એ મહિલા વૈજ્ઞાનિક જેમણે હવામાન માપવાનાં સાધનો વિકસાવી ભારતને આત્મનિર્ભર બનાવ્યું

ઇમેજ સ્રોત, RAMAN RESEARCH INSTITUTE
- લેેખક, ચેરીલાન મોલાન
- પદ, બીબીસી સંવાદદાતા
જળવાયુ પરિવર્તન કે ક્લાઇમેટ ચેન્જ આ શબ્દ ચલણમાં આવ્યો તેના ઘણા સમય પહેલાં એક ભારતીય મહિલા પર્યાવરણને સારી રીતે સમજવામાં લોકોને મદદરૂપ થાય એવાં ઉપકરણો બનાવવાં અનેક અવરોધો સામે લડ્યાં હતાં. છતાં વિશ્વના અગ્રણી હવામાન વૈજ્ઞાનિકો પૈકીનાં એક અન્ના મણિને તેમના દેશમાં બહુ ઓછાં લોકો જાણે છે.
હાલ કેરળમાંના ભૂતપૂર્વ રજવાડા ત્રાવણકોરમાં 1918માં જન્મેલાં અન્ના મણિ હવામાન માપક સાધનો બનાવવામાં ભારતને મદદરૂપ થવા માટે જાણીતાં છે. નવાસવા સ્વતંત્ર થયેલા ભારતની અન્ય રાષ્ટ્રો પરની નિર્ભરતા એ સાધનોને કારણે ઘટી હતી.
ઓઝોન લેયરનું નિરીક્ષણ કરવાનું વૈજ્ઞાનિકો માટે સરળ બનાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 1964માં ભારતમાં નિર્મિત પ્રથમ ઓઝોનસોન્ડ બનાવ્યું હતું. જમીનથી 35 કિલોમીટર ઉપર સુધી ઓઝોનની હાજરીનો તાગ મેળવવા માટે ઓઝોનસોન્ડ બલૂનમાં હવામાં મોકલવામાં આવે છે.
અન્ના મણિએ બનાવેલાં ઓઝોનસોન્ડનો ઉપયોગ 1980ના દાયકા સુધી ઍન્ટાર્કટિકા ખાતેના ભારતીય અભિયાનોમાં નિયમિત રીતે કરવામાં આવતો હતો. તેથી ભૌતિકશાસ્ત્રી જોસેફ ફર્મને દક્ષિણ ધ્રુવ પરના ઓઝોન લેયરમાં મોટા ગાબડાં વિશે 1985માં વિશ્વને ચેતવણી આપી ત્યારે ભારતીય વૈજ્ઞાનિકો અન્ના મણિના ઉપકરણથી મેળવાયેલા ડેટાનાં આધારે ફર્મનની શોધને સમર્થન આપી શક્યા હતા.
ગ્રીન ટેકનૉલૉજી જરૂરી બની તેના ઘણા સમય પહેલાં અન્ના મણિએ ભારતમાં આ ટેકનૉલૉજીના ઉપયોગનો નક્કર પાયો નાખ્યો હતો. 1980 અને 90ના દાયકામાં તેમણે પવન ઊર્જાના સર્વેક્ષણ માટે લગભગ 150 સાઇટ્સ સેટ કરી હતી. એ પૈકીની કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં હતી પરંતુ આ નીડર વૈજ્ઞાનિક તેમની નાનકડી ટીમ સાથે એ દુર્ગમ સ્થળો પર ગયાં હતાં અને પવનને માપવા માટેનાં સ્ટેશનો સ્થાપિત કર્યાં હતાં.
હવામાનશાસ્ત્રી સી. આર. શ્રીધરને મણિ વિશેના એક નિબંધમાં લખ્યું છે કે અન્ના મણિનાં તારણોને લીધે વૈજ્ઞાનિકોને દેશભરમાં અસંખ્ય વિન્ડ ફાર્મ સ્થાપવામાં મદદ મળી હતી.
વૈજ્ઞાનિક બનવાની વાત બાજુએ મૂકો, સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પણ અસામાન્ય હતું ત્યારે અન્ના મણિ હવામાનનો અભ્યાસ કરવાના તેમના જુસ્સાને બહાદુરીપૂર્વક અનુસર્યાં હતાં. જ્ઞાનની ભૂખ અને અજેય પથ પર આગળ વધવાની મહેચ્છા તેમનામાં બાળપણથી જ હતી.
જન્મદિવસે મળેલી હીરાની બુટ્ટીને બદલે જ્ઞાનકોશ માગ્યો

ઇમેજ સ્રોત, WORLD METEOROLOGICAL ORGANIZATION
સમૃદ્ધ પરિવારમાં જન્મેલાં અન્ના મણિ આઠ ભાઈ-બહેનોમાં સાતમા સંતાન હતાં. તેમના પરિવારમાં પાંચ ભાઈઓ અને તેમના સહિત ત્રણ બહેનો હતાં. અન્ના મણિને તેમના આઠમા જન્મ દિવસે તેમના માતા-પિતાએ હીરાની બુટ્ટીની જોડ ભેટમાં આપી હતી, પરંતુ અન્ના મણિએ તેના બદલે ઍન્સાઇક્લોપિડિયા (જ્ઞાનકોશ)ની માગણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિશોરાવસ્થામાં બહેનોની માફક લગ્ન કરી લેવાના બદલે તેમણે અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું. ‘એન ઍપ્રિશિયેશન ઑફ અન્ના મણિ’ શિર્ષક હેઠળના નિબંધમાં વૈજ્ઞાનિક આભા સૂરે નોંધ્યું છે કે મણિના નિર્ણયનો તેમના પરિવારે સક્રિય વિરોધ કર્યો ન હતો કે પ્રોત્સાહન પણ આપ્યું ન હતું.
જોકે અગ્રણી હવામાનશાસ્ત્રી બનવાની અન્ના મણિની સફર આસાન ન હતી. તેમના પરિવારમાં પુરુષોને ઉચ્ચ સ્તરીય પ્રોફેશનલ કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા પણ સ્ત્રીઓને નહીં. તેમનું સપનું મેડિસિનનો અભ્યાસ કરવાનું હતું, પરંતુ એ શક્ય ન હોવાથી તેમણે ફિઝિક્સના અભ્યાસમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. તેમને ફિઝિક્સમાં બહુ રસ હતો.
તેમણે મદ્રાસ (હાલ ચેન્નઈ)ની પ્રેસિડેન્સી કૉલેજમાંથી ડિગ્રી મેળવી હતી અને વિદેશમાં અભ્યાસ માટે સરકારી શિષ્યવૃત્તિ મેળવતા પહેલાં નોબેલ પુરસ્કાર વિજેતા સી. વી. રામનની લેબોરેટરીમાં હીરાના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં પાંચ વર્ષ વિતાવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, RAMAN RESEARCH INSTITUTE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમને શિષ્યવૃત્તિ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે જ નહીં પરંતુ હવામાનશાસ્ત્રનાં ઉપકરણોનો અભ્યાસ કરવા માટે પણ આપવામાં આવી હતી. કારણ કે એ સમયે આ ક્ષેત્રમાં ભારતને કુશળ લોકોની જરૂર હતી. શ્રીધરન લખે છે કે મણિએ આ તક ઝડપી લીધી હતી અને ટ્રૂપશીપ માટે બ્રિટન ગયાં હતાં.
એ પછીનાં ત્રણ વર્ષ તેમણે હવામાન ઉપકરણોનાં તમામ પાસાંનો અભ્યાસ કરવામાં ગાળ્યાં હતાં. એ ઉપકરણો કેવી રીતે બનાવવામાં આવે છે. તેનું પરીક્ષણ, માપાંકન કેવી રીતે થાય છે અને તેને કઈ રીતે પ્રમાણિત કરવામાં આવે છે એ સહિતનાં પાસાંઓનો તેમણે અભ્યાસ કર્યો હતો. બ્રિટનના સંસ્થાનવાદી શાસનથી આઝાદી મળ્યાના એક વર્ષ પછી 1948માં તેઓ ભારત પરત ફર્યાં હતાં અને હવામાન વિભાગમાં જોડાયાં હતાં.
વિદેશમાં મેળવેલાં જ્ઞાનનો ઉપયોગ તેમણે ભારતને પોતાનાં ઉપકરણોનાં ઉત્પાદનમાં મદદ માટે કર્યો હતો. ત્યાં સુધી એ ઉપકરણો બ્રિટન અને યુરોપના અન્ય ભાગોમાંથી આયાત કરવામાં આવતા હતા.
તેમણે 100થી વધારે પ્રકારનાં ઉપકરણો બનાવવા એક વર્કશોપ બનાવી હતી. તેમાં વરસાદ, તાપમાન અને વાતાવરણીય દબાણ માપવાનાં સાધનોનો સમાવેશ થાય છે. એ ઉપકરણો માટે તેમણે વિશદ એન્જિનિયરિંગ સ્પેસિફિકેશન્સ, ડ્રૉઈંગ્ઝ અને મૅન્યુઅલ્સ પણ તૈયાર કર્યાં હતાં.
અન્ના મણિ ચોકસાઈ અને સચોટતાનાં આગ્રહી હતી. પોતે બનાવેલાં સાધનો ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય હોય એ સુનિશ્ચિત કરવા તેમણે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા હતા. વર્લ્ડ મીટિઓરોલોજિકલ ઑર્ગેનાઇઝેશનને 1991માં આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું, “ખોટું માપ એ કોઈ માપ ન કરવા કરતાં પણ બદતર છે, એવું હું માનું છું.”
સૌર કિરણોત્સર્ગ માપવા માટેનાં સાધનો વિકસાવવામાં અને સમગ્ર દેશમાં રેડિયેશન સ્ટેશનોનું નેટવર્ક સ્થાપવામાં પણ તેમણે મોખરાની ભૂમિકા ભજવી હતી. એ ભારતમાં અક્ષય ઊર્જાનાં સ્રોતો શોધવાના તેમના પ્રિય પ્રોજેક્ટ તરફનું બીજું પગલું હતું.
શ્રીધરન લખે છે, “ત્યાં સુધી અત્યંત ચોકસાઈવાળાં સાધનો પશ્ચિમી દેશોની મોનોપોલી હતા અને ડિઝાઈન સંબંધી પરિમાણો ગુપ્ત રાખવામાં આવતા હતા. તેથી પાયાથી શરૂઆત કરવી પડતી હતી અને સમગ્ર ટૅક્નૉલૉજી જાતે જ વિકસાવવી પડતી હતી.”

ઇમેજ સ્રોત, Getty Images
અન્ના મણિએ તેમની કારકિર્દીમાં ઘણી સિદ્ધિ હાંસલ કરી હોવા છતાં તેમણે અનેક વખત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
અન્ના મણિના માર્ગદર્શક સી વી રમન તેમની લૅબોરેટરીમાં જૂજ મહિલાઓને પ્રવેશ આપતા હતા અને તેમણે મહિલાઓ પર અનેક નિયંત્રણો મૂક્યાં હતાં. આભા સૂરે તેમના પુસ્તક ‘ડિસ્પર્સ્ડ રેડિયન્સઃ કાસ્ટ, જેન્ડર એન્ડ મૉર્ડન સાયન્સ ઇન ઇન્ડિયા’માં લખ્યું છે, “રામન તેમની લૅબોરેટરીમાં સ્ત્રીઓ અને પુરુષોને સખત રીતે અલગ રાખતા હતા.”
તેથી અન્ના મણિએ તે લૅબોરેટરીમાંના સમયગાળા દરમિયાન મોટાભાગે અન્ય મહિલા વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું હતું. તેઓ તેમના પુરુષ સહકર્મીઓ સાથે કામ કે વૈજ્ઞાનિક વિચારો બાબતે તંદુરસ્ત ચર્ચા કરી શક્યા નહોતાં.
અન્ના મણિને તેમના પુરુષ સહકર્મીઓ તરફથી ભેદભાવનો અનુભવ પણ થયો હતો. આભા સૂરના પુસ્તકમાં તેમણે એવા પુરુષ સહકર્મીઓની વાત કરી છે, જેઓ કોઈ સ્ત્રી ઇન્સ્ટ્રુમૅન્ટના હેન્ડલિંગમાં કે પ્રયોગમાં જરા સરખી ભૂલ કરે તો પણ તેને “સ્ત્રીની અસમર્થતા”ની નિશાની ગણાવતા હતા.
આભા સૂર નોંધે છે, અન્ના મણિએ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના અભ્યાસક્રમનું ઑડિટ કર્યું ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે પદાર્થથી આગળ વધવાનું તેમનું કામ નથી.
1960ના દાયકાની શરૂઆતમાં અન્ના મણિને આંતરરાષ્ટ્રીય હિન્દ મહાસાગર અભિયાનનો ભાગ બનવાની તક મળી હતી, પરંતુ ડેટા એકત્રિત કરવા માટે જહાજ પર જઈ શક્યાં નહોતાં. એ અભિયાનમાં ઋતુઓના અભ્યાસ માટે બે જહાજોને જરૂરી ઉપકરણોથી સજ્જ કરવાનો સમાવેશ થતો હતો.
વર્લ્ડ મીટિઓરોલોજિકલ ઑર્ગેનાઇઝેશનને 1991માં આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું, “મને તેમાં જવું ગમ્યું હોત, પરંતુ એ દિવસોમાં ભારતીય નૌકાદળના જહાજોમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો.”
જોકે, તેમની પેઢીની અનેક સ્ત્રીઓની માફક અન્ના મણિ પણ ખુદને પિતૃસત્તાક વલણનો શિકાર ગણાવવાનો ઇનકાર કરે છે.
મારી જાતિ મારી વ્યાવસાયિક આકાંક્ષાઓના માર્ગમાં ક્યારેય નડતર બની નથી, એવી દલીલ કરતાં તેમણે આભા સૂરને કહ્યુ હતું, “સ્ત્રી હોવાને કારણે હું દંડ કે વિશેષાધિકાર પામી છું એવું મને ક્યારેય લાગ્યું નથી.”
કેરળના તિરુઅનંતપુરમમાં 2001માં અન્ના મણિનું અવસાન થયું હતું. તેઓ આજીવન અપરણિત રહ્યાં હતાં અને ઉપલબ્ધ માહિતી અનુસાર, લગ્ન ન કરવાનો તેમને ક્યારેય અફસોસ થયો ન હતો. તેમનું કાર્ય અને જીવન ભારત તથા વિદેશમાં લોકોને પ્રેરણા આપતા રહે છે, માર્ગદર્શન કરતા રહે છે.














