ઉનાળાની વહેલી શરૂઆત ભારતના ખેડૂતો અને કૃષિ આધારિત ઉદ્યોગો માટે કેટલી મુશ્કેલી ઊભી કરશે

ગુજરાત, ખેડૂ, પાણી, ઠંડી, ગરમી, શિયાળો, ઉનાળો, પાક, હવામાન, ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાતીમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિયાળાની વહેલી સમાપ્તિએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે
    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ટૂંકા શિયાળાએ નીતિન ગોયલને મુશ્કેલીમાં મુકી દીધા છે. 50 વર્ષથી પંજાબના લુધિયાણા શહેરમાં તેમનો પરિવાર જૅકેટ, સ્વેટર અને સ્વેટશર્ટ બનાવવાનો વ્યવસાય કરે છે.

જોકે, આ વર્ષે ઉનાળાની વહેલી શરૂઆતની સાથે વહેલો સમાપ્ત થતા શિયાળાની અસરનો સામનો એમની કંપની કરી રહી છે તથા આના કારણે તેમણે તેમનાં કામો કરવાની પદ્ધતિ બદલવી પડી છે.

નીતિન ગોયલે બીબીસીને જણાવ્યું, "દરે વર્ષે શિયાળો ટૂંકો થવાના કારણે અમારે હવે સ્વેટરને બદલે ટી-શર્ટ બનાવવાનું શરૂ કરવું પડ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમારું વેચાણ અડધું થઈ ગયું છે. આ સિઝન દરમિયાન અમારું વેચાણ વધુ 10% ઘટ્યું છે."

ગોયલ કહે છે, "જોકે વચ્ચે એકવાર અપવાદરૂપ સમય કોવિડનો હતો. જ્યારે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો."

ભારતભરમાં ઠંડીની વહેલી સમાપ્તિને કારણે ખેતરો અને કારખાનાઓમાં ચિંતા વધી રહી છે, પાકની પૅટર્ન ઉપરાંત વ્યવસાયિક યોજનાઓ ખોરવાઈ રહી છે.

ભારતીય હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે છેલ્લાં 125 વર્ષમાં ભારતનો 'સૌથી ગરમ ફેબ્રુઆરી' વર્ષ 2025માં હતો. દેશના ઘણા ભાગોમાં સાપ્તાહિક સરેરાશ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1-3 ડિગ્રી વધારે નોંઘાયું હતું.

હવામાન એજન્સીએ ચેતવણી આપી છે કે માર્ચ અને મે દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન અને હિટવેવની શક્યતા રહેલી છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

નીતિન ગોયલ જેવા નાના વ્યવસાય ધરાવનારા માટે આવા અનિયમિત હવામાનનો અર્થ એ માત્ર ઓછા વેચાણ પૂરતો મર્યાદિત નથી.

દાયકાઓથી ચાલી રહેલા વ્યાવસાયના ચીલાની સાથેસાથે ગોયલે તેમના ધંધાનું મૉડલ પણ બદલવું પડ્યું છે.

ગોયલની કંપની ભારતભરના મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ્સને કપડાં સપ્લાય કરે છે. હવે આ આઉટલેટ્સ તેમને ડિલિવરીની સાથે ચૂકવણી નથી કરતાં. આ કંપનીઓ "વેચાણ અથવા પરત"નું મૉડલ અપનાવી રહી છે.

જ્યાં વેચાયેલા ન હોય તેવા કન્સાઇનમેન્ટ ઉત્પાદક કંપનીને પરત કરવામાં આવે છે. આના લીધે માલનું સંપૂર્ણ જોખમ ઉત્પાદકો પર જ રહે છે. નીતિન ગોયલે આ વર્ષે તેમના ગ્રાહકોને મોટાં ડિસ્કાઉન્ટ્સ અને પ્રોત્સાહનની ઑફર પણ આપવી પડી છે.

નીતિન ગોયલ કહે છે, "ઑર્ડર નક્કી હોવા છતાં મોટા રિટેઇલરોએ માલ ઉપાડ્યો નથી."

તેમણે ઉમેર્યું કે લુધિયાણા શહેરના કેટલાક નાના વ્યવસાયોને આના પરિણામે દુકાનો બંધ કરવી પડી છે.

હાફૂસ કેરી દુર્લભ બનશે?

ટૂંકા શિયાળાને કારણે ખેતીને નુકસાન લાંબા ઉનાળાને કારણે વેપારને નુકસાન, હાફૂસ કેરી અને ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા, લોકોના ધંધારોજગારને અસર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાફૂસ કેરીના બાગની પ્રતીકાત્મક તસવીર

ભારતના પશ્ચિમે આવેલા દેવગઢ શહેરમાં ગરમીએ ભારતના ખૂબ જ લોકપ્રિય હાફૂસ કેરીના બગીચાઓ પર વિનાશ વેર્યો છે.

લગભગ પંદરસો આંબાનાં વૃક્ષ ધરાવતા ખેડૂત વિદ્યાધર જોશીએ જણાવ્યું, "આ વર્ષે ઉત્પાદન સામાન્ય ઉપજના માત્ર 30% જેટલું જ હશે."

જોશીના મતે, મીઠી અને અત્યંત સુગંધિત હાફૂસ મહારાષ્ટ્રની ખૂબ જ કિંમતી નિકાસ છે; પરંતુ રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લાઓમાં ઉપજ આ વખતે ઓછી છે, જ્યાં આ કેરી મુખ્યત્વે ઉગાડવામાં આવે છે.

વિદ્યાધર જોશી ઉમેરે છે, "આ વર્ષે અમને નુકસાન થઈ શકે છે."

આ માટેનું કારણ આપતા વિદ્યાધર જોશી કહે છે કે પાકને બચાવવા માટે તેમણે સિંચાઈ અને ખાતરો પર સામાન્ય કરતાં વધુ ખર્ચ કરવો પડ્યો છે.

વિદ્યાધર જોશીના મતે, પૂરતું કામ ના હોવાથી આ વિસ્તારના સેંકડો ખેડૂતો નેપાળથી બગીચાઓમાં કામ કરવા આવતા મજૂરોને પણ પાછા ઘરે મોકલી રહ્યા છે.

ધમધખતી ગરમીએ ઘઉં, ચણા જેવા શિયાળાના મુખ્ય પાકો ઉપર જોખમ ઊભું કર્યું છે.

'ગરમી વધવાથી ઘઉંનું ઉત્પાદન ઘટશે'

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે? Gujarat summer temperature

દેશના કૃષિ મંત્રીએ નબળી ઉપજ અંગેની ચિંતાઓને ફગાવી દીધી છે અને આગાહી કરી છે કે ભારતમાં આ વર્ષે ઘઉંનો બમ્પર પાક થશે, પરંતુ સ્વતંત્ર કૃષિ નિષ્ણાતો આ અંગે ઓછા આશાસ્પદ છે.

2022માં હિટવેવને કારણે ઉપજમાં 15-25% જેટલો ઘટાડો થયો હતો. થિંક ટૅન્ક કાઉન્સિલ ઑન ઍનર્જી, ઍન્વાયર્નમેન્ટ ઍન્ડ વૉટરના (CEEW) અભિષેક જૈન કહે છે, "આ વર્ષે પણ આવું જ વલણ જોઇ શકાય છે."

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક એવા ભારતે આવા વિક્ષેપને કારણે મોંઘી આયાત પર આધાર રાખવો પડશે. અને 2022માં જાહેર કરાયેલો ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ વધુ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.

અર્થશાસ્ત્રીઓ ખેતી માટે પાણીની ઉપલબ્ધતા પર વધતા તાપમાનની અસર અંગે પણ ચિંતિત છે.

અન્ય ચીજોના ભાવો વધતાં ફુગાવો વધશે?

ટૂંકા શિયાળાને કારણે ખેતીને નુકસાન લાંબા ઉનાળાને કારણે વેપારને નુકસાન, હાફૂસ કેરી અને ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા, લોકોના ધંધારોજગારને અસર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં ગત 125 વર્ષની સૌથી વધુ ગરમી પડી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

CEEWના મતે, ઉત્તર ભારતમાં જળાશયોનું સ્તર પહેલાંની ક્ષમતાના 28% જેટલું ઘટી ગયું છે. જે ગયા વર્ષે 37% હતું. આની અસર ફળ, શાકભાજીના ઉપજ અને ડેરીક્ષેત્ર પર પડી શકે છે. પહેલાંથી જ દેશના કેટલાક ભાગોમાં દૂધઉત્પાદનમાં 15% સુધીનો ઘટાડો અનુભવાયો છે.

બૅન્ક ઑફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસ કહે છે, "આ બધી બાબતોથી ફુગાવો વધારવાની સંભાવના છે અને કેન્દ્રીય બૅન્ક જે ચાર ટકા લક્ષ્ય વિશે વાત કરી રહી છે તેનું ઉલટું પણ થઈ શકે છે."

ભારતમાં ખાદ્યપદાર્થોના ભાવ ઘણા મહિનાઓ સુધી ઊંચા રહ્યા પછી તાજેતરમાં નરમ પડવા લાગ્યા છે, જેના કારણે લાંબા ગાળાના વિરામ પછી દરમાં ઘટાડો થયો છે.

ગયા વર્ષે સાત ક્વાર્ટરના નીચલા સ્તરે પહોંચ્યા પછી તાજેતરમાં ગ્રામીણ વપરાશમાં વધારો થવાથી એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રનાં GDPને પણ ટેકો મળ્યો છે.

આ કૃષિ આધારિત આ સુધારામાં કોઈ પણ વિક્ષેપ સમગ્ર વિકાસને અવરોધી શકે છે. એવા સમયે જ્યારે શહેરી પરિવારો કાપ મૂકી રહ્યા છે અને ખાનગી રોકાણમાં વધારો થયો નથી.

CEEW પ્રકારની થિંક ટૅન્ક કહે છે કે વારંવાર આવતા હિટવેવની અસરને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેમાં વધુ સચોટ હવામાન આગાહી, માળખાગત સુવિધાઓ ઉપરાંત કૃષિ વીમાની ગુંજાઇશ છે. જોખમો ઘટાડવા અને ઉપજ સુધારવા માટે આબોહવા મૉડલો સાથે નવીન પાક કૅલેન્ડર વિકસાવવાનો પણ આમાં સમાવેશ થાય છે.

ટૂંકા શિયાળાને કારણે ખેતીને નુકસાન લાંબા ઉનાળાને કારણે વેપારને નુકસાન, હાફૂસ કેરી અને ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા, લોકોના ધંધારોજગારને અસર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતભરમાં ઠંડીની વહેલી સમાપ્તિને કારણે ખેતરો અને કારખાનાઓમાં ચિંતા વધી રહી છે, પાકની પૅટર્ન ઉપરાંત વ્યવસાયિક યોજનાઓ ખોરવાઈ રહી છે.

મુખ્યત્વે કૃષિપ્રધાન દેશ તરીકે ભારત ખાસ કરીને જળવાયુ પરિવર્તન માટે ખૂબ સંવેદનશીલ છે.

CEEWનો અંદાજ છે કે ભારતના દર ચાર જિલ્લાઓમાંથી ત્રણ "આત્યંતિક ઘટનાઓ માટેનાં હૉટસ્પૉટ" છે અને 40%માં "અદલાબદલી વલણ" દર્શાવે છે. જેનો અર્થ એ થાય કે પરંપરાગત રીતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વધુ વારંવાર અને તીવ્ર દુકાળ જોવા મળી રહ્યો છે અને અન્ય વિસ્તારમાં આનાથી વિપરીતની સ્થિતિ જોવા મળે છે.

એક અંદાજ મુજબ દેશમાં ગરમીના તણાવને કારણે 2030 સુધીમાં દૈનિક કામકાજના કલાકોમાં લગભગ 5.8% ઘટાડો થવાની ધારણા છે. ક્લાઇમેટ ટ્રાન્સપરન્સીની હિમાયતી કરતા જૂથે, 2021 માં ભારે ગરમીને કારણે શ્રમ ક્ષમતામાં ઘટાડાથી સેવાઓ, ઉત્પાદન, કૃષિ અને બાંધકામ ક્ષેત્રોમાં ભારતની સંભવિત આવકમાં 159 બિલિયન ડૉલર અથવા તો GDP ના 5.4% નો ઘટાડાનો અંદાજ મૂક્યો હતો.

જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો ભારત સામે એવા ભવિષ્યનું જોખમ રહેલું છે કે જ્યાં હિટવેવને કારણે જીવન અને આર્થિક સ્થિરતા બંને ઉપર જોખમ ઊભું થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.