ઉપેન્દ્ર ત્રિવેદી: ફેકટરીમાં કામ કરવાથી લઈને 'અભિનયસમ્રાટ' બનવા સુધીની સફર

ઉપેન્દ્ર ત્રિવેદી
ઇમેજ કૅપ્શન, ઉપેન્દ્ર ત્રિવેદી
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

“હું કચ્છજી ધરતી જો કારો નાગ... જેસલ જાડેજો

માનવીમાત્રને મારા ભરડામાં ભીંસી મગતરાની જેમ ચોળી નાખીશ.”

ગુજરાતી ફિલ્મોમાં ‘સ્ટાર પરંપરા’ ઉપેન્દ્ર ત્રિવેદીથી શરૂ થઈ હતી, તેઓ પ્રથમ સુપરસ્ટાર હતા એવું ફિલ્મી વિવેચકો માને છે.

4 જાન્યુઆરી, 2015ના રોજ ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન થયું એ પછી તેમને અંજલિ આપતા એક લેખમાં ફિલ્મ વિવેચક સલિલ દલાલે લખ્યું હતું કે, “ગુજરાતી પ્રેક્ષકો તેમની ભાષાની ફિલ્મો કોઈ ઍક્ટરના નામ પર જોવા ઊમટે એવી સ્થિતિ પ્રથમ વાર ઉપેન્દ્ર ત્રિવેદીના આગમન પછી થઈ.”

મૂળ ઈડર પાસેના કુકડિયા ગામના ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ 14 જુલાઈ, 1937ના રોજ થયો હતો અને ઉછેર ઉજ્જૈનમાં થયો હતો.

શરૂઆતમાં તેમને ગુજરાતી પણ સરખી રીતે બોલતા નહોતું ફાવતું. પછી તેઓ મુંબઈમાં ઠરીઠામ થયા હતા.

જેસલ જાડેજા, રા’નવઘણ, માલવપતિ મુંજ, વીર માંગડાવાળો જેવા લોકકથાનાં પાત્રોને ઘરે ઘરે જાણીતા કરી દીધા તે ઉપન્દ્ર ત્રિવેદીને અભિનય કરતાં જોઈને કોણ માની શકે કે તેમને ઉજ્જૈનમાં રહેતા હતા તે સમયમાં ગુજરાતી પણ સરખું બોલતા નહીં ફાવતું હોય.

લોકસાહિત્યના મરમી ઉપેન્દ્ર ત્રિવેદી

ઉપેન્દ્ર ત્રિવેદી

ઇમેજ સ્રોત, ANIL VELJIBHAI GAJJAR

ઇમેજ કૅપ્શન, ઉપેન્દ્ર ત્રિવેદી

ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યને પુસ્તકરૂપે પહોંચાડીને મોટો ફાળો આપ્યો. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં થતા લોકડાયરામાં પણ લોકકથાઓ રજૂ થઈ અને લોકસાહિત્યનો ફેલાવો થયો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉપેન્દ્ર ત્રિવેદીએ ફિલ્મો થકી એ લોકસાહિત્યનાં પાત્રોને ઘરે ઘરે જાણીતાં કરી દીધાં.

ઉપેન્દ્રભાઈનું લોકસાહિત્ય વિશેનું જ્ઞાન પણ જબરું હતું.

તેમણે માત્ર ફિલ્મના સેટ પર આવીને નહીં પણ લોકસાહિત્યના એક મરમી તરીકે એ કિરદાર ભજવ્યાં અને તેઓ બધી કથાઓથી સુપેરે પરિચિત હતા. આ રીતે તેમણે કિરદારોમાં નવું જોમ ફૂંક્યું હતું.

ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથા ‘આત્મકથન તથા અન્ય આલેખ’નું સંપાદન જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ કર્યું છે.

બીબીસી સાથે વાત કરતાં બીરેન કોઠારી કહે છે કે, “ઉપેન્દ્રભાઈની કલાકાર તરીકેની ખાસિયત એ હતી કે તેઓ સાહિત્યિક રીતે ખૂબ સજ્જ હતા. તેમણે જે લોકકથા આધારિત કિરદારો ભજવ્યાં હતાં તે તેમણે અગાઉ વાંચેલાં હતાં. જેમ કે જેસલ તોરલ ફિલ્મ કરી ત્યારે એની કથાથી તેઓ વાકેફ હતા. તેથી જ્યારે ફિલ્મ બનાવાની શરૂ થઈ ત્યારે તેમના મનમાં જેસલ જાડેજાનું પાત્રાલેખન તૈયાર હતું. તેઓ માત્ર સંવાદો જ ગોખીને બોલ્યા નહોતા. આવું જ તેમણે ભજવેલાં અન્ય કેટલાંક કિરદારો વિશે પણ કહી શકાય.”

  • 1971માં જેસલ તોરલ ફિલ્મ રજૂ થઈ હતી. એ ફિલ્મે ટિકિટબારી પર ટંકશાળ બેસાડી હતી.
  • ‘જેસલ તોરલ’ બીજી ગુજરાતી રંગીન ફિલ્મ હતી.
  • 1968માં રજૂ થયેલી ‘લીલુડી ધરતી’ પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ હતી.
  • ‘જેસલ તોરલ’ની સફળતા પછી ગુજરાતી ફિલ્મો ધડાધડ બનાવાતી હતી.
  • 1975માં ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકારે મનોરંજન કરમાંથી મુક્તિ આપી હતી.
  • મોટાં શહેરોમાં થિયેટરોનું નિર્માણ શરૂ થયું હતું.

સિત્તેરના જ દાયકામાં આવેલી હીટ ફિલ્મો જેવી કે ‘રાજા ભરથરી’, ‘શેતલને કાંઠે’ કે ‘ભાદર તારાં વહેતાં પાણી’ વગેરે ફિલ્મોમાં મુખ્ય અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી હતા.

પાઘડીવાળી ફિલ્મોનો દૌર

ઉપેન્દ્ર ત્રિવેદી

ઇમેજ સ્રોત, SUBHASH CHHEDA

ઇમેજ કૅપ્શન, ફિલ્મ જેસલ તોરલ ખૂબ જ લોકપ્રિય થઈ હતી

લોકકથાઓ પરથી બનેલી ફિલ્મોને લીધે ગુજરાતી ફિલ્મો એટલે ‘પાઘડાવાળી ફિલ્મો’ એવી પણ એક ઈમેજ ઊભી થઈ.

આ બાબતે સલિલ દલાલે 2015માં પોતાના એક લેખમાં સરસ પ્રસંગ ટાંક્યો હતો.

તેઓ લખે છે કે, "એક રમૂજ એવી પણ થતી કે ગુજરાતી ફિલ્મો ચલાવતાં થિયેટરોમાં ઉપેન્દ્રભાઈનો માથે પાઘડા/પાઘડી પહેરેલા ટિપિકલ ગામઠી પહેરવેશવાળો એક કટઆઉટ કાયમી ધોરણે રખાતો... નીચે પિક્ચરનું નામ કોઈ પણ હોય ઉપરનો ફોટો ના બદલાય! પરંતુ, એ ગમ્મત તો ગુજરાતી સિનેમાની ઓળખ -આઈડેન્ટિટિ- સાથે ઉપેન્દ્રભાઈ કેવા અનિવાર્યપણે જોડાયેલા હતા તે કહેવાની રસપ્રદ રીત માત્ર હતી."

"એક ટીવી ઇન્ટરવ્યૂમાં એવો સવાલ પુછાયો હતો અને પછી તેમણે વિવિધ પાત્રાલેખનના કારણે તેમના માથે મુકાતી પાઘડી વિષે વિશ્લેષણ કર્યું હતું. તેમણે સૌરાષ્ટ્રના કયા વિસ્તારની પાઘડી કેવી હોય એ વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે પાઘડી ઉપરથી એ વ્યક્તિ કયાંની છે એ જાણી શકો, વગેરે સાંભળો તો થાય કે આ માણસે લોકસાહિત્યનો પણ કેટલો અભ્યાસ કરેલો છે!"

ઉપેન્દ્ર ત્રિવેદી કલાકાર તો હતા જ સાથોસાથ એક નીવડેલા કથાકાર પણ હતા. કથાકાર એટલે વાર્તા કહેનારા.

અમદાવાદમાં વિશ્વકોષ નામની સંસ્થામાં મેઘાણીની એક લોકવાર્તા એવી રસાળઢબે તેમણે કહી હતી કે શ્રોતાઓ જાણે ડાયરામાં બેઠા હોય તેવો માહોલ રચાયો હતો.

મહુવામાં યોજાતા અસ્મિતા પર્વમાં 2012માં તેમણે પચાસ મિનિટ સુધી ઝવેરચંદ મેઘાણી વિશે કરેલું પ્રવચન તેમની લોકસાહિત્ય પ્રત્યેની તાલાવેલીની સાક્ષી પૂરે છે.

રેડિયો અને નાટકમાં કામ કર્યું તે ફિલ્મોમાં ઉપયોગી નીવડ્યું

ઉપેન્દ્ર ત્રિવેદી

ઇમેજ સ્રોત, ANIL VELJIBHAI GAJJAR

ઇમેજ કૅપ્શન, જેસલ તોરલ ફિલ્મના શૂટિંગ વખતે ઉપેન્દ્ર ત્રિવેદી

ઉપેન્દ્રભાઈ ફિલ્મમાં આવ્યા તે અગાઉ નાટકો અને રેડિયોમાં કામ કરી ચૂક્યા હતા. તેથી એ નિંભાડામાં તેમના અભિનયની માટી કેળવાઈ–ઘડાઈ ગઈ હતી, જેનો ફાયદો ઍક્ટર તરીકે તેમને ફિલ્મોમાં મળ્યો હતો.

તેમને ‘જેસલ તોરલ’ ફિલ્મ તેમના નાટક અભિનયસમ્રાટને કારણે જ મળી હતી. ઍક્ટર તરીકે તેમની પ્રથમ ફુલફ્લૅજ્ડ એટલે કે સુવાંગ ફિલ્મ જેસલ તોરલ હતી પણ એ અગાઉ તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં નાનામોટા રોલ કર્યા હતા.

કાદુ મકરાણી, વીર રામવાળો, હીરો સલાટ, જોગીદાસ ખુમાણ વગેરે ફિલ્મો તેમાં સામેલ છે.

હિન્દી ફિલ્મોમાં પણ છૂટીછવાઈ ભૂમિકા ભજવી હતી. અભિનેતા જ બનવું છે એવું કોઈ સપનું આંજીને તેઓ આવ્યા નહોતા.

અભિનેતા થયા તે અગાઉ તેમણે ફુગ્ગા બનાવાની ફેક્ટરીમાં ફુગ્ગા બનાવવાનું કામ કર્યું હતું.

છત્રીના સળિયામાં રિવેટિંગ કરવાનું કામ કર્યું હતું. આ વાત તેમણે પત્રકાર દેવાંગ ભટ્ટને આપેલા વીડિયો ઇન્ટરવ્યૂમાં કહી હતી.

ઉપેન્દ્ર ત્રિવેદી

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ઉપેન્દ્ર ત્રિવેદી

શું લોકકથા આધારિત ફિલ્મો નોંધપાત્ર રીતે કરી એને લીધે ઉપેન્દ્ર ત્રિવેદી એક જ પ્રકારની ભૂમિકામાં કેદ થઈ ગયા હતા?

આ સવાલના જવાબમાં બીરેન કોઠારી કહે છે, "તેઓ લોકસાહિત્ય ઉપરાંત અન્ય સાહિત્યના પણ સારા વાચક હતા. ફિલ્મ એ અંતે તો વ્યવસાય છે. તેમાં નફાનુકસાન જોવાતાં હોય છે. ઉપેન્દ્રભાઈની જેસલ તોરલ ફિલ્મ ખૂબ ચાલી એને લીધે તેમને લોકસાહિત્યની ફિલ્મો વધારે ઑફર થઈ અને એમાંની ઘણી ચાલી તેથી તેમના ભાગે એ પ્રકારની ભૂમિકા ભજવવાનું વધારે આવ્યું."

"એમ તો તેમણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધા જાણી જાણી’ પરથી ફિલ્મ પ્રોડ્યુસ અને ડિરેકટ કરી હતી, જે અલગ પ્રકારની હતી. તેમણે કરેલાં કેટલાંક નાટકો પણ લોકસાહિત્યનાં નહોતાં.”

‘માનવીની ભવાઈ’ ફિલ્મ સામે સવાલો

ઉપેન્દ્ર ત્રિવેદી

ઇમેજ સ્રોત, SUBHASH CHHEDA (DATAKINO)

ઇમેજ કૅપ્શન, ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ફિલ્મ જગતના અન્ય કસબીઓ

ગુજરાતના જાણીતા સાહિત્યકાર પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ 1947માં પ્રકાશિત થઈ હતી. એના પરથી એ જ ટાઇટલ સાથે બનેલી ફિલ્મ 1993માં રજૂ થઈ હતી. આ ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવેદીએ ડિરેક્ટ કરી હતી.

પન્નાલાલ પટેલ 1989માં અવસાન પામ્યા હતા. તેઓ પોતાની નવલકથા પરથી બનેલી આ ફિલ્મ જોવા પામ્યા નહોતા.

માનવીની ભવાઈ વિક્રમ સંવત 1956માં પડેલા કારમા દુકાળ (જેને છપ્પનિયો દુકાળ કહે છે) પર આધારિત નવલકથા છે. જેમાં કાળુ અને રાજુની પ્રેમકથા છે. આ બંને પાત્રો ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અનુરાધા પટેલે ભજવ્યાં છે.

ગુજરાતી ફિલ્મોમાં સાહિત્યકૃતિ પરથી ફિલ્મોમાં તેની નોંધ લેવાય છે. ગુજરાતીમાં શ્રેષ્ઠ ચલચિત્રનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ ફિલ્મને મળ્યો હતો. જોકે નવલકથામાં જે પ્રકારે ધ્વનિ અને દૃશ્યો, શબ્દો થકી ઉપસાવ્યાં હતાં એવી અસર ફિલ્મમાં ઉપસાવી નહોતી શકાઈ એમ જાણીતા ફિલ્મ સમીક્ષક અમૃત ગંગરે નોંધે છે.

ગંગરને આ ફિલ્મ રાજકીય પ્રચારક એટલે કે ‘પૉલિટિકલ પ્રોપગૅન્ડા’ પણ લાગે છે.

પોતાના પુસ્તક ‘રૂપાંતર’માં અમૃત ગંગર લખે છે કે, “ફિલ્મમાં એક દૃશ્યમાં પાત્ર કાળુ, રાજુને કહે છે કે, રાજુ, ઠેરઠેર આટલાં પાણી દરિયામાં વહી જાય છે, પણ આ વહેતી નદીઓને નાથીને સુક્કી ધરતીને લીલીછમ કરનારો કોઈ કીમિયાગર આવશે ખરો?”

અમૃત ગંગર લખે છે, “આ વાક્ય નવલકથાકાર પન્નાલાલ પટેલનું નથી પણ એ સ્પષ્ટ રીતે ફિલ્મના દિગ્દર્શક પદ્મશ્રી (એવૉર્ડ–1989) ઉપેન્દ્ર ત્રિવેદીનું છે. આવું કોઈ વાક્ય ખરી સાહિત્યકૃતિમાં હોય જ નહીં. દેખીતી રીતે ઈશારો નદીઓને નાથીને બંધો બાંધવા તરફનો છે. ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મના પટકથાલેખક અને સંવાદ લેખક પણ છે. 1993માં ફિલ્મ નિર્માણ પામી એ સમય પણ એ રીતે અગત્યનો છે.” એ વખતે ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

છેલ્લે એક બંધની છબી સાથે ફિલ્મ પૂરી થાય છે. એ છબી પર લખેલું આવે છે, ‘એક જ વિકલ્પ નમામિ દેવી નર્મદે’.

ગંગર લખે છે, “તે સરદાર સરોવર પ્રોજેક્ટ હોય તેનો ઈશારો પણ આપણને મળી જ ગયો છે.”

શું કોઈ ફિલ્મસર્જક મૂળ સાહિત્યકૃતિને આવા પ્રચચારાત્મક એટલે કે પ્રોપગૅન્ડા તરીકે ઉપયોગમાં લઈ શકે? કે એવું અર્થઘટન પોતાની રીતે કરી શકે? ‘એકમાત્ર વિકલ્પ’ એ શબ્દોમાં પ્રચારકતા છતી થાય છે. આવા પ્રશ્નો અને મુદ્દો ગંગર ઊપસ્થિત કરે છે.

વધુમાં તેઓ લખે છે, “ફિલ્મસર્જકે પોતાની રીતે રૂપાંતરિત થયેલી ફિલ્મકૃતિ પર કોઈ નિજી અભિપ્રાય થોપ્યો છે. એ રીતે માનવીની ભવાઈ ફિલ્મકૃતિ શું નર્મદા બંધ માટેની પ્રોપગૅન્ડાનું માધ્યમ નથી બની જતી? શું એ દિગ્દર્શકનો આફ્ટરથૉટ હતો કે સરકારનું સૂચન?”

બીબીસી
બીબીસી