'મિસ્ટર ઇન્ડિયા'ના 'કૅલેન્ડર' સતીશ કૌશિકે જ્યારે કહ્યું 'કૉમેડી જ પહેલો પ્રેમ છે'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
લોકપ્રિય ફિલ્મનિર્માતા અને અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે નિધન થયું છે.
સતીશ કૌશિકના ભત્રીજા નિશાન કૌશિકે બીબીસી હિન્દીને જણાવ્યું છે કે સતીશ કૌશિક હોળીની ઉજવણી કરવા ગુરુગ્રામમાં એક મિત્રના ઘરે ગયા હતા અને ત્યાં તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો.
ત્યારબાદ તેમને ફોર્ટિસ હ#સ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નથી.

સતીશ કૌશિકનું મનમોજીપણું

ઇમેજ સ્રોત, Getty Images
2005ની વાત છે. બે વર્ષ પહેલાં સતીશ કૌશિકે દિગ્દર્શક તરીકે તેમની સૌથી મોટી હિટ ફિલ્મ 'તેરે નામ' બનાવી હતી અને ત્યારબાદ તેમની નવી ફિલ્મ 'વાદા' બૉક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી.
એ દિવસોમાં હું 'સ્ટાર ન્યૂઝ' ચૅનલના સૌથી જુનિયર રિપોર્ટર હતો અને થોડા મહિના માટે પોસ્ટિંગ મુંબઈમાં હતું. જો તમારી પાસે સવારની સંપાદકીય બેઠકમાં કોઈ સ્ટોરી-આઈડિયા ન હોય તો અસાઇનમેન્ટ ડેસ્ક તમને એક કામ સોંપી દેતું જે સાંજ સુધી કરવાનું હતું.
તે દિવસે સતીશ કૌશિકનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો. રાજીવ મસંદ બોલિવૂડ કવરેજ ટીમના ચીફ હતા અને તેમણે માત્ર એક કલાકમાં અમારા માટે આ ઇન્ટરવ્યૂ ફિક્સ કરી દીધો હતો.

ઇમેજ સ્રોત, @SATISHKAUSHIK2
સતીશ કૌશિકને મુંબઈના જૂહુ વિસ્તારમાં મળવાનું હતું અને 'મિસ્ટર ઈન્ડિયા'ના 'કૅલેન્ડર'ને મળવાની મારા મનમાં એક અજીબ ખુશી હતી.
બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ તેમની ઑફિસમાં પ્રવેશ્યા પછી રિસેપ્શન પર રાહ જોતા હતા ત્યાં જોયું કે એક માણસને ચર્ની રોડની પ્રખ્યાત 'તિવારી સ્વીટ્સ'ના બે મોટા પેકેટ લઈને અંદર જતો જોયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચ મિનિટ બાદ અંદર ગયો તો સતીશ કૌશિકે ઉપર જોયું અને કહ્યું, "દીકરા, પહેલા કંઈક ખાઈ-પી લે, પછી નિરાંતે વાતો કરીશું."
ટેબલ પર સફેદ કાચની બે-ત્રણ પ્લેટ પર ખાસ્તા અને કચોરી રાખેલી હતી, જેને સતીશ કૌશિક સૂકી ભાજી સાથે ખાઈ રહ્યા હતા.
અમને પણ ખવડાવી અને પોતે વાતચીતની શરૂઆત કરતા કહ્યું, "યાર, અમે રહ્યા પંજાબ-દિલ્હીના. હવે મુંબઈમાં ત્યાંનું જ ખાવાનું શોધતા રહીએ છીએ. જ્યારે દિલ્હીની કિરોડીમલ કૉલેજમાં ભણતા હતા ત્યારે અમે દર અઠવાડિયે કરોલબાગવાળી 'રોશન દી કુલ્ફી' દુકાને બસ પકડીને જતા. ત્યાં ચના-ભટુરા ખાતા. યાર, શું સ્વાદિષ્ટ બનાવે છે!"

'જાને ભી દો યારોં' માટે ટ્રૉફી જીતી

ઇમેજ સ્રોત, NFDC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમની ઑફિસમાં વૈષ્ણો દેવીની તસવીર રાખવામાં આવી હતી, પાછળ "તેરે નામ"નું પોસ્ટર હતું અને 'જાને ભી દો યારોં' માટે જીતેલી ટ્રૉફી પણ હતી.
તેમણે કહ્યું હતું, "મેં જાને ભી દો યારોં માટે ડાયલૉગ્સ લખ્યા ત્યારે મને ખબર નહોતી કે તેને આટલું મોટું ક્લાસિક સ્ટેટસ મળશે. અમે એનએસડી અથવા એફટીઆઈઆઈમાં શીખ્યા તેવું કંઈક કરી રહ્યા હતા".
મને યાદ છે કે મેં તેમને કહ્યું હતું કે, "સર, મેં છ-સાત વાર મિસ્ટર ઈન્ડિયા જોઈ છે કારણ કે તેમાં તમારું કૅલેન્ડરવાળું અને અમરીશ પુરીનું મોગેમ્બોવાળું પાત્ર અદ્ભુત હતું."
સતીશ કૌશિક હસવા લાગ્યા અને બોલ્યા, "યાર, હું તો સલીમ-જાવેદ સાહેબે લખ્યું હતું તે પ્રમાણે અભિનય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આમ તો હું કોમેડિયન બનવા માટે જ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો."
"કારણ કે મને મેહમૂદ સાહેબ અને જૉની વૉકર સાહેબ ખૂબ ગમતા હતા. મારા દિલમાં ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ હતો કે હું પણ લોકોને હસાવી શકું છું. ડાયરેક્ટર તો હું પછીથી બન્યો. મારો પહેલો પ્રેમ કૉમેડી જ છે દોસ્ત."
સલીમ-જાવેદનું આ એક સાથે છેલ્લું કામ હતું. કહેવાય છે કે આ પછી જ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો.

સતીશ કૌશિકને દિલ્હીની ખાણીપીણી બહુ પસંદ હતી

ઇમેજ સ્રોત, @SATISHKAUSHIK2
સતીશ કૌશિકની એક ખાસ વાત એ હતી કે તેઓ દિલ્હીમાં વિતાવેલા તેમનાં વર્ષોને વારંવાર યાદ કરતા હતા.
હું પણ દિલ્હીમાં ભણ્યો છું એ જાણીને તેમણે પૂછ્યું, “ખાવા-પીવાનો શોખ છે?” મેં કહ્યું, "હા".
પછી પૂછ્યું, "હવે મને દિલ્હીની પાંચ ફેવરિટ રેસ્ટોરાં કહો".
હું ગણતરી કરી શકું તે પહેલાં જ તેમણે પોતે કહ્યું, "ઠીક છે છોડો, મારી વાત સાંભળો. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના દિવસોમાં અમે જૂની દિલ્હીથી અથવા પહાડગંજની હોટલમાંથી ફૂડ પૅક કરીને મગાવતા હતા. કેટલું સરસ બનાવે છે યાર."
"ઉપર થી દેશી ઘી નાખે છે. ઓહ હો! આજે પણ જો મને તક મળે તો હું દિલ્હીમાં છૂપી રીતે મગાવીને ખાઈ લઉં છું. યાર, હવે એમ ન કહેશો કે મારું વધેલું વજન તેના કારણે છે."
આટલું કહીને સતીશ કૌશિક જોરથી હસી પડ્યા.
અજીબોગરીબ સંયોગ છે કે 18 વર્ષ પહેલાંની એ મુલાકાત પછી જ્યારે પણ મારે તેમને ત્રણ વાર મળવાનું થયું, તે દિલ્હી ઍરપોર્ટ પર જ થયું.
ગયા વર્ષે મારે આસામની ફ્લાઇટ લેવાની હતી અને તેઓ મેંબર્સ લાઉન્જના ખૂણામાં બેસીને તેમના ચાહકો સાથે સેલ્ફી પડાવી રહ્યા હતા.
દસેક મિનિટ રાહ જોયા પછી મેં તેમને 'વાદા' વખતેની મુલાકાતની યાદ અપાવી.
સતીશ કૌશિકે કહ્યું, "અરે છોડો એ બધું યાર. વિચારું છું કે "તેરે નામ-2" બનાવી નાખું. દિલ્હીમાં પણ શૂટિંગ કરીશું તો વધુ મજા આવશે."
દિલ્હી પ્રત્યેનો તેમનો પ્રેમ અમર્યાદ હતો. એ જ દિલ્હીમાં સતીશ કૌશિકે અંતિમ શ્વાસ લીધા હતા.

ઇમેજ સ્રોત, @SATISHKAUSHIK2
સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કરતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું, "મૃત્યુ એ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ મેં સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત લખવી પડશે. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ! તમારા વિના જીવન ક્યારેય પહેલાં જેવું નહીં રહે, ઓમ શાંતિ!"
સતીશ કૌશિકના અકાળે નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. જાણીતા ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે, "અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિક જીના અવસાનથી હું આઘાતમાં છું. કૌશિક એક મહેનતુ વ્યક્તિ હતા. તેમના લાખો ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમને બહુ યાદ કરશે. મારા તરફથી નમ્ર શ્રદ્ધાંજલિ.”
સતીશ કૌશિકે બે દિવસ પહેલાં હોળી રમતા તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કૌશિક જાણીતા ગીતકાર જાવેદ અખ્તરના ઘરે હોળી રમતા જોવા મળ્યા હતા.
સતીશ કૌશિક હોળી રમતા ટ્વિટર પર પોસ્ટ કરેલી તસવીરમાં તેઓ જાવેદ અખ્તર, રિચા ચઢ્ઢા, મહિમા ચૌધરી અને અલી ફઝલ સાથે જોવા મળ્યા હતા.
સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ થયો હતો. કૌશિક અભિનેતા, નિર્માતા, કોમેડિયન અને પટકથાલેખક હતા.
તેઓ કિરોડીમલ કૉલેજમાંથી સ્નાતક થયા હતા અને બાદમાં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો. કૌશિકે જે ફિલ્મોમાં અભિનય કર્યો તેમાં રામ લખન, સાજન ચલે સસુરાલ, જાને ભી દો યારો અને મિસ્ટર ઇન્ડિયાનો સમાવેશ થાય છે.














