સંજીવકુમાર : 'ઘરડા થવું નસીબમાં નથી એટલે રોલ ભજવીને અરમાન પૂરા કરું છું'

ઇમેજ સ્રોત, DINODIA PHOTOS/GETTY IMAGE
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લા દોઢેક દાયકાથી હવે ફિલ્મોના કલાકારો પ્રયોગશીલ અને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવતા થયા છે. બાકી નેવુંના દાયકા સુધી તો અભિનેતાઓ ઇમેજથી વિપરીત ભૂમિકા ભજવતાં ખચકાતા હતા.
જોકે, આ બધાની વચ્ચે હરિહર જરીવાલા ઉર્ફે સંજીવકુમાર એવા કલાકાર હતા કે તેમણે ક્યારેય આવી કોઈ ભેદરેખા કે લક્ષ્મણરેખાને માની જ નહોતી. પોતાનાથી ડબલ ઉંમરના વયસ્કના રોલ પણ તેમણે કર્યા. જે હીરોઈનના હીરો તરીકે તેમણે ભૂમિકા ભજવી એના જ સસરાની ભૂમિકા પણ તેમણે ભજવી છે.
પચાસની ઉંમર પણ પૂરી ન કરનારા સંજીવકુમારે એક જીવનમાં કેટકેટલાય ભવ ભજવી જાણ્યા હતા.
ગુલઝારની ફિલ્મ કોશિશ (1972)માં સંજીવકુમારે જયા બચ્ચનના પતિની ભૂમિકા ભજવી હતી. પરિચય (1972)માં જયા બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી હતી. આ બંને ફિલ્મો એક જ વર્ષે રજૂ થઈ હતી. એ પછી શોલે (1975)માં સંજીવકુમાર જયા બચ્ચનના સસરા બન્યા હતા.
ફિલ્મ નયા દીન નઈ રાત(1974)માં તેમણે જયા બચ્ચનની સાથે નવ અલગ-અલગ ભૂમિકા ભજવી હતી. કોઈ એક જ હીરોઈન સાથે આટઆટલા પરિમાણવાળી ભૂમિકા ભજવવી એ દર્શાવે છે કે સંજીવકુમાર થિન્કિંગ ઍક્ટર હતા.
અમદાવાદમાં રહેતા ફિલ્મ આસ્વાદક લલિત લાડ કહે છે કે, "આ ફિલ્મોમાં તમને જયા બચ્ચનનો ગ્રાફ લગભગ એકસરખો જ લાગશે, પણ સંજીવકુમારમાં જે અભિનય વૈવિધ્ય ભરેલું છે તે તરત ઊડીને આંખે વળગે છે. આ પ્રકારનું કૌશલ્ય અને ક્ષમતા જડવા મુશ્કેલ હોય છે."

'ઘરડા થવાનું મારા નસીબમાં નથી એટલે વડીલોના રોલ ભજવીને અરમાન પૂરાં કરું છું'

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS
સંજીવકુમારને ઍક્ટર તરીકે યાદ કરો એટલે તેમણે ભજવેલા આધેડ કે વડીલનાં પાત્રો જ મનમાં કદાચ સૌપ્રથમ આવે. પછી તે ત્રિશૂલનો રોલ હોય કે આંધીનો રોલ હોય કે ફિલ્મ મૌસમ લઈ લો કે શેના ઠાકુરને જોઈ લો. જુવાનવયે તેમણે ધોળા માથાના માનવીના રોલ ભજવ્યા હતા.
લલિત લાડ કહે છે કે, "દિલીપકુમારે પણ વડીલના રોલ તેઓ વડીલ થયા પછી ભજવ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિનેત્રી તબસ્સુમે એક વખત સંજીવકુમારને કહ્યું હતું કે, વયોવૃદ્ધ ભૂમિકા ભજવવાની તમને આટલી ચાહત કેમ છે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, ઘરડા થવાનું મારા નસીબમાં નથી એટલે ફિલ્મોમાં વડીલોના રોલ ભજવીને વૃદ્ધ થવાના અરમાન પૂરા કરી રહ્યો છું.
એ વાત સાચી પણ પડી. સંજીવકુમારનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર 47 વર્ષ હતી.
અભિનેતા એ. કે. હંગલ અને સંજીવકુમાર વચ્ચે ખૂબ આત્મીય સંબંધ હતા. સંજીવકુમારનો અભિનયની દુનિયામાં જે ઘાટ ઘડાયો તેમાં હંગલની ભૂમિકા મશાલચી જેવી હતી. એ. કે. હંગલ ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન) સાથે સંકળાયેલા હતા. તેમાં નાટકો ડિરેક્ટ કરતા હતા.
તેલુગુ નાટક ભયમ્ પરથી તેમણે ડમરુ નામનું નાટક ડિરેક્ટ કર્યું હતું. જેમાં એ વખતે 19 વર્ષનાં સંજીવકુમારે વૃદ્ધનો રોલ ભજવ્યો હતો. એ નાટકમાં સંજીવકુમાર વૃદ્ધના રોલમાં પરકાયાપ્રવેશ કરી લે એ પછી દર્શકો થાપ ખાઈ જતા હતા કે આ કોઈ જુવાનિયાએ રોલ ભજવ્યો છે.
એ વખતે સંજીવકુમારે હંગલને કહ્યું હતું કે તમને ખબર છે કે હું જુવાન છું, છતાં મને વૃદ્ધનો રોલ કેમ આપ્યો? આ ભૂમિકા પછી મને યુવા તરીકે કોણ કામ આપશે?
હંગલે તેમને કહ્યું હતું કે, "હું તને જુવાનનો રોલ આપત તો તું કાયમ માટે હીરો બની જાત. તું ક્યારેય ઍક્ટર ન બની શકત. ઍક્ટરનું જીવન હીરો કરતાં લાંબું હોય છે. એક સારો અભિનેતા હંમેશાં પાત્રનું ઊંડાણ જુએ છે નહીં કે તેની લંબાઈ કે કિરદારની ઉંમર."
હંગલની આ વાત સંજીવકુમારે ગાંઠ વાળીને સાચવી રાખી હતી અને ફિલ્મોમાં પણ વૃદ્ધના ઘણા રોલ કર્યા જે યાદગાર બની ગયા છે.
આ પ્રસંગ સંજીવકુમારની જીવનકથા વર્ણવતાં પુસ્તક 'એન ઍક્ટર્સ ઍક્ટર'માં વર્ણવાયો છે. હનીફ ઝવેરી અને સુમંત બત્રાએ લખેલા આ અંગ્રેજી પુસ્તકમાં સંજીવકુમારના જીવવના ઘણા પ્રસંગો છે.

સુરતમાં ડુમસના દરિયાકાંઠે સાડી પહેરીને સંજીવકુમારે દશ મિનિટનું નાટક ભજવ્યું

ઇમેજ સ્રોત, ANJOO MAHENDRU
સુરત શહેર સાથે સંજીવકુમારને ખૂબ લગાવ રહ્યો હતો. સુરતમાં કૉર્પોરેશને તેમના નામે એક ઑડિટોરિયમ બાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી છે.
સંજીવકુમારનો જન્મ 9 જુલાઈ, 1938ના રોજ મુંબઈના ઉપનગર સાન્તાક્રૂઝની મોઝેશ હૉસ્પિટલમાં બપોરે અઢી વાગ્યે થયો હતો. પિતા જેઠાલાલે તેમને હરિહર નામ આપ્યું હતું અને પુત્રજન્મની ભવ્ય પાર્ટી સુરતમાં યોજી હતી. ફિલ્મોમાં તેઓ સંજીવકુમાર તરીકે મશહૂર થયા હતા.
એન ઍક્ટર્સ ઍક્ટરમાં ઉલ્લેખ છે કે, મુંબઈના હરિભાઈ અને સુરતના હરિભાઈ બે અલગ વ્યક્તિત્વ હતાં. સુરતમાં તેઓ એકદમ મનમોજી હતા. હરિભાઈને ક્રિકેટ અને ટેબલ ટેનિસમાં પણ રસ હતો.
સુરતની મોટી શેરી ક્રિકેટ ક્લબના એ વખતના કૅપ્ટન રમેશ બાબુભાઈ પટેલ હતા. તેઓ કહે છે કે ઉનાળાના વૅકેશનમાં હરિભાઈ ઍક્સપ્રેસ ટ્રેનથી સુરત આવીને સીધા મારા ઘરે આવતા અને કહેતા કે આખું અઠવાડિયું મૅચ ગોઠવો.
સુરતમાં હાલ સ્ટેશન છે, ત્યાં સુલેમાન ગ્રાઉન્ડ હતું, જ્યાં સંજીવકુમાર મિત્રો સાથે મૅચ રમતા હતા. સુરતમાં હરિભાઈના નિકટના મિત્રો પણ ઘણા હતા.
રમેશભાઈ સંભારે છે કે એક વખત ડુમસના દરિયાકાંઠે હરિએ સ્કિટ - દસ મિનિટનું નાનું નાટક ભજવ્યું હતું. જેમાં તેણે સાડી પહેરી હતી. એ પર્ફૉર્મન્સ અમને યાદ રહી ગયું હતું.

સંજીવકુમાર ફિલ્મ સરસ્વતીચંદ્રમાં મુખ્ય ભૂમિકામાંથી કેમ પડતા મુકાયા?

ઇમેજ સ્રોત, ANJOO MAHENDRU
સંજીવકુમાર કોઈ ગૉડફાધર વગર આપબળે આગળ આવ્યા હતા. તેમના પરિવારમાં તેઓ એક માત્ર હતા, જેમણે ફિલ્મોમાં ખેડાણ કર્યું હોય.
તેમણે નાટકોમાં નાના-નાના રોલથી અભિનયનો કક્કો ઘૂંટ્યો હતો. નવાઈની વાત તો એ છે કે સંજીવકુમારને ભારતીય સિનેમા ઇતિહાસના ઉત્તમ અભિનેતાઓમાં ગણવામાં આવે છે. પણ તેમની શરૂઆત સી-ગ્રેડની સ્ટન્ટ ફિલ્મોથી થઈ હતી. એક વખત તમે સી-ગ્રેડની ફિલ્મો કરો પછી એ-ગ્રેડની ફિલ્મમાં કામ મેળવવું અઘરું બની જતું હોય છે.
ગોવર્ધનરામ ત્રિપાઠીની ગુજરાતી ક્લાસિક નવલકથા સરસ્વતીચંદ્ર પરથી નૂતન અને મનીષને ચમકાવતી ફિલ્મ બની હતી. જેનાં ગીતો આજે પણ લોકો રસપૂર્વક સાંભળે છે. એ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પહેલી પસંદગી સંજીવકુમાર હતા.
થયું એવું કે સરસ્વતીચંદ્ર ફિલ્મના ડિરેક્ટર ગોવિંદ સરૈયાએ સંજીવકુમારનું એક ગુજરાતી નાટક જોયું અને અભિનયથી અભિભૂત થયા હતા. નાટક પૂરું થયા પછી તેઓ પડદા પાછળ બૅકસ્ટેજમાં જઈને સંજીવકુમારને શુભેચ્છા આપી અને કહ્યું હતું કે હું તમને મારી ફિલ્મ સરસ્વતીચંદ્રમાં લેવા ઇચ્છું છું. સંજીકુમારે પણ હા પાડી દીધી. પછી એ ફિલ્મનું શૂટિંગ આર્થિક કારણસર શરૂ થઈ શક્યું નહોતું.
એ દરમિયાન સંજીવકુમારે કેટલીક સ્ટન્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જ્યારે સરસ્વતીચંદ્રનું શૂટિંગ શરૂ થયું અને સંજીવકુમારને જાણ થઈ કે ફિલ્મના કલાકારો બદલાઈ ગયા છે, તેમની અને નિમ્મીની જગ્યાએ હવે મનીષ અને નૂતનને સાઇન કરવામાં આવ્યાં છે.
સંજીવકુમાર ઉતાવળે પગલે ડિરેક્ટર સરૈયાને ત્યાં ગયા અને પૂછ્યું કે આવું કેમ કર્યું? સરૈયાએ કહ્યું કે તમારી ઇમેજ હવે સ્ટન્ટ ફિલ્મની છે અને સ્ટન્ટ ઍક્ટરને હું સરસ્વતીચંદ્રમાં સાઇન કરું તે શક્ય નથી.
વર્ષો પછી સરૈયાને સરસ્વતીચંદ્ર ફિલ્મ ગુજરાતીમાં બનાવવાની ઇચ્છા થઈ હતી. એ વખતે સંજીવકુમાર હિન્દી ફિલ્મજગતમાં મોટું નામ હતા. સરૈયાએ જ્યારે સંજીવકુમારનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે એમ કહીને ના પાડી દીધી હતી કે હિન્દી ફિલ્મનો અભિનેતા અન્ય ભાષાની ફિલ્મ ન કરી શકે, કેમ કે તેની ઇમેજ પર અસર થાય.

જ્યારે સંજીવકુમારે અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવ્યો

ઇમેજ સ્રોત, ANJOO MAHENDRU
સંજીવકુમારના પરિવારમાં તેમના નજીકના લોકો પચાસની ઉંમર વટાવ્યા વગર ગુજરી ગયા હતા. તેમના પિતા જેઠાલાલ 47 વર્ષની વયે હાર્ટઍટેકના કારણે ગુજરી ગયા હતા. એ વખતે સંજીવકુમારની ઉંમર 11 વર્ષ હતી. સંતાનોમાં એ જ સૌથી મોટા હતા.
પિતાના અવસાન પછી ઘરની તમામ જવાબદારી સંજીવકુમારનાં મમ્મી શાંતાબહેન પર આવી પડી હતી. સંતાનો સાથે એકલી રહેતી મહિલા માટે મુંબઈમાં જીવવું એક પડકાર હતો.
તેમના પરિવારે શાંતાબહેનને ગુજરાત આવી જવા કહ્યું હતું, પણ તેઓ માનતાં હતાં કે તેમનાં સંતાનોને મુંબઈમાં જે તક મળશે તે ગુજરાતમાં કદાચ નહીં મળે.
સાંતાક્રૂઝમાં તેમનું મોટું ઘર હતું. જેઠાલાલના અવસાન પછી પરિવારની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી અને તેઓ તળમુંબઈના ભૂલેશ્વર વિસ્તારની ચાલીમાં રહેવા આવી ગયા હતા, જ્યાં ગુજરાતીઓની વસતી હતી. સાંતાક્રૂઝમાં હતા ત્યારે સંજીવકુમાર ઉપનગર ખારની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા હતા.
ભૂલેશ્વર રહેવા ગયા પછી ગુજરાતી માધ્યમની નાણાવટી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. સંજીવકુમારની અંદર જે અભિનયનો સળવળાટ હતો તેની પરખ તેમને નાણાવટી સ્કૂલમાં થઈ અને એ સળવળાટ પછી સડસડાટ આગળ વધ્યો, તેમાં પણ એ સ્કૂલ અને તેમના શિક્ષક છોટુભાઈ હીરાલાલ ઈંટવાળાએ મોટી ભૂમિકા ભજવી હતી.
હરિહર એટલે કે સંજીવભાઈ ભૂલેશ્વરમાં એક રૂમના ઘરમાં ચાર જણા રહેતા હતા. તેમની શાળાના શિક્ષક છોટુભાઈ ઈંટવાળાએ શાળામાં જ તેના માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.
શાળા પૂરી થયા પછી હરિહર ત્યાંના સ્ટુડન્ટ્સ રૂમમાં બેસીને પોતાનું હોમવર્ક કરી શકતો હતો. હરિભાઈ જરીવાલા સંજીવકુમાર બન્યા તેમાં પણ ઈંટવાળાસાહેબ પાયાની ઈંટ બન્યા હતા. ઈંટવાળા શાળામાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા તેમજ ડ્રામેટિક્સ એટલે કે નાટ્યશાસ્ત્ર પણ ભણાવતા હતા. ઈંટવાળાને અને હરિહર બંનેને નાટકનો જબરો ચસકો હતો.
સંજીકુમારે શાળાના દિવસો દરમિયાન ફિલ્મ બૈજૂબાવરા (1952) જોઈ હતી. એ પછી સતત એની જ વાતો કર્યા કરતા હતા. મીનાકુમારી તેમનાં ગમતાં અદાકારા હતાં. પોતાને ફિલ્મમાં અભિનય કરવાનો ઉજમ છે એ વાત તેમણે મમ્મી શાંતાબહેનને ક્યારેય કહી નહોતી.
જોકે, તેમનાં મમ્મી એ પારખી ગયાં હતાં અને શાળામાં જઈને શિક્ષક છોટુભાઈ ઈંટવાળાને તેમણે કહ્યું હતું કે, "શિક્ષકો વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવે છે અને તમે તો મારા બાળકનું ભવિષ્ય રોળવી રહ્યા છો. હું મારા બાળકને શિક્ષણ માટે તમારે ત્યાં મોકલું છું અને તમે તેને અભિનય માટે પ્રોત્સાહિત કરો છો? શું તે પૃથ્વીરાજ કપૂરનો દીકરો છે? તેને કોણ અભિનયમાં તક આપશે? અમે આર્થિક રીતે સાધારણ લોકો છીએ, આવાં સપનાં અમને ન પરવડે."
શાંતાબહેનની વાત સાંભળીને ઈંટવાળાએ કહ્યું કે, "શું તમારો દીકરો ભણવામાં નબળો છે? શું તે ક્લાસ ગૂપચાવે છે? શાળાના ગુણીય વિદ્યાર્થીઓમાંનો તે એક છે અને આચાર્ય સહિતના શિક્ષકોનો પણ પ્રિય છે."
"તમારો દીકરો યોગ્ય દિશામાં છે. તે સારો વિદ્યાર્થી ઉપરાંત સારો ઍક્ટર પણ છે. ડ્રામાના ટીચર તરીકે મારી એ પણ જવાબદારી બને છે કે હું તેને અભિનય માટે પ્રોત્સાહિત કરું."
એ પછી 1981માં જ્યારે નાણાવટી વિદ્યાલયે પોતાનો વાર્ષિક શરદોત્સવનો કાર્યક્રમ યોજ્યો, ત્યારે સંજીવકુમાર ખ્યાતનામ અભિનેતા થઈ ચૂક્યા હતા અને કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે તેમણે પોતાના શિક્ષકોને યાદ કરીને આભાર પ્રકટ કર્યો હતો. આ પ્રસંગ હનીફ ઝવેરી અને સુમંત બત્રાના પુસ્તકમાં સરસ ઝીલાયો છે.

તો કદાચ ફિલ્મ 'ગીત ગાયા પત્થરોંને'માં જિતેન્દ્રને બદલે સંજીવકુમાર હોત

ઇમેજ સ્રોત, ANJOO MAHENDRU
સંજીકુમારનું પહેલું ગુજરાતી નાટક છૂટાછેડા હતું જે લોકપ્રિય થયું હતું અને કલાકાર તરીકે સંજીકુમારનું નામ ઊંચકાયું હતું. સંજીવકુમાર ગુજરાતી નાટક 'કોઈનો લાડકવાયો'માં અભિનય કરતા હતા, એ વખતે પુરુષ કલાકારોને મહેનતાણાપેટે એક શોના 35 રૂપિયા મળતા હતા.
સંજીવકુમારે ડિરેક્ટર પ્રવીણ જોષીને કહ્યું હતું કે મારી પાસે કમાણીનું બીજું કોઈ સાધન નથી અને હું શોદીઠ 50 રૂપિયા લઈશ. તેમની આર્થિક અગવડ અને ઍક્ટર તરીકેનું સામર્થ્ય જોઈને પ્રવીણ જોષી તેમને 50 રૂપિયા આપવા મંજૂર થયા હતા.
સંઘર્ષના દિવસોમાં ફિલ્મ મેળવવા માટે સંજીકુમાર જ્યારે એક સેટથી બીજા સેટ ધક્કા ખાતા હતા, ત્યારે તેમની પાસે પહેરવાલાયક કહી શકાય એ કપડાંમાં બે જોડી કુર્તા પાયજામા હતા. જે સંજીવકુમાર રોજ રાત્રે ધોતા જેથી બીજા કે ત્રીજા દિવસે પહેરી શકાય.
સંજીવકુમાર કુર્તા પાયજામા પહેરીને ફિલ્મોમાં કામ મેળવવા જતા તો કેટલાક ફિલ્મમેકરને તેમનું ડ્રેસિંગ જ ગળે ઊતરતું નહોતું. જેમ કે, ડિરેક્ટર વી. શાંતારામ ફિલ્મ 'ગીત ગાયા પત્થરોંને' (1864) બનાવી રહ્યા હતા. એ વખતે સંજીવકુમારને પણ બોલાવવામાં આવ્યા હતા. સંજીકુમાર કુર્તા પાયજામો પહેરીને ગયા હતા. એ જોઈને શાંતારામને થયું કે આ કુર્તા પાયજામા પહેરીને આવેલો માણસ મારી ફિલ્મમાં કૉમેન્ટિક હીરોની ભૂમિકાને ન્યાય નહીં આપી શકે. એ પછી તેમણે જિતેન્દ્રને લઈને ફિલ્મ બનાવી. જે જિતેન્દ્રની પ્રથમ ફિલ્મ હતી.
સંજીવકુમારે પછી પોતાનો દેખાવ બદલ્યો હતો અને લાલ ટીશર્ટ અને સફેદ ટ્રાઉઝર પહેરતા થયા હતા. ફિલ્મોમાં કામ મેળવવા ધક્કા ખાધા પછી પણ કામ ન મળતાં એક તબક્કે સંજીવકુમારે સાબુના ધંધામાં ઝંપલાવાનું પણ નક્કી કર્યું હતું.
ફિલ્મો સાથે સંકળાયેલા સુધીર દળવીએ કહ્યું હતું કે સંજીવકુમાર એક વખત મારી પાસે સાબુની ગોટી લઈને આવ્યા હતા અને કહ્યુ હતું કે, "હવે બસ સાબુનો ધંધો શરૂ કરવો છે."
એ વખતે દળવીએ તેમને સાંત્વના આપીને કહ્યું હતું કે, "હજી થોડો વખત નાટકો કરતા રહો, એક દિવસ તમને સફળતા મળશે." તેમણે ધીરજ રાખી અને ધાર્યું પરિણામ મળ્યું.

હરિહર જરીવાલા કેવી રીતે બન્યા સંજીવકુમાર?

ઇમેજ સ્રોત, ANJOO MAHENDRU
હરિભાઈને લાગતું હતું કે તેમનું જે નામ છે હરિહર જરીવાલા તે ઍક્ટર બનવામાં ક્યાંક માફક નથી આવતું. કોઈ નવા ઍક્ટરનું આ પ્રકારનું નામ તેને માટે બંધબેસતું નથી. એ વખતે ફિલ્મના ઍક્ટર્સ પોતાના નામ પાછળ કુમાર લગાવતા હતા (જેમ કે, રાજેન્દ્રકુમાર, દિલીપકુમાર વગેરે.)
સંજીકુમારની માતાનું નામ શાંતાબહેનના શ - એસ પરથી તેમણે સંજયકુમાર નામ પોતાના માટે પસંદ કર્યું. તેમની ગુજરાતી ફિલ્મ 'રમત રમાડે રામ' અને હિન્દી ફિલ્મ 'આઓ પ્યાર કરેં'માં પડદા પર તેમનું નામ સંજયકુમાર તરીકે રજૂ થયું હતું.
આ દરમિયાન 1964માં સંજય ખાનની ફિલ્મ દોસ્તી રજૂ થઈ અને સુપરહિટ નીવડી હતી. તેથી સંજયકુમાર નામકરણ કરીને સંજીવકુમાર વિમાસણમાં મુકાયા હતા. તેમને થયું કે સંજય નામના બબ્બે ઍક્ટર એક જ સમગયાળામાં હોય તે ઠીક નથી.
એ પછી ફિલ્મ નિશાનમાં તેઓ કામ કરી રહ્યા હતા, ત્યારે ડિરેક્ટર અસ્પી ઈરાનીએ તેમને નામમાં થોડો ફેરફાર કરવા સૂચવ્યું અને સંજયકુમારમાંથી પછી તેમણે સંજીવકુમાર નામ કર્યું. 1965માં ફિલ્મ નિશાનથી તેમનું નામ સંજીવકુમાર તરીકે રજૂ થયું હતું.

સંજીવકુમાર અને તેમની એકલતા

ઇમેજ સ્રોત, ANJOO MAHENDROO
સંજીવકુમાર અંતર્મુખી માણસ હતા. તેમનામાં રમૂજવૃત્તિ ભારોભાર હતી, તો પણ પોતાની દુનિયામાં જ વધુ રચ્યાપચ્યા રહેતા હતા. ફિલ્મનાં અભિનેતાઓ સતત સમાચાર અને પ્રચારમાં રહેવા માટે જનસંપર્ક અધિકારીઓ રાખે છે, એજન્સી રાખે છે. સંજીવકુમારે કોઈ જનસંપર્ક અધિકારી રાખ્યા નહોતા.
સંજીવકુમારના જીવનમાં એકલતા ખૂબ હતી. એ વાત તેમના મિત્રોએ પણ કહી છે.
ફિલ્મ આંધીમાં તેમનો રોલ જોઈ લો કે શર્મિલા ટાગોર સાથેની તેમની ફિલ્મ મૌસમ જોઈ લો. તેમની એ ભૂમિકાઓમાં જે ઠહેરાવ છે તે અભિનેતા તરીકે તેમનું ઊંડાણ દર્શાવે છે.
શું તેમના જીવનમાં જે એકલતા હતી, તે તેમના અભિનયમાં સાંગોપાંગ ઝળકતી હતી? એવો સવાલ પુસ્તક એન ઍક્ટર્સ ઍક્ટર વાંચતી વખતે થાય.
લેખક લખે છે કે, "તેઓ તાણ કે ટેન્શનમાં હોય ત્યારે પોતાનું દુઃખ કોઈ પાસે વ્યક્ત નહોતા કરતા. સિગારેટ અને શરાબ ખૂબ પીતાં. પોતાના મિત્રો સાથે રોજ સાંજે શરાબનો દૌર શરૂ થતો, જે મોડી રાત સુધી ચાલતો હતો."
જાણીતા કવિ રમેશ પારેખની પંક્તિઓ છે કે કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. સંજીવકુમારના જીવનમાં પણ આવી જ એકલતા હતી.
એ એકલતાને પાત્રોમાં વણીને તેમણે એ પાત્રોને અમર કરી દીધા હતા પણ એ જ એકલતા ક્યાંક તેમના મોતનું કારણ બની હતી. છેલ્લા દિવસોમાં તેમણે શરાબ પીવાનું બંધ કરી દીધું, ત્યારે તેમના મિત્રોએ પણ ત્યાં જવાનું છોડી દીધું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













