ગૌરાંગ વ્યાસ : જેમણે ગાયક પ્રફુલ્લ દવેને ફિલ્મોમાં પહેલો બ્રેક આપ્યો ને કિશોર કુમારને પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં ગવડાવ્યું

ગૌરાંગ વ્યાસ : જેમણે ગાયક પ્રફુલ્લ દવેને ફિલ્મોમાં પહેલો બ્રેક આપ્યો ને કિશોર કુમારને પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં ગવડાવ્યું, બીબીસી ગુજરાતી, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ગીતો, સંગીત,ગીત, ગરબો, ન્યૂઝ, બીબીસી ગુજરાતી, ગુજરાતી ન્યૂઝ, ગુજરાતી સમાચાર
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતી ફિલ્મ સંગીત હોય કે સુગમ સંગીત કે પછી નોરતાના ગરબા, અવિનાશ વ્યાસ અડધું આકાશ રોકીને બેઠા છે એવું કહેવાય છે.

સંગીતમાં અવિનાશ વ્યાસનું નામ એટલું મોટું છે કે તેમની છાયામાં બધું ઢંકાઈ જાય. જોકે તેમની આભામાં ન ઢંકાયેલાં નામોમાંથી એક નામ છે તેમના સંગીતકાર પુત્ર ગૌરાંગ વ્યાસનું.

પિતા અવિનાશ વ્યાસથી સંગીતમાં અલગ ચીલો ચાતરીને ગૌરાંગ વ્યાસે એક સંગીતકાર તરીકે પોતાની સ્વતંત્ર ઓળખ અને નામના ઊભી કરી. તેમણે સંગીતકાર તરીકે ગુજરાતીમાં કેટલાંક લાજવાબ ગીતો આપ્યાં છે. જેમકે, ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’ ‘દીકરી તો પારકી થાપણ કહેવાય...’ વગેરે.

મંગેશકર પરિવારની ત્રણેય બહેનો લતા,આશા અને ઉષા પાસે તેમણે ગુજરાતી ગીતો અને ગરબા ગવડાવ્યા છે. ભુપિન્દરસિંહ જેવા ગઝલ માટે જાણીતા ગાયક પાસે તેમણે કેતન મહેતાની રાષ્ટ્રીય ઍવૉર્ડ વિજેતા ફિલ્મ ‘ભવની ભવાઈ’માં ‘પાછું વાળીને જેણે જોઈ ન જાનકીને...’નામનું ભજન ગવરાવ્યું છે. તો મન્નાડે જેવા ઘીરગંભીર ગાયક પાસે ગુજરાતીમાં ‘હુતુતુતુ...’ જેવું રમતિયાળ ગીત ગવરાવ્યું છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કઈ બાબતમાં ગૌરાંગ વ્યાસ, પિતા અવિનાશ વ્યાસ કરતાં એક ડગલું આગળ છે?

ગુજરાતી ફિલ્મ, સંગીત, લોકસંગીત, સુગમ સંગીત, ફિલ્મ, અવિનાશ વ્યાસ, સંગીત, કલા, ગૌરાંગ વ્યાસ, લતા મંગેશકર, આશા ભોસલે, મન્ના ડે

ઇમેજ સ્રોત, GAURANG VYAS

ઇમેજ કૅપ્શન, ગૌરાંગ વ્યાસ, પિતા અવિનાશ વ્યાસ સાથે.

સંગીત કમ્પોઝ કરવું અને એને ઍરેન્જ (વાદ્યવૃંદ આયોજન) કરવું એ બંને અલગ-અલગ પાસાં છે. ફિલ્મોમાં સંગીત કમ્પોઝ કરનારા અને એનું ઍરેન્જમેન્ટ કરનારાં અલગ-અલગ હોય છે.

સરળ રીતે સમજીએ તો ગીત ક્યા રાગ પર આધારિત હશે કે તેનો ઢાળ કેવો હશે એ સંગીતકાર તૈયાર કરે છે. ગીતના બૅકગ્રાઉન્ડમાં ક્યાં વાદ્યો વગાડવાં તે ઍરેન્જર નક્કી કરે છે.

ઍરેન્જમેન્ટ એટલે ગીતમાં ક્યે ઠેકાણે ગિટાર વાગશે અને જરૂર પડે તો ઝાંઝરનો હળવો અવાજ ઊમેરશું કે અંતરામાં મંજીરા અને તબલાં ઊમેરશું એવાં તમામ આયોજન મ્યુઝિક ઍરેન્જર કરે છે.

ગુજરાતી સુગમ સંગીતના નવી પેઢીના ગાયક પ્રહર વોરા કહે છે, “ગૌરાંગભાઈ એક કમ્પલીટ પૅકેજ છે. સામાન્ય રીતે કમ્પોઝર અને ઍરેન્જર અલગ હોય છે. ગૌરાંગભાઈ પોતે કમ્પોઝર અને ઍરેન્જર બંને હતા. અવિનાશભાઈ પણ પોતે કમ્પોઝર હતા ઍરેન્જર નહોતા. હું હોય કે સંગીતકાર શ્યામલ – સૌમિલ હોય અમે લોકો ગૌરાંગભાઈ પાસેથી સંગીત ઍરેન્જમેન્ટ વિશે ઘણું શીખ્યા છીએ.”

...અને કિશોર કુમારે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં ગીત ગાયું

ગુજરાતી ફિલ્મ, સંગીત, લોકસંગીત, સુગમ સંગીત, ફિલ્મ, અવિનાશ વ્યાસ, સંગીત, કલા, ગૌરાંગ વ્યાસ, લતા મંગેશકર, આશા ભોસલે, મન્ના ડે

ઇમેજ સ્રોત, AMIT KUMAR

ઇમેજ કૅપ્શન, કિશોર કુમાર

ગૌરાંગ વ્યાસે અવિનાશ વ્યાસના સહાયક સંગીતકાર તરીકે ફિલ્મ ‘જેસલ તોરલ’થી શરૂ કરીને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ ઉપરાંત ગુજરાતી સુગમ સંગીતના શિરમોર ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપધ્યાય સાથે પણ તેમણે જોડીમાં બે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

સ્વતંત્ર – એકલ સંગીતકાર તરીકે ગૌરાંગ વ્યાસની પ્રથમ ફિલ્મ ‘લાખો ફુલાણી’ હતી જે 1975માં રજૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે ગુજરાતી પાર્શ્વ ગાયક પ્રફુલ્લ દવેએ સૌ પ્રથમ વખત એ જ ફિલ્મમાં પોતાનું પહેલું ફિલ્મી ગીત ગાયું હતું અને એ ગીત આજે પણ ગુજરાતીઓને હોઠે અને હૈયૈ છે. તે ગીત એટલે ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’

એ જ ફિલ્મમાં કિશોર કુમાર પાસે તેમણે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત ગીત ગવડાવ્યું હતું. તે ગીત હતું, “ગાવો સૌ સાથે તમને બજરંગબલીની આણ છે.”

અભિનેત્રી તરીકે રીટા ભાદુરીની પ્રથમ ફિલ્મ પણ ‘લાખો ફુલાણી’ હતી. એ જ ફિલ્મમાં મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેએ ગાયેલું ‘એક પાટણ શહેરની નાર પદમણી…’ દરેક નોરતામાં ઠેર ઠેર ગવાય છે. તે ફિલ્મનાં ગીતો અવિનાશ વ્યાસે લખ્યાં હતાં.

હુતુતુતુ...જામી રમતની ઋતુ

ગુજરાતી ફિલ્મ, સંગીત, લોકસંગીત, સુગમ સંગીત, ફિલ્મ, અવિનાશ વ્યાસ, સંગીત, કલા, ગૌરાંગ વ્યાસ, લતા મંગેશકર, આશા ભોસલે, મન્ના ડે

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/BBC

ઇમેજ કૅપ્શન, સંગીતકાર ગૌરાંગ વ્યાસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

‘હુતુતુતુ...જામી રમતની ઋતુ...’ગુજરાતી સુગમ સંગીતના કોઈ પણ કાર્યક્રમમાં આ ગીત મોટે ભાગે ગવાય જ છે.

કોઈ ગીત રમત પર આધારિત હોય અને એનો લય પણ એ રમત જેવો જ હોય એવું કદાચ ગુજરાતી સુગમ સંગીતનું આ પ્રથમ ગીત હશે. સીત્તેરના દાયકામાં આ ગીત મન્નાડે પાસે ગૌરાંગ વ્યાસે ગવડાવ્યું હતું.

હિન્દી ફિલ્મોના જાણીતા ગાયક મન્ના ડેએ જ ગૌરાંગ વ્યાસ પાસે આ ગીત પોતે ગાવાની ઇચ્છા પ્રગટ કરી હતી. એ ગીત પાછળની કહાણી પણ રસપ્રદ છે. ગુજરાતી ફિલ્મોના સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસનું નામ મોટું હતું. મન્ના ડે અવિનાશ વ્યાસનાં સ્વરાંકનોમાં ગીતો ગાવા આવતા હતા.

એ વખતે અવિનાશ વ્યાસના સહાયક સંગીતકાર તરીકે ગૌરાંગભાઈ કામ કરતાં હતા. રેકૉર્ડિંગ પુરૂં થયાં પછી મન્ના ડે ગૌરાંગ વ્યાસને કહેતા કે કુછ નયા સુનાઓ, સુગમ સંગીત કા કોઈ ગાના સુનાઓ. ગૌરાંગ વ્યાસ હાર્મોનિયમને ધમણ આપીને ગાવાનું શરૂ કરતાં. કેટલાંક સ્વરાંકનો સાંભળીને મન્ના ડેએ તેમની સાથે કામ કરવાની ઇચ્છા પ્રગટ કરી હતી.

મન્ના ડેએ તેમને કહ્યું હતું કે તમે ભજન, ગઝલ અને કોઈ રમતિયાળ ગીત તૈયાર કરો અને હું ગાઉં. એ પછી ગૌરાંગ વ્યાસે સંગીતબદ્ધ કર્યું ગીત ‘હુતુતુતુતુ....’. મન્ના ડેએ તે ગાયું અને રમતની જેમ જ ઊંચકાયું. એ ગીત પછી ‘સાત કેદી’ નામની ફિલ્મમાં લેવાયું હતું, જે મહેન્દ્ર કપૂરે પણ ગાયું હતું. આ ગીતના શબ્દો પણ અવિનાશ વ્યાસે લખ્યા હતા. આ પ્રસંગ ગૌરાંગભાઈએ પ્રહર વોરાને સરસ રીતે વર્ણવ્યો હતો.

એન્જિનિયરિંગ ભણ્યા, ઇન્શ્યૉરન્સ એજન્ટ તરીકે નોકરી કરી અને થયા સંગીતકાર

ગુજરાતી ફિલ્મ, સંગીત, લોકસંગીત, સુગમ સંગીત, ફિલ્મ, અવિનાશ વ્યાસ, સંગીત, કલા, ગૌરાંગ વ્યાસ, લતા મંગેશકર, આશા ભોસલે, મન્ના ડે

ઇમેજ સ્રોત, saregama.com

ઇમેજ કૅપ્શન, સ્વતંત્ર સંગીતકાર તરીકે ગૌરાંગ વ્યાસે લાખો ફુલાણી ફિલ્મમાં પ્રથમ વખત સંગીત આપ્યું હતું.

પિતા અવિનાશ વ્યાસ સંગીતકાર હતા. ઘરમાં સંગીતનો માહોલ હતો જે ગૌરાંગભાઈને સંગીત તરફ દોરી ગયો હતો. જોકે, ગૌરાંગ વ્યાસ પિતાની પગદંડીએ સંગીતની દુનિયામાં પ્રવેશ્યા હતા એવું સીધું ન કહી શકાય.

તેઓ મિકેનિકલ એન્જિનિયર થયા હતા અને એન્જિનિયર તરીકે નોકરી પણ કરી હતી. એ સિવાય ઇન્સ્યૉરન્સ કંપનીમાં પણ બે વર્ષ કામ કર્યું હતું.

1961માં દશેરાના દિવસે અમદાવાદમાં ‘શ્રુતિ’ નામની સંસ્થા શરૂ થઈ હતી. શ્રુતિ સાથે રાસબિહારી દેસાઈ, ક્ષેમુ દિવેટીયા જેવા ગુજરાતી સંગીતનાં ગુણીયલ નામો જોડાયેલાં હતાં.

‘શ્રુતિ’એ વૃંદગાન – સમૂહગાયનના કેટલાંક સુંદર પ્રયોગો કર્યા હતા. ગૌરાંગભાઈ શ્રુતિની બેઠકમાં જતા અને ત્યાં હાર્મોનિયમ વગાડતા હતા. ત્યાં જ તેમની અંદરનો સંગીતકાર બેઠો થયો હતો. એ દરમિયાન તેમણે ગીતો સંગીતબદ્ધ કરવાનું શરૂ કર્યું હતું.

પુરુષોત્તમ ઉપાધ્યાય ગૌરાંગભાઈના મિત્ર હતા તેમને ખબર પડી કે ગૌરાંગભાઈ ગીતો સંગીતબદ્ધ કરે છે. એ વાત તેમણે મુંબઈ જઈને અવિનાશભાઈને કહી હતી. ગૌરાંગભાઈ અમદાવાદથી મુંબઈ ગયા તો અવિનાશભાઈએ કહ્યું કે તું સ્વરાંકનો કરે છે તો એકાદ સંભળાવ.

ગુજરાતી ફિલ્મ, સંગીત, લોકસંગીત, સુગમ સંગીત, ફિલ્મ, અવિનાશ વ્યાસ, સંગીત, કલા, ગૌરાંગ વ્યાસ, લતા મંગેશકર, આશા ભોસલે, મન્ના ડે

ઇમેજ સ્રોત, SURILO KANTH, SURILU JIVAN RASBIHARI DESAI

ઇમેજ કૅપ્શન, અમદાવાદનું શ્રુતિ વૃંદ

દૂરદર્શનને આપેલી મુલાકાતમાં ગૌરાંગભાઈએ કહ્યું હતું કે, “એ વખતે હું થોડો બેચેન હતો, મેં તેમને કહ્યું હતું કે તમે એક રૂમમાં જ બેસો, હું બીજા રૂમમાં બેસીને સંભળાવું છું. એ રીતે મેં બીજા રૂમમાં બેસીને ગાયું. એ રીતે મેં બેત્રણ સ્વરાંકનો સંભળાવીને બહાર નીકળ્યો ત્યારે તેમની આંખમાં ઝળઝળિયાં હતાં. તેમણે આશીર્વાદ આપ્યા અને ખૂબ ખુશ થયા. તેમના એ આશીર્વાદ મારો સૌથી મોટો ઍવૉર્ડ હતો.”

‘લીલુડી ધરતી’ ફિલ્મ બની રહી હતી. જેમાં પુરુષોત્તમ ઉપાધ્યાય સંગીત આપી રહ્યા હતા. તેમણે ગૌરાંગભાઈને કહ્યું કે આપણે બંને સાથે સંગીત આપીએ. એ રીતે બંનેએ એ સાથે ફિલ્મમાં સંગીત આપ્યું. ‘લીલુડી ધરતી’થી તેમણે પુરુષોત્તમભાઈ સાથે સંગીતકાર તરીકેની સહિયારી શરૂઆત કરી હતી. 1968માં રજૂ થયેલી ‘લીલુડી ધરતી’ ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ હતી.

ત્યારપછી ‘ઉપર ગગન વિશાળ’ નામની ફિલ્મમાં પણ બંનેએ સાથે સંગીત આપ્યું હતું. એ વખતે અવિનાશ વ્યાસે ગૌરાંગભાઈને કહ્યું કે ‘તું મારા સહાયક સંગીતકાર તરીકે કામ કર.’ એ રીતે ગૌરાંગભાઈએ વર્ષ 1971માં રજૂ થયેલી ફિલ્મ ‘જેસલ તોરલ’થી અવિનાશભાઈ સાથે કામની શરૂઆત કરી હતી. એ વખતે તેઓ સેલ્સ એન્જિનિયર તરીકે પણ કામ કરતા હતા. ‘જેસલ તોરલ’ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોએ હરણફાળ ભરી હતી. નવો યુગ શરૂ થયો હતો. ગૌરાંગભાઈ પણ એન્જિનિયરની નોકરી છોડીને સંપૂર્ણપણે સંગીતમાં જોડાઈ ગયા હતા.

‘લાખો ફુલાણી’ ફિલ્મથી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યુ હતું. નિરંજન મહેતા અને ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝા તે ફિલ્મના પ્રોડ્યુસર હતા. અવિનાશભાઈએ પહેલી વખત પોતાની ફિલ્મ સિવાય અન્ય કોઈ સંગીતકાર માટે ગીતો ‘લાખો ફુલાણી’ માટે લખ્યાં હતાં.

મંગેશકર પરિવારની ત્રણેય બહેનો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં

ગુજરાતી ફિલ્મ, સંગીત, લોકસંગીત, સુગમ સંગીત, ફિલ્મ, અવિનાશ વ્યાસ, સંગીત, કલા, ગૌરાંગ વ્યાસ, લતા મંગેશકર, આશા ભોસલે, મન્ના ડે

ઇમેજ સ્રોત, GAURANG VYAS

ઇમેજ કૅપ્શન, અવિનાશ વ્યાસ, લતા મંગેશકર, ગોરાંગ વ્યાસ(પાછળ ઊભેલા), સલીલ ચૌધરી, ક્ષેમુ દિવેટીયા અને રાસબિહારી દેસાઈ

કિશોર કુમાર, મુકેશ, મન્નાડે, લતા મંગેશકર, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂરથી લઇને કવિતા ક્રિષ્ણમૂર્તિ, અલકા યાજ્ઞિક, અનુરાધા પૌડવાલ વગેરે હિન્દી ફિલ્મોનાં જાણીતા ગાયિકાઓ પાસે ગૌરાંગ વ્યાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.

મંગેશકર પરિવારની ત્રણેય બહેનો લતા, આશા અને ઉષા મંગેશકર પાસે સંગીતકાર તરીકે ગૌરાંગ વ્યાસે ગીતો ગવડાવ્યાં છે. અવિનાશ વ્યાસે પણ સંગીતકાર તરીકે ત્રણેય બહેનો પાસે ગરબા અને ગીત ગવરાવ્યાં છે. ત્રણેયના ભાઈ હૃદયનાથ મંગેશકરને પણ ગૌરાંગ વ્યાસે સંગીતબદ્ધ કરેલાં સમૂહ ગીતો એટલાં પસંદ પડ્યાં હતાં કે એની રેકૉર્ડ તેમણે તૈયાર કરાવડાવી હતી.

પ્રહર વોરા કહે છે કે, શ્રુતિ વૃંદનું ગૌરાંગભાઈએ સંગીતબદ્ધ કરેલું સમૂહ ગીત ‘સાગરનું સંગીત’ હૃદયનાથ મંગેશકરને ખૂબ ગમી ગયું હતું. તેમણે કહ્યું હતું કે શ્રુતિનાં ગીતોની રેકૉર્ડ કરવી જોઈએ. એ રીતે શ્રુતીનાં ગીતોની બે રેકૉર્ડ ‘શ્રવણ માધુરી’ના નામે એચએમવીના બૅનર તળે 1970માં થઈ હતી.

ગુજરાતી સંગીતમાં કેટલાંક ઉમદા ગીતો આપનારા તેમજ રાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવનાર ફિલ્મ ‘હેલ્લારો’ના સંગીતકાર મેહુલ સુરતી કહે છે, “ગૌરાંગ વ્યાસ મૂળે ગાયક અને સંગીતકારોના સંગીતકાર છે. સંગીતમાં રેકૉર્ડિંગ વખતે કેટલાંક તાબડતોબ ફેરફાર કરવાના હોય તો તેઓ ચપટી વગાડતાં જ એ કરી દે. એ ફેરફાર પણ એટલી માવજતભર્યા હોય કે સંગીતની સુગંધ વિખાય નહીં. આવી કાબેલિયત ઓછા સંગીતકારોમાં હોય છે. સમય પાલનની બાબતમાં પણ તેઓનું કામ ચોકસાઈભર્યું છે. માણસ તરીકે પણ તેઓ ખૂબ સાલસ. તેમનાં ગીતો ખૂબ લોકપ્રિય છે છતાં એ લોકપ્રિયતાનો નશો ક્યારેય તેમણે પોતાની આસપાસ ફરકવા દીધો નથી.”

1979માં રજૂ થયેલી ફિલ્મ ‘પારકી થાપણ’માં લતા મંગેશકરે ગાયેલું ‘દીકરી તો પારકી થાપણ કહેવાય..’ ગીત આજે પણ લોકોની આંખો ભીની કરે છે. સમૂહ લગ્નોની કન્યાવિદાયમાં પણ સાઉન્ડ પર આ ગીત રજૂ થાય છે. માત્ર ત્રણ દિવસની ટૂંકી મુદતમાં લતા મંગેશકરે એ ગીતના રેકૉર્ડિંગ માટે હા પાડી હતી. એ ગીત પણ અવિનાશ વ્યાસે લખ્યું હતું.

પિતાપુત્ર અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસે ગીતકાર - સંગીતકારની જોડી તરીકે પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે એ ઘટના પણ રસપ્રદ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.