એ કયું ઝાડ છે જેના માટે રેલવેએ ખેડૂતને એક કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા, કોર્ટમાં ખેડૂતે કેસ કેવી રીતે જીત્યો?

 કેશવ શિંદે

ઇમેજ સ્રોત, Bhagyashree Raut

    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી મરાઠી માટે

મધ્ય રેલવેએ રક્તચંદનના 100 વર્ષ જૂના એક ઝાડ માટે બૉમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠમાં એક કરોડ રૂપિયા જમા કરાવવા પડ્યા છે.

હાઇકોર્ટના આદેશ બાદ રેલવેએ આ પૈસા પણ ચૂકવી દીધા છે અને એ પૈસામાંથી રૂ. 50 લાખ ઉપાડવાની મંજૂરી પણ હાઇકોર્ટે નવમી એપ્રિલે આપી હતી.

સવાલ એ છે કે રક્તચંદનના ઝાડના વળતરનો કેસ એક ખેડૂતે કઈ રીતે જીત્યો? આ ઘટનામાં ખરેખર શું થયું હતું? આવો, જાણીએ.

ખરેખર શું થયું હતું?

 રક્તચંદનના વૃક્ષ, બીજાં ઝાડ અને પાઈપલાઈન માટે વળતર ચૂકવવામાં આવ્યું ન હતું

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના ખરશીના ખેડૂત કેશવ શિંદે અને તેમના પાંચ પુત્રોએ રક્તચંદનના ઝાડ માટે વળતર મેળવવા 2024ની સાતમી ઑક્ટોબરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કેશવ શિંદે પુસદ તાલુકાના ખરશી ગામમાં 2.29 હેક્ટર જમીન ધરાવે છે. વર્ધા-યવતમાળ-પુસદ-નાંદેડ રેલવે લાઇન તેમના ખેતરમાંથી પસાર થતી હોવાથી મધ્ય રેલવેએ તેમની જમીન સંપાદિત કરી હતી.

તેમને સંપાદિત જમીનનું વળતર આપવામાં આવ્યું હતું. કેશવ શિંદેએ ખેતરમાં ઊભેલા રક્તચંદનના ઝાડ તેમજ ચૈના અને ખૈર જેવાં આઠ-દસ વૃક્ષો માટે પણ વળતરની માંગ જમીન સંપાદન અધિકારી પાસે કરી હતી.

તેમનું કહેવું હતું કે પહેલાં રક્તચંદનના ઝાડનું મૂલ્યાંકન કરવું પડશે. મૂલ્યાંકન માટે વન વિભાગને એક પત્ર મોકલવામાં આવ્યો હતો.

કેશવ શિંદેના પુત્ર અને અરજદાર પંજાબ શિંદેએ આપેલી માહિતી મુજબ, તેમના ખેતરમાં કેરી અને અન્ય ફળોના બગીચા હતા. તેનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

કૂવા માટે રૂ. આઠ લાખનું વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ રક્તચંદનના વૃક્ષ, બીજાં ઝાડ અને પાઇપલાઇન માટે વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. આ માટે જિલ્લા કલેક્ટર, વન વિભાગ, રેલવે અને સિંચાઈ વિભાગ સાથે 2014થી પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો, પણ વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. તેથી આઠ વર્ષ બાદ શિંદે પરિવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

મૂલ્યાંકન પછી રક્તચંદનના વૃક્ષની કિંમત વધશે?

કેશવ શિંદે અને પંજાબ શિંદે
ઇમેજ કૅપ્શન, કેશવ શિંદે અને પંજાબ શિંદે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શિંદે પરિવારે એક જ વર્ષમાં તે કેસ જીતી લીધો અને વળતર મેળવ્યું. જોકે, રક્તચંદનના ઝાડનું મૂલ્યાંકન હજુ સુધી કરવામાં આવ્યું નથી. મૂલ્યાંકન પહેલાં એક કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ હાઇકોર્ટે રેલવેને આપ્યો હતો.

રેલવેએ આદેશ મુજબ હાઇકોર્ટમાં એક કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. અલબત, મૂલ્યાંકન પછી તે વધીને રૂ. પાંચ કરોડ થઈ શકે છે, એવું અરજદારનાં વકીલ અંજના રાઉત નરવડેએ બીબીસીને જણાવ્યું હતું.

રક્તચંદનના વૃક્ષના મૂલ્યાંકન માટે વન વિભાગના અધિકારીઓ અને અન્ય લોકોની એક સમિતિની રચના કરવામાં આવશે. આ વૃક્ષનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ પછી નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ જે પૈસા મળશે તે અરજદારોને આપવામાં આવશે.

આ કેસમાં રેલ્વેનું પ્રતિનિધિત્વ કરતાં વકીલ નીરજા ચૌધરીના જણાવ્યા મુજબ, રેલવેએ પણ મૂલ્યાંકન અનુસાર ચૂકવણી કરી નથી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "પ્રશ્ન એ હતો કે આકારણી વિના વળતર કેવી રીતે ચૂકવવું અને ઊભા વૃક્ષનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. તેથી રેલવેએ વળતર ચૂકવ્યું ન હતું. હવે હાઇકોર્ટના આદેશ પછી રેલવેએ વળતર પેટે રૂ. એક કરોડ જમા કરાવ્યા છે. તે માત્ર રક્તચંદનના ઝાડનું વળતર છે."

શિંદે પરિવારે આંધ્રપ્રદેશમાંથી રક્તચંદનના વૃક્ષના ભાવ મંગાવ્યા છે તેમજ એક ખાનગી ઇજનેર દ્વારા પણ રક્તચંદનના વૃક્ષનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. એ મુજબ, તેમણે તેની કિંમત રૂ. 4.94 કરોડ ગણી છે.

જમીન સંપાદિત કરવામાં આવી ત્યારથી વ્યાજ પણ ચૂકવવામાં આવે એવી માગણી અરજદાર શિંદે પરિવારની માગણી છે.

ભૂગર્ભ પાઇપલાઇન અને અન્ય વૃક્ષો માટેનો કેસ હજુ પેન્ડિંગ છે. અરજદારો તેના માટે પણ વળતરની માંગ કરી રહ્યા છે.

ખેતરમાં રક્તચંદનનું ઝાડ છે તેની ખબર કેવી રીતે પડી?

પંજાબ શિંદેના જણાવ્યા મુજબ, જમીન સંપાદન પહેલાં રેલ્વેના કેટલાક કર્મચારીઓ સર્વેક્ષણ માટે આવ્યા હતા

ઇમેજ સ્રોત, iStock

કેશવ શિંદે 94 વર્ષના છે, જ્યારે તેમનાં સંતાનોની વય પણ પચાસ વર્ષથી વધુ છે. તેઓ તેમનાં સંતાનોની મદદથી આ કેસ લડ્યા હતા. કેશવ શિંદેના ખેતરમાં રેલવે સ્ટેશન બનવાનું હોવાથી તેમની મોટાભાગની જમીન સંપાદિત કરવામાં આવી છે.

તેમની જમીન પર કેરી અને અન્ય ફળોના બગીચા પણ હતા, પરંતુ આ જમીન પર રક્તચંદનનું ઝાડ પણ છે એની તેમને ખબર ન હતી. વર્ષો પછી વર્ધા-યવતમાળ-પુસદ-નાંદેડ રેલવે લાઈન માટે તેમની જમીન સંપાદિત કરવામાં આવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે આ રક્તચંદનનું ઝાડ છે. તેમાં રેલવેએ પણ મદદ કરી હતી.

પંજાબ શિંદેના જણાવ્યા મુજબ, જમીન સંપાદન પહેલાં રેલવેના કેટલાક કર્મચારીઓ સર્વેક્ષણ માટે આવ્યા હતા. એ કર્મચારી મૂળ આંધ્ર પ્રદેશના હતા. તેમણે કહ્યું હતું કે આ રક્તચંદનનું ઝાડ છે.

બધાં વૃક્ષો કાપી નાખવામાં આવે તો ચાલે, પણ રક્તચંદન મોંઘું હોય છે. પોતાના ખેતરમાં રક્તચંદનનું વૃક્ષ છે એ વાત પર શિંદે પરિવારને વિશ્વાસ જ ન હતો. આ ઝાડ કેવું હોય છે તેની માહિતી તેમણે યુટ્યૂબ મારફત મેળવી હતી.

વધુ જાણકાર લોકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે રક્તચંદનનું વૃક્ષ હતું. તેથી જમીન સંપાદિત કરવામાં આવી ત્યારે તેમણે સંપાદન અધિકારીઓ પાસે માંગ કરી હતી કે તેમને રક્તચંદનના વૃક્ષ માટે પણ વળતર ચૂકવવામાં આવે. એ દિશામાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

હાઇકોર્ટના આદેશને પગલે તેમને રૂ. એક કરોડનું વળતર મળ્યું છે. તેમાંથી રૂ. 50 લાખ ઉપાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. વૃક્ષના મૂલ્યાંકનનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મૂલ્યાંકન પછી શિંદે પરિવારને રક્તચંદનના વૃક્ષની કિંમતને આધારે ચૂકવણી કરવામાં આવશે.

એક ઝાડ માટે એક કરોડ મળ્યા પછી ખેડૂતે શું કહ્યું?

હાલ શિંદે પરિવારના ખેતરમાં રક્તચંદનનું ઝાડ ઊભું છે

ઇમેજ સ્રોત, Bhagyashree Raut

ઇમેજ કૅપ્શન, હાલ શિંદે પરિવારના ખેતરમાં રક્તચંદનનું ઝાડ ઊભું છે

બીબીસી સાથે વાત કરતાં પંજાબ શિંદેએ કહ્યું હતું, "અમને જોઈતું હતું એટલું વળતર મળ્યું નથી, પરંતુ માનનીય કોર્ટના આદેશ પછી આશા છે કે અમને યોગ્ય વળતર મળશે. જે તે સમયે થયેલા ઍવૉર્ડ મુજબ ચૂકવણી કરવામાં આવે તેવી અમારી માંગણી છે."

પંજાબ શિંદે જાહેર બાંધકામ વિભાગના કર્મચારી હતી, પણ નિવૃત્ત થયા પછી મળેલા બધા પૈસા વળતરનો આ કેસ લડવામાં ખર્ચાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

હાલ શિંદે પરિવારના ખેતરમાં રક્તચંદનનું ઝાડ ઊભું છે. રેલવે લાઇનનું કામ પ્રગતિમાં છે, પણ કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી શિંદેના ખેતરનું કામ બાકી છે.

રક્તચંદન ખરેખર શું છે અને આટલું મૂલ્યવાન કેમ છે?

રક્તચંદન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રક્તચંદન

રક્તચંદનનાં વૃક્ષો મુખ્યત્વે આંધ્ર પ્રદેશમાં તામિલનાડુની સરહદે ચિતૂર, કડપ્પા, કુર્નૂલ અને નેલ્લોર એમ ચાર જિલ્લામાં ફેલાયેલી શેષાચલમ્ પર્વતમાળામાં જોવા મળે છે.

લગભગ પાંચ લાખ ચોરસ હેક્ટરમાં ફેલાયેલા જંગલમાં જોવા મળતા રક્તચંદનના વૃક્ષની સરેરાશ ઊંચાઈ આઠથી અગિયાર મીટર હોય છે. આ વૃક્ષ ધીમે ધીમે વિકસે છે. તેથી તેના લાકડાની ઘનતા વધારે હોય છે.

નિષ્ણાતોના કહેવા મુજબ, અન્ય લાકડાની સરખામણીએ રક્તચંદન પાણીમાં ઝડપથી ડૂબી જાય છે, કારણ કે તેની ઘનતા પાણી કરતાં વધારે હોય છે. આ જ ખરા રક્તચંદનની ઓળખ છે.

ચીન, જાપાન, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા અને સંયુક્ત આરબ અમિરાત જેવા દેશોમાં રક્તચંદનની વ્યાપક માંગ છે. ચીનમાં તેની સૌથી વધારે માંગ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.