મણિરાજ બારોટ: બે કૅસેટ બહાર પડી અને મણિલાલ બન્યા મણિરાજ, 'ડાયરાકિંગ'ની કહાણી

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, Gopal Shoonya/bbc

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

માથે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી આંટિયાળી પાઘડી, કાનમાં પહેરેલું ગોખરું (એક ઘરેણું), કમરથી ખભે વીંટાળેલી શાલ, ડાબા હાથમાં માઇક અને જમણા હાથમાં ફરતો ડાંડિયો. કલાકાર ગાતો જાય અને ફેર ફુદરડી ફરતો જાય. વચ્ચે તાન ચડે તો ઢોલ વગાડે, તલવાર પણ ફેરવે અને કોઈ સ્ટેજ પાસેથી પસાર થાય તો તરત ગવાતી કડીમાં એક કડી એના નામની પણ ગાઈ નાખે. એ પણ તાલમાં જ. પાછું ડાયરામાં જોક્સ, ગામની વાત્યું, શહેરની વાત્યું પણ મંડાય. વચ્ચેવચ્ચે નાનુકાકા સાદ પૂરાવે છે. સ્ટેજ પર ફટાણાં ગવાય એટલે ચૉરીની જેમ ફેરા પણ થાય. અને 'એ હોકલિયો...' એમ કરીને કડી ઉપાડે કે આખો ડાયરો મોજમાં આવી જાય- સ્ટેજ પર આવું દૃશ્ય ભજવાતું હોય અને એ કલાકાર હોય મણિરાજ બારોટ.

મણિરાજ બારોટના અવસાન થયે 16 વર્ષ વીત્યાં છતાં ઉત્તર ગુજરાતના ગાયકો જિજ્ઞેશ કવિરાજ હોય કે ઉમેશ બારોટ, મંચ પરથી મણિરાજને અચૂક યાદ કરે છે. તેમની યાદમાં ગીતો બનાવે છે અને લોકો સામે રજૂ કરે છે.

કેટલાંય ઊગતા ગાયકોને મણિરાજ થવાના અભરખા છે તેથી જ તેમની સ્ટાઈલ કરે અને સોશિયલ મીડિયા પર વીડિયો વહેતા મૂકે છે. ખુદ મણિરાજ બારોટના જૂના વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જોવાય છે.

પાટણ શહેરમાં એક માર્ગને સ્વ. મણિરાજ બારોટ માર્ગ નામ આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લાનું બાલવા એ મણિરાજ બારોટનું વતન.

મણિરાજ બારોટના પિતા શિવરામ બારોટ સારંગી વગાડતા. માતા પણ લગ્નગીતો અને ભજનો ગાતાં. સંગીત તેમના ઘરની આબોહવામાં હતું. મણિરાજને બે ભાઈ અને ત્રણ બહેનો. છ ભાંડુઓના પરિવારમાં મણિરાજનો નંબર પાંચમો. પરિવાર મજૂરી કરીને ઘરનો ચૂલો પેટાવે.

મણિરાજના નાના ભાઈ રસિક બારોટ બીબીસીને જણાવે છે કે, "ગરીબી અમારા ઘરમાં વડીલની જેમ રહેતી હતી. તેના દોરવાયા ઘરના મોટા ભાગના લોકો મજૂરી કરતા હતા. માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી મણિરાજભાઈએ અને મેં ખેતમજૂરી કરી હતી. દુકાળનાં વર્ષ હોય ત્યારે તળાવો બાંધવાં કે તળાવ ઊંડાં કરીને ચોકડી બનાવવાના કામ પણ અમે કર્યાં છે."

"આ સંઘર્ષની વચ્ચે અમારા ઘરમાં સંગીત હતું. અમે બારોટ રહ્યા, એટલે પિતાજી ચોપડા વાંચવા જાય. મણિરાજભાઈ પણ નાનપણથી તેમની સાથે જતા અને ત્યાં તેઓ ભજન, મણિયારો વગેરે ગાતા હતા. ધીમે ધીમે તો તેઓ સ્વતંત્ર રીતે પાટણ અને વીસનગરમાં ભજનના કાર્યક્રમ કરવા માંડ્યા હતા. તેમની ઓળખ પણ ભજનિક તરીકેની જ હતી. તેઓ મણિલાલ ભગત તરીકે ઓળખાતા હતા."

કઈ રીતે મણિલાલમાંથી મણિરાજ બારોટ થયા?

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, RAJALBAROTOFFICIAL/FB

મણિરાજ બારોટ જ્યારે કિશોર વયના હતા ત્યારે પાટણ વગેરે આસપાસમાં કાર્યક્રમોમાં જતા. એ વખતે તેઓ હેમંત ચૌહાણ તેમજ અન્ય ગાયકોની અસરમાં ગાતા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દૂરદર્શનમાં પ્રોડ્યુસર રહી ચૂકેલા તેમજ કવિ–ગીતકાર પ્રશાંત કેદાર જાદવે પાટણમાં એક કાર્યક્રમમાં મણિરાજ બારાટને સાંભળ્યા. તેમના અવાજમાં તેમને હીર દેખાયું અને કહ્યું કે તારો અવાજ અદભુત છે, પણ તું જ્યારે બીજા ગાયકોની અસરમાં ગાઈશ ત્યારે વાહવાહી તે ગાયકો માટે મળશે. તું જ્યાં સુધી તારો પોતાનો અવાજ પારખીને નહીં ગાય ત્યાં સુધી એ વાહવાહી તારી નથી.

તેમણે મણિરાજને આગ્રહ કર્યો કે તારે સંગીતમાં આગળ વધવું હોય તો અમદાવાદ આવી જા. 1990માં મણિરાજ બારોટ અમદાવાદ આવે છે.

પ્રશાંત કેદાર જાદવ બીબીસીને જણાવે છે કે, "તેની ગાયકીની ખરી સફર 1991થી શરૂ થાય છે. એ વખતે મારી પાસે લુના નામનું દ્વિચક્રી વાહન હતું. મણિરાજ પાછળ બેસે અને અમે ડાયરે ડાયરે ફરીએ. એ વખતના કેટલાક નામી કલાકારો મને પરિચિત હતા તેથી હું તેમની પાસે લઈ જઈને મણિરાજની ઓળખાણ કરાવતો."

"જેમણે લુના ફેરવ્યું હશે તેમને ખબર હશે કે ટેકરો આવે કે વરસાદમાં અટકી પડે ત્યારે પાછળ બેસનારે ઊતરીને લુનાને ધક્કો મારવો પડતો અને ચાલુ લુનાએ ચઢી જવું પડતું. તેથી હું લુના હંકારતો અને મણિરાજ ધક્કો મારતો."

1991માં જ મણિરાજ બારોટની બે કૅસેટ્સ રજૂ થાય છે અને તેનું નામ પણ મણિલાલ બારોટમાંથી મણિરાજ બારોટ થાય છે. એ કહાણી પણ રસપ્રદ છે.

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, Tejas Vaidya

ઇમેજ કૅપ્શન, દૂરદર્શનમાં પ્રોડ્યુસર રહી ચૂકેલા તેમજ કવિ–ગીતકાર પ્રશાંત કેદાર જાદવ

"એ વખતે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અંધજનમંડળ પાસે સ્ટુડિયો હતો. સંગીતકાર એડવીન વાઝ ‘અપ્પુ’ના સંગીતમાં પ્રભુદાસ યાદવના સ્ટુડિયો રેકૉર્ડિંગમાં અમે પહેલું ટાઈટલ તૈયાર કર્યું, ‘મણિયારો આયો લ્યા’, એ જ વખતે અમે બીજું ટાઈટલ પણ રેકૉર્ડ કર્યું હતું, ‘શેલ દરવાજે ઢોલચી વાગે’. બે કૅસેટમાં અમે 16 ગીતો તૈયાર કર્યાં હતાં. એ વખતે તેનું નામ મણિલાલ બારોટ હતું. મેં તેને કહ્યું મણિલાલ નામ થોડું જૂની ઘરેડનું લાગે છે. અપ્પુ તેમજ પ્રભુદાસભાઈ સાક્ષી છે, મેં તેને નામ આપ્યું મણિરાજ બારોટ. કૅસેટમાં એ નામ છપાયું. બંને કૅસેટો ધૂમ ચાલી અને ચપોચપ વેચાઈ અને સાથોસાથ મણિરાજ બારોટ પણ છવાઈ ગયા."

"ટી રેક્સ નામની કૅસેટ કંપનીના રાજભાઈને મેં વિનંતી કરી કે આ કલાકારની કૅસેટ કરો ને. તેમણે મને કહ્યું કે કલાકાર નવો છે, જોખમ છે. મેં તેમને ઝબાન આપી કે જવાબદારી મારી. કૅસેટ નહીં ચાલે તો હું બનતી મદદ કરીશ."

પ્રશાંત કેદાર જાદવ જણાવે છે કે, "દરમ્યાન ઉત્તર ગુજરાતના લોકસંગીતનાં 16 ગીતો અમે એકઠાં કર્યાં. એ વખતે ટેપ રેકૉર્ડર પર કૅસેટ ચઢાવીને પર સંગીત સાંભળવાનો જમાનો હતો. એ ગીતો લઈને અમે વિવિધ કૅસેટ કંપનીની ઑફિસમાં અમદાવાદમાં ફરતા હતા."

'મણિરાજની ગાયકીમાં ત્રાંબું રણકતું'

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, Bhikhudan Gadhvi

ઇમેજ કૅપ્શન, મણિરાજ બારોટ ભીખુદાન ગઢવી અને અન્ય સાથે

મણિરાજ બારોટે સંગીતની કોઈ વિધિસરની તાલીમ લીધી નહોતી. તેઓ ગાયક તો હતા જ સાથે તેઓ સારા વાદક પણ હતા.

તેઓ શરણાઈ, વાંસળી, ઢોલક અને હાર્મૉનિયમ વગાડી શકતા હતા. મણિરાજ બારોટ નવ ધોરણ સુધી ભણ્યા હતા. એમાંય ચાર વખત તો નાપાસ થયા હતા. રસિકરાજ બારોટ કહે છે કે, "હું તેમનાથી નાનો હોવા છતાં આઠમા ધોરણમાં અમે બંને સાથે થઈ ગયા હતા."

દસમા ધોરણમાં નાપાસ થયા પછી મણિરાજે નિશાળને રામરામ કરી દીધા હતા અને ડાયરાને રામ કર્યા હતા.

સોરઠી ડાયરાઓનું જૂનું અને જાણીતું નામ એટલે ભીખુદાન ગઢવી. અન્ય એક ભીખુદાન ગઢવી પણ ગાંધીનગરમાં વસે છે અને ગાયક તેમજ લોકસાહિત્યકાર છે. ગાંધીનગરવાળા ભીખુદાન પણ મણિરાજના સંઘર્ષના સાક્ષી રહ્યા છે. શરૂઆતનાં વર્ષેમાં મણિરાજ અને તેમણે સાથે કાર્યક્રમો કર્યા હતા.

ભીખુદાન ગઢવી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના સચિવ હતા. ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ માનવીની ભવાઈમાં મણિરાજ બારોટને ‘મધરો દારૂડો’ ગીત ગાવાની તક ભીખુદાન ગઢવી થકી મળી હતી.

બીબીસી સાથે વાત કરતાં ભીખુદાન ગઢવી કહે છે કે, "દરેકના અવાજમાં કણ હોય છે. મણિરાજને સાંભળીએ તો તેના અવાજમાં ત્રાંબાના કણ હોય એવું લાગે. તેની ગાયકીમાં ત્રાંબું રણકતું હતું. આ ઉપરાંત મણિરાજની ગાયકીમાં કાકુસ્વર હતા. કિશોરકુમાર જે યોડલિંગ કરતા તે કાકુસ્વર કહેવાય."

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, RAJALBAROTOFFICIAL/FB

બિરબલ ઉસ્તાદ ઢોલીએ મણિરાજ બારોટ સાથે તેમની કરિયરના શરૂઆતથી કાર્યક્રમોમાં ઢોલ વગાડ્યો છે. બિરબલ ઉસ્તાદ બીબીસીને કહે છે કે, "બાકીના કાર્યક્રમોમાં હું ઢોલ બેઠે બેઠે વગાડતો પણ મણિરાજ સાથે મોટે ભાગે ઊભે ઊભે જ ઢોલ વગાડ્યા છે. તેની સાથે વગાડવામાં ખૂબ જોમ ચઢતું. તેમની સાથે મેં પ્રથમ કાર્યક્રમ અમદાવાદમાં કાકરિયા તળાવ પાસે કર્યો હતો."

ઉત્તર ગુજરાતની લોકજાતિમાં ઠેચિયું અને બેહણી એવા લોકનૃત્યના પ્રકાર છે. જેમાં નર્તક ઊભા ઊભા અડધી ફુદડી મારે, વળી બેસે, વળી ઊભો થાય અને ફરી ફુદડી મારે જેને બેહણી કહે છે. ગીતો ગાતાં ગાતાં આ લોકનૃત્ય રજૂ કરવાની શરૂઆત મણિરાજે કરી. તેથી ઊભા ઊભા ગાવાની શરૂઆત ત્યાંથી થઈ.

કાનમાં જે એક સેર પહેરી હોય તેને ગોખરુ કહે છે. જે મણિરાજ બારોટ પહેરતા અને સેર સાથે ઝુમ્મર કે બૂટ્ટા પહેર્યા હોય તો તેને ઝોલામરચી કહે છે, તે પણ મણિરાજ બારોટ પહેરતા હતા.

મણિરાજ બારોટ પછી અન્ય ગાયકો પણ તેવું કરવા માંડ્યા હતા. મણિરાજ માથે પાઘડી પણ પહેરતા અને સાથે જીન્સ પણ પહેર્યું હોય.

પ્રશાંત કેદાર જાદવ કહે છે કે, "લોકગાયકનો સાચો અર્થ સમજવો હોય તો એ મણિરાજ છે. તે લોકોમાંથી આવ્યો, લોકો માટે ગાયું, લોકોનું ગાયું, લોકો વતી ગાયું, લોકો જેવું પહેર્યું, લોકો જેવું બોલ્યો અને લોકો જેવું જ નાચ્યો."

‘મણિરાજ તાલ’

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, RAJALBAROTOFFICIAL/FB

સંગીતમાં ઢોલ, તબલાં વગેરેમાં અલગઅલગ માત્રાના તાલ હોય છે. જેમ કે, આઠ માત્રા, દશ માત્રા કે સોળ માત્રાનો તાલ હોય છે. એમાં ઢોલના બે તાલ – બિટ્સ વચ્ચે જગ્યા હોય છે.

ભીખુદાન ગઢવી કહે છે કે, "મણિરાજનો અવાજ તો આહ્લાદક હતો પણ તે તાલમાં ગાઈ શકતો ન હતો. મણિરાજ ગાતો ત્યારે તેના તાલ એટલે કે બે બિટ્સ વચ્ચે જગ્યા ન રહેતી. પછી એ સ્ટાઈલ બની ગઈ. મણિરાજની ગાયકીની સાથે તેણે ઉપયોગમાં લીધેલી આ બિટ્સ પણ લોકોએ વધાવી લીધી. એ તાલને રિધમ આર્ટિસ્ટ આજે પણ મણિરાજ તાલ કહે છે."

પ્રશાંત કેદાર જાદવ કહે છે કે, "ઉત્તર ગુજરાતના સંગીતનો ઠેકો ભરીભરીનો છે, જેને કેટલાંક ભરેલી પણ કહે છે. જેમાં દેસી ઢોલના બે થાપ વચ્ચે જગ્યા ન હોય અને સતત ઢોલ વાગ્યા કરે. એ ભરીભરીનો ઠેકો જે લોકસંગીતમાં તો હતો જ પણ કૅસેટની દુનિયામાં એ મણિરાજે રજૂ કર્યો હતો."

મણિરાજ બારોટની વિશેષતા એ રહી કે નામ મોટું થયું ત્યારે પણ તેઓ બાલવા ગામની શેરીઓમાં ગીતો ગાતા હતા.

રસિકરાજ બારોટ કહે છે કે, "મોટા ભાઈ નામદામ બંને કમાયાં. દામની સરખામણીમાં નામ વધારે કમાયા. તેમને ગણતરી ફાવતી નહીં. કોઈ કહે કે મણિરાજભાઈ ગાવા આવજો ને, તો પૈસાની વધારે પડપૂછ વગર તેઓ કાર્યક્રમ કરી દેતા હતા."

"ક્યારેક તો એવું થતું કે પૈસાની રકમ જ નક્કી ન હોય અને પછી જે પૈસા મળે તે સ્વીકારી લેતા. ક્યારેક કોઈ કાર્યક્રમમાં ઓછા પૈસા મળતા તો મણિરાજભાઈ કહેતા કે આપણે મજૂરીમાં જે કમાતા હતા તેના કરતાં તો વધારે જ મળે છે ને!"

પ્રશાંત કેદાર જાદવ એક સરસ પ્રસંગ કહે છે, "બે કૅસેટ રજૂ થયા પછી મણિરાજનું નામ થવા માંડ્યું હતું અને કાર્યક્રમોનો સિલસિલો પણ જારી હતો. અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં તેણે ઘર ખરીદ્યું હતું એ પછી તેણે મારુતિ 800 કાર લીધી હતી. એ વખતે મારી પાસે એલએમએલ વેસ્પા નામનું સ્કૂટર હતું."

"એક વખત તેણે મારા ઘરે આવીને કહ્યું કે, પ્રશાંતભાઈ તમારા માટે દસ ડાયરા કરી દઉં. એમાંથી પૈસા આવે એની તમે એક સારી કાર ખરીદી લો. અત્યારે હું કાર ફેરવું અને તમે સ્કૂટર ફેરવો એ મને સારું ન લાગે. મેં મણિરાજને કહ્યું કે તે આટલું કહ્યું એમાં મારા માટે કાર નહીં પણ પ્લેન આવી ગયું. તારા આ ભાવથી મોટું મારે મન કશું નથી."

મણિરાજના સનેડો અને દુમેળિયો દુહો

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, RAJALBAROTOFFICIAL/FB

સનેડો એટલે નેડો એટલે પ્રેમ. કોઈને કોઈ સાથે પ્રેમ થઈ જાય તો તળપદી ઢબે એવું કહે કે તારી સાથે મને નેડો લાગી ગયો છે. સ્નેહ થઈ ગયો છે. એ સ્નેહ જ્યારે સસ્નેહ થઈ જાય ત્યારે સનેડો કહેવાય.

મણિરાજે જેને વિખ્યાત કર્યો તો સનેડો ઉત્તર ગુજરાતની લોકનાટ્ય પરંપરા એવી ભવાઈમાં રજૂ થતો હતો. મણિરાજે પણ કેટલાંક લોકનાટ્યોમાં નાનામોટા રોલ ભજવ્યા હતા.

પ્રશાંત કેદાર જાદવ કહે છે કે, "લોકસાહિત્યમાં દુહાના અનેક પ્રકાર છે જેમાં એક પ્રકાર દુમેળિયો દુહો છે. એમાં ચાર બંધ – ચરણ હોય. એ ચારેય બંધમાં ક્યાંય કશાનો મેળ જ ન હોય, તેથી તેને દુમેળિયો દુહો કહે છે. જેમ કે, 'પાડો ચઢ્યો પેપળે (પીપળે), લબલબ લેંબુ (લીંબુ) ખાય.' પાડો કોઈ દિવસ પીપળે ચઢે? પીપળા પર લીંબુ હોય? આવા દુમેળિયા દુહા સનેડા તરીકે સંગોપાઈને ખૂબ ચાલ્યા. એવા ચાલ્યા કે નોરતાં હોય કે ડાયરો મણિરાજનો સનેડો રજૂ થાય જ."

રસિકરાજ બારોટ કહે છે કે, "મણિરાજભાઈ તો મોટા ગામતરે સિધાવી ગયા પણ ઉત્તર ગુજરાતના ગાયકો માટે ડાયરા અને સંગીતની દુનિયાનો મારગ કંડારી ગયા છે."

મણિરાજ બારોટે કંડારેલી કેડી પર જ પછી જિજ્ઞેશ કવિરાજ, ઉમેશ બારોટ, રાકેશ બારોટ, મણિરાજનાં દીકરી રાજલ બારોટ વગેરે ગાયકોએ આગળ વધીને નામદામ મેળવ્યાં છે.

મણિરાજે વિદેશમાં કાર્યક્રમો કર્યા નહોતા. રસિકરાજ બારોટ કહે છે કે, "હું 2017માં લંડન વગેરે વિદેશ કાર્યક્રમો કરવા ગયો હતો. ત્યાં મારા કાર્યક્રમના પોસ્ટર પર લખ્યું હતું કે, સનેડો ફેમ મણિરાજ બારોટના ભાઈ રસિકરાજ બારોટનો સંગીત કાર્યક્રમ."

મણિરાજે દાખલો બેસાડ્યો અને વિક્રમ ઠાકોર ઍક્ટર બની ગયા

મણિરાજ બારોટ, ગુજરાતી ગીતો, નવરાત્રિ, લોકગીત, ગુજરાતી લોકસાહિત્ય

ઇમેજ સ્રોત, RAJALBAROTOFFICIAL/FB

મણિરાજ બારોટના ડાયરામાં ધૂમ મચતી હતી. કાઠિયાવાડી લોકગીતો પણ તળપદી જમાવટ સાથે ગાતા. એક જમાનામાં લોકો ટ્રેક્ટર અને જીપ ભરી ભરીને તેમને જોવા સાંભળવા જતા.

તેમની લોકપ્રિયતાને કારણે તેમને ફિલ્મમાં હીરો તરીકે ચમકાવતી પ્રથમ ફિલ્મ 'ઢોલો મારા મલકનો' 1998માં રજૂ થઈ હતી. એ પછી 'પરદેશી મણિયારો', 'શેણી વિજાણંદ', 'મેના પોપટ' વગેરે ફિલ્મોમાં તેમણે મુખ્ય ભૂમિકા અદા કરી હતી.

મણિરાજ બારોટને પગલે જ વિક્રમ ઠાકોરને ગુજરાતી ફિલ્મો ઑફર થઈ અને ઍક્ટર તરીકે તેમણે ખૂબ નામના મેળવી. વિક્રમ ઠાકોર પણ ફિલ્મોમાં આવ્યા તે અગાઉ ગાયક તરીકે જ કાર્યક્રમો કરતા હતા.

બીબીસી સાથે વાત કરતાં વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, "મેં ઍક્ટર બનવાનું ક્યારેય વિચાર્યું જ નહોતું. મારા સંગીતના કાર્યક્રમો સરસ ચાલતા હતા. કૅસેટો ધૂમ વેચાતી હતી. મારા જે ભાગીદાર પ્રોડ્યૂસરો હતા તેમણે વિચાર્યું કે મણિરાજ બારોટ ગાયક અને સારા પર્ફૉર્મર હતા. તેમની પ્રથમ ફિલ્મ ‘ઢોલો મારા મલકનો’ રજૂ થઈ અને ખૂબ સારી ચાલી હતી."

"એ રીતે 2006માં મારી પ્રથમ ફિલ્મ રજૂ થઈ 'એક વાર પિયુને મળવા આવજે'. એ ફિલ્મ સારી ચાલી ગઈ. એ પછી ફિલ્મોમાં ગાડી દોડવા માંડી. સાચું કહું તો પ્રોડ્યૂસરો મારી સામે ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો તો મેં તો પહેલા ના જ પાડી દીધી હતી કે હું તો ગાયક છું.'

મણિરાજ બારોટનું અવસાન થયું તેના થોડા દિવસ અગાઉ તેમણે ગીર સોમનાથ જિલ્લાના આદ્રી ગામે એક ડાયરો કર્યો હતો. કહેવાય છે એ તેમનો છેલ્લો ડાયરો હતો.

એ વખતે તેમની સાથે ઢોલી તરીકે બિરબલ ઉસ્તાદ હતા. બિરબલ ઉસ્તાદ કહે છે કે "મણિરાજના અવસાનના સમાચાર સાંભળ્યા પછી બે દિવસ તો કોળિયો કેમ ગળે ઊતર્યો છે એ મન જાણે છે. મને મનમાં એવો અજંપો થયો કે છાતીમાં દુખવા માંડ્યું હતું.

મણિરાજની વ્યક્તિ તરીકે કેટલીક મર્યાદા હતી. પણ દુનિયા કલાકારને તેની કલા થકી જ મૂલવે છે અને યાદ કરે છે.

પ્રશાંત કેદાર જાદવ કહે છે કે, "નબળાઈ દરેક માણસમાં હોય છે, પણ લોકો તો એની કલાને જ યાદ રાખે છે અને એ જ યોગ્ય માપદંડ છે." માત્ર 42 વર્ષની વયે દુનિયા છોડી જનારા મણિરાજ બારોટ તેમણે ગાયેલાં મણિયારો, વીંછુડો, સનેડો, હુડલા વગેરે ગીતો થકી હજુ પણ જીવંત છે.

'મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો રે', 'સીદડા રે વાઢી બાવળિયા રોપશું', 'હુડલા તારી બોલી મને મેઠી મેઠી લાગે', 'હંબો હંબો વીંછૂડો', 'લીલી તુવેર સૂકી તુવેર, એના બૉંધ્યા ભારે રે' સહિતનાં ગીતો ખૂબ જાણીતાં છે.

મણિરાજ આજે હયાત નથી પણ જ્યારે ડાયરાની વાત નીકળે તો એમણે ગાયેલો 'રાહડો' અચૂક સાંભરી આવે- એવી સુની ડેલી ને સૂના ડાયરા...