેલા નૈતિક પડકારોને સમજી લીધા હતા અને સેકન્ડોમાં તેમને નવી સ્ક્રિપ્ટ લખી આપી.

AI- જનરેટેડ સ્ક્રિપ્ટમાં બાળકને મોટું થઈને તેના પિતા પ્રત્યે નારાજગી પ્રગટ કરતું દર્શાવવામાં આવ્યું હતું. આ સ્ક્રિપ્ટમાં આપોઆપ જ પહેલી ફિલ્મને અનુરૂપ આગળ શું થશે તેની સચોટ કલ્પના જોવા મળી હતી.

શેખર કપૂર કહે છે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું ભવિષ્ય અસ્તવ્યસ્ત રહેશે એ ચોક્કસ વાત છે, કારણ કે જે કામ કરવા સ્ક્રિપ્ટ રાઇટર્સ ઘણાં અઠવાડિયાંનો સમય લે છે એ જ કામ મશીન લર્નિંગ સેકન્ડોમાં કરી આપે છે.”

સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, લાખો લોકો નિર્ભર

રૅડચિલીઝ ડૉટ વીએફએક્સ
ઇમેજ કૅપ્શન, રૅડચિલીઝ ડૉટ વીએફએક્સના કેતન યાદવ (ડાબે) અને હૅરી હિંગોરાની
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2019માં રજૂ થયેલા ડેલૉઇટના એક રિપોર્ટ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ફિલ્મોની સંખ્યાના મામલે ભારત સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રી અંદાજે 8 લાખ 50 હજારથી પણ વધુ લોકોને રોજગારી આપે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ટૂલ્સ દિવસે ને દિવસે વધુ બુદ્ધિશાળી બની રહ્યા છે. તો બીજી તરફ રશ્મિકા મંદાના અને આલિયા ભટ્ટ જેવાં પ્રખ્યાત ભારતીય બોલીવૂડ સ્ટાર્સના ડીપફેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આર્થિક અને નૈતિક એમ બંને પ્રશ્નો ઉપજાવે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટીવી અને ફિલ્મ પ્રોડક્શનમાં વધતા જતા ઉપયોગને કારણે જ આ વર્ષે અમેરિકામાં અભિનેતાઓ, લેખકો અને સ્ક્રિપ્ટ રાઇટરોએ હડતાળ પાડી હતી, જેના કારણે હોલીવૂડ મહિનાઓ સુધી થંભી ગયું હતું.

પ્રૉડ્યુસર ગિલ્ડ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ રૉય કપૂર કહે છે, “ભારતમાં અત્યાર સુધીમાં આ મુદ્દે કોઈ ધોરણસરની ચર્ચા થઈ નથી પણ હવે સમય આવી ગયો છે કે આપણે ચર્ચા કરવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ દિવસે ને દિવસે તેની ધાર કાઢી રહ્યું છે, તે વધુ બુદ્ધિશાળી બની રહ્યું છે. આજે આપણે જે પરિસ્થિતિમાં છીએ તેના કરતાં અત્યંત અલગ પરિસ્થિતિમાં આપણે ત્રણ કે છ મહિના પછી હોઈશું. એટલી ઝડપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ વધી રહ્યું છે.”

રૅડચિલીઝ ડૉટ વીએફએક્સના કેતન યાદવ અને હૅરી હિંગોરાની કહે છે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી પરિસ્થિતિથી હજુ જોજનો દૂર છે કે જ્યાં તમે એક બટન દબાવો અને તમને બધું હાજરાહજૂર મળી જાય.”

લગભગ બે દાયકા અગાઉ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન દ્વારા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી હતી.

આ વર્ષે એ જ સ્ટુડિયોએ શાહરૂખ ખાનની ફિલ્મો ‘જવાન’ અને ‘પઠાણ’માં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું સંચાલન કર્યું હતું. આ બંને ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.

તેઓ કહે છે કે, “રેડચિલીઝમાં અમે ઘણા સમયથી એઆઈ ટૂલ્સનો ઉપયોગ નવા આઇડિયા માટે કરી રહ્યા છીએ પણ હજુ પણ 4k રિઝોલ્યુશનના મોશન પિક્ચર સાથે એઆઈ તાલ મેળવી શકે તેમ નથી.”

ફિલ્મનિર્માણમાં AIનો ઉપયોગ

અભિનેતા સત્યરાજ

ઇમેજ સ્રોત, GUHAN SENIAPPAN

ઇમેજ કૅપ્શન, અભિનેતા સત્યરાજનો AI જનરેટેડ અવતાર

પરંતુ ગુહાન સેનિયાપ્પન આ વિચારને પડકાર ફેંકી રહ્યા છે. તેઓ એક તમિલ ફિલ્મ ‘વેપન’નું નિર્દેશન કરી રહ્યા છે. આ એવી પહેલી ફિલ્મ છે જેમાં અઢી મિનિટનું દૃશ્ય સંપૂર્ણપણે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સથી ફિલ્માવાયું છે.

તેઓ કહે છે, “અમે સુપરહ્યુમન કહાણીની એક શૃંખલા પર કામ કરી રહ્યા છીએ, જેમાં ભરપૂર ઍક્શન સિક્વન્સ છે અને તે કહાણીને અમે એક નવા જ રંગરૂપમાં રજૂ કરવા માગીએ છીએ.”

આ કહાણીમાં મુખ્ય અભિનેતા સત્યરાજનો યુવા અવતાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રજૂ કરવામાં આવ્યો છે.

સેનિયાપ્પન કહે છે, “લાઇવ ઍક્શનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આર્થિક રીતે પણ ઘણો સસ્તો છે.”

શાહરૂખ ખાન AIનો ઉપયોગ કરનાર પહેલા અભિનેતા

બોલીવૂડ કલાકારોમાં શાહરૂખ ખાન પહેલા અભિનેતા છે જેમણે 2021માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રયોગ કર્યો હતો.

એક જાહેરાત ડીપફેક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને બનાવાઈ હતી, જેમાં તેમણે માત્ર તેમનો અવાજ જ આપ્યો હતો. આ જાહેરાત કૅડબરી દ્વારા લૉન્ચ કરવામાં આવી હતી અને તેમાં નાના દુકાનદારોને મહામારી દરમિયાન તેમના સ્ટોરના પ્રમોશન અને વેચાણ વધારવા માટે શાહરૂખનો અવાજ અને તેની તસવીરનો ઉપયોગ કરવાની છૂટ અપાઈ હતી.

આ અભિયાન ચલાવનાર ઑગ્લિવી ઇન્ડિયાના સુકેશ નાયક કહે છે, “ આ એક જાહેરાતના અભિયાને સમગ્ર દેશમાં ત્રણ લાખ જાહેરાતોનું નિર્માણ કર્યું હતું.” ત્યારે આ એજન્સીએ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે અમુક ચોક્કસ પ્રકારના વ્યવસાયો જ આ જાહેરાતનો ઉપયોગ કરી શકે.

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગેના હજુ પણ ચોક્કસ રીતે ઘડવામાં આવેલા કાયદાઓ ન હોવાને કારણે ટીકાકારો કહે છે કે આ તેના દુરુપયોગ માટે મોકળું મેદાન છે.

આ વર્ષે બોલીવૂડ અભિનેતા અનિલ કપૂરે તેમના જેવો દેખાવ, તસવીરો, નામ અને અવાજ સહિત અન્ય બાબતોને રક્ષણ આપવા માટેની કાનૂની લડાઈ જીતી લીધી છે. અનિલ કપૂરે કેસના ચુકાદાને ‘ખૂબ જ પ્રગતિશીલ’ અને અન્ય કલાકારો માટે પણ ફાયદાકારક ગણાવ્યો હતો.

તેમણે વેરાયટી મૅગેઝિનને કહ્યું, "જ્યાં મારી તસવીરો, અવાજ, મૉર્ફિંગ, જીઆઇએફ અને ડીપફેક્સના દુરુપયોગની વાત હશે ત્યાં હું તરત જ કોર્ટનો આદેશ અને મનાઈહુકમ મોકલી શકીશ અને જે તે વ્યક્તિએ તેને હઠાવી લેવું પડશે."

માણસ અને એઆઈમાં કોણ ઉત્તમ?

અમેરિકામાં થયેલી હોલીવૂડની હડતાળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં થયેલી હોલીવૂડની હડતાળ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બીજી બાજુ પણ છે.

કેટલાક ઍક્સપર્ટ્સ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્મનિર્માણનાં કેટલાંક પાસાંને વધુ સરળ અને ઝડપી બનાવી શકે છે.

રેડચિલીઝનાં શિલ્પા હિંગોરાની કહે છે, “હાલમાં કેટલીક ‘ફ્રેમ બાય ફ્રેમ’ વીએફએક્સ પ્રક્રિયામાં જેટલી વાર લાગે છે તે પછી અતિશય ઝડપી થઈ જશે. અત્યારે તમારા ગ્રાહક સામે તેનો પ્રિવ્યૂ રજૂ કરવામાં પણ ખૂબ વાર લાગે છે.”

કેતન યાદવે કહે છે કે સમય ઘટાડવાની કોઈ રીત ચોક્કસ રીતે કામને સરળ બનાવશે અને સમય બચાવશે.

વેપન ફિલ્મમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ઘણો મદાર રાખવા છતાં પણ સેનિયાપ્પન કહે છે કે જો તેમની પાસે બજેટ અને સમય હોત તો તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ન કર્યો હોત અને લાઇવ ઍક્શન શૂટિંગ જ કર્યું હોત.

તેઓ કહે છે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સારું છે પણ એ લાઇવ-ઍક્શન જેટલું નેચરલ નથી.”

શરૂઆતમાં ચેટજીપીટીથી પ્રભાવિત થનાર શેખર કપૂર પણ આ વાત સાથે સહમત થાય છે અને કહે છે કે, “મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો હતો કે કોણ વધુ સ્માર્ટ છે? અને મને જવાબ મળ્યો હતો કે હું જ વધુ સ્માર્ટ છું, આ ટેક્નોલૉજી નહીં.”

તેઓ કહે છે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે કોઈ પોતાની નૈતિકતા નથી. તે તેની પાસે ઉપલબ્ધ ડેટાને આધારે નૈતિકતા નક્કી કરે છે. તે રહસ્ય પેદા કરી શકતું નથી અને લાગણી કે પ્રેમને અનુભવી શકતું નથી.”

પરંતુ તેમના મતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્મનિર્માણની પ્રક્રિયાને વધુ લોકતાંત્રિક બનાવી શકે છે.

તેઓ એક મહત્ત્વપૂર્ણ વાતનું ધ્યાન દોરે છે, “જો તમામ લોકો પાસે એકસરખાં ટૂલ્સ હશે તો સંસ્થાકીય માળખાં તૂટી પડશે અને તમામ લોકો પાસે કહાણી રજૂ કરવાની એકસરખી તાકાત હશે.”