ઇસરોમાં વૈજ્ઞાનિક બનવું હોય તો શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, ISRO
- લેેખક, મુરુગેશ મડકન્નુ
- પદ, બીબીસી તામિલ
ચંદ્રયાન-3ની સફળતા સાથે ભારતે અવકાશ ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતનું વિક્રમ લૅન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું છે, જ્યાં હજુ સુધી બીજો કોઈ દેશ પહોંચી શક્યો નથી. પ્રજ્ઞાન રોવરે પણ લૅન્ડરમાંથી બહાર નીકળીને ચંદ્રનો પ્રવાસ શરૂ કર્યો છે.
છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર હવે ચંદ્રની સપાટી પર ફરી રહ્યું છે અને તેને મળતી માહિતી પૃથ્વી પર પહોંચાડી રહ્યું છે. તેણે મોકલેલી માહિતીથી વિશ્વના જ્ઞાનમાં જરૂર વધારો થશે.
ચંદ્રયાનના પ્રક્ષેપણથી માંડીને ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરના ઉતરાણ સુધીના તમામ વીડિયો દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ તથા શાળાઓમાં દર્શાવવામાં આવ્યા હતા.
વિક્રમ લૅન્ડરમાંથી ઊતરી રહેલા પ્રજ્ઞાન રોવરના વીડિયોને દેશભરના યુવાનોએ અનેક વખત રિપ્લે કર્યો છે.
અવકાશ ક્ષેત્રે દેશને મળેલી આ સફળતાનો શ્રેય ભારતીય અવકાશ એજન્સી ઇસરોમાં 24 કલાક કામ કરતા વિજ્ઞાનીઓને જાય છે. ચંદ્રયાન-3 મિશનની સફળતાએ દેશના લાખો વિદ્યાર્થીઓની જિજ્ઞાસામાં વધારો કર્યો છે એટલું જ નહીં, પરંતુ ઇસરોમાં વિજ્ઞાની બનવાની ઇચ્છાને પણ જન્મ આપ્યો છે.
કારકિર્દીનું યોગ્ય આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થી ઇસરોમાં વિજ્ઞાની તરીકે કામ કરી શકે છે એ તમે જાણો છો?
તમે ઇસરોમાં કામ કરવા ઇચ્છતા હો તો એ માટે શું તૈયારી કરવી જોઈએ? વાસ્તવમાં તેની યોજના કેવી રીતે બનાવવી જોઈએ? આ સવાલોના જવાબ આપણે આ કથામાંથી મેળવીશું.

ઇસરોમાં વિજ્ઞાની બનવા માટે ખરેખર શું શીખવું જોઈએ?

ચંદ્રયાન-1 પ્રોજેક્ટના ડિરેક્ટર અને વિજ્ઞાની માયલાસ્વામી અન્નાદુરાઈ કહે છે, “ઇસરોમાં વિજ્ઞાની તરીકે કામ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન તથા ગણિતનો જુસ્સાભેર અભ્યાસ કરવો જોઈએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“આ માટેની તૈયારીનો પાયો ગણિત છે. તેથી બીજગણિત અને ભૂમિતિનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. પાઠ્ય પુસ્તકોમાં આપવામાં આવેલી માહિતી મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોથી આગળ વધીને એ સંદર્ભે અભ્યાસ કરવો જોઈએ.”
તેઓ ઉમેરે છે, “માત્ર પૂછાયેલા સવાલોના જવાબ શોધવાને બદલે તમારે તમારા પોતાના પ્રશ્નો તૈયાર કરવા જોઈએ અને તેના જવાબ શોધવા જોઈએ. વિદ્યાર્થીઓ તથા તેમનાં માતાપિતાએ નાનપણથી જ પ્રશ્નો તૈયાર કરવાની, તેના જવાબો શોધવાની આદત કેળવવી જોઈએ.”
માયલાસ્વામી અન્નાદુરાઈના મતાનુસાર, કંઈક નવું કરવાનો આનંદ વૈજ્ઞાનિક બનવાનો મૂળભૂત પાયો છે. “જેમ ચિત્રકાર તેના પેઇન્ટિંગનો આનંદ માણે છે, કવિને કવિતા લખવાનો આનંદ આવે છે તેમ એક વિજ્ઞાનીને પણ કશુંક નવું સર્જન કે સંશોધન કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ.”

ઇસરોમાં વિજ્ઞાની બનવાનાં પગલાં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિત સંબંધિત યોગ્ય જ્ઞાન તથા કૌશલ્ય ધરાવતા ઉમેદવારોની ભરતી ઇસરો દ્વારા કરવામાં આવતી હોય છે. એ માટે જરૂરી શિક્ષણ અને તૈયારીની બીજી વિગત આ મુજબ છે.
ધોરણ 12માં વિદ્યાર્થીએ ગણિત, ફિઝિક્સ અને કૅમિસ્ટ્રી એમ ત્રણ વિષયનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. ગણિત ઉપરાંત ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન પણ હોવું આવશ્યક છે.
બારમા ધોરણમાં 75 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા બાદ જેઈઈ ઍડ્વાન્સ અને જેઈઈ મેઇન્સ જેવી પ્રવેશ પરીક્ષાઓ મારફત વિદ્યાર્થીએ કોઈ પણ સારી સંસ્થામાં એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવો જોઈએ.
વિદ્યાર્થીએ મિકેનિકલ, ઍરોસ્પેસ, કોમ્પ્યુટર સાયન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિકલ, ફિઝિક્સ, રેડિયો અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં બી. ટેક. અથવા બી. ઈ. કરવું આવશ્યક છે.
બી.ટેક, બી.ઈ.ની ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીએ ઇસરો સૅન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (આઈસીઆરબી) દ્વારા આયોજિત પરીક્ષા આપવી પડે. એ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી પાસે કોમ્પ્યુટર સાયન્સ, ઈલેક્ટ્રોનિક્સ અથવા મિકેનિકલ અથવા અન્ય કોઈ પણ સંબંધિત ક્ષેત્રમાં બી. ટેક. અથવા બી.ઈ.ની ડિગ્રી હોવી જરૂરી છે.
એ ઉપરાંત તેને 65 ટકાથી વધારે માર્ક્સ અથવા 6.8 સીજીપીએ હોવા જરૂરી છે. ઉપરોક્ત પરીક્ષા પાસ કર્યા પછી પસંદ કરાયેલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ આપવાનો હોય છે.
કોઈ વ્યક્તિએ સંબંધિત સ્પેશ્યલાઈઝેશન સાથે એમ.એસસી. અથવા એમ.ટેક. અને પીએચ. ડી. કર્યું હોય તો તે ઇસરોમાં વિજ્ઞાની બની શકે છે.
જીઓફિઝિક્સ, જીઓઇન્ફોર્મેટિક્સ, ઇન્સ્ટ્રુમેશન અને ઍપ્લાઇડ મૅથેમૅટિક્સમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યું હોય તેવી વ્યક્તિ પણ ઇસરોમાં જોડાઈ શકે છે.
ઇચ્છુક ઉમેદવારો ઇસરોમાં જુનિયર રિસર્ચ ફેલો તરીકે પણ કામ કરી શકે છે. એ માટે પસંદગી પામ્યા પછી વ્યક્તિ વિવિધ પ્રોજેક્ટ્સમાં વિજ્ઞાની અથવા એન્જિનિયર તરીકે કામ કરી શકે છે.

અવકાશ સંશોધન માત્ર ઇસરોમાં જ થતું નથી

ઇમેજ સ્રોત, Getty Images
માયલાસ્વામી અન્નાદુરાઈના જણાવ્યા મુજબ, ઉચ્ચ શિક્ષણની પસંદગી વખતે દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાન તથા એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરવો જોઈએ.
તેઓ કહે છે, “વિજ્ઞાન અથવા એન્જિનિયરિંગનો કોર્સ પસંદ કરીને વિજ્ઞાની બની શકાય, પરંતુ તમારી ક્ષમતા તથા રસ સાથે ક્યો કોર્સ મેળ ખાય છે એ તમારે નક્કી કરવું પડશે. જેઈઈ આપ્યા પછી તમે આઈઆઈટી જેવી સંસ્થાઓમાં અથવા બી. ટેક જેવા કોર્સ કરી શકો છો.”
તિરુઅનંતપુરમ ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ટેકનૉલૉજી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા સંચાલિત વર્ચ્યુઅલ યુનિવર્સિટી છે. તેમાં બી. ટેક, એમ. ટેક, એમ. એસસી. અને પીએચ.ડી. જેવા અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે.
તમે અન્ય કોઈ કૉલેજમાં ભણ્યા હો તો પણ વિજ્ઞાની બનવાનું સપનું જોઈ શકો છો. નાની વયથી જ આઈઆઈટી અને આઈઆઈએસસી જેવી સંસ્થાઓમાં અભ્યાસની તૈયારી કરી હોય તો વિદ્યાર્થી માટે વિજ્ઞાની બનવાનો માર્ગ બહુ સરળ બની જાય છે.
વિજ્ઞાની આર. વેંકટેશન 'બ્રેકથ્રૂ સાયન્સ ક્લબ' મારફત વિદ્યાર્થીઓને વિજ્ઞાન સંબંધી માહિતી અને પ્રશિક્ષણ આપે છે. તેમના જણાવ્યા મુજબ, વિજ્ઞાની બનવા માટે કોઈ ખાસ કોર્સ નથી.
વેંકટેશન કહે છે, “ઇસરોમાં કામ કરતા લોકોએ કોઈ ચોક્કસ પ્રકારનો અભ્યાસ કર્યો નથી. લોકો બી. ટેક. પછી એમ. ટેક. જેવો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ઇસરોમાં કામ કરવાનું શરૂ કરે છે.”
“એક પ્રોજેક્ટમાં નિયુક્તિ પછી એ માટે જરૂરી તાલીમ આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓએ પસંદ કરેલા અભ્યાસક્રમનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવું મહત્ત્વપૂર્ણ છે. તેવી જ રીતે વિદ્યાર્થીનું ગણિત મજબૂત હોય એ પણ જરૂરી છે.”
તમારે અવકાશ સંશોધન ક્ષેત્રે જ કામ કરવું હોય તો એ માત્ર ઇસરોમાં જ થતું નથી, એમ જણાવતા તેઓ ઉમેરે છે, “આપણા દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોફિઝિક્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામૅન્ટલ રિસર્ચ, સાગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુક્લિયર ફિઝિક્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅથેમૅટિકલ સાયન્સિસ જેવી સંશોધન સંસ્થાઓ પણ છે.”
“આ સંસ્થાઓમાં વિવિધ વિષયો પર સંશોધન કરવામાં આવે છે. દેશભરના વિજ્ઞાનીઓ અહીં કામ કરે છે. અહીં કામ કરતા વિજ્ઞાનીઓ અવકાશમાં પણ ઘણું સંશોધન કરી રહ્યા છે.”
“આ સંસ્થાઓમાં વિજ્ઞાન ક્ષેત્રે સર્જાયેલા કે હાલના સવાલોના જવાબ શોધવાના પ્રયાસ કરવામાં આવે છે. તેથી જે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં સંશોધન કરવા અને વિજ્ઞાની બનવા ઇચ્છતા હોય તેમણે ઇસરોથી આગળ વધવું જોઈએ તથા આ સંસ્થાઓનો વિકલ્પ પણ તપાસવો જોઈએ.”

ઇસરો દ્વારા વિજ્ઞાનીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
માયલાસ્વામી અન્નાદુરાઈ કહે છે, “ઇસરોની પોતાની યુનિવર્સિટી છે, જેનું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ટેક્નોલોજી છે. તેથી તમે જેઈઈમાં સારો સ્કોર કરી શકો તો તમારે આ યુનિવર્સિટીમાં અભ્યાસનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.”
“તમે મેળવેલા માર્ક્સને આધારે તમે વિષયની પસંદગી કરી શકો છો. તમે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવ ત્યારે ઇસરો શું કામ કરે છે, તેમાં ક્યા વિભાગો છે અને તેમાં કેવા પ્રકારનું કામ કરવામાં આવે છે તેની માહિતી તમને મળે છે.”
“અભ્યાસ દરમિયાન તમે સારા માર્ક્સ મેળવો અને તમારી શૈક્ષણિક પ્રગતિ ઉત્તમ હોય તો તમારી પસંદગી ઇસરોમાં કામ કરવા માટે પણ થઈ શકે છે. ઇસરોમાં નોકરી મેળવવાનો અને સંશોધન કરવાનો આ સર્વોત્તમ માર્ગ છે.”
ઇસરો દ્વારા અલગ-અલગ પ્રકારની નોકરીઓ માટે નિયમિત રીતે જાહેર પરીક્ષા લેવામાં આવે છે. તમે તે પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ તો પણ તમે ઇસરોમાં જોડાઈ શકો છો.
સંપૂર્ણ સમર્પણ અને દ્રઢતા જરૂરી
માયલાસ્વામી અન્નાદુરાઈ કહે છે, “ઇસરોમાં પસંદગી પામ્યા પછી તમારી જે વિભાગમાં નિમણૂંક થાય તે માટે જરૂરી કૌશલ્ય મેળવવું પડે છે. તમને સોંપવામાં આવેલા કામ કરતાં બે ડગલાં આગળ વધીને કામ કરો તો તમે ત્યાંથી મહત્તમ કૌશલ્ય પ્રાપ્ત કરી શકો.”
“તમને સોંપવામાં આવેલું કામ તમારે શ્રેષ્ઠ રીતે કરવું જોઈએ, પરંતુ તમે અન્ય કામ પણ કરતા હશો તો ઉપરી અધિકારીની નજર તમારા પર પડી શકે છે. આ માણસ સારું કામ કરી રહ્યો છે અને તેને વધુ જવાબદારી સોંપવામાં કોઈ વાંધો નથી, એવું તેઓ વિચારી શકે.”
“અહીં એક વાતની નોંધ લેવી જરૂરી છે. અનેક લોકો એવું કહેતા હોય છે કે તેમને તેમના રસના ક્ષેત્રમાં કામ ઑફર કરવામાં આવતું નથી. તેથી એવા લોકો લાંબા સમય સુધી ત્યાં જ અટકાયેલા રહે છે, પરંતુ ઇસરોના કોઈ પણ વિભાગમાં તમે હૃદય અને મનથી સમર્પિત થઈને કામ કરો તો તમે સફળ થઈ શકો છો.”

ભવિષ્યમાં વિજ્ઞાનીઓની જરૂર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
માયલાસ્વામી અન્નાદુરાઈ કહે છે, “ભવિષ્યમાં વિજ્ઞાનીઓની માગ ઝડપથી વધવાની છે. માત્ર ઇસરો જ નહીં, પરંતુ ખાનગી કંપનીઓ પણ અવકાશ સંશોધનમાં મોટું રોકાણ કરી રહી છે. કુલશેખરપટ્ટનમ ખાતેના રૉકેટ લોન્ચપૅડનો ઉપયોગ ખાનગી કંપનીઓ કરવાની છે.”
“તેથી આગામી સમયમાં વિજ્ઞાનીઓની માગ ચોક્કસપણ રહેશે. વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાંની તકોને ઓળખી લેવી જોઈએ. નોકરીની સાથે વિજ્ઞાની પોતાનો ઉદ્યોગ પણ શરૂ કરી શકે છે.”














