ફિરોઝ ઈરાની : ગુજરાતી ફિલ્મોના વિલનને જ્યારે મહિલાએ કહ્યું, 'તું ભૂંડો માણસ છે, સ્ત્રીઓને હેરાન કરે છે'

ફિરોઝ ઈરાની
ઇમેજ કૅપ્શન, ફિરોઝ ઈરાની
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

જો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી... માણકાનો ઘા પાણકા જેવો... આ ગુલાબની વાત ગુલાબ જેવી... ફિરોઝ ઈરાનીએ વિવિધ ગુજરાતી ફિલ્મોમાં બોલેલા આ સંવાદો આજે પણ લોકોને યાદ છે.

ચહેરા પર કુટિલ હાવભાવ અને મરોડદાર અવાજ સાથે ફિરોઝ ઈરાની ફિલ્મના પડદે ખલનાયક તરીકે પ્રગટે ત્યારે પ્રેક્ષકો ખૂબ ધિક્કારે.

એક ખલનાયક તરીકે પ્રેક્ષકોની નફરત મેળવવી એ જ ખલનાયકની ખરી પૂંજી હોય છે. આવું જ કંઈક ફિરોઝ ઈરાની પણ માને છે.

બીબીસી સાથે વાત કરતાં ફિરોઝ ઇરાની કહે છે કે, "મને હિન્દી ફિલ્મોના જાણીતા ખલનાયક પ્રાણની એક વાત યાદ છે. જેમાં તેમણે કહ્યું હતું કે હીરો વો સક્સેસફુલ જીસકી ઍન્ટ્રી પે તાલીયાં પડે ઔર વિલન વો સક્સેસફુલ જીસકી ઍન્ટ્રી પે ગાલીયાં પડે."

બીબીસી ગુજરાતી

“મેં ગાળો ખૂબ ખાધી અને એને હું મારી સફળતા ગણું છું.”

ફિરોઝ ઈરાની

સિત્તેર, એંશી અને નેવુંના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં ખલનાયક તરીકે ફિરોઝ ઈરાનીએ તરખાટ મચાવ્યો હતો.

ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે તમને ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેનકુમારથી માંડીને વિક્રમ ઠાકોર સુધી અનેક ચહેરા યાદ આવશે, પણ ખલનાયક તરીકે ફક્ત ફિરોઝ ઈરાની જ યાદ આવશે.

ફિરોઝ ઈરાનીના પિતા ફરિદુન ઈરાની ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા હતા.

લક્ષ્મી કલા કેન્દ્ર નામની નાટક કંપની ચલાવતા હતા. આઠ વર્ષની વયથી જ ફિરોઝ ઈરાની પણ નાટકોમાં અભિનય કરતા હતા.

ફિરોઝ ઈરાની દેખાવડા હતા. સિત્તેરના દાયકામાં તેમને ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે મુખ્ય ભૂમિકા પણ ઑફર થઈ હતી.

બીબીસી ગુજરાતી

તો પછી તેમણે ખલનાયક બનવાનો વિકલ્પ કેમ અપનાવ્યો?

ફિરોઝ ઈરાની

આ સવાલના જવાબમાં ફિરોઝભાઈ હસતા હસતા કહે છે કે, "હું ખલનાયક બન્યો એમાં મારા પિતાની ભૂમિકા છે. તેમણે મને નાટકમાં પણ જોયો હતો. મારાં પાત્રોનું નિરીક્ષણ કર્યું હતું અને મારો સ્વભાવ જાણીને મને કહ્યું હતું કે તું વિલન ખૂબ સારો બનીશ."

"એ વખતે હું થોડો ગુસ્સાવાળો પણ હતો. એ પછી 1969માં મેં ફિલ્મ ‘ગુજરાતણ’ કરી. એ વખતે પિતાએ મને એમાં ખલનાયક બનાવ્યો અને કહ્યું કે તું આગળ જતાં હીરોમાં ટ્રાય નહીં કરતો, વિલનની જ ભૂમિકાઓ ભજવજે."

ફિરોઝ ઈરાની પોતે પણ એવું માનતા હતા કે હીરોના રોલમાં એવું વૈવિધ્ય નથી જેટલું વિલનના રોલમાં હોય છે.

તેમણે કહ્યું હતું કે, "સિત્તેરના દાયકામાં મેં જ્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એ વખતના હીરોના રોલ સીધાસાદા હતા."

"મને એમ થયું કે આમાં મજા નહીં આવે. હીરો કરતાં ખલનાયકનાં પાત્રોમાં વધારે વિવિધતા હોવાનું મને લાગ્યું તેથી મેં ખલનાયક બનવાનું પસંદ કર્યું."

બીબીસી ગુજરાતી

'દરેક ફિલ્મમાં રેપ સીન'

"....એ તો ફિરોઝ ઈરાની જેવો છે", એવું આજે પણ ગુજરાતનાં ગામડાંમાં ઉછાંછળા કે છેડતીખોર છોકરા માટે કહેવાય છે.

ફિરોઝ ઈરાનીએ ફિલ્મોમાં આવાં પાત્રો ખૂબ ભજવ્યાં હતાં.

તેઓ જણાવે છે કે, "હું જ્યારે યંગ વિલન તરીકે ફિલ્મો કરતો ત્યારે દરેક ફિલ્મમાં રેપનું એક દૃશ્યે ફરજિયાતપણે રહેતું. એ પછી મેં મારી ભૂમિકામાં વૈવિધ્ય લાવવાના પ્રયાસો કર્યા."

"32-33 વર્ષની વયે મેં ‘નસીબદાર’ નામની એક ફિલ્મ કરી હતી. એમાં મારાથી ઉંમરમાં નાના એવા અરવિંદ રાઠોડના પિતાની ભૂમિકા મેં ભજવી હતી. એમાં હું મુખ્ય વિલન હતો. હીરોને સમાંતર મારો રોલ હતો."

"એ ફિલ્મમાં ભૂમિકા ભજવવા મેં હા પાડી તો મને કહેવામાં પણ આવ્યું કે એવુંય થાય ભવિષ્યમાં કે તમને યંગ વિલન તરીકે આગળ જતાં રોલ ન મળે અને આ પ્રકારના જ મોટી ઊંમરના રોલ વધુ મળે. પણ એવું થયું નહીં. મેં યંગ વિલન તરીકે જ ઘણા રોલ કર્યા."

બીબીસી ગુજરાતી

"તું બહુ ભૂંડો માણસ છે, સ્ત્રીઓને હેરાન કરે છે"

વીડિયો કૅપ્શન, Ek Radha Ek Meera અને Khedut Ek Rakshak માટે જાણીતા વિક્રમ અભિનેતા કઈ રીતે બન્યા?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફિરોઝભાઈના જણાવ્યા પ્રમાણે તેમણે 650થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેઓ પાંચ દાયકાથી મુખ્યત્વે ખલનાયક તરીકે જ ભૂમિકાઓ ભજવતા આવ્યા છે. ખલનાયક તરીકે પ્રેક્ષકોની નફરત અંકે કર્યા પછી જાહેર કાર્યક્રમોમાં મહેમાન તરીકે નિમંત્રણ ન મળે કે કોઈ જાહેરમાં ખિજાયું હોય એવા અનુભવ થયા છે? આ સવાલના જવાબમાં ફિરોઝ ઈરાની કહે છે :

"ખલનાયક તરીકે લોકો મને તિરસ્કારની દૃષ્ટિએ જોતા હોય એવા ઘણા પ્રસંગો બન્યા. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં એવું થતું. ગામડાંમાં શૂટિંગ હોય તો લોકો એમ કહેતા કે આ ક્યાંથી આવ્યો? આ આપણી બહેન દીકરીઓને ખૂબ હેરાન કરે છે."

"એક વખત તો એવું થયું કે લોકો મને મારશે જ. હું ફિલ્મ માટે શૉટ આપતો હતો અને મેં જોયું કે હાથમાં ડાંગ(લાકડી) પકડીને કેટલાક લોકો આવી પહોંચ્યા છે."

"મારી સામે ખૂબ તીખી નજરે જોતા હતા. મેં વચ્ચે જ અટકીને ડિરેક્ટરને કહ્યું કે ખમો, હું એક મિનિટ જઈને આવું છું."

"મેં સામેથી એ લોકોને જઈને કહ્યું કે રામ રામ... બધા મજામાં? એટલે ડાંગ લઈને ટટ્ટાર ઊભા હતા તે થોડા હળવા થયા."

તેઓ આ પ્રસંગ અંગે આગળ વાત કરતા કહે છે કે, "પછી મેં કહ્યું કે અમારે આવું બધું કરવું પડે. તો કહે કે આવું બધું શું કરવા કરો છો?"

"મેં કહ્યું કે આવું ન કરીએ તો તમને કેમ મજા આવે? પછી તો એ લોકોને મારી સાથે મજા આવી ગઈ. ટૂંકમાં, આવું થાય ત્યારે લોકો સાથે થોડું ટ્યુનિંગ પણ જમાવવું પડે."

બીજો એક પ્રસંગ જણાવતાં ફિરોઝભાઈ કહે છે કે, "અમે આણંદ પાસેના એક ગામડામાં શૂટિંગ કરતા હતા. એ વખતે ફિલ્મની સ્ક્રિપ્ટ લખાતી ત્યારે નીચે બ્લૂ રંગનો કાર્બન કાગળ રાખવામાં આવતો અને એની નીચે કોરો કાગળ રખાતો હતો."

"જેથી જે સ્ક્રિપ્ટ લખાય તેની બીજી નકલ આપોઆપ તૈયાર થઈ જાય. કાર્બન કૉપીમાં ક્યારેક શબ્દો ઝાંખા હોય તો ન ઉકેલાતા."

"એ વખતે શૂટિંગમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર કાર્બન કૉપી લઈને મારી પાસે આવ્યા. એમાં મારી સામેના પાત્રના ડાયલૉગની લાઇન કંઈક એવી હતી કે - રામનામથી પથ્થર તરે... અને આગળની લાઇન નહોતી વંચાતી. તેમણે મને દેખાડયું. એટલે હું બોલ્યો કે, 'રામનામથી પથ્થર તરે...' હું એટલું બોલ્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો કે '...અને આનું મોઢું જુએ એ જીવતો મરે.' મેં પાછળ ફરીને જોયું તો એક મહિલા હતી."

આ પ્રસંગ અંગે વાત કરતા ફિરોઝભાઈ આગળ જણાવે છે કે, "તેમણે મારી સામે જોઈને કહ્યું કે - હા તને જ કહું છું. તું બહુ ભૂંડો માણસ છે. સ્ત્રીઓને હેરાન કરે છે. આટલું બોલીને એ તો જતી રહી. હું તેમને કશુંક સમજાવું એ પહેલાં તો એ નીકળી ગયાં."

જોકે હવે સમય બદલાયો છે. લોકો હવે ફિરોઝ ઈરાની સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે.

ફિરોઝભાઈ કહે છે કે, "પહેલાં લોકો એમ સમજતા કે હું ખરેખર ખરાબ માણસ છું. પછી ધીરેધીરે લોકોને સમજાયું કે આ તો ફિલ્મ છે. પછી તો લોકોનો પ્રેમ ખૂબ મળતો રહ્યો છે."

બીબીસી ગુજરાતી

“યુવા કલાકારો અને ફિલ્મમેકરો પાસેથી મને ઘણું શીખવા જેવું લાગે છે”

2010 પછી ગુજરાતી ફિલ્મોમાં શૂટિંગ, એડિટિંગ, ટેકનિક અને કહાણી વગેરે ઘણું બદલાયું છે. ફિરોઝ ઈરાની સિત્તેરના દાયકાથી કામ કરતા આવ્યા છે. ગુજરાતી ફિલ્મોની નવી આબોહવામાં પણ તેઓ કામ કરી રહ્યા છે. જે બદલાવ થયા છે તે તેમને સારા લાગે છે.

આ બાબત અંગે તેઓ કહે છે કે, "હવે ફિલ્મોમાં સ્ટોરી, ડાયલૉગ્સ, ટેકનિક, પર્ફોર્મન્સ વગેરે ચીજો પર ખૂબ મહેનત થાય છે."

"પહેલાંના વખતમાં અમને ડાયલૉગ કે સ્ક્રિપ્ટ ક્યારેય આગોતરાં મળતાં જ નહોતાં. અમે જ્યારે સેટ પર જઈએ ત્યારે જ ડાયલૉગ મળતા હતા."

"એ વખતે માત્ર ભૂમિકા જ સોંપાતી કે તારો રોલ ખલનાયકનો છે, તારો દીકરીના પિતાનો રોલ છે. તારો રોલ હીરોઇનની બહેનપણીનો છે વગેરે."

"અત્યારે એવું નથી. અત્યારે તો સ્ક્રિપ્ટ મળે છે અને પાત્રની તૈયારી કરવા માટે પૂરતો સમય મળે છે. જે રીતે નવા ફિલ્મમેકર અને તેમની ટીમ તૈયાર થઈને આવે છે એ જોઈને મને એમ થાય છે કે યંગ લોકો પાસેથી મારે ઘણું શીખવાનું છે."

મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પણ થિયેટરમાં જઈને ફિલ્મ માણતા હતા. હવે મલ્ટીપ્લેક્સમાં ટિકિટના દર એટલા ઊંચા થઈ ગયા છે કે એ વર્ગને ટિકિટો પરવડતી નથી એવું કહેવાય છે.

ફિરોઝ ઇરાની માને છે કે ટિકિટના દર સસ્તા થવા જોઈએ જેથી દરેક વર્ગના લોકો ફિલ્મોને માણી શકે.

બીબીસી ગુજરાતી

રણજિતરાજ, વિક્રમ ઠાકોર અને સંજીવકુમાર વિશે ફિરોઝ ઇરાનીએ શું કહ્યું?

હિન્દી ફિલ્મોના અભિનેતા સંજીવકુમારની એક ગુજરાતી ફિલ્મ આવી હતી, જિગર અને અમી(1970). જેમાં ફિરોઝ ઈરાનીએ તેમના નાના ભાઈની ભૂમિકા ભજવી હતી.

ફિરોઝભાઈ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કરતા કહે છે કે, "શરૂઆતમાં કૅમેરાનો સામનો કરતી વખતે હું વધારે સભાન થઈ જતો હતો. કૅમેરા સામે સહજ કેમ રહેવું એની સમજ મને સંજીવકુમાર પાસેથી મળી હતી."

"તેમણે મને બેસાડીને સમજાવ્યું કે તું જેમ નાટકમાં કામ કરે છે તેમ જ અહીં કામ કર. કૅમેરા સામે સભાન નહીં થવાનું. જે બાબત ધ્યાનમાં રાખવાની છે તે એ કે કૅમેરા ફેસ કઈ રીતે કરવો, લાઇટ કઈ રીતે ચહેરા પર આવવા દેવી, એ થોડું સમજી લેવાનું."

"સંજીવકુમાર નાટકો કરીને ફિલ્મોમાં આવ્યા હતા. મારા પિતાને ખૂબ માન આપતા હતા. મને કહેતા કે તારા પિતા તો નાટકોના મોટા પ્રોડ્યૂસર છે."

ભૂરી આંખોવાળા ગુજરાતી ફિલ્મનાં ચોકલેટ બૉય ગણાતા રણજિત રાજ સાથે ફિરોઝ ઈરાનીએ ‘વીર રામવાળો’, ‘મહીસાગરને આરે’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું.

રણજિત રાજના પિતા માસ્ટર ગોરધને ફિરોઝ ઈરાનીના પિતાની નાટક કંપનીમાં કામ કર્યું હતું.

ફિરોઝ ઈરાની રણજિત રાજને યાદ કરતાં કહે છે કે, "અમારી વચ્ચે સારી દોસ્તી હતી. બહુ ભલો માણસ હતો. નાની વયે જતો રહ્યો."

વિક્રમ ઠાકોર સાથે પણ ફિરોઝ ઈરાનીએ કેટલીક ફિલ્મો કરી છે. ફિરોઝ ઇરાની કહે છે કે, "વિક્રમ ઠાકોરનો દર્શકવર્ગ ખૂબ મોટો છે. તેની લોકચાહના ખૂબ છે. તમે ક્યાંય પણ જશો અને વિક્રમનું નામ લેશો એટલે લોકો એમ નહીં કહે કે આ વિક્રમ કોણ?"

" વિક્રમ ઠાકોરનો પ્લસ પૉઇન્ટ એ છે કે તેની સાથે કામ કરનારો કોઈ ફિલ્મ પ્રોડ્યૂસર ખોટમાં નથી રહ્યો."

"બીજી વાત એ છે કે વિક્રમ સ્વભાવે ખૂબ સરળ છે. તે પણ એ વાતની ચીવટ રાખે છે કે મારો પ્રોડ્યૂસર પૈસા ન ગુમાવે."

અહીં એ વાત પણ નોંધનીય છે કે હિન્દી ફિલ્મોનાં અભિનેત્રી અરુણા ઈરાની ફિરોઝ ઈરાનીનાં બહેન છે, તેમજ ‘દિલ’, ’બેટા’, ‘રાજા’, ‘ઇશ્ક’ વગેરે હિન્દી ફિલ્મો બનાવનાર ઇન્દ્રકુમાર તેમનાં ભાઈ છે.

ફિરોઝ ઇરાનીએ ‘આતંક હી આંતક’, ‘લશ્કર’ વગેરે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે કાજોલ, જેકી શ્રોફ અને અતુલ અગ્નિહોત્રીને ચમકાવતી હિન્દી ફિલ્મ ‘હોતે હોતે પ્યાર હો ગયા’નું ડિરેક્શન પણ કર્યું છે.

રેડ લાઇન
રેડ લાઇન